છબી કોરાઈ ગઈ

મધ્યપ્રદેશમાં વિંધ્યાચળની ઘાટીનાં જંગલો વાઘના અને બીજાં જંગલી પશુઓના નિવાસસ્થાન તરીકે મશહૂર છે. તેમાંયે કટનીથી માણેકપુર, દક્ષિણ ઉત્તર અને રીવાંથી ઓચ્છા સુધીના પૂર્વપશ્ચિમ લગભગ દસ હજાર ચોરસ માઈલના બુંદેલખંડ-બાધેલખંડ વિસ્તારમાં ગાઢ અને ભયંકર જંગલો પડ્યાં છે, આ જંગલો જુદાં જુદાં દેશી રાજ્યોની સરહદોમાં વીખરાયેલાં છે. પરંતુ ચરખારી, છત્રપુર, બીજાવર અને ઓરછાનાં દેશી રાજ્યો પાસે જંગલોનો વિસ્તાર બહુ નથી. મોટાં અને બિહામણાં જંગલો પન્ના અને રીવાં રાજ્યની સરહદોમાં સમાયેલાં છે. તેમાંયે પન્નાનાં જંગલો વાઘ, દીપડા, ચિત્તા, રીંછ, વરુ, હરણ અને સાબરના શિકાર માટે ખૂબ પ્રખ્યાત છે. આ પન્ના રાજ્યમાં ત્યાંના મહારાજાના અંગત મંત્રી તરીકે પાંચ વરસ કામ કરવાની તક મળવાથી શિકાર વિષે ઘણી વાતો અને વિગતો જાતઅનુભવથી જાણવાની મળી. પહેલાં શિકાર વિષે ઘણા પીઢ શિકારીઓ પાસેથી રોમાંચક વાર્તાઓ અને વર્ણનો સાંભળેલાં. ત્યારથી શિકાર કરવાની ઘણી હોંશ હતી. એક વખત ભાવનગરથી થોડાક મિત્રો સાથે એક દીપડાના શિકાર માટે ઠેઠ જૂનાગઢની સરહદ સુધી પ્રવાસ કર્યો હતો. પરંતુ માત્ર પ્રેક્ષક તરીકે. અજમેર પાસે ખરવાની એક નાનીશી જાગીરના રાવસાહેબ ગણપતસિંહજી સાથે ઘોડા પર સૂવરના શિકારની મોજ માણી ત્યારે જિંદગીના એ પહેલા શિકારનો અનુભવ રોમાંચકારી, ઉપરાંત મારી પોતાની શક્તિ, સમયસૂચકતા અને ઘોડેસવારીની કસોટી કરનાર પણ નીવડ્યો. રાવસાહેબ અને એમનાં ઠકરાણી બંને સૂવરનાં આબાદ શિકારીઓ હતાં. બંનેની ઘોડેસવારી દિલ ધડકાવનારી હતી, પરંતુ કાબેલ હતી અને નિશાનબાજીમાં એ બંને