૧૭. સ્નેહીઓનો સમુદાય

મૃદુ મીઠા અંશો નિજ હૃદયના ઉત્તમ બધા

સદાએ રેડાતા અનુકૂલ અને ઉત્તમ મહીં.

−કલાપી

બધાને મળવાનો સમય કૃષ્ણકાંતે આઠ વાગ્યાનો રાખ્યો હતો; તે પહેલાં બધાં તેને ઘેર ભેગા થઈ ગયા હતા; પરંતુ અંગ્રેજી નિયમિતપણાથી ટેવાયેલો કૃષ્ણકાંત ઠરેલા સમય પહેલાં તેમને મળે એમ હતું નહિ. પોતાની પત્ની સુરભિને પણ તેણે છેક સાંજે જ હકીકત કહી. આફતની હકીકત સાંભળી સુરભિના હોશકોશ ઊડી ગયા. મિલકતની ચિંતા નહિ; પરંતુ મિલકતના માલિકની ચિંતા તેના હૃદયમાં ભભૂકી ઊઠી. વ્યસની પતિ તરફની બેદરકારી અને અણગમો ઊડી ગયાં. તેના મનની એકેએક વૃત્તિ પતિના દેહનીક આજુબાજુએ વીંટળાઈ ગઈ; અને પતિના રક્ષણ અર્થે કવચની માફક ઘટ્ટ બની ગઈ.

‘મને એટલો જ શોક થાય છે કે બધી રકમ આજ ને આજ આપી દેવા જેટલી રોકડ રકમ મારી પાસે નથી.’ કૃષ્ણકાંતે કહ્યું. યુરોપીય રહેણીની ચિબાવલાશે કૃષ્ણકાંતની ગૃહસ્થાઈ બિલકુલ ઘટાડી નહોતી.

‘મારી પાસે થોડી રકમ છે, મારાં ઘરેણાં છે. વળી ભાઈ માટે મારા પિતાએ જે રકમ આપણને સોંપી છે તેનો હાલ ઉપયોગ કરો.’ સુરભિએ કહ્યું.

‘તારી કે તારા ભાઈની રકમ મારાથી લેવાય ?’

‘શા માટે નહિ ? ભાઈની રકમ આપી દઈશું.’

‘અને તારી રકમ ?’

‘મારે શું કરવી છે ? મારું-તમારું જુદું ગણવાનું છે ?’

‘મારા જેવા વ્યસની પતિ…’

સુરભિએ કૃષ્ણકાંતના મુખ ઉપર હાથ ઢાંકી દીધો અને તેનું વાક્ય પુરું કરવા ન દીધું. એવામાં બારણા ઉપર ટકોરા વાગ્યા. સુરભિ સામી બેસી ગઈ અને કૃષ્ણકાંતે ટકોરા વગાડનારને આવવા જણાવ્યું. રંજન, પુષ્પા, અરુણ અને જનાર્દન અંદર આવી પહોંચ્યાં. રંજને બધી હકીકત પૂછી અને કૃષ્ણકાંતે રંજનના ઘરમાં ભાડે રહેવાની મશ્કરી કરી ત્યારે તેને બહુ ખોટું લાગ્યું. રંજને કહ્યું :

‘એવું શું બોલો છો, ભાઈ ! મારું મકાન કયું અને મારી મોટર કઈ ? તમારું ન હોય એ મારું છે જ નહિ !’

કૃષ્ણકાંત કાંઈ બોલ્યો નહિ. ઊંડા વિચારમાં પડી ગયેલા જનાર્દન અને અરુણને ભાઈબહેન વચ્ચેના આ વિશુદ્ધ સ્નેહે ચકિત કર્યા. અંગ્રેજી કેળવની કે અંગ્રેજી રહેણી જન્મસિદ્ધ આર્યભાવનાને ઓગાળી નાખતી નથી એમ તેમને સ્પષ્ટ થયું. અને અંગ્રેજોના દેહમાં પણ આર્યરુધિર ક્યાં નથી વહેતું ?

અરુણ રંજન સામે જોઈ રહ્યો. પ્રથમ સંમેલન વખતે આછકલી પરંતુ અલબેલી લાગેલી યુવતીની ચિત્રવિચિત્ર છટા પાછળ કોઈ દર્શનીય હૃદય છુપાયલું તેને ઝાંખું દેખાઈ આવ્યું. વાદળાના ઢગલેઢગલા ઉપર સોનેરી રંગોળીઓ રંગી સંતાઈ રહેતી ચંદ્રીનું મુખ ક્ષણભરે આછું દેખાઈ જાય અને રસિક માનવી ત્યાં જોયા જ કરે, તેમ અરુણ આસપાસનું ભાન ભૂલી રંજન સામે જોઈ રહ્યો.

