અહંકારનો સ્વભાવ

અખાડાની યાદ

હું બારતેર વર્ષનો હતો. પુરાણીભાઈઓએ શરૂ કરેલી વ્યાયામની પ્રવૃત્તિ ત્યારે પુરબહારમાં હતી. ભરૂચ, વડોદરા, નડિયાદ અને અમદાવાદના મુખ્ય અખાડાઓ એ વખતે માત્ર વ્યાયામ માટેનાં સ્થળો નહોતાં, જીવનઘડતરનાં પ્રયોગમંદિરો પણ હતાં. સ્વ. સયાજીરાવ ગાયકવાડના એ વડોદરામાં એ સમયમાં કસરત માટેનાં બીજાં પ્રખ્યાત સ્થાનો હતાં. એમાંથી માણેકરાવજીની જુમ્માદાદા વ્યાયામશાળા અને નારાયણગુરુની તાલીમ તો હજી ચાલે છે. પણ એ વખતે એની રોનક જુદી હતી. આ ઉપરાંત દુર્ગા પહેલવાન અને વજ્રમુષ્ટિના અખાડા પણ મશહૂર હતા. પણ એ બધી જગ્યાએ શરીરને કસવાનો એકમાત્ર હેતુ હતો. જ્યારે પુરાણીના અખાડામાં શરીર તો ઘડાતું, પણ સાથે સાથે મનનો વિકાસ, પ્રાણની શુદ્ધિ અને આત્માની સંસ્કારિતાના ઉછેર ઉપર પૂરતું ધ્યાન અપાતું. એટલે આજે બત્રીસપાંત્રીસ વર્ષે પણ જ્યારે હું એ અખાડાની યાદ કરું છું ત્યારે એમ લાગે છે કે એની માટીથી બંધાયેલું ચારિત્ર્ય એ સમસ્ત જીવનની બુનિયાદ બની રહી છે. માતૃભૂમિની કે માનવતાની સેવા કરવાની જ્યારે તક મળી છે ત્યારે આ જ ચારિત્ર્યશીલતાએ પોતાનું ઓજસ્ પૂરીને એ પ્રસંગોને સફળ બનાવ્યા છે; અને જ્યારે પામરતા કે નિર્બળતાને કારણે મન મૂંઝાયું છે, પ્રાણ થરથર્યો છે અને અંતરાત્મા ગમગીન બન્યો છે ત્યારે એ જ માટીમાંથી મળેલા શીલના સામર્થ્યે આઘાત કે અધોગતિ અટકાવ્યાં છે, સાચી વીરતાનું મૂલ્ય દેખાડ્યું છે, ધીર વિનમ્રતાનું લક્ષણ રોપ્યું છે અને એ જ શીલના રસાયનથી અભિમાન ઇતરાયું નથી.

