બે આંખો

માનવીની બે આંખોનું અસ્તિત્વ એ નગદ સત્ય છે. એનું કામ કાવ્યમય અને કમનીય છે એ અર્ધસત્ય છે. એ હંમેશાં બૂરું જ જુએ છે એ અસત્ય છે આવી આ કૌતુકપ્રિય અને કલ્પનાશીલ આંખોનો લીલાવિસ્તાર મુંબઈમાં જોવાની મજા આવી. ઉત્સવ તો હતો સાંસ્કૃતિક સ્વાતંત્ર્યની પરિષદનો. દિલ્હીમાં મૂળ તો એ મળવાની હતી. પણ સરકારે શાંતિ પરિષદના દિલ્હીમાં ભરાવા સામે પ્રતિબંધ મૂક્યો તેના પરિણામે આ પરિષદને પણ મુંબઈમાં મળવું પડ્યું. મુંબઈના મેયર સદોબા પાટીલે આ આકસ્મિક સ્થળાંતરનો લાભ લઈને પ્રતિનિધિઓને કોર્પોરેશનમાં ચા પીવા બોલાવીને સાંત્વના આપી કે મુંબઈ જ આવા ઉત્સવ માટે સુયોગ્ય સ્થળ છે. ઉત્સવના મંત્રી વાત્સાયને ફરિયાદ કરી કે સ્થળ ભારે ખર્ચાળ નીવડ્યું અને એમણે ખુલ્લી પરિષદમાં દાનપેટીઓ ફેરવી. મદારીની સમયસૂચકતા વાપરીને એ સાંજના પ્રમુખ સાલ્વાડોર મડેરીઆગાએ લોકોને દાન આપવાની સરળતા માટે પાંચ મિનિટનો વિરામ આપ્યો.

પરિષદ તો ખુલ્લી મૂકીને આપણા ખોરાકમંત્રી મુનશીએ સંસ્કૃતિ સાથેનો પોતાનો સંબંધ પુરવાર કર્યો. સંસ્કૃતિએ હજી એમનો સાથ નથી છોડ્યો એ વાત ફેંકીને એ દિલ્હી ચાલતા થયા. ઊઘડતી પરિષદના પ્રમુખ તરીકે બોલેલા જયપ્રકાશ ખૂબ થાકેલા લાગતા હતા. બિહારનો ભૂખમરો જોઈને આવેલા એ સમાજવાદી સંસ્કારી માણસનું મન સંસ્કૃતિની કે સાંસ્કૃતિક સ્વાતંત્ર્યની વાતોમાં ખૂપતું જ નહોતું. પોતાને ભારતીય તવારીખના વિદ્યાર્થી ગણાવીને એમણે સંસ્કૃતિના પ્રવાહને પ્રત્યાઘાતને અણસારે વહેતો જોયો. એટલે ભૂખમરાની કેડે બેસીને આવનારા સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય વિષે પોતાનું દુ:ખ જ એમણે તો પ્રગટ કર્યું. આવી શરૂઆતમાં સ્વિસ પ્રતિનિધિ રુઘમોએ વળી એક સ્પષ્ટતા કરી. આ સમારંભ એંગ્લો-અમેરિકન બ્લોકનો અવાજ નથી કે એના આધારનો ટેકો પણ નથી, એ વાત કહીને એમણે ઊલટી એ વિષેની શંકાને સ્પષ્ટ કરી. આ શંકાનો પડઘો પ્રતિનિધિઓની બેઠક વખતે પડ્યો. એક હિંદી પ્રતિનિધિએ જયપ્રકાશની ઉપમા વાપરીને કહ્યું કે રશિયા અને અમેરિકામાં કોણ વરુ છે અને કોણ ભરવાડ છે તેની અમને ખબર નથી. એટલે કોણ ખાશે અને કોણ નહીં ખાય એના ઝઘડામાં આપણે શીદને પડીએ? આપણે ઘેટાં છીએ એ સત્ય જ આપણે માટે પૂરતું હોવું જોઈએ. ખાવા જેવો માલ આપણે હોઈએ તો ગમે તે ખાઈ જાય. ભરવાડ અને વરુની રમતમાં ઘેટાનું તો મોત જ છે. એટલું સ્વીકારીએ તોપણ આપણો સવાલ કંઈક અંશે સ્પષ્ટ બની જાય છે. પણ ઘેટાં એ વાત માને ખરાં?

