પૅરિસની મધરાત

રાતના નવ વાગ્યા હતા. પૅરિસનું શાહી ગીતઘર (ઓપેરા) પ્રકાશથી ઝળાંઝળાં થઈ રહ્યું હતું. જિંદગીમાં જે જોવાની જબરી આકાંક્ષા હતી તે પૅરિસનું ઓપેરા જોઈને ખૂબ આનંદ થતો હતો. એની રચના, એની સગવડ, એનું સ્થાપત્ય અને પ્રકાશસંયોજન એ બધું આંખોએ પૂર્વે કદી જોયું નહોતું એવું અપૂર્વ હતું. એ રાતે મહાકવિ હોમરને નામે ચઢેલા વિખ્યાત વીરકાવ્ય ઓડિસી – Odyssey–નું ગીતનાટક ભજવાવાનું હતું. દોઢસો માણસોનું ‘ઓરકેસ્ટ્રા’ સમૂહવાદન પણ મેં પ્રથમ જ વાર જોયું. કેટલાંક વાદ્યો કદી જ જોયેલાં કે સાંભળેલાં પણ નહીં એવાં હતાં. પણ એ સહુમાંથી એકીસાથે નીકળતું સંગીત ખૂબ મનોહર અને સંવાદી હતું. ટ્રોય(Trojan)ની લડાઈ પછી ગ્રીક પ્રજાજનો પાછાં ઘેર આવતાં હતાં, એ નાટકનું મુખ્ય વસ્તુ હતું. પણ એમાં ખાસ કરીને દસ વર્ષના ભયંકર રઝળપાટ પછી ગ્રીક લોકો ઈથાકા પાછા ફર્યા એ પ્રસંગ ઉપર ભાર દેવાયો હતો. નાટકમાં સંવાદો બિલકુલ નહોતા. બધો આધાર અને બધો જ મદાર સંગીત ઉપર હતો. પહેલો પડદો ઊપડ્યો તે પહેલાં ઓરકેસ્ટ્રાએ લડાઈના આવતા ભણકારા અનુભવાય એવું સંગીત વાતાવરણમાં વહેતું મૂક્યું. પડદો ઊઘડ્યો ત્યારે ટ્રોયનું લડાઈનું મેદાન અને એ મેદાનમાં લડાઈ દેખાડી. યોદ્ધાઓ જુદી જુદી રીતે લડાઈ લડે, એમાં મોરચા બંધાય, માણસો મરે, વળી જીત થાય, વળી પાછી હાર આવે એમ લડાઈનાં બધાં જ સ્વરૂપો સમૂહસંગીત ઉપાડે અને બધા જ મૂક અભિનયનું નિયમન કરે. જે ભાવને જમાવતું સંગીત ઊપડે તે જ ભાવ, રસ કે અભિનય રંગભૂમિ ઉપર દૃશ્યમાન થાય. બંને વચ્ચે એટલી સંવાદિતા, એટલું ઐક્ય કે ક્યાંય ઓછપ ન જણાય, ત્રુટિ ન લાગે. શસ્ત્રો ઊછળતાં હોય, ચીસાચીસ થતી હોય, હાર થાય કે વિજય મળે, શરણાગતિ થાય કે લડાઈથી ભયભીત થઈને જનાવરો નાસી જાય એ બધું જ સંગીત પોતાની સંવાદી શક્તિથી નિપજાવે અને એને અનુકૂલ, એ અસરને જરાય હાનિ ન પહોંચે એ રીતે રંગભૂમિ ઉપર અભિનય થતો હોય. પછી યુદ્ધ શમે છે અને ગ્રીક પ્રજાજનો પોતાનાં ઢોરઢાંખર સાથે રહીસહી ઘરવખરી લઈને પાછા ફરે છે. એ ચાલુ દૃશ્યને પણ સંગીત જ પ્રેરે અને ચલાવે. લોકો ઘણી વખત તો મૂંગા હોય, પણ ક્યારેક વાદ્યસંગીતને અનુકૂલ જૂનું ગ્રીક લોકગીત ગાઈને વળી સૂર પણ પુરાવે. આ આખાય સંગીતનાટકમાં વિદાય અને સ્વાગત એ બંને પ્રસંગો ચિરસ્મરણીય છે. લોકવિદાય વખતનું કરુણ સંગીત રોમાંચ કરે એટલું પ્રબળ અને ભાવવાહી હતું અને સ્વાગતનું સંગીત એટલું જ આશાપ્રેરક અને ઉત્સાહના અભિનિવેશનું સૂચક હતું. પરંતુ એ સ્વાગતની પાછળ પણ ભયંકર સર્વનાશની ગૂઢ ગમગીની ડોકિયાં કરતી હતી. યુરોપિયન વાદ્યસંગીતની સામુદાયિક અસર આટલી અદ્ભુત હોય છે એ તો જીવનમાં પહેલી વાર જાણ્યું. સંગીત બહારના ભેદને નથી ઓળખતું, સંસ્કૃતીની જુદાઈને એ નથી જાણતું. એ તો સીધું અંત:કરણને અડકે છે, આદમિયતને સાદ કરે છે, આત્માની ભાઈબંધી કરે છે.

