શ્રી કિશનસિંહ ચાવડાએ જ્ઞાનેશ્વર રચિત ‘જ્ઞાનેશ્વરી’નો ઓવીબુદ્ધ ગુજરાતી અનુવાદ કરી તેમણે ભાષાની અને શ્રેયાર્થીઓની મોટી સેવા કરી છે. એનો પ્રકાશન સમારોહ દાદા ધર્માધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલો અને અતિથિવિશેષ તરીકે શ્રી ઉમાશંકર જોશી ઉપસ્થિત રહ્યા હતા.
પાછળનાં છેલ્લાં થોડાં વર્ષો કિશનસિંહ ચાવડા અધ્યાત્મ તરફ વળેલા. તેમની આ અધ્યાત્મયાત્રા ૧૯૭૭માં પ્રગટ થયેલા ‘અમાસથી પૂનમ ભણી’ પુસ્તકમાં આલેખાયેલી છે; પણ ગુજરાતી સાહિત્યમાં તે જાણીતા થયા સવિશેષ જાણીતા થયા તેમના પુસ્તક ‘અમાસના તારા’થી. મૂળે આ પ્રસંગો ‘સંસ્કૃતિ’માં લેખમાળારૂપે પ્રગટ થયેલા. આ લેખમાળાનું નામ હતું ‘જિપ્સીની આંખે’ પણ આ ‘જિપ્સી’એ કોનું તખલ્લુસ છે એ વિષે જાતજાતની અટકળો થયેલી! આખરે એ કિશનસિંહ ચાવડા જ છે એ પ્રગટ થયું. આ લેખમાળા અનેક નામી-અનામી વાચકોને ખૂબ રોચક અને પ્રેરક નીવડેલી. એનો એક સરસ કિસ્સો ઉમાશંકરે નોંધ્યો છે.
‘જિપ્સીની અપીલનો એક નોંધપાત્ર દાખલો સુરત લેખકમિલનમાં મુંબઈના ગ્રંથાગાર (પ્રવર્તક પુસ્તકાલય) વાળા શ્રી રસિક ઝવેરીએ આપ્યો હતો: નળ બજાર, ભીંડી બજાર તરફ કામ કરતા એક શ્રમિકને એકેય પુસ્તક ગમતું ન હતું. લઈ જાય નેં મોં બગાડીને બધાં પાછાં આપે. કંટાળીને એનો કાંટો કાઢવા પોતે એને ‘ભારેખમ’ સંસ્કૃતિની ફાઈલ આપી. થોડા દિવસ પછી પેલા ભાઈ આવીને રાહ જોતા બેઠેલા. કૂદીને બૂમ પાડી ઊઠ્યા. ખૂલી ગયું! ખૂલી ગયું!! શું ખૂલી ગયું? તો કહે આમાંથી જિપ્સી વાંચીને દિલ ખૂલી ગયું.
‘અમાસના તારા’ ઘણાં હૃદયોને પ્રેરણાદાયી થઈ પડે એવું પુસ્તક છે. એની પાછળ વિવિધ અનુભવવખારી એવા લેખકનું સમૃદ્ધ વ્યક્તિત્વ રહ્યું છે. એ વ્યક્તિત્વનો સ્પન્દ આપણી ચેતનાને અલૌકિક સૌન્દર્યથી રસી દે છે. સાહિત્ય સ્વરૂપની દૃષ્ટિએ કોઈ કોઈ પ્રસંગચિત્રો બન્યાં છે તો કોઈ કોઈ ટૂંકી વાર્તાનું કમનીય લાવણ્ય પણ ધારણ કરે છે. પણ સઘળાં મનને ભરી દે છે. નિતાન્ત રમણીય છે એ.
શ્રી કિશનસિંહ ચાવડાએ આ પહેલાં ટૂંકી વાર્તાનો સંગ્રહ ‘કુમકુમ’ આપ્યો હતો, ‘ધરતીની પુત્રી’ નામે નવલકથા આપી હતી. રવીન્દ્રનાથ, શરદબાબુ અને પ્રેમચંદજીની કૃતિઓ ગુજરાતીમાં ઉતારી હતી, પ્રસંગોપાત્ત ગંભીર નિબંધો પણ તેમણે લખ્યા છે. પણ આ એક એવા સાહિત્યકાર છે જેમની જીવનની ઉપાસના વધુ ગંભીર ભાવે થયેલી છે. અલબત્ત તેમણે ટૂંકી વાર્તા અને અંગત નિબંધના પ્રકારોમાં સારું કામ કરેલું છે, અને ખાસ તો વૈયક્તિક્તાની મુદ્રાવાળું રમણીય ગદ્ય આપીને ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ ગદ્યલેખકોમાં પોતાનું સ્થાન હંમેશ માટે મેળવી લીધું છે.
