પચીસ – નમીને જીત્યા

સાંપ્રદાયિક દાવાનળને શમાવવા અને આંતરિક શુદ્ધિ વધારવા સારુ કરેલા યજ્ઞમાંથી પસાર થઈ ગાંધીજીએ પોતે ૧૯૨૪ના વર્ષારંભે આદરેલી પ્રવૃત્તિ પુન: ચાલુ કરી. મહાદેવભાઈએ પણ नवजीवनના તંત્રીપણાના ફરી વાર આવેલા કામચલાઉ બોજમાંથી હળવા થઈ અને ગાંધીજીના ઉપવાસ અંગેની ચિંતામાંથી મુક્ત થઈ સચિવ તરીકેની પોતાની કામગીરી રાબેતા મુજબ ઉપાડી લીધી. ગાંધીજીને ઉપવાસમાં ‘આધ્યાત્મિક આહાર’ મળ્યો હતો અને ત્યાર પછીનાં ચાર અઠવાડિયાંમાં દાક્તરોની કાળજી અને પ્રિયજનોની મમતા હેઠળ કાંઈક અંશે આરામ પણ મળ્યો હતો. ગાંધીજીના શરીર અંગે અલબત્ત, મહાદેવભાઈને ત્યારે પણ થોડી ચિંતા અને થોડી ફરિયાદ હતી જ:

હવે તો ગાંધીજી એમ માનતા થઈ ગયા છે કે હું પહેલાંના જેવો જ થઈ ગયો. પહેલાંના કરતાં વધારે ચાલવાનો પ્રયત્ન કરે અને કંઈક વધારે ચાલે છે પણ ખરા; વાતો કરવાના તો વધારે પ્રસંગો આવે છે જ, અને તેમ થાય છે ત્યારે જે થાક દેખાય છે તેથી ચેતવણી પણ મળી જાય છે કે હજી તબિયત પહેલાંના જેવી તો નથી જ થઈ. ઉપવાસ પછી ચાર રતલ વજન વધ્યું હતું, એટલે ૯૨ રતલ થયું હતું, તે હવે લગભગ અઠવાડિયું થયાં એટલું ને એટલું છે.

ગાંધીજીને થોડો આરામ મળ્યો ખરો, પણ મહાદેવભાઈને શ્વાસ ખાવાનીયે ફુરસદ ક્યાં મળી છે? અને એને અંગે એમના મોઢામાં ફરિયાદનો એકે હરફ પણ ક્યાં નીકળે છે?

એક એકતાયજ્ઞ સારુ ગાંધીજીએ એકવીસ દિવસનું તપ વહોરી લીધું. હવે એમની નજર બીજા એકતાયજ્ઞ તરફ વળી. તે યજ્ઞ કૉંગ્રેસને અંદરથી એક કરવાનો હતો. એની પ્રક્રિયા વધુ સૂક્ષ્મ હતી. એ નીચા નમીને હૈયાં જીતવાની પ્રક્રિયા હતી. यंग इन्डियाના ૧૧–૯–૧૯૨૪ના અંકમાં તેઓ પરિસ્થિતિ અંગે પોતાનું આકલન સમજાવવા ઉપરાંત અહિંસાની દૃષ્ટિએ સત્યાગ્રહીએ આગળ કેમ વધવું જોઈએ એ પણ સ્પષ્ટ કરે છે. આપણે એના કેટલાક અંશ જોઈએ:

આપણા મતભેદો વધતા જાય છે. દરેક મંડળ પોતાના કાર્યક્રમને સિદ્ધાંતનો પ્રશ્ન બનાવી મૂકે છે. દરેક અંત:કરણપૂર્વક માને છે કે તેના કાર્યક્રમથી જ સર્વમાન્ય ધ્યેયને પહોંચી શકાશે. …

