‘દિવ્યચક્ષુ’ની બીજી આવૃત્તિ બહાર પડે છે, અને તે આટલી ઝડપથીઃ મને સહજ નવાઈ લાગે છે. કારણો શોધતાં મને ત્રણ બાબતો ધ્યાનમાં આવે છે. એક તો હિંદના અપૂર્વ મંથનકાળનો મારી વાર્તામાં થતા સ્પર્શ તેને વધારે આકર્ષક બનાવતો હોય એમ ધારું છું. બીજું, મુરબ્બી બળવંતરાય ઠાકોર જેવા ગુજરાતી સઘન વિદ્વત્તા અને બલભર્યા સંસ્કારના એક પ્રતિનિધિએ આમુખમાં મારા પુસ્તકનો ઉલ્લેખ કરી જે મહત્ત્વ મને આપવાનું ઔદાર્ય બતાવ્યું છે તે કારણ પણ ‘દિવ્યચક્ષુ’ની બીજી આવૃત્તિ થવામાં રહેલું છે એ હું ભૂલતો નથી.
ઉપરાંત ત્રીજું કારણ તો સ્પષ્ટ છે. ભાઈ મૂળશંકર મારાં પુસ્તકો પકડીને તેમના રૂપરંગમાં એવું સુંદર પરિવર્તન કરી મુકે છે કે તેમનો દેખાવ ગુજરાતના વાચકવર્ગનું પ્રથમ દર્શને જ આકર્ષણ કરે છે. શ્રી રવિશંકર રાવળ, શ્રી કનુ દેસાઈ અને શ્રી સોમાલાલ શાહ જેવા ગૂર્જર ચિત્રકારોનો સહકાર પણ તેઓ મેળવી શક્યા છે; અને પ્રકાશન એ પણ એક કલા અને સાહિત્યસેવાનું અગત્યનું અંગ છે એમ તેઓ પુરવાર કરે છે, ‘દિવ્યચક્ષુ’ની પ્રથમ આવૃત્તિ પણ તેમણે જ બહાર પાડી; અને આ બીજી આવૃત્તિ તેમના સુંદર પ્રકાશનનું ફળ છે એમ કહેતાં મને હર્ષ થાય છે.
નવસારી, 24 માર્ચ 1933
રમણલાલ વસંતલાલ દેસાઈ
Feedback/Errata