મધરાતે અમે ઓપેરામાંથી બહાર નીકળ્યા ત્યારે પણ માણસો એટલી બધી શાંતિથી વીખરાતા હતા કે રખેને થયેલી અસરને કંઈક હાનિ પહોંચે. અમે એ ઓપેરાના રાજમાર્ગથી ચાલીને બુલવા ધ હસમન ઉપર આવેલી અમારે હોટેલ કોમોદોરમાં જતા હતા. ત્યાં થોડેક દૂર એક વળાંક ઉપર એક સુંદરી મળી. સામેના ફૂટપાથ ઉપર દૂરથી ચાલી આવતી હતી પણ અમને જોઈને એ અમારા ફૂટપાથ ઉપર સામે આવીને જરા ખંચાઈને ઊભી રહી. મારા મનમાં કે એને કંઈક રામ હશે અથવા તો કંઈક પૂછવું હશે. એણે હસીને ‘હલ્લો’ કહીને હાથ લાંબો કર્યો એટલે યુરોપિયન સભ્યતાથી ટેવાયલા મારા હાથે આગળ વધીને હાથ મેળવ્યો. ફ્રૅન્ચ રીતે એ અંગ્રેજી બોલતી હતી. એણે પૂછ્યું કે અમે ઓપેરામાંથી ‘ઓડિસી’ જોઈને આવતા હતા કે શું? અને મેં હા કહી. એટલે એણે હસીને કહ્યું કે આવા સરસ અનુભવ પછી એ પોતે આખી રાતની ભાઈબંધી સ્વીકારવા તૈયાર છે. અને અમને તરત સમજ પડી ગઈ કે આ તો મધરાતે ભમતી, જિંદગીનો વેપાર કરતી અનેક ફ્રૅન્ચ સ્ત્રીઓમાંની એક છે. અમે ઉપકાર માનીને ના પાડી એટલે એના મુખ પરનું હાસ્ય ઊડી ગયું. અમે ચાલવા માંડ્યા હતા તે રોકાઈ ગયા. પેલી સુંદરીએ કહ્યું કે હું અડધી રાતના રઝળપાટ પછી એક ફ્રાંક પણ કમાયા વિના ઘેર જાઉં છું. સાંજનું ખાણું પણ પૈસાને અભાવે લીધું નથી. ઓડિસીનું કરુણરસભર્યું સંગીતનાટક જોઈને નિરાધાર ગ્રીક લોકો માટે દ્રવતું તમારું હૈયું એક નિરાધાર ભૂખી સ્ત્રીને પ્રસન્ન કરવાની પણ ઇચ્છા કરતું નથી!

મારા ઓવરકોટના ખિસ્સામાં ઓપેરાની ટિકિટ ખરીદતાં બચેલા થોડાક ફ્રાન્ક્સ પેલી બાઈના હાથમાં મૂક્યા અને એણે આશીર્વાદ આપ્યો કે મશ્કરી કરી એ સાંભળ્યા વિના ચાલવા માંડ્યું.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.