ઈ. સ. 1947નો પંદરમી ઑગસ્ટનો દિવસ ચાલ્યો ગયો છે. હિંદુસ્તાનના ભાગલાની ગમગીની દિલમાં સમાવીને લાલા ફિરોઝચંદ ઊભો છે. પશ્ચિમ પંજાબના મોંટગોમેરી જિલ્લામાં આવેલા હડપ્પાના અવશેષના એ ચોકીદારે પોતાની સગી આંખે પોતાની માલમિલકતની લૂંટ, પોતાની સ્ત્રીના શીલનો વધ અને પોતાના નિર્દોષ બાળકોની કતલ જોઈ છે. એના જિગરમાં ભાગલાને પરિણામે ખડકાયેલાં મુડદાના ઢગલા ઉપર ઊગેલા આઝાદીના આનંદની કશી જ અસર નથી. એક દિવસ અકસ્માત્ પાકિસ્તાન સરકારના પ્રતિનિધિએ આવીને એમની પાસેથી એ અવશેષો ઉપરની હિંદુસ્તાનની માલિકી આંચકી લીધી. અને ફિરોઝચંદ પોતાની ગમગીનીના અવશેષ જેવો એક વળાવિયાની સાથે હિઝરતના લાખો માનવીઓની વણઝારનો અંશ બનીને દિલ્હી આવી પહોંચ્યો. એણે આવીને પોતાની આ અનાથતાની દિલ્હીના મધ્યસ્થ આર્કિયોલૉજિકલ ખાતામાં જાણ કરી અને પોતાની આપવીતી પણ અચકાતે અચકાતે એક પણ આંસુ પાડ્યા વિના કહી. ખાતાએ એની નોંધ લીધી પણ ન તો નોકરી આપી કે ન તો ખાવાનું આપ્યું. ફિરોઝચંદે બીજા હિઝરતીઓની જેમ મહેનતમજૂરી કરીને પોતાનું ગુજરાન કરવા માંડ્યું.
લંડન ગયેલું ભારતનું કલાપ્રદર્શન દિલ્હીના સરકારી મહેલમાં ખુલ્લું મુકાવાનું છે એ વાત જાણીને ફિરોઝચંદના દિલમાં કલાના અવશેષ સાથેની મહોબત સળવળી. એણે ફરીથી આર્કિયોલૉજિકલ ખાતામાં જઈને પોતાનાં ભૂતકાળનાં અનુભવ અને સેવાને આધારે કામની માગણી કરી. જાણે દાનનો એક ટુકડો ફેંકતા હોય તેમ એ ખાતાના એક ઉપરીએ એને એ કલાપ્રદર્શનનો તાત્કાલિક ચોકીદાર નીમી રૂ.60નો માસિક પગાર કરી આપી પોતાના કર્તવ્યપાલનનો સંતોષ અનુભવ્યો.
ઈ. સ. 1948ના ડિસેમ્બરનું બીજું અઠવાડિયું હતું. હું મારા એક કલાકાર અને એન્જિનિયર એમ બે મિત્રો સાથે પ્રદર્શન જોવા ગયો હતો. મુખ્ય દ્વાર ઉપર એક ચોકીદાર ઊભો હતો. જાણે સરકારી મહેલમાં ગોઠવાયેલા આ પ્રદર્શનનો પોતે જ સંરક્ષક છે. એવું એના ચહેરા ઉપર ઉત્તરદાયિત્વ હતું અને આત્મશ્રદ્ધા પણ હતી. એ માણસની આંખો અસાધારણ હતી. પણ એમાં રંજની ગમખ્વારી હતી કે રોષની ચિનગારી એ કહેવું મુશ્કેલ હતું. જે હોય તે, પણ એ આદમીએ આકર્ષણ કર્યું. પ્રદર્શનમાં ઘણું જોયું પણ આ ચોકીદાર જોયો અને મનમાં કોરાઈ ગયો.
ફેબ્રુઆરીમાં પાછું જ્યારે દિલ્હી જવાનું થયું ત્યારે પહેલી તકે જ પ્રદર્શન જોવા ગયો. મુખ્ય દ્વાર ઉપર એ જ ચોકીદારને જોઈ આનંદ થયો. અજાણ્યો હતો છતાં એ માણસ ઓળખીતો લાગ્યો. અંતરમાં એને વિષે સમભાવ તો એને પ્રથમ જોયો હતો ત્યારે જ જન્મ્યો હતો. એ સમભાવના છોડ ઉપર હેતુનું કુસુમ બેઠું. પ્રદર્શન જોઈને પાછો આવ્યો ત્યારે આ ચોકીદાર સાથે વાત કરવાની ઇચ્છા મારાથી રોકાઈ નહીં.
