શી ખબર પડે?

“આર. એમ. એસ. કમ્પાલા” મોમ્બાસાના બંદરમાં આવીને લાંગરી ને થોડી વારમાં જ શહેરમાં વાત ફેલાઈ ગઈ કે આ વખતે દક્ષિણ આફ્રિકા અને પોર્ટુગીઝ, પૂર્વઆફ્રિકાનાં ઘણાં હિંદી ભાઈબહેનો સ્વદેશ જઈ રહ્યાં છે. અમે પણ એ જ સ્ટીમરમાં મુંબઈ માટે નીકળવાના હતા. એટલે ઘણો સંગાથ છે એ જાણીને અમને આનંદ થયો. ‘કમ્પાલા’એ મોમ્બાસા છોડ્યું ત્યારે તો તૂતક ઉપર ઊભેલા માણસોથી એમ જ લાગ્યું કે આખી સ્ટીમર હિંદીઓથી જ ભરેલી છે. થોડાક અંગ્રેજો તો રાજપૂતાનામાં અજમેર જેવા, મોટા સરોવરમાં નાની ટેકરી જેવા લાગતા હતા. મોમ્બાસા દેખાયું ત્યાં સુધી ત્યાંથી ચઢેલા માણસોનાં હૈયાંમાં સળવળતો અજંપો શમ્યો નહોતો, એટલે એ લોકો હજી ભાવભર્યાં નયને શહેરના પળે પળે વધુ ને વધુ ઝાંખા થતા દીવા જોઈને જ આશ્વાસન લેતા હતા. થોડી વારમાં દીવા દેખાતા બંધ થયા. દીવાદાંડી પણ હવે વિસ્તરતા અંધકારમાં ભુલાતી સ્મૃતિની જેમ આછી થતી જતી હતી. એટલામાં એક મોટા મોજાએ અંધકારની સહાયથી એને પોતાનામાં જાણે સમાવી દીધી. મોમ્બાબાને છોડતાં અમને પણ સ્વજન છોડવાની ગમગીની થઈ.

બીજે દિવસે સવારે વાતાવરણ વધારે ઉત્સાહભર્યું અને ઉત્સુક લાગ્યું. મળવા- હળવાની ઉત્કંઠા અને હવે સાત દિવસ આમ જ ગાળવાના છે એ હકીકત બન્નેએ નવી આશા અને ધરપત ઊભાં કર્યાં. મુસાફરોમાંથી કેટલાક ભાઈઓ તો લગભગ વીસબાવીસ વર્ષ પછી હિંદ આવતા હતા. સ્વદેશ વિષેની બહુ જ મનોર અને મીઠી કલ્પનાઓથી એમનાં મન ભર્યાં હતાં. એમણે હિંદ છોડ્યું ત્યારે તો દેશ અંગ્રેજોના હાથમાં ગુલામી ભોગવતો હતો. આજે પોતાનો દેશ સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવવાનો અધિકારી બન્યો હતો. ધીરે ધીરે ઓળખાણો વિસ્તરવા માંડી. નામઠામ, કામધંધો, રસ, ઉત્સાહ, ગમગીની એમ જુદાં જુદાં જીવનસ્વરૂપોનો સંપર્ક વધવા માંડ્યો. કેટલાક ભાઈઓ હિંદની વર્તમાન પરિસ્થિતિ વિષે સાવ અથવા થોડા અજ્ઞાન હતા. પણ એમની મમતામાં ક્યાંય ઓછપ નહોતી. ત્યારે વળી કેટલાક પાંચદસ વર્ષ પહેલાની હિંદની મુલાકાતને હજી હમણાંની જ મુલાકાત કહીને હિંદ વિષેના પોતાના જ્ઞાનને પ્રમાણિત રીતે આગળ ધરતા હા. કોઈ વળી ગયે વર્ષે હિંદ આવી ગયેલ અને પોતાના કાર્યમાં નિરાશ થયેલ વેપારી અતિશય કટુ રીતે નવી સરકાર અને નવી વ્યવસ્થાને ખંખેરતો હતો. આ સૌમાંથી મારી નજર એક વ્યક્તિ ઉપર ઠરી તે ઠરી જ ગઈ. એ ભાઈ દક્ષિણ આફ્રિકાથી લગભગ ચોવીસ વર્ષે સ્વદેશ આવતા હતા. ભણેલા તો અંગ્રેજી ત્રણચાર જ ચોપડી, પણ આપકર્મથી આગળ વધેલા હતા. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં જેલ જઈ આવેલા હતા. ટ્રાન્સવાલમાં એક જંગલની વસ્તીમાં સારો સ્ટોર ચલાવતા હતા. યુરોપિયનોના સંપર્કથી અંગ્રેજી ઠીક ઠીક બોલતા હતા. એમનાં કપડાં, એમની રીતભાત, છટા અને દેખાવ એ સર્વ ઉપરથી એમની પ્રભા અને પ્રતિભા સામા માણસ ઉપર પડવી જ જોઈએ એવો એમનો વિશ્વાસ હોવો જોઈએ એમ એમનું વર્તન બોલતું હતું. હિંદ આવવાની તૈયારી એમણે લગભગ વર્ષથી કરવા માંડી હતી. મારી દૃષ્ટિમાં એ વસ્યા એટલે એમનો પરિચય સ્વાભાવિક રીતે જ વધ્યો. એમની વાતચીત પરથી એમના અંતરમાં સૂતીજાગતી પડેલી કેટલીક આશાઅપેક્ષાનો પણ સમાગમ થયો. એમને એવી માહિતી હતી કે મેટ્રિક પણ નહીં ભણેલા પણ આઝાદીની લડતમાં જેલમાં જઈ આવેલા અને કોઈ નેતા અથવા પ્રધાનના સાળા, કાકા, ભાઈ, બનેવીનું સ્થાન અને માન ધરાવતા ઘણા માણસો કોંગ્રેસ સરકારમાં મોટામોટા હોદ્દાએ બિરાજે છે. આવામાંથી એક જણ તો એક યુનિયનમાં પ્રધાન છે, બીજો કોઈ પરદેશમાં રાજદૂત છે, ત્રીજો કોઈ મિનિસ્ટ્રીમાં સેક્રેટરી છે, ચોથો કોઈ કંટ્રોલનો ઉપરી છે. પાંચમો કોઈ પ્રાંતિક સમિતિનો પ્રમુખ છે, છઠ્ઠો કોઈ પાર્લમેન્ટરી સેક્રેટરી છે. આમ એમની ખબર વિગતવાર પણ હતી.

