જનોના આત્મામાં જીવન બસ કે ભાવમયતા,
અરે ! તે લૂંટીને જીવન ક્યમ લૂંટી લઈ જતા ?
−કલાપી
‘કૃષ્ણકાંત ભાંગ્યા ! સ્વરાજ્યનો મંત્ર. એકએક આનો.’ ફેરિયાએ બૂમ મારવી ચાલુ રાખી એક આનામાં સ્વરાજ્યનો મંત્ર અને કૃષ્ણકાંતની નાદરી આપી દેતો ફેરિયો વર્તમાન જીવનની તટસ્થતાનો અદ્દભુત નમૂનો છે.
પરંતુ મોટરમાં બેઠલાં ચારે જણાંમાંથી કોઈ એવી તટસ્થતા સાચવી શકે એમ નહોતું. સહુએ રંજન સામે જોયું. રંજનના મુખ ઉપર અજાણપણું સ્પષ્ટ દેખાઈ આવ્યું. તેનાથી બોલાઈ ગયું :
‘મને કશી ખબર જ નથી !’
મિલકતની સંસ્થાને અનર્થભરેલી માનતા અરુણ તથા જનાર્દન પણ આ સમાચાર સાંભળી આનંદ પામ્યા નહિ; ઊલટો તેમના મુખ ઉપર ક્ષોભ દેખાયો. માનવીના અંગત સંબંધો તેના સિદ્ધાંતોને કેવી રીતે બાજુએ મુકાવી દે છે તે આ ઉપરથી સહજ સમજાઈ આવે એમ છે. મોટર ઊભી રાખી અને અરુણે ફેરિયા પાસેથી છાપું વેચાતું લીધું.
છાપાના મુખપૃષ્ઠ ઉપર મોટે અક્ષરે લખ્યું હતું :
કૃષ્ણકાંત ભાંગ્યા !
બજારમાં આજે બહુ પાકે પાયે વાત ચાલે છે કે જાણીતા
લક્ષાધિપતિ કૃષ્ણકાંતને ત્યાં માગનારાઓનો ભાર દરોડો
પડયો છે. બધા લેણદારોને પહોંચી વળવું એમને માટે
મુશ્કેલ છે,એમ અનુભવી શરાફો જણાવે છે. જો ખરેખર
તેમ બનશે તો એ જાણીતા ધનાઢયને નાદારીમાં જવું પડશે.
વર્તમાનપત્રો ઝમકદાર ખબર આપવાના આવેશમાં માંદા માણસને મરેલા તરીકે ઠોકી બેસાડે છે. ‘વા વાયાથી નળિયું ખસ્યું’ એ આખાની પ્રખ્યાત પંક્તિઓ વર્તમાનપત્રોને ઉદ્દેશીને તો નહિ લખાઈ હોય ? કોઈ એમ કહે કે વેદાન્તી અખાને ત્રિકાળજ્ઞાન હતું, અને આ પંક્તિઓ લખતી વખતે અખાના મનમાં વીસમી સદીનાં પત્રો જ રમતાં હતાં, તો તેની સામે દલીલ કરવી મુશ્કેલ થઈ પડે એમ છે. નાદાર બનવાના સંભવમાં આવી પડેલા કૃષ્ણકાંત આખા ગામમાં નાદાર તરીકે ગવાઈ રહ્યા હતા એ વર્તમાનપત્રોનાં રસભર્યાં મથાળાં અને ફેરિયાઓની રસિક વાણીનો જ પ્રતાપ હતો.
એવો સંભવ પણ તેના સ્નેહીઓને આશ્વાસનભર્યો ન જ લાગે. મોટર ઝડપથી કૃષ્ણકાંતના મહેલ તરફ દોડી. સંધ્યાકાળ થઈ ગયો હતો. કૃષ્ણકાંતનો બંગલો રોજ સરખો જ પ્રકાશિત હતો.
