૩૪. ધર્મમંથન

આવો આવો આંસુ આતમતાપનાં;

શા માટે વ્હોર્યો આ માનવ દેહ જો ?

ને શેમાં શેમાં એને નિત ગાળતો ?

જાય સરી પલ, તે ગઈ નઃસંદેહ જો. આવે0

−બળવંતરાય

કૃષ્ણકાંતે પ્રથમ ધનસુખલાલના મકાન તરફ મોટર લેવરાવી. મકાન આવી પહોંચતાં જ ધનસુખલાલે પાછો બધાંને ઊતરવાનો આગ્રહ કર્યો; પરંતુ કૃષ્ણકાંતે ના પાડી.

‘તને વધારે ખોટી નહિ કરીએ. શાનો મોંઘો થાય છે ?’ ધનસુખલાલે કહ્યું.

‘ના જી, રાત પડવા આવી છે. આપને હજી નહાવું હશે. હું પછી મળીશ.’ કૃષ્ણકાંતે કહ્યું.

ધના ભગતની નાની સરખી ઝૂંપડી અને માંદગી ભોગવતા સાધનરહિત બાળકની સ્થિતિના વિચારમાં પડેલા ધનસુખલાલ નહાવાનો ખ્યાલ વીસરી ગયા હતા. તેઓ કદાચ સીધા જઈ વગરનાહ્યે ઠાકોરજીનાં દર્શન પણ કરત. કૃષ્ણકાંતે તેમને તેમણી દૈહિક અપવિત્રતાનું ભાન કરાવ્યું. તેમણે આગ્રહ મૂકી દીધો. કૃષ્ણકાંતે એક મોટર અહીંથી જ રંજન પાસે મોકલી દીધી, અને બીજી મોટરમાં તે અને સુરભિ બેસીને ગયાં.

‘સુશીલા ! પાની તો તૈયાર હશે; તું નાહી લે. પછી હું નાહીશ.’ ધનસુખલાલે ઘરને ઓટલે ચડતાં કહ્યું.

‘બહેનનું શરીર સારું નથી. અત્યારે ન નહાય તો ?’ પુષ્પાએ પૂછયું.

‘એની મરજી, મારો આગ્રહ નથી. પછીથી એનું અડકેલું ઓઢવા-પાથરવાનું ધના ભગતને ત્યાં મોકલી દેવાશે; એમાં કાંઈ હરકત નથી.’ ધનસુખલાલે કહ્યું; પરંતુ તે કહેતાં કહેતાં તેમને લાગ્યું કે પોતાના આ વિચારમાં કોઈક ઠેકાણે કશું અસંગત છે.

સુશીલાની ભમ્મર જરા ઊંચકાઈ.

‘એ બિચારા અંત્યજ ! માટે એમને આપણે ઉતારેલું લૂગડું ખપે; ખરું?’ તેના મનામાં વિચાર આવ્યો; પરંતુ તે તેણે જાહેર ન કર્યો. તેણે તો માત્ર એટલું જ કહ્યું:

‘ના, હું નાહીશ. એમાં શું ?’

પરંતુ તે ખોટું બોલતી હતી. તેનું હૃદય એ જૂઠાણું સાંભળી ચિચિયારી પાડી ઊઠયું : ‘શા માટે અંત્યજને અડકીને નહાવું ? બીજા કોઈને અડકીને આપણે ઓછાં નાહીએ છીએ ?’

‘પણ એમનો ધંધો તો એવો જ ને !’ તેના જૂઠા સંસ્કારે દલીલ કરી. અસ્પૃશ્યતામાં તિરસ્કાર રહેલો નથી. ધંધાને અંગે ઊપજતી અપવિત્રતા આગળ કાંઈક પડદો હોવો જોઈએ; એટલું જ નહિ, પરંતુ વર્તમાન વિજ્ઞાન પણ જંતુપ્રસારણની સંભાવનાને આધારે અસ્પૃશ્યતાને ટેકો આપી શકે છે. એટલે આપણા જૂના ધર્મચારમાં ભારે રહસ્ય જોઈ શકાય છે.

