‘પાણી મૂક!’

પ્લેગના દિવસો હતા. આ રોગથી આખા શહેરમાં ભય અને ત્રાસનો પાર નહોતો. જેમને બહારગામ જવાની સગવડ હતી તેઓ શહેર છોડીને ચાલ્યા ગયા હતા. પૈસાપાત્ર અને ઉચ્ચ મધ્યમવર્ગના ઘણા માણસોએ શહેર બહાર માંડવા બાંધીને રહેવા માંડ્યું હતું. શહેરમાં રુદન અને વ્યથા રઝળતાં હતાં. અમારા ફળિયામાંથી બહાર માંડવામાં કે બહારગામ જઈ શકે એવી કોઈની સ્થિતિ અને સગવડ નહોતી. ફળિયું ભર્યું હતું. હજી સુધી કોઈનો આ રોગે ભોગ લીધો નહોતો. ઘણાં ઘરોમાં બિલાડાંઓ પાળવામાં આવ્યાં હતાં. ઉંદરનાં દર્શન માત્રથી લોક કંપી ઊઠતાં હતાં. મૃત્યુની ભયંકરતા અને ભયથી સમગ્ર વાતાવરણ ધ્રૂજતું હતું.

ત્યાં તો એક સવારે અમારા પાડોશી ફૂલીકાકી જોરથી રડતાં રડતાં બહાર દોડી આવ્યાં. બિચારા ફકીરકાકાને બગલમાં ગાંઠ નીકળી હતી અને વેદના વધતી જતી હતી. ફૂલીકાકી અને ફળિયાના બીજા માણસો સારવારમાં મચી પડ્યાં. પણ પ્લેગના રોગની દવા નહોતી. ઇંજેક્શન તે વખતે નીકળ્યાં નહોતાં. આજથી ત્રીસ વર્ષ પહેલાંની એ વાત. સારવાર એમને પહોંચે તે પહેલાં તો તે જ સમીસાંજે જ ફકીરકાકાએ દેહ છોડ્યો. આખી રાત અમારા ફળિયામાં ભયંકરતા ભટકતી રહી. પ્લેગના રોગનો ફળિયામાં આ પહેલો શિકાર હતો. લોકો ફકીરકાકાને સ્મશાનમાં બાળીને મધરાતે ઘેર આવ્યા ત્યારે ફળિયામાં પાછી રડારોળ થઈ રહી હતી. રતનકાકીના એકનાએક દીકરાને પ્લેગ થયો હતો. સાથળમાં ગાંઠ નીકળી હતી. એની વેદનાથી જુવાન છોકરો વધેરાતા બકરાની જેમ ચીસો પાડતો હતો. રતનકાકી વિધવા હતાં. છોકરો એક જ આધાર હતો. ફૂલીકાકીને ત્યાં ડાઘુઓએ પાણીનો કોગળોય કર્યો ના કર્યો ત્યાં રતનકાકી રુદનથી ફાટી પડ્યાં. આખા ફળિયામાં જેના પરગજુપણાનો જોટો નહોતો એ રતનકાકીનો દીકરો શંકર મૃત્યુના મુખમાં સમાઈ ગયો. પ્લેગના શબને વધારે સમય ઘરમાં રખાય નહીં. એટલે મસાણમાંથી ફકીરકાકાને બાળીને આવેલા માણસોએ શંકરને ઉપાડીને ચાલવા માંડ્યું.

હું, મારી મોટી બહેન અને મારી બા આખી રાત ઊંઘી શક્યાં નહીં. સવારે સાત વાગે બાપુજી સ્મશાનમાંથી પાછા આવ્યા. આખી રાતનો ઉજાગરો, મહેનત, ભયનું વાતાવરણ અને અંતરની ગમગીનીને કારણે એમના ચહેરા પર દુ:ખ પથરાયું હતું. બાના આગ્રહથી બાપુજી નાહીધોઈને થોડોક નાસ્તો કરીને આડા પડ્યા. એટલામાં અમારા સામા ઘરમાંથી મગનમામા દોડતા આવ્યા ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. લખમીમામીને પ્લેગની ગાંઠ નીકળી હતી. મગનમામાના રડવાના અવાજથી બાપુજી જાગી ઊઠ્યા. એમણે મગનમામાના ખભે હાથ મૂક્યો અને સાંત્વનાનો શબ્દ કહેવા જાય ત્યાં તો પાલીમાસી રડતાં રડતાં ખબર લાવ્યાં કે પાછલી ઓળમાં આંધળી સદાડોસીની એકની એક જુવાનજોધ દીકરી મણિને ગંગાજળ આપ્યું છે. તે દિવસે મધ્યાહ્ને ફળિયામાંથી બે નનામી લઈને જ્યારે માણસો નીકળ્યા ત્યારે હાહાકાર મચી ગયો. બે દિવસ પહેલાં આ ફળિયું ક્ષેમકુશળ હતું. અડતાલીસ કલાકમાં અહીં મૃત્યુના ઓળાઓએ ઘમસાણ મચાવી મૂક્યું.

