૨૨. સરઘસ

જેવાં મહાસાગર-લોઢમાંહી,

ગૂમે છબીલાં કંઈ છીપલાંઓ;

બ્રહ્માંડનો લોઢ પ્રચંડ ગાજે,

તેમાં ઘુમે માનવ બાલ તેવાં.

−ન્હાનાલાલ

સૂર્યોદયની શરૂઆત હતી. જગતનાં અનેકાનેક દૃશ્યો નિહાળતા સવિતાદેવે આછી આંખ ઉઘાડી. તેમણે કાઈ નવીન દૃશ્ય જોયું. જિજ્ઞાસાએ તેમણિ આંખના પલકારા જરા વધાર્યા. પચાસેક માણસો ચાર ચારની હારમાં ગોઠવાઈને ઊભા હતા. મોખરે શ્વેતરંગી ધ્વજ લઈ એક મોહક યુવાન ઊભો રહ્યો હતો. બાજુ ઉપર ત્રણ યુવતીઓ ઊભી હતી. વગર-ગોઠવાયલા કેટલાક પુરુષો પણ બાજુએ ઊભા હતા. જનાર્દનનું ધ્વજ-સરઘસ પોલીસના મનાઈહુકમનો ભંગ કરવા તત્પર થયું હતું. પચાસ કરોડ ઉપર સામ્રાજ્ય ભોગવતી સત્તા સામે પચાસ માણસો થતાં હતાં એ જોઈ સવિતાદેવે આંખ સ્થિર કરી.

માનવીને નવાઈ લાગે. પચાસ માણસો સો માણસોની સામે થાય એને માનવીનું ડહાપણ મૂર્ખાઈ કહે છે. માનવીનાં માપ નાનાં નાનાં છે. પાંચ અને પચાસ વચ્ચે તેને ઘણો ગાળો લાગે છે; પચાસ અને પચાસ કરોડ વચ્ચેનું અંતર ગણતાં તે થાકી જાય છે. પરંતુ એક ક્ષણમાં લાખો ગાઉ કિરણો ફેલાવતા સવિતાદેવને પાંચ અને પાંચ કરોડ સરખા છે. મહાગ્રહોને પોતાના ઉપગ્રહો સાથે ફૂદડી ફેરવતા એ ગ્રહરાજને માનવજાતનો અને માનવજાતની ગણતરીઓનો હિસાબ શો ? માનવી ચાલતાં ચાલતાં એક કીડીને કચરે છે; તેને ખબર પણ પડતી નથી કે કીડી હતી કે નહોતી. આખી માનવજાત અલોપ થઈ જાય તોયે સૂર્ય હસતો પ્રકાશતો રહેવાનો. તેના વિરાટ જીવનમાં માનવજાતનો કીડી સરખો પણ હિસાબ નથી. પાંચ માનવીની તેને જેટલી ગણતરી છે તેટલી પચાસ કરોડની પણ ગણતરી છે; બંને તેને મન નહિ જેવાં છે.

છતાંય તેણે આંખ સ્થિર કરી. સંસ્થાને તેને હિસાબ નહોતો. તેણે તો નિહાળ્યું કે તેનું વેરણ્ય તેજ કોઈ પચાસ માનવીઓમાં ઝબકી ઊઠયું છે. અગમ્ય તેજસ્મિત કરતો સવિતાદેવ જરા ઊંચે આવ્યો. જગતમાં તેનું તેજ ફેલાય એના કરતાં પણ જગતમાં એ તેજ ઝિલાય એની સવિતાદેવને વધારે કાળજી લાગી.

એક યુવકે લલકાર કર્યો :

નહિ નમશે, નહિ નમશે

નિશાન ભૂમિ ભારતનું;

ભારતની એ ધર્મધ્વજાનું,

સાચવશું સન્માન

ભૂમિ ભારતનું.

કંદર્પે વાવટો ઊંચક્યો અને તેણે આગળ ચાલવા માંડયું. તેની પાછળ ચાર ચાર સૈનિકોની હાર માપસર ડગલાં ભરતી આગળ વધવા લાગી. સહુના મુખમાં ઉદ્ગાર હતો :

નહિ નમશે, નહિ નમશે

નિશાન ભૂમિ ભારતનું.