‘ધૂળ ને પથરા! આપણે જ અંત્યજ હોઈએ તો ?…’ આખી પ્રજાની અસ્વચ્છતા મટાડનાર કોમને જ આપણે તો અસ્વચ્છ કહી તજી દીધી! કારણ ? અસ્વચ્છ ધંધો કરે છે માટે… તેનો ઉપકાર માનવો તો બાજુએ રહ્યો! …કોઈ દિવસ એ લોકો જ એમ કહેશે કે ‘ત્યારે રહ્યું તમારું કામ ! અમને અડકતાં નથી તો એ ધંધો તમે જ સાચવી લો !’ ત્યારે શું કરીએ ? આપણે બધાંએ વારાફરતી અંત્યજ થવું નહિ પડે ?

પિતાજીને રાજી રાખવા, જે રૂઢિમાં પોતે ઊછરી હતી તે રૂઢિના સરળ ચીલાને ન મૂકવા, લાંબા સંસ્કારને વશ વર્તીને સુશીલા નાહી તો ખરી; પરંતુ તેનું મન વમળે ચડયું. નહાતાં નહાતાં તેણે વિરુદ્ધ અને તરફેણમાં દલીલો કરી; પરંતુ મન માન્યું નહિ. તેને એમ લાગ્યું કે આ પ્રમાણે નાહીને તે આખી અંત્યજ જનતાનું અપમાન કરે છે. અને એ જનતામાં ધના ભગત જેવો પવિત્ર અને કિસન સરખો…!

‘કોણ ? કિસન કોણ?’ તેને પોતાના પુત્રનું સ્મરણ થઈ આવ્યું. કિસન ખરેખર એ જ હતો કે કેમ તેની ચોકસાઈ થવી મુશ્કેલ હતી; પરંતુ ગમે તે પરિસ્થિતિમાં બાળક જીવતું રહે એમ માતૃહૃદય ઈચ્છે છે.

ધર્મનિષ્ઠ સુશીલાએ એક પ્રસંગે – નિર્બળતાથી કહો કે માનવતાથી કહો – રૂઢિનો ભંગ કર્યો હતો. એ જ રૂઢિએ તેને દાટી દીધી; પરંતુ જે વ્યક્તિમાં તે પોતાના બાળકનો ભાસ વર્ષોથી નિહાળ્યા કરતી હતી તેનું પોતાના જ હાથગે અપમાન થતું જોઈ તે દાઝી ઊઠી.

‘બધા ઢોંગ છે ! હું એટલી બધી પવિત્ર ક્યાંથી કે ઢેડને અડકીને મારે નહાવું પડે !’

‘તેણે ઠાકોરજીની સેવાપૂજા કરી; રહી ગયેલી સાયં આરતી પણ કરી. પરંતુ આખો વખત પ્રભુની પ્રતિમા જાણે કોઈ કટાક્ષભર્યું સ્મિત કરતી હોય એવો તેને ભાસ થયો. પ્રભુનો સ્પર્શ કરવો હોય તો જરૂર પવિત્રતા જોઈએ; પરંતુ એ પવિત્રતા મોતને બિછાને સૂતેલા અંત્યજને અડકવાથી જતી રહે ખરી? અંત્યજની સારવાર દેહને પવિત્ર બનાવે છે કે માત્ર સ્નાન ? પ્રભુ જાણે હસતે હસતે એ પ્રશ્ન તેને પૂછતા હોય એમ લાગ્યું.’

‘ભાઈ ! થાળ ધરાવું છું. તમારે વાર તો નથી ને ?’ પુષ્પાએ મંદિરમાં જ પાઠ કરવા બેઠેલા ધનસુખલાલને પૂછયું.

‘થોડા પાઠ બાકી છે; પા કલાકમાં આવું છું.’ ધનસુખલાલે કહ્યું. ધનસુખલાલ ગીતાના અમુક અધ્યાય વાંચ્યા સિવાય જમતા નહિ. આજે તેમણે પણ અનાયાસે બહુ આઘાત થયો હતો તેમણે સ્વપ્ને પણ નહિ ધાર્યું હોય કે પોતાને અંત્યજવાસમાં જવાનો પ્રસંગ આવશે; ત્યાં જઈને અંત્યજની ઝૂંપડીમાં પ્રવેશ કરવો પડશે એવી તેમને કલ્પના પણ થઈ નહોતી. એથી પણ આગળ વધીને પોતાની પુત્રી અંત્યજ છોકરાને અડકશે અને એવી સ્થિતિમાં તેના દેહને ધનસુખલાલે સ્પર્શવો પડશે, એ તો બધું તેમના આખા જીવનના સંચી રાખેલા ધર્મવિચારો અને ધર્માચારોને હચમચાવી નાખે તેમ હતું.

