૨. મતભેદ

નથી અહીં વેરનું વેર લેવું,

… … … … … … …

અહીં રૂડું સ્નેહનું દર્દ સહેવું !

– કલાપી

પોલીસ અમલદારને જે સમય મળ્યો તેમાં તેણે ચારેપાસ નજર નાખી. ઓસરી ઉપર એક ગોળ મેજ અને આસપાસ ખુરશીઓ પડી હતી. મેજ ઉપર કાગળ અને ચોપડીઓ સિવાય કંઈ જ નહોતું. બેસીને જોવાય એટલું તેણે જોયું; પરંતુ એકે કાગળ કે એકે પુસ્તકને તેણે સ્પર્શ કર્યો જ નહિ. ફરવાની ટેવવાળા પોલીસ અમલદારથી લાંબો વખત એક જ સ્થળે બેસી રહેવાયું નહિ. તેણે ઊભા થઈ આમતેમ ફરવા માંડયું. પાસેની ખુલ્લી બારીઓમાંથી તેણે નજર નાખી. અંદરના મોટા ઓરડામાં માત્ર કામળા અને શેતરંજીની સાદી બિછાયત જોવામાં આવી. એ ઓરડાની ભીંતો ઉપર મઢેલી છબીઓ ટાંગી હતી. મહાસભાના પ્રમુખો, ધર્મ અને સમાજસુધારાના આગેવાનો, અન્ય લોકનાયકો અને વ્યાપારી વીરોની છબીઓ તેમાં હતી. સાથે સાથે રિપન, મિન્ટો અને હાર્ડિન્જ સરખા વાઈસરૉય તથા મોર્લે અને મોન્ટેગ્યુ સરખા સહૃદય હિંદ-મંત્રીઓની પણ છબીઓ તેના જોવામાં આવી. જગતના મહાપુરુષો અને ક્રાંતિકારોની પણ છબીઓ નજરે પડી.

પરંતુ અમલદારે અંદર પ્રવેશ કર્યો નહિ. પોલીસ અમલદારો સઘળા રાક્ષસો હોતા નથી. ગુના કરનાર સરળતાથી ગુનો કબૂલ કરી દેતો હોય તો પોલીસના કહેવાતા અત્યાચારોને અવકાશ રહે નહિ. ગુનેગારો પ્રામાણિક બને તો પોલીસની જરૂર પણ ન રહે. એ જ્યારે બને ત્યારે ખરું; પણ તેથી કાંઈ પોલીસના રાક્ષસીપણાનો બચાવ થાય નહિ, અને તેવો બચાવ કરવાની સઘળા પોલીસ અમલદારની વૃત્તિ હોય પણ નહિ.

અંદરના ભાગમાંથી જનાર્દન, રંજન અને અરુણ બહાર આવ્યાં. ઓરડાની અંદર દૃષ્ટિ ફેંકતા પોલીસ અમલદારને જનાર્દને કહ્યું :

‘ઓહો નૃસિંહલાલ ! તમે છો કે ? આવો સાહેબ. બેસો. શું કામ પડયું ?’

પોલીસ અમલદાર નૃસિંહલાલ ખુરશી ઉપર બેઠા. સામે જનાર્દન અને તેમની જોડે રંજન બેઠાં. અરુણ પાછળ ઊભો રહ્યો.

‘તમારું ખાસ કામ પડયું છે. આપણે બે જ જણા એકલા હોઈએ તો કેવું ?’ નૃસિંહલાલે કહ્યું.

નૃસિંહલાલની ઊંમર જનાર્દન સરખી જ લાગતી હતી. તેના પોશાકને લઈને જે દમામ તેનામાં દેખાય તે કરતાં વધારે દમામનો ઉમેરો કરવાની તેણે તજવીજ કરી નહિ. મારકણા પોશાકમાં પણ તેના મુખ ઉપર ભલમનસાઈની રેખાઓ દેખાતી, અને કઠોરતાભર્યા પોલીસના ધંધામાં લાંબો વખત યશસ્વી રીતે ગાળ્યા છતાં સંસ્કારહીન પશુતાનો તેનામાં સંપૂર્ણ અભાવ હતો.

‘શા માટે ? મારી પાસે કોઈથી કશું છુપાવવા સરખું છે જ નહિ. આપને હરકત ન હોય તો એ બંને જણ ભલેને અહીં રહ્યાં !’ જનાર્દને જણાવ્યું.

