૩૧. પુષ્પાની નિરાશા

મારે કેમે નો પંથ પૂરા થયા રે

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

જેને શોધું તે દૂર સરી જાય રે

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

−મેઘાણી

પુષ્પા બારણા વચ્ચે જ ઊભી હતી. રંજને દૂરથી કરી બતાવેલો ચુંબનનો અભિનય તેણે જોયો. મુખને એક બાજુએ ઢાંકતી રંજનની નયનવિકળતા તેણે જોઈ લીધી. રંજન ડગલાં ભરતી હતી પરંતુ તેની આંખ સીધું જોતી નહોતી, તેની નજર જમીન ઉપર હતી. ઓરડામાંથી કેમ કરી જલદી નાસી જવાય એવું ઇચ્છતી રંજન છેક બારણા પાસે આવી ત્યાં સુધી પુષ્પાને તેણે દેખી નહિ. નફટાઈ કરીને પણ સ્ત્રી તો છેવટે શરમાય જ છે !

‘કેમ પુષ્પા ? તું ક્યાંથી ?’ બારણા વચ્ચે જ સ્થિર થઈ ગયેલી પુષ્પાને નિહાળી રંજને પૂછયું. રંજનના ગાલની શિરાઓમાં ઊભરાતા રુધિરને પુષ્પા નિહાળી રહી. દસે આંગળીઓના નખ રંજનના ગાલમાં ભોંકી, એ શિરાઓમાં વહેતા રુધિરને બહાર કાઢવા પુષ્પાને પ્રબળ ઈચ્છા થઈ આવી. તેની આંખમાંથી ખંજરો વરસતાં હતાં.

પુષ્પા બારણા વચ્ચેથી ખસી ગઈ. રંજન સમજી ગઈ. તેણે પુષ્પાને ખભે હાથ મૂકી કહ્યું :

‘મારા મનમાં કે તું હજી સૂઈ રહી હોઈશ.’

ઓરડાના ઊમરાથી નીચે ઊતરતાં પુષ્પાએ રંજનનો હાથ ખભેથી ખસેડી નાખ્યો. પુષ્પાના હાથમાં એક મોટો કાગળ હતો. પુષ્પાએ તે કાગળને બે હાથમાં પકડી ચીરી નાખ્યો. મજબૂત કાગળે પોતાનું અખંડ અસ્તિત્વ સાચવવા બનતું કર્યું; પરંતુ પુષ્પાના હાથ અત્યારે જેને તેને ચીરવાની જ આતુરતા ધરાવતા હતા.

‘હાં હાં ઘેલી ! આવું સારું ચિત્ર ફાડી કેમ નાખે છે ?’ રંજને પુષ્પાનો હાથ પકડતાં કહ્યું; પરંતુ તે પહેલાં તો ચિત્રના બે કટકા થઈ ગયા હતા; એથી પણ વધારે કટકા કરવા પુષ્પાના હાથ તલસતા હતા; તેમને વારી રંજને કાગળના કટકા પોતાના હાથમાં ખેંચી લીધા.

‘આખી રાત જાગીને આવું રૂપાળું ચિત્ર કાઢયું તે આમ ફાડવાને માટે?’ ફરી રંજને ઠપકો આપ્યો.

‘મારું ચિત્ર તો ક્યારનું ફાટી ગયું !’ પુષ્પાએ જવાબ આપ્યો.

‘તારું ચિત્ર કોણે ફાડયું ?’

‘રંજને ફાડયું; તેં !’

‘મેં ? શું બોલે છે? હું તો તારા ચિત્રને અડકી પણ નથી !’

‘હમણાં જ, દસ ક્ષણ પહેલાં આ ઓરડામાં તેં મારું આખા જીવનનું ચિત્ર ફાડી નાખ્યું !’

રંજન સમજી. તેનું રમતિયાળ મુખ ગંભીર બની ગયું. તેણે પુષ્પા સામે સ્થિરતાથી એક ક્ષણ વાર જોયું, અને પછી તે બોલી :

‘આટલા દિવસથી હું પૂછયા કરતી હતી. કાલે ચોખ્ખેચોખ્ખું પૂછયું તોય તેં કશું કહ્યું નહિ. પછી હું શું કરું ?’

એવામાં બહાર સૂતેલો નોકર બારણું ઉઘાડી અંદર આવ્યો અને ગભરાટથી કહેવા લાગ્યા :

‘સિપાઈઓ આવ્યા છે. સાહેબને મળવા માગે છે.’