પુષ્પાએ અરુણ સામેથી નજર ખસેડી લીધી, અને માથે ઢાકેલો વસ્રનો છેડો વ્યવસ્થિત હતો છતાં તેને ફરી વ્યવસ્થિત કર્યો.

‘પાસે ટેલિફોનની ઘંટડી વાગી. કૃષ્ણકાંતે ખુરશી જરા ખસેડી ટેલિફોન હાથમાં લઈ વાત કરવા માંડી :’

‘હા જી, હું જ છું…બીજે ક્યાંઈ જવું નથી…અત્યારે જ નિકાલ આવશે…નારે ના…મને બિલકુલ ગભરાટ નથી…ઓહ, એમાં શું…આપને તકલીફ લેવાની જરૂર નથી…ખુશીથી…આપ પધારો…આપને મળ્યા પછી જ હું માગનારાઓને મળીશ…પુષ્પા અહીં જ છે. મને આશ્વાસન આપે છે….વગર બોલ્યે….હા હા હા !’

હસતે હસતે કૃષ્ણકાંતે ટેલિફોન નીચે મૂક્યો અને પુષ્પાને કહ્યું :

‘કાકા અહીં આવવા નીકળ્યા છે.’

પુષ્પા સમજી કે પોતાના પિતા આવે છે. બંને કુટુંબો વચ્ચેના સંબંધ જોતાં, આચારવિચારની વિરુદ્ધતા છતાં, આજને પ્રસંગે પુષ્પાના પિતા કૃષ્ણકાંત પાસે આવે એ જ વાસ્તવિક હતું.

‘ત્યારે આપણે હવે જઈશું ? કૃષ્ણકાંતે હવે કશી હરકત આવશે નહિ એમ ખાતરી થાય છે.’ જનાર્દને તરત જ અરુણને કહ્યું.

‘જરા બેસીએ તો ? છેવટનું પરિણામ જાણીને જ જઈએ. હવે વધારે વાર નહિ લાગે.’ અરુણે કહ્યું.

‘હું જાઉં છું; તું બધી ખબર લાવજે.’ કહી જનાર્દને ઊભા થવા માંડયું.

‘કેમ આજે આટલી બધી ઉતાવાળ આવી છે ?’ રંજને પૂછયું.

‘હું ભૂલી ગયો. એક જણને અત્યારે જ આશ્રમમાં મળવાનો વખત ઠરાવ્યો છે.’ જનાર્દને કહ્યુંૅ.

‘તે ફરી આવશે.’

‘ના ના, મારે જવું જોઈએ.’ જનાર્દને અત્યંત અધીરાઈ બતાવી કહ્યું.

‘મહાત્મા ચા-કૉફી તો પીશે નહિ. રંજન ! પેલી ફળની રકાબી આપ. પછી જવા દઈએ.’ કૃષ્ણકાંતે કહ્યું.

જનાર્દનના મુખ ઉપર કોઈ દિવસ ન દેખાયેલો અણગમો અત્યારે બધાંને દેખાઈ આવ્યો. ન છૂટકે ફળના એકબે કટકા ખાધા. નીછે મોટરનું ભૂંગળું વાગ્યું અને જનાર્દન ચમકી ઊઠયા, ઊભા થયા અને ઉતાવળમાં એકસામટી બધાંની રજા માગી ઝડપથી તેઓ ઓરડીની બહાર નીકળ્યા.

‘મારી મોટરમાં એમને મોકલું.’ કહી રંજન જનાર્દનની આગળ ઉતાવળી ઉતાવળી ગઈ.

પુષ્પાના પિતા અને જનાર્દન દાદરા ઉપર સામસામા મળ્યા. જનાર્દને મુખ ખસેડી ઝડપથી નીચે ઊતરવા માંડયું.

‘પધારો; ભાઈ આપની રાહ જુએ છે.’ પાછળથી આવતી રંજને કહ્યું. અને તે જનાર્દનને મોટરમાં બેસાડવા નીચે ઊતરી ગઈ.

