ગાલે ઢળે નમણી પાંપણ અર્ધમીંચી,
ઢાંકે વળી વળી જ પાલવ ઉરદેશ;
સંકોરી કોર સરતી કરવેલડીએ,
તેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારો.
−ન્હાનાલાલ
આકર્ષણ એ જગતનો સર્વવ્યાપી સનાતન નિયમ. ઇશ્વરને શોધતા તપસ્વીએ કે દેશને માટે મરવા તત્પર થયેલા વીરે આકર્ષણના અસ્તિત્વથી શરમાવવાની જરા પણ જરૂર નથી; ધર્મ, દેશ, રાજ્યનીતિ, એ સઘળાંમાં ફેરફારો થયે જાય છે, પરંતુ એ ફેરફારોની વચમાં સ્ત્રીપરુષોનાં પરસ્પર આકર્ષણ સર્વદા સજીવન રહેલાં છે અને રહેશે જ. એ આકર્ષણ પર માનવ જિંદગીનો આધાર છે તેમ માનવસંસ્કારનો પણ આધાર છે. ગૃહ, કુટુંબ રાષ્ટ્ર્ કે જગતનું એ આકર્ષણ આદિકારણ છે એટલું જ નહિ, તે જગતની કવિતા છે, ફિલસૂફી છે અને ધર્મ પણ છે. એ પશુતા નથી; પશુતાને પવિત્ર કરતું કુમળામાં કુમળા અને તીવ્રમાં તીવ્ર ભાવસમૂહનું અનિવાર્ય, અલૌકિક અને અલબેલું સંયોગીકરણ છે. એને પશુતાનું નામ આપી પશુને નિંદવાનું પણ શું કારણ ? પશુઓને પણ એ આકર્ષણ ઉન્નત નહિ કરતું હોય એમ કયા પશુવિજ્ઞાનીએ કહ્યું ?
એ કેમ, કેવી રીતે, શા માટે પ્રગટ થાય છે એનું વિવેચન કોણ કરી શકે ? ન અરુણને સમજ પડી, ન પુષ્પાને સમજ પડી, ન રંજનને સમજ પડી. સહુ કોઈની સારવાર સારી રીતે થતી; પરંતુ પુષ્પાને અને રંજનને મનમાં એમ કેમ રહ્યા કરતું હતું કે અરુણની સારવાર પૂરતી થતી જ નથી! અને એ બંનેને એમ કેમ લાગતું હતું કે પોતાના હાથ સિવાયની બીજા કોઈની સારવાર ઈચ્છવા સરખી નહોતી ?
‘આ પોટો કોણ બાંધ્યો ?’ પુષ્પાએ પૂછયું.
‘રંજનગૌરીએ.’ અરુણે કહ્યું.
‘એને મેં ના પાડી હતી તોય માનવી નથી. ફર્સ્ટ-એઈડ શીખી તો યે પાટો બાંધતા ન આવડયો.’
એમ કહી પુષ્પાએ પાટો છોડી નાખી બીજો બાંધ્યો. રંજને આવીને જોયું.
‘પાટો પુષ્પાએ બદલ્યો ને ?’ તેણે પૂછયું.
‘હા, કાંઈ ઠીક નહોતો એટલે બદલ્યો.’ અરુણે કહ્યું.
‘એ જાણે છે કે એના જેવા હાથ બીજા કોઈનો નથી. પણ આ આયોડિનની શીશી અહીં જ ભૂલી ગઈ છે. સરતચૂક થાય તો ?’
અરુણ વિચારવા લાગ્યો કે સારવારની ખામી બીજા કોઈ દર્દી પાસે દેખાતી નથી અને પોતાની પાસે જ કેમ દેખાય છે?
‘પુષ્પા ! તું શું કરે છે ?’ રંજને પૂછયું.
‘કેમ ? બીજી વારની દવા પાઉ છું.’
‘એ તો મેં પાઈ દીધી.’
‘શું કરવા તેં પાઈ? પછી મને ગૂંચવાડો પડે છે !’
‘એમાં ગૂંચવાડો શાનો ? એટલી તારે મહેનત ઓછી !’
‘મહેનતની વાત પછી, ગોઠવણમાં હરકત આવે ને ?’
‘બધાની આટલી બધી કાળજી રાખીશ તો વહેલી મરી જઈશ.’ હસીને રંજને કહ્યું.
પુષ્પા કાંઇ બોલી નહિ; પરંતુ અરુણની સારવારમાં રંજન કાંઈ ડહાપણ ન કરે તો સારું એમ તેણે મુખભાવથી દેખાડયું. અરુણ ઓશિયાળો બન્યો. શા માટે આ બંને યુવતીઓ પોતાની આટલી બધી કાળજી રાખતી હશે ?
