નન્નુઉસ્તાદ

સોમનાથને ઘેર ગણપતિની પ્રતિષ્ઠાને આઠમે દિવસે લલિત હતું. વડોદરામાં ગણપતિના ઉત્સવનો મહારાષ્ટ્ર જેટલો જ મહિમા મનાય છે. સોમનાથ મારા મિત્ર ઉપરાંત ગુરુબંધુ પણ હતા. અમે બન્ને બક્ષીઉસ્તાદના શિષ્યો. બક્ષીઉસ્તાદની ગુરુપરંપરા એ પખવાજના મુલ્કમશહૂર બજવૈયા ઉસ્તાદ નાસીરખાંની ઘરાણાની કહેવાય. એટલે સોમનાથને ત્યાં દર વર્ષે લલિતની મજલિસમાં ઊંચી કોટિના કલાકારો આવતા. અને તેની સફળતાનો બધો યશ બક્ષીઉસ્તાદને ફાળો જતો. એમના તરફનાં સ્નેહ અને સન્માનની લાગણીથી દોરાઈને જ સારા સારા જાણકાર માણસો ત્યાં આગ્રહ વિના આવતા. અમારા એ વિભાગમાં સોમનાથને ત્યાંના લલિતની મહેફિલમાં હાજર રહેવા માણસો તલસતા. દસેક વાગે શરૂ થઈને એ ઉત્સવ પરોઢિયે પૂરો થતો.

રાતના બાર વાગી ગયા હતા. મહેફિલ જામતી હતી. સ્વામી વલ્લભદાસે કેદારો પૂરો કર્યો હતો. એમના કંઠમાધુર્યની મોહિનીથી પ્રભાવિત થયેલા શ્રોતાઓ થોડા ઘેનમાં હતા, અડધા જાગતા હતા, ઘણા મસ્ત હતા. કેદારાએ સર્જેલી આરતથી વાતાવરણ આર્દ્ર બની ગયું હતું. બક્ષીઉસ્તાદે ઇશારો કર્યો. એક પીળી પાઘડીવાળા પાતળા માણસે સિતારને ખોળામાં લઈને ‘સા’ પર આંગળી દબાવીને મુખ્ય તારને છેડ્યો. મીંડમાંથી આખી સારેગમનું સપ્તક સરી પડ્યું. હું આમ તો બેઠો હતો પણ અંદરથી ઊભો થઈ ગયો. આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. કાન સરવા થઈ ગયા. અંતર કોઈ અજાણી જિજ્ઞાસાથી જાગી ગયું. સિતારમાંથી ભીમપલાસીની સૂરાવલિ નીકળી. જાણે આરજૂ મોહિનીરૂપ ધરીને મહેફિલમાં આવી. ઉસ્તાદના મુખમાંથી ‘વાહ’ પ્રગટ થઈ ગઈ. સિતારીની આંખોએ આ સમભાવને ગરદન નમાવીને ઊંચકી લીધો. ભીમપલાસી વિલસતી ગઈ. વચ્ચે તો એમ જ લાગ્યું કે કોઈ લાવણ્યપ્રભા કોમળકંઠે ધીરું ધીરું ગુંજી રહી છે. ક્યારેક એવું લાગે કે ઊંડાણમાંથી કોઈક કિન્નરીનો સૂર વહી આવે છે. સંવેદનશીલ અંતરને એવું જ થાય કે જાણે એની પ્રિયતમાની આર્તિ ખેંચાઈ આવી છે. આંખોમાં કરુણાનું જલ ભરાઈ આવ્યું. ધીરે રહીને મીંડની અદ્ભુત સૂરાવલિને સાચવીને ગત બહાર પડી. તબલાનો સાથ થયો. અને એક પછી એક, એકએકથી ચઢિયાતા અંતરા આગળ આવ્યા. દરેકની રમત જુદી, દરેકની ફીરત જુદી, દરેકની રમણા જુદી. આ સિતારીએ સૂરોને સંભાળીને સંકેલ્યા ત્યારે વાતાવરણને અનુકંપાથી તરબતર કરી દીધું.

કોણ છે આ અદ્ભુત સિતારી? અંતરે સવાલ કર્યો. ત્યાં તો બક્ષીઉસ્તાદે ઊઠીને સિતારીની આંગળીઓ ચૂમી લીધી: ‘વાહ નન્નુઉસ્તાદ.’ એમના મુખમાંથી શાબાશી નીકળી પડી. વળદાર પીળી પાઘડી, ઘઉંવર્ણો વાન, રંગીન નશાબાજ, ઘેનમસ્ત આંખો, પાતળી કાયા, શરબતી મલમલનું અંગરખું; ફૂલોની બનેલી એમની આંગળીઓ, સિતાર પર ફરતી જુઓ તો એમ લાગે કે જાણે સૂરોની બનેલી ગુલછડીઓ. નન્નુમિયાં એમનું નામ. પણ વહાલનું નામ નન્નુઉસ્તાદ.

