આસ્થા ઊંડી ઊતરી

1949. જુલાઈ. એક સવારે અમે નૈરોબીથી નીકળીને ગુથંગુરી વિદ્યાલય જોવા જતા હતા. આ વિદ્યાલય વિષે પહેલાં મેં એક અમેરિકન બાઈ પાસેથી જાણ્યું. એ બાઈએ આ સંસ્થા વિષે બહુ જ સહૃદય અને સૂચક વાણીમાં મને વાત કરી હતી એટલે જિજ્ઞાસા તો હતી, પણ નૈરોબીથી નીકળ્યા ત્યારે ખુશનુમા સવારના તાજગીભર્યા વાતાવરણમાં એ સંસ્થા વિષે સ્વાભાવિક જ સમભાવ થયો. આ સંવેદન અકારણ હતું એટલે મારે મન એનું મહત્ત્વ વધારે હતું. ગુંથગુરી વિદ્યાલય કે કિકુયુ આદિવાસીઓની વિદ્યાપીઠ જેવી સંસ્થા છે અને કિકુયુ લોકો પૂર્વ આફ્રિકામાં અને ખાસ કરીને કેનિયામાં વસતી આફ્રિકન જાતિઓમાં રાજકીય દૃષ્ટિએ બહુ જાગ્રત અને જુસ્સાવાળી કોમ છે. પોતાના હક્કને માટે કેનિયા સરકારની સામે લડ્યા અને ન ફાવ્યું એટલે સરકારી ગ્રાંટ લેવાની બંધ કરી પોતાને જ પૈસે આ વિદ્યાપ્રવૃત્તિ ચલાવવા માંડી. યુરોપિયન ખ્રિસ્તી મિશનરીઓએ એમની સાંસ્કૃતિક અખંડતા ઉપર હાથ નાખ્યો એટલે એમણે પોતાનાં સ્વતંત્ર અને નવીન દેવળો સ્થાપ્યાં. સરકાર અને મિશનરીઓ બન્નેનાં સમભાવ, સહાય અને સહકાર વિના એક પણ સંસ્કારી કે સેવાની પ્રવૃત્તિ એ દેશમાં કોઈ પણ આદિવાસી કોમ ચલાવી શકે એ અશક્યતાને ઠેકાણે વાકિકુયુએ શક્યતાનું વૃક્ષ રોપ્યું. આજે એ વૃક્ષ ઉપર શ્રદ્ધા અને આશાનાં ફળ બેઠાં છે. આ શિક્ષણપ્રવૃત્તિ દ્વારા આ કોમનાં લગભગ પિસ્તાળીસ હજાર બાળકો તાલીમ લે છે. આ આખીય પ્રવૃત્તિના સંચાલનનો આત્મા અને અધિકારી છે પિટર કોઈનાંગે. એનું વહાલસોયું નામ છે બીઓ, અને આ જ નામે એ કિકુયુમાં ઓળખાય છે અને દુલાર પામે છે. એનું ગામ છે કોઈનાંગે. એના પિતા કોઈનાંગેના મુખ્ય જમીનદાર છે. એની કેળવણી લંડનમાં પણ થઈ છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનો એ ગ્રૅજ્યુએટ છે. અમેરિકાનો પ્રવાસ પણ ખેડ્યો છે. સ્વસ્થ અને શક્તિશાળી દેહ, તેજસ્વી નિર્દોષ આંખો અને બાળક જેવું નિખાલસ અને નમણું હૃદય. આ માણસ જોવાથી જ ગમે એવો છે અને જાણવાથી મિત્ર કરવાનું મન થાય એવો છે. અમે જ્યારે ગુથંગુરી વિદ્યાલય જોવા ગયા ત્યારે એ હિંદુસ્તાન આવવાની ધમાલમાં પડ્યો હતો. હિંદની કેટલીક યુનિવસિર્ટીઓએ એને આફ્રિકન કેળવણી ઉપર ભાષણો આપવા નોતર્યો હતો. મારા ઘણા હિંદી મિત્રોએ એની સચ્ચાઈ અને સન્નિષ્ઠાનાં વખાણ કર્યાં હતાં. હિંદીઓ અને આફ્રિકનો વચ્ચેના બગડતા જતા સંબંધો સુધારીને એ સમભાવ અને સહકારના ધોરણે એની નવેસરથી રચના કરી શકાય તો કરવી એવી પેરવી અને એને માટેનો પુરુષાર્થ જે કેટલાક હિંદી આગેવાનો નૈરોબીમાં કરી રહ્યા છે તેમનો બીઓ ખાસ સહાયક અને સહકારી મિત્ર છે. આવા એક ઉદાર અને નિષ્ઠાવાન આફ્રિકન જુવાનને મળવાની પણ ઉત્કંઠા હતી. એટલે ગુથંગુરી વિદ્યાલયની મુલાકાતની આસપાસ કૌતુકપ્રિયતા હતી.