પાછળ જનાર્દન નીચું મુખ કરી ચાલતો હતો. સ્ત્રીઓને સરઘસમાં આવવાની તેણે ચોખ્ખી ના પાડી હતી, છતાં સુરભિ, પુષ્પા અને રંજન ત્યાં આવ્યાં હતાં. તેમણે કૃષ્ણકાંતે, વિમોચને અને બીજા થોડા વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ અને આશ્રમ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા ગૃહસ્થોએ પણ સાથે ચાલવા માંડયું. તેઓ સરઘસના આવશ્યક ભાગ તરીકે નહોતા જોડાયા એ તેમની બેમિસાલ ચાલથી જણાઈ આવતું હતું – તોપણ તેઓ સરઘસથી ભિન્ન સમુદાય છે એમ છેક પણ લાગતું નહિ.

આશ્રમની બહાર સરઘસ નીકળ્યું અને ત્યાં કેટલાંક માણસો જોવા ઊભાં હતાં તે ટોળે વળી પાછળ ચાલવા લાગ્યાં. આખા ગામમાં ખબર પડી ગઈ હતી કે જનાર્દન અને તેમના સ્વયંસેવકો સરકારના હુકમને ન ગણકારી શહેરના મધ્યભાગે આવેલા ચોકમાં ધ્વજવંદન કરવાના છે; એથી સ્થળે સ્થળે લોકોનાં ટોળાં આ સરઘસને નિહાળવા માટે ઊભાં હતાં. સરઘસ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ શહેરનો વસ્તીભાગ આવતો હોવાથી મોટાં મોટાં ટોળાં જમા થયે જતાં હતાં. માનવીના કુતૂહલનો પાર નથી. તેને જ્યાં ત્યાં નજર નાખવાનો શોખ છે. જેમને ખબર હતી તે તો રસ્તે આવે જ; પરંતુ જેમને ખબર નહોતી તે પણ, રસ્તે જતા સરઘસને જોઈ, જોવા ઊભાં રહેતાં.

‘અલ્યા શું છે ?’ કોઈએ પૂછયું.

‘નિશાળના છોકરા છે.’ કોઈ જ્ઞાન પ્રદર્શિત કર્યું.

‘નહિ નહિ; એ તો પેલા અસરકારી છે.’ કોઈએ જ્ઞાનને વધારે વિશુદ્ધ બનાવ્યું. અસરકારક અને અસહકાર એ બે શબ્દો એક જ છે એવું માનતા ગામડિયાના જ્ઞાનમાં કોણ ભૂલ કાઢી શકે એમ છે ?

‘આજ તો લડાઈ થવાની છે.’ એક જણે ખબર આપી.

‘તે આ ધોળી ટોપી લડવાની છે ?’ એક શૂરવીરે જરા હસીને જરા તિરસ્કારથી પૂછયું.

‘એ લડાઈ હથિયારની નથી; એ આત્મબળનું યુદ્ધ છે.’ જરા વધારે વાંચતા થયેલા એક ગૃહસ્થે પેલા શૂરવીરને સમજ પાડી.

‘હથિયાર વગર લડાઈ કેવી ? આમ કશું વળે નહિ ! એ તો માર બૂધું અને…હં.’ શૂરવીરે સર્વોપયોગી બૂધાનો પ્રભાવ સમજાવ્યો. ‘આપણાથી એ કશું બને નહિ. આપણને હથિયાર વાપરતાં જ ક્યાં આવડે છે ?’

‘લાકડી વાપરતાં શીખશો તો બંદૂક પકડી શકશો, સમજ્યા મહેરબાન !’