પતિપત્નીમાં કોણ ચઢે એ કહેવું મુશ્કેલ હતું. સૂવરનો શિકાર ઘણે ભાગે ઘોડા પરથી જ થાય છે. એને માટે શિકારીમાં કસાયેલું બાહુબળ હોય તો જ ભાલાની અણીથી સૂવરને સુવાડી શકાય. ઉપરાંત ઘોડા પરની એની સવારી પણ પકડદાર અને ગંઠાયેલી હોવી જોઈએ, નહીં તો મારેલો ભાલો તાકાતપૂર્વક પાછો ખેંચી લઈને આસનને પાછું સમતોલ બનાવવું ઘણું જ મુશ્કેલ બની જાય છે. ઘોડેસવારની ઘોડા પરની પકડ જો મજબૂત ન હોય તો રાંગમાંથી ઘોડો ખસી જઈને સવારને નીચે ગબડાવી દે એની પૂરી સંભાવના હોય છે. નાસતો સૂવર અને એની પાછળ નાસતો ઘોડો એ બંનેની ગતિ પારખીને ભાલો ઉગામીને સૂવરની ગરદન કે પેટમાં હુલાવી દેવા માટે શિકારીની પાસે ચકોર અને ચોક્કસ દૃષ્ટિ ના હોય તો ઘા તો ખાલી જતો જ રહે પણ એ સમતુલા ચૂકીને જો શિકારી નીચે આવી પડે તો સૂવરનો જ શિકાર બની જાય. ખરવાની રાઠોડી ઠકરાણીએ ભયંકર અને તીણા દંતુશળવાળા એક ભારે મદમસ્ત અને વીફરેલા સૂવરને એક વખત ઘોડાની લગભગ બાર આની ગતિએ અદ્ભુત ચોકસાઈ અને અચૂકતાથી ભાલો હુલાવી દીધો હતો. ભાલો એટલો ઊંડો ઊતરી ગયો કે પાછો ખેંચી શકાયો નહીં, અને ભાલો અંદર જ રહેવા દઈને ઠકરાણી ચાલી નીકળ્યાં. એ વખતે સમતુલા ગુમાવવાનો પૂરેપૂરો ભય હતો. પણ એમની અચૂક સમયસૂચકતા અને બહાદુરીથી એમણે ભાલાને જતો કરીને પોતાની જાતને અને પોતાની પ્રિય ઘોડી બિલ્લોરીને સંભાળી લીધી. ભાલાના ઊંડા ઘા સાથે નાસતા સૂવરની દોડ ધીરી બની ગઈ અને પાછળથી ઠાકોર સાહેબે પોતાના ઘોડા ઉપર પેંગડામાં અધ્ધર થઈને બરાબર સમતુલા જાળવીને ભાલો કાઢી લીધો. દસપંદર ફૂટ પણ નહીં જવા પામ્યું હોય અને એ વિકળ પશુ ભોંયભેંગુ થઈ ગયું.

