બા

બાપુજી જ્યારે જ્યારે બહારગામ જતા ત્યારે બા બહુ ઉદાસ રહેતી, અને આ કારણે કે કોણ જાણે કેમ પણ બાપુજી અનિવાર્ય ન હોય તો બહારગામ ભાગ્યે જ જતા. એક દિવસ સુરતના ગુરુદ્વારેથી તાર આવ્યો. એમાં બાપુજીને એકદમ સુરત આવવાની ગુરુમહારાજની આજ્ઞા હતી. એ દિવસોમાં તાર આવવો એ બહુ જ મહત્ત્વનો પ્રસંગ મનાતો. આખા ફળિયામાં વાત ફેલાઈ ગઈ કે અમારે ત્યાં તાર આવ્યો છે. ધીરે ધીરે ઘેર પૂછપરછ કરનારાઓની સંખ્યા વધતી ગઈ. એક પછી એક માણસોની અવરજવર ચાલુ જ રહી. પણ કશા જ માઠા સમાચાર નહોતા એટલે વાતાવરણમાં કુતૂહલ અને ઉત્સાહ હતાં. પાંત્રીસ વરસ પહેલાંનો એ જમાનો સુરત – અમદાવાદ જવાનો પ્રસંગ બેપાંચ વરસે આવતો અને મુંબઈ- કલકત્તા જવું એ તો પરદેશ જવા જેટલું અઘરું અને વિરલ મનાતું.

એટલે પિતાજીના પ્રવાસની તૈયારી કરવા બાની મદદે મોટાં માસી અને મામી આવી પહોંચ્યાં. પાર્વતીફોઈ એક નાના ચોખ્ખા પિત્તળના ડબ્બામાં ચાર મગજના લાડુ લેતાં આવ્યાં. બાપુજી માટે ભાતું બંધાવી આપવાનો અડધો સવાલ ફોઈએ ઉકેલી આપ્યો. સુરત લઈ જવાના બિસ્તરા માટે મામા પોતાને ત્યાંથી નાની નવી શેતરંજી લેતા આવ્યા. લલ્લુકાકા ધોબી ચાર દિવસ પછી આપવાનાં બાપુજીનાં કપડાં ખાસ ઇસ્ત્રી કરીને લઈ આવ્યા. સાંજે ભજન થયાં. રાતે જમ્યા પછી ફાનસને અજવાળે પરસોત્તમકાકાએ બાપુજીની હજામત કરી આપી. બાપુજી રાત્રે મધરાતની લોકલ ગાડીમાં સુરત જવાના હતા. મોડી રાત્રે વાહનની મુશ્કેલી પડે માટે ઘેરથી દસ વાગે નીકળી જવાનું ઠરાવ્યું. સાડાનવ વાગ્યાને મામા ઘોડાગાડી લાવવા માટે લહેરીપુરા ગયા. ત્યાં અમારા ઓળખીતા જ મુસ્લિમ સ્વજન મલંગકાકાની ગાડી ઊભી હતી. મામાએ વાત કરી એટલે મલંગકાકા ગાડી લઈને આવી પહોંચ્યા. એમણે પોતે અગિયાર વાગ્યા સુધી ગપ્પાં મારીને બાપુજીની વિદાયમાંથી વિષાદનો ભાર હળવો કરી દીધો. પરંતુ ગાડી નીકળ્યા પછી મહામુસીબતે રોકાઈ રહેલાં બાનાં આંસુ ખરી પડ્યાં. માસી, મામી અને ફૉઈ સૌએ બાને સાંત્વના આપી અને છેક મધરાતે સૌ વીખરાયાં. અમે પણ આડાં પડ્યાં. જ્યારે જ્યારે બા મને વધારે પંપાળે અને વહાલ કરે ત્યારે હું એને હંમેશાં દુ:ખી અને અસ્વસ્થ જોઉં. આજે પણ બાએ મને એવું જ હેત કરવા માંડ્યું. વહાલ કરતી જાય અને ડૂસકાં લેતી જાય. એટલે તેને છાની રાખવા મેં સામેથી પંપાળવાનું શરૂ કર્યું. પણ એની અસર ઊલટી થઈ અને બા રડી પડી. એ વખતે મારી ઉંમર બારેક વર્ષની હશે. બા મને બહુ જ વહાલી. બાપુજી તરફ અપાર સદ્ભાવ, પણ એમનો ક્યારેક ભય લાગે. પરંતુ બા પાસેથી તો નિર્ભયતાનું વરદાન મળેલું. મેં બાની સોડમાં લપાઈને એના જ પાલવ વડે એનાં આંસુ લૂછવા માંડ્યાં. આંસુઓ જેમ જેમ લૂછું તેમ તેમ વધારે વહે. આખરે મારું અંતર પણ ભરાઈ ગયું. બાનાં આંસુઓ જોઈને અધીરી બનેલી મારી આંખો છલકાઈ પડી. મારી રડતી આંખો જોઈને બાનાં આંસુ આપોઆપ રોકાઈ ગયાં. મને સોડમાં વધારે પાસે ખેંચીને બાએ પાલવથી મારી આંખો લૂછવા માંડી. આ બધોય વખત બા એક શબ્દ બોલી શકી નહીં, મારાથી તો બોલાય જ શું?