એક જીવંત સક્રિય અને અહિંસક બળ તરીકે આપણે અસહકારની યોજના કરી હતી. એ અસહકાર આ રાજ્યતંત્રમાં રહેલી હિંસા સામે પડકારરૂપે હતો. કમનસીબે એ કદી સક્રિય રીતે અહિંસક થઈ શક્યો નહીં. નબળા અને લાચાર માણસની સ્થૂળ અહિંસાથી આપણે સંતોષ માન્યો. સરકારી તંત્ર પર એ તત્કાળ અસર ન પાડી શક્યો, એટલે બમણા જોરથી આપણી સામે એ ઊછળી રહ્યો છે… પાંચ બહિષ્કારોને પહેલાં જેટલો જ ચુસ્તપણે હું માનું છું… પરંતુ સામુદાયિક રીતે એને અમલમાં મૂકવાનું વાતાવરણ અત્યારે નથી… કૉંગ્રેસે તો જનતાનું પ્રતિનિધિત્વ વધુ ને વધુ કરવું જોઈએ… જનતામાં જાગૃતિ આવી નથી. એમનું રાજકારણ તો રોટી અને નમક તેમ જ કોમી તોડજોડ પૂરતું જ મર્યાદિત છે… આપણે જનતાના દુ:ખમાં ભાગ લેવો જોઈએ, તેમની મુશ્કેલીઓ સમજવી જોઈએ… કાંઈ નહીં તો આપણામાંથી થોડાને આ આકરી તાવણીમાંથી પસાર થવું જ જોઈશે. તેમાંથી જ પરિપૂર્ણ, જોરદાર અને સ્વતંત્ર રાષ્ટ્રનો જન્મ થશે… આખી લડત જો કૉંગ્રેસનો કબજો લેવાની જ હોય તો તે લડતમાં જોડાવાનો હું ઇન્કાર કરું છું… નિષ્ઠાપૂર્વક કરેલી સેવામાંથી જે સત્તા મળે છે તે સત્તા ચડાવનારી હોય છે… હું એટલું જાણું છું કે મારામાં લડવાની વૃત્તિ બિલકુલ રહી નથી. મારા જેવા જન્મસિદ્ધ યોદ્ધાને માટે આમ કહેવું એ માથાના ઘા જેવું છે. મારા વહાલામાં વહાલાઓ જોડે હું લડેલો છું. પણ હું પ્રેમથી લડનારો છું. સ્વરાજીઓની સાથે પણ હું પ્રેમથી લડવા તૈયાર થાઉં. પણ હું જોઉં છું કે પ્રથમ મારે મારો પ્રેમ સાબિત કરવો જોઈએ…’

ઉપવાસ પછીનો ગાંધીજીનો મોટા ભાગનો સમય સ્વરાજીઓ આગળ પોતાનો પ્રેમ સાબિત કરવામાં જ ગયો એમ કહીએ તો ચાલે. ફેરવાદી અને નાફેરવાદી બંને જૂથોને ગાંધીજીએ પોતપોતાનાં કાર્યક્ષેત્રો નોખાં નોખાં કરવાની તથા એકબીજા વચ્ચે અથડામણ ટાળી એકબીજાને સહાયક થવાની સલાહ આપી.

અલબત્ત, ઉપવાસને લીધે હિંદુ-મુસ્લિમ વિખવાદનું વાતાવરણ થોડું શમ્યું હતું, પણ પ્રશ્ન કાંઈ ઊકલી તો નહોતો જ ગયો. તેથી એ પ્રશ્ન અંગે પણ ગાંધીજીને અવારનવાર ધ્યાન આપવું પડતું.

ગાંધીજીનો ઉદ્દેશ દેશમાં વ્યાપ્ત બધી અવ્યવસ્થા મટાડી સુવ્યવસ્થા કરવાનો હતો. તેને માટેનો તેમનો રસ્તો પોતે નમતું આપીને સામાને જીતવાનો હતો.

એ જ અરસામાં વાઇસરૉયે વટહુકમ બહાર પાડીને બંગાળમાં અનેક લોકોને બિનમુદતી અટકાયતમાં લીધા. કહેવાયું તો એમ હતું કે આ વટહુકમ ત્રાસવાદીઓને જેર કરવા સારુ છે. પણ એના ઉપયોગ પરથી એ સ્પષ્ટ જણાતું હતું કે તે બંગાળના સ્વરાજીઓની સામે વીંઝાયેલો ઘા હતો. આનાથી ગાંધીજી અકળાઈ ઊઠ્યા. છતાં એમણે ૩૦–૪–૧૯૨૪ને રોજ મોતીલાલજીને લખ્યું:

