૯. અહિંસા

જગજગનાં અંધારાં વામશે,

હો ! આવશે એવાં કો દેવનાં તેજ :

ઉરઉરનાં અંધારાં વામશે,

હોં ! આવશે એવાં કો બ્રહ્મનાં તેજ :

–ન્હાનાલાલ

મોટર અટકી અને અરુણની વિચારમાળા તૂટી.

‘આશ્રમ આવી ગયો.’ રંજને કહ્યું.

આશ્રમ એ ભવ્ય ઇમારત નહોતી; નાની કુટિરોની એક શ્રેણી હતી. એમાં પાસેનું મકાન જરા મોટું ઓસરીવાળું હતું. તેમાં એક ઓરડા હતો. એક-બે નાની ઓરડીઓ અને છૂટીછૂટી બેઠા ઘાટની બંગલીઓ આશ્રમની મર્યાદામાં દેખાતી હતી. પાછળ નાનું મેદાન હતું. છૂટાંછવાયાં ફૂલઝાડ અને લીમડાનાં વૃક્ષો લીલોતરીની ભાત પાડતાં હતાં.

અરુન અને રંજન પાસેની ઓસરી પર ચડયાં. માત્ર ધોતિયું પહેરી એક ધાબળા પર બેઠેલા જનાર્દન બંનેને આવતા જોઈ ઊભા થયા.

‘આવો, આવો. હું તમારી જ રાહ જોઉં છું.’ હાથમાં પુસ્તક હતું તે પાસેના એક નાના મેજ ઉપર મૂકી આગળ આવી જનાર્દને કહ્યું.

‘જરા વાર થઈ ખરું ?’ રંજને નમસ્કાર કરી પૂછયું.

‘હરકત નહિ. હું ક્યારનો રાહ જોયા કરું છું કે હજી વીજળી કેમ ચમકી નહિ.’

અરુને રંજનની સામે જોયું. રંજને હસીને જવાબ આપ્યો :

‘જનાર્દન મને વીજળી કહે છે.’

અરુણને એ ઉપનામ ખરું લાગ્યું. એણે સંમતિદર્શક સ્મિત કર્યું. મેજ ઉપર જનાર્દને મૂકેલા પુસ્તકને ઉદ્દેશી પૂછયું :

‘આપ કયું પુસ્તક જોતા હતા ?’

‘પુષ્પનો પ્રાણ.’

‘વિમોચનનું ? આપની પાસે ક્યાંથી ?’

‘હમણાં જ મને એ પુસ્તક આપી ગયો.’

‘વિમોચન શું અહીં છે ?’

‘હા, પોતાનાં સંગ્રામગીતો બધાંને સમજાવે છે.’ જનાર્દને કહ્યું.

પોતાનાં ગીતો અન્યને મુખે ગવાતાં સાંભળી કયા કવિને હર્ષાશ્રુ નહિ આવ્યાં હોય ? પોતાનાં કાવ્યો જગતના માનવીઓ મુખપાઠ કરે એવા સાત્ત્વિક લોભ વગરનો કવિ હજી જગતમાં અજાણ્યો જ છે.

‘તમને એ પુસ્તક કેવું લાગ્યું ?’ રંજને જનાર્દનને પૂછયું.

કોઈ પણ પુસ્તકને ખરાબ કહેવાનો સમય હવે રહ્યો નથી. ખરાબ છે એમ કોઈ કહે તોપણ તેના લેખની કદી ખાતરી થતી નથી. રેલગાડીમાં વેચાતી ‘માનિતી મેના’ કે ‘શોખીલી શેઠાણી’ ના ઉત્સુક વાચકો પણ હોય છે જ, એટલે તેની વિરુદ્ધ ટીકા કરનારને તેના લેખક ગર્વપૂર્વક ગાડી ભણી આંખ કરવા કહી શકે છે. ‘પુષ્પના પ્રાણ’ સરખી ઉચ્ચ કૃતિ માટે બેમત શી રીતે હોઈ શકે ?

