અમારી કુળદેવી સંધિવાઈ માતાના મંદિરમાં વરસે બે વાર હવન થતા. એક અનંતચૌદશે અને બીજો દશેરાએ. વિજયાદશમીનો હવે સાદો થતો; પણ અનંતચૌદશના હવનમાં બકરાનો બલિ અપાતો. શ્રાવણની અમાસની આસપાસ આ બકરાની ખરીદી થતી. પછી અનંતચૌદશ સુધી ખવડાવી-પિવડાવી, સુખચેનમાં રાખી એને મસ્ત બનાવાતો. બકરો મામાને ત્યાં બંધાતો. મામાનું ઘર અમારી પાડોશમાં એટલે મામાનાં છોકરાંઓ સાથે બકરાને મસ્ત બનાવવામાં હું પણ નિરાંતે ભાગ લેતો. અનંતચૌદશની વહેલી સવારે અમે છોકરાઓ આનંદપૂર્વક એને દોરીને માતાને મંદિરે લઈ જતા. મોટેરાઓ તો બધા પાછળથી હવનને વખતે આવતા. ત્યાં સુધી અમારી ખુશીનો સાથી આ બકરો બનતો.
આઠ સાડાઆઠે છગન મહારાજ આવીને હવનની તૈયારી કરતા. નવ સાડાનવે હવન શરૂ થતો. હવનમાં યજમાન તરીકે ઘણુંખરું મામા બેસતા. જે વરસની આ વાત છે તે વરસે ચોમાસું બહુ સારું હતું. સૌનાં મન પ્રફુલ્લ હતાં. એ દિવસે નાસ્તાની પણ સારી સારી વસ્તુઓ આવી હતી. અમારી ખુશીનો પાર નહોતો. અમે બાળકો જાતજાતની રમતો રમતા હતા. એમાં મારી અને મામાના દીકરાની વચ્ચે તકરાર થઈ ગઈ. એણે છુટ્ટો પથ્થર એટલા જોરથી મને માર્યો કે માથું ફૂટી ગયું. કોઈક દોડ્યું બાપુજી પાસે. બાપુજીની સાથે ફુઆ પણ દોડતા આવ્યા. મંદિરની પૂજારણ પણ બહાર દોડી આવી. મારા માથામાંથી લોહી વહેતું હતું. પૂજારણ ઘરમાંથી ઘાબાજરિયું અને થોડું રૂ લઈ આવી. ફુઆએ પોતાનો દુપટ્ટો ફાડીને પાટો તૈયાર કર્યો અને ઊંડા પડેલા ઘામાં ઘાબાજરિયું પૂરીને બાપુજીએ પાટો બાંધી દીધો. બાપુજીનો દુપટ્ટો લૂછીલૂછીને આખો લોહીવાળો થઈ ગયેલો. આ બનાવે અમારી રમત બંધ કરાવી દીધી. છોકરાઓ શાંત અને ડાહ્યા થઈને મંદિરને ઓટલે બેસી ગયા. હું બાપુજીની સોડમાં લપાઈ ગયો. હવન આગળ વધતો જતો હતો. નાતના લગભગ બધા માણસો આવી ગયા હતા. છેલ્લાં ત્રણચાર વરસથી ચર્ચાતો બલિનો સવાલ પાછો ચર્ચાવા માંડ્યો. ધર્મશાસ્ત્રની વાતો કરીને આ બલિ અપાવો બંધ થવો જોઈએ એવો બાપુજીનો આગ્રહ હતો. મામા, ફુઆ અને બીજા ઘણા માણસો બલિની તરફેણમાં હતા. એમના મનમાં એવો ભય હતો કે બલિ બંધ કરવાથી માતા નારાજ થશે અને કદાચ જો ક્રોધે ભરાશે તો આખી નાતમાં રોગ ફાટી નીકળશે. એટલે બલિ તો અપાવો જ જોઈએ. બાપુજીએ સમાધાનનો એક નવો જ રાહ સૂચવ્યો. એમણે કહ્યું કે જો બલિ આપવો જ હોય તો બકરાનો કાન કાપીને માતાને નામે છૂટો મૂકી દેવો. એને વધેરવાની જરૂર નથી. જીવણસંહિકાકાએ આનો પણ સખત વિરોધ કર્યો. એ તો માતાજીના ભક્ત હતા. માતાજીના પ્રસાદમાં શ્રદ્ધાપૂર્વક માનતા. માતાજીના બલિનો પ્રસાદ એમને મન મોટો આશીર્વાદ હતો. અને પરંપરાથી ચાલતી આવેલી આ રૂઢિને બદલવાની એ સખત વિરુદ્ધ હતા.