પરંતુ સૂવર અને રીંછથી વધારે રોમાંચક અને રંગદર્શી શિકાર તો અમે એક વખત પન્ના મહારાજાના ખાસ જંગલ રમણામાં એક વિકરાળ વાઘનો કર્યો હતો. પન્ના જંગલમાં મોટામાં મોટા વાઘનો શિકાર અત્યાર સુધીમાં ધોળપુરના મહારાજાએ કર્યો છે. એ વાઘની લંબાઈ અગિયાર ફૂટ અને બે ઇંચની છે. ધોળપુરના રાજમહેલમાં એ વાઘને મસાલો અને દવાઓ ભરીને જાણે જીવતો હોય તેમ એક કાચના કબાટમાં ઊભો રાખ્યો છે. એ મરેલા વાઘને જોઈને પણ માણસો ડરી જાય એટલે ભયાનક એ આજેય લાગે છે. પહેલાં અગિયાર ફૂટની કાયા સાંભળીને હું પણ ચોંકી ઊઠ્યો હતો. પણ વાઘનું માપ એના નાકથી માંડીને એની પૂંછડીના છેડા સુધીનું ગણાય છે.

પન્નામાં બિકાનેરના મહારાજકુમાર વાઘના શિકાર માટે આવ્યા હતા. ત્રણ- ચાર દિવસથી અમે જુદા જુદા શિકારી અફસરો મારફત વાઘની ખબરો જંગલમાંથી મંગાવી હતી. ચોથે દિવસે સવારે એક શિકારી અફસર વહેલા રાજમહેલમાં આવી પહોંચ્યા. એમના મોઢા ઉપર સ્મિત હતું અને આખો ચહેરો આશાની આગાહી જેવો બની ગયો હતો. મને જોતાં જ એમણે ખુશખબર આપી કે વાઘનો પત્તો મળ્યો છે. એક ભેંસને મારીને એ પોતાની બોડમાં લઈ ગયો છે. એટલે આજ સાંજ સુધી ત્યાંથી ખસવાની સંભાવના નથી. વાઘ લગભગ અગિયાર ફૂટ લાંબો છે. આ સાંભળીને મને બહુ નવાઈ લાગી. આ માણસો વાઘને જોયા વિના એનું માપ શી રીતે કહી શકતા હશે? મેં એ અફસરને પૂછ્યું ત્યારે એણે પોતાના ખિસ્સામાંથી પાંચેક ઈંચ લાંબી એક સળી કાઢી. બોલ્યા: ‘જુઓ, આ સળી વડે એ વાઘના આગલા પગલાંનું માપ લીધું છે, એ પગલું જેટલા ઇંચ લાંબું તેનાથી બમણા ફૂટનું એનું શરીર હોવાનું. આ સળી સાડાપાંચ ઇંચની છે. આ ઉપરથી લાગે છે કે વાઘ અગિયારેક ફૂટ લાંબો હોવો જોઈએ.’ એટલામાં મહારાજા નીકળ્યા. અફસરે વાઘના સમાચાર આપ્યા. હુકમ છૂટ્યો કે શિકારની તૈયારી કરાવો. આ શિકાર હાકોનો થશે એ પણ નિર્ણય થઈ ગયો. વાઘના બે પ્રકારના શિકાર બહુ મશહૂર અને પ્રચલિત છે. એક આ હાકોનો અને બીજો એના રસ્તામાં બળદ અથવા એવું જ કોઈ બીજું મોટું જનાવર બાંધવું અને વાઘ એના શિકાર માટે આવે ત્યારે એને મારવો. આ પ્રકારને ‘કિલ’નો શિકાર કહેવાય છે. પણ બંને પ્રકારના શિકાર માંચડા ઉપરથી જ થાય છે.

વાઘનો શિકાર બહુ ખર્ચાળ હોય છે. એમાં સમય, શક્તિ અને પૈસાનું ઘણું સારું ખર્ચ કરવું પડે છે. જે દેશી રાજ્યોમાં આ શિકારની સહેલગાહ થતી હોય છે ત્યાં શિકારના ખાસ અફસરો અને ખાસ ખાતાંઓ હોય છે. પન્નાથી બે મોટરટ્રક તંબુઓ ભરીને એના મજૂરો સાથે ઊપડી ગઈ. એની પાછળ રાજમહેલના ખાનસામાઓ અને રસોઇયાઓ પોતપોતાના સરસામાન સાથે બે બસ ભરીને ઊપડ્યા. વૈશાખ મહિનો હતો, એટલે ઠંડા પીણાંઓ અને આઇસક્રીમની ખાસ વ્યવસ્થા હતી. શિકારી અફસરો માંચડા બાંધવાની વ્યવસ્થા કરવા અને હાકો માટે આજુબાજુનાં ગામડાંઓમાંથી પાંચસોક માણસો એકઠા કરવા તરત નીકળી ચૂક્યા હતા.

