અપંગ અંતરનિષ્ઠા

ગયા વરસની વાત છે. આસો સુદ આઠમનું સવાર હતું. હું ફરવા નીકળ્યો હતો. વર્ષાના ભીંજાયલા દિવસો પછી શરદનું આ સવાર સ્વચ્છ લાગતું હતું. વાતાવરણમાં તાજગી હતી. પહોળા રસ્તાની બન્ને બાજુનાં વૃક્ષોની સાથે મારી ઓળખાણ હતી. પણ જ્યાંથી ગોળ ચક્કર શરૂ થાય છે ત્યાં આગળના એક લીમડા સાથે મારે વિશેષ સંબંધ હતો. સંતની જેમ વૃક્ષોનો સમાગમ પણ શાંતિ આપે છે. મારો આ અનુભવ હતો. પરંતુ આ અનુભવમાં આનંદનો રોમાંચ પૂરનાર હતા જીવણભગત. ભગત પ્રજ્ઞાચક્ષુ હતા અને મારા મનગમતા લીમડા હેઠળ એમની બેઠક હતી. કોઈનોય પગરવ સંભળાય એટલે ‘ભગવાન તમારું ભલું કરો’નું વાક્ય ભગતના મુખમાંથી નીકળી પડતું. વટેમાર્ગુઓમાંથી ઘણા સાંભળ્યું ન સાંભળ્યું કરીને ચાલ્યા જતા. કોઈ વળી ભગત ભણી અછડતી નજર નાંખીને રસ્તે પડતું. કોઈ વળી દૃષ્ટિમાં કંઈક સહાનુભૂતિ ફેંકીને આગળ વધતું. પરંતુ વિરલ કોઈ અંતરના સમભાવથી દોરાઈને ભગતના અવાજની સાથે તણાઈ આવતું, એમની ઉઘાડી અંજલિમાં પાઈપૈસો મૂકીને ચાલવા માંડતું. કેટલાક જાણીતા વટેમાર્ગુના અવાજને ભગત ઓળખતા અને આવકારતા. કોઈ કોઈના પગરવને પણ એ પિછાણતા.

મારે મન જીવણભગત માત્ર અંધ ભિખારી નહોતા. કોઈ ટૂંકી વાર્તાનું પાત્ર પણ નહોતા. મને એ જીવનરહસ્યને પામવા મથતા મરમી લાગતા. પણ મારી પાસે એનો પુરાવો નહોતો. મારી એ લાગણી હતી. લાગણીને વળી પુરાવો કેવો? એનું તો પરિણામ હોય. આજે સવારે પણ એમણે મારા પગરવને ઓળખ્યો અને સમસ્ત મુખમંડળને સ્મિતથી સંસ્કારીને ભગતે મારું સ્વાગત કર્યું. મારી લાકડીનો ટેકો મૂકીને કંઈક આશરાનું આશ્વાસન પામીને ભગતની સામે ઊભો રહ્યો. આજે પ્રમાણમાં કંઈક વહેલો ફરવા નીકળ્યો હતો. લીમડાની નીચે ભગતને મળવાની અપેક્ષા નહોતી રાખી, કારણ કે ભગત નવેક વાગે આવતા અને છેક સમી સાંજે ચાલ્યા જતા. કોઈ અજાણ્યા ઝરણાની જેમ ક્યાંકથી આવતા અને ક્યાંક ચાલ્યા જતા. એટલે આશ્ચર્ય પામીને મેં પૂછ્યું :

“કેમ ભગત, આજે વહેલા વહેલા?”

“બાપુ, આજે નવરાતરની આઠમ છે. પાવાગઢ જનારા સંઘો આજે આ રસ્તે નીકળશે એટલે વહેલો આવ્યો છું.” ભગતનું સ્મિત ખીલી ઊઠ્યું.

“ભગત, તમારે મને બાપુ ન કહેવું. મારે તમને બાપુ કહેવા જોઈએ એટલી તમારી ઉંમર અને સમજણ છે.” મેં નમ્રતાથી જીવણભગતને કહ્યું.

“સમજણ હોય પણ જીવતાં ન આવડતું હોય તો ઉંમર શા કામની, બાપુ?” ભગતના અવાજમાં અનુભવનો રણકાર હતો.

“પણ ભગત, તમારે મને ભાઈ કહેવો,” મેં ભગત પાસે વિનંતી ધરી.

“તમને એનાથી આનંદ થતો હોય તો ભાઈ કહીશ હવે.” બહુ જ સ્વાભાવિકતાથી ભગતે મારી વિનંતી સ્વીકારી લીધી એનો મને આનંદ થયો.

આ આનંદે અંતરનાં બારણાં ઉઘાડી નાખ્યાં એટલે મેં પૂછ્યું : “ભગત, રાતે તમારે ત્યાં ખાવાપીવાનું કોણ કરે છે? તમારાં વહુ છે ને?”

આ સવાલે ભગતના મુખ પરનું સ્મિત હરી લીધું. મને એનો રંજ અને સંકોચ બન્ને થયાં. મારા મુખ પરના આ ભાવો પામીને જ જાણે ભગતે કહ્યું : “ભાઈ, આજથી પંદરેક વરસ ઉપર એ મને મૂકીને ચાલી ગઈ છે, ભગવાનના દરબારમાં. એ જીવતી હતી ત્યાં સુધી તો એ મને દોરીને મજૂરીએ લઈ જતી અને સાથે કામ પણ કરવા લાગતી. અમે પેટ ભરવા જેટલું મેળવી લેતાં. પણ એના ગયા પછી મને દોરનારું કોઈ રહ્યું નહીં. મજૂરીએ કોઈ રાખે નહીં. એટલે ભગવાનને નામે કોઈ ખુશીથી કંઈ આપે તો લેવું એવો નિયમ રાખીને અહીં આ લીમડા હેઠળ પંદર વરસથી બેસું છું. દસેક વરસથી તો તમેય જુઓ છો. ભાઈ, જનારી સતી હતી સતી. એને યાદ કરી કરીને હું મારા દહાડા કાઢું છું.”

