‘લહેકંતા પાવા તે વાગ્યા મલકમાં’

વિધિનો ખેલ એવો થયો કે ત્યાર પછી શુક્રવારની ગુજરીમાં જવાનું બન્યું જ નહીં. હમણાં છેક થોડા દિવસો પહેલાં એ પ્રસંગ બન્યો. ચિત્ત ઉદાસ હતું. ચેન પડતું નહોતું. કામકાજ ગમતું નહોતું. ઓફિસમાંથી જાળીની બહાર જોયું. રસ્તા ઉપર આજે માણસોની અવરજવર ઘણી હતી. કૅલેન્ડરમાં જોયું તો આજે શુક્રવાર હતો. આપણે તો ચાલ્યા ગુજરીમાં. ચાંપાનેર દરવાજો આવ્યો ને બલુકાકાના ગુજરીવાળા પ્રસંગની સ્મૃતિ જોર કરીને ધસી આવી. એમાં મસ્ત બનીને આગળ વધ્યા. ગુજરીમાં આવવાનો કશો હેતુ નહોતો. માત્ર બેચેની દૂર કરવી હતી. ઉદાસીને હળવી બનાવવી હતી. અન્યમનસ્તાને આંતરવી હતી. એ જ નવીજૂની વસ્તીઓ વેચાતી હતી તે વિભાગમાં આવી ચઢ્યો. બલુકાકા સાથે ઊભા હતા એ જગ્યાએ આજે એક દુકાન હતી ખરાદીની. બે પારણાં, બેત્રણ ઘોડિયાં, પાટલા, ચકલો, વેલણ, ભમરડા એમ જાતજાતની ચીજો પડી હતી. એક જુવાન ગામડિયું જોડું એક ઘોડિયાની કિંમત માટે વાટાઘાટ કરતું હતું. બાઈની કેડે છએક માસનું બાળક હતું. લાગતો હતો દીકરો. દેખાવડો હતો. તંદુરસ્તી તો ઊડીને આંખે વળગે તેવી હતી. ખરીદીની હઠનો માતાએ અંત આણ્યો. એણે છોકરાના બાપને કહ્યું કે આપી દો રૂપિયા. લઈ લો ઘોડિયું. ઘોડિયું ખરીદાઈ ગયું. માતાએ બાળકને ચૂમી લઈ લીધી. છોકરાના બાપે એ ખાંધે મૂક્યું. બન્ને ચાલ્યાં. બાઈને માથે થોડો ભાર હતો. પેલા જુવાનને બીજે ખભે પોટલું લટકતું હતું. એમને જતાં જોઈને હું આગળ વધ્યો. આમતેમ લટાર મારીને પાછો વળ્યો. પેલાં ત્રણ જણાં મને ચાંપાનેર દરવાજે મળ્યાં. પુરુષને બન્ને ખભે ભાર. હાથમાં ભજિયાંનું ખુલ્લું પડીકું. સ્ત્રીને માથે પોટલું, કેડે બાળક. બન્ને ભજિયાં ઉડાવતાં જાય. નવા બજારને રસ્તે મારે જવું હતું. એ લોકો પણ એ જ રસ્તે વળ્યાં. થોડે ગયાં ન ગયાં ત્યાં વરસાદના છાંટા શરૂ થયા. હું તો ઉતાવળે ચાલીને, લગભગ દોડીને મારી ઓફિસમાં આવી પહોંચ્યો. ત્યાં તો વરસાદ તૂટી પડ્યો. પેલાં ત્રણ જણાં વરસાદથી બચવા મારી ઓફિસને ઓટલે ચઢી ગયાં. વરસાદે રમઝટ કરી મૂકી. આ કુટુંબે તો એ નાનાશા ઓટલા પર કુટુંબજીવન શરૂ કરી દીધું. પુરુષે માથેથી ફાળિયું ઉતાર્યું. સ્ત્રીએ એની ઝોળી બનાવી. અંદર બાળકને સુવાડ્યું. માતાએ હાલરડુ આરંભ્યું :

લહેકંતા પાવા તે વાગ્યા મલકમાં.

“તેં કીધું ને મેં ઘોડિયું લીધું તે ઠીક કર્યું,” પુરુષે સ્ત્રીને કહ્યું. એના અવાજમાં એની પ્રિયતમાની આજ્ઞા પાળવાનો આનંદ હતો.

સ્ત્રીએ આંખોમાંથી વહાલનું ઝરણું વહાવીને બીજી લીટી લલકારી :

એને લહેકે નાચ્યા મગરૂબિયા મોર

લહેકંતા પાવા તે વાગ્યા મલકમાં.

ને સ્ત્રીની આંખોએ પુરુષને પરમતત્ત્વની વાત કરી દીધી :

“છૈયા માટે ઘોડિયું લીધું ને!” માતાએ પોતાનું સપનું સિદ્ધ કર્યું લાગ્યું.

“તું કહે ને હું ના પાડું!” પુરુષે પરાક્રમની પરવશતા દેખાડી.

“આ તો મારો રતન છે.” કહીને અતિશય ઊમિર્ના ઉછાળાથી માતાએ ઊંઘતા બાળકને ચૂમી લીધો.

“લે આ બરફી.” પુરુષે પોટલામાંથી બીજું પડીકું કાઢ્યું.

“કેમ આજ કંઈ દિવાળી છે?” સ્ત્રીએ આંખોમાં નેહ ભરીને પૂછ્યું.

“તું ખુશી તારે આપણે દિવાળી.” પુરુષે પોતાને હાથે બરફીનું ચોસલું સ્ત્રીના મુખમાં મૂકી દીધું.

વરસાદ વરસતો હતો. એના વરસવામાં આનંદનો ઓઘ હતો. વરસતા વરસાદમાં પેલો સૂર ભીંજાતો હતો :

લહેકંતા પાવા તે વાગ્યા મલકમાં.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.