શ્રી કિશનસિંહનું મૂળ વતન, ભાંજ, સુરત જિલ્લીમાં સચિન પાસે. કુટુંબ વડોદરા આવીને વસેલું. એટલે વડોદરા જ એમનું વતન. એમનો જન્મ વડોદરામાં ઈ. સ. ૧૯૦૩ની રોજ (તિથિ પ્રમાણે કારતક વદ ૫) ૧૭મી નવેમ્બરે. પિતાનું નામ ગોવિંદસિંહ અને માતાનું નામ નર્મદા. એમનું શિક્ષણ વડોદરા, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં, શાંતિનિકેતનમાં થયું. ઈ. સ. ૧૯૪૮માં અમેરિકામાં પિટ્સબર્ગમાં કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજીમાં છ મહિના માટે પ્રિન્ટિંગ પ્લાન્ટ મૅનેજમેન્ટનો કોર્સ કરવા પણ ગયેલા. નાનપણથી તેમને આંતરસત્ય ખોજવાની લગની હતી. બહિર્મુખ કહી શકાય એવું જીવન પણ તે જીવ્યા છે પણ અંતસ્તત્વ તેમને સદૈવ ટપારતું, પ્રેરતું અને જીવનનૌકાને અધ્યાત્મ માર્ગે વાળતું રહ્યું છે. તેમનાં માતુશ્રી વૈષ્ણવ હતાં અને પિતાજી નિરાંત સંપ્રદાયના હતા. પણ એમનું ઘડતર જ એવું થયું કે સર્વધર્મ સમભાવ સહજ બની ગયો. જીવનદેવતાએ એમને પ્રતિપળ જાણે દોરતા રહ્યા. બાર વર્ષની વયે એમનું લગ્ન સરસ્વતીબહેન સાથે થયેલું. ઈ. સ. ૧૯૩૦માં એમનું અવસાન થયું. ઈ. સ. ૧૯૩૨માં તેમનું બીજું લગ્ન સાવિત્રીબહેન સાથે થયું. આ પ્રેમલગ્ન હતું. એમનું પ્રથમ લગ્ન સંવાદપૂર્ણ હતું તો આ બીજા લગ્નમાં પણ પારસ્પરિક સમજણથી સહચારધર્મ સહજ બન્યો. પણ પંચોતેર વર્ષના કિશનસિંહભાઈને ઉત્તરવયમાં ધર્મસહચાર સાધી ન શકાયો એ પણ વિધિની યોજના. કિશનસિંહભાઈને વિમલાબહેન ઠકારમાં શ્રીકૃષ્ણપ્રેમનું અંત:સત્ત્વ જાણે ફરીથી સદેહે મળ્યું અને ‘વિમલ પ્રતાપે અમે તરી ગયા જાગતા રે’ એવો ભાવ સઘન બન્યો અને પોતે આબુમાં ‘શિવ કુટિ’માં વિમલાબહેનની સાથે સાધના કરતા અને એમનાં પત્ની સાવિત્રીબહેન મીરતોલામાં આશિષદાના માર્ગદર્શન હેઠળ શ્રીકૃષ્ણપ્રેમે સ્થાપેલા આશ્રમમાં વસતાં.
કેટકેટલા અનુભવોમાંથી આ લેખક પસાર થયા છે! એમના વિકાસકાળમાં ભારતના અને વિશ્વના કેટલા બધા મોટા માણસોના સાન્નિધ્યમાં મુકાવાનું સદ્ભાગ્ય તેમને મળેલું હતું! ગાંધીજી, ટાગોર, શ્રી અરવિંદ, શ્રી માતાજી, ભિક્ષુ અખંડાનંદ, મોતીભાઈ અમીન, રોમે રોલાં, પોલ રિચાર્ડ, શ્રીકૃષ્ણપ્રેમ, ગુજરાતી સાહિત્યકારો, સમાજસેવકો અને અન્ય નામાંકિત વ્યક્તિઓ તો ઘણી બધી. આ સૌનો પ્રભાવ ઝીલતાં ઝીલતાં તેઓ સ્વકીય માર્ગે ગતિ કરતા રહ્યા છે.
રાજામહારાજાઓની જીવનસૃષ્ટિ તેમણે જોઈ, પણ એના ચળકાટમાંથી થોડી જ વારમાં નિર્ભ્રાન્ત બની એ માર્ગથી પાછા વળી ગયા અને સત્યશોધન અને જીવનની સાચી સાર્થકતા પામવાના માર્ગે આગળ ધપ્યા. છેલ્લે તે શ્રી કૃષ્ણપ્રેમ પ્રત્યે આકર્ષાયા. તેમણે અને તેમનાં પત્ની સાવિત્રીબહેને સાથે દીક્ષા લીધી અને જીવન સમર્પિત કરી મીરતોલામાં વૈષ્ણવ મધુર ભક્તિની સાધનામાં જીવનની કૃતાર્થતા માણી. ઈ. સ. ૧૯૬૫માં શ્રીકૃષ્ણપ્રેમે દેહ છોડ્યો અને ઈ. સ. ૧૯૬૬માં વિમલાબહેનનું મિલન થયું. ઈ. સ. ૧૯૭૧માં શ્રી કિશનસિંહે મીરતોલા છોડ્યું અને આબુનિવાસ સ્વીકાર્યો.
