૩૯. પુષ્પાએ પાછી વાળેલી ઉદારતા

છો આવ્યા આવ્યા અવાય ત્યમ

મમ બહેન ! ભેટું વ્હાલથી,

લાડન્તી લડતી આવ્ય

ચાંપું હૃદયસરસી લાડથી.

તુજ જીવન કારણ બહેનડી !

મુજ જીવિત કારણ એક છે,

પરદેશવાસી પ્રાણનાથ

પ્રવાસી પંખી દેહ છે !

−ન્હાનાલાલ

‘અરે શું મિસ્ત્રી ! એક દાદર મૂકવો તેમાં કેટલી વાર ?’ ધનસુખલાલ મિસ્ત્રીને ધમકાવતા હતા. એક મોટા દાદરને નીચે નાખી તેને રેતી-કાગળ ઘસતા બે-ત્રણ મદદનીશો ઉપર મિસ્ત્રી દેખરેખ રાખતા હતા.

‘સાહેબ ! આજે તૈયાર. જ્યાં હું હોઉ ત્યાં વાર જ નહિ ને ! આપનું ક્યાં અજાણ્યું છે ?’ સાથમાંની ચલમ સંતાડી ખૂણે મૂકી દેતા મિસ્ત્રીએ ધમકીનો જવાબ આપ્યો. સહુને કારીગરોને જરા પણ લેવાદેવા હોતી નથી.

‘આજ સાંજ પહેલાં જો દાદર ગોઠવાઈ નહિ જાય તો હું એક પૈસો પણ આપવાનો નથી.’ ધનસુખલાલે મિસ્ત્રીના સ્વપ્રમાણપત્રનો ઉત્તર આપ્યો.

‘અરે સાહેબ ! મેં પૈસા માગ્યા ક્યારે ! આપનું કામ થાય એ જ મારે મન પૈસા !’

ધનસુખલાલ આગળ જઈ ઘરમાં ગયા. કૃષ્ણકાંત પણ સાથે હતો. કિસનને દર્શન કરવા માટે ગોઠવણ કરવાની છે તેનો ખ્યાલ આપવા તેઓ કૃષ્ણકાંતને દવાખાનેથી ખેંચી લાવ્યા હતા.

ધનસુખલાલે બારણામાં પ્રવેશ કર્યો તે સાથે જ મિસ્ત્રીએ ચલમ પાછી લીધી તે કૃષ્ણકાંતે જોઈ. તેને ધમકીના મિથ્યાત્વથી હસવું આવ્યું.

‘તું કેમ હસતો હતો ?’ અંદર જઈ કૃષ્ણકાંતને બેસાડી ધનસુખલાલે કહ્યું.

‘કાંઈ ખાસ કારણ નહોતું.’

‘તને આ વૃદ્ધ કાકો ઘેલા લાગતો હશે. ખરું ?’

‘ના ના. એવું શું બોલો છો ! મારાથી કશો અવિનય થયો હોય તો હું માફી માગું છું.’

‘મને આ જ નથી ગમતું તમારા સુધરેલાઓનું ચિપાસિયાપણું ! જેમાંતેમાં અવિનય થઈ જાય, અને જેમાંતેમાં માફી માગવી પડે એ શું ?’

કૃષ્ણકાંત આવ્યા જાણી સુશીલા અને પુષ્પા પણ આવ્યાં અને એક બાજુએ બેઠાં. કૃષ્ણકાંતે કહ્યું :

‘પણ કાકા ! હવે તો તમે પણ થોડાઘણા સુધરેલા થયા.’

‘ના ભાઈ ! ના. મારે સુધારો જોઈએ જ નહિ. એ સ્વચ્છંદીપણું મને ન ગમે. જેનેતેને અડકવું, જેનુંતેનું ખાવું; ન નહાવું, ન ધોવું; ન પાઠપૂજા કરવાં, ફાવે તેમ ફરવું; સ્ત્રીપુરુષની મર્યાદા ન સાચવવી; પરણવું કરવું નહિ, ને આમ રઝળવું ને તેમ રઝળવું, એ સુધારો મને ન ખપે.’

‘ત્યારે તો હુંયે સુધારાવાળો નથી, તમે કહી એ બધી શરતો આપણે કબૂલ છે. એક પૂજાપાઠ નથી કરતો.’

‘તારી વાત જ રહેવા દે. તને તો શું પણ તારા બાપને પણ હું જાણું. બધી વાત સારી પણ એક આ સુધારો ભારે ! એમાં ને એમાં રંજન પરણ્યા વગર રહી ગઈ.’

