ચાલી નીકળ્યો

નીલમનગરમાંથી મારું અંજળ ખૂટ્યું હતું. ત્રણચાર દિવસથી અંતર ગમગીન રહેતું હતું. કામમાં ચિત્ત ચોંટે નહીં. વિલાસ વિષાદ વધારે, અને સૌન્દર્ય અકારું લાગ્યા કરે. બેચેનીનો પાર નહીં. એમ થયાં કરે કે હવે અહીંથી છૂટવું જોઈએ. વૃત્તિઓના આ કબંધમાં જિંદગી જો વધારે ટકશે તો એમાં જ એનું શબ રઝળશે. પણ સલામતીએ આસાની અને આરામનો આસવ પિવડાવી પિવડાવીને પુરુષાર્થને પાંગળો બનાવી દીધો હતો. જીવનની વિશુદ્ધિનું આકર્ષણ થાય પણ અશુદ્ધિ ઓળંગવાની અનિચ્છા રહ્યા કરે. શાંતિનિકેતનથી પાછા આવીને આ નોકરી સ્વીકારી ત્યારે અંતર સાથે નક્કી કર્યું હતું કે આટલી હદ સુધી જ વ્યવહારમાં બાંધછોડ કરીશું. આ મર્યાદાના બળ ઉપર પાંચ વરસ કાઢીને એના બદલામાં થોડુંક નાણું જમા કરી લઈશું. આ મર્યાદાની હદ તો હું આરંભના પહેલા છ મહિનામાં જ વટાવી ગયો. એટલે પછીના દિવસોમાં પૈસા એકઠા થવા માંડ્યા, પણ હું મારા અંતરાત્માનો વધારે ને વધારે દેવાદાર થતો ગયો. ત્રણેક વરસ પછી આ પરિસ્થિતિ એટલી બધી આકરી બની કે એણે મને આકુળવ્યાકુળ કરી મૂક્યો.

એક બાજુથી વિલાસ, મોજશોખ, ઐશ્વર્ય, આરામ અને અર્થનાં પાંચ બળોએ સાથે મળીને જીવનને જેર કરવા માંડેલું. એની સામે બીજી બાજુએ અંતરાત્મા પોતાના વિમળતાના ઘીના દીવાને સપનાંની મલમલના અંતરાય વડે ઓલવાતો અટકાવવાની ભગીરથ સાધના કર્યા જ કરે. એના અજંપાની મારા પ્રાણને ખબર પડે પણ એને એ પરવડે નહીં. મારું મન એ પરેશાનીથી ખિન્ન થાય પણ એની ખબર ન પડવા દે. આમ જીવનના કુરુક્ષેત્રમાં મહાભારતના ભણકારા વાગ્યા. ઘડીમાં એમ થાય કે મળી છે એવી તક જિંદગીમાં વિરલ જ સાંપડે છે. જે સુખ માટે લોકો વલખાં મારે છે તે મને અનાયાસે મળે છે. વિલાસના આ વિમોહનથી આસક્ત થયેલો પ્રાણ ક્યારેક આત્માના આક્રંદથી ગદ્ગદ થઈ જાય પણ પાછો ન વળે. ઇન્દ્રિયોના સુખથી પ્રભાવિત થયેલું મન આત્માને ક્યારેક આશ્વાસન આપે પણ અસહકાર ન છોડે. ત્યારે બીજી બાજુ એમ પણ થાય કે ભીખ માગીને ગુજારો કરીશું. પણ જીવનના આ કાંસમાંથી તો છૂટવું જ.

એક સવારે અકળાઈને ગાંધીજીને દિલ્હી તાર કર્યો અને મળવાનો સમય માગ્યો. બાપુનો તારથી જ ઉત્તર આવ્યો કે આવી જા. નીલમનગર જેવું નાનું ગામ. એનો વળી મહારાજા. 1939નું વરસ. સપ્ટેમ્બરનો મહિનો. ગાંધીજીનો તાર જોઈને એ નાનીશી તારઓફિસમાં ધમાલ મચી રહી. પોલીસ-અધિકારીને જાણ કરવામાં આવી. પોલીસવડાએ મહારાજને જાણ કરી. એટલે તાર મને મળ્યો તે પહેલાં એની નકલ મહારાજાને પહોંચી ગઈ હતી. હું દિલ્હી જવા માટે મહારાજાસાહેબ પાસે રજા માગવા ગયો તે વખતે એમણે ગંભીર ચહેરે મને ગાંધીજીના તારની વાત કરી. એમણે કહ્યું કે તમે મારા ખાનગી મંત્રી છો. એટલે આમાં હું પણ સંડોવાયલો છું એમ રાજદ્વારી ખાતું માનશે. કારણ કે તારઓફિસમાંથી જરૂર પોલિટિકલ એજન્ટને અને ત્યાંથી દિલ્હી આ સમાચાર પહોંચાડવાના કે આપણે ગાંધીજીની સાથે ખાનગી રીતે સંપર્કમાં છીએ. મને ખબર હોત તો હું તમને તાર જ ન કરવા દેત. એમ ને એમ તમારે મળવા જવું હોત ને તમે ગયા હોત તો આપણે ઊંડા પાણીમાં ઊતરવું ન પડત. મહારાજાસાહેબ સાચે જ ચિંતાતુર હતા. મેં કહ્યું કે મારો તાર સ્પષ્ટ હતો. એમાં મેં મારા અંગત કામ માટે સમય માગ્યો હતો. છતાં હું વ્યવસ્થા કરું છું કે તારઓફિસ આ ખબર પોલિટિકલ એજન્ટને ન મોકલે અને એમની સંમતિથી મેં એમ પણ નક્કી કર્યું કે મારે સતના અલ્હાબાદ થઈને નહીં પણ ઝાંસી થઈને દિલ્હી જવું. અને રસ્તામાં નૌગાંવમાં પોલિટિકલ એજન્ટને મળતા જવું અને ખાતરી કરી લેવી કે આ ખબર એને નથી મળ્યા.

