૧૦. સ્થિતિનો પલટો

કરું છું હું યત્નો તુજ તરફ પાછો ઊડી જાવા,

છતાં એ ઈચ્છું ત્યાં શિથિલ થઈ પાંખો ખરી પડે ?

ફરી શુદ્ધિ દેવા મુજ રમણીને યત્ન કરતાં,

ચિરાતું આ હૈયું અરર ! મૃદુ તારા રુદનથી !

−કલાપી

‘તમે બનારસ જવાના જ છો ?’

‘મારો વિચાર છે; હજી નક્કી નથી.’

‘અમારી સાથે કાશ્મીર આવો તો ?’

‘કાશ્મીર જોવાનું મન તો છે.’

‘તો બનારસ પછી જજો.’

જનાર્દનનો આશ્રમ જોઈ, આશ્રમના સભ્યો સાથે ઓળખાણ કરી પાછા ફરતાં અરુણ અને રંજન વચ્ચે મોટરમાં વાતચીત થઈ.

અરુણે આખો દિવસ વિચાર કરી બનારસ જવાનું માંડી વાળ્યું. તેના સાથીઓ હજી વીખરાયલા હતા. તેની સંગઠિત સંસ્થા છિન્નભિન્ન થઈ ગઈ હતી. બનારસ તથા કલકત્તા ઉપર પોલીસની કરડી આંખ રહ્યા જ કરતી. પોતે શકદાર હતો જ; આમે તેની હિલચાલ ઉપર દેખરેખ રહેતી હતી; તેમાં જો આવાં જાણીતાં સ્થળોએ જઈ તે વસે તો જરૂર તેના કાર્યમાં હરકતો નાખવા પોલીસ ચૂકે નહિ. પોતે થોડા માસ શાંતિથી બેસી રહી દેશનું વાતાવરણ સમજી-વિચારી ક્રાંતિની કોઈ અસરકારક યોજના ઘડી કાઢે તો કેવું ?

જનાર્દનની સંસ્થા અહીં પગભર થયેલી જ હતી. તેની પાસે સાધનો હતાં. કાર્ય કરનારા ઉત્સાહી સભ્યો હતા; સંસ્થાનું એક વાજિંત્ર પણ હતું. એને જ ઉપયોગમાં લઈ લેવાય તો કેવું ? અહિંસાની મોળી, મરદાનગીરહિત સંભાવનાને બદલે હિંસાત્મક વિપ્લવની ભાવના નવીન યુગનું વધારે આકર્ષણ કરશે જ. અને જનાર્દનની અસર ઓછી કરી પોતે સહુને પોતાના માર્ગ તરફ સહજ વાળી શકશે. એ લાભ શા માટે જતો કરવો ?

આની વિરુદ્ધ દલીલ પણ તેણે ઓછી કરી નહોતી. છતાં પણ જનાર્દનની સંસ્થામાં જોડાઈ એ જ સ્થળે રહેવાના નિશ્ચય ઉપર તે છેવટે આવ્યો. સાંજે કૃષ્ણકાંતે તેને પોતાની સાથે ક્લબમાં આવવા જણાવ્યું; પરંતુ અરુણે ના પાડી. યુરોપિયનોની ક્લબમાં અમુક પોશાક વગર જવાય જ નહિ એવો નિયમ તેનાથી પાળી શકાય એમ નહોતું, એટલે કૃષ્ણકાંતની સાથે જવા કરતાં ઘરમાં જ બેસી સુરભિ સાથે વાતો કરવાનું તેણે પસંદ કર્યું.

વિલાયતમાં સિવડાવેલાં અને ફ્રાન્સમાં ઈસ્રી કરાવેલાં કપડાં પહેરી કૃષ્ણકાંત ક્લબમાં ગયો. તે ઘણુંખરું જરા મોડો જતો. સમય હોય તો સહજ ટેનિસ રમી પછી બિલિયર્ડની બાદશાહી રમતમાં તે ગૂંથાતો.