સૂતેલા અરુણના પાટાથી કદરૂપા બનેલા મુખ સામે નિહાળી બેસી રહેલી રંજનને પુષ્પાએ સલાહ આપી :
‘રંજન ! તું બહુ વાર બેઠી ! હવે થાકી ગઈ હોઈશ. જરા ફરી આવ; હું બેસું છું.’
‘મને કાંઈ જ થાક લાગ્યો નથી.’
‘તોયે તું ફરી આવ. હજી ઘણું કામ બાકી છે; તેમાં કંટાળી જઈશ.’
રંજને આંખ ઝીણી કરી પુષ્પા સામે જોયું, હસીને જરા ડોકું હલાવ્યું, અને તેમાં એવા ભાવનું સૂચન કર્યું કે હું બધું જાણું છું !
અરુણે આંખ ઉઘાડી તો બંને પરીઓ તેની બાજુ ઊભી રહી છે.
પોતાના મહત્ત્વ કરતાં ઘણું વધારે ધ્યાન પોતાને અપાય છે એમ માનતા અરુણે બંનેને કહ્યું :
‘આપને કોઈને બેસવાની જરૂર નથી. હું મારી મેળે બેસી શકું છું. પછી આપને શા માટે વધારે મહેનત આપવી ?’
‘ના ના, હજી એમ એકલા ન છોડાય.’ પુષ્પાએ કહ્યું. અને તે પાસે પડેલી ખુરશી ઉપર સ્થિરતાથી બેઠી. જાણે હવે ત્યાંથી ખસવું જ ન હોય !
‘ત્યારે હું જરા જઈ આવું ?’ રંજને ઊભી થઈને અરુણને પૂછયું. તેના સ્મિતભર્યા મુખ ઉપર ન સમજાય એવું આકર્ષક હાસ્ય સર્વદા રમી રહેતું; અરુણની આંખ ઘણી વાર ચોર બનતી. તેને હા પાડી. રંજનની ચાલમાં કંઈ એવું લાલિત્ય હતું કે તેને આવતી અગર જતી જોવાનું સહુને મન થતું. ત્યાંથી જતી રંજન તરફ અરુણ જોઈ રહ્યો તે પુષ્પાએ જોયું અને તેની આંખના ખૂણામાં ઈર્ષ્યા ચમકી.
‘છટકેલ !’
પુષ્પાના મનમાં ઉદ્ગાર ઊઠયો. પોતાની સહીપણીમાં તે ઘણી ખામીઓ જોતી હતી. તેનો સ્વછંદભર્યો પોશાક, તેની લટકભરી ચાલ, તેનો હસમુખો ચહેરો, તેની અતિચપલ આંખ, અર્થ વગરની છતાં મોહભરી વાતચીત, અને તેનું સંકોચરહિત હલનચલન તેનામાં નવું પરંતુ અજાણ્યું માધુર્ય ઉમેરતાં હતાં. સ્ત્રીઓ જાણી જોઈ મોહક બનવા મથે એ આપણા સાંકડા મનને રુચતું નથી. સ્વામાનભરી કલામયતા કોઈ યુવતીમાં દેખાય તો તેને સમાજ છટકેલ ગણે છે. રૂપ એ જાણે રૂપજીવનનો જ ધર્મ હોય એમ સમાજની માન્યતા લાગે છે. વાંકી સેંથી, ઝીણો ચાંલ્લો, નીચો અંબોડો, કપાળ ઉપર વળતા વાંકા વાળ : આ અને આવા બધા પ્રસંગોમાં કલાતત્ત્વ માગતું કિશોરીનું પ્રગતિમય માનસ અને સમાજના બંધનમાંથી રીઢી બની ગયેલી માતાનું સંરક્ષક માનસ, એ બે વચ્ચે નિત્યકલહો આ વૃત્તિસંઘર્ષના નમૂના રૂપ છે. નવીનતામાં કશો જ લાભ ન દીઠાથી બહુ બળપૂર્વક જૂના આચારવિચારને વળગી રહેતી સુશીલાના શિક્ષણમાં ઊછરેલી પુષ્પાને રંજનની મોહક છટામાં છટકેલપણું ભાસે એ સ્વાભાવિક હતું. અત્યાર સુધી છટકેલપણું માત્ર હસવા લાયક હતું; હવે પુષ્પાને મન તે દૂષિત બની ગયું. બાકી તેને ખરેખર ભય લાગ્યો : રંજન કરતા રંજનની છટા વધારે ભયંકર લાગી.