‘જા, ભાઈ પૂજા કરતા હશે; ઉપર જઈને કહી આવ.’ પુષ્પાએ કહ્યું. તે રંજન સાથેનો કલહ વીસરી ગઈ. તેને બીજો જ ભય ઉત્પન્ન થયો :

‘હવે અરુણને પકડીને કેદમાં પૂરશે !’

રંજન સ્નેહસમાધિમાં અને સ્નેહઝઘડામાં જનાર્દન તથા કંદર્પને ખબર આપવા ભૂલી ગઈ હતી; તે પાસેના બીજા ઓરડામાં દોડી.

પુષ્પા એકલી જ ઊભી રહી. અરુણે બહાર ઘણા માણસોના પગનો ઘસારો સાંભળ્યો. તે પથારીમાંથી ઊઠી ઓરડાની બહાર આવ્યો. પુષ્પા તો વિચારમાં ડૂબી ગઈ હતી.

રંજનના પહેલાં હું જાગી હોત તો? જાગતી તો હતીસ્તો ! મારે આની પહેલાં નીચે આવવું જોઈતું હતું. સ્નેહમાં પણ વહેલું તે પહેલું ! પરંતુ મારાથી રંજનની માફક નફ્ફટ થવાત ? હું કેમ કહી શકત કે હું અરુણને ચાહું છું ? રંજનને કહી શકી નહિ તો અરુણને કેમ કહી શકત ? મારામાં રંજન જેવું નિર્લજ્જપણું હોત તો કેવું સારું !

‘પુષ્પાવતી ! શું છે ?’ અરુણે પૂછયું.

‘કાંઈ નહિ. હું તો – હું તો અમસ્તી જ અહીં ઊભી છું.’

‘બહાર પોલીસના માણસો આવ્યા દેખાય છે.’

‘હા હા; હું તે જ કહેવા આવી છું.’

એવામાં પાવડીઓ ખટખટાવતા ધનસુખલાલ મોટેથી બોલતા આવી પહોંચ્યા :

‘કોણ છે ? કયો છે એ ફોજદાર ? સરકારી નોકરને મુરવ્વત જ હોય નહિ.’

સાથે સાથે જનાર્દન, કંદર્પ અને રંજન પણ ત્યાં આવી પહોંચ્યાં. બારણામાંથી એક પોલીસ-અમલદારે પ્રવેશ કર્યો અને ધનસુખલાલને સભ્યતાભરી સલામ કરી.

‘તમારું બાકી હતું. ખરું ને ? મારા ઘરમાં ચોરબોર ભર્યા છે કે શું? આવડું મોટું લશ્કર લઈ આવ્યા છો તે ?’ ધનસુખલાલે સલામનો ઉત્તર આપ્યો.

‘અમારે તો ધનસુખલાલભાઈ ! વૉરંટ બજાવવાનાં છે. અમે તો હુકમના તાબેદાર.’ અમલદારે હસીને કહ્યું. તેને ધનસુખલાલની વાણીનો પરિચય હતો.

‘બે-ત્રણ માણસોને લઈ જવા તેમાં આવડી મોટી ફોજ ?’

‘કદાચ તોફાન થાય ત્યારે ?’

‘હું તોફાન કરું તેમ લાગે છે ?’ ખરેખર તોફાન કરતાં ધનસુખલાલની બોલીમાં ઓછું તોફાન હશે ?

‘ના જી. આપને ક્યાં કહું છું ?’

‘ત્યારે આ તોફાન કરે એવા છે ? બધા મહેતાજીઓ જેવા તો છે !’

‘એમની પણ વાત નથી. આ તો લોકો વખતે તોફાન કરે ત્યારે શું કરવું ?’

એવામાં બહાર મોટરનું ભૂગળું વાગ્યું. રંજન બોલી :

‘ભાઈ આવ્યા.’

કૃષ્ણકાંત, સુરભિ અને સાક્ષર વિમોચન ઘરમાં આવ્યાં.

‘ચાલો. વરઘોડામાં તમે પણ દાખલ થઈ જજો.’ ધનસુખલાલે ભત્રીજાને વિવેક કર્યો.

‘મને અત્યારે ખબર પડી. મારા મનમાં કે બધાને લઈ ગયા હશે.’ કૃષ્ણકાંતે કહ્યું.

સુરભિ પોતાના ભાઈની સામે જોતી ઊભી. અરુણ હસ્યો :

‘તું કેમ આમ ઓશિયાળી બની ગઈ ?’

‘ભાઈ ! પાછું કેદમાં જવું પડશે ?’ સુરભિએ ગદ્ગદ કંઠે પૂછયું.