જ્યારે જ્યારે તે ક્લબમાં જતો ત્યારે તેની આસપાસ મિત્રોની ઠઠ ભેગી થતી. ઊંચી ક્લબમાં ‘ડ્રિન્કસ’ – પીણાં વગર ચાલે જ નહિ, એવો કાયદો થઈ પડેલો લાગે છે. કૃષ્ણકાંત પોતાની ઉદારતાનો લાભ બધાંને આપતો. ઘણી વખત તે બધાંના ‘ડ્રિન્કસ’નું ખર્ચ પોતાને માથે જ વહોરી લેતો. ઉદાર માણસને મૂર્ખ ગણવામાં આવે છે. અતિ ઉદારતાના ગેરલાભ ઘણા જ છે. અને કારણ વગર ખર્ચાળ બનેલા ઉડાઉ માનવીનો પૂરતો લાભ લઈ, પાછળથી તેને મૂર્ખ કહેવામાં કાંઈ બહુ ભૂલ થતી નથી. પ્રશ્ન એટલો જ કે ઉડાઉપણું અને કંજૂસાઈ એ બે અવગુણોમાંથી કયો અવગુણ વધારે ખરાબ ? પોતાના સુખને બાજુએ મૂકી, પોતાના સ્વત્વને સાંકડું બનાવી પરાયા માનવીઓને પોતાના બનાવનાર ઉડાઉ સ્વભાવ સારો કે પોતાની જ સાડાત્રણ હાથની કાયામાં તેને ઘેરી રાખનાર કંજૂસ સ્વભાવ સારો ?

અભિપ્રાય આપવો મુશ્કેલ છે. જેને જે ઠીક લાગે તે ખરું. માત્ર માનવીના વિકાસની દૃષ્ટિએ જોતાં અવગુણોમાં ઊંચનીચનો ભેદ પડી શકે છે. એ વિકાસને વધારે અનુકૂળતા, ઉદારતા કે કંજૂસાઈ આપે એનો નિર્ણય માનસશાસ્રીઓ આપી શકે. જગત ઉડાઉ તરફ સમભાવ દર્શાવે છે, કંજૂસ તરફ નહિ જ.

ઉદાર કૃષ્ણકાંત આજે ક્લબમાં ગયો ત્યારે તેની આસપાસ યુરોપિયન મિત્રોનું ટોળું ભરાયું નહિ. ઘણા તો જાણે તેને ઓળખતા જ ન હોય એમ પોતપોતાની રમત કે વાતમાં ગૂંથાયલા જ રહ્યા. જે બે-ચાર જણે તેની સામે જોયું તેમણે જાણે અડધું ઓળખાણ હોય તેમ આછું હસી તેની તરફથી આંખ પાછી ખેંચી લીધી. બિલિયર્ડ રમવામાં તેનો સાથીદાર હતો તેણે પોતાનું નામ છેકાવી નાખ્યું; અને ત્યાર પછીના બે માણસોએ રમત રમવી જ નથી એમ જણાવી દીધું.

કૃષ્ણકાંતને લાગ્યું કે તેનું પોતાનું અપમાન થાય છે : અજાણપણામાં નહિ; પરંતુ ગોઠવણી પ્રમાણે, કૃષ્ણકાંત સરળ, ઉદાર અને ખોટું ન લગાડે એવો મોજી સ્વભાવનો ગણાતો હતો. તેને કોઈ સાથે તકરાર કે ઝઘડો ભાગ્યે જ થયાં હશે. વાતચીત કે વાદવિવાદમાં કટુતાનો સહજ પણ અંશ જણાવા માંડે કે વાતચીત બંધ કરતો; કોઈનું પણ દિલ દુખાય એ તેને ગમતું નહિ. આવી પ્રકૃતિને લીધે તેને સહુની સાથે મૈત્રી જ હતી.

પરંતુ આવું, ધારીને કરવામાં આવતું અપમાન તે સહી શક્યો નહિ. ક્લબના એકના એક હિંદી સભ્યને કાઢી મૂકવાનું કાંઈ કાવતરું રચાય છે એમ તેને લાગ્યું. તેને ભાન થયું કે કૃષ્ણકાંતને વ્યક્તિત્વનો આવો મૂક તિરસ્કાર કરીને યુરોપિયનો કૃષ્ણકાંતને તેનું રાજદ્વારિ હલકું કદ તેના ધ્યાન ઉપર લાવવા મથે છે. સભ્યતાપૂર્વક તિરસ્કાર કરતાં – વગર બોલ્યે અપમાન કરતાં યુરોપિયનોને બહુ સારી રીતે આવડે છે.

