સ્નેહીનાં સોણલાં આવે, સાહેલડી !
ઉરનાં એકાંત મ્હારાં ભડકે બળે !
હૈયાનાં હેત તો સતાવે સાહેલડી !
આશાની વેલ મ્હારી ઊગી ઢળે !
−ન્હાનાલાલ
રંજન ઘેર આવી ત્યારે કૃષ્ણકાંત એની રાહ જોઈને બેઠો હતો. તેના આવતાં બરોબર કૃષ્ણકાંતે કહ્યું :
‘ચાલ, એક રાત ઉજાગરો કર્યો તેનો તને બદલો સારો મળ્યો.’
‘શો બદલો, ભાઈ ?’ ભાઈની જોડમાં જ બેસી જઈ તેણે પૂછયું.
‘જો હવે તું પેપરે ચડી. તારાં રેખાચિત્રો લખાવા માંડયા.’ રંજને ભમ્મર ઊંચકી, અને તે હસી.
‘એ વળી ક્યાં આવ્યું ? કોણ એવો મૂર્ખ છે ?’
‘જો આ, બિચારાએ બે કૉલમ ભર્યા છે, તારી છબી આપી છે, તોય તારે એને મૂર્ખ કહેવો ?’
રંજને પત્ર હાથમાં લીધું, અને જરા વારમાં જમીન ઉપર ફેંકી દીધું.
‘આવી છબી ? હટ !’
‘શી ખોટી છે ?’ અંત્યજોની સેવા કરવાનું તેં વ્રત લીધું છે એમ આ પત્ર કહે છે. એ ખરી વાત હોય તો તારી છબી હબસી જેવી જ પડવી જોઈએ. અંત્યજો અને હબસીઓની સ્થિતિ સરખી જ છે.’
‘મારી છબી તમે આપી હતી, ભાઈ ?’
‘તારી છબી તેં જ આપી હશે; હું શું કરવા આપું ? મારું રેખાચિત્ર છાપે તો હું મારી છબી આપું. અરે રંજન ! રેખાચિત્ર એટલે કેવું ચિત્ર ?’
‘આ મારી છબી આપી છે એનું નામ રેખાચિત્ર.’
‘ના ના; તારાં તો વખાણ કર્યાં છે. જો હું વાંચી સંભળાવું :’
એક ધનાઢય કુટુંબની બેટીએ ધારણ કરેલો ભેખ !
રાજકીય ઝંઝાવાતમાં ઝઝૂમતા જુવાનોને જીવનભરની ચમચમતી ચીમકી લગાવી, ખરી ખુદાઈ કયાં કેદ્રિત થયેલી છે, એ બતાવનાર એક વીર વીરાંગનાનો આ ટૂંકો પરિચય છે…
‘અરે રંજન ! એ જજ્જા ને ઝઝ્ઝા ને ચચ્ચા ને એ બધું શું છે ?’
‘ફેંકો એને દૂર ! લખનારનું ભેજું ઠેકાણે નહિ હોય ! ‘ કહી કૃષ્ણકાંતના હાથમાંથી પત્ર ઝૂંટવી લઈ રંજને ફરી ફેંકી દીધું.
‘તારા મિત્રની આવી ટીકા કરે છે ?’
‘મારો કયો મિત્ર ?’
‘કેમ વિમોચન !’
‘મારો મિત્ર શાનો ? એ તો તમારો મિત્ર. તમે એને પહેલવહેલો લાવ્યા.’
‘એની બોલી બહુ જ રમૂજ આપે એવી છે એટલે હું એને લાવેલો. પણ પછી તો એ તારો મિત્ર બની ગયો.’
‘છે મારો મિત્ર !’ કહી રંજને ખભા ઊંચક્યા.
‘જો, એ જ સાક્ષર પધાર્યા.’ બારીમાંથી દૃષ્ટિ બહાર પડતાં કૃષ્ણકાંતે કહ્યું. સાક્ષર વિમોચન ઘરમાં પ્રવેશ કરતા હતા.
‘કહેજો કે હું તો સૂઈ ગઈ છું. ખરેખર મને ઊંઘ આવે છે. પાછું બાર વાગ્યે જવાનું અને ભાભીને ઘેર મોકલવાનાં’- કહી રંજન ઊઠી ઓરડા બહાર ચાલી ગઈ.
ધીર ગંભીર ગતિથી, વિચારમાં નમેલી ભમ્મરો નીચેથી કોઈને શોધતી આંખ ચમકાવતા ઊંચા સાક્ષર વિમોચન હાથમાં એક પુસ્તક અને છાપું લઈ અંદર પધાર્યા.