સ્મૃતિની પોટલી છોડીને જોઉં છું ત્યારે સ્મરણની એક રેશમી ચીંદરડી જોઈને અંત:કરણ પ્રસન્ન થઈ જાય છે. એ દિવસે બુધવાર હતો. દંડબેઠક, મગદળ અને લાઠીલકડી પૂરાં કરીને હું કુસ્તી માટે આવીને બેઠો હતો. તે સાંજે વડીલબંધુ અંબુભાઈ પુરાણી કુસ્તી કરાવતા હતા. મારી સાથે એક રમણલાલ નામનો છોકરો પણ કુસ્તી કરવા માટે બેઠો હતો. મને એ છોકરા ભણી કંઈક અભાવ હતો. એક તો એનો પરસેવો ખૂબ ગંધાતો હતો એટલે એની જોડે કુસ્તી કરવાનું હું હમેશાં ટાળતો. મારી આ વૃત્તિ ચકોર અંબુભાઈ કળી ગયેલા. એટલે તેઓ જે દિવસે કુસ્તી કરાવવાના હોય તે દિવસે હું કુસ્તીમાં જાણીજોઈને મોડું કરતો જેથી રમણલાલની કુસ્તી પતી જાય અથવા સંભવિત હોય તો કુસ્તી જ ટાળતો. પણ તે સાંજે કંઈક એવો જ મેળ બેઠો કે હું અને રમણલાલ સાથે જ બીજી કસરતો પરવારી ગયા અને કુસ્તી માટે આવીને બેઠા. મારા અંતરમાં ધડક ધડક થાય. મનમાં ને મનમાં હનુમાનજીને પ્રાર્થના કરું કે આ રમણલાલ જોડે કુસ્તી કરવાનું ના આવે. પણ આખરે અંબુભાઈએ જાણીજોઈને મને એ રમણલાલ સાથે જ કુસ્તીમાં ઉતાર્યો. ખૂબ ચીઢ ચઢી. અભિમાન ઘવાયું એટલે કુસ્તીમાં હતી એટલી તાકાત એકઠી કરીને રમણલાલને પાંચપાંચ વખત હરાવ્યો. એમાં છેલ્લી બે કુસ્તીમાં તો એને એવો રગદોળ્યો, એવો પછાડ્યો – પીટ્યો કે ભવિષ્યમાં મારી સાથે કુસ્તીમાં ઊતરવાની ખો ભૂલી જાય. અંબુભાઈની ચકોર આંખે એની નોંધ કરી.

થોડી વારમાં કુસ્તી પૂરી થઈ ગઈ. બુધવારી શરૂ થઈ. બુધવારીમાં પહેલો એક મજબૂત મોટો છોકરો ઊતરે અને ઘૂંટણીએ પડે. એની કમર પકડીને બીજો છોકરો એના ગળા અને બરડામાં હાથની જોરથી ફેંટ લગાવ્યા કરે. આ માર ન સહન થાય તો આગલા પકડાયલા છોકરાએ તાકાત કરીને પેલા મારનારના બંધમાંથી છૂટી જવું જોઈએ. બુધવારીમાં આવી રીતે ત્રીસચાલીસની હાર લંબાય. મારી આગળ મને એક મજબૂત છોકરો અંબુભાઈએ આપ્યો. જો એ ધારે તો પળવારમાં મારા હાથમાંથી છૂટી જાય. પણ અંબુભાઈ આજ્ઞા ન કરે ત્યાં સુધી એ પહેલા છોકરાથી છુટાય નહીં. મારી કમર પકડનાર રમણલાલ હતો. હું પેલા આગલા કસાયેલા છોકરાને મારું એનો તો એને હિસાબ જ નહોતો. પણ પાછળથી રમણલાલ મને આઘળ કરેલી કુસ્તીનું જાણે વેર વાળવા જોરથી ફટકારે જતો હતો. મને એટલો માર પડ્યો કે મારી આંખોમાંથી લગભગ આંસુ નીકળવાની તૈયારી હતી. મારી ભીની આંખમાં પોતાની દૃષ્ટિ પળવાર પરોવીને અંબુભાઈએ આગલા છોકરાને છૂટવાની આજ્ઞા કરી. અને બીજી જ પળે હું તાકાત કરીને રમણલાલના બંધમાંથી છૂટો થયો. મારું ગળું લાલ લાલ થઈ ગયું હતું. બરડામાં પણ સખત માર પડ્યો હતો.

અંતરમાં ઘડભાંજ ચાલતી હતી. ઘણા ગમતા અંબુભાઈ તરફ એક તરફથી અણગમો ઊપજતો હતો, રમણલાલ તરફ ભયંકર વેરવૃત્તિ ઊછળતી હતી પણ બીજી બાજુએ, અભિમાનને પેલે કિનારેથી કોઈ સાદ કરતું હતું કે બીજા તરફ અભાવ, અદેખાઈ કે અભિમાનથી જોવું એ પામરતાની નિશાની છે, ઉદારતાનું ચિહ્ન નથી. પામરતાને ઓળખવાનો એ પહેલો પ્રસંગ સજીવન બનીને ઘણી વખત ત્યારબાદ આવતી અલ્પતાની સામે દીવાલ બનીને ઊભો છે.

