૫. પ્રથમ પરિચય

ચોળી ચણિયો પાટલીનો ઘેર;

સેંથલ સાળુની સોનલ સેર;

… … … … … …

અંગ આખોયે નિજ અલબેલા

સાળુમાં ઢાંકતી રૂપની વેલ.

–ન્હાનાલાલ

મોટા વેપારી શહેરને ઘણાં સ્ટેશનો હોઈ શકે. કૃષ્ણકાંતની મિલોવાળા બાગમાં એક સ્ટેશન રેલવેવાળાઓએ ખાસ બનાવ્યું હતું. અને ત્યાં અવરજવર વધી પડવાથી તેને કાયમ કરી વિસ્તાર્યું હતું. ઘણાં માણસો મુખ્ય સ્ટેશન છોડી આ સ્ટેશનનો ઉપયોગ કરતાં હતાં.

જનાર્દન સાથે હતા એથી કૃષ્ણકાન્તે અરુણને તેના પિતાની ઈચ્છા પ્રમાણે ગાડીમાં કશી સલાહ આપી નહિ. સ્ટેશનને ગાડી પહોંચી કૃષ્ણકાન્તે રેશમી રૂમાલ ખિસ્સામાંથી બહાર કાઢી હલાવ્યો. પ્લૅટફોર્મ ઉપર અત્યંત સુશોભિત પહેરવેશમાં સજ્જ થયેલી એક યુવતીએ સામો રૂમાલ હલાવ્યો, અને ગાડી ઊભી રહેતાં જ ડબ્બામાં ચડી જઈ તેણે કૃષ્ણકાન્તને ગાલ ઉપર ચુંબન કર્યું.

અરુણ આંખો ફાડી જોવા લાગ્યો. એકાંતમાં પણ ચુંબન થઈ શકતાં હશે કે કેમ તેની મોટી શંકા ધરાવનાર, અને એ શૃંગારચેષ્ટાને ચિત્રોમાં જ પ્રગટ થતી દેવકથા કે દંતકથા તરીકે માનનાર અરુણ તેનું જાહેરમાં થતું પ્રદર્શન નિહાળી આભો બની ગયો. જનાર્દને અરુણની ગૂંચવણ જોઈ સ્મિત કર્યું.

‘જો રંજન ! આ સુરભિના ભાઈ.’ કહી કૃષ્ણકાન્તે અરુણનું ઓળખાણ રંજન સાથે કરાવ્યું. અરુણે કૃષ્ણકાન્તની નાની બહેન રંજનનું નામ સાંભળ્યું હતું. અને ક્વચિત્ તેને જોઈ પણ હતી; પરંતુ પરિચિત સ્રીઓની નામાવલિ લાંબી બનાવવાનો અરુણને ધખારો ન હોવાથી, અને રંજને અવનવો પોશાક ધારણ કરેલો હોવાથી તે રંજનને ઓળખી શક્યો નહિ.

‘ઓહો ! અરુણભાઈ કે ? મેં તો ઓળખ્યા પણ નહિ.’ રંજને મસ્તકને એક બાજુએ જરા ઢાળ્યું અને દેહમાં અવનવી સ્ફૂર્તિ અને ડોલન લાવી તેણે અરુણની સાથે હાથ મેળવવા પોતાનો હાથ લંબાવ્યો. પોલીસના લાઠીપ્રહારથી શૂન્ય બની ગયેલા સ્વયંસેવક સરખા શૂન્ય અરુણે યંત્રવત્ પોતાનો હાથ લંબાવ્યો.

‘ખુશીમાં છો ને ? ભાભી તો રોજ તમને યાદ કર્યા કરે છે.’ આવક બની ગયેલા અરુણને ફરી બોલવાની રંજને તક આપી. ‘હા’નો ન સમજાય એવો કાંઈ ઉદ્ગાર અરુણે કાઢયો; પરંતુ તેની અટલી ગયેલી જીભ હજી ગતિમાન થતી નહોતી.