‘અમાસના તારા’ પછી કિશનસિંહે ‘હિમાલયની પત્રયાત્રા’ પુસ્તક આપ્યું. ઉમાશંકરે યોગ્ય રીતે જ એને ‘દ્વિતીય પર્વ’ કહ્યું, અને ત્રીજું પર્વ તે એમની જિજ્ઞાસાની યાત્રા આલેખતી વિશિષ્ટ આત્મકથા ‘અમાસથી પૂનમ ભણી.’ આ ત્રણે પુસ્તકો મળી એક ઘટક બને છે. આ ત્રણેમાં લેખકની અધ્યાત્મ-જિજ્ઞાસાનો રમણીય આલેખ આપણને મળે છે. ‘ઇન્ડિયન બુક ક્રોનિકલે’ ઈ. સ. ૧૯૭૭ના મારા પ્રિય ગુજરાતી પુસ્તક વિષે લખવાનું કહ્યું ત્યારે મારી પસંદગી ‘અમાસથી પૂનમ ભણી’ પર ઊતરી હતી. અન્ય વિદ્યાકાર્ય પણ તેમના હાથે થયું છે. શાન્તિનિકેતનના વસવાટ દરમ્યાન સંશોધન કરી ‘કબીર સંપ્રદાય: એની ગુજરાત અને ગુજરાતી સાહિત્ય પર અસર’ એ પુસ્તક તેમણે તૈયાર કરેલું, તે મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પ્રગટ કર્યું હતું. ઈ. સ. ૧૯૪૫માં પુત્ર અશોકનું અવસાન થતાં લેખકને થયેલા વિષાદમાંથી બહાર આવવાનું બન્યું એચ. બી. પી.ના ‘ધિ વૉઈસ ઑફ સાયલન્સ’ના અનુવાદકાર્ય દ્વારા. ‘અનાહત નાદ’ નામે એ અનુવાદ ઈ. સ. ૧૯૬૦માં પ્રગટ થયો. શ્રી કૃષ્ણપ્રેમના ‘ધી યોગ ઑફ ધ ભગવદ્ગીતા’ ગ્રંથનો ગુજરાતી અનુવાદ સોમૈયા પબ્લિકેશન તરફથી પ્રગટ થયો છે. બળવંતરાય ઠાકોરને પંચોતેર વર્ષ થયાં ત્યારે ‘પંચોતેરમે’ નામે પુસ્તકનું સંપાદન પણ તેમણે કર્યું હતું.
તેમણે સ્વાતંત્ર્ય લડતોમાં પણ ભાગ લીધેલો. રાષ્ટ્રભક્તિ અને અધ્યાત્મ- અભીપ્સા વચ્ચે સંઘર્ષ પણ અનુભવેલો. થોડો સમય તે શ્રી અરવિંદ આશ્રમમાં પણ રહેલા. એ જ રીતે રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં અને ગાંધીજીની પાસે પણ રહેલાં. થોડો સમય મુંબઈ ફેલોશિપ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરેલું અને માદામ સોફિયા વાડિયાની સાથે ઇન્ડિયન પી. ઈ. એન.ના મંત્રી તરીકે પણ રહેલા. વડોદરામાં સાધના પ્રેસ નામે છાપખાનું કાઢેલું. પછી પ્રેરણા થતાં એ વેચી પણ નાખ્યું. મુંબઈમાં સરદાર પટેલના પુત્ર ડાહ્યાભાઈની સાથે અખિલ ભારત પ્રિન્ટર્સ લિ.માં વ્યવસ્થાપક તરીકે પણ રહેલા. થોડો સમય રાજા-મહારાજાના સેક્રેટરી તરીકે રહેલા પણ પછી તરત એ કામ છોડી દીધેલું.
લખાયેલા પ્રત્યેક શબ્દ પાછળ એના લેખકનું વ્યક્તિત્વ રહેલું હોય છે. કિશનસિંહની શબ્દસાધના પાછળ પણ એમનું વ્યક્તિત્વ રહેલું છે અને એ વ્યક્તિત્વ વિરલ છે. સાધક અને લેખક એકબીજામાં ભળી જતા હોય એવા દાખલા ગુજરાતી સાહિત્યમાં કેટલા?
(‘શબ્દલોકના યાત્રીઓ’-૧માંથી)