સરઘસ આગળ વધ્યે જતું હતું. તેની પાછળ ટોળે વળેલા લોકો ચિત્રવિચિત્ર વાતો અને કલ્પનાઓ કરતા કરતા ચાલતા હતા. પણ પચાસ માણસના સરઘસની પાછળ થોડા સમયમાં પાંચસો – અને પાંચ હજાર માણસોનું ઝોલું થઈ ગયું. જેને જેમ ફાવે તેમ મોટે ઘાંટે વાતો કરવાની છૂટ હતી, મોટેથી વાત કર્યા સિવાય વાત થઈ શકે એવી સ્થિતિ જ નહોતી, અને એકેએક માણસને બોલ્યા સિવાય ચાલે એમ નહોતું. કોઈ વધારે ઈંતેજાર બહાદુરો ધસારો કરી આગળ પણ ધપી જતા હતા. સમૂહનો ધક્કો પાણીનાં મોજાં સરખો છે; એક વમળ થયો કે તે આખી સપાટીને હલાવી નાખે. એક સ્થળનો ધક્કો છેવટના ઊભેલા મનુષ્યો સુધી પણ પહોંચી જાય. ગાંધીયુગનાં ટોળાંમાં એક મહત્ત્વનો સંસ્કાર સ્ફુર્યો છે. ટોળું ખુશમિજાજથી ધક્કા સહી લે છે. એક નાનું છોકરું વચમાં ફસાઈ ગભરાઈને રડી ઊઠયું. પેલા શૂરવીરે સહુને આઘા ખસેડીને બાળકને પોતાને ખભે લઈ લીધું, અને તેના ગભરાઈ ગયેલા પિતાને સોંપી તેને ટોળા બહાર મોકલાવ્યું.

સરઘસનું ઉત્તેજક સંગીત સંભળાયા કરતું હતું…ટોળાનો કેટલોક ભાગ એ સંગીત ઝીલવા પણ પ્રેરાતો. શબ્દ પૂરા ન સંભળાય તોપણ તેમને

ઝીલવાની આતુરતા લોકોમાં જણાઈ આવતી, અને સરઘસના ગીતનું ગમે તે ચરણ ટોળામાં ગવાયે જાય એમ પણ બનતું :

અમે ભારતભૂમિના પુત્રો

અમ માત પુરાણ પવિત્ર;

રે જેનાં સુંદર સૂત્રો,

ઝળકાવે ઉચ્ચ ચરિત્ર !

સરઘસના સ્વયંસેવકોએ ટોળાની સહાયથી ગાવા માંડયું લોકો બારીએથી, ઓટલેથી, અગાશી ઉપરથી, ઝાડની ડાળ ઉપરથી, એમ સરઘસ જોવા આતુર બન્યા. વચ્ચે વચ્ચે કોઈએ ‘વંદેમાતરમ્ !’ ની બૂમ પાડી ટોળાની પાસે તે બૂમ ને ઝિલવી. એવે પ્રસંગે સરઘસનું ગીત સંભળાતું બંધ થતું; પરંતુ વળી પાછું ટોળાની વાતો વચ્ચેથી સંગીત સંભળાતું :

અમ અંતરને ઉદ્દેશી,

કરશું હોકાર હમેશ;

અમે દેશી દેશી દેશી,

છે હિંદ હમારો દેશ !

એકાએક આગળ વધતા ટોળાનો પ્રવાહ અટક્યો. લોકો પ્રથમ સમજ્યા નહિ કે શું બન્યું; કારણ શોધવા સહુએ આંખો ખેંચી. તત્કાળ ખબર પડી કે સરઘસને પોલીસે અટકાવ્યું છે.

આખો રસ્તો રોકી લગભગ સો-દોઢસો પોલીસના સિપાઈઓ સરઘસની સામે ઊભા રહ્યા હતા. સિપાઈઓની પાછળ એક ઊંચા ઘોડા ઉપર યુરોપિયન અમલદાર બેઠેલો દેખાયો હતો; સિપાઈઓની આગળ પણ આઠદસ યુરોપિયન સર્જન્ટો દમામથી ઊભા હતા. સિપાઈઓના હાથમાં લાંબી લાકડીઓ હતી.

‘અહીં જ થોભી !’ પોલીસ-અમલદારે મોટેથી હુકમ આપ્યો.

સરઘસ અટકે લું જ હતું. જવાબમાં કંદર્પે ધ્વજને વધારે ઊંચો કરી બૂમ મારી :

‘વંદે…’

‘માતરમ્ !’…

સરઘસના સ્વયંસેવકોએ બૂમ ઝીલી.

ટોળામાંથી ફરી ગર્જના થઈ :

‘વંદે…માતરમ્ !’

