૨૬. એ પાપ ખરું ?

અથ કેન પ્રયુક્તોયં પાપં ચરતિ પુરુષઃ

અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ

−શ્રીમદ્ ભગવદ્ગીતા

નીચેથી ઊંચે ન જોતો વિદ્યાર્થી એક દિવસ સુશીલાની માતા પાસે આવી ઊભો. મુખ પર ઉગ્રતા અને મૂંઝવણ દેખાઈ આવતી હતી. તે કશી મહત્ત્વની વાત કરવા આવ્યો હોય એમ સુમતિને લાગ્યું.

‘કેમ, શીખવી રહ્યા ?’

‘હું આપને એક વિનંતી કરવા આવ્યો છું.’ વિદ્યાર્થીએ અકળાઈને કહ્યું.

‘કહો, શું છે ?’

‘સુશીલા સાથે લગ્ન કરવાની મને રજા આપો.’ જેટલું મનોબળ હશે તેટલું એકઠું કરી વિદ્યાર્થીએ બે ટુકડે વાક્ય કહ્યું.

માતાના હાથમાં નાની પુષ્પાનું ઝભલું હતું તે પડી ગયું. સાથે જ તેની ભમ્મર સંકોડાઈ અને ક્રોધભર્યો બોલ મુખમાંથી નીકળી પડયો :

‘આ ઘડીએ જ તમે ઘરમાંથી જાઓ – નીકળો !’

વિદ્યાર્થી ઊભો રહ્યો. તેણે વીર બનવાનો નિશ્ચય કર્યો હતો. વિધવાને પરણવાનો હક્ક હોવો જ જોઈએ એવો સિદ્ધાંત ઉપર આવેલો એ આદર્શલક્ષી વિદ્યર્થી વીસરી ગયો કે વિધવાને પરણેલી જોવા કરતાં તેને મરેલી જોવા સમજુ માતાપિતા પણ ઈચ્છતાં હતાં. વિદ્યાર્થીએ કહ્યું :

‘એમાં સુશીલા…’

‘મારે એકે અક્ષર નથી સાંભળવો. શરમની વાત છે ! જાઓ છો કે નહિ ?’

નીચેથી ધનસુખલાલની જોરભરી વાણી સંભળાઈ, વિદ્યાર્થી સહજ બીધો. માતાએ કહ્યું :

‘એ જાણશે તો તમને અહીંના અહીં મારી નાખશે; સુશીલાને સુધ્ધાં!’

વિદ્યાર્થીને ખરેખર બીક લાગી : પોતાને માટે નહિ, સુશીલા માટે. ખરેખર સુશીલાને તેના બાપ મારી નાખે તો ? વર્તમાન યુરોપમાં માન્ય થતી જતી નવી નીતિમત્તામાં ચલાવી લેવાતાં જાતીય સ્ખલનો હિંદમાં હજી અક્ષમ્ય અપરાધરૂપ મનાય છે. વિધવાનું પુનર્લગ્ન કરવા માટે તૈયાર થતી બહેન કે દીકરીને તલવારને ઝાટકે કાપી નાખવા તત્પર ભાઈઓ અને પિતાઓ જોઈએ એટલા જડશે. વિદ્યાર્થીને તેની ખબર હતી. તે ત્યાંથી પાછો ફર્યો. માબાપ સંમતિ ન આપે તો સુશીલાને ઊંચકી લઈ જવાની યુક્તિઓ રચતો વિદ્યાર્થી ફરી આ ગૃહમાં આવવાની આશાએ પાછો ફર્યો.

ધનસુખલાલે ઉપર આવી જોયું તો પત્નીના મુખ ઉપર અણધારી ઉગ્રતા જોઈ. આખી દુનિયાને ધમકાવી નાખતા ધનસુખલાલ પોતાની પત્નીને ધમકાવતા નહિ. બીજી વાર પરણેલા પુરુષમાં પત્ની પ્રત્યે વધારે મૃદુતા રહે છે એમ સમાજ દોષ મૂકે છે; ધનસુખલાલ પણ એ દોષમાંથી મુક્ત ન હતા. તેમણે બની શકે એટલી મૃદુતાથી પૂછયું :

‘કેમ આમ ? શું થયું ?’