પહેલા દિવસની ખુલ્લી બેઠક પછી પ્રતિનિધિઓ ચાર જૂથમાં વહેંચાઈ ગયા. સંસ્કૃતિના પાયાની અને આદર્શની વિચારણા અને ચર્ચાનું પહેલું જૂથ. એના પ્રમુખ હતા ભારતસેવક સમાજવાળા પી. કોદંડરાવ અને મંત્રી હતા શ્રીઅરવંદિ આશ્રમવાળા Mother Indiaના તંત્રી કે. ડી. શેઠના. સ્વાતંત્ર્યનું સંયોજન એ વિભાગના પ્રમુખ હતા સમાજવાદી આગેવાન અશોક મહેતા અને એના મંત્રી દળવી હતા. સાંસ્કૃતિક સ્વાતંત્ર્યનાં ભયસ્થાનોવાળા જૂથના આગેવાન હતા નાટારંગી મીનુ મસાણી. કલા અને સાહિત્યના આધુનિક પ્રવાહોની વિચારણા કરનાર વિભાગના પ્રમુખ ભારતી સારાભાઈ અને મંત્રી રાજારામ હતા. બે દિવસની ચર્ચાઓ દરમિયાન તમે એક એક કલાક પણ દરેક જૂથમાં ગાળો તોય એક વાત તો આનંદ આપનારી હતી – આપણાં હિંદી બુદ્ધિશીલ ભાઈબહેનો ગંભીરતાથી આંતરરાષ્ટ્રીય અને માનવતાના દૃષ્ટિબિંદુથી જગતના નકશામાં પોતાને મૂકીને વિચાર કરતા હતા. જીવનમાં મથામણ અને મંથન હોવાં એ વિકાસની આગાહી છે. આ આગાહી લઈને આવનાર વિદેશી સમભાવી પ્રતિનિધિઓમાંથી અંગ્રેજી કવિ સ્ટીફન સ્પેન્ડરની બે આંખોએ કામણ કર્યું. આમ તો સોવિયેટની વૈજ્ઞાનિક સિદ્ધિઓને પડકારનાર નોબેલ ઇનામના વિજેતા પ્રોફેસર મૂલર પણ ગમે એવા માણસ હતા. સ્વભાવે, શરીરે અને પ્રગટીકરણે તદ્દન અમેરિકન એવા નોરમન થોમસની વાચાળતાનું આકર્ષણ જબરું નીવડ્યું. નીગ્રી સમાજવેત્તા મેક્સ યેરગનની નટવિદ્યાએ અસર કરી તેના કરતાં વધારે તો રમૂજ ઉપજાવી. સોવિયેટ કેદીથાણા (કોન્સન્ટ્રેશન કૅમ્પ)માંથી છટકી આવેલા ઇઝરાઇલના વતની પ્રોફેસર જુલિયસ મારગોલીનના નિવેદનનો આ પરિષદનાં સોવિયેટ વિરોધી તત્ત્વોએ ઝડપી લાભ ઉઠાવ્યો. અને હિબ્રુમાં લખાયલા નિવેદનનું અંગ્રેજી રૂપાંતર આ ઉત્સવના સૂત્રધાર મિનુ મસાણીએ વાંચ્યું. એમાં પરિષદના ઘણા શંકાવાદીઓને ઠીક ઠીક ઔચિત્ય દેખાયું.

પણ હા, ઓડેનને જોઈને એની કલ્પેલી મૂર્તિ વિલીન થઈ ગઈ. મારી કલ્પના હતી કે એનો અવાજ સ્થિર, સત્ત્વશીલ અને ગભરુ હશે. એની આખોમાં લજ્જા અને લાવણ્ય હશે. એની બાનીમાં કાવ્યમય વેધક ક્રાંતદૃષ્ટિ હશે. જીવનયુદ્ધે ચઢેલો એ અંતરયાત્રી કવિ છે એવો કવિ દેખાતો પણ હશે. પણ મારી એ છબી એને જોઈને ભૂંસાઈ ગઈ. આ કવિની ગહનતાને અમેરિકાની વિશાળતા જાણે બાથ ભરીને અકળાવી રહી છે. સ્વાભાવિક કવિમાંથી ઓડેન જાણે સંસ્કૃત સદ્ગૃસ્થાઈ તરફ ધસી રહ્યો છે એવી અમંગલ લાગણી થઈ આવી.