‘કોઈ ક્યાં જાણીજોઈને અડક્યું છે ? ન છૂટકે બધું જ કરવું પડે.’ ગીતાનો પાઠ કરતાં કરતાં તેમનાં મનમાં વિચારો આવ્યા કરતા હતા. ‘ભગત અને કિસન બંને આપણા જાણીતા. બિચારો ગરીબ અને નિરાધાર. આવે વખતે ત્યાં ગયા એમાં શું ખોટું થયું ?…આપદ્ધર્મમાં બધી જ છૂટ… પરંતુ શા માટે એ સ્પર્શને આપદ્ધર્મ કે કેમ ?’ આવા આવા વિચારોમાં ગૂંચવાઈ ગયેલા ધનસુખલાલ મોટેથી ગીતાપાઠ કર્યે જતા હતા. વાંચતાં વાંચતાં નીચેનાં વાક્યોનું તેમણે ઉચ્ચારણ શરૂ કર્યું. અને તેમને કાંઈ નવું ભાન થતું હતું એમ લાગ્યઃં

ઇશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશે।઼ર્જુન તિષ્ઠતિ—

ધનસુખલાલ અટક્યા. તેમણે આગળ બોલવું બંધ કર્યું અને એ મહાકાવ્યમાં સમાયલા અર્થનો વિચાર કરવા માંડયો :

‘પ્રભુને એકે દેહ અપવિત્ર નહિ, અને પામર મનાવીને ભેદાભેદ ? પ્રભુ સહુના હૃદયમાં વસે; પાપી માનવી પ્રભુના નિવાસમંદિરને અડકી અભડાય ! પ્રભુને મેળવવાનો માર્ગ એનું નામ ધર્મ, અને પ્રભુ જ્યાં વસે ત્યાં વિમુખતા ! એ ધર્મ કે અધર્મ ? ત્યારે આજ સુધી પાળેલો આચાર ખોટો ?’

ભાઈ ! પાઠ થઈ રહ્યો કે શું ? પુષ્પાએ પૂછયું.

‘જરાક જ વાર છે.’ વિચારમાંથી જાગૃત થઈ ધનસુખલાલે કહ્યું. બે-ત્રણ શ્લોક આગળ બોલ્યા અને તેઓ વળી અટક્યા.

મન્મના ભવ મદ્ભક્તોમદ્યાજીમાં નમસ્કુરુ —

પ્રભુ તો આમ કહે છે : ‘મારું ભજન કર; મેન નમસ્કાર કર !’ અત્યંતને અડકતાં જે ભાવ ઉત્પન્ન થાય છે, અંત્યજને અડકી સ્નાન કરવાની જે વૃત્તિ જાગૃત થાય છે. એમાં પ્રભુને નમસ્કાર કરવાનો ભાવ આવે છે ખરો ? હૃદય પ્રામાણિક જવાબ તો નકારમાં આપે છે !

‘હે નાથ ! અમે તો કશું દેખતા નથી. અંધનો હાથ ઝાલી દોરજે !’

ધનસુખલાલથી વિચારભાર ખમાયો નહિ, એટલે તેઓ બોલી ઊઠયા. અને તત્કાળ તેમનાં હૃદયમાંથી બોલી ઊઠયું :

‘પ્રભુ તારો – આંખ છતાં અંધનો હાથ ઝાલે એ ખરું; પરંતુ તેં કોઈ સાચા અંધનો એક ક્ષણ પણ હાથ ઝાલ્યો છે ?’