ભજનની રાતે

અમારા ફળિયામાં રણછોડ ભગતને ત્યાં એ રાતે ભજન હતાં. રણછોડકાકા દરેક ગુરુપૂણિર્માએ આ ભજન કરાવતા. અને એ પ્રસંગ તેઓ ભારે ધામધૂમથી ઊજવતા. નિરાંત ગુરુદ્વારાના મહંત મગનદાસજી મહારાજ એમના ગુરુ હતા. આ ભજનપ્રસંગે તેઓ ખાસ પધારતા અને એ સમારંભની ગાદીએ વિરાજીને પ્રસંગને શોભા અને ગૌરવ બન્ને આપતા. આ મગનદાસ મહારાજ મારા પિતાશ્રીના ગુરુબંધુ હતા. એટલે મારા તરફ એમની પહેલેથી જ માયામમતા ઘણી હતી. મારી ઢોલક બજાવવાની આવડત પર એમની પ્રેમદૃષ્ટિ હતી. પિતાશ્રી જીવતા ત્યારે ઘણી વખત હું એ નિરાંત મંદિરમાં એમની સાથે જઈને સાંજે થતા ભજનમાં ઢોલક બજાવતો. પણ પિતાશ્રીના મૃત્યુ પછી હું જરા મોટો થયો અને થોડો સુધરેલો બન્યો. જાહેરસભાઓમાં ભાષણો કરવાની તક મળવાથી મારી જાતને મેં જરા ઊંચી ગણવા માંડી હતી. નેતા છું એવો અહંકાર પણ ઉપજાવતાં શી વાર? એટલે પાંચેક વર્ષથી મેં રણછોડકાકાને ત્યાં થતા ભજનસમારંભમાં જવાનું છોડી દીધું હતું. મારી ‘પ્રતિષ્ઠા’ને એમાં ભાગ લેવાની નાનમ લાગતી હતી. ઘણા વખતથી હું મગનદાસજી મહારાજને મળ્યો પણ નહોતો. ગુરુદ્વારે જવાની પ્રાચીનતા મારા આધુનિકતા તરફ ઢળતા મનને રુચતી નહોતી. બાળપણની નિર્દોષ શ્રદ્ધા, યૌવનમાં સુધરેલી બુદ્ધિએ રચેલી નાસ્તિકતાની જાળમાં ફસાઈ ચૂકી હતી. મારા જીવનની આ વાત હું જાણતો નહોતો પણ મારાં બા જાણતાં હતાં.