અગિયારેક વાગે ચાર મોટરો લઈને અમે ઊપડ્યા. પન્નાથી લગભગ વીસેક માઈલ અંદર જંગલમાં જવાનું હતું. અડધો માઈલ જંગલના ઊંડાણમાં અમારે ચાલવું પડ્યું. કારણ મોટરોના અવાજથી વાઘને ખલેલ પહોંચે તો એ ચકોર પ્રાણી ચેતી જાય અને કદાચિત્ બીજી જ દિશાએ ચાલતું થઈ જાય. દબાતે પગલે અમે માંચડાઓ પાસે પહોંચી ગયા. બંદૂકો પહેલેથી જ અજમાયશ કરીને તૈયાર રાખી હતી. ગોળીના કારતૂસો પણ બધા બરાબર તપાસી લેવામાં આવ્યા હતા. લગભગ સાડાબાર વાગે અમે માંચડાઓ ઉપર બેસી ગયા. મુખ્ય માંચડા ઉપર શિકાર કરનાર મુખ્ય મહેમાન પોતાના યજમાન સાથે બેઠા હતા. સાથે એક કાબેલ અને નિપુણ શિકારી અને એક અચૂક નિશાનબાજ એ. ડી. સી. હતા. બીજો માંચડો જે ઘાયલ માંચડો કહેવાય છે ત્યાં મુખ્ય મહેમાનના રહસ્યમંત્રી, હું અને બે શિકારીઓ બેઠા હતા. બીજા માંચડા ઉપર બાકીની મંડળી ગોઠવાઈ ગઈ. ઘાયલ માંચડાનું મહત્ત્વ એટલું જ કે જો મુખ્ય માંચડા ઉપરથી શિકાર છટકે તો એ ઘાયલ માંચડા આગળથી જ નીકળે અને ત્યાં એનો અંત આવી જવો જોઈએ. ત્રીજો માંચડો એ તો માત્ર પ્રેક્ષકો માટે હોય છે. એ માંચડા પરના માણસો શિકારમાં જોવા સિવાય બીજો ભાગ લેતા નથી.

દરેક જણને ચોક્કસ સૂચના આપી દેવામાં આવી હતી. હાકો શરૂ થયા પછી તદ્દન ચુપકીદી જળવાવી જોઈએ. ધીરેથી કાનમાં પણ વાતચીત તો થઈ જ ન શકે. જોરથી શ્વાસ પણ નહિ લેવાનો. ખાંસવા અથવા ખોંખારવા જેવા અવાજ તો બિલકુલ નહિ જ કરવાના. વાઘ બહુ જ ચકોર અને ચપળ પ્રાણી છે. એટલું સતેજ અને સ્ફૂર્તિવાળું કે માણસના શ્વાસની ગંધ આવતાં તે દિશા પારખી લે છે અને એ ઉપરથી તરત જ પોતાની દિશા બદલે છે.

