હોય તેવું ન દેખાય તેનું નામ ભ્રમ. આવી ભ્રમણામાં એક વાર પડ્યો. પરિણામે પાંસળી ભાંગી. મસૂરીના આ દિવસો ઘણી વાર સાંભરે છે. પણ એમાં પાંસળી ભાંગ્યા પછીનો વિશ્રામ યાદ આવે છે ત્યારે તો અંત:કરણ આનંદથી ભરાઈ જાય છે. ઈ. સ. 1939ના ઉનાળામાં અમે ત્રણ મહિના મસૂરી રહ્યાં હતાં. એક રાતે રાજપીપળાનાં મહારાણી સાહેબને ત્યાંથી જમીને અમે નીકળ્યાં. સૌને રિક્ષાઓમાં રવાના કરીને મેં ચાલવા માંડ્યું. મને એમ કે આવી મનોહર રાતે રિક્ષામાં કેમ બેસાય? આકાશને જોતો જોતો હું ચાલ્યો જઈશ. બાગમાં એક લાંબો ક્યારો ખોદાયેલો પડ્યો હતો. અંધારું હતું. મને લાગ્યું કે આ નવો ટૂંકો રસ્તો છે. આપણે તો પડ્યા ખાડામાં. માંડ માંડ ઘેર પહોંચ્યો. સવારે ડૉક્ટરે કહ્યું કે પાંસળી ભાંગી ગઈ છે. પંદર દિવસ પથારીવશ રહેવું પડ્યું. આ અકસ્માત થયાને બે-ત્રણ દિવસો થયા ને મહારાજા અને એમનું આખું કુટુંબ હરિદ્વાર થઈને દિલ્હી જવા રવાના થઈ ગયું. વિશાળ મહેલ જેવા બંગલામાં હું, એક નોકર અને રસોઇયો એમ ત્રણ જ રહ્યા. ભરપૂર વસતિવાળો બંગલો વસતિ વિનાનો થઈ જતાં એકદમ તો એકલતા અને શૂન્યતા બંને લાગવા માંડ્યાં. અનિવાર્ય પરિસ્થિતિને અનુકૂળ બનાવી દેવાની અથવા અનુકૂળ થઈ જવાની માનવીમાં કેવી સ્વાભાવિક કલા છે! ચોથે દિવસે સવારે એક મધુર સૂરના સ્પર્શથી જાગી ઊઠ્યો:
બંસી કાહે કો બજાઈ,
મેં તો આવત રહી! બંસી કાહે કો?
વરદાન પામેલા કોઈ નમણા કંઠમાંથી ગળાઈને સ્વર વહી આવતો હતો. ખરી રીતે એ ગીત નહોતું ગવાતું. માત્ર ગુંજનનો વિહાર હતો. ઊઘડતું સવાર, મસ્ત ઠંડી હવા. વાતાવરણની તાજગી. પ્રકૃતિની રમણીયતા, અને એ સર્વમાં આળોટીને આવતા આ ગુંજને અંતરને તરબતર કરી દીધું. ત્યાં તો એ જ ગુંજારવથી ભરાયેલો અવાજ ઊંચો થયો: ‘રામપ્રસાદ! ભૈયા, પાની કી બાલટી બહાર લે આના!’
મારાથી માણસની મદદ વિના બેઠા પણ થવાતું નહોતું. એટલે મેં ધીરેથી નોકરને બોલાવ્યો. રામપ્રસાદ આવ્યો. મેં પૂછ્યું: ‘રામપ્રસાદ, હમણાં કોણ ધીરે ધીરે ગાતું હતું?’
‘સાહેબ, એ તો આપણી ઝાડુવાળીની છોકરી ગુલબ્બો.’ મને પથારીમાં બેઠો કરતાં કરતાં એણે કહ્યું: ‘નામ તો એનું ગુલાબ છે, પણ લાડમાં એને સૌ ગુલબ્બો કહે છે.’
