જમનાપાર

લગભગ અગિયાર વરસે દહેરાદુન જવાનું થયું. પહેલાંની ઘણી સ્મૃતિ તાજી થઈ આવી. હૃષીકેશથી આગળ સ્વર્ગાશ્રમ પાસે વહેતી નિર્મળ, નિર્ગર્વી ભાગીરથી, નરેન્દ્રનગરથી આગળ ટેહરીને રસ્તે મુગ્ધાની જેમ શરમાતી વહેતી ભીલંગના અને ત્યાંથી ગંગોત્રી-જમનોત્રી તરફ રમ્ય જંગલો વીંધીને આગળ વધતાં પગદંડી જેવા મરમી માર્ગો એ બધાં યાદ આવ્યાં. આવી સ્મરણોની યાત્રા ચાલતી હતી ત્યાં મારા યજમાને મને ખુશખબર આપ્યા કે અમારી ભીલંગના અને જમના પાર કરીને જોનસારોના પ્રદેશ સુધી પ્રવાસ કરવાનો છે. એમને માટે એ મુસાફરી અનિવાર્ય હતી અને મને એ આનંદ આપશે એટલું જ નહીં, પણ જોનસાર પ્રદેશ જોઈને અને એ લોકોને મળીને મને પણ કંઈક જાણવાનું મળશે.

નરેન્દ્રનગર એ ટેહરીગઢવાલ રાજ્યનું પાટનગર છે. ખાસ કરીને પહેલાં એ ઉનાળાનું પાટનગર હતું એ શિયાળા કે ચોમાસામાં તો ટેહરી શહેર રાજ્યની બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતું. પણ હવે તો રાજકીય દૃષ્ટિબિંદુ અને પરિસ્થિતિ બન્ને બદલાવાને કારણે નરેન્દ્રનગરને ખૂબ મહત્ત્વ મળ્યું છે અને એ જ શહેર બારે માસની રાજધાની બન્યું છે. દહેરાદુનથી હૃષીકેશ થઈને નરેન્દ્રનગરનો રસ્તો રમણીય અને આહ્લાદક છે. ગંગાની ખીણની ઉપર થઈને જતો આ માર્ગ જે જંગલોમાં થઈને જાય છે એમાં ગણી ગણાય નહીં એટલી વિવિધ વનસ્પતિનો સમાવેશ છે. પણ કુદરતની શક્તિ અને સુંદરતા બન્ને ખીલે છે અને ફૂલે છે તો નરેન્દ્રનગરથી આગળ ચાલીએ છીએ ત્યારે. છ હજાર ફૂટ ઊંચે થઈને પછી પાછું નીચે ઊતરવું પડે છે. વનસ્પતિનો અહીં જે લીલો રંગ આંખોને જોવા મળે છે તેવો લીલો રંગ મેં બીજે જોયો નથી. કુલુવેલીમાં રહીને મહષિર્ નિકોલસ રોરિકે હિમાલયનાં બરફમય શિખરો ઉપર ઝૂકેલા આકાશનો જે ઘેરો ભૂરો રંગ પોતાની દૃષ્ટિમાં પકડીને એમનાં ઘણાં ચિત્રોમાં મૂતિર્મંત કર્યો છે તેને ‘રોરિક બ્લ્યૂ’નું વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. એવો ભૂરો રંગ દુનિયાના કોઈ ભાગમાં જોવા નથી મળતો એવી ધારણા છે. મને આ લીલો રંગ જોઈને પણ કંઈક એવી જ લાગણી થઈ. કોઈ કલાકારની વેધક દૃષ્ટિ આ લીલો રંગ પી જાય અને પછી એને આ જંગલોનાં અદ્ભુતરમ્ય ચિત્રોમાં મૂર્ત કરે તો કેવું સારું?

ભીલંગના પાર કરતા હતા ત્યારે મને સ્વામી રામતીર્થનું સ્મરણ થયું. રામ બાદશાહને ભીલંગના બહુ ગમી. એમને થયું મારે આ સરિતાને કંઈક આપવું જોઈએ. એટલે એમણે પોતાની છેલ્લામાં છેલ્લી પ્રિય વસ્તુ એને આપી. આ જ ભીલંગનાને તીરે એમણે ભવિષ્યમાં પંજાબી ભાષા નહીં બોલવાનું વ્રત લીધું.