‘અરે, તમે શા માટે આમ કરો છો, સુરભિવહુ ? હમણાં જામીન ઉપર છોડાવી લાવીશ. ધનસુખલાલે કહ્યું.

જનાર્દન, કંદર્પ અને અરુણ પરસ્પર સામું જોઈ રહ્યા. પછી જનાર્દને કહ્યું :

‘આપ એવી તકલીફ ન લેશો. અમે જામીન આપતા ધારતા નથી.’

‘તમે ગાંધીપંથવાળા બધા જ વાંકા, કંઈક તૃતીયમ્ તો ખરું જ ! શા માટે જામીન આપવા ના પાડો છો ?’

‘અમે ગુનો કર્યો નથી એટલે જામીન આપીશું નહિ.’

‘એ તો કામ ચાલીને સાબિત થશે. જામીન તો કામ ચાલતાં સુધીના આપવાના.’

‘એમ તો કામ ચલાવવાની વિરુદ્ધ છીએ. અહિંસાની શ્વેત ધ્વજા ફરકાવવાની પણ જે સરકાર ના પાડે તે સરકારની અદાલતો ન્યાય પણ શું આપી શકે ?’

‘કેમ સાહેબ ! આ હુકમો મારે ત્રણ જણ પર બજાવવાના છે તે હવે બજાવું ને ?’ રાજનીતિના ચર્ચામાં ઊતરી પડતા ગુનેગારોને આગળ વધતા રોકી પોલીસ-અમલદારે ધનસુખલાલને પૂછયું.

‘અરે ભાઈ ! એમને કાંઈ નહાવા-ખાવા દેશો કે નહિ ?’

‘હા, જી. એક કલાક બેસીશ. પછી કાંઈ !’ કેટલીક વખત વિવેક વાપરીને પોલીસ-અમલદારો પણ પ્રિય થઈ પડે છે. ધનસુખલાલે અમલદારને બેસાડયા. અને અન્ય સરભરા બને એટલી કરી. સવારનો વખત હતો એટલે કોઈને ભૂખ નહોતી, છતાં કેદી બનવાની તૈયારી કરતા ત્રણે જણને તેમણે નવરાવ્યા અને પછી પોતાના ઠાકોરજીનાં દર્શન કરાવ્યાં.

‘આવો જરા ભગવાનને પગે લાગો. પ્રભુ વગર પાંદડું પણ ફરકે એમ નથી.’

ધનસુખલાલની પાછળ ત્રણ જણ ગયા; સાથે પુષ્પા, રંજન અને સુરભિ પણ હતાં. કૃષ્ણકાંત પોલીસ-અમલદાર સામે ગપ્પાં મારતો બેઠો હતો. અરુણને જરા હસવું આવ્યું :

‘પાંદડું હલાવવામાં પ્રભુ ? એને એટલી બધી ફુરસદ મળતી હશે ખરી?’

પોતાના જ પગ ઉપર ઊભો રહેવા માગતો વર્તમાન યુગનો યુવાન પ્રભુની સહાયતા વગર ચલાવી શકે છે. ‘પ્રભુએ જગત બહુ દિવસ ચલાવ્યું. હવે તે ભલે આરામ લે !’ એવી અર્ધ હાસ્યભરી દયાવૃત્તિ તે પ્રભુ પ્રત્યે બતાવી રહ્યો છે.

દેવમંદિરનો ઓરડો બહુ જ સ્વચ્છ હતો. સુશીલા દેવસેવામાં પરોવાઈ હતી. ધનસુખલાલે અંદર પ્રવેશી ઠાકરોજીની મૂર્તિ સામે જમીન ઉપર લાંબા સૂઈ સાષ્ટાંગ પ્રણામ કર્યા; તેમને કપડાં બગડવાની ભીતિ લાગી નહોતી. ભારે અવાજથી ખરા અંતઃકરણપૂર્વક તેમણે પ્રાર્થના કરી :

મનઃપુરસ્તાદથ પૃષ્ઠતસ્તે

નમોસ્તુતે સર્વત એવ સર્વ;

અનંતવીર્યામિત વિક્રમસ્ય,

સર્વં સમાપ્નોષિ તતોસિ સર્વઃ.

‘પ્રભો ! તારા ચરણની રજ છીએ મારા નાથ !’