બીજે દિવસે સવારે સોમનાથને લઈને હું નન્નુઉસ્તાદને ઘરે પહોંચ્યો. સોમનાથે મારી ઓળખાણ કરાવી. બક્ષીઉસ્તાદનો હું શાગિર્દ. એટલે એમણે મારી સાથે સ્નેહથી જ શરૂઆત કરી. હું બહુ આગ્રહ કરીને એમને અમારે ત્યાં લઈ આવ્યો. મારો સિતાર એમના ખોળામાં મૂક્યો. મને શિષ્ય તરીકે સ્વીકારવાની પ્રાર્થના કરી. મારે માથે હાથ. એમણે આશીર્વાદ આપ્યા. યમનકલ્યાણથી એમણે શરૂઆત કરાવી.

રોજનો અમારો સાથ. ઉસ્તાદ ગત વગાડે ત્યારે હું તબલા પર સાથ કરું. પછી હું એ ગત કાઢવાનો પ્રયત્ન કરું ત્યારે ઉસ્તાદ તબલાનો ઠેકો આપે. પહેલે મહિને ઉસ્તાદે માગી તેટલી ગુરુદક્ષિણા આપી દીધી.

અને આમ દિવસો ચાલવા માંડ્યા. ઉસ્તાદની રંગીન આંખોનું રહસ્ય મળ્યું. એમણે અફીણ અને શરાબ બન્નેનો શોખ અને બન્નેની આદત. સવારે અફીણ અને સાંજે શરાબ. કલાકાર માણસ, એટલે મુફલિસી મહેમાન. ધીરેધીરે ઉસ્તાદની સાથેનો સંબંધ ગાઢ થયો. જેમ જેમ ઘનિષ્ઠતા વધી તેમ તેમ એમના જીવનમાં વધારે ને વધારે ઊતરતો ગયો. ગુરુસેવાની આકરી કસોટી થવા માંડી. મારી ગતો યમનથી વધીને ભૈરવી સુધી પહોંચી હતી.

એક સવારે ઉસ્તાદે ગારાની ગત છેડી. એવું લાગ્યું કે કોઈ વિલાસી મોહિની ખુશીનો ગુલાલ વેરતી આવી રહી છે. વાતાવરણમાં કંદર્પના ગુપ્ત અસ્ત્રો ભમી રહ્યાં છે. જિંદગીને ચકડોળે ચઢાવે એવી મસ્તયૌવનાઓ ફેરફૂદડી ફરી રહી છે. સમગ્ર હસ્તીને આકુલવ્યાકુલ બનાવી મૂકે એવી કોઈ સ્વપ્નવાસવદત્તા આવી છે, અડકતા નથી પણ અનુભવાય છે. ખુશીની ખુમારીનું આવું અદ્ભુત જાગરણ આપીને ઉસ્તાદ બસ નવી ગત શીખવ્યા વિના જ ચાલ્યા ગયા.

થોડા દિવસ ઉસ્તાદ દેખાયા નહિ. એક સવારે હું એમની ઓરડીએ પહોંચ્યો. નન્નુમિયાં બીમાર હતા. ઓરડીની હાલત જોઈને હું ઠરી ગયો. કંઈ ઘરવખરી જ ન મળે. એક ફાટેલી ગોદડી પર એ સૂતા હતા. શરીરમાં તાવ ધીખતો હતો. હું તો પાછો આવ્યો ઘેર. એક દોરીનો ખાટલો, ગોદડું, ઓઢવાનું, એક તકિયો, ઘડો, લોટોપવાલું બધું લઈ આવ્યો. ઉસ્તાદને બરાબર સુવડાવીને ડૉક્ટરને બોલાવી આવ્યો. રોજ સવારસાંજ દવા આપી. ચાર દિવસે તાવ મટ્યો. ખાટલામાં એમણે બેસવા માંડ્યું. બેત્રણ દિવસમાં વધારે સારું થયું. આજ્ઞા મળી કે સિતાર લઈને આવવું. હું ને સોમનાથ સવારે સિતાર અને તબલાની જોડી લઈને પહોંચી ગયા. ઉસ્તાદના મુખ ઉપર ખુશીની ખુશ્બૂ હતી. સિતાર મેળવ્યો. સોમનાથે તબલું મેળવ્યું. મીંડમાંથી જોગિયાના સૂરો પ્રગટ્યા દિલની ગમગીની અકળાઈને ઊઠી. માતમ છવાયો હોય એમ વાતાવરણ ભારે થઈ ગયું. વિષાદના વમળમાંથી બહાર નીકળવાનું ખુશીનું આક્રંદ ગદ્ગદ થતું ગયું. જેમ જેમ આ આક્રંદ વધારે કરુણ બનતું ગયું તેમ તેમ ઉસ્તાદના મુખ પર ખુશીના ભાવો વધારે નિર્મળ, નમણા પણ નિરાધાર થતા ગયા. દિલાવરી અને ગમખ્વારીની આવી દોસ્તી કદી જોઈ નહોતી. એક તારને ખેંચીને મીંડમાંથી ઉસ્તાદે ગમની છેલ્લી આહ પ્રગટ કરી ત્યાં જ તાર તૂટ્યો. સિતાર બાજુ પર મૂકી દીધો. તબલું બંધ થઈ ગયું. ‘એક દિન હમારી જિંદગી કા તાર ભી ઐસા હી તૂટેગા.’ ઉસ્તાદે હસીને કહ્યું. પણ એ હાસ્યમાં ગમની હસ્તી હતી, આશાનો ઉત્સાહ નહોતો.

