દહેરી

માધવસંહિ ઠાકોરનું કુટુંબ એ અમારી નાતમાં છેલ્લો શબ્દ. આબરૂ, ખાનદાની અને પૈસો એ ત્રણેમાં એમને આંટે એવું કોઈ નહીં. અમારા ફળિયામાં એમની હવેલી એ અમારે છોકરાંઓને મન રાજમહેલ. એ માધવસંહિ ઠાકોરના મૃત્યુ પછી એમના મોટા દીકરા રામસંહિ કરતાકારવતા થયા. રામસંહિ આમ તો સજ્જન અને સાલસ સ્વભાવના પણ એમની વહુનું એમના ઉપર ભારે ચલણ. કુટુંબ આખાની જાણે ચક્રવર્તી. એમનાથી સ્ત્રીઓ તો ડરે પણ પુરુષોય ગભરાય. આ કુટુંબમાં હીરા જેવા માણસ હોય તો તે રામસંહિના નાના ભાઈ મોહનસંહિ. મીઠો સ્વભાવ, છલકાતી સજ્જનતા, ઉદારતાનો પાર નહીં અને સેવાબુદ્ધિ તો એવી કે ભાઈ ને ભાભીને શ્રવણની જેમ માતાપિતા માનીને પૂજે.

આ મોહનસંહિની સાથે ગંગાફોઈનાં લગ્ન થયેલાં. ગંગાફોઈ બાપુજીનાં નાનાં બહેન. બન્ને ભાઈબહેન વચ્ચે ગજબની પ્રીતિ. આટલો બધો પ્રેમ, પણ બાપુજી કોઈ વખત જરાય જો મોહનસંહિ વિશે બે વેણ કહે તો ફોઈ તરત જ સામનો કરે. પોતાના પતિ વિષે એક શબ્દ પણ વિરોધનો સાંભળવા તૈયાર નહીં. એ બન્ને ભાઈઓ વચ્ચે પણ માયામમતા અખૂટ. એટલામાં રામસંહિનું આકસ્મિક મૃત્યુ થયું. પોતાની બંદૂક સાફ કરતા હતા ત્યાં અજાણ્યે ગોળી છૂટી અને શરીર વિંધાઈ ગયું. કુટુંબમાં હાહાકાર મચી ગયો. મોહનસંહિ પોતાની ભાભીને માતાને સ્થાને માનતા; પણ મોટાભાઈના મૃત્યુ પછી એમની ભક્તિ ઘણી ઊંડી થઈ ગઈ.

આવો ભક્ત આ સજ્જન પોતાની પત્ની માટે જીવ આપવાની તત્પરતા રાખતો, પણ દેખાડતો નહીં. ગંગાફોઈ માટેના એમના પ્રેમની એક સરસ વાત બા કહેતાં થાકતી નહીં. બા તો એક વાત બાપુજીને પણ હસતાં હસતાં ઘણી વખત લાગ મળ્યે કહેતી. એક વખત બા અને બાપુજી કાશી જવાનો વિચારક રતાં હતાં. એ વખતે મોહનસિંહે બાને કહ્યું હતું કે ગંગા આટલી પાસે છે છતાં કાશી જેટલે આઘા શા માટે જાઓ છો! ગંગાજળ જોઈતું હોય તો એના પગ ધોઈને લાવી આપું. અને આ વાતમાં બા પોતાની વાત ઉમેરીને બાપુજીને હસાવતી પણ ખરી કે મોહનસંહિ એ ગંગાજળનું આચમન પણ કરતા હશે. અમારા કુટુંબ ઉપરાંત આખી નાતમાં અને ઓળખાણમાં ગંગાફોઈનું દામ્પત્ય પ્રેમ અને અદેખાઈનો વિષય હતું.

