સમય પર સવારી

એક વહેલી સવારે મહારાજાસાહેબનો ફોન આવ્યો કે પૅલેસમાં અગત્યનું કામ છે માટે જલ્દી પહોંચી જવું. ઉતાવળે મહેલમાં પહોંચ્યો ત્યારે એમણે કહ્યું : “આપણા વડાન્યાયાધીશ બાજપેઈને જલદી મોટર મોકલવીને બોલાવો. એમનું બહુ જ જરૂરી કામ છે.” મેં આ આજ્ઞાની સાથે તરત જ મોટર મોકલી અને અડધાએક કલાકમાં તો એ લખનોરી જીવ મહામુશ્કેલીએ હાજર થઈ ગયો. બાજપેઈ લખનૌના હતા. ટાઢો અને રંગીલો આત્મા. સવારે નવેક વાગે ઊઠે અને નિત્યક્રમ પરવારી, જમીને માંડ બાર વાગે કોર્ટમાં પહોંચે. એને સવારમાં આઠ વાગે પકડી મંગાવ્યા એની મેં એમની પાસે માફી માગી લીધી. હું તો એમને મુલાકાતીના ઓરડામાં બેસાડીને મારે કામે ચાલ્યો ગયો. અગિયારેક વાગ્યે પાછો આવ્યો ત્યારે બાજપેઈ ત્યાં જ બેઠા હતા. મેં પૂછ્યું તો હજી મહારાજાસાહેબે બોલાવ્યા નહોતા. એટલે મેં ખાસ જઈને મહારાજાસાહેબને યાદ કરાવી આપ્યું કે બાજપેઈ બેઠા છે. અને પાછો હું મારા કામમાં ગૂંથાઈ ગયો. લગભગ બારેક વાગે મારી બૂમ પડી. જોઉં છું તો એન્જિનિયર સાહેબનો ફોન હતો. એઓ સવારના નવ વાગ્યાથી નવા બંધાતા પૅલેસમાં મહારાજાસાહેબની રાહ જોઈ રહ્યા છે. એ સમાચાર પણ મેં હજૂરને પહોંચાડ્યા. એનો તરત જ હુકમ થયો કે મોટર તૈયાર કરાવો. અમે અડધીએક કલાકમાં નવા પૅલેસમાં જવા નીકળ્યા ત્યારે મોટરમાં બેસતી વખતે મેં પાછું યાદ દેવડાવ્યું કે બાજપેઈ બેઠા છે. ઉત્તર મળ્યો કે પાછા આવીને વાતચીત કરીએ છીએ, બેસાડો એમને. દોઢેક વાગે અમે પાછા આવ્યા એટલે ઉતાવળે મહારાજાસાહેબ નાહવા ચાલ્યા ગયા. બાજપેઈને આશ્વાસન આપીને હું ઘેર જમવા નીકળ્યો અને હાજરી પર રહેલા એ.ડી.સી.ને સૂચના આપતો ગયો કે મહારાજાસાહેબને બાજપેઈની યાદ દેવડાવે.

સાંજે સાડાછ વાગે ટેનિસ રમીને અમે મહેલમાં પાછા આવ્યા ત્યારે મને ખબર પડી કે બાજપેઈ હજી બેઠા જ છે. મેં જઈને તપાસ કરી કે એમણે કંઈ ખાધુંપીધું કે નહીં. બિચારા સવારના ભૂખ્યા બેઠા હતા. મહારાજાસાહેબ ક્યારે બોલાવે એ ચિંતામાં જમવા પણ ગયા નહોતા. મેં એમને માટે ચા અને ‘ભારે’ નાસ્તાની ગોઠવણ કરી અને મહારાજાસાહેબને ખબર આપી કે બાજપેઈ બેઠા છે. લગભગ સાડાસાતે મહારાજાસાહેબ બહાર આવ્યા ને તરત જ ખબર આવી કે નવા મહેલની પાછળ એક ચિત્તાએ ગાય મારી નાંખી છે. બસ એકદમ તૈયારીનો હુકમ મળ્યો અને બાજપેઈને બેસવાનું કહી અને ચિત્તાની શોધમાં ઊપડ્યા. રાતે સાડાનવ વાગે ચિત્તાનો પ્રાણ હરીને અમે પાછા ફર્યા અને મહારાજાસાહેબ આ ખુશખબર મહારાણીને કહેવા અંદર ગયા. મેં મારી રીતે બાજપેઈને સાન્તવના આપી. ત્યાં તો ખબર આવી કે રાતનું ખાણું મહારાજાસાહેબ જનાનખાનામાં મહારાણીસાહેબ સાથે લેવાના છે. મેં તરત જ એક વિશ્વાસુ બાઈ સાથે બાજપેઈનો સંદેશો મોકલ્યો અને બાજપેઈ માટે મારી સાથે જ જમવાની વ્યવસ્થા ત્યાં મહેલમાં જ કરી. રાતના અગિયાર વાગ્યા અને છતાં કંઈ સમાચાર ન આવ્યા ત્યારે હું જાતે ખાસ પરવાનગી માગીને જનાનખાનામાં ગયો અને મહારાજાસાહેબને કહ્યું કે બાજપેઈ હજી બેઠા છે. મહારાજા જમીને હુક્કો પીતા હતા અને આગળપાછળ સૌન્દર્ય અને સુખનું વાતાવરણ હતું. જવાબ મળ્યો : “એમને ખોટી કરવા માટે દિલગીર છું. હવે તો કાલે સવારે નવ વાગે બરાબર બોલાવો. કાલે જ વાતચીત કરીને નક્કી કરી નાંખીશું.” રોજના નિયમ પ્રમાણે મધરાતે જ્યારે હું ઘેર જવા નીકળ્યો ત્યારે બાજપેઈને પણ મોટરમાં સાથે લીધા અને રસ્તામાં એમને ઘેર ઉતાર્યા. આખે રસ્તે બાજપેઈ બિલકુલ બોલ્યા નહીં. પણ એમનું મૌન એ જ એમની અંતરવ્યથાની વાણી હતી.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.