કૃષ્ણકાંત ક્રોધે ભરાયો. યુરોપિયનોના નિત્ય સહવાસથી તેને ગેરફાયદા સાથે એક વિશિષ્ટ ફાયદો થતો હતો. તેને મન યુરોપિયન દેવ નહોતો; પૂજવા યોગ્ય માનવશ્રેષ્ઠ નહોતા; મહેરબાની બતાવવા માટે જ સર્જાયેલા મુરબ્બી નહોતા. યુરોપિયનો પોતાના કરતાં જરા પણ ચડિયાતા છે એમ તેને સ્વપ્ને પણ ખ્યાલ આવ્યો નહોતો. આવું વર્તન નિહાળી તે કેમ ભભૂકી ન ઊઠે ? તે સેક્રેટરી પાસે ગયો. અને થોડા માણસો સાંભળે એમ મોટેથી બોલ્યો : What the hell do you mean by treating in this abominable way ? What’s the idea ?’

સેક્રેટરીએ જવાબમાં ખભો હલાવી હાથ ચત્તા કરી આંગળાં ફેલાવ્યાં. આ અભિનય એવું સૂચવે છે કે આ ચેષ્ટા કરનારની કશી જવાબદારી છે જ નહિ; જવાબદારી સામા માણસની છે. અને તે તેણે જાણવું જોઈએ. યુરોપિયનો અગર તેના અભિનયનું અનુકરણ કરવાની આતુરતાવાળા હિંદીઓને આવો ચાળો કરતાં જોયા સિવાય તેની સમજ પડે એમ નથી.

વાતચીત જરા આગળ લંબાતાં કૃષ્ણકાંતને ખબર પડી કે એક રાજદ્વારી શકદારને પોતે આશ્રય આપ્યો હોવાથી આખી ક્લબના સભ્યો તેનાથી નાખુશ હતા. એ નાખુશી બતાવવાનો પ્રયોગ આજે ચાલતો હતો.

એક કાગળ ઝડપથી લઈ કૃષ્ણકાંતે આ સંસ્થાનું રાજીનામું ઘસડી આપ્યું. અને સેક્રેટરીએ તેને શાંતિથી વિચાર કર્યા પછી કાંઈ પણ પગલું ભરવાની સલાહ આપ્યા છતાં, તે તેણે મેજ ઉપર પટક્યું. કોઈની સાથે કાંઈ પણ બોલ્યા વગર અને કોઈની સામે જોયા વગર પોતાની ટોપી ખીંટીએથી ઉઠાવી તે મકાનની બહાર નીકળ્યો. સહુની દૃષ્ટિ તેના પર પડી હતી; પરંતુ તેને કોઈની સામે જોવાની ફુરસદ નહોતી. વરઘોડા માટે શણગારાયલા હોય એવા ક્લબના ભભકાદાર નોકરેએ તેને સલામ કરી તે પણ તેણે જોઈ નહિ. બહાર નીકળી મોટરમાં બેસી જોરથી તેણે બારણું બંધ કર્યું. મોટર ઝડપથી ચાલી.

સામાન્યતઃ અક્રોધી મનુષ્યનો ક્રોધ વધારે ઘેરો હોય છે. ઘરમાં પેસતાં તેણે હસતું મુખ રાખવા પ્રયત્ન કર્યો; પરંતુ એ પ્રયત્ન બહુ સફળ થયો નહિ. ઘરમાં આવીને પ્રથમ તે સુરભિની પાસે જતો. ફિક્કી, માંદગીના કિનારા ઉપર ઝઝૂમતી સુરભિને જીવનમાં રસ રહ્યો નહોતો. પતિની સાથેનો તેનો વ્યવહાર યંત્રવત્ બની ગયો હતો; કૃષ્ણકાંતના નિત્યવિવેકમાંથી સઘળી નવાઈ ચાલી ગઈ હતી.

પરંતુ આજે કૃષ્ણકાંતનો પગ જુદી જ રીતે પડતો લાગ્યો. સુરભિએ જરા ધારીને કૃષ્ણકાન્ત સામે જોયું. રસહીન બની ગયેલા રૂપાળા મુખમાં કંઈક રસભરી વિકૃતિ થયેલી સુરભિને દેખાઈ. સુરભિની જીવ વગરની આંખમાં જીવે પ્રવેશ કર્યો. કૃષ્ણકાંત પોતાની નિત્ય ઢબ મુજબ સુરભિની પાસે આવીને બેઠો, અને તેણે ભાવ બતાવી નિત્યક્રમ પ્રમાણે સુરભિના હાથ ઉપર હાથ મૂકી પૂછયું :

‘આજ કેમ છે ?’