ચારે જણાં ઝડપથી ઊતરી બંગલામાં ગયાં. દીવાનખાનામાં પચાસેક માણસો ખુરશીઓ અને સોફા ઉપર બેસી આતુરતાથી અંદર અંદર વાતો કરતા હતા. ચાર નવાં માણસો આવેલાં જોઈ એ લોકોએ તેમની સામે ઝડપથી જોયું. પરંતુ કૃષ્ણકાંતની રાહ જોનારા એ સઘળા લેણદારો કૃષ્ણકાંતને ન જોતાં પાછા વાતોએ વળગ્યા.
દીવાનખાનામાં ડોકિયું કરતાં કૃષ્ણકાંત જણાયો નહિ એટલે જનાર્દન, અરુણ વગેરે ઘરમાં ગયાં. કૃષ્ણકાંતની ખાનગી ઓરડીને બારણે રંજને ટકોરો માર્યો.
‘કોણ છે ? અંદર આવો.’ કૃષ્ણકાંતનો અવાજ સંભળાયો. ચાર જણાં ઝડપથી અંદર દાખલ થયાં. કૃષ્ણકાંત આસાએશથી કીમતી સિગાર હાથમાં રાખી બેઠો હતો. તેની સામે ચિંતાગ્રસ્ત સુરભિ હાથ ઉપર ગાલ ટેકવી બેઠી હતી.
‘ઓહો ! આ પણ એક ધસારો જ છે ! માગનારાં નથી એટલું ઠીક છે, ચાર જણાં ક્યાંથી ધસી આવ્યા ?
કહી કૃષ્ણકાંતે સિગારની રાખ આંગળીથી પાડી નાખતાં હસતે હસતે પૂછયું.
‘આ પત્રવાળા શું લખે છે ?’ રંજને ગભરાઈને પૂછયું.
‘તેં વાંચ્યું ને ?’ હસતું મુખ રાખી કૃષ્ણકાંતે કહ્યું.
‘હા. પણ એ ખરું છે ?’
‘ખરું છે.’
‘પછી શું થશે ?’
‘માગનારાઓને પૈસા આપી દેવા પડશે.’
‘એકદમ ક્યાંથી આમ થયું ?’
‘એકદમ કાંઈ નથી. છ માસથી આ બધી યુક્તિ ચાલે છે. હું શું જાણું કે કલેકટર સાથેનો અણબનાવ એ બધા ગોરાઓ સાથેના અણબનાવમાં ફેરવાઈ જશે ? આપણા ગોરા મૅનેજરે દગો કર્યો. પંદર લાખનો હિસાબ ખોટો લખ્યો અને દસ લાખની મશીનરી નવી મંગાવી તેમાં ગોટાળો કર્યો!’
‘તે એને પકડાવો ને ?’
‘પત્તો લાગે ત્યારે ને ? એક માસ ઉપર તે આપણી નોકરીમાંથી નિવૃત્ત થયો. પછી મને ખબર પડી.’
‘હવે શું કરીશું ?’
‘કાંઈ જ નહિ ! લોકોને બને એટલા પૈસા આપીશું. તારા મકાનમાં ભાડે રહીશું અને તું આપીશ તો તારી મોટર વાપરીશું.’ હસીને કૃષ્ણકાંતે કહ્યું અને મુખમાં સિગાર મૂકી હવામાં ધુમાડા વડે અક્ષરો કાઢવા માંડયાં.
‘એવું શું બોલો છો, ભાઈ ? મારું મકાન કયું અને મારી મોટર કઈ ? તમારું ન હોય એ કશું જ મારું છે નહિ ?’
કૃષ્ણકાંત કાંઈ બોલ્યા નહિ. અરૃણ અને જનાર્દન બંને ઊંડા વિચારમાં ઊતરી ગયા. તેમની સાથેનો કૃષ્ણકાંતનો સંબંધ ગોરા કલેક્ટરને રુચ્યો નહિ, અને એ સંબંધ તોડી નાખવાની તેની સલાહને કૃષ્ણકાંતે દૃઢતાપૂર્વક તિરસ્કારી કાઢવાથી ગોરા સમાજમાંથી કૃષ્ણકાંતને તેણે દૂર કર્યો.