આખરે બા જ બોલી, એના અવાજમાં રુદનની ભીનાશ હતી: ‘બેટા, તને હું બહુ જ ગમું છું?’ એના જવાબમાં આંસુભરી આંખો ટગરટગર જોઈ રહી. એમાં ઊભેલો ઉત્તર જોઈને એણે કહ્યું, ‘તારા બાપુજી મને એટલા જ ગમે છે. એટલે જ્યારે એ બહારગામ જાય છે ત્યારે હું ઉદાસ થઈ જાઉં છું. પણ આ વખતે તો મારાથી રહેવાયું જ નહિ. કોણ જાણે ગુરુમહારાજે તાર કરીને કેમ બોલાવ્યા છે! ચાલો, હવે સૂઈ જઈએ.’ અને આમ વાતો કરતાં કરતાં એક બીજાનું આશ્વાસન બનીને અમે સૂઈ ગયાં.

બાપુજી પાંચમે દિવસે સાંજે આવ્યા ત્યાં સુધી બા ઉદાસ જ રહી. પણ એમને જોતાં જ એની આંખોમાં જિંદગી ઊમટી પડી. ઉદાસીની ઉપર આનંદના જુવાળ ફરી વળ્યા, હું વળગી પડ્યો. પવનવેગે સમાચાર ફેલાઈ ગયા. સ્વજનો અને સગાંઓની આવજા શરૂ થઈ ગઈ. અમારા ઘરમાં જ્યાં શૂન્યતા સંતાતી ફરતી હતી ત્યાં ફરી જિંદગીનો હિનો મહેકી ઊઠ્યો. સૌને વિદાય કરીને અમે ત્રણે સાથે જમ્યાં. હું હંમેશાં બાપુજીની બાજુમાં જુદી પથારીમાં સૂતો. અમારી બન્નેની સામે બાની પથારી થતી. રાતે પ્રાર્થના કરીને અમે સૂઈ ગયાં. મોડી રાતે બાનાં ડૂસકાં સાંભળીને હું જાગી ઊઠ્યો. જોયું તો બા અને બાપુજી બન્ને સામસામે બેસીને વાતો કરતાં હતાં. બા ડૂસકે ડૂસકે રડતી હતી. પથારીમાં હું બેઠો થઈ ધીરે ધીરે પાસે આવીને બાની સોડમાં લપાઈ ગયો. બાપુજીને મેં આટલા બધા વિકળ ભાગ્યે જ જોયા હતા. એટલે બાની સોડમાંથી ખસીને હું બાપુજીના ખોળા પાસે બેઠો. એમણે મારે માથે હાથ ફેરવવા માંડ્યો. એમના અવાજમાં અસ્વસ્થતા હતી. બાને સંબોધીને એમણે કહ્યું: ‘તમે હા પાડો તો જ મારાથી સુરતની ગાદી માટે હા પડાય. ગુરુમહારાજે કહ્યું છે કે નર્મદાની સંમતિ મળે તો જ તમારું સંન્યસ્ત સાર્થક થાય.’