સુરભિ કૃષ્ણકાંતના સામું જોઈ રહી. કૃષ્ણકાંત ક્લબમાંથી આવે ત્યારે તેના મુખમાંથી જરાક કડક પણ મીઠી ખુશબો હંમેશ આવ્યા જ કરતી. એ ખુશબો સુરભિને અકારી થઈ પડી હતી. આજે તે અણગમતી મીઠી સુવાસ ક્યાં અદૃશ્ય થઈ હતી ? સુરભિના ખાલી બની ગયેલા જીવનમાં પ્રશ્ન ચમક્યો; એ પ્રશ્નનો જવાબ જાણે તે કૃષ્ણકાંતની આંખમાં ખોળતી હોય તેમ તેણે કૃષ્ણકાંત સામે જોયા કર્યું.

કૃષ્ણકાંતને પણ આ અનુભવ નવો જ લાગ્યો. લગ્નનાં પ્રથમ વર્ષોની ઘેલછા ઘસાતાં નીરસ બનતા જતા તેના જીવનમાં પહેલી જ વાર તેજી આવતી જણાઈ. તેણે ફરી પૂછયું :

‘કેમ બોલી નહિ ? શું જોયા કરે છે ? આજે કેમ છે ?’

‘મને તો સારું છે; પણ તમને કેમ છે ?’

‘મને શું થયું છે ?’

‘કાંઈક થયું છે !’

‘તને ભૂતભવિષ્યની ખબર ખરી ને ? અરુણ ક્યાં છે ?’

‘હમણાં સુધી અહીં હતા. રંજનબહેન કાંઈ નવાં ચિત્રો બતાવવા તેડી ગયાં છે.’

‘રંજનને કોઈ મળવું જોઈએ. એ તો અરુણનું માથું ખાઈ જશે મહેમાનને આરામ આપવો જોઈએ એનું પણ ભાન નથી..’

બહુ વાતોડાં સ્રી-પુરુષો પરસ્પરમાં શાની શોધ કરતાં હશે ?

કૃષ્ણકાંતે સુરભિના કપાળે હાથ ફેરવ્યો. બહુ દિવસે આમ બેઠેલી સુરભિના કપાળે તેણે હાથ ફેરવ્યો. તેમાં સુરભિને અને કૃષ્ણકાંતને બંનેને જરા નવાઈ લાગી. કાંઈ નવાઈભર્યો અનુભવ થયો.

અને ઝડપથી અંદર આવતી રંજન એક ક્ષણભર અટકી ગઈ. પતિપત્નીના સહજ સ્વાભાવિક સ્પર્શથી ટેવાયલી રંજનને પણ આ દૃશ્યમાં સંકોચાવાની વૃત્તિ થઈ, પાછાં ફરવાની જરૂર ખરી કે નહિ એવો વિચાર આવતા પહેલાં તો કૃષ્ણકાંતે પૂછયું :

‘રંજન ! અરુણ ક્યાં છે ?’

‘એ આવે, આજનો દિવસ મળી લ્યો.’ રંજન જવાબ આપી આગળ વધી. પાછળ ધીમે ધીમે અરુણે પ્રવેશ કર્યો.

‘કેમ આજનો દિવસ ?’ કૃષ્ણકાંતે પૂછયું.

‘કાલથી આશ્રમમાં રહેવા જવાના છે.’

‘કોણે કહ્યું ?’

‘આ રહ્યા અરુણભાઈ ? પૂછી જુઓ.’

‘કેમ અરુણ ! આ રંજન શું કહે છે ?’

‘હું આશ્રમમાં રહું એ જ આપણને બધાને અનુકૂળ પડશે.’ અરુણે કહ્યું.

‘Nonsense ?’ કૃષ્ણકાંતે ઉદ્ગાર કાઢયો.

‘એમના રહેવાથી તમે મુશ્કેલીમાં મુકાઓ છો એમ એમનું ધારવું છે.’ રંજને કહ્યું.

‘મારી મુશ્કેલી એ મારા કરતાં પણ વધારે જાણે છે, ખરું ?’

‘તમારે અને કલેક્ટર સાહેબને એમના વિષે વાત થઈ હતી ?’

‘સાહેબ !’ કલેક્ટરની સાથે જોડાયેલા એ સર્વમાન્ય શબ્દનો કૃષ્ણકાંતે તિરસ્કારપૂર્વક પડઘો પાડયો. ‘એને કોણે કહ્યું?’

‘મે.’ રંજને ખરી હકીકત જણાવી.

