જમનાલાલજીએ રાષ્ટ્રને અર્પિત કરેલી મગનવાડી, જોઈને મગન થવાય એવી વાડી હતી. દેશવિદેશમાં નાગપુરી સંતરાં વખણાય. એ નાગપુરી સંતરાં માત્ર નાગપુરમાં જ નહીં, પણ લગભગ આખા વિદર્ભ પ્રદેશમાં જિલ્લે જિલ્લે થાય. સંતરાં પાક્યાં હોય ત્યારે ઘેરા લીલા રંગનાં પાનવાળાં ઘટાદાર વૃક્ષો પર પાંદડે પાંદડે નારંગી રંગનાં સંતરાં લચી પડે. દૃશ્ય જ આખું મનોરમ! સાબરમતી આશ્રમનાં ખેતરોમાંથી ચોરીને કે ધાડ પાડીને ટમેટાં, મૂળા-મોગરી કે ગાજર આરોગતા બાબલાએ આ સંતરાંથી શોભતી મગનવાડી જ્યારે સર્વપ્રથમ જોઈ ત્યારે થોડી ક્ષણો તો એની સ્થિતિ અલીબાબા અને ચાળીસ ચોરની વાર્તામાં ‘ખુલ જા સીમ સીમ’ કહ્યા પછી ગુફાની અંદરનો રત્નભંડાર જોઈને અલીની થઈ હશે તેવી જ થઈ ગઈ.
બાબલાની જિંદગીમાં પહેલી વાર, ઉંમરને બારમે વરસે, એને પિતા સાથે ‘કાયમને માટે’ રહેવાનું મળવાનું હતું એનો એના અંતરમાં ભારે ઉમળકો હતો. તે પહેલાં તો એના ‘કાકા’ જ્યારે ક્યારેય સાબરમતી આશ્રમમાં આવતા તે દિવસો એને મન દિવાળી-દશેરા જેવા થઈ રહેતા. કારણ, કાકા ભલે બાબલાના પિતા હોય, પણ બાબલા, એની ફોઈ બચુ (નિર્મળા) અને એની બા દુર્ગાબહેનને માટે પણ એ ‘મહેમાન’ જેવા જ હતા. તેથી સાબરમતીથી વર્ધાને આખે રસ્તે બાબલો કાકાની જોડે રહેવાનાં સપનાં જોતો જોતો આવ્યો હતો. મગનવાડી આવતાં પહેલાં જ કાકા બાબલાના કલ્પનાજગતના ચરિત્રનાયક બની ચૂક્યા હતા. એ સાચું કે હજી થોડા મહિના પહેલાં જ આશ્રમથી વિદ્યાપીઠ જવા-આવવા સારુ બાએ એને માટે સાઇકલ ખરીદી આપી હતી ત્યારે કાકાએ પત્ર દ્વારા — ‘આપણા જેવા ગરીબ લોકોથી એમ ચાળીસ રૂપિયાનો ખરચ કેમ થાય?’ — એવો ઉપાલંભ આપેલો, તેથી એના મનમાં કાકા વિશે થોડી બીક પણ હતી. પણ ‘ત્રણ પચીસનાં તાલેવાન’૧ દુર્ગાબહેને બચાવી બચાવીને બાબલાની સાઇકલ સારુ ચાળીસ કેવી રીતે ભેગા કર્યા હશે એનો ખ્યાલ બાબલાને ત્યારે નહોતો, ને આજેય પૂરો નથી. થોડીક બીક છતાંયે એકંદરે મગનવાડી આવવા વિશેની બાબલાની લાગણી ખૂબ ખૂબ હર્ષભરી હતી, પણ એ કલ્પના અને એ સપનામાં પણ સેંકડો સંતરાંનાં ફળથી લચેલી વાડી નહોતી આવી. વૃક્ષો પણ કેટલાં સગવડવાળાં? હાથ લંબાવો કે ફળ તોડાય! અને ફળને તોડવાનીયે મહેનત કરવાની ક્યાં જરૂર હતી? નીચે પાકીને પડેલાં ફળોનો ક્યાં તોટો હતો?
બાબલાભાઈને આમ ‘દગવિસ્ફારિત ઓષ્ટ પ્રસ્ફુટિત’ વદને વાડી તરફ નિહાળીને અધધધ થતા જોઈને મહાદેવભાઈએ એમને પહેલો નૈતિક ઉપદેશ આપ્યો. કેટલાં સરસ સંતરાં છે, નહીં! આપણને રોજ જોઈએ તેટલાં સંતરાં મળશે. આ વાડીને મગનલાલકાકાની યાદમાં નામ આપવામાં આવ્યું છે. અને કાકાજી (જમનાલાલજી)એ તે દેશને આપી દીધી છે. એટલે હવે એમની માલિકીની પણ રહી નથી. આ બધાં સંતરાં હવે સંસ્થાનાં કહેવાય. એને જોવાનાં ખરાં, પણ તોડવાનાં નહીં. આપણને જોઈતાં હશે તેટલાં રોજ રોજ આપણે ઘેર વેચાતાં લાવીશું.’ હતો તો આ હિતોપદેશ, પણ કાકાની વાણીમાં અને કાકાને મોઢે કહેવાયેલો તેથી ગળે ઉતારવો કઠણ ન લાગ્યો. પછી જેટલો વખત મહાદેવભાઈનું કુટુંબ મગનવાડીમાં રહ્યું તેમાં એકેય વાર બાબલાએ એ સંતરાં પ્રત્યે લોભી નજર નથી નાખી.