એ ગુરુપૂણિર્માની રાતે રણછોડકાકાને ત્યાં ભજન શરૂ થઈ ચૂક્યાં હતાં. મારાં બાએ બહુ પ્રેમથી મને ત્યાં જવાનો આગ્રહ કર્યો હતો. પણ એ નકારીને હું એક નવલકથા વાંચવામાં ગૂંથાયો હતો. દસ સાડાદસ વાગે મગનદાસ મહારાજે ખાસ રણછોડકાકાને મોકલીને મને તેડાવ્યો. બાએ લગભગ ગદ્ગદ કંઠે આજીજી જેવું કર્યું એ મારાથી ના સહેવાયું એટલે હું ભજનમાં ગયો. પહેલાં તો જ્યારે મંદિરમાં કે ભજનમાં જતો ત્યારે મગનદાસ મહારાજનો ચરણસ્પર્શ કરતો. તે રાત્રે મેં માત્ર નમસ્કાર જ કર્યા અને એક બાજુએ બેઠો. મહારાજે ખબરઅંતર પૂછી. પાછાં ભજન શરૂ થયાં. ઢોલકનો થડકાર, કરતાળની રમઝટ અને તાલીઓના એકતાલથી વાતાવરણ લયબદ્ધ થઈ ગયું. સંગીતનું જરાય ભાન નહીં એવા સાંભળનારા પણ તાળી વગાડીને તાલ દેવા લાગ્યા. હું મૂંગો મૂંગો સાંભળી રહ્યો. તાળી વગાડીને તાલમાં ભાગ લેવાની ઇચ્છા તો થઈ પણ મારામાં બેઠેલા અભિમાની સુધારકે એનો અમલ થવા ના દીધો. એ ભજન પૂરું થયું. મહારાજે મને આજ્ઞા કરી કે મારે એક ભજન ઉપાડવું. મેં સવિનય ના પાડી. એમણે મને ઢોલક પર બેસવાનું કહ્યું. એની પણ મેં ગંભીરતાપૂર્વક ના કહી. મહારાજ હસી પડ્યા. બીજું ભજન શરૂ થાય તે દરમિયાન એમણે એક વારતા કહી. એ વારતાનું નિશાન હું હતો. વારતા મને પૂરી યાદ નથી. પણ એણે મારા ઉપર જે આઘાત કર્યો તે બરાબર યાદ છે. મારું અભિમાન વિંધાયું. એ વેદનાથી એણે સખત પછાડ ખાધી. ભજનમાંથી ઊઠીને ચાલ્યા જવાનું મન થયું. ત્યાં તો મગનદાસ મહારાજનો વત્સલ અવાજ આવ્યો : “બેટા, ઢોલક હાથમાં લો.” મેં ઊઠીને ઢોલક લીધી. કોઈકે ભજન ઉપાડ્યું : ‘મુજકો તું ક્યા ઢૂંઢે બંદા, મેં તો તેરે પાસમેં.’ ભજનની ગતિ વધી, કરતાળની રમઝટ એકાગ્ર થઈ, ઢોલકના સુબદ્ધ તાલથી લય બંધાઈ ગયો. ભજન પૂરું થયું. આરતી થઈ પ્રસાદ વહેંચાયો. અંતે મગનદાસ મહારાજનો ચરણસ્પર્શ કરીને મેં વિદાય લીધી.

આંતરયાત્રા

અંબુભાઈ પુરાણી તરફનાં હેત અને આકર્ષણ તો બાલપણ જેટલાં જૂનાં છે. એટલે તેઓ જ્યારે ઈ.સ. 1922-23માં પોંડિચેરીમાં શ્રીઅરવંદિ પાસે જઈને રહ્યા ત્યારે અમને અખાડામાં ઘણા વિદ્યાર્થીઓને આશ્ચર્ય અને કુતૂહલની લાગણી થઈ હતી. પણ એ કુતૂહલ જ્યારે સહૃદય જિજ્ઞાસામાં રૂપાંતર પામ્યું ત્યારે શ્રીઅરવિંદ અને એમના યોગ તરફની અભિમુખતા સ્પષ્ટતા પામી ચૂકી હતી. પોંડિચેરી જનારાની ટીકા કરનાર હું પણ આખરે પોંડિચેરી પહોંચી ગયો અને ત્યાંનો આશ્રમવાસી બની રહ્યો. સાધના વિષે હજી બરાબર ગમ પડી નહોતી. યોગની બરાબર સમજ પણ નહોતી. પરંતુ અંતરમાં અભીપ્સાનો દીવો પ્રગટ્યો હતો. નિષ્ઠા હશે તો બધું ધીરે ધીરે સમજાશે એવી શ્રદ્ધા હું કેળવતો હતો. શ્રીઅરવંદિ આશ્રમના એ પ્રારભના દિવસો હતા. આશ્રમવાસીઓની સંખ્યા પણ ઘણી નાની હતી. એટલે શ્રીમાતાજીનો સત્સંગ સુલભ હતો. રસોડાના કામને કારણે મારે વારંવાર એમને મળવું પડતું. ઉપરાંત મારો પોતાનો એમની સાથેના ધ્યાનનો સમય પણ અઠવાડિયામાં એક વખત નિશ્ચિત હતો. આમ બાહ્ય સંસર્ગ વધારે હતો પણ પછી ધીરે ધીરે આંતરિક નિકટતા પણ સ્પષ્ટ થતી ગઈ.