જેમણે સ્વપ્રયત્ને સંપત્તિ મેળવી નથી તેમને સંપત્તિની કિંમત હોતી નથી. પેઢીધર ચાલ્યો આવતો વૈભવ ભોગવનાર વૈભવને સ્વાભાવિક હક્ક તરીકે ગણતો થઈ જાય છે. સૂર્ય નિત્ય ઊગે છે; આપણે તેને આપણા નિત્ય હક્ક તરીકે સ્વીકારી લઈએ છીએ, એમાં કાંઈ વિશેષ બનતું હોય એમ આપણે માનતા નથી, સૂર્ય ઊગશે કે કેમ એવો આપણા મનમાં પ્રશ્ન ઊઠતો પણ નથી, એવી ચિંતા આપણે કદી કરતાં નથી. ધનવાન પિતાના પુત્રો પોતાનાં ધનવૈભવ સૂર્ય સરખાં શાશ્વત માને છે. એ ધન નહિ હોય એવી તેમને કલ્પના પણ આવતી નથી. તેઓ ધનના રક્ષણમાં બેદરકાર બની જાય છે, અને તેમની ઉદારતા ઊડાઉપણાનું સ્વરૂપ ધારણ કરે છે. કૃષ્ણકાંતને એમ જ લાગ્યા કરતું કે તેના સઘળા નોકરો પ્રમાણિક છે, અને વ્યાપારના કામમાં બહુ ઊંડા ઊતરીને ચાલુ વ્યવહારમાં દાખલ કરવાની જરૂર નથી.
પરંતુ જેમણે મહેનત કરી પૈસો મેળવ્યો હોય છે તેમને પ્રત્યેક પૈસા પાછળનો પરિશ્રમ પૈસાની આસપાસ વીંટળાયેલો દેખાઈ આવે છે. પૈસાના અભાવમાંથી પૈસાનું અસ્તિત્વ તેમણે ઊભું કરેલું હોવાથી તેનું અશાશ્વતપણું તેમને દેખાઈ આવે છે, અને કંજૂસાઈની ગાળ સહી લઈને પણ તેઓ ધનની પૂરતી કાળજી રાખવા પ્રવૃત્ત થાય છે. કૃષ્ણકાંતના પિતાએ ધન-ઉપાર્જનમાં ભારે મહેનત વેઠી હતી; અને જોકે તેમના સુધરેલા વિચારોને પરિણામે તેમણે પોતાનાં બાળકોને પાશ્ચિમાત્ય ઢબે ઉછેરવાનો મોહ સેવ્યો હતો, છતાં તેમના મનમાં સ્વપ્રયત્ન અને પરપ્રયત્નથી મેળવેલા ધન વિષે સ્પષ્ટ ભેદ વસતો હતો. એટલે પોતાનાં સંતોનોને માટે તેમણે સારી વ્યવસ્થા રાખી હતી. રંજન અને કૃષ્ણકાંતની મિલકત તેમણે જુદી પાડી દીધી હતી. એ ઉપરાંત પોતાની પુત્રવધૂ સુરભિ માટે પણ તેમણે કેટલીક સ્વતંત્ર આવકની વ્યવસ્થા કરી હતી. તેમની વ્યાપારી ઝીણવટે વ્યાપારની ખોટનો સંભવ સ્વીકારેલો હતો; એટલે સંતાનો માટે સ્વતંત્ર આવક કરી આપવા ઉપરાંત ખોટના પ્રસંગે બધી મિલકત દેવામાં ડૂબી ન જાય એ માટે તેમણે કેટલીક મિલકત કૃષ્ણકાંતને નામે, કેટલીક રંજનને નામે અને કેટલીક સુરભિના નામે કરી દીધી હતી. કૃષ્ણકાંતની શક્તિમાં તેમને અશ્રદ્ધા નહોતી. પુત્ર-પુત્રીના ઉચ્ચ શિક્ષણ અને સાહેબશાહી સંસ્કાર પ્રત્યે તેમને પક્ષપાત હતો. તેમ છતાં તેમના વ્યાપારી ડહાપણે આટલી વ્યવસ્થા સૂચવી હતી.