પુષ્પાના પિત ધનસુખલાલ ધોતિયું, અંગરખું અને પાઘડી પહેરેલાં, વૃદ્ધાવસ્થામાં પણ તંદુરસ્ત લાગતા. જૂની ઢબના ગુજરાતી દેખાઈ આવતા હતા. કૃષ્ણકાંતે તેમની સામે જોઈ ન આવડતા હોય તેવા નમસ્કાર કર્યા, અને તેમને એક મોટા સોફા ઉપર બેસાડી પોતે તેમની ખુરશી ઉપર બેઠો.

‘છેવટે હું કહેતો હતો એમ જ થયું ને ? તારા બાપાને મેં ના પાડી હતી અને તને પણ મેં એક-બે વખત કહ્યું હતું કે ગોરાઓને બહુ લાંબા વખત સુધી સંઘરશો નહિ. એમને લાંબો વખત રાખ્યા કે એ જ માલિક થઈ પડવાના.’ ધનસુખલાલે કહ્યું.

‘હા જી ! આપે મને એક વખત કહ્યું હતું ખરું.’ કૃષ્ણકાંતે જવાબ આપ્યો.

‘પણ તમારે જ બધાને સાહેબ બનવું.’ એટલે શેના માનો ? ચાલ, હવે જે થયું તે થયું. મેં મિલમાં તપાસ કરાવી ત્યારે તું નહોતો એટલે મેં અહીં તપાસ કરી.

‘બહુ સારું કર્યું આપ પધાર્યા તે.’

‘હવે તારો બધો સાહેબશાહી વિવેક જવા દે ને ? બાપદીકરાને કોણ જાણે શીય લત લાગી હતી ! કહે, શું બન્યું ?’

કૃષ્ણકાંતે આ જૂની ઢબના તોછડી ભાષા બોલવા ટેવાયલા વડીલ શુભેચ્છકને ટૂંકાણમાં બધિ હકીકત કહી, અને માગનારાઓ અને સંબંધકર્તાઓની નીચે બોલાવેલી સભા વિહે જણાવ્યું. કૃષ્ણકાંતે સ્વીકારેલી જવાબદારીની હકીકત સાંભળી ધનસુખલાલે કડવું મોં કર્યું અને છેવટે બોલ્યા :

‘તમને કશું જ આવડતું નથી. “વેલ” એન “યુ સી” બોલ્યા એટલે તમારા મનથી તમને રાજ્ય મળી ગયું ! પણ આવી જવાબદારી લેતા પહેલાં મને તો પૂછવું હતું ?’

‘નૈતિક જવાબદારી તો ખરી જ !’ કૃષ્ણકાંતે કહ્યું.

ડોસા જરા પ્રસન્ન થયા. સાહેબ બની ગયેલાઓમાં પણ ધર્મનો કાંઈક અંશ રહેલો છે એમ તેમને લાગ્યું. ઘડિયાળમાં આઠના ટકોરા થયા.

‘ત્યારે હું હવે નીચે જાઉં.’ કૃષ્ણકાંતે નીચે જવાનો સમય થતાં કહ્યું.

‘હું આવું તો હરકત છે ?’ ધનસુખલાલે પૂછયું.

‘હરકત શાની ? પધારો.’

રંજન ત્યાં આવી બેસી ગઈ હતી. જતે જતે ધનસુખલાલે તેને પૂછયઃં

‘રંજન ! પેલા દાદર ઉપર મેં જોયા એ કોણ હતા ?’

‘આશ્રમવાળા જનાર્દન.’

‘એમ કે ? મેં ક્યાંઈ જોયા હશે !’ ધનસુખલાલે ચાલતાં ચાલતાં ભૂતકાળમાં દૃષ્ટિ ફેંકી.

બંને જણ નીચે સભામાં ગયા. બધા જ એકીટસે કૃષ્ણકાંતની રાહ જોઈ બેસી રહ્યા હ તા. એક પાસ ડોકું નમાવી સફાઈભરી સલામ કૃષ્ણકાંતે બધાયને કરી અને સિગારનો ધુમાડો કાઢવા માંડયો. ધનસુખલાલે તેની પાસે જ બેસી હાથની ઝાપટ મારી ધુમાડાને દૂર કરવ માંડયો.

‘Oh ! I beg your pardon, કાકા !’ કૃષ્ણકાંતે સિગાર હોલવતે કહ્યું.

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.