લોટો પાણી

1935ના ઓક્ટોબરમાં પૂજાની રજાઓ દરમિયાન હું શાંતિનિકેતનથી મુંબઈ આવ્યો હતો. ત્યાં રજાઓ પૂરી કરીને કલકત્તા પાછા જતાં રસ્તામાં ત્રણચાર દિવસ વર્ધા ઊતરીને ગાંધીજી પાસે રહેવાનું બન્યું હતું. ત્યારે બાપુ મગનવાડીમાં રહેતા હતા. મુંબઈથી શ્રી ક્ષિતિમોહન સેનના કેટલાક મિત્રોએ થોડાંઘણાં સંપેતરાં આપ્યાં હતાં. એટલે મારો સામાન ઠીક ઠીક વધેલો હતો. આટલો બધો સમાન લઈને મગનવાડી જવામાં સંકોચ થયો. પણ હંમિત કરીને હું તો પહોંચી ગયો.

મારો સામાન જોઈને બાપુ હસી પડ્યા. એમણે કહ્યું : “તને તારા જ રજવાડી સામાન સાથે ઉતારવાની મારી પાસે જગ્યા નથી. હું અહીં તસુએ તસુ જગ્યાનો ઉપયોગ કરું છું. આ ઓટલા ઉપર આશરો લો.” મેં તો બાપુના ઓરડાની આગળના ઓટલા ઉપર જ ડેરાતંબુ ઠોક્યા. તે વખતે હું ભૂલતો ન હોઉં તો બાપુ દોઢ વાગે ઊઠતા. ઊઠીને મહત્ત્વના ઉત્તરો અને જરૂરના લેખો લખાવતા. પછી સાડાત્રણ વાગે સૂઈ જતા. પાંચ વાગે પાછા ઊઠીને પ્રાર્થના કરી નવો દિવસ શરૂ કરતા. છ સાડાછ વાગે ફરવા નીકળતા.

તે દિવસે સવારે મને સાથે લીધો. રસ્તામાંથી એક બાલટી અને સાવરણો મારી પાસે લેવડાવ્યાં. એમણે કહ્યું : “આપણે જે ગામે જઈએ છીએ ત્યાંનો મુખ્ય રસ્તો તમારે સાફ કરવાનો છે. વળી ગામને પાદરે એક ઉકરડો છે એને પણ સાફ કરવો પડશે. અને મારે ખભે એક હાથ મૂકીને બીજે હાથે લાકડી ઠોકતા ડોસા ચાલ્યા. બાલટી અને સાવરણો પકડીને જાહેરમાં ચાલવાનો જિંદગીમાં પહેલો પ્રસંગ હતો. અભિમાન છંછેડાયું. બીજી બાજુ મારે ખભે બાપુનો હાથ હતો એને કારણે અહંકારને કંઈક આનંદ પણ થયો. આ બન્ને લાગણીઓ એકસાથે ઊગીને સમાંતરે સળવળવા માંડી. રસ્તે હું મારી વાત કહેતો ગયો. બાપુ એમનો જવાબ વળતાં આપવાના હતા. પેલું ગામ આવ્યું. રસ્તો વાળ્યો, પેલો ઉકરડો સાફ કર્યો. રસ્તે કૂવામાંથી પાણી કાઢીને બાલટી અને હાથપગ ધોયાં. પાછા વળતાં બાપુએ એમનો જવાબ આપવા માંડ્યો. વચ્ચે વચ્ચે હું સ્પષ્ટતા માગતો તે પણ એ આપતા જતા હતા. અમે વર્ધા પહોંચ્યા. બાપુ તો એમને કામે લાગી ગયા; પણ મારામાં રોપાયલા વિનમ્રતાના છોડને લોટો પાણી પાતા ગયા.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.