પલંગમાં તકિયે અઢેલીને બેઠો. સામે બારીમાંથી સવારના કોમળ સૂર્યનાં જીવનદાયક કિરણો ખોળામાં આવી પડ્યાં. કેટલાંક કિરણો એ સમગ્ર હસ્તીની સાથે ગેલ કરવા માંડ્યા. ત્યાં એ સોનેરી કિરણાવલિને પોતાના પાલવમાં સંતાડતી બારતેર વર્ષની ગુલબ્બો સામે આવીને ઊભી રહી. ઊભી તો રહી પણ લજ્જાથી બેચેન થઈ રહી હતી. એની આંખોમાં, ચહેરા પર, અરે સમગ્ર દેહમાં એ લજ્જા લાવણ્ય બનીને જીવનનો અભિષેક કરી રહી હતી. હું તો પળવાર એને જોઈ જ રહ્યો. મારી આ દૃષ્ટિએ એની લજ્જાનો ભાર વધારી મૂક્યો. એક બાજુ લચી પડીને એ કોઈ શિલ્પીએ કોરેલી ત્રિભંગી મુગ્ધા બની રહી.
મેં કહ્યું: ‘ગુલબ્બો, આ ગીત તને પૂરું આવડે છે?’
આંખો વડે એણે હા કહી. બોલી નહીં.
‘તું અહીં પાસે બેસીને આખુંય ગીત ગાઈશ?’ મારાથી બોલી જવાયું.
ડોકું હલાવીને હા કહી. ફરીથી બોલી નહીં.
સામે રામપ્રસાદ જીવનની આ ઉજાણી માણતો ઊભો હતો. એની આંખોમાંય જુદો ચમકાર હતો.
‘રામપ્રસાદ, ગુલબ્બોને આજે ચા અને ખાવાનું આપજે.’ કહીને મેં એ છોકરીને કહ્યું: ‘હમણાં નહીં તો પછી ગાજે હોં. જા, રામપ્રસાદ તને બધું આપશે. તારી મા આજે કેમ નથી આવી?’
‘એ બીમાર છે, સરકાર.’ છોકરીની આંખોમાંથી લજ્જાનો ધક્કો મારીને ચિંતા આગળ આવી. આંખોનો રંગ ફરી ગયો.
‘કંઈ કામકાજ હોય તો કહેજે, જા.’ મારા અવાજમાં અકારણ અનુકંપા ઊપસી આવી.
ગુલબ્બોના ગયા પછી મારા મનમાંથી પેલા ગીતનો ગુંજારવ હઠે જ નહીં. ગમે તે વિચાર કરું. ગમે તે પુસ્તક વાંચું. ગમે તેની સાથે વાત કરું, મને સદા એ જ સંભળાયા કરે:
બંસી કાહે કો બજાઈ
મેં તો આવત રહી! બંસી કાહે કો?
અને સામે આવીને ઊભી રહે પેલી સુકુમાર કન્યા. એના જીંથરા જેવા અસ્તવ્યસ્ત વાળ, એનાં મેલાંઘેલાં કપડાં, એનો શ્યામ રંગ, એના જન્મકર્મની પરિસ્થિતિ, એ સર્વની ઉપરવટ થઈને મારી સામે પેલી લજ્જાના શીલથી અંજાયેલી બે નિષ્કલંક આંખો જ આવીને ઊભી રહે, અને એની પાછળ વહી આવે અંતરની આર્તિથી અજવાળાયેલો ગુંજારવ. સૂરમાંથી શબ્દ બેઠો થાય અને ભાવને ઊંચકીને મારા હૃદય સુધી લઈ આવે.
રોજ સવારે સૂર્યનાં કિરણો આવીને મારી છાતી પર બેસે. હૂંફ આપે મને જગાડે અને એની નીચે જીવનને જગાડે પેલા ગીતનું ગુંજન!
