જીવનનો દંભ

 સત્યનારાયણની આરતી

મારી ઉંમર આઠદસ વરસની હશે. એ વખતે જ્યારેજ્યારે અમારા ફળિયામાં કે બાજુના ફળિયામાં સત્યનારાયણની કથા થાય ત્યારે મારી હાજરી અનિવાર્ય મનાતી. આનું એક કારણ તો એ હતું કે મને શંખ વગાડતાં સરસ આવડતું. દરેક અધ્યાયને અંતે તથા આરતીને સમયે એ શંખધ્વનિ આખા પ્રસંગની શોભા પણ બની રહેતો. અને બીજું કારણ એ પણ હતું કે મને મારા ભાગનો અને શંખના ભાગનો એમ બેવડો પ્રસાદ મળતો. આ બે કારણો ઉપરાંત એક ત્રીજું કારણ પણ હતું. લગભગ દરેક કથાપ્રસંગે મને આરતીની થાળી આપીને શ્રોતામંડળમાં આશકા વહેંચવા માટે ખાસ પસંદ કરવામાં આવતો. માણસો આરતીની આશકા લઈને પૈસો પૈસો થાળીમાં નાંખતા. એ વખતે જેને ત્યાં કથા થઈ હોય તેના ઘરનાં અથવા નજીકનાં સગાંવહાલાંઓ અને મિત્રો બબ્બે પૈસા અથવા એક આનો પણ થાળીમાં મૂકતા. એક આનો થાળીમાં મૂકનાર માણસ તરત જ સૌનું ધ્યાન ખેંચે એવો એ સમય હતો. તે વખતે એક આનાનું મૂલ્ય અને મહત્ત્વ આજના એક રૂપિયા કરતાં પણ વધારે હતું. આ આરતીની થાળી છેક ફળિયામાં બહાર ઓટલે કથા સાંભળવા બેઠેલા માણસોમાં ફેરવીને હું કથાકાર બ્રાહ્મણની પાસે પાછી લઈ આવતો. એક વખત અમારા ફળિયામાં નાથા ધોબીને ત્યાં સત્યનારાયણની કથા હતી. કથા પૂરી થઈ એટલે રાબેતા મુજબ આરતીની થાળી લઈને હું આશકા વહેંચવા નીકળ્યો. ઓરડામાં બેઠેલા શ્રોતાઓને પતાવીને હું બહાર ઓટલે પણ ફરી વળ્યો. ત્યાં સામે ઓટલેથી અવાજ આવ્યો: “દીકરા, આરતીની થાળી અહીં પણ લાવજે.” કાશી કાકીનો અવાજ સાંભળીને આરતી હું ત્યાં લઈ ગયો. ત્યાં તો બાજુના ઓટલા ઉપરથી ઊઠીને બાજુના ફળિયામાં રહેતા ચીમન મહારાજનો છોકરો મંગુ મારી પાસે આવ્યો અને થાળીમાં પડેલો એક આનો છાનોમાનો ખીસામાં મૂકી દેવાની અથવા એને આપી દેવાની સલાહ આપવા લાગ્યો. એ સલાહ મેં માની નહીં અને આરતીની થાળી સહીસલામત પૂજારી પાસે પહોંચી ગઈ. બીજે દિવસે ખોખોની રમત વખતે ફળિયામાં એણે મારી સાથે નકામી તકરાર કરીને પોતાનો રોષ દેખાડ્યો. એ તકરારમાંથી મને જાણવાનું મળ્યું કે ઘણી વખત મંગુ અને એના એકબે ગોઠિયાઓ આમ આરતીની થાળી બહાર આશકા વહેંચવાને બહાને લઈ જતા અને પછી છાનામાના અંદરથી થોડાક પૈસા ઉઠાવી લેતા. આ ચોરી એક વખત પકડાઈ ત્યારથી આરતીની થાળી મને મળવા માંડેલી એ કારણ તો હું ત્યાર પછી બેત્રણ વરસે સમજ્યો. પણ એ પ્રસંગે મારા માનસ ઉપર ખૂબ વિષાદની છાયા પાથરેલી.