આ પ્રસાદનો મહિમા અમારી આખી નાતમાં વિસ્તર્યો હતો. અમારા ઘરમાં પણ એની હસ્તી હતી. બાપુજી માંસાહારી નહોતા, શુદ્ધ શાકાહારી હતા. એટલે અમારા ઘરમાં બારેમાસ શાકાહાર થતો. પરંતુ અનંતચૌદશે બે રસોડાં થતાં. એ રાતે જુદે ચૂલે માતાજીના બલિનો પ્રસાદ રંધાતો. બાપુજી વિના ઘરનાં અમે સૌ આનંદથી એ લેતાં. મામાને ત્યાં એ રાતે ઉત્સવ થતો. એમને ત્યાં સૌ માંસાહારી હતાં. એટલે એમને ત્યાંથી ઊલટી અમારે ત્યાં પ્રસાદની થાળી આવતી. બીજા બાપુજીના મિત્ર અને ભાઈ ઠાકોરસંહિકાકા હતા. એમને ત્યાં એમની કુટુંબની દેવી આગળ પણ બકરાનો બલિ અપાતો. એટલે એમને ત્યાંથી પણ પ્રસાદની થાળી આવતી. બાપુજીને આ બિલકુલ ગમતું નહીં. એમની ગમગીનીનો પાર રહેતો નહીં. આ ગમગીની ઢાંકવા એઓ દર અનંતચૌદશે અમારે ત્યાં ભજન કરાવતા.
નાતમાં બીજા ચારપાંચ માણસો એવા હતા જેમને બાપુજીની વાત ગળે ઊતરતી. બાપુજીને એ ટેકો પણ આપતા, પરંતુ જીવણસંહિકાકાનો વિરોધ ઉઘાડેછોગે કરવાની એ લોકોની હંમિત ચાલતી નહીં. બાપુજી જેમ ભક્ત અને સાચા માણસ તરીકે ઓળખાતા તેમ જીવણસંહિકાકાનું નામ એ ગમે તે કરી શકે એવા બળવાન માણસ તરીકે જાણીતું હતું. નાતમાં તો એવી પણ વાતો ચાલતી કે એ ચોરીનો માલ પણ સંઘરતા. કોર્ટમાં ખોટા સાક્ષીઓ ઊભા કરતા અને જુઠ્ઠી સાક્ષી પૂરવા પણ જતા. દુશ્મન ઊભા કરતા અને શત્રુઓને ગમે તે ભોગે અને ગમે તે રીતે હરાવવામાં પાછી પાની કરતા નહીં. એટલે એ દિવસથી ચર્ચામાં બાપુજીનો સમાધાનનો મુદ્દો પણ ઊડી ગયો.
હવન લગભગ પૂરો થવાની તૈયારીમાં હતો. બલિ વધેરવાની વેળાય થવા આવી હતી. મામાની તલવાર પાસે જ પડી હતી. બલિને વિષે એક પરંપરાગત એવી પણ કહાણી હતી કે બલિ એક જ ઘાથી વધેરી શકાય તો જ માતાજીને પહોંચે અને માતાજીએ એનો સ્વીકાર કર્યો છે એમ મનાય. એટલે એક જ ઝાટકે બલિ વધેરાઈ જવો જોઈએ એની ખૂબ કાળજી રખાતી. મામા અગાઉથી તલવાર સજાવી રાખતા. એમની તાકાત પણ ઘણી હતી. હંમિતમાં તો એમની જોડી નહોતી. મધરાતે ત્રણ ચોરોનો એમણે એકલાએ તલવારથી સામનો કરેલો અને ચોરોને નસાડેલા. એમની આ શક્તિ અને બહાદુરી જોઈને જ નાતના પંચે હવનના યજમાન તરીકે એમની વરણી કરેલી. બલિ અપાતી વખતે છગન મહારાજ મંદિરના ગર્ભદ્વારમાં માતાજી પાસે ચાલ્યા જતા. એમનાથી આ દૃશ્ય જોવાતું નહીં. એમણે બલિ વધેરવાની ક્ષણની ઘોષણા કરી અને હવન છોડ્યો. પૂજારણે