ચારપાંચ દિવસ પછી મારી તબિયત કંઈક સારી થઈ. પણ હજી બિછાનામાંથી ખસવાની ડૉક્ટરની રજા નહોતી મળી. પાંસળી સંધાતી જતી હતી. દુ:ખ ઓસરતું જતું હતું. સપ્ટેમ્બરનો મહિનો હતો. એક સવારે ઊઠ્યો ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. વાતાવરણમાં ઠંડીનો પ્રકોપ હતો. સામે બારીમાંથી દૂરસુદૂર સુધી દેખાતી નયનમનોહર હરિયાળી વરસાદમાં નહાતી હતી. સ્નાન કરતી પ્રકૃતિનું આવું અભિનવ નિર્ભેળ સૌંદર્ય જીવનમાં પ્રથમ વાર સાક્ષાત્ કરીને અસ્તિત્વ ઓશિંગણ બની રહ્યું અને મારા એકલાનું અસ્તિત્વ જ નહીં! બાગનાં રમ્ય પુષ્પો પણ પોતાના ઐશ્વર્યને ભૂલી જઈને નિસર્ગના આ અભૂતપૂર્વ સ્વરૂપને વિનમ્રભાવે નમી રહ્યાં હતાં. પળવારમાં તો પ્રકૃતિ અને પુરુષ વચ્ચે સંકેત થયો. વરસતી વાદળીઓ વીખરાઈ ગઈ. આકાશ નિરભ્ર થવા માંડ્યું. પૂર્વમાં રંગાવલિ પ્રગટી. સોનેરી તેજની ટશરો ફૂટી. તેજકિરણો પર સવારી કરીને પૃથ્વી પર સુવર્ણમેઘ ઊતર્યો. સમસ્ત પ્રકૃતિ પ્રેમથી પાંગરી ઊઠી. પુષ્પોએ મસ્ત બનીને સુગંધ છલકાવી દીધી. આ સૌરભનો સાથ કરીને પેલું પ્રિય ગુંજન આવ્યું:
બંસી કાહે કો બજાઈ,
મેં તો આવત રહી! બંસી કાહે કો?
ધીરે ધીરે ગુંજન, ગીત અને ગુલબ્બો મારે માટે એકરસ થઈ ગયાં. પંદર દિવસનો મારો આરામ પૂરો થયો. ડૉક્ટરે હરવાફરવાની રજા આપી. પાટો છૂટી ગયો. મસૂરીથી નીકળવાનો દિવસ પાસે આવ્યો. જવાને આગલે દિવસે મેં રામપ્રસાદને કહીને ગુલબ્બોની માને બોલાવી મંગાવી.
બપોરે ચાનો વખત હતો. રામપ્રસાદે આવીને ખબર આપ્યા કે સુરખ્ખી આવી છે, સાથે ગુલબ્બો પણ છે. સુરખ્ખીના મનમાં ભય પેઠો હતો કે મને ગુલબ્બોના કામથી અસંતોષ થયો છે એટલે કંઈક ઠપકો આપવા બોલાવી છે. મેં રામપ્રસાદને કહીને બંને મા-દીકરીને ચા ને ખાવાનું અપાવ્યાં અને થોડી વારમાં એમને બોલાવવાને બદલે હું જ એમની પાસે બાગમાં પહોંચી ગયો. મા-દીકરી બિચારાં ઊભાં થઈ ગયાં. હું કંઈક કહું તે પહેલાં જ માએ આજીજીભર્યા અવાજે કહ્યું:
‘માલિક, ગુલબ્બોકી ગુસ્તાખી માફ હો. અભી બચ્ચી હૈ. કુછ સફાઈ મેં કમી હો તો આપ સરકાર હૈ, મૈં ઓર લડકી દોનો માફી માંગતે હૈ.’ કહીને સુરખ્ખીએ નીચે વળીને ધરતીને હાથ લગાડી થોડી ધૂળ માથે મૂકી. ગુલબ્બોએ પણ માનું અનુકરણ કર્યું.
‘નહીં નહીં સુરખ્ખી, ઐસી કોઈ બાત નહીં હૈ. હમ તો ગુલબ્બો કે કામ સે બડે ખુશ હૈ. લડકી કે કામ મેં કોઈ નુસ્ખ નહિ. તુમ્હારે જૈસા હી કામ કરતી હૈ, ગુસલખાને, પાયખાને, આંગન સભી કી સફાઈ તુમ્હારેસે ભી અચ્છી કરતી હૈ. ઈસી લિયે તુમ્હેં કુછ ઇનામ દેને હમને બુલાયા હૈ. કલ હમ જા રહેં હૈ.’ હું છેલ્લો શબ્દ પૂરો કરું ત્યાં જ ગુલબ્બોથી બોલી જવાયું:
‘આપ જા રહેં હૈ? અબ આપ કભી નહીં આયેંગે?’
‘નહીં ગુલબ્બો! મકાન હમ છોડ રહે હૈ.’ કહીને મેં પચીસ રૂપિયા સુરખ્ખીના હાથમાં મૂક્યાં. કહ્યું કે એણે ત્રણ મહિના બંગલામાં સારું કામ કર્યું તેના પગાર ઉપરાતનું આ ઇનામ છે.