આપણી લાચારીથી હું પરેશાન છું. આપણે કશું ઉતાવળમાં કે ક્રોધાવેશમાં કરવું જોઈએ નહીં. એટલે અત્યારે તો તોફાન આગળ આપણે નમી જઈએ… સરકારની ગેરકાયદે પદ્ધતિની સામે આખા દેશનો લોકમત આપણે સંગઠિત કરીએ. અને સરકાર જે અસાધારણ ઉપાયો લેવાની પ્રથા વાપરે છે, તેની ઉપર હુમલો કરીએ … અસાધારણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેને જે અસાધારણ સત્તાની જરૂર હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો મત મેળવીને તે તેમ કરી શકે… મને સંગઠિત અને શિસ્તવાળી કૉંગ્રેસ આપો, તો સરકારના પગલાનો જવાબ લોકોના સામા પગલાથી આપવાનું મને સૂઝે. પરંતુ જ્યાં સુધી કૉંગ્રેસ એવી નથી… ત્યાં સુધી અસરકારક અને સક્રિય પ્રતિકારની કશી આશા મને દેખાતી નથી.

ગાંધીજી દિલ્હીથી કલકત્તા જવા ઊપડ્યા, ત્યાં તેમણે સર્વે ફેરવાદીઓ અને નાફેરવાદીઓને ભેગા કર્યા. બંનેને સાથે તથા જુદી જુદી પણ વિગતવાર સમજણ આપી. આ બંને વચ્ચેની ખાઈ કદાચ બંગાળમાં સૌથી વધારે ઊંડી હતી. ગાંધીજીના પ્રેમભર્યા પગલાએ એ ખાઈ મહદંશે પુરાઈ. સ્વરાજીઓના નેતા શ્રી ચિત્તરંજન દાસે તેથી ખૂબ રાહત અનુભવી. હજી બે વરસ પહેલાં જ જેમણે અસહકાર આંદોલનને પાછું ખેંચી લેવાના ગાંધીજીના પગલાની આકરી ટીકા કરી હતી તે જ દાસબાબુ આ પ્રસંગે તેમના પ્રશંસક બન્યા.

કલકત્તાની આ મુલાકાતને મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં સજીવ કરી દીધી છે. ઉપવાસ વખતે ‘પહેલું અઠવાડિયું’, ‘બીજું અઠવાડિયું’ એમ અઠવાડિયે અઠવાડિયે લખતા. આમ સાત લેખ લખાયા હતા. ‘કલકત્તાની મુલાકાત’ની શરૂઆત જ તેમણે આ રીતે કરી: ‘વાચકને જાણીને આનંદ થશે કે મારું મથાળું બદલાયું છે.’ ચાર દિવસની મુલાકાતમાં જે કામ ગાંધીજીએ આટોપ્યું તેને અંગે, ‘તે જોતાં તો કોઈને એમ લાગે કે તેમને અશક્તિ હવે રહી જ નથી. પણ પ્રભાતમાં ચાર વાગ્યાથી રાતના અગિયાર સુધી લાંબી ચર્ચાઓ અને વાતો કર્યા પછી કેટલો થાક લાગતો હશે તે હું જાણું છું, અને તે થાકની અસર હવે જણાય છે.’ હિંદુ-મુસ્લિમ એકતા, ખાદી અને અસ્પૃશ્યતાનિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ગાંધીજીએ સૌને સલાહ આપી. એકતા કર્યા વિના આપણે અસહકાર કરવા લાયક નથી એ સમજાવ્યું. ખાસ કરીને નાફેરવાદીઓના ફેરવાદીઓ પ્રત્યેના અવિશ્વાસને ઘટાડવાની તેમણે કોશિશ કરી. ‘દાસબાબુ સંકટમાં હોય અને હું એમની વહારે ન ધાઉં તો મારું દેશાભિમાન લાજે.’ – એ એમની વૃત્તિ હતી. કૉંગ્રેસના દરેક સભ્ય મહિને ૨,૦૦૦ હજાર વાર સૂતરનું લવાજમ ભરવું એ શરત અંગે ફેરવાદીઓએ ખૂબ ખૂબ દલીલો કરી. પણ ગાંધીજીએ કલકત્તાની આ મુલાકાત દરમિયાન ‘જેટલો ત્યાગ થાય તેટલો કરવો, જેટલે દરજ્જે જઈને મદદ કરી શકાય તેટલે દરજ્જે મદદ કરવી.’ એ જ વૃત્તિ દાખવી. તેથી, તેમણે હાથે કાંતીને સૂતર આપવાની શરતને મોળી કરીને બીજાએ કાંતેલું સૂતર પણ આપી શકાય એવું સ્વીકાર્યું. તેમણે નાફેરવાદીઓને સમજાવ્યું: ‘અહિંસાવાદીઓનો ધર્મ જ એ રહ્યો કે એટલું ત્યાગી દેવું કે પછી ત્યાગવાનું કશું ન રહે.’ ગાંધીજીએ એ પણ સમજાવ્યું કે અસહકારને ત્યાગી દેવામાં આવ્યો નથી, માત્ર હાલ પૂરતો મુલતવી જ રાખવામાં આવ્યો છે. પછી સર્વ પ્રસંગે ને સર્વ કાળે ખાદી પહેરવાની શરત પણ છોડી. છેવટે તેમણે કહ્યું: ‘[આમાં] મારા આદર્શનો થોડો ત્યાગ છે, કોઈ તત્ત્વ કે સિદ્ધાંતનો ત્યાગ નથી… ત્યાગ બે પ્રકારના હોય છે: પોતાના સ્વતંત્ર મતનો અને તત્ત્વનિશ્ચયનો. સ્વ. ગોખલે કહેતા કે પહેલાનો જનકલ્યાણ માટે ત્યાગ થાય, પણ બીજાનો નહીં.’ એક દિલચસ્પ ચર્ચા મહાદેવભાઈ નોંધે છે:

