સાલ બરાબર યાદ નથી. કદાચ ઈ.સ. 1928 કે 1929 હોય. પણ દિવસતો 21મી ફેબ્રુઆરી હતો. પોંડિચેરીમાં શ્રી માતાજીના જન્મદિવસનો મહોત્સવ હતો. શ્રી અરવંદિ આશ્રમમાં એ સવારથી જ વાતાવરણ શાંત છતાં ઉત્સાહી હતું. બધું જ કામ નિયમિત સમયે થવાનું હતું તે જ રીતે થતું હતું. પરંતુ સાધકોમાં અને એમના કામકાજના પ્રત્યેક પ્રકટીકરણમાં એક રોનક હતી, કંઈક અપેક્ષા હતી, આનંદ હતો.
બરાબર નવ વાગે દર્શન શરૂ થયાં. શ્રી અરવંદિ જ્યાં રહે છે તેને ભોંયતળિયે દર્શકોના ક્રમવાર નામની એક યાદી તૈયાર હતી. તે પ્રમાણે સૌએ એક પછી એક દર્શન કરવા જવાનું હતું. તે વખતે આજની જેમ દર્શન કરનારાઓની સંખ્યા ચાર આંકડાની બની નહોતી એટલે શ્રી અરવંદિ અને માતાજીનાં દર્શન માટે પૂરતો સમય મળતો હતો. મારું નામ તો લગભગ બેતાળીસમું કે પિસ્તાળીસમું આવતું હતું. પરંતુ દર વખતની જેમ હું મારા પુષ્પહાર લઈને સમય કરતાં ઘણો વહેલો આવીને નીચે દાદરને એક ખૂણે બેઠો હતો. અકળાઈ જવાય એટલાં શાંતિ અને મૌનને ભેદીને તંબૂરનો મીઠો અને અસ્પષ્ટ ઝંકાર આવતો હતો અને એની પાછળ પૂરી સંભળાય નહીં અને સમજાય નહીં છતાં અનુભવી શકાય એવી સુરાવલિ છાયાની જેમ વહી આવતી હતી. હું બેત્રણ વરસથી દર્શન માટેનો નિયમિત યાત્રી હતો. પરંતુ આ અનુભવ નવો હતો. મને ખબર નહોતી કે કોણ ગાય છે. મારું ધ્યાન તો શ્રી અરવંદિ અને માતાજીની તેજસ્વી અને આત્મસ્થ મુખમુદ્રામાં કેન્દ્રિત થતું હતું. ક્યારેક એમનાં ચરણોને એ નમી પડતું અને ક્યારેક શ્રી અરવંદિના ઊંડા, ગંભીર અને કરુણાભર્યાં નેત્રોની આસપાસ ફરતું હતું. નવાઈ તો એ હતી કે આ સંગીત ધ્યાનમાં અડચણરૂપ થવાને બદલે ઊલટું એને સમાધિસ્થ કરવામાં સહાય કરતું હતું.
અને મેં જોયું. હું હિમાલયની તળેટીમાં આવેલા બૌદ્ધોના એક મઠની અગાસીમાં ઊભો છું. પ્રભાત ઊઘડી રહ્યું છે. સવારના અસ્પષ્ટ અજવાળામાં કાંચનજંઘા બરફનો અંચળો ઓઢીને સૂતી છે. એટલામાં ઉષા ઊગી, અને હિમશિખરોની પાછળથી એક અગનગોળો ઊંચે ચઢતો દેખાયો. કાંચનજંઘાને જગાડતો હોય તેમ એક કિન્નર સામેની ટેકરી ઉપરથી પોતાની વીણા ઉપર ઊગતા પહોરના રાગ આલાપી રહ્યો છે. ઊંચે ચઢતા સૂર્યના ગોળાની પીળાશ ઓછી થતી ગઈ અને લાલ સોનેરી રંગ વધારે ઘેરો અને ઉગ્ર થતો ગયો. અને અકસ્માત્ એણે કિરણાવલિનો વિસ્તાર કર્યો. સૂતેલી કાંચનજંઘા ઉપર કિરણોએ પછડાઈ પછડાઈને નવા નવા જીવનરંગો ધારણ કરવા માંડ્યા. રંગોની આ ઉજાણીને માણીને હું અવાક બની ગયો. વાણીને મૂક બનાવી દેવી એ જ તો સૌન્દર્યનો વિજય નહીં હોય? અને સૂર્યતેજના સ્પર્શે જળમાં જેમ બિડાયેલું કમળ ખીલે તેમ કાંચનજંઘા આળસ મરડીને બેઠી થઈ. રવિના તેજે સમસ્ત ગિરિમાળા પ્રકાશિત થઈ ગઈ. પ્રકાશ જેમ જેમ ઉગ્ર થતો ગયો તેમ તેમ બરફ ઓગળતો ગયો અને શિખરો સ્પષ્ટ થતાં ગયાં. પ્રકાશની આ રંગરમત નીરખતાં નીરખતાં બપોર નમી પડ્યા અને સંધ્યા આવી.
સવાર કરતાં સંધ્યાનો પ્રકાશ વળી જુદા જ પ્રકારનો હતો. પ્રભાતે તો તેજનું ઉદ્ભવસ્થાન રવિદેવ પોતે દૃષ્ટિ સમીપ વિરાજમાન હતા. સંધ્યા સમયે સૂરજ દેખાતો નહોતો, માત્ર પ્રકાશ વરતાતો હતો. અને અસ્ત થતા સૂર્યે પોતાના ઉદય વખતે જે રંગછટા બતાવી હતી તેના કરતાં તદ્દન જુદી જ કળાલીલા અત્યારે દેખાડી. ઉદયના રંગોની તાજગી એમાં નહોતી. એમાં અસ્તનું કારુણ્ય હતું. પણ આ પ્રકાશમાં કાંચનજંઘામાંથી ઊપસતી એક આકૃતિએ મને દિગ્મૂઢ બનાવી દીધો. ધૂર્જટિ ધ્યાનસ્થ બેઠા છે અને એમના ખોળામાં ડાબે પડખે પાર્વતી વિરાજમાન છે. પેલો ગાયક કિન્નર દોડ્યો અને પોતાની વીણા એમને ચરણે મૂકીને સાષ્ટાંગ દંડવત્ કરી રહ્યો.
‘ભાઈ તમારો વારો આવ્યો’ કહીને મને એક સાધકે સાવધાન કર્યો. ઉતાવળે મારાં પુષ્પો સંભાળીને હું ઉપર ગયો. સમાધિ કે સપનામાં જોયેલી આકૃતિ આ જ કે એવો આભાસ થયો. અને મારું માથું શ્રી અરવંદિને ચરણે ઢળી પડ્યું. બંધ આંખો આગળ પાછી પેલી શિવપાર્વતીની આકૃતિ ઊપસી આવી. આંખો ખોલીને જોયું તો એ આભાસનો જ આ અનુભવ હતો. બહારના મોટા ઓરડામાં શ્રી દિલીપકુમાર રોય પોતાના તંબૂરને ખોળામાં લઈને બંધ નેત્રે ગાતા હતા :
તુમ્હારે કારન સબ કુછ છડિયા
અબ મોહે ક્યોં તરસાવો?