પચીસ રૂપિયા પામીને સુરખ્ખીની સૂરત બદલાઈ ગઈ. એના મુખ પર ખુશીનો પાર નહોતો, પણ ગુલબ્બોના ચહેરા પરની ગમગીની ઓસરી નહિ.
બીજે દિવસે સવારે નીકળવાની વેળાએ ગુલબ્બો લપાતી લપાતી આવી. પણ સાથે ન હતું ગીત કે ન હતું ગુંજન. એની આંખોમાં આશ્ચર્ય અને રંજ બંને એવાં મળી ગયાં હતાં કે એમાંથી એની બિચારીની તો નિર્દોષતા જ પ્રગટ થતી હતી. મેં આગ્રહ કરીને એને આજે તો ઓટલા પર બેસાડી અને બહુ જ સમભાવ અને વાત્સલ્યથી પેલું ગીત ગાવાનું કહ્યું. આંખો નીચી. ચહેરો સ્તબ્ધ. હસ્તીમાં ક્યાંય હરખ નહિ. ગળું ગાય. આંખો રડે. વાતાવરણ ભરાઈ ગયું.
મારો સામાન નીચે ઊતરતો હતો. રામપ્રસાદને બોલાવીને મેં મારી એક ટ્રંકમાંથી લાલ ચૂંદડીભાતનો સાફો લાવવાનું કહ્યું અને ઓટલાનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં એ સાફો ગુલબ્બોના હાથમાં મૂક્યો. એનો ખભો થાબડીને કહ્યું: ‘લે બેટા, તુમ્હારી શાદીમેં ઇસકી ચુન્ની બના લેના.’ અને એની સામે જોયા વિના જ હું પગથિયાં ઊતરી પડ્યો.
2
ઈ. સ. 1953ની શરૂઆતના બેત્રણ મહિના માટે દિલ્હી રહેવું પડ્યું હતું. એ વખતે સ્વામી આનંદની મુલાકાત એ મીઠો અકસ્માત હતો. એમને મળવા મારું મન ઝંખતું હતું. મળ્યા ત્યારે બહુ આનંદ થયો. તેમાંય એમના હૃષિકેશ જતાં પહેલાંનો અમારો સહવાસ ચિરસ્મરણીય રહેશે. સ્વામી જીવનના કસબી છે. એમની સાથે અંત:કરણનાં કમાડ ઉઘાડીને વાતો કરવી એ લહાવો છે. એમની મૈત્રી, એમનો સ્નેહ, એમનું વાત્સલ્ય પામવાં એ આ કળિયુગની એક સુમંગલ અનુભૂતિ છે. હૃષિકેશમાં મળીને મારે નિરાંતે એક રાત એમની સાથે ગાળવી હતી. ચૈત્રની પૂર્ણિમા મેં હરદ્વાર અને ઋષિકેશમાં ગાળી પણ અમે મળી ન શક્યા.
ગયે વર્ષે અમારે દહેરાદૂન જવાનું થયું હતું. મિત્રો ગંગાસ્નાન કાજે હરદ્વાર જઈ આવ્યા હતા પણ હું ગંગા પાસે જઈ શક્યો નહોતો. એને મળ્યાને ચૌદ વરસ લગભગ થયાં. ઈ. સ. 1939માં મસૂરીથી પાછા વળતાં ગંગામાં નહાયો હતો. આ વખતે દિલ્હી હતો ત્યારે જ કોણ જાણે કેમ પણ ગંગાને મળવાની ખૂબ આતુરતા હતી. સ્વામીનું કારણ મળ્યું એટલે પહોંચ્યો હરદ્વાર.
ઘણા સમયનો વિખૂટો પડેલ પુત્ર જેમ માને મળવા અધીર થઈ જાય તેવી મારી મનોદશા હતી. વહેલી સવારે હરદ્વાર ઊતરીને સીધો પહોંચ્યો ગંગાની પાસે. એની ગોદમાં આજે જેટલું સુખ, જેટલો આનંદ મળ્યો તેનું વર્ણન થઈ શકે એમ નથી. એ ઉષાનો ઉદય, સોહામણા સવારનું જાગવું, સૂર્યના પ્રથમ કિરણનું ગંગામાં આળોટવું. સમીરનું ગંગાસ્નાન, જાહ્નવીની પ્રસન્નતાનો કલકલ ધ્વનિ, અને જાણે દેવોના આશીર્વાદથી મંગલમધુર બનેલું સભર સુગંધિત વાતાવરણ. જિંદગી પળવાર તો દંગ બની ગઈ. અંતરાત્મા મંત્રમુગ્ધ બનીને કૃતાર્થતા અનુભવી રહ્યો. એમ લાગ્યું કે સ્વર્ગમાંથી ગંગા એકલી આ પૃથ્વી ઉપર નથી ઊતરી, એની સાથે સ્વર્ગનો સદા અભિનવ આનંદ લેતી આવી છે. ગંગાજલ માત્ર જલ નથી, જીવનનું દૂધ છે, સમગ્ર અસ્તિત્વના મળ ધોનાર અનાવિલ અમૃત છે.