સાચા અર્થમાં તો મહાદેવભાઈનો धन्यो गृहस्थाश्रम: લગ્ન પછી બત્રીસ વર્ષે, મગનવાડીમાં જ શરૂ થતો હતો. એમ તો દિહેણ, મુંબઈ ને અમદાવાદમાં મહાદેવભાઈએ ગૃહસ્થાશ્રમની તૃપ્તિ અનુભવી હતી. પણ જિજ્ઞાસુ બાબલાના પ્રશ્નોની ઝડી આખો વખત ઝીલવાનો મોકો મહાદેવભાઈને માટે પહેલો હતો — લગભગ પહેલો હતો. નાની બહેન — સાવ નાની — પોતાનાથી છવ્વીસ વર્ષ નાની — બચુનાં લગ્ન વિશે ચિંતા કરવાનો લહાવો એમને પહેલી વાર મળતો હતો. શાંતાનાં લગ્ન વખતે તો તેઓ જેલમાં હતા ને? દુર્ગાની માંદગીની એમને ફિકર તો ઘણીયે હશે, પણ રોજ રોજ એને સારુ કાંઈક ને કાંઈક નવો ઇલાજ શોધવાનો મોકો તો કદાચ આ એમને પહેલી જ વાર મળ્યો હશે. ગૃહસ્થાશ્રમનું મુખ્ય મૂલ્ય — જવાબદારીનું ભાન — પ્રત્યક્ષ આ રીતે મહાદેવભાઈ ઉપર આ પહેલી વાર જ આવતું હતું. દુર્ગાબહેનનાં સૂનાં સ્નેહધામ ત્યારે ભર્યાં ભર્યાં થયાં એમ કહીએ તો ચાલે.
સિંદી ગામની સફાઈ કરતાં કરતાં મીરાંબહેનને કસબાથી થોડે છેટે ખરેખરા ગામડામાં જઈને રહેવાનું મન થયું, અને ગાંધીજીએ તેમ કરવાને તેમને ઉત્તેજન આપ્યું. પહેલાં થોડો વખત તેઓ વરોડા ગામમાં રહ્યાં, પણ પછી એમણે સેગાંવ પસંદ કર્યું. થોડા જ વખતમાં ભક્ત મીરાંબાઈ પાછળ ભગવાન મોહનદાસે પણ સેગાંવ જઈને રહેવાનું નક્કી કર્યું. ગામમાં પોસ્ટઑફિસ નહોતી તેથી એમ ઠર્યું કે મહાદેવભાઈ મગનવાડીમાં જ રોકાય અને રોજ સવારે ટપાલ લઈને સેગાંવ જાય અને સાંજે ત્યાંનું કામકાજ પતાવી, જતી ટપાલ લઈને પાછા આવે. બાપુ હવે ગામડામાં સ્થિર રહેવાના હતા, એટલે મહાદેવભાઈ વર્ધામાં સ્થિર થયા એમ માનીને તેમણે દુર્ગાબહેનને સાબરમતીથી ઉચાળા ભરીને વર્ધા આવીને રહેવાનું ગોઠવ્યું.
વર્ધાનું ‘નવભારત વિદ્યાલય’ ત્યારે ‘મારવાડી વિદ્યાલય’ કહેવાતું. એની વ્યવસ્થામાં પણ વર્ધાની બીજી અનેક સંસ્થાઓની માફક, જમનાલાલજીનો કશોક હાથ હતો. શાંતિનિકેતનથી તાજેતરમાં આવેલા શ્રી ઈ. ડબ્લ્યૂ. આર્યનાયકમે કાર્યકારી આચાર્યનું પદ સંભાળ્યું હતું. તંત્ર એનું એ જ હતું. નારાયણને એ વિદ્યાલયમાં ભણવા બેસાડવાનો મહાદેવભાઈનો ઇરાદો હતો. પહેલા દિવસના અનુભવે જ નારાયણે વિદ્યાલયને નાપાસ કર્યું. નારાયણ આટલાં વર્ષ આશ્રમમાં ઊછર્યો હતો. છેલ્લું એક વર્ષ તેણે ગૂજરાત વિદ્યાપીઠના વિનય મંદિરમાં પાંચમા ધોરણના વિદ્યાર્થી તરીકે ગાળ્યું હતું. ત્યાં એની સામાન્ય રીતે તોફાની પણ હોશિયાર વિદ્યાર્થી તરીકેની સાખ હતી. એકબે વાર એની ફરિયાદ વિદ્યાપીઠથી ઠેઠ મગનવાડી સુધી પહોંચી ચૂકી હતી. પણ અહીં એને જ વિદ્યાલય અંગે ફરિયાદ કરવાની હતી. એણે ફરિયાદ કરવાને બદલે ફેંસલો જ સંભળાવ્યો : ‘કાકા, હું આવી નિશાળમાં ભણવા જવાનો નથી.’ પોતાની વાતને પુષ્ટ કરવા એણે બાલ-બ્રહ્માસ્ત્ર વાપર્યું — રુદન! પછી ધીરે ધીરે એણે વિદ્યાલયના ગુણો વખાણ્યા, જે અહીં આપવાની જરૂર નથી.
મહાદેવભાઈએ નારાયણને નહીં ઠપકો આપ્યો; નહીં ધમકાવ્યો; ન આમ ‘વગર વિચાર્યે’ નિર્ણય કરવા અંગે કાંઈ ઉપદેશ આપ્યો.
એમણે તો માત્ર એટલું જ કહ્યું: ‘નિર્ણય તો તું કરશે એ જ થશે, પણ એક વાર બાપુજીની સલાહ ન લઈ જુએ?’
નારાયણ એને સારુ તૈયાર હતો. ઝટપટ ગાલ પરનાં આંસુ લૂછી એણે બાપુને નામે કાગળ ચીતરી કાઢ્યો, જેમાં એણે મારવાડી વિદ્યાલયના એક દિવસમાં જોયેલા સર્વ દુર્ગુણો વિસ્તારથી વર્ણવ્યા. પણ પત્રનું છેલ્લું વાક્ય નિર્ણાયક હતું. તે એ મતલબનું હતું કે તમારી સલાહ પૂછવા આ કાગળ લખું છું, બાકી નિર્ણય તો મેં કરી જ લીધો છે કે આવા વિદ્યાલયમાં ભણવા નથી જવું.
મહાદેવભાઈ જ બીજે દિવસે સવારે બીજી ટપાલ સાથે નારાયણનો કાગળ પણ લઈ ગયા અને તે જ દિવસે સાંજે બાપુનો જવાબ લઈ આવ્યા: ‘શાબાશ!’
દુર્ગાબહેનના મનમાં ચિંતા હતી. થોડા વખત પહેલાં જ આશ્રમના કેટલાક મોટા છોકરાઓ આશ્રમ છોડીને ‘વ્યવસ્થિત શિક્ષણ’ લેવા બહાર ગયા હતા, તેમ પાછળથી બાબલાનું થશે એ પસ્તાશે નહીં? ‘એમને’ તો આખો દિવસ કામ રહે, ભણાવવાનો વખત ક્યારે મળશે એમને? બાબલો ભણશે નહીં તો આગળ ઉપર કરશે શું? એવા એવા એમની ચિંતાના વિષયો હતા. બીજે દિવસે ગાંધીજીનો એક કાગળ મહાદેવભાઈ ઉપર આવ્યો કે બાબલાને ભણાવવાની જવાબદારી હવે આપણી થઈ. એને આપણા કામમાં સાથે જોડી દઈએ, એટલે એમાંથી જ એનું શિક્ષણ થઈ રહેશે.