‘આવો સાક્ષર !’ કૃષ્ણકાંતે કહ્યું.
‘જેને તેને સાક્ષર કહી આપણે સાક્ષર શબ્દને હળવો બનાવી દીધો છે.’ વિમોચને બેસતાં કહ્યું. વિમોચનનું માનવું એમ હતું કે પોતાના સરખા એક-બે ગુજરાતીઓ સિવાય બીજા કોઈને પણ સાક્ષર કહી શકાય નહિ એવો કાયદો ઘડવો જોઈએ.
‘અરે ભાઈ ! હજી ક્યાં શબ્દ હળવો થયો છે ? મારાથી તો ઘણી વખત ઉચ્ચાર જ થતો નથી. It’s a tounge-twister.’
‘રંજનગૌરી નથી? હું એક-બે સ્થળે ભમી આવ્યો, ઘેર ગયાં છે એમ ખબર પડી.’
‘રંજન આવી છે, પણ ઉજાગરાને લીધે સૂઈ ગઈ છે.’
‘ઘણું સારું. આરામ લેવા દો; હું બેઠો છું.’ વિમોચન નિશ્ચિતપણે બેઠા. હાસ્યરસના એક લેખકે ગુંદરિયાનું વર્ગીકરણ પ્રસિદ્ધ કર્યું હતું તેમાં ગુંદરિયા સાક્ષરોને સ્થાન આપ્યું હતું કે નહિ તેનો કૃષ્ણકાંત વિચાર કરવા લાગ્યો. સાક્ષરોનો ઉપદ્રવ આજકાલનો નથી.
જરા રહી કૃષ્ણકાંતે કહ્યું :
‘રંજન તો તમારા પર ગુસ્સે થઈ છે.’
‘શા કારણે ? મેં ચીતરેલું રેખાચિત્ર એમણે વાંચ્યું ?’
‘અરે, એણે તો એનું ચિત્ર જોઈને જ તમારું છાપું ફેંકી દીધું. જેમાં ચિત્ર આવું તેમાં રેખાચિત્ર વળી સારું શાનું હોય ? That’s what she thought about it.’
‘એ ભૂલ થઈ. એમની રસવૃત્તિ મારે સમજવી જોઈતી હતી. વર્તમાનપત્રોમાં ચિત્રો દીપી ઊઠતાં નથી એ સત્ય છે. હું એમની ક્ષમા માગી લઈશ.’
‘એ તો પાછી બાર વાગ્યે જશે.’
‘ક્યાં ?’
‘પેલો ભગત આવતો હતો ને ? તેને ત્યાં.’
‘એમ ? ત્યારે તો કાલની માફક હું એમની સાથે જ જઈશ.’
‘તમે કાલે એની સાથે હતા ?’
‘હાસ્તો. તે વિના આ રેખાચિત્ર હું કેમ દોરી શક્યો હોત ?’
‘તમે ક્યાંથી એની જોડે થઈ ગયા ?’
‘કચેરીમાં રંજનગૌરીને જોયાં નહિ એટલે પુષ્પાબહેનને મેં પૂછી જોયું; એમણે કહ્યું કે રંજનગૌરી તો ઘેર ગયાં. કાંઈ કારણ આપ્યું નહિ એટલે મને ચિંતા થઈ; હું બધું પડતું મૂકી અહીં આવ્યો તો રંજનગૌરી રડતાં બેઠાં હતાં. કોણ જાણે કેમ પરંતુ મારા આવ્યાથી રાજી થયાં.’
‘મને કશી ખબર નહિ. પછીથી તમને શોધ્યા પણ તમે દેખાયા નહિ.’
‘હું પાછો આવત, પણ રંજનગૌરી કચેરીમાં આવવાની ના પાડી. તેમને યાદ આવ્યું કે પેલા ધના ભગતનો કિસન માંદો છે તેને જોવા જવું જોઈએ. હું પણ સાથે ગયો. ત્યાંથી પ્રેસમાં જઈ રંજનગૌરીનું રેખાચિત્ર લખી કાઢી કાલ ને કાલ પત્રમાં છપાવ્યું.’ રંજનગૌરી શબ્દનો ઉચ્ચાર કરવાની એક પણ તક ન જવા દેતા સાક્ષરે રેખાચિત્રનો ઈતિહાસ આલેખ્યો.