નૈરોબીથી બાવીસ-પચીસ માઈલ દૂર ગુથંગુરી બહુ રમણીય જગ્યા છે. કિકુયુના નિવાસપ્રદેશની વચ્ચે એક સુંદર ટેકરી ઉપર વિદ્યાલયનાં ઝૂંપડાં ઊભાં છે. પાકા મકાનમાં તો માત્ર એમનું એક દેવળ છે. બીજાં હજી બંધાય છે. બીઓની ગેરહાજરી દરમિયાન એ વિદ્યાલયના સંચાલક જોમો કેનિયાટાએ અમારી સાથે ફરીને આખું વિદ્યાલય દેખાડ્યું. એની ઝીણી ઝીણી વિગતો સમજાવી. એ પ્રવૃત્તિ પાછળનાં ધ્યેય અને ઇતિહાસ આપ્યાં. એ જેમ જેમ બોલતો જતો હતો તેમ તેમ એનું વ્યક્તિત્વ ઊઘડતું જતું હતું. દેહ જોતાં તો એને નરશાર્દૂલ વિશેષણ જે મારા મિત્ર શિવાભાઈ અમીને આપ્યું હતું તે સાર્થક થતું હતું. મનનાં પડનો જેમ જેમ સંપર્ક થતો ગયો તેમ તેમ એનાં કૌશલ અને કામના વિશદ થતાં ગયાં. એનું અભિમાન અને હિંદીઓ માટેની એની અશ્રદ્ધા ડોકિયાં કરતાં ગયાં. એનો પરાક્રમી પ્રાણ પણ પરખાયો અને અમારા છસાત કલાકના સહવાસમાં એની છબી મારી સામે ચિતરાઈ ગઈ. વિદ્યાલય બતાવ્યા પછી એણે એની દીકરી વામ્ભૂઈની ઓળખાણ કરાવી. આ છોકરી પણ આ જ વિદ્યાલયમાં શિક્ષિકા છે. ચા પિવડાવીને એણે સમગ્ર વિદ્યાલયનાં બાળકોને મોટા મેદાનમાં એકઠાં કરાવ્યાં. આફ્રિકન રીતે કવાયત, કૂચ અને કસરતનો કાર્યક્રમ અમને દેખાડ્યો. સાથે કિકુયુ સંગીતની મદદથી થોડોક નૃત્યનો કાર્યક્રમ જોઈને મન પ્રસન્ન થયું. પછી તો મેદની આખી સભામાં ફેરવાઈ ગઈ. બાળકો ઉપરાંત શિક્ષકો અને આસપાસના આદમીઓ પણ ભળ્યા. મિત્રોએ નક્કી કર્યું કે જો કંઈક બોલવાનો પ્રસંગ આવે તો મારે હિંદીઆફ્રિકન-સંબંધની જે નવી ભાવનાનો ઉદય થવા માંડ્યો છે તેની વાત કરવી. એની અસર જો આ ઊગતી પેઢી પર થાય તો એમાં બન્ને પ્રજાનો લાભ છે. એટલે હું અંગ્રેજીમાં બોલું અને જોમો કેનિયાટા એનું કિકુયુમાં ભાષાંતર કરતા જાય. એ ભાષણ દરમિયાન મેં એમ કહ્યું કે હિંદીઓ આ દેશમાં આફ્રિકનોનું શોષણ કરવા નથી આવ્યા, એઓ અહીં આવીને વસ્યા છે અને આ દેશના વતની થયા છે તેની પાછળ એમનું ધ્યેય આફ્રિકાના મૂળવતનીઓને સહાયક થવાનું છે અને એમની સ્વતંત્રતા સિદ્ધ કરવામાં સહાય અને સહકાર આપવાનું છે. આ વાત કિકુયુ ભાષામાં સમજાવતાં એણે જે હાસ્ય કર્યું તેનાથી તરત જ અમને ભાન થયું કે આ વચનોમાં એને શ્રદ્ધા નથી. એટલે મેં પાછળથી સ્પષ્ટતા કરી કે હિંદીઓનાં