ઘીનો દીવો

પછી હું કંઈક સમજણો થયો ત્યારની આ વાત છે. મારી ઉંમર સોળસત્તર વરસની હશે. પિતાશ્રીના એક ઓળખીતા હતા નૌતમલાલ શાહ. જાતના વાણિયા હતા અને પોતાને પરમ વૈષ્ણવ કહેવડાવતા એટલું જ નહીં, એ માનતા પણ ખરા. ધંધો એમનો મોટા પાયા ઉપર વ્યાજવટાનો હતો. એમની ઘરાકી ઢેડ, ભંગિયા, બારિયા, વાઘરી વગેરે નીચલા થરની જાતિમાં હતી અને વ્યાજનો દર પણ ઊંચો કહેવાતો. એક રૂપિયે દર મહિને એક આનો વ્યાજ એ લેતા અને પહેલા મહિનાનું વ્યાજ, મુદ્દલ આપતી વખતે મુદ્દલમાંથી જ કાપી લેતા. આ નાણાં વસૂલ કરવામાં એમને મુશ્કેલી ઘણી પડતી પણ એનો ઉકેલ એમણે એક મુસલમાનને નોકરીમાં રાખીને આણ્યો હતો. આ મુસલમાન એમની ઘોડાગાડી હાંકતો અને જરૂર પડ્યે વાઘરીવાડામાં અને ઢેડવાડામાં નૌતમલાલના ઘરાકને ચાબુકે ચાબુકે ફટકારીને પૈસા પણ વસૂલ કરતો. એ શેઠને ઘેર ભગવાનની પૂજા હતી. એમની સ્ત્રીએ મરજાદ લીધી હતી. સંતાન તો એમને હતું નહીં. એટલે એમણે પોતાના ભાઈના દીકરાને પોતાનો કરીને ઉછેરવા માંડેલો. એને જ દત્તક લેવાની વાતો થતી પણ દત્તક લેવાતો નહીં. કારણ શેઠને હજી સંતાનની આશા હતી. એક દિવસ હું મારા પિતાશ્રીની સાથે એમને ઘેર ગયો હતો. કામકાજ તો કંઈક કોર્ટના કામ માટે સલાહ લેવાનું હતું એમ યાદ છે. અમે બેઠા હતા એટલામાં જ એક વાઘરી જેવો માણસ એક મોટી વાઢીમાં દસ શેર જેટલું ઘી લઈને આવ્યો. ઘી આવતાની સાથે જ ગંધાવા માંડ્યું અને આખા ઓરડામાં દુર્ગંધ ફેલાઈ ગઈ. મેં પૂછ્યું : “નૌતમકાકા. આવું ગંધાતું ઘી કેમ લો છો?” નૌતમલાલે સંકોચ વિના સ્મિત સાથે ઉત્તર વાળ્યો: “ભાઈ, ભગવાનની પૂજાના દીવા માટે ખોરું ઘી આવ્યું છે આ તો. આપણે ખાવાનું ચોખ્ખું ઘી તો ઠેઠ પાદરાથી આવે છે. તારી કાકી છે મરજાદી. ચોવીસ કલાક દીવા બળતા રહે છે. ચોખ્ખું ઘી વાપરીએ તો ઘરબાર વેચવાં પડે.” આ જવાબ સાંભળીને મને લાગ્યું કે આ વાણિયો, ગરીબ અજ્ઞાન માણસોને છેતરે છે એટલું જ નથી; ભગવાન પણ એની પકડમાંથી બચી શક્યો નથી. મારું ગભરુ હૃદય સમસમી રહ્યું.