‘તમને ગાદી આપવાની ગુરુમહારાજની ઇચ્છા છે એ વાતની શંકા તો ગઈ વખતે એ અહીં આવ્યા ત્યારથી મને થઈ ગઈ હતી. નારણદાસે એ વાત કરી ત્યારે મેં તો એને મશ્કરી જ માની હતી. માટે તો મેં તમને ચોખ્ખું પૂછ્યું પણ હતું. તમે ના પાડી હતી, છતાં તમારા મનની ઘડભાંજ તો તે વખતે પણ કળાતી હતી. પણ જયરામદાસને સુરતની ગાદી આપવાની વાત હવામાં હતી એટલે મેં મારા મનને સમજાવ્યું હતું. પણ તાર આવ્યો અને મારા મનમાં એ શંકાનો પાછો ભડકો થયો.’ બાનાં ડૂસકાં ચાલુ હતાં.

‘પણ જુઓને’ બાપુજીની વાણીમાં પણ વ્યાકુળતા હતી, ‘ગુરુમહારાજની ઇચ્છા જયરામદાસને દીક્ષા આપવાની હતી. એમણે કહ્યું છે કે તમારા કુટુંબનો ત્યાગ મોટો છે. તમારા પિતાજીનું દાન શોભાવવું હોય, મંદિરની પ્રતિષ્ઠા જાળવવી હોય અને નિરાંત સંપ્રદાયને જીવંત રાખવો હોય તો મારે ગાદી સ્વીકારવી જોઈએ.’

બાનાં ડૂસકાં અટકી ગયાં. આંસુઓ આંખોમાં અદ્ધર રહી ગયાં. એના અવાજમાં પણ કંઈક જીવ આવ્યો: ‘જુઓ, તમારા આત્માના કલ્યાણની આડે આવું તો મારો ધર્મ લાજે. પણ આમાં તો આપણે માથે કલંક આવશે.’

‘દીક્ષા લેવી એને કલંક કોણ કહેશે? હું કંઈ ઓછો દુ:ખ કે નિરાશાથી કંટાળીને ગાદી સ્વીકારું છું? સંસારનો કાયર હોય ને સંન્યસ્ત સ્વીકારે તો કલંક કહેવાય. હું તો સુખી જીવ છું. તમારી સંમતિથી ગાદી સ્વીકારવા માગું છું. તમે ના કહો તો આપણે ગાદી નથી જોઈતી.’ બાપુજી હજી પૂરા સ્વસ્થ નહોતા થયા.

બાએ કહ્યું: ‘હું કલંક કહું છું તેનું કારણ તદ્દન જુદું છે. મારું કહેવું તો એમ છે કે લોક એમ માનશે કે બાપદાદાની મિલકતોનો સીધી રીતે વારસો ન મળ્યો તે સાધુ થઈને લીધો. બાપે ઉદાર થઈને મિલકત મંદિરને સોંપી અને દીકરાએ સાધુ થઈને પણ એ મિલકત ભોગવી. આપણી તો મિલકતે ગઈ ને આબરૂ પણ ગઈ. તમારે માટે કોઈ આવી શંકા કરે તોય હું તો મરી જાઉં.’

બાપુજી શાંત રહ્યા. મારે માથે એમનો હાથ ફરતો રહ્યો. પાસે પડેલા ફાનસની બત્તી એમણે વધારે સતેજ કરી. ઓરડામાં અજવાળું સ્પષ્ટ થઈ ગયું. બાની દૃષ્ટિ બાપુજીની આંખોમાં ઊતરીને જાણે કંઈક શોધતી હતી. ત્યાં બાપુજી એમના હંમેશના ધીરગંભીર સ્વરે બોલ્યા: ‘તમે કહ્યું એ તો મને સૂઝવું જોઈતું હતું, પણ મારા મનમાં આવો ભાવ જ નહોતો. ગુરુમહારાજની આજ્ઞા પાળવી એ એક જ ભાવ મારા મનમાં હતો એટલે તમારી વાત હવે સમજાય છે. આપણે કાલે સવારે સુરત તાર કરીને ગુરુમહારાજને ચરણે ના મોકલી દઈશું.’

મારી પરવા કર્યા વિના બાએ ઊઠીને બાપુજીના પગ પકડી લીધા.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.