હજી તો ચિતાના અંગારા ઠારીને માણસો પાછા આવ્યા નહોતા. સમીસાંજ પડવા આવી હતી. મારી બા રોટલા ને શાક પીરસીને અમને બહેનભાઈને જમાડતી હતી અને બાપુજીની ચિંતાથી ઉદ્વિગ્ન હતી. ત્યાં તો ફૂલીકાકી આવીને અમારી પરસાળમાં ફસડાઈ પડ્યાં. બા બહાવરી બનીને દોડી ગઈ. જોયું તો ફૂલીકાકીને બન્ને સાથળોએ બે ગાંઠો નીકળી હતી. હું ને મારી બહેન તો મોઢામાંનો કોળિયો પણ ઉતારી શક્યાં નહીં. થાળી એમ ને એમ મૂકીને બહાર આવ્યાં. ફૂલીકાકીને સંભાળીને એમના ઘરમાં લઈ ગયાં. અમારો ઓટલો એક હતો. મારી બહેન તો મારા કરતાં ઘણી મોટી હતી. લગભગ પચીસેક વરસની. પણ હું તેર-ચૌદ વરસનો કિશોર જોરથી ચીસ પાડી ઊઠ્યો. મારી ચીસો સાંભળીને ફળિયાના લોકો ધસી આવ્યા. પુરુષો તો સ્મશાનમાં ગયા હતા. એટલે છોકરાંઓ અને સ્ત્રીઓ જ મુખ્યત્વે હતાં. ફૂલીકાકી પોતાની મીઠાશ અને સેવાભાવ માટે જાણીતાં હતાં. એકઠા થયેલા લોકો ગભરાયેલા હતા. એમાં દૂરથી ચીસો સંભળાઈ. કોઈએ રેવામાસીનો અવાજ જ છે એમ કહ્યું. કોઈ જઈને ખબર લઈ આવ્યું કે દોલતમાસા ચાલતા થયા. સ્મશાનમાંથી લોકો પાછા આવ્યા ત્યારે ફળિયામાં દોલતમાસા ઉપરાંત કાશીફોઈના મોટા દીકરા ચુનીલાલની અને ફૂલીકાકીની છેલ્લી ઘડીઓ ગણાતી હતી.

બાપુજીએ નનામીને બદલે નવો રસ્તો સૂચવ્યો. શહેરની સેવાસમિતિ તરફથી જે ગાડીઓ મુડદાં લઈ જવા માટે રાખવામાં આવી છે તેનો ઉપયોગ કરવો. ફળિયામાં લોકોએ તરત જ વાત માની લીધી. બીજે દિવસે સવારે ત્રણ ગાડીઓ ફળિયામાંથી નીકળી. ફકીરકાકાનું ઘર ઉજ્જડ થઈ ગયું અને ફળિયાનો રખેવાળ ચુનીલાલ પણ ચાલતો થયો. શેતરંજ રમવામાં ઉસ્તાદ દોલતમાસાના અવાજ વિના ફળિયું સૂનું થઈ ગયું.