‘પુસ્તક સારું છે.’ જનાર્દને કહ્યું.

‘કશી ખામી નથી ?’

‘એ તો સાહિત્યકારો કહી શકે.’

જનાર્દન જરા અટક્યા. વિમોચનના પુસ્તકની ખામી કહેવાથી રંજનને ખોટું લાગશે કે કેમ તેનો તેમણે ક્ષણભર વિચાર કર્યો. ‘આપણે તો ખરું કહેવાના.’ એમ અભીમાનપૂર્વક જણાવી સામા માણસને ભાલા જેવાં વેણ સંભલાવનાર અપ્રિય, અસ્પૃશ્ય, ખરાબોલાઓના વર્ગમાં બેસવાની જનાર્દનની તૈયારી નહોતી. એટલે અચકાતે અચકાતે એમણે જણાવ્યું :

‘એકંદરે પુસ્તક ઘણું આશાજનક. માત્ર જરા diffuse –ગરગરા પોતવાળું, verbose – શબ્દકાળ અને grip – ભારે આકર્ષણ વગરનું.’

‘હાલની લગભગ બધી કવિતાઓ જેવું, નહિ ?’ અરુણે આકા વર્તમાન કાવ્યસાહિત્યની ટીકા કરી.

‘આ વિમોચન આવે. હવે તું અને તે બંને જણાં પુસ્તકને સારી રીતે સમજો. હું અરુણને આશ્રમ બતાવી આવું.’ વિમોચનને દૂરથિ આવતો જોઈ જનાર્દન બોલ્યા, અને અરુણને લઈ પાસેના ઓરડામાં ગયા.

વિમોચનની પાછળ બીજા પણ આશ્રમવાસી યુવકો આવતા હતા. આશ્રમના સાત્ત્વિક અને સંયમી વાતાવરણમાં તેઓ રહેતા હતા, સુકુમાર સ્રીલાવણ્યને જોઈ તેઓ આંખો મીંચી દેતા નહિ. જગત જીવશે ત્યાં લગી સ્રી-પુરુષનાં આકર્ષણ ચાલુ રહેશે. આશ્રમનિવાસ અને ત્યાંનો સંયમ તેને ઉચ્ચતર, સૂક્ષ્મતર અને વધારે અપાર્થિવ બનાવશે એ વાત ખરી; પરંતુ આંખનાં જાદુઈ અંજન સમૂળાં લુછાઈ જવાનો ભય તો નથી જ.

‘અરુણ ! હવે તું શુ કરવા ધારે છે?’ આશ્રમના જુદા જુદા વિભાગો બતાવતાં જનાર્દને સહજ પૂછયું.

અરુણે ચમકીને જનાર્દન સામે જોયું. આશ્રમ જોઈને તે પણ પોતાના ભવિષ્યનો કાર્યક્રમ ઘડતો હતો.

‘હજી કાંઈ ચોક્કસ નથી. પણ હું બનારસ જોઉં કે પછી કલકત્તા.’ અરુણે છેવટે કહ્યું.

‘ત્યાં જઈ શું કરીશ ?’

‘મારા કેટલાક મિત્રો ત્યાં મળી આવશે.’

‘એટલે ગુજરાત તને અપાત્ર લાગે છે ? ગુજરાતમાં બાઁબ નહિ બની શકે એવી તને ભીતિ છે ?’ જનાર્દને પૂછયું. જનાર્દનની આંખો તેજસ્વી બની ગઈ હતી; અરુણના હૃદયનું ઊંડાણ તે ખોળતી હતી.