પેલી બાજુ આર્યનાયકમ્જીને નારાયણનો આ નિર્ણય બાલિશ લાગ્યો. એમણે ગાંધીજીને પત્ર લખી જણાવ્યું કે એનું ભણતર રોકશો તો તમે મોટી ભૂલ કરશો. બાળક છે એટલે નિશાળે જવાનું ટાળે છે, પણ પછી રખડી જશે. વિદ્યાલયમાં જે કંઈ ત્રુટિઓ હશે તે તો મેં હવે લગામ સંભાળી છે એટલે સુધારી લઈશું.
ગાંધીજીએ આર્યનાયકમ્જી અને નારાયણ બંનેને પોતાની પાસે સેગાંવ બોલાવ્યા. ત્રણ દિવસ સુધી રોજ સવારે ફરવા જતી વખતે બાપુની હાજરીમાં મુકદ્દમો ચાલ્યો. નારાયણે તો પહેલે જ દિવસે ગાંધીજીને કહી દીધું, ‘નાયકમ્જી તો બહુ વિદ્વાન છે. એમની સામે મારી દલીલો નહીં ચાલે, પણ તમને જણાવી દઉં છું કે, મારો નિર્ણય અફર છે.’ ગાંધીજીએ હળવેકથી નારાયણના કાનમાં કહ્યું, ‘તું શું કામ ચિંતા કરે છે? હું તારો વકીલ છું!’
મહાદેવભાઈના માથા પર તે દિવસથી એક વધારાની જવાબદારી આવી — બાબલાને ભણાવવાની. જોકે એ જવાબદારીમાં બાપુએ ચાહીને ભાગ પડાવ્યો. બાબલાના શિક્ષણ સારુ કાંઈક વ્યવસ્થા કરવામાં મહાદેવભાઈ સંકોચ કરતા હોય, તો ગાંધીજી વગર કહ્યું એ સમજી જાય અને મહાદેવભાઈ પાસે ધરાર કરાવે. થોડા દિવસમાં જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો. ગામડામાં સ્થિર થયેલા ગાંધીજીને મદ્રાસ જવાનું તેડું આવ્યું, દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભાના કોઈ વિશેષ પ્રસંગે. જવા-આવવા અને ત્યાં રહેવાના થઈને પાંચછ દિવસનો પ્રશ્ન હતો. મહાદેવભાઈ કહે કે બાબલાને એટલા દિવસ અહીં કાંઈક કામ સોંપી જઈશું. પણ પોતાની સાથે પ્રવાસમાં કોણ કોણ જાય એનો નિર્ણય તો બાપુ કરતા હતા. એમની સેગાંવથી ચિઠ્ઠી આવી: ‘બાબલાની જવાબદારી આપણે લીધેલી છે. આપણે તો અવારનવાર આમ બહાર જવાનું થશે. અને એનું શિક્ષણ તો આપણી સાથે કામમાં જ થવાનું છે. તેથી બાબલો આપણી સાથે મદ્રાસ જશે.’ નારાયણનો તો હરખ માય નહીં. દુર્ગાબહેન પણ રાજી થયાં. આટલા દિવસ સારુ જાહેર નાણાંનો આટલો ખર્ચ કરવાનો એ વિચાર મહાદેવભાઈને થોડો કઠ્યો હતો, પણ એક વાર બાપુનો નિર્ણય આવી ગયો પછી તો તેમણે પણ આ વિચારને વધાવી લીધો. બાબલાને સારુ તો બાપુજીની સાથે પ્રવાસની ગોઠવણ થવાથી જાણે કે જ્ઞાનનું નેત્ર જ ખૂલી ગયું. એની જિજ્ઞાસાએ પાંખો પસારી અને સતત એ જિજ્ઞાસાને સંતોષે, અથવા માહિતી ક્યાંથી મળી શકે તે અંગે ઇશારો કરે તેવા જ્ઞાનકોશ સમા કાકા તો સાથે જ ફરતા હતા ને!
ભણવામાં એક તત્ત્વ નવું ઉમેરાયું. બાબલા આગળ કોઈ પરીક્ષા નહોતી, કોઈ પાઠ્યક્રમ નહોતો. શું ભણવું છે એનો નિર્ણય કરવાનો ભાર પણ મહાદેવભાઈએ બાબલા ઉપર જ છોડ્યો. બાબલાના મનની ચંચળતાને લીધે અથવા ગાંધીજી પાસે રહેવા આવનારા વિદ્વાનોની આવનજાવનને લીધે એ પાઠ્યક્રમમાં અવારનવાર ફેરફાર થતા. એને કારણે એનો સમય પણ થોડોઘણો બગડ્યો હશે. પણ આ શિક્ષણ ‘સંસ્કારો’ અંગેની ભારતીય કલ્પનાઓ જેવું હતું. એ સંસ્કારો એક વાર મળતા તો હૃદય કે મસ્તિષ્કને કોઈક ખૂણે તે સંઘરાઈ જતા. આજે પણ તેમાંના કેટલાક ઊંચા થઈને ડોકિયાં કરતા દેખાય છે.