વિવેક અને મર્યાદાના મહાન હિમાયતી ધનસુખલાલ એકલા હોય ત્યારે પત્નીને અડકીને બેસતા.

‘શું થાય વળી ? આ ભણતર ઉપર પૂળો મૂકો એટલે થયું.’

‘કયું ભણતર ? કોણી વાત કરે છે ?’

‘આ પેલા માસ્તરની. આપણે જાણ્યું કે બિચારો બાળક જેવો કાંઈ સમજતો નહિ હોય; આ તો વળી સાવ વંઠેલ નીકળ્યો !’

‘મેં શું કહ્યું હતું ? પેલા શાસ્ત્રીને આવવા દીધો હોત…’

‘મૂઓ તમારો શાસ્ત્રી ! બધા જ પુરુષોને એનો એ જ ધખારો !

આખી પુરુષજાતને માથે આરોપ મૂકતી પત્ની પતિને પણ આરોપમાંથી મુક્ત રાખતી નથી એનું ભાન કરતા ધનસુખલાલે પૂછયું :

‘પણ થયું શું ? તે તો કહો ?’

‘આ માસ્તરને સુશીલા સાથે… મૂઉ, બોલતાંય લાજ આવે … લગ્ન…’

‘હેં, શું કહે છે ? એ હરામખોરને હું આજ ને આજ રહેંસી નાખું છું !’

ક્રોધમાં ઊભા થઈ ગયેલા ધનસુખલાલે મોટી ત્રાડ પાડી કહ્યું. આખું ઘર થથરી ગયું. પોતે બીજી વાર પરણ્યા હતા એ વાતને તેઓ ભૂલી ગયા અને પોતાની દીકરીનું દ્વિતીય લગ્ન માગતા એક વિદ્યાર્થીનો દોષ તેમને એટલો બધો ભારે લાગ્યો કે તેને માણસાઈની રીતે મરવા દેવાની શિક્ષા પણ તેમને ઓછી પડી. તેમણે કૉલેજમાં અને બીજે તપાસ કરાવી; પરંતુ વિદ્યાર્થીનો પત્તો લાગ્યો નહિ. તે હાથ લાગ્યો હોત તો પોતાની વિધવા પુત્રી સાથે લગ્ન કરવાની ઘોર પાપભરી વાંછના માટે તેમણે તેને ભયંકર શિક્ષા કરી હોત.

સુશીલાને ભણવાનું સમૂળું બંધ થયું. બાપ અને મા બંને તે વિદ્યાર્થીની નીચ પાશવતા માટે ભારે કડવાં વેણ સુશીલાના દેખતાં ઉચ્ચારતાં હતાં અને એમાં સુશીલાની સંમતિ હશે એમ માનતાં હતાં; પરંતુ સુશીલાના હૃદયમાં વિદ્યાર્થીનો વાંક જરાય વસતો નહોતો. તે એકલી એકલી રડતી અને પોતના ભાગ્યને દોષ દીધા કરતી. ભાગ્ય ઘડવામાં સમાજ મોટે અંશે વિધાતાની પદવી ઝૂંટવી લે છે; સમાજને એવા હક્ક છે કે નહિ તેની પૃચ્છા કરવી એ પણ પાપ મનાય છે. સમાજે પુરુષ અને સ્ત્રી માટે જુદા આચાર ઠરાવ્યા ન હોત તો સુશીલાને પોતાનું ભાગ્ય દૂષિત માનવાની જરૂર રહેત ?

સુશીલાનો અણગમો અણે રુદન થોડા દિવસ ચાલ્યાં. વિધવાઓનો એ જીવનક્રમ છે. ધનસુખલાલ અને તેમનાં પત્નીને એમાં કાંઈ વધારે લાગ્યું નહિ. શિક્ષકનો ન ઇચ્છવા યોગ્ય પ્રસંગ બન્યો હતો અને તેમાં સુશીલા કેદ્રરૂપ હતી એ કારણથી એ સદાચરણિ યુવતીને દુઃખ થયા કરતું હશે એમ માની, તેને આશ્વાસન આપવા એ શિક્ષક વિરુદ્ધ સખત ટીકાઓ તે કરતાં. સુશીલાનું હૃદય ચિરાયા કરતું. તેને હૃદય છે એવી ખબર એ વિદ્યાર્થી-શિક્ષકના સમાગમ પછી જણાઈ. જણાતાં બરોબર તો એ હૃદયમાં ઊંડો ઘા પડયો. વિદ્યાર્થીનું મુખ ફરી દીઠું નહિ.