પિતાએ સ્થાપેલી કાર્યપ્રણાલિકા સરળતાથી ચાલ્યા કરતી જોઈ કૃષ્ણકાંતે વેપારની નાની નાની વિગતોમાં કાંઈ લક્ષ આપ્યું નહિ. ઘડી ઘડી હિસાબ તપાસવા, નોકરો વિરુદ્ધની ચાડીચુગલી સાંભળવી, આડતિયાઓમાં અવિશ્વાસ રાખવો, કારીગરો ઉપર સતત ચોકીપહેરો મૂકવો : એ બધું વેપારી ડહાપણ તેને નિરર્થક અને સજ્જનતાનું વિરોધી લાગતું હતું. અંગ્રેજી પુસ્તકોનું વાચન, યુરોપીય કલાનો શોખ અને યુરોપીય સમાજ સાથે માનભરી સરખાપણાની મૈત્રી – એમાં તેનું જીવન વહ્યા કરતું હતું. તેને કલેશ, કંકાસ, મહેનત, તકરાર અને એવી એવી કઠિનતાઓ બિલકુલ ફાવતી નહિ. કોઈનું પણ ખોટું ઈચ્છવા જેવી કડવાશ તેણે કેળવી નહોતી. બાર મહિને નફાતોટાનો હિસાબ થતાં નફામાંથી પોતાની મિલમાં કામ કરનારાઓને વધારેમાં વધારે લાભ શી રીતે આપી શકાય એટલી જ બાબતમાં તે કાળજી રાખતો હતો.
કારીગરવર્ગનાં સુખસાધન વધારવા માટેની યુરોપની સઘળી પ્રવૃત્તિ તેની જાણમાં હતી. પોતાના કારીગરોને યુરોપિયન આદર્શ પ્રમાણે સુખી કરવા એ તેનો મનગમતો શોખ હતો. નફામાંથી શેરહોલ્ડરોને જ લાભ આપ્યા કરવા કરતાં કારીગરોનાં સુખસાધન તેમાંથી વધારવા પોતાના એજન્ટ તરીકેના હોદ્દાનો ઉપયોગ કરતો. તેણે મજૂરોની ચાલીઓ સુધારી દીધી; વચમાં વચમાં તેમને માટે બાગ અને રમતનાં મેદાનો બનાવ્યાં; મજૂરો માટે દવાખાનાં સ્થાપ્યાં અને છેલ્લે એક સુવાવડખાનું અને શાળા પણ સ્થાપન કર્યાં. કારીગરોને અપવાના ‘બોનસ’ પણ તેણે વધારે આકર્ષક બનાવ્યાં. તેની આવી યોજનાઓમાંથી તેને જનાર્દનનો સારો પરિચય થયો હતો,. કૃષ્ણકાંત જાતે અતિ-આધુનિક ઢબમાં રહેતો હોવા છતાં તેનું હૃદય કલુષિત નહોતું બન્યું કે તે સિવાયની ઢબમાં રહેનારનો તે તિરસ્કાર કરે.
યુરોપીય ક્લબમાંથી રાજીનામું આપી નીકળી ગયા પછી કૃષ્ણકાંતે અરુણ અને જનાર્દન સાથેનો સંબંધ હતો તે કરતાં વધારી દીધો. તે ઘણી વખત આશ્રમમાં જતો અને આશ્રમને ખુલ્લી રીતે સહાય આપતો. રાજકીય ચળવળમાં તેને રસ પડતો નહિ; પરંતુ અંગ્રેજોની તુમાખીભરી મોટાઈ સ્વીકારવી ન જોઈએ. એમ તો તે હવે કહેતો થઈ ગયો.