ભીલંગના પાર કરીને સમૃદ્ધ અને સૌન્દર્યમત્ત નિસર્ગને માણતા અમે નમતા બપોરે જમનાને કિનારે આવી પહોંચ્યા. દિલ્હી, મથુરા અને પ્રયાગમાં જોયેલી જમના કરતાં આ જમના જુદી જ હતી. કેવી હતી આ યમુના? યૌવનમસ્ત, લાવણ્યમયી કોઈ કુંવારી કન્યા પોતાની જીવનસુગંધ પ્રસરાવતી માંયરામાં પરણવા જતી હોય ને એવી–કોડભરી, સ્વપ્નશીલ અને અકલંક. અંતર આનંદથી ભરાઈ ગયું. આંખો કુદરતના કૃપાપ્રસાદથી ભરાઈ ગઈ અને ભીંજાઈ ગઈ અને ભરેલે હૈયે હું જમનાને ભેટીને પાર થયો. હવે અહીંથી જ જોનસારોનો પ્રદેશ શરૂ થતો હતો. અમે એ ગામમાં પહોંચ્યા ત્યારે સમીસાંજનો સમય હતો. સંકોચાતી, શરમાતી એ સંધ્યાના પ્રકાશમાં મેં પહેલી જોનસાર નારીનાં દર્શન કર્યાં. અને પછી જોયો એનો નર. બન્ને સ્વરૂપવાન, શક્તિશાળી અને સમભાવી.

રતનસંહિ હતું એ જોનસાર પુરુષનું નામ. જમતાં પહેલાં અમે વાતો કરવા બેઠા, અને રતનસિંહે રંજપૂર્વક વાત માંડી. જમનાપારની તમારા તરફની સ્ત્રીઓ ભારે અવિવેકી અને બદતમીજ છે. અને તેમાંય ટેહરી પછી નરેન્દ્રનગર અને પછી જેમ તળેટીમાં ઊતરીને હરિદ્વાર તરફ વળો ત્યાં તો અવિવેકનો પાર નથી હોતો. હમણાં જ એ બાજુની એક સ્ત્રીને અમારો એક જોનસાર પરણી લાવ્યો. એ છે ચાર ભાઈ. પેલી સ્ત્રીએ કહ્યું કે હું તો એક જ પુરુષને પરણી છું અને એકની જ સ્ત્રી તરીકે રહીશ. અમને બધાને લાગ્યું કે આ સ્ત્રી ભારે બદતમીજ નીકળી. અમારા જોનસારોમાં તો ત્રણચાર ભાઈઓ વચ્ચે એક જ પરિણીત સ્ત્રી હોય છે. દરેક ભાઈ જો જુદી જુદી સ્ત્રી પરણે તો વિખવાદનો પાર નહીં. વળી જુદાં જુદાં છોકરાંઓને કારણે જમીનો અને મિલકત વહેંચાઈ જાય અને આમ જોનસારો હતા ન હતા થઈ જાય. અમારા આ રિવાજથી અમારી મિલકત સચવાય છે, અખંડિત રહે છે અને કુટુંબમાં સંપ અને સંવાદ સચવાય છે. અને આ જ રીતે અમે જોનસારો આ પ્રદેશમાં સ્વર્ગનું જીવન જીવીએ છીએ – સુખી અને સંતોષી.

મહાભારતમાં દ્રૌપદીની વાતને આપણે ધામિર્ક કથા માનીને સહી લઈએ છીએ પણ નહીં માનીને મનમાં હસીએ છીએ, એ વાત આપણે ના સ્વીકારીએ તોય હકીકત છે. પણ આ જોનસારોની દુનિયા અને એમનું જીવન તો જોઈને આનંદ અને આશ્ચર્યથી મૂંગા થઈ જવાય એવી નગદ જિંદગી છે.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.