વૈશાખનો મહિનો હતો. સળગતો બપોર હતો. વિંધ્યના એક ઘાટીના જંગલમાં 115o અંશ ડિગ્રીનો તાપ પથ્થરો તપવાને પરિણામે વધારે આકરો લાગતો હતો. ભયંકર સૂનકાર વિસ્તર્યો હતો. બહાદુર માણસની બહાદુરી કંપાવે એવા ગરમ પવનના સુસવાટા વાતા હતા. ત્યાં સૂનકારની ભયાનકતા વીંધીને હાકોનો અવાજ વહી આવ્યો. અવાજની આ અસ્પષ્ટતા અને એનું અંતર એની વિકરાળતા વધારતાં હતાં. ધીરેધીરે આ અવાજ પાસે આવતો ગયો અને એની સ્પષ્ટતા છતી થઈ ગઈ. હાકોના શિકારનો મારો આ પહેલો અનુભવ હતો. જાણે બળવાખોરો કોઈ શહેર લૂંટવા અને બાળવા આવતા હોય એવું વાતાવરણ સરજાઈ ગયું. બુમરાણ વધી ગઈ એટલે વનરાજ ચિઢાયો. એણે ગર્જના કરી. ટોળાનો અવાજ વીંધીને એ ગર્જના જંગલમાં પછડાઈ અને એના પડઘા પડ્યા. વાતાવરણ વધારે બિહામણું બની ગયું. માનવીનો અવાજ એણે વરત્યો એટલે એણે એ અવાજની અવળી દિશામાં ચાલવા માંડ્યું. અમારી તરફ હવે એ આવતો હતો. જ્યાં જ્યાંથી એને છટકી જવાના રસ્તાઓ હતા ત્યાં તો ભાલા, તલવાર અને લાઠીઓ લઈને માણસો નીચે અને ઝાડ પર હાજર હતા. માણસ જેમ વાઘથી ડરે છે તેમ વાઘ પણ માણસથી ડરે છે. એને આજે પોતાનું જૂનું જંગલ નવું લાગતું. એના મોતના આશકો એકઠા થયા હતા. એનું પહેલું ભાન એને આડા રસ્તા રોકીને ઊભેલા માણસો પરથી થઈ ગયું. અને એ ચમક્યો. ઘાયલ માંચડા પરથી અમે એ પશુવરને સ્પષ્ટ જોઈ શકતા હતા. મુખ્ય માંચડાને હજી આડ નડતી હતી. કોઈ બાગમાં પાંજરામાં વાઘને જોવા ટેવાયેલી આંખોએ પહેલી વાર સ્વતંત્ર વિહાર કરતા વનરાજને પોતાના રાજ્યમાં ચક્રવર્તી રૂપે નીરખ્યો. હૈયું પળવાર તો થંભી ગયું. શ્વાસ આપોઆપ રોકાઈ ગયો. નવીન વાતાવરણથી સહેજ જાગ્રત થઈને એ વિકરાળ વનરાજે ભયાનક ગર્જના કરી. આખું જંગલ ગર્જી ઊઠ્યું. પડછંદા પડ્યા. ભયંકર સૂનકાર પણ ધ્રૂજી ઊઠ્યો. હાકોની હરોળ સાંકડી થતી ગઈ. અવાજ ઉગ્ર થતો ગયો અને વાઘ અમારા તરફ ધકેલાતો ગયો. એને અમારા તરફ આવ્યા વિના હવે બીજો રસ્તો નહોતો. વનરાજ જાણે આ અનિવાર્ય પરિસ્થિતિ પામી ગયો. એટલે એણે એક આડે રસ્તે થઈને નીકળવાનો પ્રયાસ કરી જોયો. પણ ત્યાંથી ભાલા અને તરવારના ચમકારા જોયા. ટોળાનો અવાજ પારખ્યો. એટલે મૃત્યુના આંગણામાં હવે એ નિર્ભય રીતે શહેનશાહની અદાથી આવી રહ્યો. એની આંખો દિશાઓ પારખતી હતી. એની ચાલ દૃઢ સામર્થ્યની પગલીઓ પાડતી હતી. નિશાનવાળા કેન્દ્રમાં રોપેલી નાની લાલ ધજા જોઈને એ જરા થંભ્યો ત્યાં તો મુખ્ય માંચડા ઉપરથી ગોળી વછૂટી ‘ધાંય’. એના અનેક પડઘા પડ્યા. અવાજ ટુકડેટુકડા થઈને વીખરાઈ પડ્યો. વનરાજ દસબાર ફૂટ ઊછળીને જે દિશા તરફથી ગોળી આવી હતી ત્યાં ફાળ ભરીને કૂદ્યો અને ‘ધાંય’નો બીજો અવાજ થયો. પોતાની ફાળથી અધ્ધર થયેલો એ બહાદુર ત્યાં જ વીંધાઈ ગયો. એનું શબ ધડાક દઈને ધરતી પર પડ્યું. સલામતી માટે બીજી બે ગોળીઓ એના શબમાં આવીને લપાઈ ગઈ. ભયંકર ચુપકીદી કકળી ઊઠી.

અડધા કલાકે એક સીટી વાગી. લીલી ઝંડીઓ ફરફરી રહી. સૌએ જાણ્યું વનરાજ મૃત્યુ પામ્યો. શિકારીઓ માંચડા પરથી નીચે ઊતર્યા. અમારી સાથે એક છબી પાડનાર પણ આવ્યો હતો. એણે મુખ્ય મહેમાન અને યજમાનને બંદૂક સાથે ઊભા રાખીને અવસાન પામેલા વનરાજ સાથે છબી પાડી.

મારા અંતરમાં પણ એક છબી કોરાઈ ગઈ. મરેલી બહાદુરી પડી હતી તેની સાથે જીવતી કાયરતા ઊભી હતી.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.