કૃષ્ણકાંતે ક્લબ છોડી, તથાપિ તેની પ્રતિષ્ઠા જેવી ને તેવી જ હતી. મેળાવડાઓ, મિજબાનીઓ, પાર્ટીઓ એ બધાંમાં તેનાં આમંત્રણ તો કાયમ જ રહ્યાં હતાં. એવા પ્રસંગોએ ખાસ કરીને તે દેશી ઢબનાં – અને બને તેટલાં ગાંધી શૈલીને મળતાં કપડાં પહેરતો શોખીન કૃષ્ણકાંત જે કપડાં પહેરતો તે એવી સરસ રીતે પહેરતો કે તેને દીપી ઊઠતા. કલેક્ટર, કમિશનર અગર ગોરા અમલદારો કે વ્યાપારીઓ એવા મેળાવડામાં ભેગા થઈ જાય તો તે ચાહીને તેમની ઉપેક્ષા કરતો, અને ન છૂટકે તેની મહત્તાને અંગે એક ટેબલ પર તેઓ આવી જાય તો યુરોપિયનોની હલકી પડે એવી કથનીઓ અને મશ્કરીઓ ઉપજાવી તેમને બાળતો. આમ ગોરાઓ સાથે થયેલા આ અણબનાવ તે જાણી જોઈને જાહેર કરતો.
કારકુનો બનાવવા ખાતર અંગ્રેજી કેળવણીની હિંદમાં સ્થાપના કરનાર અધિકારીઓએ સ્વપ્નમાં પણ ધાર્યું નહિ હોય કે એ જ કેળવણીના સંસ્કાર હિંદવાસીઓને અંગ્રેજોની બરાબરી કરવા પ્રેરશે. અંગ્રેજી કેળવણીના અનેક ગેરલાભ ગણાવી શકાય એમ છે; તોપણ રાજકીય ક્ષેત્રમાં એ કેળવણી મૃતસંજીવની બની ગઈ છે, એ વાત ભુલાય એમ નથી.
કૃષ્ણકાંતની મિલમાં બે-ત્રણ યુરોપિયન અમલદારો હતા. યુરોપીય વ્યાપારીઓ સાથે તેને ધંધા અંગેનો ગાઢ સંબંધ હતો. જનસમૂહની એક માન્યતા બંધાઈ ગઈ છે કે યુરોપિયનોમાં ઐવી નૈતિક ઉચ્ચતા અને કાર્યદક્ષતા રહેલાં છે કે જે હિંદીઓમાં ભાગ્યે જ જોવામાં આવે છે. તેમનો દોરદમામ, મહેનત, વ્યવસ્થા, નિયમિતપણું, પ્રભાવ પાડવાની કળા અને વાક્પટુતાથી અંજાઈ તેમની નૈતિક ઉચ્ચતા સ્વીકારવા રેઢિયાળ બની ગયેલો હિંદવાસી લલચાય એમાં નવાઈ નથી. અંગ્રેજોના ઘણા ગુણ હિંદવાસીએ પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે. તેમની કાર્યશક્તિ, નિયમિતપણું અને અમુક અંશ સુધીની સચ્ચાઈ અનુકરણ કરવા સરખાં છે; પરંતુ તેમનામાં પણ નૈતિક સ્ખલનો નથી હોતાં એમ માનવાની ભૂલ તો ન જ કરવી જોઈએ. અમીચંદની છેતરપિંડથી શરૂ થયેલી કંપની સરકારના રાજ્યની રુશવત પ્રણાલિકા હજુ અટકી નથી. એની ખાતરી કરવી હોય તો કંઈક કલેકટરો અને તેમના ચિટનીસો તેમ જ કાંઈક પોલિટિકલ એજન્ટો અને તેમના દફતરદારોની વાત ઘડાયલા લોકો પાસેથી સાંભળવી જોઈએ.