મોહનસંહિ લશ્કરમાં નોકર હતા. સૂબેદારનો હોદ્દો હતો. અફસરો અને સિપાઈઓ બન્નેમાં એમને વિશે સરખાં સ્નેહ અને સમભાવ હતાં. એ વખતે એમની બટાલિયન પાદરારોડના બેરેકોમાં રહેતી. એક દિવસે સવારે નોકરી ઉપરથી મોહનસંહિ ઘેર આવતા હતા. ત્યાં રસ્તામાં એમને સાપ કરડ્યો. ત્યાં જ એ પડ્યા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. સાંજ સુધી જ્યારે એ ઘેર આવ્યા નહીં અને કશા સમાચાર પણ ના આવ્યા ત્યારે બાપુજી બેરેકમાં ખબર કાઢવા જતા હતા. રસ્તો ઓતાડો હતો. ત્યાં રસ્તામાં જ મોહનસંહિના શરીરને જંપેલું જોયું. એ તો દોડ્યા બેરેકમાં. કૅપ્ટનને ખબર આપ્યા. કૅપ્ટન અને બીજા લશ્કરી માણસો ડોળી લઈને આવી પહોંચ્યા અને મૃતદેહને ઘેર પહોંચાડ્યો. સ્મશાનયાત્રા વખતે કૅપ્ટને આગ્રહ કર્યો કે એનો અગ્નિદાહ બેરેકની પાસે જ્યાં એમને સર્પદંશ થયો હતો ત્યાં જ કરવો. ગંગાફોઈએ આ વાત માનીને રજા આપી. લશ્કરી સન્માન સાથે ફુઆના અગ્નિસંસ્કાર થયા.

બીજે દિવસે સાંજે બાપુજી, બા અને સૌ ફોઈ પાસે બેઠાં હતાં. કશું જ બોલવાની કોઈની હંમિત ચાલતી નહોતી. ફોઈએ કહ્યું : “ઇચ્છા તો કાલે સાથે જ અગ્નિને પામવાની હતી. પણ એમ માત્ર સાથે બળી મરવાથી ઓછું સતી થવાય છે! મેં એમના જીવતાં પ્રેમતપ કર્યું છે. એ અધૂરું તપ એમના મૃત્યુ પછી પૂરું કરવું છે. પછી નિરાંતે એમની પાસે હસતે મોઢે જઈશ.” અને એમની આંખોમાંથી દડદડ આંસુ ટપકવા માંડ્યાં. સાથે બેઠેલાં સૌ ડૂસકાં લેતાં હતાં. કોઈ બોલી શકતું નહોતું. મારું ગભરુ હૃદય તો એક જ વાતમાં વિમાસી રહ્યું હતું. કાલનાં ગંગાફોઈ કેવી મંગલમૂર્તિ હતાં! અને આજનાં કેવાં કરુણમૂર્તિ છે! એક માણસના જવાથી બીજા માણસનો આખો સંસાર બદલાઈ જાય છે! મૂલ્ય, મહત્તા, દૃષ્ટિ અને હેતુ બધું જ આટલું બધું બદલાઈ જાય છે! ફુઆ જીવતા હતા અને ફોઈ જે હતાં, જેવાં હતાં, તે ફોઈને તેવાં મેં કદી જોયાં જ નહીં. રોજ સવારે બાપુજી મને રામાયણ વાંચવા મોકલતા. રામાયણ વંચાઈ રહે ત્યાર બાદ ફોઈ મને પ્રસાદ આપતાં અને સરસ એક વારતા કહેતાં. એ વારતામાં ફુઆનું નામ કે કામ એકાદ વખત તો આવ્યા વિના રહે જ નહીં. ધીરે ધીરે સમય વીતતો ગયો. વરસ પૂરું થયું. ગમગીની પણ ઓસરી, એક, બે ને ત્રણ વરસ પૂરાં થયાં.

