જિપ્સીની આંખે

1947ની સાલ. ‘સંસ્કૃતિ’નો પહેલો અંક પ્રસિદ્ધ થઈ ગયો હતો. એક રાતે ભાઈ ઉમાશંકર, સ્નેહરશ્મિ અને અમે અલકમલકની વાતો કરતા હતા. વાતવાતમાં મારાથી એક પ્રસંગ કહેવાઈ ગયો. એના ઉપર હાસ્યવિનોદ થયો. એમાંથી હૂંફ મળી. બીજી વાતો નીકળી. ઉમાશંકરે આવા પ્રસંગો લખવાનો આગ્રહ કર્યો. સારા લખાશે તો ‘સંસ્કૃતિ’માં છાપવાની હામી આપી. પરંતુ એમ ઝટ માંહ્યલો માને નહીં. ‘સંસ્કૃતિ’ને કારણે ઉમાશંકરની આત્માયતા બધી ગઈ. એમાંથી મારી શ્રદ્ધાએ બળ મેળવ્યું. બેત્રણ પ્રસંગો લખી તો નાંખ્યા, પણ એ ઉમાશંકરની કસોટીમાં પાર ઊતરશે કે નહીં તેની બીક હતી. દરેક મહિનાની શરૂઆતમાં એઓ ‘સંસ્કૃતિ’ની આખરી રચના માટે અહીં આવે. એક વખત સંકોચપૂર્વક એ લખાણ એમને બતાવ્યું. વિધિનું કરવું કે એમને ગમ્યું. પણ મને સાચા નામે પ્રસિદ્ધ કરવાનો વસવસો થયો. વાચકોને, મિત્રોને આ લખાણ કેવું લાગશે તેની આશંકા હતી. એટલે મારી રખડુ વૃત્તિએ ‘જિપ્સી’ નામ સ્વીકાર્યું. ‘જિપ્સીની આંખે’ એ પ્રસંગાવલિ આ રીતે પ્રકાશ પામી.

જેમ જેમ આ લખાણ પ્રસિદ્ધ થતું ગયું તેમ તેમ એના વાંચકો તરફથી સમભાવની ઉષ્મા મળતી ગઈ. આગળ લખવાની શ્રદ્ધા એથી વધુ દ્રઢ થઈ. પણ એમાંથી એક બીજું કૌતુક થયું. અંદરની ધરતી પર નવું કુરુક્ષેત્ર મંડાયું. સંઘર્ષ જાગ્યો. એ ધરતીને ખૂણેથી આત્મશુદ્ધિનું ઝરણું ફૂટવા મથી રહ્યું હતું. હું એને નીકળતાં રોકવાનો પ્રયત્ન કરી રહ્યો. ત્યારે જ મને અનુભવ થયો કે આદમીની અંદર બે જણ વસે છે: સુંદર અને અસુંદર. આને વિષે શંકા તો ઘણા વખત પહેલાં ગઈ હતી. પરંતુ ઉપાસના વગર અનુભૂતિ ક્યાંથી મળે! એ મથામણમાં આ લખાણોએ મિત્રની જેમ મદદ કરી છે ને હાથ ઝાલ્યો છે. મારામાં ‘જિપ્સી’ જન્મ્યો ના હોત તો જીવનની જરા જેટલીય શ્રી જોવાનું મારું ગજું નહોતું. એટલે એને જીવાડવા-જીરવવા નિષ્ઠાથી પ્રયત્નશીલ રહીશ.

પ્રસંગો તો જીવનમાં બનેલા પડ્યા હતા અઘોરીની જેમ. ક્યારેક કોઈ કાવ્યસત (Poetic Truth) સ્ફુરે ને એની આંગળી ઝાલીને એ પ્રસંગ ઊભો થઈ જાય. બસ આમ બનવા પામ્યું છે. અનુભૂતિ એની ભોં છે. આકૃતિ ઘડતી વખતે કલ્પનાની છૂટછાટ મેં લીધી છે. રંગોની મેળવણી કરી છે. કલમ વાપરતાં ન આવડી હોય તો એમાં અશક્તિ મારી છે. આ લખાણો શરૂ કરતી વખતે આનંદ જ કારણ હતું. લખતાં લખતાં આનંદ અને અંતરાત્માની અનુકંપા એમ બેવડો લાભ મળ્યો છે. વાંચકોને એ વાંચતાં એકલો આનંદ મળશે તોય ધન્ય થઈશ.

‘અમાસના તારા’ નામ પણ ‘જિપ્સી’ની રીતે આવી મળ્યું છે. મૂળ તો શ્રી ધનસુખલાલ મહેતાએ ભાઈ ગુલાબદાસ બ્રોકરની સત્યકથાઓ માટે સૂચવ્યું હતું. ગુલાબદાસે પછી એનું નામ ‘પુણ્ય પરવાર્યું નથી’ રાખ્યું. આ નામ સાંભળ્યું ત્યારથી ગમી ગયું હતું. ‘જિપ્સીની આંખે’ પ્રસિદ્ધ કરવાની વેળા આવી ત્યારે એ નામ આ સંગ્રહની બંધ બેસી ગયું. એક રીતે આ નામ જ આ લખાણના ગુણઅવગુણ, શક્તિઅશક્તિનું નિદર્શન છે. કોઈનું તેજ વધારે, કોઈનું ઓછું. કોઈનું એટલું ઓછું કે દેખાય પણ નહીં. કોઈનો વળી ઝબકારો જ થાય. પરંતુ એ દરેકે દરેક જીવનના અંધકારને વીંધીને નવજીવનની કેડી ભણી આંગળી ચીંધવાનું કાર્ય જરૂર કર્યું છે.

મિત્રોનાં માયાપ્રીતિ આ લખાણ તરફ સર્વદા રહ્યાં છે. વાંચકોનો સમભાવ તો આ લખાણ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાની હિંમત આપે છે. ઘણાં વાંચકોએ પત્રો લખીને આ સાહસમાં ઉત્જેન આપ્યા જ કર્યું છે. ભાઈશ્રી ઉમાશંકર જોષી, વિષ્ણુભાઈ ત્રિવેદી, સ્વામી આનંદ, મનસુખલાલ ઝવેરી અને ગુલાબદાસ બ્રોકર એ સૌ મિત્રોએ પોતાનો હેતભાવ શબ્દરૂપે પ્રગટ કરીને આ પુસ્તકને ગૌરવ આપ્યું છે એ ઋણ મને ઓશિંગણ બનાવે છે.

ભાઈ તારાચંદ રવાણીનો આ પુસ્તક પ્રસિદ્ધ કરવા અને અને એમાં સ્વજન જેવો રસ દેખાડવા માટે આભાર માનું છું.

કિશનસિંહ ચાવડા

10-12-’53
8, અલકાપુરી, વડોદરા

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.