નૃસિંહલાલે સહજ વિચાર કર્યો અને પછી તેઓ બોલ્યા :

‘ઠીક. હું તમારી સાથે વાત કરવાની આગળ ઉપર તક લઈશ. હાલ તો આપના આ સ્થળની મારે તપાસ કરવાની છે.’

‘તપાસનો હુકમ ક્યાં છે ?’ અરુણે કડકાઈથી પૂછયું.

‘આપણે હુકમની શી જરૂર છે ? નૃસિંહલાલ મારા મિત્ર છે. એમને ન બતાવાય એવું અહીં કશું નથી.’ જનાર્દને કહ્યું.

‘પણ અત્યારે એ કાંઈ મિત્ર તરીકે આવ્યા નથી.’ અરુણ બોલ્યો.

નૃસિંહલાલે અરુણ તરફ ધારીને જોયું; બાળકોના નિષ્કારણ ગુસ્સાને ઉદારતાથી નિહાળતા એક વડીલની દૃષ્ટિ તેમાં હતી. તેમણે કહ્યું :

‘મારી પાસે હુકમ છે જ. હુકમ વગર હું શા માટે આવું ?’

નૃસિંહલાલે હુકમ કાઢી અરુણના હાથમાં મૂક્યો. હુકમ વાંચતાં તેના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો. ક્રોધના આવેશમાં તે અક્ષર પણ બોલી શક્યો નહિ. મેજ ઉપર એ હુકમને તેણે પછાડયો અને નૃસિંહલાલે તે ઉપાડી લીધો. જનાર્દનના ધ્યાનની બહાર આ કાંઈ રહી શકે જ નહિ. તેમણે પ્રેમાળ વાણીથી કહ્યું :

‘અરુણ ! આજનું વ્રત ભુલાય નહિ. હો ! ક્રોધ એ હિંસાનું મુખ્ય અંગ છે.’

અરુણે કાંઈ જવાબ ન આપ્યો; પરંતુ તેના મુખ ઉપર એવા ભાવ પ્રગટી નીકળ્યા કે જાણે અહિંસા અને અક્રોધને જહાનમમાં નાખવાનો શાપ તે આપતો હોય.

‘આપ મારું મકાન તપાસી શકો છો.’ જનાર્દને કહ્યું.

‘ઠીક, તમે મારી સાથે ચાલ.’ નૃસિંહલાલે કહ્યું. તેમણે તત્કાળ મેજ ઉપર પડેલા કાગળો અને પુસ્તકો તપાસવા માંડયા. તપાસમાં નામોની એક યાદી તેમના હાથમાં આવી. તેમણે પૂછયું :

‘આ શું છે ? એમાં કોનાં નામ છે ?’

‘એમાં લખ્યું જ છે. મારા મંડળના સભ્યોનાં નામ એમાં છે.’

નૃસિંહલાલે નામો વાંચ્યાં. એક નામ આવતાં તેઓ ચમક્યા.

‘કંદર્પ ? એ કોણ ?’ તેમણે પૂછયું.

‘આપના ચિરંજીવી.’ જનાર્દને કહ્યું.

નૃસિંહલાલે નામો વાંચી રહી પુસ્તકો તપાસ્યાં.

પુસ્તકોમાંથી ત્રણેક તેમના ધ્યાનમાં આવ્યાં : ‘ક્રાંતિવાદીની ફિલસૂફી’, ‘જગતના ક્રાંતિકારો’, ‘કાર્લ માર્ક્સનો સામ્યવાદ’. ત્રણે પુસ્તકો અને પેલી યાદી નૃસિંહલાલે જુદાં કાઢયાં.

ત્યાંથી બંને જણ અંદર ગયા. અરુણ તથા રંજન એ સ્થળે એકલાં રહ્યાં.

અંદર લટકાવેલી છબીઓ જોઈ નૃસિંહલાલ જરા હસ્યા અને બોલ્યા :

‘છબીઓનો આવો શંભુમેળો કેમ કર્યો છે ?’

‘આપ બરાબર ધારીને જુઓ, એ શંભુમેળો નથી. એમાં તો મેં હિંદુસ્તાનનો વર્તમાન ઈતિહાસ ગોઠવ્યો છે.’ જનાર્દને કહ્યું.

‘એ કેવી રીતે ?’