યુરોપિયન અમલદાર ઘોડા ઉપર બેસી કૃપાભર્યું સ્મિત કરત દેખાયા. સરઘસના વ્યૂહમાંથી અરુણ બહાર નીકળ્યો. છેવટના ભાગમાંથી જનાર્દન, કૃષ્ણકાંત તથા ત્રણે યુવતીઓ નીકળી આગલા ભાગમાં આવ્યાં. ટોળામાંથી પણ પોતાને વધારે મહત્ત્વના માનતા ગૃહસ્થો બહાર નીકળી આવ્યા. પોતાની હાજરી વગર – નહિ, પોતાની સલાહ વગર કોઈપણ બાબતનો નિકાલ આવે જ નહિ એવી માન્યતાવાળા પાંચ પચાસ માણસો અને પોલીસ વચ્ચે હો; પરંતુ તેમની વચ્ચે કાંઈ વાતચીત થાય તે પહેલાં આ સ્વમહત્ત્વવાળા ગૃહસ્થોએ ઝઘડો પોતાને માથે વહોરી લીધો.

આત્મનિયુક્ત આગેવાનો આગળ ઘોંઘાટ કરતા હતા; પરંતુ ટોળામાં ગોંધાઈ રહેલી જનતા ઓછી ઉશ્કેરનાર વીર કદી ઝાપટ લગાવતો નથી એ બોધ જ કરે છે.

‘અમે નહિ બોલો, આ લડત અહિંસાની છે.’ આત્મબળનાં ઊંડાણ સમજેલા ગૃહસ્થે કહ્યું.

‘તમારામાં અક્કલ છે કે નહિ ? ગાંધીજીની યુક્તિ પણ સમજતા નથી ? અહિંસાની વાત કરીને તો લોકોને તૈયાર કરવાના છે !’

અર્થભરી દૃષ્ટિથી તેમણે અહિંસાવાદી ગૃહસ્થને ડાર્યા. હિંસાની અનુકૂળતા થાય એટલા માટે યુક્તિ તરીકે ગાંધીજી અહિંસાનો પક્ષ લે છે એવી માન્યતા હજી પણ ઘણા સમજુ માણસો ધરાવે છે.

‘લગાવો એક !’ ધીમે રહીને એક ઉશ્કેરાયલા યુવકે પથ્થર હાથમાં લઈ કહ્યું.

બે-ચાર આજુબાજુના માણસોએ આંખથી પોતાની અનુમતિ દર્શાવી. કેટલાક માનવીઓનાં હૃદયકમળ ટોળામાં જ ખીલે છે. નવરાત્રિના ગરબા હોય કે કોઈ સાર્વજનિક સભા હોય તેમાં તેમના હાથ સખણા રહી શકતા નથી; બહુ માનવીઓની ઓથે રહીને કાંકરા કે પથરા ફેંકવાની બહાદુરીભરી ચેષ્ટા તેમનાથી રોકી રોકાતી નથી. શા માટે. કોને માટે તેઓ આ કાર્ય કરે છે, તેનો વિચાર કરવાની તેમને જરૂર રહેતી નથી; ટોળું દેખીને જ તેમને આવો કોઈ આવેશ આવી જાય છે.

એક પથ્થર ઊછળ્યો; સરઘસની અને પોલીસની વચ્ચે જઈને એ પથ્થર પડયો. જનાર્દન ચમક્યો. પોલીસ અમલદારે અત્યારે સુધી હસતું મુખ રાખ્યું હતું. પથ્થર પડતાં જ તેનું મુખ બદલાયું. તેણે જનાર્દનને કહ્યું :

‘પેલો પથ્થર પડયો તે જોયો ? એ તમારી અહિંસા ! હું તમને હજી આગ્રહ કરું છું કે તમે આગળ ન વધતાં પાછા ચાલ્યા જાઓ.’

‘મને મારા મિત્રોથી બચાવ’ – એવા આર્તનાદવાળી ઈંગ્લિશ ભાષામાં કહેવત છે. જનાર્દને એવો જ ભાવ અનુભવ્યો, તોપણ તેણે કહ્યું :

‘અમારા સરઘસમાંથી કોઈએ નાખ્યો નથી એની હું ખાતરી આપું છું.’