નારાયણના શિક્ષણનાં માધ્યમો કાંઈક નીચે જણાવેલા પ્રકારનાં ગોઠવાયાં. મહાદેવભાઈ સાથે એમના દફતરમાં નાનાંમોટાં અનેક પ્રકારનાં કામો કરવાનાં. ગાંધીજી પાસે થોડા દિવસ રહેવા આવનારા જોડે મહાદેવભાઈએ ઓળખાણ કરાવી આપી હોય તો તેમની પાસે એમની આવડતનો કોઈક ‘વિષય’ શીખવો. રવિવારે મહાદેવભાઈ સાથે ચાલતા સેગાંવ જવું અને ત્યાં બાપુનું ભાષણ સાંભળવું. રસ્તે મહાદેવભાઈ પાસે સંસ્કૃતના શ્લોકો શીખવા અથવા બીજી કોઈ જ્ઞાનચર્ચા. ત્રણચાર માસમાં તો નારાયણે મહાદેવભાઈનાં અંગ્રેજી લખાણો ટાઇપ કરવાની જવાબદારી ઉપાડી લીધી. દફતરનાં કામોમાં એ જ કામમાં એનો ઠીક ઠીક સમય જવા લાગ્યો. નારાયણની ખાતર શરૂઆતના થોડા મહિના મહાદેવભાઈએ પોતાના સુંદર અંગ્રેજી અક્ષરોને ચીપી ચીપીને લખ્યા, કે જેથી એને ટાઇપ કરવામાં મુશ્કેલી ન પડે. પછી મહાદેવભાઈએ નારાયણ સાથે શરત કરી કે એના ટાઇપિંગમાં એક પણ ભૂલ ન થવી જોઈએ. જો ભૂલ થાય તો તે પાનું ફરી ટાઇપ કરવાનું. નારાયણે એ શરત સ્વીકારીને સામી શરત એ કરી કે એને ન સમજાય એવી કોઈ સામગ્રી ટપાલમાં નખાવી ન જોઈએ! એને પરિણામે हरिजनમાં અઠવાડિયે અઠવાડિયે જતા લેખો પણ નારાયણની પરિઘિમાં આવી ગયા.
જે વિષયોમાં મહાદેવભાઈ નિપુણ ન હોય તે વિષયોથી નારાયણ વંચિત ન રહે એની મહાદેવભાઈ ખાસ કાળજી રાખતા. એક વખત ઘનશ્યામદાસ બિરલા ઇંગ્લંડ ગયા ત્યારે એમની પાસે મહાદેવભાઈએ નારાયણ સારુ સુથારીનાં ઓજારોની પેટી અને રસાયણના પ્રયોગો કરવાની પેટી મગાવી હતી.
નારાયણના શિક્ષણની વાત નીકળી જ છે, તો સાથે સાથે એના શિક્ષકોનો પણ થોડો ઉલ્લેખ કરી લઈએ. ગાંધીજી સાથે જે સ્થાયી રીતે રહે તેમાંથી એકબે જણ સાથે નારાયણે પોતાના વર્ગો ગોઠવ્યા હતા. પ્રાધ્યાપકોની ઓળખાણ કરાવવાની જવાબદારી મહાદેવભાઈની. પણ એમની સાથે વિષય, સમય વગેરે ગોઠવવાની જવાબદારી નારાયણની. એ રીતે આચાર્ય ભણસાળી અને રાજકુમારી અમૃતકૌરે નારાયણનાં વર્ષો સુધી વર્ગો લીધા. જે એકાદ દિવસ ગાંધીજી પાસે આવીને ચાલ્યા જવાના હોય એમની સાથે તો સહજ બેસવાનું થાય તો થોડોઘણો સત્સંગ થાય. રાજાજી, જવાહરલાલજી કે સરદાર સાથે મહાદેવભાઈની વાતો ચાલતી હોય ત્યારે નારાયણની હાજરી એ લોકો સાંખી લેતા. રાજાજી જેવા તો ખાસ આવકારતા. આચાર્ય નરેન્દ્ર દેવ ત્રણ માસ માટે ગાંધીજી પાસે ચિકિત્સા સારુ આવ્યા ત્યારે નારાયણે એમની પાસે સમાજવાદ અંગે પાઠો લીધેલા. ભૂલાભાઈ દેસાઈને દુર્ગાબહેનના હાથની અનાવિલ રસોઈ ખૂબ ગમતી એટલે તેઓ મહાદેવભાઈ સાથે જમતા અચૂક, પરંતુ એમની સાથે ઝાઝી સત્સંગતિ કર્યાનું નારાયણને યાદ નથી. માત્ર એમના પુત્ર શ્રી ધીરુભાઈએ નારાયણને કાંઈક કાંઈક તાલીમ મેળવવા અને પ્રમાણપત્ર મેળવવાનો ખૂબ આગ્રહ કરેલો. જ્યારે જ્યારે પણ તેઓ વર્ધા આવે ત્યારે એ વિષય જરૂર ઉઠાવે કે મહાદેવભાઈ નહીં હોય પછી શું? એમણે વિમાનના પાઇલટ થવાની તાલીમ અપાવવાની વાત એવી જરૂર કરી હતી કે જે મેળવવાનું નારાયણને મન થઈ ગયું હતું. બાકી કોઈ બીજી બાબત તેઓ એને લલચાવી શક્યા નહોતા. શ્રી સાદિકઅલીએ થોડા દિવસ ઉર્દૂ શીખવેલું અને રાષ્ટ્રભાષા-પ્રચારની પરીક્ષામાં નારાયણને ઉર્દૂમાં જ્યારે પ્રથમ વર્ગ મળ્યો ત્યારે સાદિકભાઈએ પરીક્ષકોને પ્રમાણપત્ર આપેલું કે તેઓ ખૂબ ઉદાર હોવા જોઈએ! પણ બે બીજા અધ્યાપકોની વાત કહ્યા વિના ચાલે એમ નથી. એક લાન્ઝા દેલવારિતો, જે ૧૯૩૭માં ત્રણેક માસ સારુ વર્ધા આવીને રહ્યા હતા. તેઓ બહુ સારા ચિત્રકાર હતા. એટલે નારાયણ રોજ એમની પાસે ચિત્રકળા શીખવા જતો. તેઓ ગંગોત્રી તરફ ઊપડી ગયા ત્યારે નારાયણે મહાદેવભાઈ આગળ એમનાં ખૂબ વખાણ કરેલાં. ઠેઠ ત્યારે મહાદેવભાઈએ કહ્યું, ‘એમણે તારા વિશે શું કહ્યું છે એ જાણવું છે?’ એણે કહ્યું કે, ‘તમારો દીકરો જિંદગીમાં બીજું કાંઈ પણ થઈ શકશે, માત્ર એ ચિત્રકાર નહીં થઈ શકે!’ નારાયણને એના જીવનમાં મળેલું કદાચ એ પહેલું પ્રમાણપત્ર હતું! પોલૅન્ડના મૉરિસ ફ્રીડમૅન (ભારતાનંદ) પાસે નારાયણે મહિનાઓ સુધી સુથારી અને ભૂમિતિના પાઠ લીધા. એમને વિશે નારાયણનો અભિપ્રાય એવો હતો કે શિક્ષક તરીકે એમનાથી વધુ ખરાબ શિક્ષક એને મળ્યા નહોતા. ભારતાનંદ જતી વખતે મહાદેવભાઈને નારાયણ વિશે કહી ગયેલા કે એનાથી સારો વિદ્યાર્થી એમને જિંદગીમાં મળ્યો નહોતો.