મેં વાત શરૂ કરી: ‘લાલા, યહ યક્ષણીકી મૂર્તિ હમે બહુત પસંદ આઈ.’
‘ક્યા કહેં ભૈયા, હમ તો જિતની દફે ઉસે દેખતે હૈ, નઈ દિખાઈ દેતી હૈ.’ લાલાનું વાક્ય સાંભળ્યું ત્યારે એ ચોકીદાર કરતાં કવિ જેવો લાગ્યો.
મેં કહ્યું: ‘ભાઈ, મુઝે ઐસા લગતા હૈ, કિ કોઈ અદ્ભુત સ્ત્રી અપને પુરુષકી રાહ દેખતી કઈ સમય સે ખડી હૈ. પરંતુ વહ પુરુષ આયા નહીં. શાયદ આયગા ભી નહીં.’
‘કહાં સે આય? હો તબ આય ન?’ લાલાની આંખોમાં હવે રોષ અને રંજ બંને સ્પષ્ટ થયાં. મેં વાત બદલી: ‘લાલા, આપ કહાં કે હો?’
‘બાશીન્દે તો પંજાબ કે હૈ, લેકીન બસતે હૈં દેહલીમેં.’ લાલાને આગળ કહેવું હતું પણ જાણી જોઈને બોલ્યા નહીં.
એટલે મેં એની લાગણીને સ્પર્શ કર્યો: ‘લાલા, બાલબચ્ચેં કિતને હૈ?’
‘એક જમાને મેં થે. અબ નહીં હૈ. અકેલા હું.’ લાલાએ જાણે પોતાની આંખ આગળ ઊપસી આવતી ગઈ કાલને જોરથી ધક્કો માર્યો અને બંને હાથ મસળીને એની સ્મૃતિને પણ ખંખેરી નાંખી.
‘માફ કરના ભાઈ, અગર આપ કો કુછ દુ:ખ હુઆ હો તો,’ મેં સહૃદયતાથી ક્ષમા માગી.
એટલામાં અમેરિકન એમ્બેસીની એક શાનદાર મોટર આવીને ઊભી રહી અને એમાંથી અધિકારી જેવા દેખાતા ચાર માણસો ઊતરીને ચપળતાથી પગથિયાં ચઢી આવ્યા. ચોકીદારે ટિકિટ માંગી. ટિકિટ કોઈની પાસે નહોતી. એક અમેરિકને હસતાં હસતાં પાટલૂનના ગજવામાંથી પાંચ રૂપિયાની નોટ કાઢીને ચોકીદારના હાથમાં મૂકી અને કંઈક સંજ્ઞાભર્યું સ્મિત કરીને એ ચાલતો થયો. ચોકીદાર બોલ્યો નહીં. મુખ્ય દ્વારની બાજુમાં કલાપ્રદર્શનની તસવીરોની દુકાન છે. એના વેચનારને ઘડીભર દરવાજો સોંપીને ચોકીદાર પગથિયાં ઊતરી પડ્યો. જતાં જતાં મને કહ્યું: ‘ભાઈસાહબ, અભી આયા, માફ કરના.’
ચોકીદાર જઈને ચાર ચાર આનાની ચાર ટિકિટ ખરીદી લાવ્યો અને પાછો પોતાને સ્થાને આવીને ઊભો. મારા આશ્ચર્યનો પાર નહોતો. મેં ધાર્યું હતું કે આ ચોકીદાર પાંચ રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી દેશે અને એવું બનતાં અનેક વાર જોયું છે. પણ મારી ધારણાથી હું પોતે છોભીલો પડ્યો.
ત્યાં લાલાએ આગળ ચલાવ્યું અને કોણ કોણ આ પ્રદર્શન જોવા આવ્યા અને કોણે કેવી કેવી ટીકા કરી તેના થોડા નમૂના એણે ધર્યા:
એક પ્રૌઢ માણસ આવે છે. એના હાથમાં જાડી નોટબુક હોય છે. બસ લખ્યા જ કરે છે. ક્યારેક મૂર્તિઓ પાસે ઊભો હોય છે ને ક્યારેક ચિત્રો જોયા કરે છે અને પાછો લખે છે. કેટલાય દિવસથી બસ આવે છે અને આવું કર્યા કરે છે, કોઈ વિદ્વાન હોવો જોઈએ.