પ્રશ્ન: તમે દુષ્ટ સરકાર સાથે અસહકાર આરંભ્યો, અને તે હવે ધીમે ધીમે છોડતા ચાલ્યા. … હવે તો દુષ્ટતા સાથે સહકાર ઉપદેશી રહ્યા છો. સ્વરાજવાદીઓએ એવાં એવાં પ્રપંચ અને જૂઠાણાં ચલાવ્યાં છે કે તેમની સાથે સહકાર શી રીતે થાય?

ઉત્તર: મેં એવું કહ્યું જ નથી કે સર્વ સ્થળે અસહકાર કરી દેવો. અસહકાર ત્યારે કરીએ જ્યારે સામાના દુષ્ટ કાર્યમાં આપણે ભાગ લેવાપણું હોય… સ્વરાજીઓ કે આપણા ભાઈઓની સાથે તો અસહકારનો પ્રસંગ જ નથી આવ્યો. તેમની સાથે અસહકાર કરવો પડે એટલે અંશે સહકાર જ ક્યાં કર્યો છે?’

બીજા કોઈએ કહ્યું: ‘એક વાર તમે કહેતા હતા કે એક સહકારી વકીલ કરતાં પ્રામાણિક બૂટ સાફ કરનારો સારો. આજે તો વકીલો અને બડેખાંઓના થવાને તમે તૈયાર થાઓ છો.’ ગાંધીજીએ ઉત્તર આપ્યો: ‘હા, તમે ઠીક કહ્યું. મેં જે કહ્યું હતું તે શબ્દેશબ્દ ઠીક કહ્યું હતું. અસહકાર આજે છે ક્યાં? જો અસહકાર પૂરો વ્યાપેલો હોય, જો બૂટપૉલિશ કરનારાના જેવા પણ પૂરો અસહકાર કરતા હોય તો તેઓ સહકારીઓને દૂર રાખી શકે. … જો વિખવાદ ન હોત, જો ઝેર ફેલાયેલું ન હોત તો હું પહેલાંની જેમ મારું ગાડું ચલાવત. …