‘ગુજરાતમાં ગાંધી છે ત્યાં લગી કશું થાય નહિ.’ અરુણ બોલતાં બોલી ગયો; પરંતુ તેને લાગ્યું કે જનાર્દન સરખા જાણીતા અહિંસક રાજદ્વારી પુરુષ પાસે ગુજરાતની હિંસક શક્તિ વિષે બોલવું ઠીક થતું નથી. તેણે વાતને સહજ પલટો આપ્યો :

‘પણ હું બાઁબ બનાવીશ એવું શા ઉપરથી ધાર્યું ?’

‘તારી ઉંમરે હું પણ એનાં જ સ્વપ્ન સેવતો.’ આંખમાં રમૂજ લાવી જનાર્દને કહ્યું

‘હું સ્વપ્ન સેવતો નથી.’

‘સ્વપ્ન ખરા પાડવા મથે છે, નહિ ?’

અરુણે કાંઈ જવાબ ન આપ્યો. જનાર્દને આશ્રમનું નાનું પણ સુસજ્જ પુસ્તકાલય બતાવ્યું. અરુણે પુસ્તકો જોવા માંડયા. ઈતિહાસ, રાજકીય વિષય અને સામાજિક અવલોકનના કિંમતી ગ્રંથો તેના જોવામાં આવ્યા.

‘પૂરતો અભ્યાસ કર્યા સિવાય હું કોઈને બોલવા કે લખવા દેતો નથી.’ જનાર્દને કહ્યું.

‘એ તો વાસ્તવિક છે.’

જનાર્દને નકશા બતાવ્યા : ‘જો આ જર્મન યુદ્ધ પહેલાંની પૃથ્વી અને આ તે પછીની. કેટલો ફેરફાર !’

‘એ ફેરફાર અહિંસાથી તો નથી થયો ને ?’ કટાક્ષમાં અરુણે પૂછયું.

જનાર્દન હસ્યા : ‘અહિંસાથી થા ફેરફાર જોવા છે ? એ ફેરફાર જોયા પછી તું અહિંસામાં માનીશ ?’

‘મારી ખાતરી થયા વગર નહિ.’

‘અલબત્ત, ખાતરી તો થવી જોઈએ; તું તો ભૌતિક વિજ્ઞાનનો માનતો હોઈશ, આધ્યાત્મિકને નહિ.’

‘અધ્યાત્મજ્ઞાનનો ઉપયોગ હશે, પણ મને દેખાતો નથી. આત્મા એક છે, અમર છે; તે હણાતો નથી : એ બધું જ્ઞાન મને નિરુપયોગી લાગે છે. આપણને દુર્બળ બનાવી દે છે.’

‘ત્યારે તેને આપણે બાજુએ મૂકીએ. જો હું તને થોડાં ચિત્રો બતાવું. આ શું છે ?’ એક મોટું આલબમ કાઢી તેમાંથી પહેલું પાનું ઉઘાડી જનાર્દને અરુણને પૂછયું.

‘પ્રાથમિક – જંગલી મનુષ્ય. વાનરની પેઢી અહીં બરાબર સમજાય છે.’ જરા હસીને અરુણે જણાવ્યું.

‘એ શું કરે છે ?’

‘એ કાંઈ અહીંસા શિખવાડતો નથી ! પથ્થરનો ભાલો લઈને કોઈ રાક્ષસી જાનવરની પાછળ દોડે છે, અને તેની પાછળ બીજું કોઈ ભયાનક જાનવર પડયું છે.’

‘હિંસાનો પદાર્થપાઠ, નહિ ? હવે પાનું ફેરવ. શાનું ચિત્ર છે ?’

‘કોઈ જાંબુવંતીની પાસે એ તમારો પ્રાથમિક મનુષ્ય બેઠો છે.’

‘એ બિચારાં કદરૂપાં માનવીને ભલે તું હસે, પણ એ બંને એકબીજાને તો કદરૂપાં નથી લાગતાં ને ?’

‘ના રે ! કોઈ રોમાંચભરી નવલનાં નાયક-નાયિકા સરખાં પ્રેમી લાગે છે !’