જે સમયે સાક્ષર વિમોચન રંજનનું નામ રસપૂર્વક લઈ રહ્યા હતા તે વખતે રંજન ઊંઘવાનો પ્રયત્ન કરતી હતી. પ્રયત્નની કરતી હતી. પ્રયત્નથી સર્વ વસ્તુ સાધ્ય થાય એવું સૂત્ર છે; એક નિદ્રા જ પ્રયત્નથી મળી શકતી નથી. અરુણની ભાળવણી પુષ્પાને હસ્તે મુખે કરનાર રંજનને ત્યાંથી તુર્ત ઘેર નાસી આવી એકાંત ખોળવું પડયું તેથી તેનું હૃદય ભરાઈ આવ્યું હતું. મોકળે મને આંસુ ઢાળ્યા વગર ચાલશે જ નહિ, એમ તેને થયું. અને ખરે, ઘરમાં આવી પોતાની ઓરડીમાં પગ મૂકતાં બરોબર તેની આંખમાં અટકી રહેલા આંસુ તૂટેલા મોતીહારનાં મોતી સરખાં સરી પડયાં.
કોને માટે ? શાને માટે ? બીજું કોઈ આમ આંસુ ઢાળતું હોત તો રંજનને કેટલું હસવું આવત ! સ્ત્રીનું સ્વતંત્ર જીવન તેને માટે પૂરતું થઈ પડવું જોઈએ એવી તેની માન્યતા હતી, અને એ માન્યતા પ્રમાણે સર્વ સંબંધોમાં મીઠાશ રેડતી અને સર્વ સંબંધમાંથી મીઠાશ મેળવતી રંજન અનેક પુરુષોનાં હૃદય સળગાવી મૂકતી, છતાં જાતે સ્થિર રહેતી. પુરુષની અનિવાર્ય જરૂર સ્ત્રીને હોય એમ તેને હજી સુધી લાગ્યું નહોતું. સ્ત્રીના એકાંકી જીવનમાં પરિપૂર્ણતા ભાળતી રંજન અલબત્ત પુરુષદ્વેષી તો બની જ નહોતી; માત્ર તે જેવી સરળતાથી સ્ત્રીઓમાં ભળતી તેવી જ સરળતાથી પુરુષોમાં પણ ભળતી સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ બંનેમાં તે સમાન પ્રિય થઈ પડી હતી. કૃષ્ણકાંતની માફક તેના સ્વભાવમાં પણ ઝેર હતું નહિ એટલે તેનું કોઈ વિરોધી પણ ન હતું; માત્ર તેને એ ખબર નહોતી કે તેના સરળ મળતાવડાપણાને લીધે તેણે કૈંક યુવકોને પોતાની છટા પાછળ ઊડતાં પતંગિયા બનાવી દીધા હતા.
બળવાખોર અરુણની વાત ભાઈ અગર ભાભીને મોંએ સાંભળીને તેને ભારે કુતૂહલ થયું હતું. તેને જોતાં તેને માટે જ માનસિક ચિત્ર તેને કલ્પી રાખ્યું હતું તેને મળતી આકૃતિ જોઈ રંજનને સાનંદશ્વર્ય થયું. બળવાખોરનો સહવાસ વધતાં તેને કેટલેક દિવસે એવો ભાવ થઈ આવ્યો કે બધા પુરુષોથી નોખો પડી આવતો એ યુવક નોખો જ રહે – સહુથી અલગ રહે, અને સહુથી અલગ રહી માત્ર રંજનની જ નિકટતા ખોળે ! પુરુષની પ્રથમ પિપાસા તેના હૃદયમાં જાગી. તે ચમકી. તેના સ્વતંત્ર જીવનની મર્યાદામાં કોઈ અગમ્ય સત્ત્વ પ્રવેશ કરતું દેખાયું. સ્ત્રીપુરુષના આકર્ષણનો ઈશ્વરી કે આસુરી નિયમ તેણે પણ બંધનમાં બાંધતો દેખાયો.
કેટલાક પાશ મીઠા હોય છે. તેનાથી છૂટવા માગીએ, તોપણ મનથી નહિ જ. છૂટવા બળ કરીએ તોયે ઊંડી ઊંડી અભિલાષા તો એમ જ હોય કે એ પાશબદ્ધતા સદાય ચાલુ રહે ! રસનાં વિધાન, રસનાં નિર્માણ કંઈ અલૌકિક ગૂંથણીભર્યાં હોય છે. રસગૂંથણીમાંથી છૂટવા મથતી રંજન પાછી ઈચ્છતી હતી કે એ ગૂંથણી તેની આસપાસ ભલે વધુ જાળ ગૂંથ્યાં કરે. સ્ત્રીજીવનમાં પુરુષની મહત્તા વધવા લાગી.