એ વખતે શ્રીઅરવંદિ અને શ્રીમાતાજીનું બધું કામ સાધકો જ કરતા. એમના ઓરડા સાફ કરવા, કપડાં ધોવાં, એની ઇસ્ત્રી કરવી, એમને માટે ભોજન તૈયાર કરવું વગેરે બધું કામ સાધકોએ પોતે થઈને સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું. માત્ર એક કામ એવું હતું કે જે બહારનો માણસ, આશ્રમવાસી નહોતો તે કરતો હતો. એ કામ તે શ્રીઅરવંદિના જાજરૂની સફાઈનું. બહારનો ભંગી આવીને એ કૂંડું સાફ કરી જતો. મારે લગભગ રોજ રસોડાના કામને કારણે શ્રીમાતાજીને મળવા જવું પડતું. મારો સવારનો સમય અને એ કૂંડું સાફ કરવા આવનાર ભંગીનો સમય લગભગ મળતો આવતો. અમે બન્ને ઘણી વાર તો દાદર ઉપર જ સામસામી થઈ જતા. ઘણા સમય પછી મારા મનમાં એક વિચાર સ્ફુર્યો. શ્રીઅરવંદિનું બધું જ કામ આશ્રમવાસી સાધકો કરે છે. આ એક જ કામ એવું છે કે જે બહારનો માણસ કરે છે! હું એ કામ ન કરી શકું? વિચાર જેવો ઊગ્યો તેવો મેં તેને સ્થિર થવા દીધો. ઉતાવળે નિર્ણય કરવાનો મારો સ્વભાવ નથી. આખરે મેં નિર્ણય કર્યો કે જે કામ ભંગી કરે છે તે કામ મને સોંપવાની મારે શ્રીઅરવંદિને પ્રાર્થના કરવી. એ પ્રમાણે મેં એક પત્ર લખીને શ્રીમાતાજી સાથે એમને મોકલ્યો. મને ખાતરી હતી કે એ કામ મને મળશે અને એ રીતે હું શ્રીઅરવંદિની આસપાસ કંઈક રહી શકીશ.

ત્રણચાર દિવસ પછી શ્રીમાતાજીએ મને શ્રીઅરવંદિનો પત્ર પહોંચાડ્યો. એમાં મારા પત્રનો ઉત્તર હતો. શ્રીઅરવિંદે પેલા ભંગીનું કામ મને આપવાની ના પાડી હતી. કારણોમાં અસંદિગ્ધ રીતે જણાવ્યું હતું કે જો એ કામ મને સોંપવામાં આવે તો હું એમ માનતો થઈ જાઉં કે બીજા સાધકો કરતાં હું કાંઈક વિશેષ છું અને મારી સધનાના વિકાસમાં હું આગળ વધ્યો છું; મારો સૂક્ષ્મ અહંકાર આનંદિત થાય અને હું મારે વિષે જ ભ્રમમાં પડી જાઉં.

શ્રીઅરવંદિના આ ઉત્તરે મારા અહંકાર ઉપર ભયંકર આઘાત કર્યો. એના પ્રત્યાઘાત રૂપે સમસ્ત યોગ સામે બળવો ઊઠ્યો. આશ્રમ છોડી જવાનું મન થયું. થોડો સમય ધ્યાનમાં પણ ચિત્ત ચોંટ્યું નહીં. પણ એ આઘાતની અસર ધીરે ધીરે ઓસરવા માંડી. જેમ જેમ અંતરદર્શન વિશદ થતું ગયું તેમ તેમ શ્રીઅરવંદિની આજ્ઞાની સાર્થકતા સમજાવા માંડી. અહંકાર કેવું વિલક્ષણ પરિબળ છે! ભક્તિ અને સેવાનું કેવું કલાત્મક સૂક્ષ્મ રૂપ એ ધારણ કરી શકે છે! અંતરાત્મા સદા જાગ્રત ન રહે તો કેવો કેર વર્તે એ ત્યારે સમજાયું. એનું નામ જ સાધના ને? આંતરયાત્રા એ પણ કેવો દુષ્કર માર્ગ છે!

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.