આજનાં સુધરેલાં યુવક-યુવતી દસ હજાર વર્ષ પછીના અતિ વિકસિત માનવીને કદાચ જાંબુવાન અને જાંબુવંતી સરખાં જ લાગશે તો ? ઠીક; અહીં કાંઈ હથિયાર દેખાય છે કે ?’

‘પેલું દૂર નાખી દીધેલું છે. ખોરાક તો તૈયાર પડયો છે; અને પ્રેમીઓ પરસ્પરને જમાડવા આતુર દેખાય છે.’

‘આ જગતની પહેલી અહિંસા પુરુષ અને સ્રી પરસ્પરના સામીપ્યમાં હથિયાર છોડે છે. હવે કહે : અહિંસાનું પાલન ન થયું હોત તો ત્રીજું ચિત્ર બનાવી શકાત ?’ પાનું ફેરવી જનાર્દને ત્રીજું ચિત્ર બતાવ્યું.

અરુણને વધારે રમૂજ પડી. તેણે એ ચિત્ર જોઈ કહ્યું :

‘આ તો પ્રાથમિક માનવીનો પરિવાર !’

‘હિંસા તો ન હોય ને ? ભાલા-તલવારથી વીંધી-કાપીને બાળઉછેર નથી થતો ને ?’

‘તેમ હોય તો બાળકો ઊછરે કેમ ?’

‘ત્યારે એ અહિંસાનું બીજું પગલું. આપણે આગળ ચાલીએ. જો પાછી તારી હિંસા બતાવું. આ બે ટોળાં જોયાં ?’ આગળનું ચિત્ર જનાર્દને અરુણને બતાવ્યું. પરસ્પરને પીંખી નાખતાં જંગલી માનવીઓનાં બે નાનાં ટોળાં ચિત્રમાં દેખાતાં હતાં. કોઈ માનવી મૃત્યુ પામ્યો હતો, કોઈ માનવી છેલ્લો શ્વાસ લેતો હતો; કોઈ વળી ઘવાઈને નીચે પડયો હતો, અને બીજા એકમેકની સામે ખૂનખાર યુદ્ધ કરતા હતા.

‘આ પણ અહિંસા ?’ અરુણે પૂછયું.

‘આ અહિંસાનો જ માર્ગ. તેં તો સમાજશાસ્રનો અભ્યાસ કર્યો હશે. આ બે ટોળાં કેમ લડે છે તે કહીશ ?’

‘એ ચિત્ર નીચે જ લખ્યું છે કે ખોરાક અને સ્રી પ્રાપ્ત કરવાં.’

‘એક નાના કુટુંબના ઉછેરમાં હિંસા નહોતી. બે કુટુંબ થયાં એટલે પરસ્પર અથડાયાં. અલબત્ત, એ હિંસા કરવા પ્રવૃત્ત થયાં; પરંતુ એ હિંસાનું નિવારણ કેમ થયું તે તને બતાવું ?’ એમ કહી તેમણે બીજું પાનું ઉઘાડયું, વધારે મોટું ટોળું બેઠેલું હતું. સંખ્યબંધ સ્રીઓ એ સ્થળે હરતીફરતી હતી અને નાનાં બાળકો જંગલી રમતો રમતે રમતે પોતાનાં જંગલી માતાપિતાનું અણઘડ વાત્સલ્ય આકર્ષતાં હતાં.

‘આ બે ટોળાંના યુદ્ધને પરિણામે બંને ટોળાં ભેગાં થઈ ગયાં. એક ટોળાની પુત્રીઓ બીજા ટોળામાં જઈ માતા બની ગઈ. એ વ્યવહાર બંને ટોળાંને ભેગાં ન કરે તો બીજું શું કરે ? જો આ મોટો માનવસમૂહ રચાયો ! અહિંસાનો ત્રીજો ક્રમ !’