હરદ્વારથી ગંગાને કિનારે કિનારે ચાલીને હૃષિકેશ આવ્યો. ગંગાનું દર્શન જેમ જેમ વ્યાપક બનતું ગયું, જેમ જેમ ઊંડું ઊતરતું ગયું તેમ તેમ અંદરનો માનવ મસ્ત બનતો ગયો. અન્નછત્રમાંથી માગીને થોડું ખાઈ લીધું. બપોર આખી ગંગાના સાન્નિધ્યમાં ક્યાં ગઈ તેની ખબર ન પડી. સાંજની વેળા તો પાછો ‘હર કી પેડી’ આવી ગયો. ઓહો શું ભીડ હતી! ચૈત્રીપૂનમનું પુણ્યસ્નાન કરવા ભાવિકોનો એવો તો માનવમેળો જામ્યો હતો કે એવું ગાંડપણનું દૃશ્ય માત્ર આપણા દેશમાં અને તેય ગંગાકિનારે જ જોવા મળે.
ઘાટની છેક ઉપર ઊભો રહીને નહિ પણ ભીડની વચ્ચે એક નાનકડા મંદિરની ભીંતને અઢેલીને હું આ અવર્ણનીય ચિત્ર વાગોળતો હતો. સમાજનું આવું અને આટલું વૈવિધ્ય મેં પહેલી વાર સાક્ષાત્ કર્યું. આટલી અપાર અશાંતિમાં હું શાંતિથી ઊભો ઊભો ગંગાના વહેતા પ્રવાહને જોતો હતો. પળવારના જંપ વિના એ વહેતી હતી: અગાધ, અસ્ખલિત, અનુપમ.
સાંજની વેળા હતી. રાત હજી પડી નહોતી, પડવાની હતી. ગંગાનાં નીર ઉપર ઊતરતાં એ અચકાતી હતી. હું અનિમેષ નયને એની વાટ જોતો હતો. એટલામાં મારી પાસેથી એક પહાડી જુવાન હાંફળોફાંફળો નીકળ્યો. એનાથી ન રહેવાયું એટલે આમતેમ ગભરાયેલી દૃષ્ટિએ જોઈને એણે બૂમ પાડી: ‘ગુલબ્બો! ઓ ગુલબ્બો! અરી ગુલબ્બો!’
અને ભીડમાંથી અવાજ ખેંચાઈ આવ્યો: ‘ઓ…આઈ અમૂલો! કહાં હો?’
અને પેલા પુરુષે આવેલા અવાજને પોતાના અવાજથી સાંધ્યો: ‘ચલી આઓ, મંદર કે પા…સ.’ અને એ અવાજની આંગળી પકડીને એક સ્ત્રી પોતાની આંગળીએ એક છોકરાને વળગાડીને ચાલી આવી.
છોકરાને છાતી સરસો ચાંપીને પુરુષે સ્ત્રીને પણ સોડમાં લઈ લીધી. સ્પર્શનું સાંત્વન મેળવીને હેઠે બેઠેલા એના શ્વાસે ઉચ્ચાર કર્યો: ‘કહાં ખોવત રહી!’
‘હમ તોંહે દેખત રહે!’ ધીરેથી બાઈએ ઉત્તર વાળ્યો.
બસ આ પળ બે પળમાં મારી સ્મૃતિ ચૌદ વરસ પાછળ જઈને મસૂરી જઈ આવી. સાથે પેલા મધુરા ગુંજનને લેતી આવી અને એ ગુંજનને પેલી સ્ત્રીમાં પરોવીને અવાજ ઊંચકાયો: ‘ગુલબ્બો! ગુલબ્બો!, કહાં મસૂરી સે આઈ? અરે વહી સાફેકી ચુન્ની બનાઈ હૈ! યે કૌન તેરા બેટા હૈ? ઔર યે તેરા આદમી!’