એક જુવાન આવે છે. એનો પહેરવેશ, એમાંથી દેખાતી એની બેપરવા અને તેજસ્વી આંખો, ચહેરા પરની ગમગીની એ બધું કહે છે કે એ કલાકાર છે. એને ગમતી મૂર્તિઓ પાસે ઊભો રહીને, બેસીને કંઈક ચીતર્યા કરે છે. થાકે છે ત્યારે મૂર્તિઓ ભણી જોયા કરે છે.
પરમદિવસે એક જુવાન જોડું આવ્યું હતું. પરણેલાં લાગતાં નહોતાં. નહીં તો આટલો ઉલ્લાસ અને અપેક્ષા હોય નહીં. આ પેલી ભુવનેશ્વરીની મૂર્તિ આગળ પેલા જુવાને એની સાથેની યૌવનાને ચુંબન ભરી લીધું. કોણે જોયું ને કોણે ના જોયું એની પરવા કરી નહીં. પ્રેમીઓ ખરાં ને!
થોડા દિવસ પહેલાં એક કુટુંબ આવ્યું હતું. સ્ત્રી, પુરુષ અને બાળક અંદર ગયાં ત્યાં જ બાળકે રડવા માંડ્યું. પુરુષ પોતાના બાળકને લઈને બહાર આવ્યો અને મોટા લાંબા ઓટલા ઉપર એને સમજાવીને ફરવા માંડ્યું. સ્ત્રી થોડી વારમાં આંટો મારીને પાછી આવી. બંને જણાં બગીચામાં ઊભેલા પથ્થરના એક મોટા પોઠિયાને જોઈ હસતાં હસતાં ચાલતાં થયાં.
એક નમણો જુવાન આવે છે. આંખોમાં કાજળ આંજે છે. એનો ચૂડીદાર પાયજામો તમીજથી પહેરે છે. સફેદ પહેરણ ઉપર રેશમી જવાહર-જૅકેટ હોય છે. ઘડીઘડીમાં પગનો ઠમકો કરે છે. કમર લચકાવે છે. હાથની મુદ્રા કરે છે અને આંખ નચાવે છે. નૃત્યકાર હશે. એ જુવાન મૂર્તિઓ કે ચિત્રો જોવાને બદલે પ્રદર્શન જોવા આવનારી ખૂબસૂરત સ્ત્રીઓને જ જોયા કરે છે. નટરાજોના ઓરડામાં ઊભેલી એક સુંદરી સાથે સ્મિતની આપલે કરીને ચાલ્યો જાય છે.
આવી વાતો એ કરતો હતો, એટલામાં પેલા અમેરિકનો બહાર નીકળ્યા. એટલે ચોકીદારે તરત જ જેણે પાંચ રૂપિયાની નોટ આપી હતી, તેના હાથમાં ટિકિટોનાં ચાર અડધિયાં મૂક્યાં અને બાકીના ચાર રૂપિયા પણ. પેલો સજ્જન પહેલાં તો નવાઈ પામ્યો પણ પછી એના હોઠ પર સ્મિત આવી ગયું. પણ આ વખતે સંજ્ઞા જુદી હતી. એણે પેલા રૂપિયામાંથી એક રૂપિયો ચોકીદારને આપવા માંડ્યો. ચોકીદારે નમ્રતાથી ના પાડી. જતાં જતાં પેલા અમેરિકને કહ્યું: ‘Gandhi still lives in this country’ – ગાંધીજી હજી આ દેશમાં જીવે છે. અને મારા અંતરાત્માએ સાદ દીધો: And he will live till truth lives – અને સત્ય છે ત્યાં સુધી એ જીવશે.
દિલ્હીમાં ગાંધીજીના આત્માને રહેંસી નાંખવાના જાણ્યે-અજાણ્યે અનેક પ્રયત્નો થાય છે એવી વાત સંભળાય છે. એમના સેવકો અને સાથીઓ આવું કમનસીબ કામ કરે છે એવી લોકવાયકા પણ છે. એવા વાતાવરણમાં સત્યના આવા અજાણ્યા ચોકીદાર ગાંધીજીની ચેતનાની પણ ચોકી કરે છે એ વાત આપણા પાપને કારણે આપણને ખબર પડતી નથી પણ ગાંધીજીના પુણ્યપ્રતાપે બને છે ખરી.