ભિખારીને છેતર્યો

અમે શહેરમાં રહેતાં હતાં. મારા પિતાશ્રીનું અવસાન થયાને દસેક વરસ થઈ ગયાં હતાં. ભણીગણીને હું પણ નોકરીએ લાગ્યો હતો. ગાંધીજીના અસહકાર અને સત્યાગ્રહના દિવસો હતા. ખાદી નહીં પહેરનારા કોંગ્રેસવિરોધી છે એવી માન્યતા જોર પકડતી જતી હતી. પચી તો ખાદી પહેરનારાઓએ ખાદી નહીં પહેરનારા તરફ અભાવ, અભિમાન અને તિરસ્કારની દૃષ્ટિએ જોવા માંડીને ગાંધીજીની અહિંસાનો ભોગ લેવાનું પણ શરૂ કરી દીધેલું. હું એ વખતે ખાદી પહેરતો હતો. પણ ગાંધીજીના સિદ્ધાંતો જે ખાદીની સાથે જ જીવનમાં વણાવા જોઈએ તેનો મારી જિંદગીમાં અભાવ હતો. મારા સંજોગો એવા હતા કે એમના બધા જ સિદ્ધાંતો મારાથી જીવનમાં ઉતારી શકાય તેમ નહોતા. એટલે મેં ખાદી પહેરવાનો ઢોંગ છોડી દીધો. છતાં ઘણા ખાદીધારી મિત્રો મારે હતા. એક દિવસ એક ચુસ્ત ખાદીધારી અને અસહકારી મિત્ર મારે ઘેર મહેમાન બન્યા.

બીજે દિવસે સાંજે અમે ફરવા નીકળ્યા અને ચાલતા ચાલતા ઠેઠ ઘોડદોડના રસ્તા સુધી પહોંચી ગયા. એ રસ્તો પ્રમાણમાં નિર્જન હતો. જાણીજોઈને ફરવા નીકળનારા અથવા એ રસ્તે થઈને પાસેના ગામોમાં જનાર વટેમાર્ગુ સિવાય ત્યાંથી કોઈ નીકળતું નહીં. આ રસ્તે એક ઝાડની નીચે એક આંધળો ભિખારી હમેશાં ખોબો ધરીને બેસી રહેતો, અને જ્યારે કોઈના જવાનો પગરવ સંભળાય ત્યારે ‘હે રામ’નો ઉચ્ચાર કરતો. કોઈ દયાળુ અથવા સમભાવી માણસ એકાદ પૈસો એમની ઉઘાડી અંજલિમાં નાંખે ત્યારે પણ એ ‘હે રામ’ જ બોલતો. પહેલા ‘હે રામ’માં અપેક્ષા વરતાતી અને બીજા ‘હે રામ’માં આશીર્વાદ સંભળાતો. મારે મન એ માત્ર ભિખારી નહોતો, અસહાય માનવી પણ હતો. એટલે અમારી પ્રીત બંધાઈ ગઈ હતી. ઘણી વાર હું ત્યાંથી નીકળતો ત્યારે એની પાસે ઘડીક ઊભો રહેતો. વાતો કરતો અને કંઈક આપીને આગળ ચાલતો. પછી તો એ મારા પગરવ પરથી મને ઓળખી જતો અને આવકાર આપતો.

પેલા ખાદીધારી મિત્ર સાથે ચાલતાં ચાલતાં પેલું ઝાડ આવ્યું એટલે સ્વાભાવિક રીતે જ મારા પગ અટકી ગયા. આજે પેલા મારા મિત્ર અંધ ભિખારીએ ખોબો ધર્યો ન હતો. પાસે જ એક ગંદું કપડું પાથરી રાખ્યું હતું અને એ કપડા ઉપર બેત્રણ પૈસા પડ્યા હતા. મારો પગરવ સાંભળતાં જ એણે કહ્યું : ‘હે રામ.’ પણ આ વખતે એના અવાજમાં ન અપેક્ષા હતી, ન તો આશીર્વાદ હતો; હતી માત્ર દુ:ખભરી ગમગીની. આ અણધાર્યા અવાજે મારી જિજ્ઞાસા જગાડી. મેં પૂછ્યું : ‘કેમ ભગત, કેમ છો? કેમ આજે કપડું પાથર્યું છે?’ મારા પ્રશ્નથી એની કકળેલી આંતરડી પાછી ફફડી ઊઠી. એણે કહ્યું : “સાહેબ, આ રસ્તે કાલે એક ભાઈ નીકળ્યા હતા. કહ્યું મારી પાસે રૂપિયો છે ભગત, અને મારે તમને આનો આપવો છે, પંદર આના છૂટા છે? મેં સાહેબ, પંદર આના ગણી આપ્યા. ઘેર જઈને છોકરીએ જોયું તો રૂપિયો ખોટો નીકળ્યો. દુનિયા બહુ બગડી ગઈ, સાહેબ. આવી દુનિયા પાસે ખોબો શીદને ધરવો? આજથી કપડું પાથરવાનું રાખ્યું છે. રામજી રખેવાળ છે.”