‘કાકા ? મેં એને માટે એક વર શોધી કાઢયો છે.’

‘કોણ ?’

‘એક છે, મોટો કવિ.’ મજાક કરતાં કૃષ્ણકાંતે કહ્યું.

‘એવા બહુ ચાંપલા ખોળીશ નહિ. શું નામ ?’

‘વિમોચન.’

‘ઠીક. રંજને હા પાડી ?’

‘એ જ મુશ્કેલી છે. રંજનને તો પરણવું જ નથી.’

‘આ મારે પણ એનું એ જ છે ને ! જેનું નામ દઈએ છીએ તેની પુષ્પાને તો ના ને ના જ. તમારી દેખાદેખીમાં એને ભણાવી. અને પરિણામ આ આવ્યું !’

બાર વર્ષમાં છોકરીનાં લગ્ન કરી નાખવા જોઈએ એમ માનનાર માતાપિતાઓ છોકરીને બાવીસ વર્ષે પણ પરણાવી શકતાં નથી. સમયને માથે દોષ નાખવો એ જ ઠીક છે.

‘પુષ્પાના દેખતાં પરણવાની વાત કરશો તો એ જમીનમાં પેસી જશે.’

એમ કહીને કૃષ્ણકાંત પુષ્પા તરફ વળ્યા.

‘કેમ પુષ્પા ! અત્યારે દવાખાને નથી ગઈ?’ કૃષ્ણકાંતે પૂછયું. પુષ્પા ઓરડામાંથી નાસી જતી હતી.

‘ના.’

‘કેમ ?’

‘અમસ્તું જ. હવે મારી જરૂર નથી.’ એમ કહેતાં પુષ્પાનું હૃદય ચિરાઈ ગયું. તે ત્યાંથી ચાલી ગઈ.

ઓરડામાં જઈ તેણે પોતે જ ફાડેલા ચિત્રના બે કટકા મેજમાંથી બહાર કાઢયા. કૃષ્ણનાં ઓવારણાં લેતી રાધા અને તેને હસતી એક સ્ત્રી એક કટકામાં હતાં, અને બીજા કટકા ઉપર કૃષ્ણની મોહક આકૃતિ હતી; થોડી વાર સુધી એ બંને કટકાને ભેગા મૂકી તે આખું ચિત્ર જોઈ રહી.

એક બાજુએથી પવન આવ્યો અને કૃષ્ણની છબી ઊડી ગઈ.

‘રાધા એકલી પડી. એને બધાં હસે છે !’ પુષ્પાના મનમાં વિચાર આવ્યો.

‘કૃષ્ણ કેટલા નિર્દય ? ગોકુળમાંથી ગયા પછી રાધાને મળ્યા જ નહિ !’

ખરે, મહાભારત રચાવનાર, યાદવી ગોઠવનાર કૃષ્ણ અગ્નિ સરખો ક્રૂર હતો. કેટલો સુંદર ! પણ કેટલો દયાહીન !

‘પણ પેલી રાધા ઓવારણાં લેતી અટલતી જ નથી. કૃષ્ણ તો છે નહિ! પછી લમણે શાની આંગળીઓ ફોડે છે ?’

સ્નેહીઓની ઘેલછાનો પાર નથી. તેમની સૃષ્ટિ જ જુદી રચાય છે. પુષ્પા કંઈક એવી જ વિચિત્ર સૃષ્ટિ રચતી હતી.

‘એ પણ ઓછી અભિમાની હતી ? કૃષ્ણની પાછળ ગઈ જ નહિ ને! શાની જાય ? એમ સ્ત્રીઓ સોંઘી પડી હશે !’

પુષ્પાએ કોઈનો પગરવ સાંભળ્યો અને ચિત્ર ઢાંકી દીધું. ના ના, પેલો કૃષ્ણવાળો કટકો તો હજી બહાર પડયો જ હતો. એટલામાં રંજન આવી.

‘તું ક્યાંથી ?’ પુષ્પાએ પૂછયું.