રાજમહેલમાં મેં તારમાસ્તરને બોલાવીને હસતાં હસતાં એના ગજવામાં સો રૂપિયાની નોટ સરકાવી દીધી અને તારની આખી વાત જ દાબી દીધી. બીજે દિવસે હું ઝાંસી જવા નીકળ્યો. રસ્તામાં પોલિટિકલ એજન્ટને મળ્યો. એની પ્રસન્ન અને નિખાલસ વાતચીતથી ખબર પડી કે તારવાળી વાત અહીં પહોંચી જ નથી. એમની સાથે જ જમીને હું બપોરે ઝાંસી જવા નીકળ્યો.

દિલ્હીમાં એ દિવસોમાં ગાંધીજી જૂની દિલ્હીની હરિજન કોલોનીમાં દેવદાસભાઈને ત્યાં રહેતા હતા. સાંજે પ્રાર્થના વખતે ત્યાં હજારો માણસોની ઠઠ્ઠ જામતી. હું એને ભાઈ યશવંત પંડ્યા એમની લાલ એડલર ગાડીમાં પ્રાર્થનામાં જવા નીકળ્યા. પ્રાર્થના પછી બાપુને મળીશું એવો મનસૂબો હતો. તે વખતે સમય નહીં હોય તો બીજો વખત માગી લઈશું. પણ અમે થોડાક મોડા પહોંચ્યા. પ્રાર્થના શરૂ થઈ ગયેલી. એટલે અમારી ગાડીને સ્વયંસેવકોની પહેલી ચોકીએ જ રોકી લીધી. પ્રાર્થના પૂરી થઈ ત્યાં સુધી અમે રોકાઈ રહ્યા. અને પૂરી થયા પછી એ મેદની વિખરાઈ એમાં અમારાથી આગળ વધાયું નહીં. પણ પંડ્યા દિલ્હીના જાણકાર હતા. એમણે સ્વયંસેવકના કાનમાં કંઈક ભૂરકી નાંખી અને અમારી મોટરને અંદર જવાની રજા મળી. દેવદાસભાઈના ઘર પાસે પહોંચ્યા ત્યારે બાપુ ઉપર એમના ઓરડામાં પહોંચી ગયા હતા. મેં ચિઠ્ઠી મોકલી. એમણે મને તરત જ ઉપર લાવ્યો. પંડ્યા ગાડીમાં જ રોકાયા. એ સોમવાર હતો. બાપુને મૌન હતું. પરંતુ સ્મિતના વાત્સલ્યથી એમણે મને નવાજ્યો. મારા હાથમાં કોરા કાગળોની એક થોકડી મૂકી. એક ચિઠ્ઠી લખીને એમણે મને આજ્ઞા કરી કે મૌન હોવાથી મારી વાત મારે લખવી અને એઓ પણ લખીને જ જવાબ આપશે. ચાળીસ પિસ્તાળીસ મિનિટ લખાપટ્ટી ચાલી. છેલ્લી ચિઠ્ઠીમાં આખરે એમની આજ્ઞા આવી : “જીવનના આ કાંસમાં તમે એટલા ઊંડા ઊતરી ગયા છો કે અત્યારે જ જો બહાર નહીં નીકળો તો પછી બહુ મોડું થઈ જશે અને બહાર નીકળવાના પ્રયત્નો પણ તમને એ કાંસમાં ઊંડા ને ઊંડા ઉતારી દેશે. માટે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને આ નોકરી છોડી દો. આ તમારું કામ નથી.” હું પગે લાગીને ઊઠ્યો. બાપુએ ફરવા જવાની તૈયારી કરી. હું પગથિયાં ઊતરતો હતો. નીલમનગરથી નીકળ્યો ત્યારે જે મહાભારતના ભણકારા વાગ્યા હતા તે યુદ્ધ શરૂ થઈ ગયું હતું. એક બાજુ સુખવિલાસની વૃત્તિઓ વારાંગનાના આકર્ષણથી પ્રાણને પરવશ કરતી હતી અને મનને મોહપાશમાં બાંધતી હતી. બીજી બાજુએ અંતરાત્મા અનાવિલ અભીપ્સાના ભારેલા અગ્નિને અકળાઈને છેલ્લી ફૂંકો મારતો હતો.

મારી પાછળ બાપુ પણ ઊતર્યા. કોઈને ખભે હાથ હતો. હાથમાં લાકડી હતી. સમીસાંજ નમી ગઈ હતી. છતાં રાતનું અંધારું હજી સઘન થયું નહોતું. અંધારાના એ અસ્પષ્ટ અજવાળામાં બાપુને જતા જોયા. એ ચરણોએ મારા અંત:કરણમાં પગલાં પાડીને પેલી વૃત્તિઓના વાવાઝોડાને ડાર્યું. એ પગલાં પાછાં બહાર પડ્યાં. એ ચરણોને ચાલતાં જોવાં એ પણ જીવનનું કેવું અહોભાગ્ય!

નીલમનગર આવીને નોકરીનું રાજીનામું આપ્યું. અને, અને હું ચાલી નીકળ્યો.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.