ધનસુખલાલ આગળ ઝપાટાબંધ પાઠ કરી ગયા. તેમના અત્યાર સુધીના ધર્માચરણમાં તેમને કોઈ ઊંડો અસંતોષ થયો. અહંને બ્રહ્મની મહત્તા સુધી લઈ જનાર ધર્મમાં આ સ્પર્શાસ્પર્શ ક્યાંથી ઉદ્ભવ્યો ?

તેમનું વિચારયુદ્ધ રાતમાં લાંબા સમય સુધી ચાલ્યું. તેઓ ધનિષ્ઠ હતા, ધર્માચારના ઉપાસક હતા, નવિનતાનાં અનિષ્ટો તુર્ત પારખી જતા હતા; છતાં તેમના હૃદયની પ્રામાણિક સરળતા તેમને કદી દુરાગ્રહી બનાવી શકી નહોતી; તેઓ જાતે કડક આચાર પાળતા, પરંતુ તેઓ આચાર ન પાળનારની કડક ટીકા કરવા છતાં તેની તરફ કદી દ્વેષ કરી શકતા નહિ. એ ગુણને લીધે જ કૃષ્ણકાંતના કુટુંબ સાથે તીવ્ર આચારભેદ હોવા છતાં તેઓ ભારે વાત્સલ્ય કેળવી શકતા હતા. પણ જૂના વિચાર જતા કરવા એ માનવજાતની મોટામાં મોટી ઘાંટી છે; એ એક દિવસમાં બનતું નથી.

પરંતુ ધનસુખલાલને માટે જે અશક્ય હતું તે સુશીલાએ શક્ય કર્યું. રાતમાં ને રાતમાં તેની ખાતરી થઈ ગઈ કે સ્પર્શાસ્પર્શમાં રહેલી ભેદ-ભાવના એ ફરજિયાત વૈધવ્ય સરખું જ હિંદુસમાજનું બીજું દૂષણ છે. જે વિધવા હોય, જે અંત્યજ હોય તે જ એ દૂષણો કેવી રીતે ચોપાસથી તેના બલિદાનને ટુકડેટુકડે વહેરે છે એ સમજી શકે.

તેણે આખી રાત આંખ મીંચી નહિ. જે દૃશ્ય ઉઘાડી આંખે કરુણાજનક હતું તેઆંખ મીંચતાં બિહામણું બની જતું હતું. તેણે ચાર વખત તો માણસો મોકલી કિસનની તબિયતના સમાચાર પુછાવ્યા. દર વખત માણસ તો એકનો એક જવાબ લાવેઃ

‘છે એમનું એમ છે.’

ધડકતે હૃદયે પુછાયેલા પ્રશ્નનો એક જ જવાબ સાંભળી તેને અકળામણ થઈ. તેને વિચાર આવ્યો કે તે પોતે જાતે જઈ જોઈ આવે તો કેવું! પરંતુ એમ કરવું ડહાપણભર્યું નહોતું બાપને શું લાગે ? લોક શું કહે? એક દિવસ આ સમર્પણી સરખું શુદ્ધ કુટુંબ ઢેડવાળામાં રખતું કેમ થઈ ગયું ? એ અણપૂછયા પ્રશ્નનું સમાધાન કરવું દુર્ઘટ હતું.

માનવીનું ડહાપણ તેને ઘણી વખત સત્યમાર્ગે જતા રોકે છે. સવારમાં તેની આંખો જરા મળી. અંત્યજવાસનું પાતળું ધૂમ્રચિત્ર તેરની સુષુપ્ત કલ્પાનામાં ઊપસવા માંડયું. ત્યાં તો એક બાઈએ આવી તેને બૂમ પાડી. ચમકીને સુશીલા બેઠી થઈ. તેનું હૃદય ધબક્યું : કિસનને કેમ હશે?

‘નીચે રંજનબહેન આવ્યાં છે.’

‘ઉપર કેમ આવતી નથી ? જા જા બોલાવી લાવ.’

‘મેં કહ્યું, પણ એ તો કહે કે નાહ્યા વગર ઉપર ન અવાય.’

સુશીલા દોડીને નીચે ગઈ.

‘કેમ રંજન ? કિસનને કેમ છે ?’