આટલું બોલી રહ્યા ત્યાં તો ભગતની બંધ આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એમણે એ લૂછ્યાં પણ નહીં. ગરીબ સદાચારીનું મુખ આંસુથી ભીંજાઈને શીલનો પ્રકાશ ધારી રહ્યું. અમે બન્ને મૂંગા હતા. એટલામાં માતાના સંઘના ડાખલાના અને ઝાંઝના આવાજે અમારું મૌન તોડ્યું.

“ભાઈ, સંઘ આવવા માંડ્યો,” ભગતે હવે આંસુ લૂછી નાંખ્યાં.

સંઘ પાસે આવતો હતો. આગળ ઢોલી હતા. એમને શરણાઈનો સાથ હતો. પાછળ માતાનો રથ આવતો હતો. ગળામાં ફૂલના હાર, હાથે ફૂલના ગજરા, કપાળે કંકુની આડ, એક હાથમાં સાંકળ પકડીને બીજા હાથે માતાજીનો રથ ખેંચતો રથી ચાલતો હતો. એની પાછળ માણસોનું ટોળું હતું એમાં માતાજીનાં સ્તવનો ગવાતાં હતાં અને એ સ્તવનોને ડાખલાનો કરુણ તાલ કંઈક રહસ્યમયતા આપતો હતો. પાછળ સ્ત્રીઓ માતાના જવારા લઈને નવરાત્રિનાં ગીતો ગાતી ચાલતી હતી.

બરાબર અમે હતા ત્યાં રસ્તા ઉપર જ પેલા માતાના રથ ચલાવનાર રથીએ “હો હો હો” કહીને ધૂણવા માંડ્યું. એના લાંબા વાળ ચારે તરફ વીખરાઈ વળ્યા અને પોતાના હાથની સાંકળ વડે એણે પોતાના બરડા ઉપર જ ચાબખા લગાવવા માંડ્યા. ઢોલીનો અવાજ વધ્યો, શરણાઈના સૂર વધારે તીવ્ર થયા અને ડાખલું ગરજી ઊઠ્યું. પેલા રથીએ વધારે જોરથી સાંકળોના ચાબખા પોતાના બરડામાં લગાવવા માંડ્યા. ત્યાં તો “ખમા મા”ના અવાજો કરતી બેત્રણ સ્ત્રીઓ આગળ દોડી આવી અને માતાના રથ આગળ પાલવ પાથરીને કરગરી પડી. રથીએ ચાબખા મારવા બંધ કર્યા. સ્ત્રીઓ ચાલી ગઈ.

એટલામાં ભગતે મને કહ્યું : “ભાઈ, મને પેલા રથ પાસે લઈ જાઓ છો?”

હું એમને દોરીને માતાના રથ પાસે લઈ ગયો. લાંબા થઈને ભગત પગે લાગ્યા અને ઊઠીને રથની રજ માથે ચઢાવી. પોતાના ગજવામાંથી સવા રૂપિયો કાઢીને એમણે રથીને આપ્યો અને કહ્યું : “બાપા, માતાજીને કાલે નોમે, મારી મણિને નામે પરસાદ ધરાવજો. ચાલો, ભાઈ,” કહીને ભગતે હાથ લાંબો કર્યો. હું એમને દોરીને પાછો લીમડા હેઠળ લઈ આવ્યો. પાવાગઢ જનારો માતાજીનો સંઘ આગળ વધ્યો. હું મૂંગો હતો.

ભગતે મૌન તોડ્યું : “ભાઈ, દર વરસે નવરાતરની આઠમે હું એ મારી સતીને નામે સવા રૂપિયાનો પરસાદ સંઘ સાથે પાવાગઢ માતાજીને મોકલું છું. ભાઈ, એ તો સતી હતી સતી.” ભગતના મુખ ઉપર ધીરે ધીરે સ્મૃતિ પથરાઈ ગઈ. એમાંથી સ્મિત ઊઠ્યું અને આખું મુખમંડળ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યું.

એમને એ સુખમાં મૂકીને મેં કહ્યું : “આવજો ભગત.” અને હું પાછો ફર્યો. હું મને અંતરનિષ્ઠાનો ઉપાસી માણસ માનતો હતો. આજે મારી નિષ્ઠા મને અપંગ લાગી. મેં ધાર્યું કે ભગત આજે વહેલા એટલા માટે આવ્યા હતા કે પાવાગઢ જનારા સંઘમાંથી એમને રોજ કરતાં કંઈક વધારે મળે. પરંતુ એમના વહેલા આવવાનું કારણ તો પોતાની પ્રિય પત્નીની સ્મૃતિમાં સંઘ દ્વારા માતાજીને સવા રૂપિયાનો પ્રસાદ મોકલવાની જ અંતરેચ્છા હતી અને એ જ્યારે ફળી ત્યારે ભગતની પ્રેમભાવના કેવી ધન્ય થઈ એ મારી આંખોએ જોયું અને હૈયાએ અનુભવ્યું.

ત્યારે, માણસને પોતાની સન્નિષ્ઠાનો પણ કેવો સૂક્ષ્મ અહંકાર હોય છે એની કરુણ પ્રતીતિ મને થઈ.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.