પ્રતિઉત્તરના અવાજમાં આશ્ચર્યનો આંચકો હતો: ‘માલક, આપ યહાં! બરસોં કે બાદ!’ અને જરા રહીને એણે પોતાના દીકરાને કહ્યું: ‘બુલ્લો, બેટા માલક કે પાંવ પડો!’ અને દીકરો કંઈ કરે તે પહેલાં તો એણે પોતે ચરણરજ લઈ લીધી. ‘અમૂલો, યે મસૂરીવાલે માલક હૈ! યે ઈનીકી તો ચુન્ની હૈ! તું ભી પાંવ લગ્ગ!’ અને પેલો જુવાન પણ નમી પડ્યો.
મેં સૌને સાથે લીધાં. ઘાટ ચઢીને એક શિલા પર જઈને બેઠાં. ગુલબ્બોએ નિરાંતે એના પતિ અમૂલોની અને દીકરા બુલ્લોની વિગતવાર ઓળખાણ કરાવી. એની મા સુરખ્ખીના અવસાનની વાત કરતાં એ રડી પડી. વળી પાછી બુલ્લોના જનમની વાત કહેતાં હસી પડી. ગુલબ્બોએ પોતના એકના એક દીકરાને સાતમે વરસે ગંગાસ્નાન કરાવવાની બાધા રાખી હતી. એ બાધા પૂરી કરવાને બાળકને ગંગા નવડાવવા આ ચૈત્રીપૂનમે મસૂરીથી હરદ્વાર આવી હતી. મારા આપેલા સાફામાંથી એણે બે ચુન્નીઓ ફાડી હતી. એક એણે લગ્ન પર પહેરી હતી અને બીજી આજે દીકરાની માનતા પર પહેરીને આવી હતી.
હું એમને ત્રણેને બેસાડીને હલવાઈને ત્યાંથી શાકપૂરી, દહીં અને મીઠાઈ લઈ આવ્યો. ત્રણચાર પતરાળાં પાથરીને અમે સૌ સાથે જમવા બેઠાં. મેં ગુલબ્બોને કહ્યું કે તારા લગ્ન વખતે હું હાજર નહોતો એટલે આ ઉજાણી આપણે સાથે કરીએ છીએ. અમૂલો અને બુલ્લોના તો આશ્ચર્યનો પાર નહોતો. બુલ્લોને બરફીનું એક ચોસલું આપતાં મેં કહ્યું: ‘બુલ્લો, તું તો મારી છોકરીનો છોકરો થાય. તારા જન્મ વખતે હું હોત તો તારા હાથ ચાંદીથી ભરી દેત.’ કહીને મેં બુલ્લોના હાથમાં ત્રણચાર રૂપિયા ને થોડું પરચૂરણ મૂકી એની મુઠ્ઠી વળાવી દીધી. બુલ્લોની ખુશી પર આશ્ચર્ય ચઢી બેઠું.
ગંગાના ઘાટ પર અકૃત્રિમ કુટુંબજીવનની લહાણી જિંદગીમાં અણધારી મળી એનો આનંદ મારામાં સમાતો નહોતો. આનંદનો એ જ રણકો મારા અવાજમાંથી નીકળ્યો. ‘ગુલબ્બો! વો ગા…બંસી કાહે કો બજાઈ!’
‘માલક, બડા અચ્છા ગાતી હૈ યે ગાના!’ અમૂલોથી ના રહેવાયું.
‘મા, ગા, બનસીવાલા!’ બુલ્લોએ ટહુકો કર્યો.
થોડોક ગુંજારવ કરીને ગીત બહાર નીકળ્યું:
‘બંસી કાહે કો બજાઈ,
મૈં તો આવત રહી! બંસી કાહે કો?’
એ જ લજ્જાનું શીલ, એ જ લાવણ્ય! મધુરતાની એ જ વેણુ! અંતરની આર્તિનો એ જ પ્રસાદ!
સૌ કહે છે માનવ બદલાય છે, જગત બદલાય છે! શું બદલાય છે? માનવનું મન બદલાતું હશે! અંત:કરણ નહીં! અંત:કરણ જેની ખાણ છે એ આજન્મ સંબંધ તો ઋણાનુબંધની ઋજુગરવી કવિતા છે.