આમ આખી ચિત્રમાળામાં અહિંસાને અનુલક્ષીને જગતના વિકાસનો ઇતિહાસ આલેખ્યો હતો. એટલું તો ખરું જ કે જગતના ઇતિહાસનું સમગ્રદર્શી અવલોકન કરવામાં આવે તો માનવજાત વિકાસના કોઈ મહાપ્રવાહનાં ઊંચાંનીચાં મોજાં સાથે હેરિયાં લેતી આગળ વધ્યે જાય છે એક સહજ જણાઈ આવશે. કુટુંબ, કબીલો, ગોત્ર, ન્યાત, જાત અને છેવટે પ્રજા કે રાષ્ટ્રની ધીમે ધીમે વધતી જતી સીમાઓ સ્વીકારી સંસ્કારવર્ધનનો ભૌતિક અને માનસિક સાધનોથી વધુ અને વધુ સજ્જ થતી માનવજાત એકતા પ્રાપ્ત કરતી ચાલી આવે છે. માનવીએ કુટુંબ બનાવ્યું. અને કુટુંબમાંથી હિંસા દૂર કરી; કબીલો રચી હિંસાને કબીલાપાર કરી; ગોત્ર, ન્યાત અને જાતની ઘટના થતાં જે તે સમુદાયમાંથી હિંસાનો બહિષ્કાર કર્યો. પ્રજાજૂથ – રાષ્ટ્રનું ઘડતર ઘડાતાં હિંસાને રાષ્ટ્ર બહાર કરી. એક જ કુટુંબના કુટુંબીઓ પોતાના ઝઘડા મટાડવા હિંસાનો આશ્રય લેતા નથી; જો કોઈ હિંસાનો આશ્રય લે તો તે કુટુંબનો ગુનેગાર બને છે. એક જ રાષ્ટ્રના પ્રજાજનો પરસ્પરની તકરાર મટાડવા તલવારો ઉછાળતા નથી; અને જો કોઈ ભૂલેચૂકે તલવાર ઉછાળે તો તે આખા રાષ્ટ્રનો – આખી પ્રજાનો દ્રોહી બને છે. હિંસાને રાષ્ટ્ર બહાર હાંકી કાઢવા જેટલી પ્રગતિ આજના માનવીએ સાધી છે.

ચિત્ર દ્વારા આવું કાંઈ સિદ્ધ કરવા જનાર્દન પ્રયત્ન કરતા હતા. ચિત્રો આકર્ષક હતાં, અને તેમની ગોઠવણી પાછળ રહેલી અહિંસાની ફિલસૂફી અરુણને ગમી ખરી – જોકે એટલા ઉપરથી તેની અહિંસા ઉપર શ્રદ્ધા ચોંટી હતી એમ કહી શકાય નહિ. અહિંસાને હસી કાઢવાની વૃત્તિ તેને વારંવાર થઈ આવતી.

‘હિંસાને રાષ્ટ્ર બહાર કરી એટલે જગતમાંથી હિંસા ઓછી થઈ ગઈ, ખરું ? ઈસુનાં પેલાં ચાર યાદગાર વર્ષો ભૂલી ગયા હશો ! – ઓગણીસસો ચૌદથી ઓગણીસસો અઢાર !’ અરુણે કરડાકીમાં જણાવ્યું.

‘જ્યારે તું નાનકડા વિદ્યાર્થી તરીકે એ યુદ્ધની વાત લોકોને મોંએ સાંભળતો અગર ગુજરાતી પત્રો વાંચતો ત્યારે હું એ જર્મન યુદ્ધની વચમાં જ ફરતો હતો. હું એ કેમ ભૂલું ?’

‘ત્યારે તો એ હિંસાની કમકામાટીમાં અહિંસાના પૂજક આપ કેમ ન બન્યા હો ?’