સિનોર સાલ્વાડોર મડૅરીઆગાએ નવી જ મૂર્તિ નિપજાવી. પાકટ વય તરફ ધસતા પણ સ્વભાવથી જુવાન મડૅરીઆગા સાહિત્યકાર કરતાં રાજદ્વારી વધારે લાગે એવાં એમનાં કારસ્થાન દેખાયાં. એમની સૂક્ષ્મ અને સુસજ્જ બુદ્ધિનો ઉપયોગ આખરી ઉકેલ કરતાં સમન્વિત સમાધાન તરફ થયા જ કરે અને છતાં પાયાનો સવાલ ઊભો થાય ત્યારે જરાય નમતું ના આપે એવા આ વિલક્ષણ માનવીએ આખા ઉત્સવનો રંગ રાખવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. એમણે કહ્યું કે દુનિયાનું ઘર આ દેશ કે પેલો દેશ, પૂર્વ કે પશ્ચિમ કોઈ નથી અને ક્યાંય નથી. દુનિયાનું ઘર, એનો વિસામો તો નમ્ર અને નિષ્ઠાવાન માણસની બે આંખો છે. આ બે આંખોને શોધી કાઢનાર મડૅરીઆગાની બે આંખોએ પણ ઘણો જાદુ દેખાડ્યો.

જેમ્સ બર્નહામની ઊંડી, વેધક અને સ્પષ્ટ વિચારણાએ સાંભળનારાઓનાં મન જીતી લીધાં. બર્નહામ એના સાચા અર્થમાં બૌદ્ધિક હતા તેવા જ પ્રગટ થયા. એમનું હવા બાંધવાનું કૌશલ એમની લાંબી અને સતત મથામણનું પરિણામ હતું. એમની વિચારણાની સ્પષ્ટતા એ પોતા તરફની વફાદારીનું પ્રતીક હતું. નિર્ભયતા છતાં નમ્રતા એ એમની વાણીનું મુખ્ય લક્ષણ હતું.

પણ પ્રેમ કરવા જેવો માણસ તો એક સ્પેન્ડર જ લાગ્યો. મારા એક કવિમિત્રે છુટકારાનો દમ ખેંચ્યો કે સદ્ભાગ્યે એ નારીજાતિ નહોતા અને એ મિત્રને હું દોષ ન દઈ શકું. ‘એકાંતની છીપમાં સંસ્કૃતિનું મોતી’ મૂકનાર આ કવિમાં આરપાર સન્નિષ્ઠાનું સૌન્દર્ય વિલસે છે. કોઈ પણ ભાવ માટે સાચો અને સુયોગ્ય શબ્દ શોધવાની એમની મથામણ લો, પોતાની કવિતા વાંચતી વખતે એમના મુખ પર રમતી ગભરુ નિર્દોષતા લો કે વાતચીત કરતી વખતે સ્વાભાવિક રીતે જ પ્રગટ થઈને આકર્ષી લેતી આદમિયતની સુગંધ લો, સ્પેન્ડર આપણને એની સચ્ચાઈ માટે પ્રેમ કરવા જેવો જ માણસ લાગે. કવિ હોવા છતાં જીવનના પાયાના પ્રશ્નો માટેનું એનું સુરેખ દર્શન અને એને વિષે કોઈ પણ સમાધાન ન સ્વીકારવાની એની નિર્ભય સત્યપ્રિયતા આપણને એની જીવનસાધના વિષે સન્માન જ પ્રેરે. રગરગમાં કવિની પિછાન આપતા સ્પેન્ડરને મળીને મન મહોર્યું અને અંતર પ્રસન્ન થઈ ગયું.

સાંસ્કૃતિક સ્વાતંત્ર્યના આ આખા ઉત્સવમાં કેટલા અને શા ઠરાવો થયા, કેવું પાયાનું જાહેરનામું થયું, તેમાં મારું બહુ ધ્યાન ન ગયું. કોનો કયો ઉદ્દેશ આમાં બર આવ્યો અને કોને કેટલો લાભ મળ્યો એની પણ પરવા ન રહી. પરંતુ કેટલાક સાચા માણસોને મળીને જિંદગીએ તાજગી મેળવી એ જ લાગણી મારા અંતરમાં સર્પોપરી બની રહી.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.