ગોરો આવ્યો
શું શું લાવ્યો ?
અરુણ વિચાર કરતો બેસ રહ્યો. નોકરે આવી તેના હાથમાં એક વિઝિટિંગ કાર્ડ મૂક્યું તેટલામાં અનેક વિચારો તેને આવી ગયા. તેના વિચારોનું એક કેદ્ર હતું : પિતાને પ્રસન્ન રાખીને દેશસેવા કેમ થાય ?
કાર્ડ જોતાં જ તે બોલી ઊઠયો :
‘અરે અંદર બોલાવ ! જલદી !’
અને આવનારની રાહ જોઈ બારણા ભણી જોતો બેઠો. બે-ત્રણ મિનિટમાં બારણામાંથી એક વ્યક્તિ અને વાક્યોએ સાથે પ્રવેશ કર્યો.
‘હેલો, હેલો ! ઓલ્ડ બૉય ! કાઁગ્રેચ્યુલેશન !’
એ વાક્યો ઉચ્ચારનાર વ્યક્તિએ બહુ જ સફાઈવાળો અંગ્રેજી પોશાક પહેર્યો હતો. વિલાયતમાં રહેતા ફરંદા શોખીન અંગ્રેજી યુવાનને પણ એ શૈલીમાંથી કંઈક શીખવાનું મળે એવો ખામીરહિત એ પોશાક હતો. અંગ્રેજી પોશાક શરીરમાં ભારે ચપળતા પ્રેરે છે અને અનહદ સ્વાસ્થ અર્પે છે. બહુ ઝડપથી એ વ્યક્તિએ અંદર આવી, હાથ લાંબો કરી, અરુણના હાથને પકડી હલાવી નાખ્યો. પછી પાસે પડેલી ખુરશી ઉપર જરા પણ સંકોચ વગર બની શકે એટલા વિસ્તારથી બેસી શીંગડા જેવી સિગાર પીવા માંડી.
દરમિયાન તેમની પાછળ આવેલા એક સાદા દેખાવના સજ્જનને તેમણે ઈશારાથી જ ખુરશી બતાવી. તેના ઉપર તેઓ બેઠા. તેમણે માત્ર એક ધોતિયું પહેર્યું હતું અને એક ધોતિયું ઓઢયું હતું.
‘કૃષ્ણકાન્ત ! તમારે કાર્ડ મોકલવાની જરૂર હોય ?’ અરુણે જણાવ્યું.
‘અલબત્ત, અલબત્ત, એ પદ્ધતિ તો ખાસ રાખવો જેવી છે. કોઈના ઘરમાં ખબર આપ્યા વગર ઘૂસવું, એ જંગલીપણું દૂર કરવું જોઈએ.’ મોંમાં સિગાર રાખીને બોલી શકાય એવી ભારે કુનેહ કૃષ્ણકાન્તે મેળવી હતી. તેઓ અનુકૂળતા પ્રમાણે અંગ્રેજી તેમ જ ગુજરાતી ભાષા બોલતા હતા. કૃષ્ણકાન્ત અરુણના બનેવી થતા હતા. તેમના સિદ્ધાંતોમાં કાંઈ વાંધો લેવા જેવું ન લાગ્યાથી કાર્ડ વગર ગૃહપ્રવેશ કરાય કે નહિ એ પ્રશ્ન વિષે અરુણે ચર્ચા કરી નહિ અને પૂછયું :
‘મને સાની મુબારકબાદી આપો છો ?’
‘કેમ ? તમે કેસમાં નિર્દોષ ઠરી છૂટી ગયા એ ઓછી ખુશીની વાત છે ?’ કૃષ્ણકાન્તે જણાવ્યું.
‘તમારો પત્ર મળ્યો હતો.’
‘પત્ર બસ ન કહેવાય. મારે રૂબરૂ આવવું જોઈતું હતું. ચુકાદાને દિવસે જ હું કૉર્ટમાં આવવાનો હતો; પરંતુ મારી મિલમાં તકરાર ઊભી થઈ એટલે મારાથી આવી શકાયું નહિ.’
