નીલમનગરના મહારાજાના મોટા દીકરાની જાન લઈને અમે નેપાળ ગયા હતા. અમારી સાથે જાનમાં પંદરસોળ રાજામહારાજઓ હતા. એટલે ડોળદમામ અને ઠાઠમાઠનું તો પૂછવું જ શું? બીજા બધા અનુરૂપ સાજનમહાજન સાથે આઠદસ ઉમદા ગાનારીઓ પણ હતી. એમાં કાશીની મશહૂર ગાયિકા શૈલકુમારી પણ હતી. ખટમંડુના એક વિશાળ રાજમહેલમાં અમને ઉતારો આપવામાં આવ્યો હતો. અમારી મહેમાનગીરી બાદશાહી રીતે થતી હતી. એક રાતે મહારાજાઓની મરજી થઈ કે શૈલેષકુમારીને ગાવા બોલાવો. માણસો દોડ્યા પણ ખબર લઈને આવ્યા કે એ બાઈની તબિયત અસ્વસ્થ છે એટલે આવવાની અશક્તિ જાહેર કરી છે. મહારાજાઓએ એને બદલે સિદ્ધેશ્વરીને બોલાવીને મહેફિલ તો જમાવી જ.
બીજે દિવસે સવારે હું મહારાજાસાહેબની રજા લઈને પશુપતીશ્વર મહાદેવનાં દર્શને જવા નીકળ્યો. મેં એ યાત્રાધામ વિષે ખૂબ સાંભળ્યું હતું. એમનાં દર્શનના મહિમાને લીધે તો શિવરાત્રિના દિવસોમાં નેપાળ સરકાર ખટમંડુ જવા-આવવાની છૂટછાટ પણ ઘણી મૂકે છે. સમુદ્રની સપાટીથી છ હજાર ફૂટ ઊંચે આવેલા ખટમંડુ શહેરથી આ સ્થળ ત્રણચાર માઈલ દૂર હતું. અમારી મોટર જેમ જેમ મંદિરની પાસે જતી ગઈ તેમ તેમ એ દિશામાંથી સંગીતનો અવાજ સ્પષ્ટ થતો ગયો. ત્યાં જઈને જોઉં છું તો બીજા એક મોટર પણ ઊભી હતી. ગાનારનો અવાજ તંબૂરાના ઝંકાર સાથે ભળીને સ્પષ્ટ રીતે વાતાવરણમાં ઘૂમરાતો હતો. અંદર જઈને જોઉં છું તો શૈલકુમારી ગાઈ રહી છે. સાથે કોઈ સાથીદાર સાજિંદાઓ નથી. માત્ર એક એનો ખાનગી માણસ દૂર બેસી રહ્યો છે. વાળ છૂટા છે અને ભગવાન તરફ મુખ કરીને બંધ આંખે ખભે તંબૂર લઈને એ બાઈ શિવના સાન્નિધ્યમાં પોતાનું આત્મનિવેદન કરી રહી છે. હું જરાય ખડખડાટ કે અવાજ કર્યા વિના પાછળ જઈને દૂર બેસી ગયો. બરાબર કલાક – દોઢકલાક સુધી શૈલકુમારીએ શિવની સમીપ અંત:કરણને ઉઘાડ્યું. એ બાઈને સાહેર અને ખાનગી મહેફિલો અને મજલિસોમાં મેં ઘણી વાર સાંભળી હતી. પણ આજના એના સંગીતમાં પ્રભાતની કુમાશ અને વાતાવરણની પવિત્રતા હતી. આવું શુદ્ધ અને સૌમ્ય અસરભર્યું સંગીત સાંભળીને અંતર પ્રસન્ન થઈ ગયું. સંગીત પૂરું કરીને એણે તંબૂર બાજુએ મૂક્યો અને ભગવાન પશુપતીશ્વરને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. ક્ષણો સુધી એ બાઈ ભગવાનને ચરણે પડી રહી. ઊઠીને એણે જળાધારીમાંથી શિવલંગિને માથે ટપકતા પાણીને માથે ચઢાવ્યું અને પાછી ફરી ત્યાં મને જોયો. મેં નમસ્કાર કર્યા. પૂછ્યું કેમ છે તબિયત હવે? બાઈએ નિખાલસતાથી જવાબ દીધો કે આજે સવારે ભગવાનને ચરણે આવવું હતું. અને અંતરને તૃપ્ત કરવું હતું એટલે ગઈ રાત્રે અશુદ્ધિનો અંતરાય ના સ્વીકાર્યો.
અને એણે વિખરાયલા વાળનો અંબોડો વાળ્યો. ભગવાનને ફરીથી પ્રણામ કર્યા અને પોતાના સાથીદાર તંબૂરાને ઊંચકીને એણે વિદાય લીધી.