પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘કૌમુદી’ના તંત્રી ભાઈ વિજયરાયે એક લાંબી વાર્તા તેમના સુપ્રસિદ્ધ પત્ર માટે લખવા મને જણાવ્યું અને દર માસે બે-ત્રણ પ્રકરણ લખવાની મને સગવડ મળશે એમ ધારી, મેં વાર્તા લખવાની હા પાડી. એમાંથી થયો ‘દિવ્યચક્ષુ’ વાર્તાનો ઉદ્ભવ.

પ્રથમ તો એકાદા વર્ષ સુધી ચાલે એવડી જ વાર્તા લખવાનો વિચાર હતો; પરંતુ દોઢેક વર્ષ પહોંચી એટલી બધી તે લાંબી થઈ ગઈ છે.

નાનપણમાંનો વાર્તાઓ વાંચવાનો શોખ મને રહ્યો નથી અને તેમાંયે લાંબી વાર્તા વાંચવી શરૂ કરતાં હવે બહુ કઠણ પડે છે. એટલે ‘દિવ્યચક્ષુ’ સરખી પોણાચારસો પાનાંની વાર્તા વાંચવાની ઘણા માણસો ધીરજ રાખશે કે કેમ એની મને તો શંકા જ છે. છતાં ભાઈ મૂળશંકરે ‘દિવ્યચક્ષુ’ને સળંગ પુસ્તકરૂપે બહાર પાડવા ધાર્યું અને તેને સચિત્ર બનાવી તેના બાહ્યાકર્ષણમાં વધારો કરવા પ્રયત્ન કર્યો, એ તેમના મારા પ્રત્યેના સદ્ભાવનું પરિણામ છે અને તે માટે હું તેમનો આભારી છું.

એક કલાકાર ને નવલકાર હોવાનું ભાન મને હજી થતું નથી. કલાના આદર્શો કેટલા ઊંચા છે તેનો જ્યારે હું ખ્યાલ કરું છું ત્યારે મને લાગે છે કે મારી વાર્તાઓમાં કલા જોવા હું મથું તો તે મિથ્યાભિમાનના જ કારણે હોઈ શકે. મારી વાર્તા વાંચનારને ઠીક ગમી છે એમ સંતોષ લેવા હું કદી પ્રયત્ન કરું તો તુર્ત પશ્ચિમના અને પૂર્વના – ખાસ પશ્ચિમના – સમર્થ નવલકારી મારી દૃષ્ટિ આગળ આવે છે અને મને મારા કદનું ભાન કરાવે છે. વિવેચકોએ મારી વાર્તાઓને આદર આપ્યો છે તેમાં વાર્તાઓની ખૂબીકરતાં વિવેચકોની ઉદારતા જ આગળ તરી આવે છે.

અલબત્ત, ગુજરાતી જીવન મને ઘણું ગમે છે. તેમાં થતા ફેરફારનું અવલોકન કરવામાં મને આનંદ થાય છે અને તેનાં જૂનાંનવાં રસથાળનોનો સ્પર્શ કરવો મને આહ્લાદક થઈ પડે છે. ગૂર્જરજીવનમાં રસ લેવાના મારા આછાપાતળા પ્રયત્નોમાંથી મારી વાર્તાઓનો જન્મ છે.

એ પ્રયત્નો સફળ છે કે ઊંચા પ્રકારના છે એમ પણ માનવાની ભૂલ હું નહિ કરું. ગૂજરાત હાલમાં તો શૂર જીવન જીવે છે અણે તેની શૌર્યકથા-Epic હજી લખાઈ નથી. ગૂજરાત જેવું જીવન જીવશે તેવું સાહિત્ય મળશે એમાં શક નથી; પરંતુદ તેનું મહાકાવ્ય વાણીમાં ઊતરતાં થોડો સમય વીતશે એમ લાગે છે. કારણ, આપણા સાહિત્યને કમનસીબે ‘રણલીલાના કોડ’ ભરી વીરાંગનાનું જીવંત આલેખન કરનાર અને મહાકાવ્ય રચાવાની શક્તિ ધરાવનાર આપણા એક – કે એકના એક ? – કવિએ નવીન જીવનમાં સહુથી પહેલાં ઝંપલાવી તે જીવનને સાથે દેવો મૂકી દીધો છે. નહિ તો આ જ દસકામાં આપણે નવા ગૂજરાતનું મહાભારત વાંચી શક્યા હોત.

તેમ થાય ત્યાં સુધી નવીન ગૂજરાતને નીરખવાના મારા સરખા નિર્બળ પ્રયાસો થયા કરશે. મારા આ પ્રયાસમાં જો કાંઈ પણ ગમે એવું તત્ત્વ હોય તો તે મારી કલાનું નહિ, પરંતુ કલાને ગમતે-અણગમતે ચારે પાસથી જાગૃત કરતાં વીર જીવનનું એ તત્ત્વ છે. જે જે ખામીઓ છે તે તો મારી જ છે.

તેમાંય ગૂજરાતના પ્રખર સાહિત્યકાર શ્રીયુત બળવંતરાય ઠાકોર મારી કૃતિ ઉપર વિવેચન લખી મારું મહત્ત્વ વધારે છે એ તેમની અજાણ્યાઓ પ્રત્યેની ઉદારતાનું જ દૃષ્ટાંત છે. તેમની વિરુદ્ધ ટીકા કોઈ પણ લેખને માનભર્યું સ્થાન અપાવે છે તો તેઓ વખાણના બે બોલ કહે તે બદલ લેખકોમાં હું પણ દાખલ થાઉ છું એ સદ્ભાગ્ય છે.

જેવી છે તેવી વાર્તા રજૂ કરું છું.

નવસારી

ડિસેમ્બર, 1931

રમણલાલ વસંતલાલ દેસાઈ

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.