‘તારાથી બોલ્યા વગર રહેવાય જ નહિ ! મેં તને કહ્યું હતું કે તું કોઈને એ વાત કરીશ નહિ ! પણ તું છાની રહે તો તને રંજન કોણ કહે ?’ કૃષ્ણકાંતે ટીકા કરી. અરુણ જોઈ શક્યો કે આમ ટીકાની પાછળ ભાઈબહેન વચ્ચે અનહદ હેત હતું. જેવી સુરભિ તેને વહાલી હતી તેવી જ કૃષ્ણકાંતને રંજન પણ વહાલી હતી.

‘શું કરું ? મારાથી કહી દેવાયું. સવારે તમારા ક્લેક્ટરે મારું અપમાન કર્યું; અરુણભાઈ સાથે જ હતા એટલે મારાથી રહેવાયું નહિ.’

કૃષ્ણકાંતે વિગતવાર હકીકત પૂછી. રંજને તે કહી. કૃષ્ણકાંત હવે ખરેખર ગુસ્સે થયો. પોતાની સાથે તો ઠીક પણ પોતાની બહેન સાથે પણ એ લોકો સલૂકાઈભર્યું વર્તન રાખી શક્યા નહિ !

‘હું પણ ક્લબમાંથી રાજીનામું આપી આવ્યો છું.’ તેણે જણાવ્યું.

અરુણનો નિશ્ચય દૃઢ થતો ચાલ્યો. યુરોપીય સમાજમાં માનપૂર્વક ફરતા પોતાના બનેવીને પોતાને લીધે એ સમાજ બહિષ્કાર કરે એ અયોગ્ય લાગ્યું.

‘આવું ન બને એટલા માટે અરુણભાઈ આશ્રમમાં રહેશે.’ રંજને જણાવ્યું.

‘Care a hang ! એમ કોઈના કહેવાથી નાસવાનું કારણ ?’ કૃષ્ણકાંતે કહ્યું.

‘પણ એમણે નાસી જવાનો નિશ્ચય જ કર્યો છે. એક નહિ તો બીજું કારણ તેણે શોધી જ રાખ્યું છે !’

‘શું ?’

‘બહેનને ઘેર ભાઈથી રહેવાય નહિ !’ રંજને કહ્યું.

‘You old idiot ! સોશ્યાલિઝમની તો વાત કરે છે, અને હજી આવી પુરાણી ભાવના પકડી રહ્યો છે ?’ હસતે હસતે કૃષ્ણકાંતે અરુણને કહ્યું.

સોશ્યાલિઝમમાં પણ ભાઈ-બહેન તો રહેશે જ ને ? માનવજાતના એ મહાપવિત્ર સંબંધની સાથે અનેક નાજુક ભાવનાઓની સૃષ્ટિ રચાઈ છે. આર્થિક અને રાજકીય બંધારણના ગમે તેવા પલટા એ સૃષ્ટિને બદલી શકશે નહિ. બહેનનાં બાળકો પણ ! તેમનું કાંઈ જ ન લેવાય પછી બહેનને ઘેર ભાઈથી કેમ રહેવાય ?

અરુણને લઈ કૃષ્ણકાંત હસતો હસતો ત્યાંથી કપડાં બદલવા ગયો. અરુણને સમજાવવા માટે તે ઈચ્છતો હતો; એવી જૂની ભાવના પાછળ ઘેલો ન બનવા તે કહેતો હતો.

રંજન પણ ઊઠી ઊભી થઈ. જતે જતે તેણે સુરભિનો હાથ પક્ડયો અને તે હસી.

‘કેમ રંજનબહેન ! કેમ હસો છો ?’

‘વાહ રે ! તમે તો કાંઈ બહુ love કરતાં લાગો છો !’

‘અમસ્તાં ખોટું ન બોલો ! હું તો કાંઈ જાણતી નથી.’

‘હું અહીં આવી ત્યારે શું કરતાં હતાં ? કોઈ કપાળે હાથ ફેરવે તેમાં આટલું બધું સારું લાગતું હશે, ખરું ?’

‘જાઓ અહીંથી; તોફાની !’ કહી સુરભિએ રંજનના હાથ ઉપર ટાપલી મારી. રંજન ત્યાંથી હસતી હસતી ચાલી ગઈ.

સુરભિ વિચાર કરવા લાગી. ‘એ શું થઈ ગયું ? કેટલે દિવસે મારું હૃદય પકડયું ? શાથી ?’

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.