પાછળ ત્રણે ઊભા હતા. જનાર્દને આંખ મીંચી હતી, અરુણે અને કંદર્પે પ્રભુ ઉપર અગર ધનસુખલાલ ઉપર મહેરબાની કરવા ખાતર બે હાથ ન છૂટકે જોડી, છોડી નાખ્યા. મૂર્તિ પૂજામાં તેમને શ્રદ્ધા નહોતી; પછી મૂર્તિને હાથ જોડયા ન જોડયા એ માત્ર ઘરધણીને રીઝવવા પૂરતું જ હતું.

પરંતુ ધનસુખલાલની પ્રાર્થના સાંભળી અરુણ ગંભીર બન્યો. સર્વને વ્યાપીને રહેલા સર્વરૂપ ઈશ્વરની કલ્પનામાં તેને ભવ્યતા લાગી. બારી બહાર નજર જતાં ભૂરાશ પડતા આકાશમાં સૂર્યને સરકતો તેણે જોયો. એ સૂર્ય કેવડો? હજારો પૃથ્વીઓ ભેગી થાય ત્યારે તો એક સૂર્ય બને; અને એ સૂર્ય સરખા બીજા કેટલા સૂર્યો આકાશમાં ગોઠવાયા ? જેમની સરખામણીમાં આપણો સૂર્ય એક ધૂળની કણી સરખો લાગે એવા અસંખ્ય મહાસૂર્યો આકાશમાં દોડે છે અને તોયે આકાશ તો ખાલી ને ખાલી જ છે! સૂર્ય સાથે આખી સૂર્યમાળાનો ભાંગીને ભૂકો થાય તોય આ સૃષ્ટિમાં એક રજકણ ઊડયા સરખું પણ લાગે નહિ. એ ગહન સર્વવ્યાપી આકાશને પણ પોતાનામાં સમાવતું કોઈ મહાતત્ત્વ હોય તો ? માનવી તેના ચરણની રજ બરાબર પણ ખરો ? સમષ્ટિનો ખ્યાલ કરતાં માનવીને રજ ગણવો એ રજકણને સૂર્ય ગણવા કરતાં પણ વધારે બેહૂદું છે !

અરુણે ફરી માથું નમાવ્યું. તેણે જરા આંખો મીંચી. અસીમ અવકાશમાં જાણે પોતે તરતો હોય એમ તેને લાગ્યું. તેના મનમાં શાંતિ વ્યાપી.

પ્રાર્થના કરી રહેલા ધનસુખલાલે બધાંને પ્રસાદ આપ્યો. કોઈને વધારે નહોતું છતાં બીજા ઓરડામાં લઈ જઈ ધનસુખલાલે વધારે પ્રસાદ વહેંચ્યો. એટલામાં સુશીલાએ આવી ત્રણે ભાવિ કેદીઓની પાસે દહીં અને ખાંડના વાટકા મૂક્યા.

‘આટલું તો ચાખી લેવું પડે. દહીંનાં તો શુકન છે !’ ધનસુખલાલે કહ્યું.

શુકનને વહેમ ગણવા એ એક વાત છે, અને વહેમ ગણી તેને હસી કાઢવા એ બીજી વાત છે. જે ભાવની પાછળ વિશુદ્ધિ રહેલી હોય તે વહેમ હોય તોય તને તિરસ્કારી શકાય નહિ.

સહુએ દહીંનાં શુકન કરી લીધાં. કૃષ્ણકાંત અને વિમોચન પાછળથી આવ્યા. તેમને દહીં-સાકર મળ્યાં. નીચે બેઠેલા પોલીસ-અમલદાર પણ પ્રભુનો પ્રસાદ પામ્યા. તેમણે હવે પકડહુકમો ત્રણે જણને હાથમાં આપ્યા.

બહાર લોકોનું મોટું ટોળું ભેગું થયું હતું. તેમનાં ઘોંઘાટ અને ગિરદી વચ્ચે થઈને પોલીસ-અમલદારની મોટરબસમાં થોડા પોલીસના માણસો સાથે જનાર્દન, અરુણ અને કંદર્પ કેદી બની ચાલ્યા.

પાછળ ધનસુખલાલ, કૃષ્ણકાંત, સુરભિ અણે વિમોચનની મોટર ઊપડી. પુષ્પા અને સુશીલા બારીએથી ઊભાં ઊભાં આ ધર્મકેદીઓના ગમનને જોઈ રહ્યાં.

મોટર દેખાતી બંધ થઈ એટલે પુષ્પા પિતાના ખંડમાં આવી. તેણે ફાડી નાખેલા ચિત્રને પાછું જોયું. અને એકાએક તકિયા ઉપર માથું નાખી દીધું. તેની આંખમાં આંસુ માતાં નહોતાં; તે ડૂસકે ભરાઈ ગઈ.

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.