‘દવાખાનેથી. તને ન જોઈ એટલે અહીં આવી.’ રંજન દરરોજ એક કે બે વખત દવાખાને જતી અને અરુણને ક્ષણભર જોઈ ન જોઈ, તેની ખબર બીજા કોઈને પૂછી, ચાલી આવતી હતી. હરહંમેશ પુષ્પા અરુણની પાસે હોય જ. એક માતા જેટલી કાળજીથી તેણે અરુણની સારવાર કરી હતી. સુરભિ અને કૃષ્ણકાંતના સંબંધી તરીકે અરુણને સમજવાનો હોવાથી ધનસુખલાલના કુટુંબની પણ તેને પરાયો માની શકાય એમ ન હતું; તેમ જ સરઘસમાં ઘવાયા પછી થોડા દિવસ અરુણ તેમને જ ઘેર રહ્યો હતો, એટલે જે કંઈ પરાયાપણું હતું તે નીકળી જઈ, ધનસુખલાલને એ આશ્રમવાસીઓ પ્રત્યે મમતા ઉત્પન્ન થઈ હતી. સુરભિ કે કૃષ્ણકાંત ત્યાં સતત હાજર હોય જ, એટલે પુષ્પા ત્યાં મરજી પ્રમાણે રહે એમાં ધનસુખલાલને કાઈ વાંધો નહોતો. સુરભિ ત ખાસ કરીને પુષ્પાની સહાય માગી રહી હતી. કારણ કે રંજને ત્યાં જરા પણ બેસવાનું કે સારવાર કરવાનું માથે રાખ્યું જ નહોતું. રંજનની આ વિચિત્રતા, મોટાઈ કે દુઃખ સહન કરવાની અશક્તિ તરીકે લેખાતી. માત્ર પુષ્પા જ સમજતી હતી કે રંજન શા કારણે ત્યાં બરાબર આવતી નહિ.

વળી પુષ્પા હોય તે જ વખતે રંજન દવાખાને જતીલ. આજે પુષ્પાને દવાખાને ન જોઈ એટલે તે ઘેર ખોળવા આવી. અરુણ સારવાર વગરનો – પોતાની કે પુષ્પાની સારવાર વગરનો રહે એ રંજનથી વેઠાયું નહિ. તેણે પૂછયું :

‘પણ તું આજે કેમ ગઈ નથી ?’

‘પુષ્પા રંજન તરફ ધારીને જોતી હતી. તેણે જવાબ આપ્યો :

‘નથી જ ગઈ.’

‘કારણ ?’

‘મારી ત્યાં જરૂર નથી.’

‘તને એવું વળી કોણે કહ્યું ? જા જા, ઝડપ કર; તને સાંભરે છે.’

‘કોણ ?’

‘અરુણકાંત.’

‘તને કહ્યું હશે, ખરું ?’

‘હું તો બોલું છું જ ક્યાં એમની સાથે ? આ તો કંદર્પે મને કહ્યું.’

‘ઠીક, પણ રંજન ! તું બહુ સુકાઈ ગઈ.’ રંજન સામે વારંવાર તાકીને જોયા કરતી પુષ્પા બોલી.

‘તને ભલું એમ લાગે છે ! તારા કરતાં તો હું ભરેલી છું’ કહી રંજને પોતાના હાથ તરફ નજર કરી. તેની બંગડી હાથ ઉપર સહજ ફરતી હતી. તે સાથે જ તેને લાગ્યું કે અંગે અંગે બેસતાં કપડાંમાં કોઈ કોઈ સ્થળે ખોળ પડી ગઈ છે.

‘કેમ, હું ખરું કહું છું ને ?’ પુષ્પાએ પૂછયું.

‘કહ્યું તો ખરું ! આજ ક્યાંથી જીભ આટલી બધી ઊકલી છે ? પણ હવે પણે જવું છે કે વાતો કરવી છે ?’

‘હું નથી જવાની.’

‘તો પછી કોણ જશે ?’

‘તું.’

‘એટલે ? મારે તો જવું જ નથી. આમ કરીશ તો હું આટલુંયે નહિ જાઉ; પછી ?’

‘પછી શું ? આમ તો સુકાઈ ચાલી. બિલકુલ નહિ જાય તો વહેલી મરીશ.’

‘વારુ વારુ ! હવે લવારો મૂક. મારા મરવાની તું જરાકે ચિંતા કરીશ નહિ.’

‘ન જ કરત, પણ કો’કને લીધે ચિંતા કરવી પડે એમ છે.’

‘કોને લીધે ?’

‘અરુણકાંતને લીધે. તું મરી જાય તો એ પણ જીવે નહિ.’

‘શું બકબક કર્યા કરે છે ? હજી ભાન તો ગઈ કાલે આવ્યું, એટલામાં તને બધી વાત કહી, ખરું ?’

‘હા.’

‘જા, જુઠ્ઠી ! ડૉક્ટર બોલવાની રજા આપે જ નહિ; અને આટલાં માણસો વચ્ચે અરુણકાંત કહે પણ નહિ કે એ રંજન વગર જીવશે નહિ.’