‘બહેન આવી હતી.’
‘અમે બંને સાથે જ આવત. હા, આ ભાઈનું હું ઓળખાણ કરાવું. એનું નામ જનાર્દન. અમારા શહેરના એ ગાંધીજી છે !’ જરા હસી કૃષ્ણકાન્તે કહ્યું.
‘હું તો એ મહાત્માની ચરણરજ છું. જગતમાં બીજો ગાંધી છે જ નહિ.’ જનાર્દને કહ્યું.
અરુણે જનાર્દનનું નામ સાંભળ્યું હતું; તેમની પ્રવૃત્તિઓ વિષે તેને થોડીઘણી માહિતી પણ હતી. પરંતુ અહિંસાને કાયરોની ફિલસૂફી તરીકે તથા રેંટિયાને અશક્ત ડોશીઓના ચિહ્ન તરીકે તે લેખતો હોવાથી અરુણે આ ગાંધીજીના અનુયાયીની પ્રવૃત્તિઓ તરફ વધારે ધ્યાન આપ્યું નહોતું. જનાર્દનને ભાળી અરુણની જિજ્ઞાસા જરા વધી. તેમના દેહ ઉપર કાયરતાનાં ચિહ્નો નહોતાં, મુખ ઉપર અશક્તિની પણ છાપ દેખાઈ નહિ. તેમનું સ્વચ્છ મુખ અને આરોગ્યભર્યો દેહ જોયા પછી ગાંધીજીના અનુયાયીઓમાં અરુણે કલ્પેલી નિર્માલ્યતા, ચિંતા, ભૂખમરો અને ગમગીનીની છાપ ભૂલભરેલી હતી એમ તેને લાગ્યું. અરુણે જનાર્દનને નમસ્કાર કર્યા અને કૃષ્ણકાન્તે કહ્યું :
‘એમનું નામ તો સાંભળ્યું હતું. આજે રૂબરૂ મળાયું તેથી બહુ આનંદ થયો. હવે મારી ઓળખાણ કરાવો.’
‘તમારી ઓળખાણ કૃષ્ણકાન્તભાઈએ પહેલેથી જ કરાવી હતી. તમારા ઉપર કેસ ચાલતો ત્યારથી નામે તો તમને ઓળખું. મુંબઈથી પાછા ફરતાં કૃષ્ણકાન્ત તમને મળવા અહીં ઊતરી જવાના હતા. હું સાથે હતો એટલે મને પણ તમને મળવાની ઈચ્છા થઈ.’ જનાર્દને કહ્યું.
‘બહુ સારું થયું. મારા ઉપર ઉપકાર થયો. પણ તમે બંને ક્યાંથી સાથે થઈ ગયા ?’ અરુણે પૂછયું :
‘અમે એકબીજાના દુશ્મનમિત્રો છીએ.’ હસીને કૃષ્ણકાન્તે કહ્યું.
‘હું કોઈની દુશ્મનાવટમાં માનતો નથી. મિલના મજૂરો અને કૃષ્ણકાન્તની વચ્ચે બક્ષિસ-Bonu-ના દર સંબંધી તકરાર પડી; તે પતાવવા મને વચ્ચે રાખ્યો. સમાધાનની શરતો કોઈ સારા ધારાશાસ્રી પાસે ઘડાવવાની કૃષ્ણકાન્તની ઈચ્છા હોવાથી મને તેઓ સાથે લઈ ગયા હતા.’ જનાર્દનને જણાવ્યું.
અરુણે આ મજૂરોની તકરાર વિષે વર્તમાનપત્રોમાં વાંચ્યું હતું. મૂડીવાદનો તે કટ્ટો શત્રુ હતો. સમાધાનની શરતો સંબંધી કેટલીક વાત ચાલી; મિલમાલિકોની સ્વાર્થપરાયણતાનો ઈશારો પણ થયો; તેમના સારા અંશો વિષે પણ સહજ વિવેચન થયું. પછી કૃષ્ણકાન્તે વાદવિવાદ અટકાવવા પૂછયું :
‘Where’s old man ?’