આ વાતથી મારા હૈયાને જાણે કોઈએ જોરથી હથોડો માર્યો હોય એવો ઘા પડ્યો. હું બોલી ના શક્યો પણ મારા પેલા ખાદીધારી મિત્ર બોલી શક્યા. એમણે કહ્યું : “ભાઈ, આ દુનિયા એમ જ ચાલે. રામકૃષ્ણ આવ્યા તોય આ જ દુનિયા હતી. બુદ્ધ ભગવાન આવ્યા ત્યારેય આ જ લોકો હતા અને ગાંધીજી આવ્યા અને જશે તોય દુનિયા તો આ જ રહેવાની.” હું તો તોય ચૂપ રહ્યો. ભગત બોલી ઊઠ્યા : “હા બાપા, આપણે બગડવું હોય તો ભગવાન પણ આપણને શી રીતે સુધારે?”

“લો ભગત.” મારા ખીસામાંથી કંઈક કાઢીને આપ્યું. ભગતે ખોબો ધર્યો. મેં કહ્યું : “ભગત, ખોબો તો ઉઘાડો જ રાખજો.” જવાબમાં ભગતે ‘હે રામ’ કહ્યું. આ અવાજમાં માત્ર આશીર્વાદ નહોતો. એમાં નવી આશા અને ઢળી પડેલી શ્રદ્ધાનો પણ રણકારો હતો.

ફ્રીમૅસન

અમારી ફ્રીમૅસન લોજની એક સભા હતી. તે રાતે એક નવા થતા સભ્યની દીક્ષાનો ખાસ પ્રસંગ હતો. આ લોજનું પ્રતીક હતું : “સત્ય, સૌન્દર્ય અને સહકાર.” તે રાતે દીક્ષાનો સમારંભ પૂરો થયો ત્યારે સત્ય ઉપર, સૌન્દર્ય અને સહકાર ઉપર એમ ત્રણ જુદા જુદા બોધ અપાયા. પછી જમણનો સમારંભ થયો. સામાન્ય રીતે ફ્રીમૅસન થનાર માણસ આપણા સમાજના ઉપલા અને બુદ્ધિમાન વર્ગનો હોય છે. અમુક જાતના નૈતિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોના સ્વીકાર પછી જ એ ફ્રીમૅસન થઈ શકે છે. એટલે લોજમાં આવનાર માણસોનો વિકાસ સામાન્ય જનસમાજ કરતાં ઊંચી કોટિનો હોય એ અપેક્ષિત નહીં પણ અનિવાર્ય પરિસ્થિતિ હોય છે; છતાં આવા ફ્રીમસૅન બહારની દુનિયામાં અને જિંદગીમાં કંઈ સિદ્ધાંત પ્રમાણે જ જીવે છે એવું નથી હોતું. પણ તે રાતે જમણ પછી જે પ્રસંગ બન્યો એનાથી હું લેવાઈ ગયો. જમણ પૂરું થવા આવ્યું હોય ત્યારે લોજના મંત્રી એકબંધ નાની પેટી જેને ઉપર રૂપિયો નાંખી શકાય એવું કાણું હોય છે તે ફેરવે છે. દરેક જણ એમાં પોતાની ઇચ્છા પ્રમાણે આઠ આના કે રૂપિયો નાંખે છે અને પછી એ એકત્ર થયેલા પૈસા મંત્રી જાહેર કરે છે. આ પૈસા ગરીબ માણસોને મદદ કરવાના ફંડમાં જાય છે. તે રાતે એકઠા થયેલા પૈસા જાહેર કરતી વખતે એમણે કહ્યું : “દસ રૂપિયા બાર આના એકઠા થયા છે, તેમાં બે સિક્કા ખોટા આવ્યા છે.” લોકોએ તાળીઓ વગાડી અને સમારંભ વિખરાઈ ગયો. મને પહેલાં તો શંકા ગઈ કે ભૂલથી કોઈએ ખોટા સિક્કા નાંખ્યા હશે. પણ મેં મંત્રીને પૂછ્યું ત્યારે ખબર પડી કે ઘણી વખત આવા ખોટા સિક્કા આ પેટીમાં પડે છે. એટલે આ અકસ્માત કે ભૂલ નથી. સભાનપણે, જ્ઞાનપૂર્વક થતી ઠગાઈ કરતાં પણ આ વસ્તુ તો ચઢે એમ છે. આ તો પોતાના આત્માને છેતરવાનું પાપ છે. પણ આ સાપેક્ષતાવાદના જમાનામાં જ્યાં બુદ્ધિની વેશ્યાવૃત્તિ સૂક્ષ્મ અને સમર્થ બળ તરીકે વિહરતી હોય ત્યાં આવાં પાપ તો શું, એનાથી ઘણાંય મોટા પાપને બચાવવા માટે ન્યાયી દલીલ છડેચોક ઊભી છે.