થોડા દિવસમાં સુશીલાનું વ્યગ્ર મન સ્થિર થશે એમ માની તેને સમજાવ્યા કરતી તેની માતાએ એ સુશીલાનું દુઃખ ઓછું થતું નિહાળ્યું નહિ. તેને ચિંતા થઈ. સુશીલા પ્રત્યે તેને બહેન સરખો ભાવ હતો. રડતી સુશીલાને તેણે એક દિવસ પૂછયું :

‘સુશીલા ! આખો દિવસ રડયા શું કરે છે ?’

માતાને ખબર નહોતી કે સુશીલા તો રાત્રે પણ રડતી હતી. તેણે કાંઈ જવાબ આપ્યો નહિ. આંખ ઉપર હાથ દઈ તેણે એથીય વધારે રોવા માંડયું. માતાએ આ દુખિયારી પુત્રીનું માથું ખભે લીધું. અને તેને વાંસે હાથ ફેરવ્યા કર્યો.

જિંદગીની મર્યાદા છે. હાસ્ય અને રુદન એ જિંદગીનાં બે પાસાંને પણ મર્યાદા છે. માનવી હસવે ચડે છે ત્યારે તેને લાગે છે કે આમ ને આમ જીવનભર હાસ્ય ન ચાલે ? દુઃખથી તે વીંધાયા છે ત્યારે તેને થાય છે કે આખી જિંદગી રડયા કરાય તો કેવું ! ભારેમાં ભારે રુદનને પણ છેવટે અટકવું પડે છે. સુશીલા રડી રહી.

માતાએ તેની આંખ લૂછી અને પૂછયું :

‘સુશીલા ! આમ હોય ? શરીર કેમ પહોંચશે ?’

સુશીલાએ આંખ ઉઘાડી માતાની સામે જોયું. દૃષ્ટિમાં ઊંડો થાક હતો, જગત પ્રત્યેની ઉપરતિ હતી, સમાજના રૂઢિબંધનોથી છૂટવાનાં વલખાં હતાં. રૂપરૂપના ભર્યા આ મુખ ઉપર રૂપને નિરર્થક કરી નાખતો વિષાદ નિહાળી બહેનપણી સરખી અપર-મામાં માતૃત્વ ઝબકી ઊઠયું :

‘આંખ કેટલી સૂજી ગઈ છે, મારી દીકરી !’

ઘવાયેલા બાળકને ચુંબને બોલાવતી માતાની માફક વાક્યને છેડે તેણે બુચકારો કર્યો. બીજો પ્રસંગ હોય અને આ પાંચેક વર્ષના તફાવતવાળી યુવતીઓ વચ્ચે મા-દીકરીની રમત રમાઈ હોય તો જરૂર બંનેને ખડખડ હસવું આવત.લ અત્યારે તો સુશીલાએ કહ્યું :

‘મને ઝેર લાવી આપો.’

માતાએ ચમકીને સુશીલાની સામે જોયું. તેનું મુખ કેમ જુદી તરેહનું લાગ્યું ? તે ઘણું રડી હતી : તે એક માસથી શોકમાં ડૂબી ગઈ હતી; મૂખ ઉપર સુખરેખાની લકીર પણ નહોતી, છતાં એ મુખ કેમ જુદી તરેહનું લાગતું હતું ? પ્રિયતમાનું આંસુભર્યું મુખ પ્રિયતમને શરદની સ્નાનોજ્જવલ ચંદ્રી સરખું મનોહર લાગે છે. આ તો સહિયરો હતી. સુશીલાના મુખ ઉપર સ્વચ્છ પ્રકાશ હતો ?

‘શું કરવા ?’ માતાએ પૂછયું.

‘મોત વગર બીજો આરો નથી.’

‘બહુ થયું હવે ડોશી થઈ ખરી ને !’

‘નહિ આપો તો હું જીભ કરડીને મરીશ.’

‘સુશીલા, સુશીલા ! આ શું લવ્યા કરે છે ?’ માતાએ ગભરાઈને કહ્યું તેને આજ કાંઈ સમજણ પડતી નહોતી.

