અમૃતા

મારી નાની બહેનનું નામ તો અમૃતા. પણ સૌ એને અમુના વહાલસોયા નામથી જ બોલાવતા. મારાથી એ ત્રણ વર્ષ નાની. હું બાર વરસનો ત્યારે એ નવની. અમે ભાઈ-બહેન ઉપરાંત જબરાં મિત્રો. અમુ ગજબની તોફાની. હું જરા શાંત. એટલે ફળિયામાં જરા કંઈક છોકરાંઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાના તો અમુ બાર વગાડી દે. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બૂ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી. પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલાં એનાં ભવાં હું પંપાળતાં થાકું જ નહીં. પછી તો અમુ ના હોય તો હું મારાં જ ભવાં પંપાળતો પંપાળતો અમુને યાદ કર્યા કરું. અમુને જોઈને મારાં નાની રાજુબા હંમેશાં કહેતાં કે, ‘કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની.’ એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી: ‘નર્મદા ત્યારે નવદસ વર્ષની હશે, હું બહુ માંદી પડેલી. કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે બન્ને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. એની ડોકમાં એક સોનાની સેર હતી. પેલા સાધુએ વાતવાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માગ્યું. એ સાધુ શાનો, કોઈ અવધૂત હતો. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી મા તરત જ સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી. અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતાં પાણી થયાં ને હું સાજી થઈ. આઠદસ દહાડે પેલી સોનાની સેર નર્મદાના ગળામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચેસાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે, ‘બળી કંઠી તો ગઈ, તમે સાજાં થઈ ગયાં એટલે બસ. નર્મદા, તું ગભરાઈશ નહીં બેટા.’ આ આવી હતી તમારી બા. જો જે અમુ તું આવું કંઈ ના કરતી.’

તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણાં પાછાં ઘરે આવ્યાં ત્યારે અમુએ તરત જ બાને કહ્યું: ‘બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ.’ બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડી ને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યાં બંદા તો પોબારા ગણી ગયા.

અમુને પાંચીકાનો બહુ શોખ. એ રમત પાછળ એ ગાંડી. કલાકોના કલાકો એ રમતાં થાકે નહીં અને રમવામાં પણ એક્કો. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. એના વડીલ ભેરવકાકા રાજમહેલમાં કામે જતા. આરસપહાણ ટાંકવામાં એમની જોડી નહીં. ટાંકણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. એ ભેરવકાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. બા તો રાજી રાજી થઈ ગઈ. તે જ વખતે અમુએ ભેરવકાકાનો હાથ પકડીને આરસના પાંચીકા લાવી આપવાનું વચન લઈ લીધું. બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તાય વધી ગઈ.

ધીરે ધીરે અમુએ રમીરમીને આરસના કૂકાને વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ. અને પાંચીકાએ રમે પણ કેવી! એક વાર ચારપાંચ એની બહેનપણી સાથે એ અમારા ઓટલા ઉપર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઊછળે અને એમાંય ચૂકી જવાય. પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું. એનો કૂકો બહુ ઊંચે ઊછળે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચઢે. કૂકા સાથે પાછી દૃષ્ટિ નીચે ઊતરે. એક તો અમુની આંખો જ ચબરાક. તેમાં આ કૂકાની રમતે એને વધારે અણિયાળી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભમરો એવી ચઢે કે બા બિચારી તરત નમતું મૂકી દે. અમુને એના આરસના કૂકા અતિશય વહાલા. એને નવ વરસ પૂરાં થયાં ને દસમી વરસગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મશરૂની કોથળી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત.

મને બારમું વરસ ઊતરીને તેરમું બેઠું. અમારા ઘરમાં ત્યાર પછી તરત ધમાલ શરૂ થઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માશી, મામી બધાં હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય. એ તો ધીરેધીરે મને ખબર પડી કે મારા લગનની તૈયારીઓના પાશેરાની પહેલી પૂણી હતી. લગનનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ. મારું મહત્ત્વ ઘરમાં વધતું ગયું. આ વાત અમુને નવી લાગી. કારણ કે અમારો બંનેનો પહેલાં જેટલો સાથસથવારો હવે ન રહ્યો. ધીરે ધીરે એ ઓછો અને ઓછો થવા માંડ્યો. અમુ અને મારી વચ્ચે વહાલની રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યાં. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી. એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો. એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાડી દેવી. પણ બિચારી અમુનું કોણ માને! કુળવાનનું ઘર. પ્રતિષ્ઠા સારી. સંબંધીનો વિસ્તાર ઘણો. એટલે છોકરો બાળપણમાં જ ચાર હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. જે દિવસે મને પીઠી ચોળી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી: ‘ઓ મારા ભાઈ રે! બા અને બાપુજીથી પણ એ છાની ન રહી. પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એનાં ડૂસકાં શમ્યાં.

લગનમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. કોઈકે હાથમાં રૂપિયા પણ મૂક્યા. ફોઈ જરીની ટોપી લાવ્યાં. માસી સોનાની સેર લાવ્યાં. મામીએ હાથથી કલ્લીઓ આણી. એમ વસ્તુઓ ઉપરાછાપરી આવવા માંડી. અમુ શું આપે બિચારી? બધાં વીખરાયાં. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે આવીને મારી સોડામાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી: ‘ભાઈ, તારા માટે હું આ લાવી છું.’ કહીને એણે એના પાંચીકાની મશરૂની કોથળી દેખાડી. હું હતો તો બાળક પણ અમુની આંખોમાંથી પડુંપડું થતો સ્નેહ જોઈને હું એને બાઝી પડ્યો. અને અમે બંને પેટ ભરીને રડ્યાં.

પછી તો અમુ મોટી થઈ. વધારે નમણી બની. એના રૂપમાં યૌવન ઉમેરાયું. એના લાવણ્યમાં ચારુતા ઊગી. એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઊપસી આવી. પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહિ. બધા સંજોગો ને સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. એની ભીનાશ વધી. એની ભવ્યતા ઓળખાઈ. ત્યાં તો અમુનાં લગ્ન લેવાયાં. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો. અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એને પીઠી ચઢી ત્યારે હું રડી પડ્યો.

અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણભાદરવો વરસતાં હતાં. સગાંવહાલાં રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યાં હતાં. ચોઘડિયાં અકારાં લાગતાં હતાં. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગડમથલ ચાલતી હતી. કશું સમજાતું નહોતું. પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે પચીસ રૂપિયા લીધેલા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચીકાવાળી મશરૂની થેલીમાં એ કૂકા સાથે મેં મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. એણે મારી સામે જોયું. એ આંખો હું કદી નહિ ભૂલું. એ આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથાની આખી વારતા મૂંગી મૂંગી રડતી હતી. અમને રોતાં મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ.

એની વિદાયની અમને કંઈક કળ વળી અમુ પાછી આવી ત્યારે. લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડીલી બહેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઊછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ.

ચારેક વરસ પછી એ સાસરેથી બીમાર થઈને ઘેર આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ હતી. એ અમુ જ નહીં, જાણે એનું ભૂત. નમણી અને સ્નેહનીતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડઘાઈ જ ગયાં. બા તો રડી પડી. થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી. વધી તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતાંકકળતાં મૂકીને ચાલી નીકળી. અમુ જતાં ઘરમાં સૂનકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી. કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું.

બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઑર નદીના સંગમ ઉપર ચાણોદ અમુનાં અસ્થિ લઈને જવાનો હતો. બા ને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતાં હતાં. એમાંથી એની લગન વખતની સૌભાગ્યચૂંદડીની ગડીમાંથી પેલી મશરૂની થેલી નીકળી. મેં ઉઘાડીને જોઈ તો અંદર પેલા પાંચ આરસના કૂકા ટૂંટિયું વાળીને પડ્યા હતા. એ કૂકા જોઈને મારાથી ના તો રડાયું, ના તો બોલાયું. બા કૂકાને જોઈને પછી મને જોઈ રહી. જોતાં જોતાં જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી. બાની સોડમાં હૃદય દ્રવી પડ્યું.

સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઑર નદી મળે છે ઑર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે. હાથમાં અમુના અસ્થિની થેલી છે. મારા ગજવામાં પાંચીકાની મશરૂની થેલી પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. અકસ્માત માછીએ કહ્યું: ‘ભાઈ, આ ઑરસંગમ.’ મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ના ચાલ્યો. પણ પેલી પાંચિકા સાથેની મશરૂની થેલીય પાણીમાં મૂકી દીધી. અમુનાં અસ્થિ અને આરસના પાંચીકા મેં પાણીમાં મૂક્યાં ત્યાં તો લાવણ્ય અને લજ્જાભર્યાં એનાં લોચનો, ધનુષ્યાકૃતિ ભમરોથી છવાયેલાં મારી સામે હસી ઊઠ્યાં!

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.