ગર્ભદ્વારમાં આરતી શરૂ કરી. છોકરાઓએ ઘંટ અને નગારાં વગાડવાં શરૂ કર્યાં. મોટેરાઓ હાથ જોડીને ઊભા થઈ ગયા. બલિને હવન પાસે લાવવામાં આવ્યો. મસ્ત બલિના ગળામાં ફૂલનો હાર હતો. કમ્મરે લાલ નાડાછડીનો દોરો બાંધ્યો હતો. કપાળે કંકુનું તિલક હતું. દોરીથી બાંધેલા એ બલિને હવનની આગળ માતાજી ભણી મુખ રાખીને ઊભો કરવામાં આવ્યો. “સંધિવાઈ માતની જય”નો પોકાર હવામાં ઊછળતાંની સાથે મામાની તલવારે બલિ ઉપર જનોઈઘા કર્યો. દર વખત તો એક જ ઘાએ બલિનું માથું ઊડીને હવનમાં આપોઆપ જઈ પડતું. પણ આ ઘાથી મામાની તલવાર બલિના શરીરને સોંસરું વીંધવાને બદલે અંદર જ ફસડાઈ પડી. બકરાની કરુણ ચીસ નીકળી ગઈ. મામાએ જોર કરીને તલવાર પાછી કાઢી અને બીજા ઘાએ બલિનું માથું ધડથી જુદું કરી નાંખ્યું. માથું હવનમાં ન પડ્યું. મામાએ ઊંચકીને હોમ્યું. રિવાજ પ્રમાણે સૌએ બલિના લોહીનો ચાંદલો કર્યો. બે કસાઈઓ બલિના ધડને વાંસડે બાંધીને એના પછીની ક્રિયા કરવા માટે ચાલ્યા ગયા.
અમે ઘેર આવ્યા. બાપુજી તે દિવસે જમી શક્યા નહીં. સાંજે ભજન થયાં. પણ બાપુજીની વ્યથા અને ગમગીની કેમે કરી ઘટે નહીં. ભજન પછી બાએ બાપુજીને જમવાનો આગ્રહ કર્યો ત્યારે આંખમાં આંસુ સાથે એમણે નિર્ણય જાહેર કર્યો કે નાત જ્યાં સુધી અનંતચૌદશનો બલિ બંધ કરવાનો ઠરાવ નહીં કરે ત્યાં સુધી પોતે આમરણાંત અપવાસ કરશે. બા તો દિઙ્મૂઢ બની ગઈ. બાપુજીને બહુ સમજાવ્યા પણ નિશ્ચય તોડે એ બાપુજી નહીં. વાત પવનવેગે ફેલાઈ ગઈ. અમારાં સગાંવહાલાં તો રાતે જ એકઠાં થઈ ગયાં. વાટાઘાટ થઈ ચર્ચાઓ ઊપડી. પણ નિર્ણય કંઈ ના થયો. બીજે દિવસે સાંજે નાત મળી. બાપુજીના અપવાસના નિર્ણયને ત્રાગું કહીને જીવણસંહિકાકાએ સખત વિરોધ કર્યો. તે સાંજે કશો જ નિર્ણય કર્યા વિના નાત વિખરાઈ ગઈ. મામાને ચેન પડ્યું નહીં. એમને હાથે બલિનો વધ અધૂરો થયો હતો. માતાજીના ક્રોધની એમને શંકા ગઈ. શંકાએ નિર્બળતાનો સંચાર કર્યો. નબળાઈએ શ્રદ્ધાને ધક્કો માર્યો. ડગમગતી શ્રદ્ધા વડે મામાએ જીવણસંહિકાકાને સમજાવ્યા, ફુઆને પોતાના મનના કર્યા અને પાંચમે દિવસે નાત પાછી એકઠી થઈ. બાપુજીના અપવાસ ચાલુ હતા. રોજ રાતે ભજન થયાં. ત્રીજે દિવસે ગુરુમહારાજને ખબર પડી. તે રાતે ભજનમાં એઓ પણ પધાર્યા. પિતાજીને આશ્વાસન આપી એમણે આશીર્વાદ આપ્યા. બાપુજીના બીજા મિત્રો પણ આવવા માંડ્યા.