‘સુરભી કેમ ન આવી ?’ કૃષ્ણકાન્તે પૂછયું. પત્નીનું નામ ન દેવાની કઢંગી પ્રથા અદૃશ્ય થતી ચાલી છે. કૃષ્ણકાંતના જેવી ત્વરાથી એ જૂની પ્રથા નાબૂદ કરવામાં આવે તો એકાદ દસકામાં એ હિંદુ શીલમર્યાદાનું પ્રકરણ દંતકથા અગર પ્રાચીન રિવાજોની ઉપહાસકથા પણ બની જાય.

‘એમની તબિયત સારી નથી. ફરવાનો જરાય શોખ એમને નથી.’ રંજને જવાબ આપ્યો. રંજને જનાર્દનને જોઈ તેમને પણ છટાથી નમસ્કાર કર્યા. કોની સાથે હાથ મેળવાય અને કોને નમસ્કાર થાય એ વિષે હજી આપણા સમાજમાં નિયમો ઘડાયા નથી. અનુકૂળતા પ્રમાણે બંને પ્રકારો ઉપયોગમાં આવે છે એ જ ઠીક છે.

ગાડીમાંથી ઊતરી સ્ટેશન બહાર નીકળી ચારે જણ મોટરકાર પાસે આવ્યાં. રંજન ઝડપથી મોટરકારના આગલા ભાગમાં બેસી ગઈ, અને અરુણને તેણે પોતાની પાસે બોલાવ્યો.

‘અરુણભાઈ ! તમે મારી સાથે બેસી જાઓ, ભાઈ અને જનાર્દન અંદર બેસશે.’ રંજને કહ્યું.

રંજનની છટાથી અંજાઈ ગયેલા અરુણે ત્રણે જણની સામે બેબાકળી આંખે જોયું. અને આગલા ભાગમાં રંજન પાસે બેઠો. કાર હાંકનાર ક્યાં બેસશે તેની સહજ શંકા તેને થઈ આવી; પરંતુ એ શંકા તત્કાળ નિર્મૂળ થઈ.

‘હું તો મારા આશ્રમ સુધી ચાલી નાખીશ.’ જનાર્દને કહ્યું.

‘ના ના; ગાડી છે પછી શા માટે ચાલવું ?’ કૃષ્ણકાન્તે કહ્યું.

‘મારે એક બાજુએ જવું અને તમારે બીજી બાજુએ. તમને અડચણ પડશે.’

‘પાંચ મિનિટ આમ કે આમ. હું તમને ઝડપથી લઈ જઈશ.’ રંજને કહ્યું અરુણને હવે સમજાયું કે કાર રંજન ચલાવવાની છે.

જનાર્દન અને કૃષ્ણકાન્ત અંદર બેસી ગયા, અને રંજને કાર ચાલુ કરી.

મોટરકારમાં બેસવાની કોને લાયકાત છે અને કોને નહિ એ મોટરકારમાં બેસતાં બરોબર પરખાઈ છે. લબાચા જેવો ઢીલો – કારના દરેક ઉલાળા સાથે ઊછળતો, બારણું અગર બેઠક પકડી રાખવા મથતો ગભરાયેલો માણસ બેઠેલો જોવામાં આવે તો ખસૂસ જાણવું કે એ મોટરગાડીમાં પહેલી જ વાર બેસે છે. જોઈએ તે કરતાં વધારે ચાલાકી બતાવતા, મૂખ ઉપર સહજ હર્ષ દર્શાવતા અને બીજા આગળ દબાઈને બેસવાની તૈયારી બતાવનાર મનુષ્યને જુઓ તો જરૂર માનજો કે એ પારકી ગાડીમાં બેઠેલો છે. માલિકનું સ્વાસ્થ અપૂર્વ હોય છે. બેસનારની મુખમુદ્રા અગર હસ્તછટા માત્રથી તમે કહી શકશો કે આ રહ્યો મોટરકારનો માલિક !