ભવિષ્યનાં કાર્યો જ તેમની આ નિષ્ઠાને સાચી પાડશે. એ વખતે એણે સ્મિત પણ ના કર્યું, નરી ગંભીરતા જ દેખાડી. આ શુભેચ્છાનો જવાબ એક મેટ્રિકના વિદ્યાર્થીએ કિકુયુમાં આવ્યો. પેલા વિદ્યાર્થીના ઉત્તરનું અંગ્રેજી પણ કેનિયાટા જ કરતો જાય અને પેલા વિદ્યાર્થીની નિર્બળતા કે અસ્પષ્ટતા સુધારતો જાય અને અંદર પોતાના અર્થ અને મર્મ મૂકતો જાય. છેવટે એણે આશા વ્યક્ત કરી કે મહેમાને હિંદીઆફ્રિકન-સંબંધ વિષે જે ભાવના વ્યક્ત કરી છે એવું જો સાચે જ બનશે તો એ દેશમાં હિંદીઓનો વાળ વાંકો નહીં થાય.

આવા વાતાવરણમાં માત્ર શુભેચ્છા કશું સંગીન પરિણામ નહીં લાવી શકે એમ લાગ્યું. મારા યજમાન શનાભાઈ પટેલને ગળે પણ આ વાત ઊતરી. એટલે એમણે સભામાં જ અઢીસો શિલંગિનું દાન જાહેર કર્યું અને એક કિકુયુ વિદ્યાર્થીને આરંભથી મેટ્રિક સુધીની શિષ્ટવૃત્તિ આપવાનું પણ કહ્યું. આની ધારી અસર થઈ. કેનિયાટાના ભાષા અને ભાવ બન્ને એનાથી રસાયાં અને એના હૃદયમાંથી અભિમાન કે અશ્રદ્ધાને બદલે અહેસાન અને આસ્થાની લાગણી વ્યક્ત થઈ.

હવે મેં મનમાં નિશ્ચય કર્યો કે જ્યારે અહીં સુધી આવ્યા છીએ ત્યારે કોઈનાંગે જઈને બીઓને અને એના કુટુંબને પણ મળવું. કેનિયાટાએ પોતે થઈને સાથે આવવાનું કબૂલ્યું. એટલે ટૂંકે રસ્તે અમે કોઈનાંગે જવા નીકળ્યા. મારા અંતરમાં કોઈ બોલતું હતું કે એક દિવસ આ ભૂમિ ઉપર શાંતિનિકેતન અને સત્યાગ્રહ-આશ્રમનો સમન્વય કરે એવી માનવી સંસ્કૃતિનો વડલો વિસ્તરશે.

કોઈનાંગે જતાં રસ્તામાં કિયામ્બુમાં કિકુયુ લોકોની વડી અદાલત ભરાયલી જોઈ. કેનિયાટાએ વરિષ્ઠ ન્યાયાધીશની અમને ઓળખાણ કરાવી. ચારે બાજુથી ખુલ્લું છાપરું હતું. કિનારે કિનારે માટીની પાળ બાંધેલી. એના ઉપર લોકો બેસે. સામે એક સહેજ ઊંચા આસન ઉપર વડા ન્યાયમૂર્તિ બેઠેલા. એની પાસે વીસ- પચ્ચીસ નાની લાકડીઓ પડેલી. એને આધારે એ બન્ને પક્ષની દલીલો મેળવીને કે ટકરાવીને પોતાનો નિવેડો આપતા જાય. સામે ફરિયાદી અને આરોપી બેઠેલા. ફરિયાદ શરૂ થાય, આરોપી જવાબ આપે અને તરત જ ન્યાયમૂર્તિ નિર્ણય કરે. એનું લખાણ વગેરે કંઈ જ નહીં. બધું જ મૌખિક. પણ એ નિર્ણય ચુસ્ત રીતે અને પ્રામાણિકપણે પળાવાનો જ. “સહ વીર્યં કરવાવહૈ” એ ભારતીય જીવનદૃષ્ટિનો આદેશ ત્યાં જિવાતો જોયો.