‘સારું છે; તાવ ઊતર્યો. ભાભી સવારમાં આવ્યાં અને ત્યાં બેઠાં એટલે હું ઘેર જાઉં છું. મને એમ થયું કે તમને કહેતી જાઉ. રાત્રે બહુ ઊંચો જીવ રહ્યો હશે; ચાર વખત તો માણસ આવ્યો !’

‘ઠીક થયું તે ખબર કહી તે. આવ ને ઘરમાં ?’

‘પાછાં તમે તો અડકશો નહિ, અને દૂર બેસાડશો.’

‘ચૉક સુધી તો ભગત આવતા હતા. આવ, જરા ચા પાઉં; રાતનો ઉજાગરો છે.’ કહી સુશીલા તેને અંદર લઈ ગઈ. ચૉકમાં એક પાટ ઉપર તેને બેસાડી. પુષ્પા પણ આવી, ને ચૉકમાં એક ચટાઈ પાથરી બેઠી. સુશીલા ચા બનાવી લાવી અને ભૂલથી પ્યાલો તેણે પાટ ઉપર મૂકી દીધો.

‘હાં હાં, મોટીબહેન ! મને અડક્યાં ? હવે નહાવું પડશે !’ કહી રંજન હસવા લાગી.

‘તું ક્યાંથી ?’ ઉપરના છજામાંથી ધનસુખલાલે પૂછયું.

‘પેલા કિસનની ખબર કહેવા આવી હતી. અને મોટીબહેન મને અડક્યાં !’

સુશીલા રંજનની જોડે જ પાટ ઉપર બેસી ગઈ.

‘હવે ચા પીવા માંડ, બોલબોલ કરતી !’ સુશીલાએ સ્નેહભર્યો ઠપકો દીધો.

‘કિસનને સારું છે ને ?’ ધનસુખલાલે પૂછયું.

‘હા’

‘ચાલો, બહુ સારું. પ્રભુએ ભગતની સામે જોયું.’ કહી ધનસુખલાલ ચાલ્યા ગયા : રંજને ચા પીતાં પીતાં ટીકા કરી : ‘પ્રભુએ તો સામું જોયું, પણ માણસથી ન તેની સામે જોવાય કે ન તેને અડકાય. મોટી બહેન ! તમે તો નહાવાનાં ને ?’

‘શું કરું ? રિવાજ પાડયો; ભાઈને ખોટું લાગે.’

‘કાકાને ખોટું લાગે એટલા જ કારણથી નહાતાં હો તો જુદી વાત.’

‘ખરું કહું છું. તે સિવાય હું અંત્યજને અડકીને ન નાહું,’ એમ કહેવાની સુશીલાને વૃત્તિ થઈ; પરંતુ તે કાંઈ બોલી જ નહિ.

રંજનના ગયા પછી નાહીને સુશીલા મંદિરમાં આવી. ધનસુખલાલે પોતાનો ધાર્મિક નિત્યક્રમ શરૂ કરી દીધો હતો. પુષ્પાએ કહ્યું :

‘ભાઈ ! મોટી બહેને તો એક ગોટાળો કર્યો છે.’

‘શું છે?’

‘ભાઈ ! એ તો એમ થયું કે મારાથી બાધા લેવાઈ ગઈ.’ સુશીલા ઓશિયાળું હસીને વચમાં બોલી.

‘શાની ?’

‘પેલા કિસનને પગે લગાડવાની.’

‘કોને પગે લગાડવાનો છે ?’

‘આપણા ઠાકોરજીને; એને મટે એટલે.’

આખા મંદિરનું વાતાવરણ ગંભીર બની ગયું. થોડી વાર સુધી કોઈ બોલ્યું નહિ. પછીથી ધનસુખલાલ બોલ્યા :

‘આગલા ભાગમાંથી સીડી મુકાવીએ તો બારોબાર મંદિરમાં આવી શકાય. દર્શન જેને કરવું હોય તે ભલે કરે. હું મિસ્ત્રીને બોલાવી કહી દઉ.’

સુશીલા અને પુષ્પા બંનેના હૃદય ધબકતાં અટકી ગયાં : ‘અંત્યજને દર્શન કરાવવા ધાર્મિક પિતા આવી સગવડ કરવા ધારે છે !’

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.