અને જ્યારે તેની ચકોર દૃષ્ટિને દેખાયું કે પુષ્પાના જીવનને પણ એ જ બળવાખોર અરુણ હસાવી રહ્યો છે, ત્યારે તો એને લાગ્યું જ કે સ્ત્રીજીવનમાં પુરુષના અસ્તિત્વ વગર પ્રકાશ જ નથી. તેને અરુણની ઝંખના થઈ; એ ઝંખનામાં તે સરઘસમાં જોડાઈ; તેણે ધ્વજ રોપ્યો; તેણે ઘાયલની સારવાર કરી, અને જ્યારે તેણે જાણ્યું કે અરુણને પકડવા માટે બહાર સિપાઈઓ આવી ખડા થઈ ગયા છે ત્યારે તેને લાગ્યું કે પોતે પણ અરુણની પાછળ પતંગિયું જ બની ગઈ છે. પકડાઈ ગઈ. અરુણ અને પુષ્પા બંનેએ તેને પકડી. પુષ્પાના હૃદયની નિરાશા તેણે પોતાના જ માપથી પારખી, અને કોઈ અનવિધ ઉદારતાના આવેશમાં તેણે પોતાની બહેનસમી બહેનપણીના લાભમાં એક ભયંકર ત્યાગ આદર્યો ! તેણે અરુણને છોડી દીધો.
એવી ઉદારતાનો આવેશ જેટલો દુર્લભ છે તેટલો જ દુર્લભ એ આવેશના ફળનો સ્વીકાર છે. અરુણને છોડયો એટલે? ઊછળતા ઉદધિએ ચદ્ર સામે રૂસણાં લીધાં ! નહિ, રૂસણાનું ફળ તો સર્વદા મીઠું હોય છે. અરુણને છોડયો એટલે જીવનનાં આશ-અભિલાષ છોડયાં. રંજનનું હૃદય ખાલી થઈ ગયું. તેનામાં ઊભા રહેવાની પણ શક્તિ રહી નહિ. તે પુષ્પા પાસેથી દોડી સીધી ઘેર ચાલી આવી અને ઘેર આવતાં બરોબર તેની આંખમાંથી આંસુધારા વહી.
માનવીના હૃદયનું દર્શન ત્રણ રીતે થાય. : માનવીના બોલામાં, માનવીના સંગીતમાં કે માનવીના આંસુમાં. જેટલું અરુણને છોડવાનું સહેલું હતું એટલું અરુણના સ્મરણને છોડવાનું સહેલું નહોતું. આંસુ ખૂટયાં એટલે તેણે આંખ લોહી ઊંચું જોયું. આખું ઘર કોઈ ખંડેર સરખા એકાંતની છાયામાં હોય એમ તેને દેખાયું.
એવામાં જ પોતાનું પતંગિયું બનેલા સાક્ષર વિમોચનને રંજને દીઠા. એકાંતમાં ભૂતની વસ્તી પણ ભાવે. નિરાશામાં ઊંડા ઊતરી જતા હૃદયને તણખલું મળ્યું. રંજને તેમની સાથે ખૂબ વાતો કરી. તે પોતે ખૂબ હસી અને ભાગ્યે હસતા સાક્ષર વિમોચનને પણ તેણે હસાવ્યા. તેને એમ લાગ્યું કે જો હૃદયને પોતે કોઈપણ તલ્લીન કરતા કાર્યમાં રોકશે નહિ તો તેનું હૃદય છાતી ચીરી બહાર આવશે. વિમોચન સાથેનો વાર્તાલાપ સદાય ચાલે એવી નહોતો.