મહાદેવભાઈ છેલ્લાં વર્ષોમાં રોજ ૫૦૦ ગજ સૂતર કાંતતા. ઝીણું એકધારું સૂતર કાંતતાં સહજે એક કલાક લાગતો. મહાદેવભાઈના કાંતણનો કલાક તે નારાયણનો એમની પાસે ‘ભણવા’નો સમય. તે એની ‘એક કલાકની શાળા’ હતી.
દોઢેક વરસ પછી જ્યારે ‘સેગાંવ’નું ‘સેવાગ્રામ’ બન્યું અને ત્યાં રીતસરની ટપાલ ઑફિસ સ્થપાઈ ગઈ તે પછી મહાદેવભાઈ સેવાગ્રામ રહેવા ગયા. સેવાગ્રામ આશ્રમમાં વરસો સુધી નારાયણને બાપુએ પાયખાના-સફાઈનું કામ સોંપ્યું હતું. આશ્રમમાં કોઈ નવા મહેમાન રહેવા આવે તો તેમને બાપુ પ્રથમ કામ પાયખાના-સફાઈનું સોંપતા. એને લીધે ‘અનુભવી સાથી’ તરીકે નારાયણને અનેક નવા નવા આશ્રમવાસીઓ જોડે પરિચય થઈ જતો.
નારાયણ સારુ નવાં નવાં પુસ્તકો મેળવી આપવાની મહાદેવભાઈ ખાસ કાળજી રાખતા. જવાહરલાલજીના પુસ્તકાલયમાંથી ઇન્દિરાબહેન માટે થોડાં વર્ષો પહેલાં આવેલાં ઘણાં પુસ્તકો એ રીતે નારાયણને પ્રાપ્ત થઈ જતાં!
નિર્મળા ઉર્ફ બચુ એમ તો સગપણમાં મહાદેવભાઈની બહેન થાય પણ ઉંમરમાં એમની દીકરી જેવડી. ઇચ્છાબાની ઇચ્છા એનાં લગ્ન અનાવિલમાં જ કરવાની હતી અને મહાદેવભાઈની વૃત્તિ આ બાબતમાં માતાની મરજીને માન આપવાની હતી, તેથી તેમણે અનેક ઠેકાણે નિર્મળાને સારુ મુરતિયા શોધેલા. મહાદેવભાઈની બહેન એટલે વાંકડો તો મળે જ નહીં એવી સામેના પક્ષને ખાતરી હોય, અને એમેય આ કુટુંબ અકિંચન, એટલે એકથી વધારે જગ્યાએ પ્રયત્ન કર્યા છતાં અનુકૂળ જવાબ નહોતો મળ્યો. દુર્ગાબહેનને આથી ખૂબ ઉચાટ થતો, અને તેઓ મહાદેવભાઈને વધુ પ્રયત્ન ન કરવા માટે હળવાં મહેણાં પણ સંભળાવતાં. મહાદેવભાઈનો હમેશાં એક જ જવાબ રહેતો: ‘આપણી અવસ્થા તો નરસિંહ મહેતા જેવી છે. કુંવરબાઈનું મામેરું જેણે કરાવ્યું તે આપણી બચુને પણ સરખે ઠેકાણે મોકલશે.’ અને ખરેખર એમની એ શ્રદ્ધા ફળી, અત્યંત નિષ્કપટ મનના, સરળ, સહૃદયી, વિદ્વાન અને સમજુ બનેવી મહાદેવભાઈને મળ્યા.
દુર્ગાબહેનનું શરીર સારું રહેતું નહીં. બનતાં સુધી પહેલી સુવાવડ પછી જ એમની તબિયત બગડેલી. નારાયણ પોતે સાનમાં આવ્યો ત્યાર પછી ક્યારેય એની બાને સાવ સાજીનરવી જોઈ નહોતી. ગાંધીજી, અલબત્ત, એમને કાંઈક ને કાંઈક પ્રયોગ કરવાનું સુઝાડ્યા કરતા, પણ કોઈ પ્રયોગ છેવટ સુધી એમણે પૂરો કર્યો હોય એવો ખ્યાલ આ લેખકને નથી. આવી તબિયત સાથે, મોટે ભાગે મહાદેવભાઈથી દૂર એકલા કુટુંબનો ભાર એમણે સંભાળ્યો. આશ્રમમાં એમની ગણતરી જયેષ્ઠાઓમાં થતી. તેથી જવાબદારીઓનો ભાર પણ તેમની ઉપર વિશેષ આવી પડતો. પરંતુ આ બધું હોવા છતાંયે દુર્ગાબહેનનું વ્યક્તિત્વ કાંઈક અજબ રીતે વિકસ્યું હતું. સાબરમતી આશ્રમમાં તેઓ આવ્યાં ત્યાર પછીનાં વર્ષોના એકબે કિસ્સાઓ શ્રી નરહરિ પરીખ વર્ણવે છે:
એક વાર મહાદેવભાઈ અને રામદાસભાઈ ગાંધી નવજીવનમાંથી ઘોડાગાડીમાં આશ્રમમાં આવતા હતા. વાડજ આગળ કૂતરાંએ પીંખી નાખેલી એક વાંદરી મરણતોલ દશામાં પડી હતી. મહાદેવભાઈ એને ગાડીમાં નાખી આશ્રમમાં લઈ આવ્યા. વાંદરીના સદ્ભાગ્યે છગનલાલભાઈ ગાંધીવાળું મકાન ખાલી હતું. તેમાં એ વાંદરીને રાખી. એના બધા ઘા ધોયા તો માલૂમ પડ્યું કે એના કપાળમાં કૂતરાના દાંત બેસવાથી લગભગ પોણો ઇંચ ઊંડો ઘા પડેલો હતો. અને પગે કૂતરાં એટલાં કરડેલાં હતાં કે તેનાથી હલાયચલાય એમ નહોતું. એના ઘા ઉપર માટીના પાટા બાંધવા માંડ્યા અને એને ખાવાનું મળ્યું એટલે થોડા દિવસમાં એ ઓરડામાં હરતીફરતી થઈ ગઈ. એક દિવસ કોઈએ બારણું ઉઘાડું રાખ્યું એટલે ઝટ બહાર નીકળીને પાસેના ઝાડ પર ચડી ગઈ. દુર્ગાબહેનને થયું કે વળી કોઈ કૂતરાના સપાટામાં આવી જશે, એટલે તેની પાછળ પાછળ ગયાં પણ વાંદરી શેની હાથમાં આવે? એ તો ઝાડ ઉપર કૂદતી કૂદતી વાડજ સુધી પહોંચી અને દુર્ગાબહેન થાકીને એને ભગવાનને ભરોસે છોડીને પાછાં આવ્યાં.