ઉસ્તાદ નન્નુમિયાંની તબિયત બહુ જ ખરાબ હતી. ઓરડી ઘણા દિવસથી કાઢી નાંખી હતી. મસ્જિદમાં નિવાસ હતો. ખબર મળી એટલે એક વહેલી સવારે પહોંચ્યો. એમનો બીજો એક શાગિર્દ નંદ સિતાર પર રામકલીને લડાવતો હતો. ઉસ્તાદ એક ચીંથરેહાલ પથારીમાં બાદશાહી અદાથી સૂતા હતા. આંખોમાં ઉદાસી હતી. આ ઉદાસી હોઠો પર સ્મિત બનીને પણ ઊતરતી. ત્યાં નંદે રામકલીને પૂરી કરી. ઉસ્તાદનો ધીરો અવાજ ઊઠ્યો: ‘નંદા, સિંધભૈરવી છેડો બેટા.’ ઉસ્તાદની આજ્ઞા થતાં જ નંદે સિંધભૈરવીની સુરાવલિને મીંડમાં છતી કરી. મીંડમાંથી સૂર છટક્યો. એમાં વિસંવાદિતા આવી ગઈ. ઉસ્તાદ પથારીમાં બેઠા થઈ ગયા. મેં ઊઠીને પકડી લીધા. નંદ પાસેથી સિતાર લઈને એમણે સિંધભૈરવીને છેડી. નન્નુઉસ્તાદની આંગળીઓ જાણે થીજી ગયેલા સૂરોની જ બનેલી હતી. તારને અડકતાં તારમાંથી પ્રાણ પાંગરી ઊઠ્યો. રાગરાગિણી સાથે ઉસ્તાદની ગજબની મહોબ્બત હતી. પરંતુ તેમાંય સિંધભૈરવી એમની લાડલી રાગિણી હતી. ઉસ્તાદ એની પાછળ દીવાના હતા. એને છેડીને પોતે જ હાલી ઊઠતા. એ પ્રસંગ ભુલાતો નથી. સ્મૃતિ સાથે એવો રસાયો છે કે સ્મરતાં જ જાગી ઊઠે છે. ઉસ્તાદ સિંધભૈરવી દ્વારા સર્વદા ગમનું ગૌરવ કરતા, વિષાદને વહાલ કરતા, ઉદાસીને આહ્વાન આપતા અને એ સૌ સત્ત્વોની સાથે એવો સુમેળ સાધતા કે પોતે જ સત્ત્વ બની જતા: સૂક્ષ્મ, સુગંધિત અને સૌન્દર્યમય.

તે સવારે એમણે માત્ર ઉદાસીને જ ન બોલાવી. ઉદાસીના અવતાર જેવા મૃત્યુને જ જાણે આહ્વાન કર્યું. એક તો મસ્જિદ, મુડદાં, કફન અને કયામતની લીલાભૂમિ. એમાં મોતની સવારીનું આગમન. જિંદગીને કોઈએ મૂઠ મારી હોય એમ એ નિર્જીવ બની ગઈ. આંખો, હોઠ, હૈયું સૌ પાંખો બીડીને સ્તબ્ધ થઈ ગયાં.

ઉસ્તાદની આંખો ફરી ગઈ. હાથમાંથી સિતાર છૂટી પડ્યો. દેહ ધરણી પર ઢળી પડ્યો. પ્રાણપંખીએ છેલ્લી સલામ કરી. સૂરોનો અસવાર પોતાને દેશ ચાલી નીકળ્યો.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.