આ મુલાકાત દરમિયાન જ છઠ્ઠી નવેમ્બરે ગાંધીજી, ચિત્તરંજન દાસ અને મોતીલાલ નેહરુની સંયુક્ત સહી હેઠળ ‘કરાર-નામા’ તરીકે જાણીતું થયેલું નિવેદન બહાર પડ્યું. કરાર-નામામાં સ્વરાજના ઉદ્દેશથી કામ કરનાર હિંદના દરેક પક્ષને કૉંગ્રેસના એક છત્ર નીચે આવીને કામ કરવાની હાકલ હતી. તેમાં વિદેશી કપડાં નહીં પહેરવાં કે વાપરવાં નહીં, એ સિવાયનો અસહકારનો આખો કાર્યક્રમ મુલતવી રાખવાનું સૂચન થયું, અને કૉંગ્રેસની અંદરના દરેક જૂથે ખાદી, હિંદુ-મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતાનિવારણના ત્રિવિધ રચનાત્મક કાર્યક્રમને ઉપાડવાનું સૂચવાયું. કૉંગ્રેસના સભાસદોએ તેઓ કૉંગ્રેસનાં કામોમાં રોકાયેલા હોય તે વખતે તો ખાદી પહેરવી જ અને દરેક સભ્યે દર મહિને બે હજાર વાર સૂતરનો ફાળો આપવો. માંદગી, નામરજી કે એવા જ કોઈ કારણસર એટલું જ સૂતર બીજા પાસેથી ખરીદીને પણ આપી શકાય એવી છૂટ રાખવામાં આવી.

મહાદેવભાઈ તે પ્રસંગે ઉત્પન્ન થયેલા વાતાવરણનું વર્ણન કરતાં કહે છે: ‘જે દિવસે તહનામા ઉપર સહી થઈ તેને બીજે દિવસે બધા છૂટા પડતાં ગાંધીજી પાસે આવ્યા, અને પંડિતજી બધાના તરફથી કહેવા લાગ્યા: ‘ગાંધીજી, હવે તો તમે અમને રેંટિયાનો પાઠ આપો – અમે તમારી પાસે કાંતતાં શીખીને જવાના.’ તા. ૪થીએ પહેલાં મળ્યા ત્યારે શ્રી કેળકરે કહેલું: ‘આપણે સાથે બેસીએ. જૂના દોસ્તો છીએના! ગાંધીજીએ તુરત કહેલું, ‘ના. જૂના દુશ્મનો, નવા દોસ્તો!’ રાજાજી આગળ ગાંધીજીએ બંને પક્ષો વચ્ચે થયેલા સમાધાનને ચૌરીચૌરાકાંડ પછી આંદોલન મુલતવી રાખ્યું હતું એટલી અગત્યની ઘટના તરીકે વર્ણવી.

૧૯૧૭થી ૧૯૪૭ સુધીની ગાંધીજીની પ્રવૃત્તિ એ જાણે કે હિંદુસ્તાનના ઇતિહાસની ગતિવિધિ સૂચવે છે. મહાદેવભાઈ એ ઇતિહાસની અંતરંગ કથા એના દરેક વળાંક સાથે આપણી આગળ છતી કરે છે. પણ મહાદેવભાઈ માત્ર ઇતિહાસના નોંધનાર નથી. તેઓ ગાંધીજીના ભાષ્યકાર છે, ગાંધીજીની વાતોને સામેનો માણસ સમજી શકે એવી ભાષામાં રજૂ કરનાર દુભાષિયા છે, ગાંધીજી જેવા એક મહાનાટકીય પુરુષને એના હૂબહૂ રૂપમાં પ્રગટ કરનાર એક નાટકકાર છે, ગાંધીજીના સંપર્કમાં આવનાર સેંકડો આબાલવૃદ્ધ સ્ત્રીપુરુષોના ચરિત્રચિત્રણકાર છે. અને આ બધું તેઓ કરે છે ખૂબ સહજતાથી. એમની કલમ લખવાનું શરૂ કરે તો ભાગ્યે જ અટકે છે. એનું મુખ્ય કારણ એ છે કે મહાદેવભાઈનું પોતાનું ચરિત્ર ભક્તિ-સરોવરમાં સરળતાથી સડસડાટ સરી જતી નૌકા જેવું છે.

ગાંધીજીની મુલાકાતે આવનારામાં અંગ્રેજો પણ છે. એવાયે અંગ્રેજો છે, જે માત્ર ગાંધીજી સાથે જ દોસ્તી કરવા નહીં, પણ હિંદ અને ઇંગ્લંડની વચ્ચે મૈત્રી વધારવા પણ ઇચ્છે છે. એવી મૈત્રી શી રીતે સધાય? ‘બેત્રણ વસ્તુ સધાય તો મૈત્રી થવી સહેલી છે.’ ગાંધીજી કહે છે:

