ગંગાના ઘાટ પર

સ્વ. પ્રેમચંદજી અને જયશંકરપ્રસાદની સાથે અમે કાશીનો મણિકર્ણિકાનો ઘાટ ઊતરીને નાવમાં બેસવા જતા હતા, ત્યાં દૂરથી મૃદંગ ઉપર કોઈ કેળવાયેલા હાથની થાપ સંભળાઈ. મેં પ્રેમચંદજી અને પ્રસાદજીને વિનંતી કરી કે આપણે પેલા મૃદંગ બજાવનાને મળીએ. અને પાછા ઘાટ ચઢીને જે ખૂણેથી મૃદંગનો અવાજ આવ્યો હતો તે તરફ ગયા. અમે પહોંચ્યા ત્યારે તો એક સાધુ મહારાજ દ્રુપદ ઉપર હાથ અજમાવી રહ્યા હતા. ધીરે ધીરે એમણે નવા નવા તોડા અજમાવવા માંડ્યા. જે રીતે તોડાના બોલ સફાઈથી, આસાનીથી અને આત્મવિશ્વાસથી નીકળતા ગયા તેમ તેમ આ સાધુ બજવૈયાની કલાસિદ્ધિએ અમારા અંતરમાં એને વિષે પૂજ્યભાવ જગાડ્યો. હજી તો એ પોતાનું તાલપ્રભુત્વ ધીરે ધીરે પ્રગટ કરતો જતો હતો. અમે પણ વધારે ને વધારે મુગ્ધ થતા જતા હતા, ત્યાં વાંસડાની બન્ને બાજુએ બે થેલા લટકાવીને ભગવો સાફો લપેટેલો એક સપેરો આવી પહોંચ્યો. એના પગમાં ઘૂઘરા બાંધેલા હતા. હાથમાં નાગને નચાવનારી ફુંગી હતી. એણે પોતાને ખભેથી ભાર ઉતારીને ત્યાં જ મૂકી દીધો અને મૃદંગના તાલ સાથે પોતાના પગના તાલ લઈને એણે ગાલ ફુલાવીને ગળામાં અવાજ પૂર્યો. કોઈના આમંત્રણ કે સંમતિની એને શી પરવા! પેલા સાધુની આંખમાં મસ્તીનો રંગ ઘેરો થયો. મૃદંગમાંથી નવા નવા તોડા નીકળતા ગયા. સપેરાના પગ તાલને વડીલ બંધુ માનીને એને વશ વર્તતા ગયા. સાધુ અને સપેરાની દૃષ્ટિની ગોષ્ઠિ શરૂ થઈ ગઈ હતી. માણસોની ઠઠ્ઠ જામી ગઈ હતી. તાલ રમણે ચઢ્યો હતો. એટલામાં એકદમ સપેરાની ટોપલીનું ઢાંકણું કોણ જાણે કેવી રીતે ખોલીને કાળો નાગ બહાર ધસી આવ્યો અને ફેણ ઊંચી કરી દીધી. કોલાહલ થઈ રહ્યો. ગરબડ મચી ગઈ. મેદનીની નાસભાગ થઈ રહી. સપેરાએ પ્રાર્થના ગુજારી: ‘મહારાજ! પખવાજ બંધ કિજિયેગા. યહ દેવભી બહાર નિકલ આયે!’ મૃદંગ બંધ થઈ. સપેરાએ ધીરેથી નાગને પોતાના પાશમાં લીધો. સાધુના ચહેરા ઉપર પ્રસન્નતા પીગળીને પરસેવાનાં બિંદુ બની રહી હતી. સપેરાએ કહ્યું: ‘મહારાજ, આપને ગજબ કિયા, યહ નાગદેવતા કો બુલા લિયે.’ અને એણે સાધુની ચરણરજ લીધી. એના ગળામાં વીંટળાયેલા નાગે પણ ફેણ ઊંચી કરી, જાણે સાધુને પ્રણામ કર્યા. સાધુએ સ્મિતભર્યા વદને કહ્યું: ‘ભાઈ, ઇસમેં તુમારા સાથ ભી તો થા.’

અને બંને એકબીજાને હાથ જોડી રહ્યા. અમે ઘાટ ઊતરીને નાવમાં બેઠા પણ હજી તાલના પડઘા શમ્યા નહોતા.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.