અરુણને આવી ગાડીઓથી અપરિચિત તો ન જ કહી શકાય; પરંતુ તે રંજન જેવિ ઝબકતી યુવતીથી તો અપરિચિત જ હતો. તેણે રંજન ભણી જોયા વગર રંજનની મૂર્તિ કલ્પનામાં ખડી કરી. તેના પોશાકની વિગત તેણે તપાસી. અંગ્રેજી પોશાક તો એ નહોતો જ; છતાં તે અંગ્રેજી પોશાકનું ભાન કેમ કરાવતો હતો ? હાથ વધારે ઉઘાડા હતા તેથી? કોણ જાણે ? બંગાળી ઢબનો પણ તે ન કહેવાય; જોકે કાંઈ પણ ખૂલતાપણામાં બંગાળી છાયા લાગતી હતી. દક્ષિણી ઘાટ પણ નહોતો; જોકે કેટલાંક અંગ ચપસીને આવેલા વસ્રો તેવો ખ્યાલ આપતાં હતગાં. પારસી છટા પણ ન કહેવાય; જોકે સાડીની કાળજીભરી અવ્યવસ્થાને લીધે છૂટા છેડાથી તેવો કદાચ ભાસ થાય. ત્યારે એણે શું પહેર્યું હતું? ગુજરાતી લઢણમાં બધી જાતના પોશાકની છાયા રંજને આણી હતી કે શું ?

મોટર એકએક અટકી. સામે એક નાનું મેદાન દેખાતું હતું; પાસે એક નાનું મકાન હતું. જનાર્દન ત્યાં ઊતરી ગયો. બધાંએ તેમને નમસ્કાર કર્યા. અરુણને ઉદ્દેશી તેમણે કહ્યું :

‘તમે ક્યારે મળી શકશો ?’

‘મારે તો અહીં કશું કામ નથી. આપનો આશ્રમ જોવાની લાલચે તો હું આવ્યો છું.’

‘કાલે રાહ જોઉ ?’

‘હા જી, કાલે જરૂર આવીશ.’

‘હું કારમાં સાથે લઈ આવીશ.’ રંજને જણાવ્યું : જનાર્દન છૂટા પડયા અને કાર રંજને પાછી વાળી પૂરી ઝડપથી ચલાવવા માંડી.

અરુણે ફરી રંજનનો વિચાર કરવા માંડયો. જેવો પોશાક અવનવો, તેવો દેખાવ અવનવો ! સો વર્ષ ઉપરની કોઈ ગુજરાતણ રંજનને એકાએક મોટર ચલાવતી જુએ તો તેને ઓળખી શકે ખરી ? તેને એમ લાગે ખરું કે રંજન એક ગુજરાતણ છે ? આવી છટા, આવી સફાઈ, આવી છૂટ તેનાથી સમજી શકાય ખરાં ? જગતભરમાં ચાલી રહેલી ક્રાન્તિનું રંજનના દેખાવમાં પ્રતિબિંબ પડતું તો નહિ હોય ? એ જ પ્રતિબિંબ હોય તો ક્રાંતિ કેટલી મોહક કહેવાય ? શા માટે હિંદમાં ક્રાંતિની ભાવના પ્રસરતી નથી ?

‘તમને મોટરકાર ફેરવવાનો શોખ છે કે ?’ રંજને અરુણ સામે જોયા વગર જ અરુણને પૂછયું. અરુણના વિચાર અટકી ગયા. પ્રશ્ન પોતાને પુછાયો હતો કે કેમ તેની ખાતરી કારવા અરુણે રંજનની સામે જોયું. પ્રશ્નનો જવાબ ન મળવાથી ચાલતી ગાડી તરફનું ધ્યાન ખસેડી લઈ એક ક્ષણ રંજને અરુણના ભણી જોયું.

‘મને પૂછયું ?’ અરુણે ગૂંચવાઈને પ્રશ્ન કર્યો.

‘હા.’ હસીને રંજને કહ્યું. તેના હાસ્યમાં પણ કાંઈ નવીન મીઠાશ અરુણને દેખાઈ. હા કહી, હસીને રંજને નજર પાછી ગાડીના માર્ગ સામે લઈ લીધી પ્રકાશિત તારો ખરે અને પાછળ પ્રકાશની રેષા દોરાય એમ મધુર હાસ્યની એક રેષા દોરાયેલી અરુણને દેખાઈ.