કૃષ્ણકાંતને યુરોપીય સચ્ચાઈ ઉપર ઘણો જ વિશ્વાસ હતો. તેના યુરોપીય નોકરો લાંબા વખતથી તેના કારખાનામાં સારું કામ કર્યે જતા હતા. મજૂરોની સ્થિતિ સુધારવાના કૃષ્ણકાંતના વિચારોને તેઓ સહુ સમજપૂર્વક અમલમાં મૂકતા હતા. મિલના મૅનેજર અને મદદનીશ મૅનેજર બંને. યુરોપિયનો હતા. એક દિવસ મદદનીશ મૅનેજરે આવી કૃષ્ણકાંતને કહ્યું :
‘આપ હિસાબ તપાસો તો બહુ સારું.’
‘ઑડિટર્સ શું કરે છે ?’ કૃષ્ણકાંતે પૂછયું.
‘યંત્ર માપક હિસાબ તપાસે છે; પરંતુ એટલું બસ નથી. કોઈ દેશી નિષ્ણાત પાસે ફરી તપાસાવો.
કૃષ્ણકાંત હસ્યો.
‘યુરોપિયન થઈને તમે દેશીઓને પસંદ કરતાં ક્યાંથી શીખ્યા?’
‘હું ખરું કહું છું.’
‘ઠીક; હું વ્યવસ્થા કરીશ.’
બીજે દિવસે કૃષ્ણકાંતે મૅનેજરને બોલાવ્યો. વાત કરતાં કરતાં તેણે કહ્યું :
‘આપણો હિસાબ કોઈ બીજા ઑડિટર્સ પાસે તપાસાવીએ તો કેમ ?’
મૅનેજરે મોં ચડાવી કહ્યું :
‘આપની મરજીની વાત છે; જોકે એવો બેવડો ખર્ચ કરવાની જરૂર મને તો જણાતી નથી.’
‘ભૂલચૂકનો સંભવ હોય તો દૂર થાય.’
‘મારી આટલી નોકરી દરમિયાન એવી ભૂલ થયેલી નથી. આપને યુરોપિયનો તરફ અણગમો આવ્યો છે એ હું જાણું છું. સારો રસ્તો એ છે કે અમારે નોકરી છોડી દેવી.’
‘What do you mean ? મને ધમકાવો છો ?’
‘હું કેટલાક વખતથી સાંભળ્યા કરું છું, કે દેશી અમલદારો લાવવા અને દેશી હિસાબ તપાસનારાઓ બોલાવવા ! એવા સંજોગોમાં મારથી કામ ન થાય.’
‘તમારી આ ભૂલ છે. મને મારા યુરોપીય અમલદારોથી પૂર્ણ સંતોષ છે. અને દેશી ઑડિટર્સ પાસે હિસાબ તપાસાવવાની સૂચના કોઈ યુરોપિયન અમલદાર તરફથી જ આવી હોય તો ?’
‘એ કોણ હશે તે પણ હું જાણું છું, મિ. કૃષ્ણકાંત ! આ ઍસિસ્ટન્ટ સાથે મારાથી હવે કામ થઈ શકશે નહિ.’ મૅનેજર અને તેના ઍસિસ્ટન્ટ વચ્ચે કેટલીકક હિસાબની બાબતોમાં તકરાર ચાલ્યા કરતી હતી. એટલે ઍસિસ્ટન્ટે જ કૃષ્ણકાંતને પોતાની વિરુદ્ધ ભંભેર્યાનું અનુમાન તે સહજ કરી શકે એમ હતું.