પુષ્પાની કેળવણી તેને અરુણ પાસે વધારે વાર બેસવા દેતી નહિ, તેને ઘડીઘડી એમ થયા કરતું કે પુરુષોની સારવારનો પિતા અને બહેન કેવો અર્થ લેશે ? જ્યાં પાંચ મિનિટનો ખપ હોય ત્યાં દસ મિનિટ ગાડી શકાય; પરંતુ પાંચ મિનિટને બદલે કલાક ગાળવો એ જગતનો વહેમ વહોરવા સરખું હતું. તે સહુને પાટા બાંધતી, દવા પાતી, ઓરડાઓમાં સ્વચ્છતા રાખતી, જમાડતી; પરંતુ તે ઉપરાંત કોઈની સાથે વાતો કરવી, કુટુંબની હકીકત પૂછવી, કોઈને હસાવવું, રિઝાવવું, એ તેનાથી થઈ શકતું નહિ, તેનામાં સેવા કરવાની પ્રબળ વૃત્તિ હતી; પરંતુ ગૃહશિક્ષણે તેની રિઝાવવાની શક્તિ ઘટાડી દીધી હતી. ગંભીર, ઠરેલ, વગર જરૂરનો એક શબ્દ પણ ન ઉચ્ચારતી, સ્મિતમાં પણ સ્વછંદ જોતી પુષ્પા સહુના માનને પાત્ર બનતી હતી; પરંતુ રંજનને જોતાં દર્દીઓને જ ઉમળકો થઈ આવતો તે પુષ્પાને જોતાં ન થતો.
રંજન બધી પથારીઓ આગળ ફરી વળતી. કંદર્પની પાસે બેસતી તે જ પ્રમાણે બીજા સામાન્ય દર્દીઓ પાસે પણ તે બેસતી. બધાયની તે મિત્ર હોય તેમ સહુની સાથે છુટથી વાત કરતી. ક્વચિત્ વાદવિવાદ કરતી, કોઈની આગળ વર્તમાનપત્ર વાંચતી અને કોઈના ભવિષ્યનો કાર્યક્રમ બહુ રસપૂર્વક સાંભળતી; તેને જોતાં દર્દીનું અરધું દુઃખ ઓછું થઈ જતું. રંજન ક્યારે આવશે તેની વાટ દર્દીઓ જોયા કરતા.
ધના ભગત ઘણુંખરું સાંજે આવી ભજનો ગાઈ જતા. દર્દીઓ એવા નહોતા કે જેમનાથી સહજ હલાયચલાય નહિ. ધના ભગતને ઘર ચૉક સુધી આવવાની રજા મળી હતી, એટલે ચૉકની ઓસરીમાં દર્દીઓ આવી બેસતા અને ભજન સાંભળી સંગીતનો, અગર ભાવ કે ચાતુર્યનો આનંદ, અધિકાર અનુસાર લેતા. આઠદસ દિવસમાં તો બધાય દર્દીઓને રજા મળે એમ હતું.
એક દિવસ સંધ્યાકાળે ધનસુખલાલે આવી ઓસરીમાં બેઠેલા દર્દીઓ સન્મુખ જનાર્દનને ઉદ્દેશી કહ્યું :
‘તમારા બધા ઉપર ફરિયાદ થવાની છે એમ ખબર પડી છે.’
‘અમારી તો સજા માટે તૈયાર જ છે. કંદર્પ બોલ્યો.’
‘કહેવું સહેલું છે, પણ જેલની જાળીઓ જોવી મુશ્કેલ છે.’
‘મેં તો ઘંટી દળવાનો અભ્યાસ પણ કર્યો છે, કાકાસાહેબ ! અમે જઈશું એટલે જેલની જાળીઓ ઓગળી જવાની !’ કંદર્પે કહ્યું.
‘જેલમાંથી પાછા આવો ત્યારે મને એ વાત કરજો.’
ધનસુખલાલે સહજ મશ્કરીમાં કહ્યું. જોકે તેમને ખાતરી થઈ ગઈ હતી કે વર્તમાન ગુજરાતનો યુવક કેદના ભયથી પર બન્યો છે.
‘વાત પણ શું કરવા કરવી ? મને તો ધના ભગતનો બોલ બોલ યાદ આવ્યા કરે છે : “મરવાનો પણ મોહ શા માટે ?” તે જ પ્રમાણે જેલમાં જવાનો મોહ અને મમતા શા માટે ? તે પણ અહંતા મૂકીને કરવાનું છે.’ જનાર્દને કહ્યું. સુશીલા દૂર બેઠીબેઠી આ વાક્યપરંપરા સાંભળી રહી.ક તેણે માત્ર જનાર્દનની સામે જોયું અને નજર ખસેડી લીધી. બંનેના હૃદયમાંથી વિકાર ઓસરી ગયો હતો એમ આટલા દિવસના સહવાસથી બંનેને ખાતરી થઈ.
‘આજ કેમ ધના ભગત દેખાતા નથી ?’ ધનસુખલાલે પૂછયું.