‘હું ખરું કહું છું’ કહી સુશીલાએ નિશ્વાસ નાખ્યો. નિશ્વાસે તેના આખા શરીરને હલાવ્યું એ બેઠેલા શરીરને માતા જોઈ રહી. એકાએક તેને સમજ પડી. માતૃત્વનો શારીરિક અનુભવ લઈ ચૂકેલી માતાને વીજળીના ઝબકારા સરખું દેખાઈ ગયું કે સુશીલાનો દેહ પણ માતૃત્વથી અંકિત થયો છે !

આ સમજ પડતાં બરોબર માતાના દેહ ઉપર વીજળી પડી. થોડી ક્ષણ સુધી તેનું મન મૂર્છિત બની ગયું. મનમાં સ્વભાન આવ્યું તે સાથે જ તેના દેહમાં ધ્રૂજારી છૂટી.

‘હાય હાય ! વિધવા દીકરીને…’ તે પૂરો વિચાર પણ કરી શકી નહિ. ધનવાન પતિ અને વહાલસોયી ઓરમાન દીકરીના જ સંસર્ગમાં સુખથી ઊછરતી એ યુવતીને શું કહેવું અને શું કરવું તેની સમજ પડી નહિ. મૂંઝવણ ન વેઠાવાથી તે ત્યાંથી દોડી પોતાની ઓરડીમાં જઈ પડી.

‘શું થયું આ ! પેલો મૂઓ માસ્તર…’ તેને જેટલી સાંભરી એટલી ગાળો પેલા શિક્ષક-વિદ્યાર્થીને તેણે મનમાં ને મનમાં દઈ નાખી. સ્ત્રી-પુરુષના અસામાન્ય સંબંધમાં વાંક પુરુષનો જ નીકળે છે – જોકે સહન કરવું પડે છે સ્ત્રીને જ. અણે જ્યાં સુધી સ્ત્રીને પુરુષના સરખી સામાજિક અને આર્થિક સ્વતંત્રતા મળી નથી ત્યાં સુધી એમાં પુરુષનો જ વાંક ગણાય એ કાંઈ ખોટું નથી.

પરંતુ સમાજ પુરુષને રક્ષે છે અને સ્ત્રીને બલિદાન બનાવે છે. માસ્તર નાસી જશે; નાસી નહિ જાય તોય ચાર દહાડા વગોવાયા સિવાય બીજું કાંઈ થશે નહિ. તેને વગોવવા જેટલો પણ બદલો લઈ શકાય એમ નહોતું. ધનસુખલાલનું ધર્મનિષ્ઠ અને પ્રતિષ્ઠિત કુટુંબ તેની સાતે પેઢી સાથે કલંકિત બનવા બેઠું હતું. એ કલંકમાંથી કેમ ઊગરાય ? માનવીને પાપ કરવાનો જેટલો ડર નથી એટલો પાપ પકડાવાનો ડર હોય છે. કલંક લાગ્યું તો ખરું, પણ તેનું નિવારણ શું? તેની જરા પણ જાહેરાત જગતમાં ન થાય એ માતાની પ્રથમ કાળજી થઈ પડી. પણ એ બને શી રીતે ?

‘તમે બધા શું કરો છો ?’ ધનસુખલાલે આવી જરા ચિડવાઈને પૂછયું.

પતિનો બોલ સાંભળી પત્નીએ ઝટકો વાગ્યાની તીવ્ર વ્યથા અનુભવી.

‘એ જાણશે તો ? એમણે જાણ્યું હશે તો ?’ તેનું હૃદય ધડકી ઊઠયું.

‘પણે સુશીલા બેઠી બેઠી રડયા કરે છે, અહીં તું મોઢું ચઢાવીને બેઠી છે. કોઈ વઢયાં તો નથી ને ?’ સાવકા સંબંધને મીઠો બનાવવામાં આજ સુધી સફળ થયેલા ધનસુખલાલને ભય લાગ્યો.

‘એ બિચારી છોકરી કયે દિવસે લડે એવી છે !’ સુમતિને કહ્યું.

‘ત્યારે તું લડી હોઈશ.’