તે જ સાંજે મારી બહેનને રડતી જોઈને મારી બા સચિંત થઈ ગઈ. બહેને કહ્યું: ‘બગલમાં બહુ પીડા થાય છે. બાને ધ્રાસકો પડ્યો. બાપુજી દોડી આવ્યા. જોયું તો બહેન પ્લેગના પંજામાં સપડાઈ ચૂકી હતી. વેદનાની મારી રડીરડીને મારી મોટી બહેન એ મધરાતે સદાને માટે મૂગી થઈ ગઈ. ફળિયામાં અમારું ઘર સાંત્વનાનું સ્થાન હતું એટલે અમારા કરતાં બીજા સૌની અનાથતા ઊપસી આવી. વહેલી સવારે બાપુજી અને એમના મિત્રો મોટી બહેનને સ્મશાનમાં લઈ ગયા. હું અને બા તો એકબીજાને જોઈને રડ્યાં જ કરીએ. મોટી માસી અને બીજી સ્ત્રીઓએ ઘણું આશ્વાસન આપ્યું પણ બાના હૃદયનું દરદ ઓસરે જ નહીં. આશ્વાસન જેટલું વધારે સહૃદય થતું જાય તેટલું બાનું રુદન વધારે ઊંડું ઊતરતું જાય અને એમનાં ડૂસકાં જોઈને મારી આંખોમાંથી પાણી સુકાય જ નહીં.

બપોરે બાપુજી ઘેર આવ્યા ત્યારે બાની ગંગાજમના ફરી છલકી પડી. બાના આ રુદનથી ગભરાયેલું મારું ગભરું અંતર ભયભીત બનીને અવાક્ બની ગયું. અમારા ઘરમાં મારે માટે શોક અને દુ:ખનો આ પ્રથમ પ્રસંગ હતો. ગમગીનીથી અજાણ હું એના સ્પર્શથી દિગ્મૂઢ થઈ ગયો. તે રાતે કોઈ ઊંઘી ના શક્યું. બીજે દિવસે સવારે બાપુજીએ મને અમારે ગામ મોકલવાનો નિર્ણય કર્યો, અને તરત જ એમણે એમના જૂના મિત્ર છગન પટેલને તાર કરીને બોલાવ્યા. બાની દશા વિચિત્ર હતી. તે મને મોકલવા રાજી નહોતી અને રાખવા પણ ખુશી નહોતી. સુરત જિલ્લો પ્લેગથી મુક્ત હતો. પણ મને જુદો કરતાં બાનું અંતર વલોવાતું હતું અને રોગના ભયાનક ચાળામાં રાખવા એનું હૈયું ના પાડતું હતું. રોજ હું બાપુજીની સાથે જમતો. પણ જુદી થાળીમાં. તે દિવસે એમણે મને પોતાની થાળીમાં જ જમવા બેસાડ્યો. એટલું જ નહીં બાને પણ આગ્રહ કરીને પોતાની થાળીમાં બેસાડ્યાં. મારી સમજણમાં હું, બા અને બાપુજી પહેલી વખતે એક થાળીમાં સાથે જમ્યાં. દુ:ખથી આળાં થયેલાં હૃદયને નિકટતાની ઠંડક મળતાં આત્મીયતા પોતે જ આશ્વાસન બની ગઈ.

ત્રણચાર દિવસથી સાંજે ભજન થતાં નહોતાં. દરેક સાંજ મૃત્યુની ચીસોથી લપેટાયેલી હતી, અને દરેક સાંજ લગભગ સ્મશાનમાં જ વીતી હતી. આજે સમીસાંજે બાપુજીએ મિત્રોને એકઠા કર્યા. ભજનની ધૂન શરૂ થઈ અને એમણે એમનું કબીરસાહેબનું પ્રિય ભજન ‘ઇસ તન ધનકી કોન બડાઈ, દેખત નૈનોમેં મિટ્ટી મિલાઈ’ એટલા બધા આર્જવથી ગાયું કે પોતે રડ્યા અને સૌને રડાવ્યાં.

રાતે બાપુજીને શરીરે ઠીક નહોતું એટલે એ જમ્યા નહીં. મેં અને બાએ એક જ થાળીમાં થોડું જેમતેમ ખાઈ લીધું. રાતે બાએ બાટલીવાળાનું પેનકિલર બાપુજીને પાયું. અમે સૂઈ ગયાં. મધરાતે હું ચોંકીને જાગી ઊઠ્યો. જોયું તો બાપુજી વેદના ન સહન થવાથી બિછાનામાં બેસી પોતાના એક હાથ વડે બીજા હાથને દબાવી રહ્યા છે. બાને દીઠી નહીં. દીવો તેજ થયેલો હતો. મારાથી પુછાઈ ગયું: ‘શું છે બાપુજી? બા ક્યાં ગઈ?’