કોઈનાંગે પહોંચ્યા ત્યારે બીઓનો નાનો ભાઈ કિયામ્બુથી ટૂંકે રસ્તે થઈને મારો સત્કાર કરવા અને ઘેર વેળાસર ખબર કરવા આગળથી પહોંચી ગયેલો. પૂર્વઆફ્રિકામાં આશ્ચર્ય સાથે મેં સર્વત્ર જોયું કે આફ્રિકાના મૂળવતનીઓ લાંબાંલાંબાં અંતર માટે પણ ટૂંકામાં ટૂંકી પગદંડીઓ પાડે છે. આ જ સ્વભાવ એક દિવસ જીવનસાર્થકતાનો પણ ટૂંકો રસ્તો શોધી કાઢે તો નવાઈ નહીં. કોઈનાંગેમાં બીઓના વૃદ્ધ પિતાને મળીને ખૂબ આનંદ થયો. એઓ ત્યાં સિનિયર ચીફ ઓફ કોઈનાંગે કહેવાય છે. કિયામ્બુ, કોઈનાંગે, કિકુયુ અને ગુથંગુરીના સો કે દોઢસો માઈલના વિસ્તારમાં માત્ર અહીં જ નાનકડું ત્રણચાર ઓરડાનું પાકું મકાન જોયું. આ જ મકાનને અમારા ડ્રાઇવરે મહેલ રૂપે વર્ણવેલું. વૃદ્ધ કોઈનાંગે અમને જોઈને ખૂબ રાજી થયા. ખેતરમાંથી થોડા તાજા મકાઈના દોડા મંગાવીને અમને નાસ્તો કરાવ્યો. મને એમણે બીઓની ભલામણ કરી કે એ હંદુિસ્તાન આવે ત્યારે મારે એની સંભાળ લેવી અને સલામત પાછો સ્વદેશ મોકલવો. અમે ગુથંગુરી વિદ્યાલય જોઈ આવ્યા એ વાતે એ અતિશય સુખી થયા. બહાર વિશાળ આંગણામાં લઈ જઈને અમને એક ઝાડ નીચે ઊભા રાખ્યા. થોડીક વાર શાંત રહીને એમણે કહ્યું કે આ ઝાડ બહુ જ સુભાગી છે. ઘણાં વર્ષો પહેલાં અહીં વિન્સેન્ટ ચચિર્લ આવ્યા હતા. અને હજી હમણાં જ ઔંધના વૃદ્ધ રાજવી પણ આવી ગયા. તમારા જેવા જુવાન હિંદીને જોઈને મારું હૈયું રાચે છે. તમારા જેવો જ મારો છોકરો હિંદનો તેડાવ્યો ત્યાં જશે એનું તો સપનું પણ ક્યાંથી હોય! પણ આ બધા અણધાર્યા અને વણકલ્પ્યા બનાવોથી એમ લાગે છે કે તમારી હિંદી-આફ્રિકન-સંબંધની નવી ભાવના સાચી પડશે. આ સંબંધ જો ફળીભૂત થાય તો હું એમાં ઊજળા ભવિષ્યનાં બીજ જોઉં છું. મેં પૂછ્યું : “તમે સાચી વાત કહો, તમને હિંદીમાં વિશ્વાસ છે કે અંગ્રેજોમાં? તમારા કોણ છે? તમારું ભલું કોણ ઇચ્છે છે અને કરે છે?” ડોસા જરા ગંભીર થઈ ગયા. બોલતાં બોલતાં ગદ્ગદ પણ થયા. મારા સવાલના જવાબમાં એમણે વાર્તા કહી :

એક વખત મારાં બાળકોને ઉછેરવા મેં એક નર્સ રાખી હતી. રૂપાળી હતી, બોલવેચાલવે સારી હતી, હુશિયાર અને હોંશીલી હતી. મને લાગ્યું કે આ નર્સ બાળકોને સાચી રીતે ઉછેરશે. છએક મહિના પછી બાળકો સુકાવા માંડ્યાં. મને ચિંતા થવા માંડી કે દૂધમાખણ અને શાકફળ તો ઓછાં નથી પડતાં? પણ એવું તો હતું જ નહીં, કારણ ઘણી વખત