‘આ બધું તમારું જ સરઘસ છે ને ! સરઘસનું તોફાન જાગ્યું ન હોત તો આટલા બધા માણસો ભેગા શાના થાય ?’

જનાર્દનને લાગ્યું કે જે ટોળાં પોતે આકર્ષે છે તે ટોળાના વર્તનની જવાબદારી પણ તેને જ માથે રહેવી જોઈએ. તેણે લોકોને પગે લાગી જરા પણ તોફાન ન કરવા વિનંતી કરી; જેમનાથી પથ્થર ફેંક્યા સિવાય ન રહેવાતું હોય તેમને ઘેર પધારવાનો પણ આગ્રહ કર્યો. કૃષ્ણકાંત તેમ જ બીજા આગેવાનોએ પણ તેવી જ વિનંતી ટોળાના જુદા જુદા ભાગમાં જઈને કરી. લોકો શાંત પડયા; પરંતુ ટોળાએ ધારણ કરેલી શાંતિ પથ્થર ફેંકી મજા લેવાની વૃત્તિવાળા હૃદયને બહુ જ લલચાવનારી થઈ પડી. બહુ સિફતથી એક કાંકરો ઊડીને એક સાર્જન્ટના ટોપામાં વાગ્યો.

સાર્જન્ટના ગુસ્સાનો પાર ન રહ્યો; પરંતુ ઘણા લોકોએ તો એ કાંકરો જોયો પણ નહોતો. સાર્જન્ટે કાંકરો અમલદારને બતાવ્યો. અમલદારે ધમકી આપી :

‘હું તમને છેલ્લી ચેતવણી આપું છું : જો તમે બે મિનિટમાં વીખરાઈ નહિ જાઓ તો હું બળ વાપરી તમને વિખેરી નાખીશ.’

‘સાર્જન્ટ તો જુઠ્ઠો છે.’ કોઈકે ટોળામાંથી બૂમ પાડી. ઘણાને એ વાક્ય સત્ય લાગ્યું.

‘કાળી ટોપી બૉયકૉટ !’ કોઈકે બૂમ પાડી. સાર્જન્ટ સાહેબની ટોપી ધોળી હતી.

‘બૉયકૉટ !’ લોકોએ બૂમ ઝીલી. બૉયકૉટમાંથી કોઈએ ‘હાય હાય’ નો પલટો આપ્યો. લોકોએ સામટો નાદ કર્યો :

‘હાય હાય ! કળી ડગલી – હાય હાય !’

લોકોના ઘોંઘાટમાંથી એક તીણી સિસોટી સંભળાઈ. સિસોટી વાગતાની સાથે પોલીસના માણસો તૂટી પડયા; કેટલાક ટોળું વિખેરવા લાગ્યા અને કેટલાક સરઘસના સ્થિર દીવાલ સરખા વ્યૂહને તોડવામાં રોકાયા.

લોકોએ નાસભાગ કરવા માંડી. જેને જેમ ફાવે તેમ દોડવા માંડયું. દોડતા કોણ ક્યાં પડે છે તેનું પણ લોકોને ભાન રહ્યું નહિ. કોલાહલ મચી રહ્યો. સિપાઈઓ બનતાં સુધી પોતાની લાઠીનો ઉપયોગ કરતા ન હોતા. ધક્કા મારતાં ક્વચિત્ લાઠી મારવાનો પણ દેખાવ કરતા : લાઠી ખાવાની ઇચ્છા હતી. પેલા હિંસાવાદી શૂરવીર સહુ પહેલા દોડી ગયા, અને દોડતાં દોડતાં કેટલાકને ગબડાવી પાડવામાં પોતાનું વીત્વ દાખવતા ગયા. આત્મબળના ઊંડાણને સમજી તરી પાર ઊતરેલા ગૃહસ્થ પાછા આત્મબળના કયા ઊંડાણમાં ડૂબી ગયા એની કોઈને ખબર પડી નહિ. પોલીસની સિસોટી વાગ્યા પછી તેમને એ સ્થળે ઊભેલા કોઈએ જોયા નહોતા. શરીરના અને આત્માના બળનો ઉપયોગ મહત્વના પ્રસંગો માટે રાખવાની તેમની ધારણા હોય એમ પણ બને ! એ ધારણા સ્તુત્ય છે !

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.