‘હમણાં આવે છે, બેટા. આ તો સહેજ હાથે દુ:ખે છે.’ એમણે કહ્યું. પરંતુ એમના મુખ પર વિવશતા અને વેદના હતાં. બીજાને આશ્વાસન આપતો એમનો પ્રતાપી અવાજ દીનતા ધારી રહ્યો અને શ્રદ્ધા પ્રેરતી એમની તેજસ્વી આંખોમાં ગમગીની આંસુ બનીને બેઠી હતી. હું વિકળ થઈ ગયો. એટલામાં બા મામા અને મામીને બોલાવી લાવી. થોડી વારમાં અમારું નાનું ઘર માણસોથી ખીચોખીચ ભરાઈ ગયું. મામા દોડીને છોટાલાલ વૈદ્યને બોલાવી લાવ્યા. મામી મને બહાર લઈ ગયાં. કલાકેક પણ નહીં વીત્યો હોય ને મેં બાની ચીસ સાંભળી. હું ફાળ ભરીને અંદર દોડ્યો. બાપુજીને પ્લેગની ગાંઠ નીકળી હતી. બાને રડતી જોઈને મારા હૈયે પણ માઝા મૂકી દીધી. છોટાકાકા આખો દિવસ બાપુજીની સારવારમાં રહ્યા. બપોરે શહેરના બે ડૉક્ટરો આવ્યા પણ સૌએ આશા છોડી દીધી.

સમીસાંજ હતી. સૌનો જીવ તાળવે ચોંટ્યો હતો. બાની સ્થિતિ બહુ કરુણ હતી. છગન પટેલ મને તેડવા આવી પહોંચ્યા હતા. એ તો બિચારા આ પરિસ્થિતિ જોઈને ડઘાઈ જ ગયા. બાપુજીએ બાને કહીને સૌને બહાર મોકલ્યા અને મને અંદર બોલાવ્યો. માત્ર બા, છગન પટેલ, મામા અને છોટાલાલ વૈદ્ય અંદર રહ્યાં. બાપુજીએ મને પાસે બોલાવ્યો. માથે હાથ ફેરવ્યો. ગાલ પર આંગળી મૂકી. દૃષ્ટિ મળીને હું રોઈ પડ્યો. ધીરે અવાજે બાપુજીએ બા પાસે પાણી માંગ્યું. મારી ઉપર નજર ઠેરવી બોલ્યા: ‘બેટા પાણી મૂક.’ બા અને પાસે બેઠેલા સૌ જરાક ઊંચા થઈ ગયાં. વધુ ધીરા અવાજે એમણે કહ્યું: ‘મારા બાપુએ આપણી પરંપરાગત બધી મિલકત સુરતના નિરાંત મંદિરને બક્ષિસ આપી દીધી છે પણ એનું વીલ કર્યું નથી. મારી પાસે એમણે મરતી વખતે પાણી મુકાવ્યું હતું કે એ મિલકત પાછી નહીં માંગું અને મેં પાણી મૂક્યું હતું. બીજે વરસે હું અને મારી બા સ્વેચ્છાએ ગરીબી સ્વીકારીને અહીં ચાલ્યાં આવ્યાં. માસીએ આ ઘર ના આપ્યું હોત તો રહેવા છાપરું પણ નહોતું. પણ ઈશ્વરે આપણને ભૂખે નથી સૂવા દીધાં. એ જ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને તું પણ પાણી મૂક કે એ વંશપરંપરાની મિલકત તું પણ પાછી નહીં માગે અને મેળવવા માટે દાવાદૂવી નહીં કરે.’

બાએ મારા જમણા હાથની અંજલિમાં પાણી રેડ્યું અને કહ્યું: ‘બેટા, પાણી મૂકો કે એ મિલકત આપણે પાછી મેળવવાનો વિચાર સુધ્ધાં નહીં કરીએ.’ અને મેં બાપુજીના શબ્દોની સાથે બાના શબ્દો ઉમેરીને પાણી મૂક્યું.

‘બેટા, કોઈનું ભલું ના કરી શકો તો કંઈ નહીં પણ કોઈનું બૂરું ના કરશો!’ કહીને બાપુજીએ ફરીથી મારે માથે હાથ મૂક્યો. એ હાથ મારે માથે જ રહ્યો અને બાપુજી ચાલ્યા ગયા.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.