‘કિસનની તબિયત કાલે બહુ સારી નહોતી : આજે પણ એમ હોય એટલે નહિ આવ્યા હોય.’ અરુણે કહ્યું. અરુણને ધના ભગત માટે માન હતું. માત્ર તેમની ધાર્મિક ભાવનાઓમાં બુદ્ધિજન્ય ઊતરતાપણાનો તેને થયેલો ભાસ હજી પણ ઓછો થયો નહોતો. જેમાં તેમાં પ્રભુની સહાય માગવી, અને સારાંખોટાં સર્વ કર્મોમાં પ્રભુનો હાથ જોવો, એ અરુણને મન અશક્તિની ફિલસૂફી હતી. છતાં તેને ભગતનાં ભજનો ગમતાં, ખાસ કરીને મર્દાનગી ભરેલા ચાબખા કે વીરત્વભર્યાં પ્રોત્સાહન-પ્રેરક ગીતો હોય ત્યારે.
‘ત્યારે આજે ભજન નહિ થાય ! આ છ-સાત દિવસ રંગ ઠીક જામ્યો !’ ભાવિક ધનસુખલાલને સાંજનો ભજનનો કાર્યક્રમ ઘણો ગમી ગયો હતો.
‘કાર્યક્રમ બંધ ન રખાય; કોઈએ ગાવું પડશે. આટલામાંથી કોઈ નહિ તૈયાર થાય ?’ અરુણે પૂછયું.
‘અલ્યા કંદર્પ ! તું ગાય છે કે નહિ ? દેખાય છે તો છેલ જેવો.’
‘ના રે કાકાસાહેબ ! હું ગાઈશ તો ભગવાન પણ ભાગી જશે.’
સાક્ષર વિમોચનને સ્ત્રીઓ તરફ ઘણો સદ્ભાવ હતો, તે તેમણે પ્રદર્શિત કર્યો. પુષ્પા અને રંજને નીચું જોયું. સુશીલાએ રંજનના વાંસા ઉપર આછી થપાટ મારી કહ્યું :
‘છોકરી તું ગા ત્યારે.’
‘ના ભાઈ ! અહીં નહીં. તમે એકલાં હો ત્યારે.’ ધીમેથી રંજને સંકોચાઈને કહ્યું.
‘હા, રંજન ખરી! એ સારું ગાય છે. પણ એ તો ભાઈ ઉસ્તાદી ગાશે અને અમને સમજ નહિ પડે.’ ધનસુખલાલે કહ્યું.
‘હરકત નહિ, રંજન ! જરા સાદું ગાજે.’ સુશીલાએ આગ્રહ કર્યો.
‘ના મોટીબહેન ! શરમ આવશે.’ રંજને કહ્યું. તેના મુખ ઉપર ખરેખર રતાશ હતી.
‘ચાલ ચાલ, ડાહી ન થઈશ. હજાર માણસ વચ્ચે થિયેટરમાં ગાતાં શરમ નથી આવતી અને અહીં શરમ શાની ?’ સુશીલાએ રંજનને ધમકાવી. સહુએ થોડોવધતો આગ્રહ કર્યો, અને છેવટે ધનસુખલાલે બૂમ પાડી એટલે રંજને ગાવાનું કબૂલ કર્યું. સહુ સ્થિર થઈને બેઠાં. સૌંદર્યભરી કનકવાદળીમીંથ જેમ મેઘધનુષ્ય પ્રગટ તેમ રંજનના કંઠમાંથી સૂરની સેર ચાલી :
ઘેલી ગોપી કોના તું લે છે ઓવરણ ?
નંદકુંવર હૃદયેશ્વરી આવી
ઊભો મારે બારણ. ઘેલી0
હૈયે નવરસ ખટરસ દેહે
ગોપી તણે શીશ ભારણ.
જગગોરસભરી મોંહમટકીનો,
કાન્હડ એક ઉતારણ. ઘેલી0
ભાનભૂલી, પગલાં અસ્થિર –
નયને શાં ઊંડાં ધારણ ?
રસભર રાસ રમાડયા રસિ
સારી રાતનાં જાગ્રણ. ઘેલી0
જન્મે જન્મે તરસી રાધાને
જુગ જુગનાં સંભારણ;
મુરલીનાદ સુણી હું ઝબકી,
ભવભવના એ ઉદ્ધારણ. ઘેલી0
જીવનનાં કંઈ ઝેર ચઢયાં, શે
શોધું હું મોહનમારણ ?
રાધાને મુખ આઠે પહોરે
કૃષ્ણ કૃષ્ણ ઉચ્ચારણ. ઘેલી0 *
…………………..
*રાહ : નાથ કૈસે ગજકો બઁધ છુડાયો
Feedback/Errata