તે દિવસે ફુઆની શ્રાદ્ધતિથિ હતી. સવારનો વખત હતો. હું રામાયણ વાંચવા ગયો હતો. પણ આજે ફોઈ રોજની જેમ સ્વસ્થ નહોતાં. મારા મનમાં કે ફુઆની યાદથી અસ્વસ્થ થઈ ગયાં હશે. મેં કહ્યું : “ફોઈ, ચાલો રામાયણ વાંચીએ.” “ચાલો બેટા” કહીને ફોઈ આવ્યાં તો ખરાં પણ રામાયણ સાંભળવામાં એમનું દિલ ચોંટે નહીં. એમના અંતરમાં ચાલતી મથામણની વ્યથા એમની આંખોમાં આવી આવીને રહી જતી. અડધા રામાયણે જ એ તો ઊઠ્યાં. અંદર રસોડામાં એમનાં જેઠાણી રસોઈ કરતાં હતાં. એમનું નામ સૂરજબા. એ બાઈ મને કદી ગમતાં જ નહીં. એમનું મોઢું જ એવું ક્રૂર અને સ્નેહ વિનાનું કે ગમે તેને અભાવ થાય. એમની આંખમાં જ્યારે જુઓ ત્યારે ખાવા ધાતી એક પ્રકારની રિક્તતા ડોકિયું કર્યા જ કરે.

ફોઈ ઊઠ્યાં એટલે પાછળ હુંય ઊઠ્યો. રસોડામાં જઈને એમણે કહ્યું : “મોટી બહેન, તમે આજે સવારે જે વાત કહી તે મને બાળવા જ કહી છે કે સાચી છે?” સૂરજબા બોલ્યાં : “સાચી છે સાચી. તારા પતિને તું ભલેને રામચંદ્રજી માનતી. એણે એક વખત મારી છેડતી કરી હતી અને આ હકીકત હું સત્તર વખત કહેવાની. જ્યારે જુઓ ત્યારે પતિની પ્રેમભક્તિની વાતો કરતાં થાકતી જ નથી. મોટો પ્રેમવાળો હતો અને તારા તરફ આટલી ભક્તિ હતી ત્યારે મા જેવી ભાભી ઉપર શા માટે હાથ નાખ્યો? હા, હું તો કહેવાની, કહેવાની ને કહેવાની!” સૂરજબાની આંખો ચારેકોર ફરવા માંડી. ફોઈ તો તરત જ પાછાં ફર્યાં. મને કહ્યું : “ચાલો બેટા!” ફોઈને આટલાં ગમગીન, આટલાં વ્યથિત મેં ક્યારેય જોયાં નહોતાં. બહાર નીકળીને એમણે બારણામાં જ માથું પછાડ્યું. ભડાક અવાજ થયો. કપાળ ફૂટી ગયું. લોહી દડદડી પડ્યું. સમજ્યા વિના જ મારાથી ચીસ પડાઈ ગઈ. સૂરજબા બહાર દોડી આવ્યાં. ફોઈએ માથામાંથી નીકળતા લોહીને ખોબામાં લઈને બારસાખે થાપા માર્યા અને મારો હાથ પકડીને ચાલ્યાં અમારે ઘેર. બા, બાપુજી, પાડોશીઓ સૌ દિઙ્મૂઢ થઈ ગયાં. અમારે ઘેર જઈને ફોઈએ બાપુજીને કહ્યું : “ભાઈ!” પણ ફોઈની કશી જ વાત સાંભળતાં પહેલાં બાપુજીએ પોતાના ધોતિયાનો છેડો ફોઈને કપાળે દાબ્યો. એ છેડો હઠાવીને ફોઈએ કહ્યું : “ભાઈ, એમના મૃત્યુ પછી પેલું અધૂરું તપ પૂરું કરવા જીવતી હતી. આજે મારે મરવાની ઘડી આવી છે. આજે મોટીબહેને મરેલા જીવ પર આળ ચઢાવ્યું છે. હું એ નથી માનતી. એ તો દેવ હતા. પણ આ જ રીતે મને મારી નાંખે, તો જ એમને જંપ વળે. હું હવે એ ઘેર પાછી નહીં જાઉં. એ ઘરનું કદી મોઢું જ નહીં જોઉં.” અને ફોઈ ત્યાં જ પડી ગયાં. બા ને બાપુજી એમને અંદરના ઓરડામાં લઈ ગયાં. ડોક્ટરને બોલાવ્યા. મેં બાપુજી અને બાને બધી બનેલી વાત કહી.