દુર્ગાબહેનના સ્વભાવમાં દયાવૃત્તિ સહજ જ છે. એક વખત એક કૂતરી મરવા જેવી સ્થિતિમાં એમના અને કિશોરલાલભાઈના ઘરની વચમાં આવીને પડી હતી. કિશોરલાલભાઈએ એને પાણી છાંટ્યું અને થોડું દૂધ પાયું. પછી દુર્ગાબહેને તો એને રીતસર પોતાના ઘરમાં જ રાખી એનું પાલનપોષણ કરવા માંડ્યું. કૂતરી સારી થઈ અને અમે બધાંએ એનું નામ પ્રેમી પાડ્યું. પછી તો એને બચ્ચાં થયાં. અમારા બધાના ઘરના ઓટલા સળંગ હતા એટલે એ બચ્ચાંએ અમારા બધાંના ઓટલા બગાડવા માંડ્યા. કોઈ એને મારે તો દુર્ગાબહેન કહેતાં, હું બધાના ઓટલા ધોઈશ પણ કોઈ એ કુરકુરિયાંને મારશો નહીં. એક દિવસે કાકાસાહેબે મહાદેવભાઈને કહ્યું, આ બધાં બચ્ચાં કાંઈ જીવવાનાં તો નથી જ. આપણને બધાને હેરાન કરશે અને એ પણ દુ:ખી થશે. માટે તમારે એકાદ પાળવું હોય તો પાળો. બીજાને તમારો વાંધો ન હોય તો હું મારી નાખું. દુર્ગાબહેન વાત સાંભળતાં હતાં. તેમણે કાકાસાહેબને કાંઈ કહ્યું તો નહીં પણ આંખમાં આંસુ સાથે બારણામાં ઊભાં રહ્યાં. કાકાસાહેબ એ જોઈ ગયા એટલે ચૂપચાપ ચાલ્યા ગયા અને કુરકુરિયાંને મારવાની વાત ફરી કદી કાઢી જ નહીં.૨
શ્રી કેદારનાથજી આ લેખકને જ્યારે મળતા ત્યારે મહાદેવભાઈની સાથે દુર્ગાબહેનને અવશ્ય યાદ કરતા. તેઓ કહેતા કે, ‘મહાદેવભાઈને તો સૌ જાણે છે, પણ દુર્ગાબહેનના ગુણો જરાય ઓછા નહોતા…’ એક વાર શ્રી મોટા — શ્રી ચૂનીલાલ ભક્તે — દુર્ગાબહેનનો એક વિશિષ્ટ પ્રસંગ કહેલો. એ વર્ણન કરતાં પણ તેમની આંખ સજળ થયેલી. ૧૯૩૪-‘૩૫ના અરસામાં હરિજન આશ્રમમાં ચૂનીભાઈ ભક્ત દુર્ગાબહેનના પડોશમાં રહે. હરિજન સેવક સંઘના કામ અંગે તેમને અનેક વાર બહારગામ જવાનું થતું. એક વાર તેઓ એમ ખભે ઝોળી લઈ નીકળ્યા ત્યારે દુર્ગાબહેન બહાર ઓસરી પર બેઠાં હતાં. એમણે ચૂનીભાઈને કહ્યું, ‘કેમ, ચૂનીભાઈ જાઓ છો?’ જવાબમાં ચૂનીભાઈ વાંકા વળીને એમને પગે લાગ્યા. દુર્ગાબહેને સહજ રીતે જ એમના માથા પર હાથ મૂક્યો. આટલું વર્ણન કરતાં તો મોટાની આંખો ભીની થઈ ગઈ ને તેમણે કહ્યું, ‘તમને શું કહું નારાયણભાઈ? એવો સ્પર્શ તો મેં કદી પહેલાં અનુભવ્યો જ નહોતો, જાણે વીજળી પસાર થઈ ગઈ. મારું તો આખું વ્યક્તિત્વ જ ઝંકૃત થઈ ઊઠ્યું.’ મોટા અને કેદારનાથજી બંને આધ્યાત્મિક પુરુષો. બંનેને મોઢે દુર્ગાબહેનની આધ્યાત્મિક પ્રવૃત્તિનાં વર્ણન સાંભળીને આ લેખકને ઘણી વાર એમ થયું છે કે, ‘તારી મા ખુદ ગંગામૈયા હતી, તોયે તું એ ગંગોદકમાં ન નહાયો?’ ગંગાજળની દેડકીને ભલા ગંગાનું મહત્ત્વ શી રીતે સમજાય?