‘જુઓ. અહીં રાજા રામમોહનરાયથી શરૂ કરી મેં સઘળા વર્તમાન ધર્મસુધારકો ગોઠવ્યા છે. તેમનાથી શરૂ થયેલી આ સંસારસુધારકોની શ્રેણી. ધર્મસુધારણા અને સંસારસુધારણા ઘણી વ્યક્તિઓમાં એકરૂપ બની ગયાં હતાં. અહીં વ્યોમેશ બૅનરજી, લાલમોહન અને દાદાભાઈથી મહાસભાની રાજકીય પ્રવૃત્તિનો ચીલો ચાલ્યો. લોકમાન્ય ટિળક આગળ બે ચીલા પડી ગયા. કાઝી શાહબુદ્દીન સયાણી અને તૈયબજીમાં મુસલમાનોની ભરતી તમે જોઈ શકશો.’

‘પણ આ અંગ્રજોની છબીઓ શા માટે ?’ નૃસિંહલાલે પ્રશ્ન કર્યો.

અંગ્રજોનો ઉપકાર હું તો ભૂલી શકીશ નહિ; હિંદ પણ નહિ ભૂલે. વૅડરબર્ન અને કૉટનને બાજુએ મૂકીએ તોપણ અંગ્રેજ અમલદારોમાં આ રિપન અને આ હાર્ડિન્જ જેવા હિંદીઓના શુભેચ્છકો હતા; તેમની અસર જેવીતેવી નહોતી.’

‘પણ તમે તો ખુદીરામ બોઝની છબી પણ લટકાવી છે !’

‘તેણે કરેલા ખૂનનો બચાવ હિંસાવાદીથી ન જ થાય; પરંતુ દેશના ઉદ્ધારની લાગણી તેનામાં છલકાતી હતી એમ કોણ નહિ કહે ?’

‘અને ગાંધીજીની છબી અહીં રાખવાનું શું કારણ ?’ પોલીસના માણસો પણ વાતચીત કરતાં “ગાંધીજી” અગર “મહાત્મા ગાંધી” કહેતાં અચકાતા નથી. પ્રજાનો અને તેમનો એ નામના ઉચ્ચારણમાં એકમત છે.

‘ગાંધીજી એ હિંદની વર્તમાન પ્રવૃત્તિઓનો સરવાળો છે. ધર્મ, સમાજ અને રાજ્યસુધારણાનાં શિખરો ઊંચાઈની હરીફાઈ કરતાં કરતાં ગાંધીજીમાં એકતા પામી ગયાં છે.’ જનાર્દને જવાબ આપ્યો.

નૃસિંહલાલના ધ્યાનમાં એ સઘળું આવ્યું કે નહીં તે જાણવા જનાર્દને તેની સામે જોયું. તેને કાંઈ સમજાયું નહિ. બંને જણ ત્યાંથી છૂટી પટાંગણમાં ગયા. ત્યાં એક નાનો ધ્વજ ફરફરતો નૃસિંહલાલે જોયો.

‘પેલી ધજા શાની છે ?’

‘એ અમારો ધ્વજ છે.’

‘તમે જરૂર રાજદ્રોહના ગુનામાં આવી જશો.’

‘શા માટે ?’

‘યુનિયન જૅક સિવાય બીજો ધ્વજ કેમ ચડાવાય ?’

‘દેશી રાજ્યોમાં યુનિયન જૅક ક્યાં હોય છે ?’

‘એ રાજ્યો તેટલા પૂરતી છૂટ પામેલાં છે.’

‘અરે, આપણા દેશમાં તો મંદિરે મંદિરે ધજા ચડાવાય છે. જ્યાં જ્યાં પવિત્રતા જુઓ ત્યાં ત્યાં ધ્વજ ફરકાવી શકો.’ અને જરા હસીને જનાર્દને ઉમેર્યું : ‘એટલું જ નહિ, પણ તમારા તાડીનાં પીઠાં ઉપર ધજા ફરકે છે, પછી યુનિયન જૅક માટે આવો દુરાગ્રહ કેમ ?’

‘એ કાંઈ ચાલે નહિ.’ એમ કહી નૃસિંહલાલ ધ્વજ તરફ આગળ વધ્યા, સાથે જનાર્દન પણ હતા.

પાસે જઈનેદ ધારીધારીને તેમણે ધ્વજ નિહાળ્યો. સફેદ ધ્વજ સૂર્યના પ્રકાશમાં ચળકતો ઊડી રહ્યો હતો. એ નિર્જીવ વસ્તુમાં પવન જીવ મૂકતો જણાતો હતો ? કે કોઈ જીવંત ભાવના તેમાં મૂર્તિમંત થઈ રહી હતી ?

‘આ ધ્વજ નવો રોપ્યો લાગે છે.’ નૃસિંહલાલે કહ્યું.