સમીસાંજ હતી. આવી બિહામણી સાંજ મેં જોઈ નથી. માણસોથી અમારું ઘર ભર્યું હતું. વાતાવરણ નર્યા દુ:ખથી ધ્રૂજતું હતું. ફોઈના છેલ્લા શ્વાસ ચાલતા હતા. અમારા કુટુંબના વૈદ્ય બેઠા હતા. ત્યાં ફોઈનો શ્વાસ હેઠે બેઠો અને એ બોલ્યાં : “ભાઈ!” બાપુજી જરા વધારે પાસે ખસ્યા. “ભાઈ.” ઊંડાઈમાંથી ફોઈનો અવાજ આવ્યો, “એ ગયા તે જ દિવસે જવાની ઇચ્છા હતી. પણ સાથે બળી મરવાથી સતી થવાતું નથી. એ મરીને પણ મારે માટે જીવતા હતા. આજે એમની મા જેવી ભાભાએ એ સાચા જીવ ઉપર ખોટું આળ ચઢાવીને એમનો ભાવ ભજવાયો છે. ભાઈ, આજે હવે મારે એમની પાસે જવું જોઈએ. મારું શરીર એમની ચેહની જગ્યાએ જ બાળજો. હવે મારાથી નહીં જિવાય.” ફોઈના છેલ્લા શબ્દો ઘણા ઊંડાણમાંથી નીકળતા હોય તેમ બોલાયા. શ્વાસ ચાલતો શમ્યો. આંખો આપમેળે બંધ થઈ ગઈ. વૈદ્યકાકા રડી પડ્યા. આખા ઘરમાં શોકનાં વાદળાં વરસ્યાં.

બાપુજીએ પેલા બટાલિયનના કૅપ્ટનને મળીને ફોઈના અગ્નિસંસ્કાર માટે પેલી ખાસ જગ્યાની સરકારી મંજૂરી મેળવી અને જ્યાં ફુઆની ચેહ સીંચાઈ હતી, બરાબર એ જ સ્થળે ફોઈની ચિતા રચાઈ.

ફોઈનાં અસ્થિ નર્મદામાં પધરાવ્યાં. ત્યારબાદ સતત અઠવાડિયા સુધી આશાકાકા કડિયા જોડે જઈને બાપુજીએ ફોઈના અગ્નિસંસ્કારની જગ્યાએ એક રૂપાળી દહેરી બંધાવી. ફોઈનો મૃત્યુદિન એ વિજયાદશમીનો તહેવાર હતો. એ દિવસે અમારી કુળદેવી સંધિવાઈ માતાએ યજ્ઞ થતો. એ હોમહવનમાંથી પાછા ફરતાં અમે સૌ ફોઈની દહેરીએ ફૂલ ચઢાવીને જ ઘેર આવતાં. વર્ષો સુધી આ ક્રમ અવિરત ચાલ્યો. પછી તો બાપુજી ગયા. ક્યારેક યાદ આપીને દહેરીએ મોકલાતી બાય ચાલી ગઈ. પેલા યજ્ઞમાં જવાનું મારું બંધ થઈ ગયું. આજે તો એ દહેરી ઉપર પુરાણ ચઢ્યું છે અને એ દેખાતી પણ નથી.

હજી હમણાં જ ઘણે વરસે વિશ્વામિત્રી અને વડોદરા વચ્ચે દિવસ ઊગ્યે પ્રવાસ કરવાની તક મળી ત્યારે વિસ્મરણના ઢગલામાં દબાઈ ગયેલી આ યાદ જીવનઆકાશની ક્ષિતિજ ઉપર આવીને ઝબકી ગઈ. સ્નેહથી ભીંજાયલી ગમે તે વસ્તુ હોય, યાદ કે આદર્શ, ફરી મળ્યા વિના રહેતાં નથી.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.