મહાદેવભાઈના ગૃહસ્થાશ્રમ અંગે જોકે આ તબક્કે એક વાત તો સ્પષ્ટ કરવી જ જોઈએ કે એ ગૃહસ્થાશ્રમ બાહ્ય દૃષ્ટિએ એમાં ભલે ગમે તેટલાં વિઘ્નો આવ્યાં હોય, પણ આંતરિક દૃષ્ટિએ અત્યંત ભર્યો ભર્યો અને સાચા અર્થમાં સુખસંતોષમય હતો. પરસ્પર અપાર પ્રેમ કરતાં, એકબીજાને સમજતાં અને એકબીજા વિશે આદર તથા ગૌરવભાવ ધરાવતાં, એકબીજા ખાતર કાંઈક ને કાંઈક કરી છૂટવાને મથનાર કુટુંબીજનોનો એ મેળો હતો. જીવન વિશેનો એ પરિવારનો અભિગમ સર્વ પ્રકારની તાણથી ઉપર ઊઠેલો અને વિધેયક હતો. શારીરિક કષ્ટો એણે ભોગવ્યાં હતાં. લાંબા ગાળના વિયોગો એણે સહ્યા હતા. આર્થિક મુશ્કેલીઓ એણે અનુભવી હતી. પણ જે સરવૈયું કાઢીએ — તો એ કુટુંબનું જમાપાસું એના ઉધાર પાસાને ક્યાંય પાછળ રાખી દે એવું હતું. પિતાએ એને આદર્શો આપ્યા હતા, માતાએ ત્યાગ આપ્યો હતો. પુત્રે ઉત્સાહ આપ્યો હતો. એ આદર્શોને લીધે જીવનની દિશા મળી હતી; એ ત્યાગને લીધે એને ટકાવી રાખનાર તત્ત્વ મળ્યું હતું, એ ઉત્સાહને લીધે એ જીવન આનંદમય બન્યું હતું.
બે વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો એ આ કુટુંબમેળાની ત્રિકાળસંધ્યા હતી. દુર્ગાબહેનને ઉત્તમ રસોઈ બનાવતાં આવડતી અને ગમતી. મહાદેવભાઈ અને બાબલો એ રસોઈ પર વારી વારી જતા. ખાતી વખતે જ બધી વાતો હોય. એ વાતો મગનવાડી સેવાગ્રામનાં પાત્રોથી માંડીને દેશવિદેશના પ્રશ્નો અંગેની ચાલતી. એ વાતોમાં બાબલો પૂછનાર, કાકા જવાબ આપનાર અને બા ટિપ્પણી કરનાર રહેતી. સાંજે કાકા કાંઈક ને કાંઈક વાંચી સંભળાવતા. પ્રમાણમાં આ ક્રમ બહુ લાંબા ગાળા સુધી નિયમિત ચાલ્યો નહીં. પણ જેટલો ચાલ્યો તે અત્યંત સુખનો ગાળો હતો. એ ઘરના સુખમાં વધારો કરનાર એક તત્ત્વ મહેમાનોનું પણ હતું. સેગાંવમાં જ્યાં સુધી મકાનો નહોતાં થયાં ત્યાં સુધી બાપુના મહેમાનો એ મહાદેવભાઈના મહેમાનો બની જતા. અલબત્ત, વર્ધામાં સૌથી મોટા યજમાન તો હતા જમનાલાલજી. પણ બાપુના અંતરંગ મહેમાનો ‘બંગલા’ કરતાં મગનવાડીમાં રહેવાનું વધુ પસંદ કરતા. કૉંગ્રેસ કારોબારીના સભ્યો, અલબત્ત, જમનાલાલજીને બંગલે ઊતરતા. પણ એમાંના ઘણાખરાને બાપુને મળ્યા પહેલાં મહાદેવને મળીને બાપુનું મન કેમ ચાલે છે તે સમજી લેવું ગમતું. એ રીતે બાપુની ચર્ચાનો થોડો ભાર હળવો કરવો મહાદેવને ગમતો. એ લોકોની વાતચીતોની સર્વ ગલીગૂંચીઓ કાકાની પાછળ બેસીને, અથવા એમને સારુ ચાની ટ્રે લાવ્યા પછી ત્યાં જ ગોઠવાઈ જઈને સાંભળવી અને સમજવી બાબલાને ગમતી. અને દરેક વિશિષ્ટ અતિથિને ભાવતી વસ્તુ તરત બનાવી આપી ખાસ આગ્રહ કર્યા વિના જ એમને ભાવથી ખવડાવવી બાને ગમતી. દુર્ગાબહેનની રસોઈનાં વખાણ મહાદેવભાઈએ દેશને કયે ખૂણે નહીં કર્યાં હોય?
દુર્ગાબહેનની લગભગ નિરંતર માંદગી એ આ પરિવારના સુખમય જીવનમાં વિઘ્ન પાડનાર વિષય હતો. પણ એક રીતે તે મહાદેવભાઈ અને દુર્ગાબહેનને સ્નેહને તાંતણે બાંધનાર વિષય પણ બની રહેતો. આશ્ચર્યનો વિષય એ હતો કે સામાન્ય રીતે દુર્ગાબહેન અને મહાદેવભાઈને સાથે રહેવાના બહુ સંજોગો ઊભા થતા નહીં પણ મહાદેવભાઈની દરેક ગંભીર માંદગી વખતે સંજોગો અનુસાર દુર્ગાબહેન એમની પડખે હતાં. પણ દુર્ગાબહેનની માંદગી વિશે એમ કહી શકાય નહીં. એમનું વાનું દરદ તો લગભગ આખો વખત જ કાયમ રહ્યું. એને અંગે મહાદેવભાઈ સર્વ પ્રકારના સલાહકારો આગળ પૂછપરછ કરતા અને જે જે સલાહ મળે તે બધી દુર્ગાબહેનને લખી જણાવતા. પણ ચિત્રવિચિત્ર ઉપચારોથી દુર્ગાબહેન કંટાળતાં. એક મોટા હકીમ — બાપુની હસ્તી તો સદૈવ માથા પર હતી જ, પણ એમના સૂચવાયેલા સર્વ ઉપચારો દુર્ગાબહેને છેવટ સુધી અજમાવ્યા હતા કે કેમ એ શંકાનો વિષય છે. મહાદેવભાઈએ એક વાર દુર્ગાબહેન ઉનાઈના ઊના પાણીના ઝરામાં નાહ્ય એવી વ્યવસ્થા કરેલી. તે વખતે દુર્ગાબહેનનાં મોટાં બહેન મણિબહેન પણ એમની સાથે હતાં. બધી વ્યવસ્થા વાંસદાવાળા શ્રી માધુભાઈ જે. પટેલે ખૂબ ભાવપૂર્વક કરેલી. પણ મહાદેવભાઈ ત્યારે પણ પૂરો સમય એમની સાથે રહી શકેલા નહોતા. બીજી એક વાર, ૧૯૪૧માં દુર્ગાબહેનની બીમારી અતિ ગંભીર થઈ ગઈ હતી. દુર્ગાબહેનને બાપુની અને ડૉ. સુશીલા નય્યરની દેખરેખ નીચે રાખીને તે વખતે મહાદેવભાઈને શાંતિસેનાના કામ સારુ અમદાવાદ જવું પડ્યું હતું. શાંતિસેનાની એ પહેલી વ્યવસ્થિત ટુકડી હતી. હિંદુ-મુસ્લિમ હુલ્લડો શમાવવાનું કામ એક તરફ મહાદેવભાઈ કરતા હતા, બીજી તરફ જેલમાં બેઠેલા સરદારને રોજેરોજની પ્રવૃત્તિનો અહેવાલ આપતા અને ત્રીજી તરફ લગભગ મરણાસન્ન દુર્ગાના સમાચાર સેવાગ્રામથી મેળવતા હતા. આ વિયોગ એ બંનેની જોડીને વધુ આંતરિક સ્નેહગાંઠથી જોડનારો જ નીવડતો હતો. બાબલાની બીમારી હોય તો દુર્ગાબહેન સેવા કરે અને મહાદેવભાઈ આંસુ સારે — અથવા તો પછી પુસ્તકાલયમાંથી એ રોગ અંગેની સર્વ માહિતી એકઠી કરીને બાબલાને સમજાવે. મહાદેવભાઈની બીમારીમાં એક આગાખાન પૅલેસને બાદ કરતાં દુર્ગાબહેન અને બાબલો એમની સાથે જ હતાં. પણ એમને માથે કે પગે તેલમાલિશ કરવા સિવાય એમની ખાસ કાંઈ સેવા કરવી પડે એવી એમની બીમારી નહોતી. મહાદેવભાઈને જરૂર હતી આરામની જે બાબલો અને દુર્ગાબહેન તો શું, પણ બાપુ પણ આપી શકે એમ નહોતા.