પ્રધાન

હિંદુસ્તાનના ભાગલાના ભોગે આપણને જે રાજકીય સ્વતંત્રતા મળી તેનો પહેલો ભાગ તો એ સ્વતંત્રતાના ઉપાસક અને આચાર્ય ગાંધીજી જ થયા! આવા આપણા દેશમાં, હમણાં થોડા દિવસ પહેલાં જ એક બનાવ બની ગયો અને વર્તમાનપત્રોમાં એક દિવસ પ્રગટ થઈને ભૂતકાળનો બની ગયો. વંધ્યિ પ્રદેશના ઉદ્યોગ અને પુરવઠા ખાતાના પ્રધાન ઠાકુર શિવકુમારસંહિ પચ્ચીસ હજાર રૂપિયાની લાંચ લેવાને કારણે પોતાના પ્રધાનપદ ઉપરથી દૂર થયા. આ તો અપ્રમાણિકતાના અને અનાવડતના જે અનેક પ્રસંગો બને છે અને પ્રગટ થતા નથી કે પકડાતા નથી તેમાંનો એક જ પ્રગટ થયેલો અને પકડાયેલો બનાવ છે.

પણ આ બનાવ જોઈને મને જે લાગણી થઈ તે તો એ કે આ દેશ કંઈ એકદમ બગડ્યો નથી. આ બગાડનાં મૂળ જૂનાં અને ઊંડાં છે. જેમ જેમ બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ તેમ આ બગાડનો પણ વિકાસ થતો ગયો. બીજાને છેતરીને ન પકડાવું એ શક્તિ કદર કરવા જેવી છે એટલું જ માનીને આપણે જંપ્યા નથી. સર્વ મૂલ્યો અને મહત્તાની માતા પૈસો છે; અને પૈસો સર્વ કંઈ ખરીદી શકે છે એવી માનવતાહીન માન્યતાને માથે મૂકીને આપણે મહત્તા અને માનવતા ખરીદવા પણ નીકળ્યા છીએ. વ્યક્તિનું અજ્ઞાન માફ કરી શકાય; પણ અજ્ઞાનનું અભિમાન તો વ્યક્તિ અને એની આસપાસના સમાજને ભયંકર નુકસાન કરે છે. સત્યની આવી વિકૃતિ, અહિંસાનો આવો અભિનય અને સેવાની આવી સ્વાર્થી જડ કાઢવા ગાંધીજી મથ્યા પણ કાઢ્યા વિના મર્યા. આપણે એ જડને ઊંડી તો નથી ઘાલતા ને? અધોગતિને આપણે ઉત્ક્રાંતિ તો નથી માનતા ને?

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.