કૃષ્ણકાંતે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો; પરંતુ પરિણામ એ આવ્યું કે મૅનેજર અને તેમના મદદનીશ એ બંનેએ રાજીનામાં આપ્યાં. મૅનેજરે નોકરી છોડાવાની એટલી આતુરતા બતાવી હતી કે છેવટે તેને ઈનામ આપી છૂટો કર્યો. જે દિવસે તેને છૂટો કર્યો તે જે દિવસથી તે અદૃશ્ય થઈ ગયો. બીજે જ દિવસે ઍસિસ્ટન્ટ મૅનેજર હિસાબનો ગોટાળો કૃષ્ણકાંત આગળ રજૂ કર્યો અને દસ લાખની મંગાવેલી મશીનરી બાબત મૅનેજર કરેલી ઠગાઈ બહાર પાડી.
કૃષ્ણકાંત ચમખી ગયો. તેણે જોયું કે એજંટ તરીકે પોતાના કારભારમાં મિલને પચીસ લાખની ખોટ આવી હતી. અલબત્ત, લુચ્ચાઈ બીજાની હતી; પરંતુ એ લુચ્ચાઈ થતી અટકાવવાની જવાબદારી નૈતિક દૃષ્ટિએ કૃષ્ણકાંતની હતી. કાયદા પ્રમાણે તેને કાંઈ થાય તો તેમાંથી તે છૂટી શકે એમ હતું; પરંતુ તેણે આ ખોટની નૈતિક જવાબદારી માથે લઈ લીધી. અને માગનારાઓ તથા ભાગીદારેની એક સભા બોલાવી.
સભામાં તેણે બધી હકીકત સ્પષ્ટતાથી સમજાવી. મૅનેજર, હિસાબ લખનાર, હિસાબ તપાસનાર એ બધાંના કાવતરાનો ઇતિહાસ કહ્યો. પોતાના એક સગાના રાજદ્વારી વિચારો માટે યુરોપીય સમાજે કરેલો પોતાનો બહિષ્કાર અને મિલ સાથે સંબંધ ધરાવતા યુરોપીય વ્યાપારીઓએ ઊભી કરેલી મુશ્કેલીઓનો તેણે ખ્યાલ આપ્યો. છેવટે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી લઈ હાલ પોતાની અંગત મિલકતમાંથી અડધી ખોટ પૂરી કરવા જણાવ્યું. અને બાકીની ખોટ પૂરવા તત્કાળ પોતાની પાસે સાધન ન હોવાથી પોતાની મિલકતો મિલ ખાતે ગીરો મૂકી ધીમે ધીમે ભરપાર કરવા સૂચના કરી.
કેટલાક યુરોપિયન લેણદારો અગર તેમની અસર નીચે રહેલા દેશી વેપારીઓએ આવા બેદરકાર એજંટને તેના સ્થાનથી દૂર કરવા જણાવ્યું; પરંતુ મિલના કામદાર-કારીગર વર્ગે તે પહેલાં જણાવી દીધું હતું કે
‘જો કૃષ્ણકાન્તને ખસેડવામાં આવશે તો અમે હડતાલ પાડશું.’ જરૂર હોય તો છ માસ સુધી વગર પગારે કામ કરી ઉદાર માલિકની ખોટમાં ભાગ લેવાનું પણ કૃતજ્ઞ કામદારોએ કબૂલ કર્યુ.
તે જ દિવસે આખા ગામમાં આ વાત જાહેર થઈ ગઈ. પેપરોને જોઈતી સગવડ મળી એટલે સંધ્યાકાળે ફેરિયાઓ દ્વારા તેમણે એ વાતનો આખા ગામમાં ઢંઢેરો પિટાવ્યો.
કૃષ્ણકાન્તે રજૂ કરેલી યોજનાનો વિચાર કરી છેવટનો નિર્ણય કરવા માટે સહુને તેણે પોતાને ઘેર બોલાવ્યા હતા. મિલને ફડચામાં લઈ જવાની એક જણે સૂચના કરી હતી તે સંબંધમાં કૃષ્ણકાન્તે સ્પષ્ટપણે જણાવી દીધું કે સૂચના જો બધાને મંજૂર હશે તો પોતે પોતાની અંગત જવાબદારીનો સ્વીકાર કરશે.
Feedback/Errata