કોઈક વાર મહાદેવભાઈ દિવસે ઓરડી બંધ કરીને સૂવાનો પ્રયત્ન કરતા. તે વખતે નારાયણને કહેતા, ‘બાબા, હું સૂવા જાઉં છું. ભલો ભૂપ આવે તોપણ મને ઉઠાડીશ નહીં. ખુદ યમ આવે તોપણ એને ઘડીભર થોભી જવાનું કહેજે!’
બાબલો સહેજ ટીખળ કરીને પ્રશ્ન પૂછતો, ‘અને કાકા, જો બાપુ આવે તો?’
એ પ્રશ્નનો જવાબ મહાદેવભાઈ પાસે નહોતો. તેઓ માત્ર બાબલા તરફ જોઈને કહેતા, ‘લુચ્ચા! તું તો બધી વાતમાં પકડી પાડે છે!’
પણ એ પ્રશ્નનો જવાબ બાબલા પાસે હતો. એને ખબર હતી કે બાપુ આવે તો મહાદેવને ઉઠાડવા જ ન પડે, એમના આવતાં પહેલાં જ કાકા ઊઠેલા હોય!
બીજા વિશ્વયુદ્ધ વખતનો એક પ્રસંગ અહીં જ નોંધી લઈએ. ગાંધીજીએ વિદેશી આક્રમણના સંજોગોમાં અહિંસક પ્રતિકારની પોતાની જે કલ્પના દેશ અને દુનિયા આગળ રજૂ કરેલી તેનો એક હિસ્સો એ હતો કે અહિંસક સૈનિકો આક્રમણકારી સેનાની સામે જઈને એમની તોપોનાં મોં આગળ નિર્ભયપણે ઊભા રહી, એના ‘શિકાર’ (કેનન ફોડર) બનવા તૈયાર હશે. હવે, ગાંધીજીએ એક વિચાર મૂક્યો અને એનો અમલ પોતાના લોકોથી જ ન કરે, તો એ ગાંધીજી શાના? એમણે સેવાગ્રામ આશ્રમના અંતેવાસીઓને આ આખી વાત કરી અને પૂછ્યું કે એમનામાંથી કોણ કોણ આ રીતે સરહદ પર જઈને તોપોની સામે ઊભા રહેવા તૈયાર હતું.
તે દિવસે રાતે મહાદેવ કુટિની પરસાળમાં બા અને કાકાની પથારીની વચ્ચે બાબલાની પથારી હતી. બાબલો ઊંઘી ગયો છે એમ સમજી મહાદેવભાઈ અને દુર્ગાબહેન વાતો કરતાં હતાં. બાબલો છાનોમાનો આંખો મીંચીને એ સંવાદ એટલા માટે રસપૂર્વક સાંભળતો હતો કે એનો વિષય એ પોતે જ હતો.
મહાદેવભાઈ: આજે બાપુએ કહ્યું હતું તે સાંભળ્યું છે?
દુર્ગાબહેન: કેમ, આપણે સાથે જ બેઠાં હતાં ને?
મ: તેં શો વિચાર કર્યો?
દુ: વિચાર વળી શો કરવાનો હોય? બાપુ કહે તેમ કરવાનું.
મ: મરવાની તૈયારી છે?
દુ: તોપને મોંએ ચડવાનું હોય તો મરવું તો પડે જ ને? પણ બાબલાનું શું વિચાર્યું? એમ કરો, હવે બાબલો મોટો થયો. અત્યાર સુધી એને મેં ઉછેર્યો છે. હવે એને શિક્ષણની જરૂર પડવાની. તે તમે જ આપી શકો. એટલે તમે અહીં રહેજો, હું બાપુની સેનામાં જઈશ.
મ: પણ તું જાય તોય હું ઓછો જ બહાર રહી શકવાનો હતો? બાપુની સેના તોપે ચડતી હોય ને હું એમાં ન હોઉં એમ બને?
બન્નેની વાતમાં તથ્ય હતું. થોડી ક્ષણો બંને શાંત રહ્યાં. છેવટે નિશ્ચય કર્યો કે જો બાપુ એવી સેનાની માગણી કરે તો બંને જણ પોતાનાં નામ એમાં આપશે. ‘બાબલો હવે સમજણો થઈ ગયો છે. એની ચિંતા ઈશ્વર કરશે.’
નોંધ:
૧. મહાદેવભાઈની માસિક આવક રૂ. ૭૫/- હતી. તેને વિશે દુર્ગાબહેન કહેતાં: ‘આપણે તો ભાઈ ત્રણ પચીસનાં તાલેવાન!’
૨. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૮૮થી ૯૦.
Feedback/Errata