‘હા. પોલીસ અહીં થતી દરરોજની ફરફારી ધ્યાનમાં રાખે છે એ હું જાણું છું.’ જનાર્દને કહ્યું.

‘આજે રોપવાનું કારણ શું ?’ નૃસિંહલાલે પૂછયું.

‘અમારા મંડળમાં કોઈ લોહીના લાલ રંગને પસંદ કરતું હતું. કોઈ ક્રોધના કાલા રંગને માન આપતું હતું. આજ સહુએ ભેગા મળી નિશ્ચય કર્યો કે અહિંસાનો શુદ્ધ સાત્વિક શ્વેત રંગ સહુએ પૂજવો. એટલા માટે આ ધ્વજ રોપ્યો અને અહિંસાની પ્રતિજ્ઞા લીધી.’ જનાર્દને ધ્વજનું રહસ્ય સમજાવ્યું.

‘આજે તમે બધા એટલા જ કામ માટે ભેગા થયા હતા ?’

‘બસ, એટલા જ માટે.’

‘નૃસિંહલાલે અશ્રદ્ધાથી જનાર્દન સામે જોયું. મંડળના યુવકો બે-ત્રણ ટોળામાં આમતેમ ફરતા મકાનની અંદર ચાલ્યા જતા દેખાયા.

‘આ ધ્વજ મારે લઈ જવો પડશે.’ જરા રહી, વિચાર કરી, નૃસિંહલાલે કહ્યું.

‘ક્યાં ?’

‘મુદ્દામાલ તરીકે પોલીસની તપાસમાં.’

‘એ તમારો મુદ્દામાલ અહીં કાયમ રહેશે જ.’

‘અહીં રખાય નહિ; પોલીસકચેરીમાં એને લઈ જવો પડે.’

‘એ ધ્વજ અહીંથી ખસે નહિ. હા, તમારી પોલીસકચેરી ઉપર તે ચડાવવો હોય તો જુદી વાત છે.’

‘હં.’ નૃસિંહલાલ ધ્વજને પોલીસકચેરી ઉપર ચડાવવાનું સૂચન સાંભળી હસ્યા. તેમણે ચારે પાસ જોયું; ખિસ્સામાંથી એક સિસોટી કાઢી તેને જરા ઉછાળવા લાગ્યા.

‘કેમ પોલીસના માણસો બોલાવવા છે ?’ જનાર્દન સિસોટીને સારી રીતે ઓળખતા હતા. ‘તમારે તેમ કરવાની જરૂર નથી. તમે બધી ચીજો અહીંથી લઈ જઈ શકશો; પરંતુ ધ્વજ સિવાય. ધ્વજની બાબતમાં ગુનો થતો હોય તો અમે આવીને ગુનો કબૂલ કરીશું.’

‘પણ અમે ધ્વજ ઉપાડી જઈએ તો તમે શું કરો ?’ નૃસિંહલાલ બોલ્યા.

‘અમે શું કરીએ ? અમારામાં શક્તિ હોય ત્યાં સુધી ધ્વજ લેવા ન દઈએ.’

‘પણ તમે તો અહિંસક છો એમ કહો છો ને ?’

‘જરૂર.’

‘અહિંસા સાથે તેનું રક્ષણ કેવી રીતે કરી શકો ? હું સમજી શકતો નથી. તમે બળ વાપરવાના એ ચોક્કસ.’

‘તમને સમજ નહિ પડે. તમે એ ધ્વજને એક વખત ઉપાડી જુઓ; પછી અહિંસા તેનો કેમ બચાવ કરે છે તે તમે જોશો.’

‘ભલા માણસ ! આ શો ધંધો માંડયો છે ? નાહક સારા માણસોનાં છોકરાંને ફટવો છો, ઘરમાં ક્લેશકંકાસ ઘાલો છો અને અમને ઊંચા જીવમાં રાખો છો !’ નૃસિંહલાલે જનાર્દનને ઠપકો આપ્યો.

જનાર્દન હસ્યા અને બોલ્યા :

‘હું કોઈને નોતરતો નથી, જેની ઈચ્છામાં આવે તે મારા કાર્યમાં સામેલ થાય.’

‘તો પછી સીધેસીધી વાતો કરો ને ? આકાશ હાથમાં લેવાનો લોભ પણ શા કામનો ? ઠીક છે; થોડુંઘણું બોલો, થોડુંઘણું માગો પણ આ સ્વરાજ્યની વાતનો અર્થ શો ?’

