વિચિત્ર ખંડણી

એક વખત રામપુરના નવાબસાહેબનું આમંત્રણ આવ્યું કે અમારા મહારાજાએ એમના જન્મોત્સવના સમારંભમાં અચૂક હાજરી આપવી. રોટરી, ફ્રીમેસન, થિયોસોફી, બહાઈ, વગેરે સંસ્થાઓમાં જેવી બિરાદરી હોય છે એના કરતાં વધારે દંભી ભાઈબંદીના પાયા ઉપર રાજસંસ્થાની માંડણી છે. એટલે એક રાજા કે નવાબ બીજા એમના ભાઈ રાજા કે નવાબને બોલાવે ત્યારે આનાકાની કર્યા વિના દોડી જવું પડે. પણ આવું ક્યારેક જ બને. અમારા મહારાજાએ હુકમ કર્યો કે આપણે પહેલી વખત રામપુર જઈએ છીએ માટે સ્પેશિયલ ટ્રેનમાં જ મુસાફરી કરવી. આનું કારણ એ પણ હતું કે બીજા મહારાજાઓ આવવાના હતા તેમની આગળ અને રામપુર આગળ અમારો જરા વટ પડે. લખનૌ, દિલ્હી અને મુંબઈ તારથી તપાસ કરાવી પણ કોઈ સ્ટેશનેથી સ્પેશિયલની વ્યવસ્થા થઈ શકી નહીં. આખરે કલકત્તા ખાસ તારથી પુછાવ્યું. કલકત્તાએ શરત કરી કે સ્પેશિયલ અલ્હાબાદ હાજર રહેશે. હાવરાથી અલ્હાબાદ અને પાછા વળતાં અલ્હાબાદથી હાવરા સુધીનું ખાલી ભાડું પણ આપવું પડશે. આ ઉડાઉગીરી સ્વીકારીને પણ અમે અલ્હાબાદથી સ્પેશિયલ ગાડીમાં રામપુર જવા ઊપડ્યા. અમારી સવારીમાં માણસોનો અને સામાનનો ઠીક ઠીક જથ્થો હતો. અમારા મહારાજાની ઇચ્છા પ્રમાણે સાથે થોડી પ્રદર્શનની વસ્તુઓ પણ લેવાની હતી. એટલે એ.ડી.સી. તો હતા પણ એમના ખાસ નવા ઝરિયાની પોષાક પણ સાથે લીધા હતા. અમારી મિલિટરીમાંથી ચુનંદા બાર સિપાઈઓ પણ એક સૂબેદાર અને બે જમાદાર સાથે ખાસ પહેરવેશમાં સાથે હતા. એંસી વરસનો સફેદ દાઢીમૂછોવાળો પોતાની ખાસ પાઘડીથી શોભતો પ્રાચીનતાના નમૂના જેવો એક ચોપદાર હતો. રીતરિવાજોના અફસર પોતાના ભાટચારણ અને બીજા બંદીજનોના લશ્કર સાથે હાજર હતા. ડોક્ટર, વૈદ્ય, હજામ, ધોબી, ડ્રાઇવર અને મશ્કરાઓ પણ અમારી સાથે સામેલ હતા. એમાં અલ્હાબાદથી એક કથક નર્તકી અને લખનૌથી બે મશહૂર ગાનારીઓનો ઉમેરો થયો. અત્યાર સુધી અમારી આ સવારીને શુદ્ધ ગદ્ય પણ ના કહેવાય અને કોમળ કવિતા પણ ના કહેવાય એવી અપદ્યાગદ્ય જેવી અવસ્થા હતી. પણ નવી નર્તકી અને ગાનારીઓના ઉમેરાથી અમારી મંડળીના જીવનમાં કૌતુક આવ્યું. સૌની આંખોમાં રંગદર્શનની ચમક આવી ગઈ.