નાતના ઘણા માણસો ભીંજાયા પણ જીવણસંહિકાકા મક્કમ હતા. એમનાં રુઆબ અને સત્તા પણ મજબૂત. એટલે તે દિવસે પણ નાત નિર્ણય કર્યા વિના વિખરાઈ ગઈ. ક્ષત્રિયો એમ કંઈ ઓછા માને! પાછી વાટાઘાટો શરૂ થઈ. નવમે દિવસે બાપુજીની તબિયત વધારે બગડી. વૈદ્યકાકાને બોલાવવા પડ્યા. આ વાતથી મામા, ફુઆ અને બીજા સગાઓ ગભરાઈ ગયા. વાત જીવણસંહિકાકાને કાને પહોંચી. દસમે દિવસે નાત પાછી એકઠી થઈ. સૌના આશ્ચર્ય વચ્ચે સર્વપ્રથમ જીવણસંહિકાકાએ જ વાત મૂકી કે અનંતચૌદશે બકરાના બલિનો રિવાજ બંધ કરવો જોઈએ; અને મોટાભાઈ કહે છે તેમ બલિનો કાન કાપીને એને છૂટો મૂકી દેવો. સૌ ઘણા રાજી થયા. નિર્ણય કરીને આખી નાત આવી અમારે ઘેર. જીવણસંહિકાકાએ પોતાને હાથે બાપુજીને જવનું પાણી આપ્યું. પારણાં થયાં. રાતે ભજન થયાં. ગુરુમહારાજ પોતે પધાર્યા. પછી આશ્ચર્યની વાત એ બની કે કદી જ ન આવેલા જીવણસંહિકાકા ભજનમાં પણ આવ્યા. બાપુજીનો ખાટલો બહાર કાઢવામાં આવ્યો હતો. ભજન પૂરાં થઈ રહ્યાં. ગુરુઆરતી થઈ રહી. પ્રસાદ વહેંચાયો. સૌ વિખરાયા.
પણ જીવણસંહિકાકા સૌથી પાછળ રહ્યા. મને બરાબર યાદ છે. અમે ચાર જ જણ હતાં. બાપુજી, બા, હું અને કાકા. બાપુજીએ હાથ લંબાવીને જીવણસંહિકાકાનો હાથ પકડી લીધો : “ભાઈ, તમે બહુ સારું કર્યું. માતાજી હવે આ બલિથી રાજી થશે. બલિ આપવો એટલે હિંસા જ કરવી એવું ઓછું છે? બલિ તો સમર્પણ છે. સમર્પણમાં લેશમાત્ર હિંસા ના જોઈએ. નહીં તો માતાજી પ્રસન્ન થવાને બદલે નારાજ થાય.” બાપુજીએ સ્મિત સાથે પોતાનો બીજો હાથ કાકાને ખભે મૂકયો. અમે તો જોતાં જ રહ્યાં. કાકાની આંખોમાંથી આંસુ પડ્યાં. બાપુજીના બન્ને હાથ પોતાને ગળે વિંટાળીને કાકા રડતા રડતા બોલ્યા : “મોટાભાઈ, આજે મારે દિલની એક ગુપ્ત વાત કહેવી છે.” બાપુજી ગદ્ગદ થઈ ગયા. માત્ર એટલું જ બોલ્યા : “જીવણભાઈ!” અને જીવણકાકા ડૂસકે ભરાઈ ગયા. બાપુજીએ એક હાથ એમની આંખોએ દીધો. જરાક ડૂસકાં શમ્યાં એટલે કાકાએ કહ્યું : “મોટાભાઈ, પાંચ વરસ પહેલાં તમારે ત્યાં ચોરી થયેલી. એ ચોરી મેં જ કરાવેલી. હું ગુનેગાર છું. મને માફ કરો!” કહીને કાકાએ એક નાની પોટલી બાપુજીને આપી. “એમાં દાગીના છે, રૂપિયા છે અને ભાભીનાં પગનાં સાંકળાં છે. આ સાંકળાં ભાભીને મેં જ કરાવી આપેલાં.” અને સાંકળાં લઈને કાકા ઊઠ્યા. બાના પગ આગળ સાંકળાં મૂકીને એમણે ચરણરજ લીધી. બાપુજી પાસે આવીને કહ્યું : “મોટાભાઈ, આજથી હવે આ ધંધો હરામ. તમારા ઉપવાસે તમારું તો જે ભલું કર્યું હોય તે ખરું, નાતનું મોઢું ઊજળું કર્યું છે અને મારો પુનર્જન્મ કર્યો છે.” કાકાના હાથ બાપુજીના પગની આસપાસ વંટિળાઈ વળ્યા.
બાપુજીને આટલા સુખી અને બાને આટલાં પ્રસન્ન મેં ક્યારેય જોયાં નહોતાં. મારી નાની આંખોએ પણ અચરજ જોયું. ક્રૂર અને બિહામણું લાગતું જીવણકાકાનું મોઢું પહેલા વરસાદથી નાહીધોઈને નીતરેલી પ્રકૃતિ જેવું સ્વચ્છ અને સ્નેહાળ બની ગયું હતું.
ત્યારથી મારા અંતરમાં બલિદાન અને સમર્પણ એ શબ્દો મટીને સદ્ભાવના બની રહ્યા.