‘એમ હોય તોયે શું ખોટું ? જગતમાં હિંસાને પોષનારાં જે તત્ત્વો હતાં તે ઘણાંખરાં એમાં બળીને ખાખ થઈ ગયાં.’

‘મને ન સમજાયું.’

‘જો આ આગનાં ચિત્રો, જર્મન યુદ્ધનું એક પરિણામ શું દેખાય છે ?’

‘રશિયાનો ઝાર, જર્મનીનો કૈસર અને તુર્કસ્તાનનો સુલતાન અદૃશ્ય થઈ ગયા.’

‘એટલે શું તે તને સમજાયું ? હિંસાને પોષનારી વ્યક્તિગત રાજ-સત્તાનો અંત આવ્યો. રાજા એ રાજ્યનો અંતિમ માલિક નથી એ બહુ વખતથી સમજાયેલી સંભાવનાં સિદ્ધ થઈ. છત્રપતિના નાટકનો એ છેલ્લો અંક.’

‘પણ તેથી શું ? અહિંસા ક્યાં આવી ?

એક ચિત્ર આગળ કાઢી જનાર્દને કહ્યું :

‘જો, અહિંસા અહીં આવી.’

‘એ તો રાષ્ટ્રસંઘ – League of Nations નું ચિત્ર !’

‘એટલે રાષ્ટ્રધર્મનું મિથ્યાત્વ ! હિંસાને માટે સંપૂર્ણ સાધનો તૈયાર રાખી ઝૂકી પડેલા રાષ્ટ્રને પૂછ કે તમારી હિંસા તમને શું આપ્યું ?’

‘જીતેલાં રાષ્ટ્રને વિજય આપ્યો.’

‘વિજેતા રાષ્ટ્રોને બોલવા દે. તેમને વિજય મળ્યો હોત તો આ રાષ્ટ્રસંઘની કલ્પના ઊભી જ ન થાત. એક બાળક સમજી શકે એવી દલીલ હવે સમજાઈ કે બે વ્યક્તિઓના ઝઘડા મસલતથિ કે લવાદીથી પતી શકે તો રાષ્ટ્રના ઝઘડા પતાવવા સમશેર ચમકાવવાની કાંઈ જરૂર ? બે કોમોની તકરારનો નિકાલ એક અદાલત કરી શકે. અને એ અદાલતોના ચાલકોને બે રાષ્ટ્રની તકરાર ઉકેલવા માણસો કેમ ખોવાં પોસાય ? રાષ્ટ્રોનાં મિથ્યાભિમાન ગળી ગયાં છે, રાષ્ટ્રો પરસ્પર સંકલિત થઈ રાષ્ટ્રસીમા ઓળંગી – humanity – માનવમહારાષ્ટ્ર બનવા મથી રહ્યાં છે, અને એ મંથનમાં જ હિંસાને આપણે જગતપાર કરી દઈશું – આજ નહિ તો સૈકા પછી.’

જનાર્દનની આંખો ચમકચમક ચમકી રહી. પ્રેરણા પામતા ફિલસૂફ કે જગતની વ્યવસ્થા તોડી ઘેલછામાં ધસતા માનવીની આંખમાં જ એ ચમક દેખી શકાય. એક ઘેલા બુદ્ધે બે હજાર વર્ષ ઉપર બાંગ પુકારી હતી કે અહિંસા પરમ ધર્મ છે; હિંદ, ચીન, જાપાન અને મધ્ય એશિયાએ એ બાંગ ઉપાડી લીધી. આજ એક ઘેલો ગાંધી પુકારે છે કે અહિંસા પરમ ધર્મ છે. એનો તો ધર્મમાં જ ઉપયોગ થાય ને ? ગાંધી કહે છે કે ‘ના; એકલા ધર્મમાં નહિ; જીવનના એકએક ભાગમાં.’ રાજપ્રકરણમાં પણ ? ‘હા; કેમ નહિ ? ધર્મ એટલે ક્રિયાકાંડ નહીં, ધર્મ એટલે આખું જીવન.’