‘મને મહાવરો નથી.’ અરુણે જવાબ આપ્યો.

‘હું તમને ચાર દિવસમાં શીખવી દઈશ.’ રંજને અરુણ સામે જોયા વગર જ કહ્યું.

તેજસ્વી યુવતીની સાથે પહેલી જ વાર વાતચીત કરનારને ભારે સંકોચ પણ થાય અને ન સહેવાય એવો ઉત્સાહ પણ આવે. રંજન સાથે વાતચીત કરવાની તેને ઈચ્છા થઈ; પરંતુ વાતચીતનો યોગ્ય વિષય તેને જડયો નહિ. જીવનમાં પહેલી જ વાર તેને લાગ્યું કે દરેક સ્થળે દેશસેવાની વાત થઈ શકે નહિ. ક્રાંતિની ફિલસૂફીની પણ જીવનમાં મર્યાદા હશે. આ બે પ્રશ્નો સિવાય વાતચીત કરવા માટે તેની પાસે કશી તૈયારી નહોતી.

‘તમને તો કેદખાનાનો પણ અનુભવ છે, નહિ ?’ થોડી વારે રંજને પાછું પૂછયું. આ વખતે તેણે સામું જોયું નહિ. અરુણને ખાતરી થઈ કે આ પ્રશ્ન તો પોતાને જ પુછાયો છે. પોતાના પ્રિય વિષય સંબંધમાં બોલવાનું મળશે એમ ધારી તેને ન સમજે એવો આનંદ થયો. તેણે ઝટ જવાબ આપ્યો :

‘હા.’

પરંતુ એથી આગળ શું કહેવું તેનીક પાછી તેને ગૂંચવણ પડી. આજે તેનાથિ નહિ જ બોલાય એમ લાગ્યું. રસ્તામાં કેટલાક ઓળખીતાઓની મોટરો પસાર થતી ત્યારે રંજનની સામે ઘણી ટોપીઓ ઊંચકાતી અને રૂમાલો ફરફરતા. રંજન દરેક તરફ મીઠાશભર્યા સ્મિતનો ટુકડો ફેંક્યે જતી. અરુણને જરા સ્વભાન આવ્યું. પોતાની તરફ ફેંકાયેલો સ્મિતનો ટુકડો પણ સ્મિતની પરબ માંડી બેઠેલી આ યુવતીના સામાન્ય ટુકડાઓ જેવો જ કેમ નહિ હોય ?

‘કેટલો વખત રહ્યા ?’ થોડી વારે પાછું રંજને પૂછયું.

‘કેસ ચાલ્યો ત્યાં સુધી; એકાદ વર્ષ.’ અરુણે કહ્યું.

અને એક વિશાળ બગીચામાં મોટરે પ્રવેશ ર્ક્યો. અરુણે જાણ્યું કે પોતાની બહેનનું ઘર આવ્યું. પગથિયાં આગળ મોટર અટકી. ત્રણે જણાં અંદરથિ ઊતર્યાં.

‘ચાલો હું ભાભી પાસે લઈ જાઉં.’ કહી રંજન અરુણને લઈ સહજ આગળ ચાલી. એક ઓરડામાં બંનેએ પ્રવેશ કર્યો. એક સોફા ઉપર આડી પડેલી યુવતીએ ધીમે રહીને તેની સામે જોયું, અને તેનામાં એકાએક ચાંચલ્ય આવી ગયું. તે ઊઠીને સામે આવી.

‘ભાઈ ! તમે ક્યાંથી ?’ સુરભિએ અતિશય ભાવથી પૂછયું.

‘તને મળવાને. પણ તું કેમ આવી થઈ ગઈ છે ?

અરુણે પ્રશ્ન કર્યો.

‘કાંઈ નહિ, ભાઈ ! અમસ્તું જ.’ કશી ઊંડી વેદના છુપાવતી હોય તેમ સુરભિએ જવાબ આપ્યો.

‘કેમ અરુણ ? રસ્તામાં રંજને તો તમારું માથું ખાઈ નાખ્યું !’ પાછળથી કૃષ્ણકાન્તે પ્રવેશ કરી પૂછયું.

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.