‘હું ખરું કહું છું કે અરુણકાંતે એમ કહ્યું છે.’

‘ન મનાય.’ હું પૂછી જોઈશ બીજાને.’

‘બીજાં કોઈને ખબર નથી.’

‘ત્યારે હું અરુણકાંતને પૂછી જોઈ તને જુઠ્ઠી પાડીશ.’

‘તને પણ નહિ કહે; એ તો બોલ વગરની વાત હતી.’

‘તું સમજી કેવી રીતે ?’

‘નાનું છોકરું પણ સમજે એમ છે. જો, પાસે ગઈ ત્યારે અરુણકાંતે જાણ્યું કે રંજન આવી. તેમણે રંજનને બોલાવી અને જવાબમાં હું નીકળી એટલે તેમણે એવો ઊંડો નિસાસો નાખ્યો કે મને જ મરવાનું મન થયું.’

‘તારા મનમાં આ શું ભૂત ભરાયું છે ? કોણ જાણે ક્યાંથી આવી અદેખી બની ગઈ છે !’

‘તને ફાવે તે કહે; હું હવે જવાની નથી.’

રંજન જરા બોલ્યા વગર બેઠી, તેને એક નવો વિચાર આવ્યો :

‘પુષ્પાને ગમતો હતો તે આંખવાળો અરુણ; આંખ વગરનો અરુણ ન પણ ગમે !’

ખાટલાવશ અરુણને તે માત્ર છાનીમાની દૂરથી નિહાળતી હતી. તેની પાસે જઈ આંખ વગરના અરુણને નિહાળવાની રંજનની હિંમત ચાલી નહોતી. એકાએક તેના હૃદયમાં અનુકંપાનો ઊભરો આવી ગયો :

‘શું આંખ જાય એટલે બધુંય જાય ? સ્નેહ પણ જાય ? માબાપ અને ભાઈબહેન એક ચક્ષુવિહીનને ગળે વળગાડીને ફરે, અને “સ્નેહ સ્નેહ”ની બાંગ પોકારતી ઘેલછાને આરે ફરતી પ્રેયસીનો પ્રેમ આંખ જતાં ઓસરી જાય ? બીજાના સ્નેહમાં આંખ વગર ચાલે, હાથ વગર ચાલે, પગ વગર ચાલે, અને પ્રેમને તો અખંડ સૌંદર્યપિપાસો ?’

‘શા વિચારમાં પડી ?’ પુષ્પાએ પૂછયું.

‘કશાય નહિ. તારી વિચિત્રતા સમજાતી નથી.’

‘ઉદાર થવાનો હક શું તને એકલીને જ છે ?’

‘મેં એવું ક્યાં કહ્યું છે ? હું વળી ઉદાર ક્યારની ?’

‘જો, અરુણકાંત મને સોંપ્યા ત્યારની. જેવા મને સોંપેલા તેવા હું તને પાછા સોંપું છું.’

‘એક માત્ર આંખ સિવાય.’ રંજને ફટકો માર્યો; પરંતુ પુષ્પાને તે વાગ્યો નહિ. તેના મનમાં જુદી જ કલ્પના ઉદ્ભવી :

‘અરુણકાંતની આંખ બચી હોત તો જરૂર મારી સારવાર તેઓ દેખત. અને હુંયે રંજન કરતાં ક્યાં ઓછી દેખાવડી છું? એ તો એને પહેલી જોઈ માટે !’ સ્ત્રીને તેનું દેખાવડાપણું ચિતા સુધી યાદ આવે છે.

‘પણ હવે હું નહિ સોંપું, હજી વિચારવું હોય તો વિચાર.’ રંજને પુષ્પાની કલ્પના અટકાવી.

‘સારું, મેં વિચાર કરી લીધો છે.’

‘ત્યારે મારી સાથે આવીને સોંપ.’

‘ચાલ…પણ એક શરતે સોંપું.’ પુષ્પા બોલી. તેણે રંજન સામે ન સમજાય એવા ભાવથી જોઈ કહ્યું.

‘શી શરત ?’

‘કાંઈ નહિ; કશું નહિ, એ તો અમસ્તી વાત. ચાલ.’ કહી જરા હસી, આછી પ્રસન્નતા દર્શાવતી પુષ્પા રંજન સાથે જવા તૈયાર થઈ.

રંજનનું મન બોલી ઊઠયું :

‘સ્વાર્થી !’

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.