‘નૃસિંહલાલ ! એ આકાશ અંગ્રેજોના હાથમાં ગયું તો અમારા અને તમારા હાથમાં કેમ નહિ આવે ? અને સ્વરાજ્યથી બીવાનું કારણ શું ? દાદાભાઈ જેવા ઋષિનો એ મંત્રોચ્ચાર છે. અને તમારા અંગ્રેજ સત્તાધીશોએ સ્વરાજ્યના હક્કનો સ્વીકાર કર્યો છે, પછી તમે શા માટે બીઓ છો ?’

જનાર્દનને આમ બોલતા સાંભળી નૃસિંહલાલના મુખ ઉપર સહજ વ્યાકુળતા જણાઈ. બેવફાઈનું પોતે શિક્ષણ લેતા હોય એમ તેમના મનમાં ગભરાટ થયો. તેમને લાગ્યું કે હિંદનું વાતાવરણ અને આવા નીડર પુરુષોનાં વચન પોતાનું મન કદાચ ફેરવી નાખશે.

‘ચાલો, તમારી ધજા આજે નહિ લઈએ; પેલી ચોપડીઓ અને યાદી એટલું જ લઈ જઈશું. તમારામાંથી કોઈએ મારી સાથે આવવું પડશે.’ ઝડપથી નૃસિંહલાલ બોલ્યા.

‘ઠીક; મને હરકત નથી, ચાલો.’ કહી જનાર્દને આગલ ચાલવા માંડયું. નૃસિંહલાલ પણ તેમની સાથે ચાલ્યા.

વચલા ખંડમાં બધા યુવક સબ્યો ભેગા મળ્યા હતા. ત્રણ-ચાર જણ ઓસરી ઉપર રંજનની આસપાસ ઊભા રહ્યા હતા. ત્રણ-ચાર જણ હસતી હતી તે જનાર્દનને આવતા જોઈ ધીમી પડી.

‘રંજન ! કેમ આટલું બધું હસે છે ? શું થયું ?’ જનાર્દને પૂછયું.

‘આ અરુણભાઈ અને વિમોચન એક કવિતા સંબંધમાં લડતા હતા, તેમને મેં છોડાવ્યા.’ કહી રંજન ફરી હસી પડી.

‘અરુણ ! તું આપણા મંડળનો મંત્રી છે. આ ભાઈની સાથે તારે જવું પડશે. તેઓ જે પૂછે તેનો જવાબ આપજે.’ જનાર્દને કહ્યું.

‘હા, મારી મોટરમાં ચાલો.’ પોલીસ અમલદાર નૃસિંહલાલે કહ્યું.

‘સારું, કહી અરુણ જવા તૈયાર થયો. આજે લીધેલા વ્રતની જનાર્દને તેને ફરીથી યાદ આપી.

‘જગ્યા હોય તો હું પણ આવું. સુશીલાબહેનના ઘર આગળ મારે ઊતરી જવું છે.’ રંજને કહ્યું.

આમ આવી છૂટથી પારકી – પોલીસની – મોટરમાં જવા માગણી કરનાર ઉચ્છ્ખંલ દેખાતી યુવતીની ધૃષ્ટતા તરફ નૃસિંહલાલ જોઈ જ રહ્યા.

એટલે રંજને ધાર્યું કે મોટરમાં જવાની પોતાને રજા મળી છે. ચોપડીઓ અને યાદી લઈ ત્રણે જણ ત્યાંથી ચાલતાં થયાં.

જનાર્દનની આંખો સ્થિર બની ગઈ. તેમની જે સ્થળે દૃષ્ટિ પડી હતી તે સ્થળ તેઓ જોતા નહોતા. તઓ ચમકતું દ દૃશ્ય આંતરદૃષ્ટિ વડે જોતા હતા. એ દૃશ્યની ચારે પાસ કાળાં વાદળાં ઝઝૂમતાં હતાં. સ્વરાજ્ય અને અહીંસાનું તેજસ્વી સ્વપ્ન, આકળા યુવકો અને તેમના ભેગી યુવતીઓ ! સૂર્યના તેજનો પાર નથી. એકાદ ઘેરી વાદળી એ બધાય તેજને હરી લે ત્યારે ?

ભયંકર પ્રયોગ ! પણ કયો પ્રયોગ ભયંકર નહોતો ? ઈતિહાસ જુઓ કે વિજ્ઞાન; માથું કાપી હાથમાં રાખ્યા સિવાય પ્રયોગ જ થાય નહિ !

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.