અમે બાળકોને મોઢે દૂધ અથવા માખણ લાગેલું જોતાં. ઘણી વખત મોસંબીના કૂચા બાળકો ચાવતા હોય. એટલે વિશ્વાસ તો એવો બેઠો કે બાળકો ખાય-પીએ છે તો બરાબર. વળી ત્રણચાર માસ થયા. બાળકોની તબિયત વધારે લથડવા માંડી. આખરે એક દિવસ મારી મોટી દીકરીએ આ પરિસ્થિતિનો ભેદ પકડ્યો. એણે કહ્યું કે બાળકો માટે લેવાતાં દૂધમાખણ અને ફળફળાદિ નર્સ એનાં પોતાનાં બાળકોને જ ખવડાવે છે અને આપણાં બાળકો એ વિના હિજરાય છે. પેલું મોઢે જે દૂધ અથવા માખણ દેખાય છે તે તો જાણીજોઈને આપણને ભુલાવામાં નાખવા માટેનો ઇલાજ માત્ર છે. એ નર્સ આવી ત્યારે એનાં બાળકો માંદલાં અને નબળાં હતાં. આઠદસ માસ પછી એ બાળકો તંદુરસ્ત થયાં હતાં, જ્યારે અમારાં તંદુરસ્ત બાળકો કસ વિનાનાં થઈ ગયાં હતાં. આખરે અમે એ નર્સને રજા આપી. એની અને અમારી જરૂર પૂરી થઈ હતી. વળી એક બીજી નર્સ રાખી. દેખાવે સામાન્ય પણ વર્તને ભલી અને કુશળ લાગતી હતી. એને બાળકો હતાં. અમે એની પેલી નર્સવાળી જ ઓરડી આપી. ત્રણચાર માસમાં જ મારાં બાળકો તબિયતે સુધરતા લાગ્યાં અને છ માસમાં તો હતાં એથીય વધારે તંદુરસ્ત થઈ ગયાં. બાળકો સ્વચ્છ પણ રહેવા લાગ્યાં. કોઈ દિવસ મોઢે દૂધ કે માખણ લાગેલું જોયું નહીં. સાતઆઠ મહિના પછી એ નર્સનું એક નાનું બાળક માંદું પડ્યું. સૌથી નાનું હતું એટલે અમે એ બાઈને એની ખબરઅંતર પૂછી. બહુ આગ્રહ કર્યો ત્યારે એણે સંકોચાઈને કહ્યું કે માલિકનાં બાળકોની સંભાળને કારણે પોતાનાં બાળકોની બરાબર દરકાર લઈ જ શકાતી નથી. મને બહુ લાગ્યું. અમારા ઘરની એક જૂની બાઈ એને ત્યાં કામકાજ કરવા સોંપી. એનાં બાળકો માટે પણ પૂરતી ખાવાપીવાની વ્યવસ્થા કરાવી. બેચાર મહિનામાં એનાં બાળકો સ્વસ્થ થયાં. એક નર્સે આવીને અમારાં બાળકોની તંદુરસ્તીને ભોગે પોતાનાં બાળકો તંદુરસ્ત કર્યાં, અને આ બીજી નર્સે અમારાં બાળકોની સંભાળ માટે પોતાનાં બાળકોનો આરોગ્યનો ભોગ આપ્યો. પહેલી નર્સ જેવા અંગ્રેજો અને બીજી નર્સ જેવા હિંદી વચ્ચેનો ભેદ અમે અસંસ્કૃત અને અબૂજ હોવા છતાં સમજીએ છીએ.

આટલું બોલીને એમણે મારે માથે હાથ મૂક્યો અને બીજે હાથે પોતાની એક આંખમાં ઝૂકેલું આંસુ લૂછ્યું. કોઈનાંગે છોડતાં મેં એમની ચરણરજ લીધી. જીવન પ્રતિ મારી આસ્થા વધુ ઊંડી ઊતરી અને આશા વધારે ઉજ્જવળ બની.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.