આગલી રાતે સ્ટીમરના કૅપ્ટને બોર્ડ ઉપર નોટિસ મૂકી કે કાલે બપોરે સ્ટીમર મુંબઈ પહોંચશે. બીજી સવારથી મુસાફરોમાં ઉત્સાહનો પાર નહોતો. ઘણે લાંબે સમયે સ્વદેશ આવનારા આદમીઓના અંતરમાં કુતૂહલ અને કૌતુક સમજાય એવાં સ્પષ્ટ હતાં. પેલા સજ્જને ખાસ તૈયાર કરાવી સાથે રાખેલાં ખાદીનાં કપડાં ચઢાવી લીધાં. ટાઈ અને ટોપી પણ ખાદીનાં હતાં. આ પહેરવેશમાં એઓ એમની આકાંક્ષા જેવા વિચિત્ર લાગતા હતા. એટલામાં સામેથી હજી છ માસ ઉપર જ હિંદુસ્તાન આવી ગયેલો પૂર્વઆફ્રિકાનો એક વેપારી આવી પહોંચ્યો. ખાદીધારી સદ્ગૃહસ્થને જોતાં એમના મોઢામાંથી ઉદ્ગાર નીકળી પડ્યો : “કેમ સાહેબ, તમે તો કંઈ એમ્બેસેડર બનવા ચાલ્યા ને?” ખાદીધારી સજ્જનનાં અંતરમાં પડેલી ગુપ્ત ભાવનાને આ પ્રશ્ન સ્પર્શ્યો, છતાં આશ્ચર્ય બતાવીને કહ્યું : “કેમ ભાઈ, ખાદી પહેરવી એ ગુનો છે?” પેલા ધંધાદારી વેપારીએ કહ્યું : “ગુનો નથી, પણ સ્વતંત્ર થયા પછી ખાદીના પહેરવેશ પાછળ હેતુ મુકાયો છે અને ખાદી પહેરનારા હેતુ સારનારા થઈ ગયા છે તેથી કે લોકો એમના પર એવો આરોપ મૂકે છે એથી, પણ ખાદી હવે શુદ્ધિ અને સ્વાર્થત્યાગનું પ્રતીક નથી, સ્વાર્થ અને ખટપટનું ચિહ્ન છે. તમે નકામા ગેરસમજ ઊભી કરશો અને એમાં તમે પોતે સપડાઈ જશો.” – કહીને વેપારી તો હસતો હસતો ચાલ્યો ગયો. અમે કામે વળગ્યા. મુંબઈ આવ્યું ત્યારે પેલા ગૃહસ્થે ખાદીનો પહેરવેશ ઉતારીને પોતાનો અંગ્રેજી પોશાક પહેર્યો હતો. આની પાછળની કામનાની આપણને શી ખબર પડે?

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.