બરેલી આવીને અમારી સ્પેશિયલે આરામ લીધો. અહીંથી મહારાજાના ખાસ હુકમ પ્રમાણે સૌએ પોતપોતાના ખાસ પહેરવેશમાં સજ્જ થઈ જવાનું હતું. બરેલીથી રામપુર માત્ર દોઢબે કલાકનો રસ્તો હતો. રામપુરથી ત્રણ અફસરો અને પાંચ પટાવાળાઓનું ખાસ પ્રતિનિધિ મંડળ પ્રાથમિક સ્વાગત કરવા બરેલી આવ્યું હતું. એમની દ્વારા અમને સમાચાર મળ્યા કે અમારા સ્વાગતની ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે. અમારી સ્પેશિયલ ગાડી રામપુરના સામાન્ય સ્ટેશને નહીં પણ નવાબસાહેબ માટે ખાસ બાંધેલા ખાસા સ્ટેશને ઊભી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રામપુરની ઇન્ફન્ટ્રી ગાર્ડ ઓફ ઓનર આપવાની છે. પંદર તોપોની સલામી અપાવાની છે. રામપુરી ઘોડેસવારોની ખાસટુકડી અમારા મહારાજાની રાજશાહી બગ્ગીની આગળપાછળ ચાલશે. સ્ટેશને મોટો આલીશાન ઝગમગતો શમિયાનો ઊભો કરવામાં આવ્યો છે. એમાં ખાસ ઈરાની ગાલીચાઓની બિછાત ઉપર કિનખાબનું તખ્ત તૈયાર કરવામાં આવ્યું છે. પહેલો મુજરો પણ સ્ટેશને જ થાય એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નવાબસાહેબ ખુદ સૌ શાહજાદાઓ સાથે સ્ટેશને હાજર રહેશે. બરેલી સ્ટેશને મને હુકમ મળ્યો કે મારે બધા માણસોની બધી તૈયારી જાતે તપાસી લેવી અને જરૂર કે ઊણપ હોય ત્યાં કાસ સૂચનો આપીને તૈયારી સંપૂર્ણ કરવી. સ્પેશિયલ ટ્રેન ત્યાર પછી ઉપાડવી. એન્જિનના ડ્રાઇવરને અને ગાર્ડને સૂચના અપાઈ કે બરાબર સાંજે સાડાછને ટકોરે સ્પેશિયલને ખાસા સ્ટેશને ઊભી રાખવી. રામપુરના ખાસ આવેલા પ્રતિનિધિમંડળના અફસરોને મેં મારા સલૂનમાં આગ્રહ અને સન્માનથી બેસાડ્યા. મારા સલૂન અને મહારાજાના સલૂન વચ્ચે અંદરથી જ આવવાજવાની વ્યવસ્થા હતી. રામપુર આવવાની અડધા કલાકની વાર હતી. મેં મહારાજાને જઈને વિનંતી કરી કે રામપુર નવાબસાહેબે કહેવડાવ્યું છે કે ડબ્બામાંથી પહેલા આપ ઊતરજો. પછી ક્રમવાર સૌ ઊતરશે. પણ અમારા દસ્તુરાત અફસરની સલાહ એવી થઈ કે નીલમનગરની પરંપરા પ્રમાણે પહેલાં મુખ્ય સ્ટાફ–અફસર ઊતરે અને પછી મહારાજા ઊતરે. આખરે નક્કી થયું કે જે દસ્તુર હોય તે જ પ્રમાણે કરવું.

મેં ઘણી વિનંતી કરી કે યજમાનની યોજનાને માન આપીને વર્તીએ. પણ નીલમનગર તો પોતાની રીતે જ રામપુરને પ્રભાવિત કરવાના મિજાજમાં હતા. પેલી ચાર વિખ્યાત ‘હઠ’માંથી આ એક રાજહઠ! કોઈનું સાંભળે તો ને!

રામપુર પાસે આવતું જતું હતું. મહારાજાસાહેબ પંદર તોપોના માન અને ગાર્ડ ઓફ ઓનર આપવાની ઇન્ફન્ટ્રીના એકીસાથે થનારા બંદૂકોના અવાજના સ્વાગત માટે લગભગ તૈયાર હતા. ગાડીની ગતિ ધીરી થઈ. ગજગામિની ગતિએ એણે રામપુરનું સામાન્ય સ્ટેશન વટાવ્યું અને ખાસા સ્ટેશને થંભી. અમારા દસ્તુર પ્રમાણે અને મહારાજાની આજ્ઞા અનુસાર એમના મુખ્ય સ્ટાફ–અફસર તરીકે એમના ખાસા સલૂનમાંથી પહેલો હું ઊતર્યો. અને જેવો હું પ્લૅટફોર્મ ઉપર ઊતર્યો કે ધડાધડ બંદૂકોના અવાજ થઈ ગયા. ધનાધન તોપો ફૂટવા માંડી નવાબસાહેબ હાથ મિલાવવા આતુર થઈને આગળ આવ્યા. ત્યાં તો લગભગ બે મિનિટે અમારા દરબાર ઊતર્યા. અમારા મહારાજા માટેનું માન એમને મળતાં પહેલાં કોઈને મળી ગયું એ અકસ્માત માટે કોઈ તૈયાર નહોતું છતાં અકસ્માત બની ગયો. એને માટે ત્રણેયને રંજ હતો. જેને જોઈતું હતું તેને એ સન્માન ના મળ્યું તે માટે મુખ્ય મહેમાન મહારાજા નારાજ થયા. જેને આપવું હતું તેને મોકા ઉપર પ્રથમ સન્માન ના આપી શકાયું તેને માટે યજમાન તરીકે નવાબસાહેબ નાખુશ થયા. અને જેને આપવું જોઈતું નહોતું, એની જેને કિંમત પણ નહોતી ને છતાં એ સન્માન મળી ગયું તેનો મને ભારે વિષાદ થયો. અકસ્માત દ્વારા કુદરત પણ અભિમાન પાસેથી કેવી વિચિત્ર અને આગવી ખંડણી ઉઘરાવે છે!

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.