આ બંને ભેખધારી શું ઘેલા હશે ? જગતને કોણ હલાવી શકે ? ડાહ્યા વામનજીઓ કે ધગધગતી ઘેલછાભર્યું કોઈ વિરાટ માનવ સત્ત્વ ? જગત જવાબ આપે છેઃ ઘેલછા એટલે પ્રગતિ, વહેતાં પાણી. ડહાપણ એટલે સ્થિરતા – હલનચલનનો અભાવ – ભરાઈ રહેલાં પાણી. સુધરેલાં રાષ્ટ્રોએ તો ઝાંખું ઝાંખું જોઈ લીધું છે કે હિંસા મિથ્યા છે. હિંસારહિત સાધનો રાષ્ટ્રો વચ્ચે કેમ ન યોજાય ? અને તેમણે અહિંસાના વિજયનો વાવટો રાષ્ટ્રસંઘ ઉપર જાણ્યેઅજાણ્યે ચડાવી દીધો; હિંસા વગર રાજ્યો–રાષ્ટ્રોના ઝઘડા પતાવવાની બાંગ પુકારી; વિચાર-સંસ્કૃતિએ એક નવી ફાળ ભરી.

અરુણે જનાર્દનની આંખનો ચમકારો દીઠો. જેની આંખમાં એ ચમક દેખાય તે ભયથી ભલો બનેલો ન હોય. જનાર્દન હસી કાઢવા જેવો – ન છૂટકે જાહેર જીવનમાં પડેલો – અશક્તિમાન સાધુ નહોતો.

‘આ ચિત્રો કોણે કાઢયાં ?’ અરુણે આ નવીન ચિત્રમાળાથી પ્રસન્ન થઈને પૂછયું.

‘રંજન અને પુષ્પા બેએ મળી કાઢયાં છે.’ જનાર્દને જવાબ આપ્યો.

રંજનને તો અરુણ ઓળખતો હતો. પુષ્પા કોણ હશે ? તેને પૂછવાનું મન થયું. વાત કરતી વખતે નામોચ્ચારણ સાથે નાની વિવેચનનોંધ થઈ શકતી હોય તો ઘણી ભેદી કલ્પનાઓ ઓછી થાત; પરંતુ એવી સગવડ બની શકતી નથી. અને અણઓળખ્યા નામનું ઓળખાણ પાડવા પ્રયત્ન થઈ શકતો નથી – ખાસ કરી સ્રીવાચક નામ આવે ત્યારે. પુષ્પા કોણ છે તે પૂછવાનું અરુણે માંડી વાળ્યું.

‘ચિત્રો ઘણાં ખરાં સારાં છે પણ હજી મને અહિંસ રુચી નહિ. તમે સ્વતંત્ર રાષ્ટ્રોની વાત કરી; પરંતુ બીજાની તાબેદારીમાં પડેલી પ્રજાને અહિંસા શો લાભ કરે ?’ અરુણે પૂછયું.

‘હવે આ સ્થળ ક્યાં સુધી જોવું છે ?’ પાછળથી રંજનનો અવાજ આવ્યો. ‘આશ્રમવાસીઓ તમારો પરિચય માગે છે. બધાંને મળો તો ખરા !’ રંજન ધીમેથી ઓરડામાં આવી. જનાર્દને ચિત્રમાળા બંધ કરી અને કહ્યું :

‘અરુણ ! તું બનારસ જાય તે પહેલાં એક માસ અહીં રહે તો કેવું ?’

‘બનારસ કેમ જાઓ છો ?’ રંજને પૂછયું.

‘એને સંન્યાસી બનવું છે.’ જનાર્દને જવાબ આપ્યો.

રંજન કાંઈ બોલી નહિ; તેણે એક ક્ષણ અરુણ તરફ ધારીને જોઈ લીધું.

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.