અરુણ સમજ્યો કે પોતાના પિતા માટે આ પ્રશ્ન પુછાયો છે. અંગ્રેજી ભાષાના સારા અભ્યાસને પરિણામે અને જીર્ણ થઈ ગયેલા આર્યજીવનમાં અંગ્રેજી જીવનનો ચમકારો દાખલ કરવાની મહેચ્છાએ યુવકોની વાણીમાં બેફિકરાઈનો ઝોક, ચબરાકીભરી બેઅદબીની આછી છાયા અને તિરસ્કારરહિત વ્યંગ દાખલ કરવા માંડયાં છે. વાક્ચાલાકી – Smartness – તરીકે એ પ્રથાનું માન ધીમે ધીમે વધતું જાય છે. કૃષ્ણકાન્ત પૂરી અંગ્રેજી ઢબના હિમાયતી હતા. તેમના દેખાવ અને વાણીમાં એ ચાલાકી એક ગુજરાતીમાં જેટલી વધારેમાં વધારે ઊતરે એટલી તેમણે ઉતારી હતી.
‘હું ખબર કહેવરાવું છું; ઘરમાં જ છે.’ અરુણે જવાબ આપ્યો.
‘તમારે મારી સાથેક આવવાનું છે; સુરભિએ ખાસ કહેવરાવ્યું છે. એકાદ અઠવાડિયું સાથે રહેવાશે.’ કૃષ્ણકાન્તે આગ્રહ કર્યો અને એ આગ્રહમાં અરુણની બહેન સુરભિનો આગ્રહ પણ ઉમેર્યો.
બહેનને મળવાની અરુણની ઇચ્છા થઈ; પરંતુ જૂના રિવાજોને જતા કરતા યુગમાં પણ બહેનને ઘેર જઈ રહેતાં ભાઈને સંકોચ થાય છે. વળી કૃષ્ણકાન્તની રહેણી બહુ જુદા પ્રકારની હતી; તેની સાથે અરુણને રહેવું ફાવે એમ નહોતું.
‘હમણાં તો ક્યાં આવું ?’ અરુણે નામરજી બતાવી.
‘એ ચાલવાનું નથી. આજે જ નીકળવું છે.’
‘મારી પણ તમને વિનંતી છે. તમારો પરિચય વધશે તો મને લાભ છે.’ જનાર્દને કહ્યું.
અરુણના પિતા ત્યાં આવ્યા. કૃષ્ણકાંતે પોતાને નમસ્કાર કરતાં જાણે ફાવતું ન હોય એવી રીતે નમસ્કાર કર્યા. જનાર્દનની ઓળખાણ કરાવી. બંને જણે અરુણને સાથે લઈ જવા આગ્રહ કર્યો. અરુણનુ મન દુખવ્યાનો ચણચણાટ ભોગવતા પિતાએ અરુણને તેની મરજી પ્રમાણે કરવા જણાવ્યું. બહેનને મળાશે અને જનાર્દનની જાણીતી થયેલી પ્રવૃત્તિઓ જોવાનો લાભ મળશે. એવી ધારણાથી છેવટે અરુણે જવાનું કબૂલ કર્યું.
‘That’s a goodboy sport !’ કહી ઊભા થઈ કૃષ્ણકાંતે અરુણનો વાંસો થાબડયો. થોડાક કલાક ત્યાં રહી ત્રણે જણ નીકળ્યા. વચમાં અરુણના પિતાએ કૃષ્ણકાંતને એકાંતમાં બોલાવી અરુણને લાગેલી દેશસેવાની ધૂન છોડાવવા બનતો પ્રયત્ન કરવાની વિનંતી કરી.
‘મારે ત્યાં થોડો વખત રહેશે એટલે બરાબર ઠેકાણે આવશે. એણે સોસાયટી બરાબર જોઈ નથી. એ જોશે એટલે દેશબેશનું બધું-humbug તૂત ભૂલી જશે.’ કૃષ્ણકાંતે આશ્વાસન આપ્યું.
Feedback/Errata