મનની શાંતિ અર્થે ઈલાજ ખોળવા મથતી રંજનને ધના ભગત સાંભર્યા અને ધના ભગતની સાથે તેમનો કિસન તો માંદો હતો. શી માંદગી હશે ? એનો અંધ માતામહ એની કેવી રીતે સારવાર કરતો હશે? એને જોઈ અવાય તો કેવું ? ધનિકોનું જીવન સહુને નિરુપયોગી છે. તેનો કશો પણ ઉપયોગ કરવો હોય તો આમ કાંઈક રસ્તો મળી શકે. ઝડપથી રંજન તૈયાર થઈ. રંજનના ઉપર વારી જતા વિમોચન પણ તેની સાથે જ જવા તૈયાર થયા. ભરમાંદગીમાં પડેલા કિસનને માટે ડૉક્ટરને બોલાવવા જતી રંજનને જીતી લેવાના વિચારે વિમોચને એક સુંદર અખતરો અજમાવ્યો. રંજનનું રેખાચિત્ર ઝપાટાબંધ લખી નાખી, તેમાં તેમણે કરવા માંડલી કિસનની સારવારને અંત્યજોદ્વારાનું મહત્ત્વ આપી તેમણે છપાવી પણ નાખ્યું, અને તેની ફળપ્રદ અસર અનુભવવા તેઓ સારવારમાં આવીને હાજર થયા.
પરંતુ રંજન તો તેમને જોઈને પોતાના ઓરડામાં સંતાઈ ગઈ. રાતનો ઉજાગરો હતો, ને તેણે ધાર્યું કે પોતે સરળતાથી નિદ્રા લઈ શકાશે. કુમળી યુવતીને થાક પણ લાગ્યો હતો. ગરીબ કિશોરની અસહાય માંદગીનો ઉત્તેજક પ્રસંગ તેના હૃદયને અન્ય માર્ગે ખેંચી ગયો, અને જીવન માટે ડૉક્ટરે આશા આપી, એટલે પ્રસંગની તીવ્રતા ઘટી ગઈ. આંખો મીંચવા મથતી રંજનનું હૃદય ડામોડોળ થવા લાગ્યું. તેણે આંખો મીંચી અને બહાવરી આંખથી રંજનને પૂછતો અરુણ ત્યાં પ્રગટ થયો.
‘મને તમે જગાડયો, ખરું ?’
‘હા, કેમ ?’
‘હું તે વખતે જાગતો હતો !’
દૃશ્ય તેમનું તેમ રંજનની મીંચેલી આંખ નીચે વધ્યું. અરુણનું બાળકપણું વિચારી તે હસી અને મનમાં બોલી : ‘મને પૂછે છે? કાંઈ સમજે છે કે નહિ?’
ચિત્ર આગળ ચાલ્યું : ‘પણ મને જગાડયો શી રીતે ?’
કોઈ ભિખારી તિલસ્માતના બળથી રાજકુંવરીના ઓરડામાં આવી ગભરાતો ગભરાતો પૂછતો હોય એવું અરુણનું મુખ દેખાયું. શરમમાંથી ઉચ્છ્ખંલતામાં પ્રવેશતી રંજને જવાબ આપ્યો :
‘અંહ, જુઓ મેં તમને આમ જગાડયા હતા.’ રંજને તે વખતે પોતે જ કરેલા હવાઈચુંબનનો અવાજ તેણે સ્પષ્ટ સાંભળ્યો અને તેણે આંખ ઉઘાડી નાખી. તે ગભરાઈ ઊઠી. જેને છોડીએ તે જ કેમ દેખાય ? આ કેમ ચાલશે ?
તે બેઠી અને આમતેમ જોવી લાગી. એ દૃશ્યમાંથી કોઈ વસ્તુ ન ઉગારી શકે ! તેની દૃષ્ટિ દિલરૂબા ઉપર પડી. સંગીત અને સ્નેહનાં સનાતન સહીપણાં છે; તે કાંઈ કરી શકે નહિ. તેણે ઊઠીને પુસ્તક ઉપાડયું. રસભરી ઉત્તેજક જાસૂસકથા તે હતી. તેણે પથારીમાં પડી તે પુસ્તક વાંચવા માંડયું. બે-ત્રણ લીટી વાંચતાં બરોબર સરઘસમાં ઝંડો લઈ ચાલતા અરુણના પગ રંજને મીઠી નજરે જોયા કર્યો. બેભાન અરુણને ધનસુખલાલના ઘરમાં ઉપાડી લઈ જતા હતા તે જોઈને પાછી રંજન ચમકી. તેણે ચોપડી ધડ કરતાં ફેંકી દીધી.
‘આંખ ખુલ્લી રાખ્યા છતાંય આનું આ ?’ તે વિકળતાથી બોલી ઊઠી, અને અણફાવતા એકાંતને તજી તે બહાર નીકળી આવી. તેને લાગ્યું કે એકલા રહીને હૃદયને ઉથલાવવું એના કરતાં વિમોચનની વાત ઉપયોગી થઈ પડશે. તે આવી અને વિમોચને દયામણું મોં બનાવ્યું
Feedback/Errata