સૂરસમાધિ

સૂરના સૂરજ સમા મનાતા ઉસ્તાદ ફૈયાઝખાંને ઘણી વખત સાંભળ્યા છે: ગાયકવાડના દરબારની મજલિસમાં, કીર્તિમંદિરમાં, સંગીત-પરિષદમાં, રેડિયો- સ્ટેશને અને ખાનગી મહેફિલમાં. પણ ગ્રીષ્મની વિહરતી એ એક રાતે ખાંસાહેબને સાંભળીને જાણે અરમાન ધરાઈ ગઈ. તે વખતે હજી એને ક્ષયનો રાજરોગ થયો નહોતો. એમના શ્વાસ, શક્તિ અને સૂરમાં તાજગી, રોનક અને બહાર હતાં. લગભગ દસેક વાગે ખાંસાહેબે ધમારનો આલાપ શરૂ કર્યો. ધમાર ખાંસાહેબની પોતાની ઘરાણાની ગાયકી છે, એટલે એમાં આલાપના આરોહઅવરોહની અનુપમ છટા તો છે જ પણ એમાં સૂરની મોહિની છે. ધમારનો આલાપ પૂરો કર્યો ત્યારે એમના અવાજને જિગરની હૂંફ બરાબર મળી ચૂકી હતી, કંઠની મીઠાશ મહેકી ઊઠી હતી. એટલે જ્યારે એમણે દરબારીને છેડ્યો ત્યારે સૂરાવલિ મલકી ઊઠી. ધમારના આલાપથી જે વાતાવરણ બંધાઈ ગયું હતું તેમાં ધ્યાનની એકાગ્રતા ઉમેરાઈ. જાણે કોઈ મોટો જોગંદર શિવની આરાધના કરી રહ્યો છે. એના અંતરપદ્મની બધી પાંખડીઓ ઊઘડીને દેવને આહ્વાન કરી રહી છે. આ આહ્વાનમાં ધીરે ધીરે અભીપ્સાનો આતશ ઉમેરાતો ગયો. સંગીતની સરહદોનો સૂબો તંબૂરો સાવધાન હોત. સારંગી આજ્ઞાંકિત દાસીની જેમ પાછળ સૂરાવલિ લઈને ચાલી આવતી હતી. જરાય આંચકો ન લાગે એમ દરબારીની પાલખી ઉપાડીને તબલાનો તાલ ચાલતો હતો. ધીરે ધીરે સૂરનો ધોધ શમ્યો.

પણ દેવ ધ્યાનના તપથી પ્રસન્ન ન થયા. એટલે ખાંસાહેબના કંઠમાંથી આરઝૂ લઈને ભીમપલાસી નીકળી. પ્રીતિથી મલકાતી, છલકાતી ભીમપલાસીની સૂરાવલિએ ધ્યાનને વિખેરી નાંખ્યું. એને બદલે એણે આરતની નવી માંડણી કરી. રીસ, લજ્જા, મોહિની, ભેદ અને ભાવની એવી રસમસ્ત વિભાવના જગાવી કે મોટો યોગી પણ વિવશ બની જાય. આંખની અને અંગની અદાકારી ઘણી જોઈ છે. પણ સૂરની અદા જિંદગીમાં પહેલી વાર નીરખી. ભીમપલાસીની સૂરાવલિ આથમી ત્યારે અંતરમાં વ્યાકુળતા શૂન્ય થઈ ગઈ. ખાંસાહેબ પોતે ઉદાસ થઈ ગયા. આંખો ગમગીનીથી ભરાઈ ગઈ.

જ્યારે ગમગીની અસહ્યા થઈ પડી ત્યારે ઉસ્તાદે ભૈરવીને યાદ કરી. ઘણી વાર મહેફિલમાં સાંભળનારની ફરમાઈશ હોય છે. પણ આ મજલિસમાં તો કલાકારની મરજી ઉપર જ બધું છોડી દેવામાં આવ્યું હતું. એટલે ખાંસાહેબના પોતાના સંવેદનને આધારે સંગીત રૂપ લેતું હતું. મધરાત વીતી ને જેમ જેમ સવાર પાસે આવતું ગયું તેમ તેમ ભૈરવી વધારે ને વધારે જામતી ગઈ. ભૈરવી પાસે હૈયામાં મધુર બેચેની મૂકવાની અદ્ભુત તાકાત છે એનો પરચો એણે અમને આપવા માંડ્યો. કવિઓ જેને ‘અજંપાની માધુરી’ કહે છે એવી કંઈક લાગણી ઊંડી ઊતરતી હતી.

એમ ઊંડે ઊતરતાં પળવાર થંભી જવાયું. ઘમાર ગાતા શાંત ખાંસાહેબ, પછી દરબારીને લડાવતા લડાવતા ધ્યાનમગ્ન થઈ જતા કલાયોગી, ભીમપલાસીની પાછળ દોડતા પાગલ પ્રેમી અને ભૈરવીમાં પરાકાષ્ઠાની આનંદસમાધિ માણતા અદ્ભુત મરમી, એમ જુદેજુદે રૂપે કલાકારને વિહરતો જોયો, વિકસતો જોયો. સર્જનનો આનંદ જ્યારે સૌંદર્યસાધનાનાં પગથિયાં ચઢીને આત્મસ્થ બને છે ત્યારે માનવ પામર સંગ્રાહક મટીને પરમ સર્જક બની જાય છે. એટલા સમય માટે તો એ આત્મશ્રીનો અપ્રતિમ અધિકારી બની રહે છે.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.