‘મારી સાવકી છોકરી ખરી ને !’ સુમતિના માતૃત્વની જ્વાલા ભભૂકી ઊઠી. સુશીલા પોતાની સગી પુત્રી નહોતી એ સ્થિતિ સુમતિને દુઃખદાયક થઈ પડી. તેના માતૃત્વે સુશીલાને વધારે બળથી બાથ ભરી.

‘હું ક્યાં એમ કહું છું ? આ તો એકને રડતી દેખી અને બીજીને આમ ચડેલ મોંએ દેખી એટલે પૂછયું.’

‘એમ લડીશું તોયે તમારી પાસે ફરિયાદ નહિ આવે, સમજ્યા ?’

‘પણ થયું શું તે તો કહો ?’

‘થવાનું શું હતું ? એક ચોપડી વાંચતાં હતાં; વાંચતાં વાંચતાં મને ને સુશીલાને રડવું આવ્યું. બીજું શું ?’ માતાએ વાત ઉડાવી.

‘એવી ચોપડી વાંચો છો શું કરવા ?’

‘આખો દિવસ કરવું શું ?’

‘બે ઘડી માળા ફેરવો; ઠાકોરજીની પૂજા કરો; ગીતાજીનો પાઠ કરો.’ યૌવન માળા ફેરવતાં ઊંઘમાં પડી જાય છે. એ સુમતિ જાણતી હતી, ધર્મ તો કહે છે કે ભોગવિલાસ વર્જ્ય ગણવા. પણ એ કેમ બનતું નથી ? ધર્મ એવું કાંઈ ન ખોળી કાઢે કે જેથી ધર્મભાવનાને આઘાત પહોંચાડયા વગર દેહની અસહ્ય તરતો છીપાવાય ?

પતિથી જે વાત છુપાવી તે સદાય છુપાયલી કેમ રહે ? તે દુનિયાનો અભિપ્રાય જાણતી હતી; તે પતિનો અભિપ્રાય પણ જાણતી હતી.

‘એ જાણશે તો ઝેર દઈ એને મારી નાખશે.’ સુમતિ વિચાર આવતાં જ થથરી ગઈ. બિચારી સુશીલા ! એણે પૂર્વ જન્મે શાં પાપ કર્યાં હશે કે એ વિધવા થઈ ! વિધવાનાં દુઃખનો આરો જ નહિ શું ? એણે તો મન ને દેહને મારી જ નાખવાનાં રહ્યાં ! જે ક્ષણે જગતના અણુએ અણુમાંથી સૌંદર્ય પ્રગટી નીકળે, તે ક્ષણે વિધવાએ આંખ ફોડી નાખવાની! જે ક્ષણે અવકાશ આખું મનોહર સંગીતમાં નાચી રહ્યું હોય તે ક્ષણે તેણે પગ બાંધી રાખવા ! જે ક્ષણે હૃદય ચાંદનીભર્યા સ્વપ્નો આહ્લાદ માણે તે ક્ષણે હૃદય ઉપર ખંજર તેણે પોતાને હાથે જ ભોંકવું ! પરિણીત અવસ્થા એટલે ભોગવિલાસનો પરવાનો, અને વૈધવ્ય એટલે જીવનમાં સ્મશાન અને કબરસ્તાન! શા માટે ? સ્ત્રી અણે પુરુષનો સંબંધ લગ્નની છાપ પામે ત્યારે જ પવિત્ર ગણાય ! એ તો ઠીક, સમાજ પોતાની સગવડ ખાતર રૂઢિયો અણે રિવાજો ભલે બનાવે ! પણ જેમાં સમાજની કશી જ સગવડ સચવાતી નથી એવી બાળવિધવાઔને લગ્નથી વંચિત રાખવાની રૂઢિમાં ન્યાય, દયા કે ઉપયોગ ક્યાં રહેલાં છે ? વિધવાના અંગેઅંગને સમાજ કચરી નાખે છે. કચરાતું અંગ તરફડે અગર ચક્કીમાંથી આઘું ખસે એટલે સમાજ તેને પાપ માની હાહાકાર કરી મૂકે ?

એ પાપ ખરું ?

કે સૃષ્ટિઓ રચતા મહાસામર્થ્યને કાગળના પડથી દાબી રાખવાના સામાજિક પ્રયત્નનો પ્રત્યાઘાત ?

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.