હિંદુસ્તાને સ્વાશ્રયી થવું જોઈએ, તે માટે આર્થિક પ્રશ્નનું નિરાકરણ થવું જોઈએ. જો પરદેશી કપડું, જે હિંદુસ્તાનને પરતંત્ર અને નિ:સત્ત્વ કરી રહ્યું છે જાય તો તેનામાં નિર્ભીક ઊભા રહેવાની તાકાત આવે. તમે કહો છો તે માનું છું કે અંગ્રેજો અને હિંદીઓ વચ્ચે કેવળ અસહકાર કલ્પી ન શકાય. હમેશાં મનુષ્ય મનુષ્ય ઉપર આધીન રહેવાનો જ. પણ હું બંનેના સંબંધ સરખા કરવા માગું છું. જે બંનેની વચ્ચેના સંબંધમાં માણસાઈ આવે તો મને સંતોષ થાય. આજે તમે હિંદુસ્તાનને ભોગે ગજવાં ભરવા આવો છો, એટલે તમારું અને અમારું હિત વિરોધી છે. અહીં એક, બીજાનું સત્ત્વ ચૂસીને જીવે છે. એ અસ્વાભાવિક સંબંધ બંધ થાય તો મૈત્રીનો પાયો નાખી શકાય. પણ આજે તો અંગ્રેજ પોતાને હિંદી કરતાં ઊંચા દરજ્જાનો માને છે. એ ઊંચાપણાની લાગણી ચાલી જવી જોઈએ.

હવે રહી હિંદુ-મુસલમાન ઐક્યની વાત. અંગ્રેજો એ ચાહે છે એમ કહેવાય છે. પણ એ વિશે હમેશાં શંકા જ રહે છે. આ બાબત અંગ્રેજો જે કહે છે તે તેમના મનમાં હોતું નથી એમ હમેશાં શંકા રહ્યા જ કરે છે, એ ઐક્ય સાધવામાં અંગ્રેજોએ પોતાનું ભલું માનવું જોઈએ, કૃતકૃત્યતા માનવી જોઈએ.

પછી દારૂના મહેસૂલની વાત કહી, ગાંધીજી સૌથી અગત્યના મુદ્દા ઉપર આવે છે:

અંગ્રેજોને હિંદીઓનો અવિશ્વાસ એટલો બધો છે કે કરોડો રૂપિયાનો લશ્કરી ખર્ચ તેમણે લાદેલો છે. જો અંગ્રેજો કેવળ હિંદીઓની ભલમનસાઈ ઉપર રહે તો પરદેશી લશ્કરની કશી જરૂર ન રહે. આજે તો બધે અવિશ્વાસ ભર્યો છે, બધે જ લોખંડી દીવાલ ઊભેલી છે.

આટલી વાત નક્કી થાય તો હું સ્વરાજબરાજની યોજનાની વાત છોડી દઉં, કારણ પછી તો સ્વરાજને આવતાં ગણ્યાગાંઠયા દહાડા રહે.

મહાદેવભાઈ આખા સંવાદ ઉપર ટિપ્પણી કરતાં કહે છે:

એમણે [ભાઈએ] ઊંચાનીચાની લાગણી કબૂલ કરી. ઘણે અંશે એ લાગણી છે, છતાં એ હૃદયનો દોષ નથી, સ્વભાવનો દોષ છે. … દારૂના મહેસૂલની અનીતિ પણ એમણે સ્વીકારી. માત્ર કાપડની વાત અને લશ્કરી ખર્ચની વાત એમને ગળે ન ઊતરી, કારણ, એઓ એ વાતમાં માનનારા હતા કે ઈશ્વર એક પ્રજાને જરૂર પડે તો બીજાને માથે રહીને તેનું ભલું કરવાને સર્જે છે. અને અંગ્રેજોને તે હક મળેલો છે.૧૦

કલકત્તામાં જ એક ભલો અંગ્રેજ આવીને ગાંધીજીને કહે છે કે એમના દિલ્હીના ઉપવાસની ભારે અસર પડી. ‘અંગ્રેજો અને હિંદીઓનો સંબંધ આપ એવી જ રીતે સુધારશો એવી મને આશા છે.’

ગાંધીજી કહે છે: ‘હા, એ મારું જીવનકાર્ય છે.’ પેલો ભાઈ કહે છે: ‘પણ તે માટે આપને ઉપવાસ ન કરવા પડે એવી આશા રાખું છું.’ ગાંધીજી હસીને કહે છે: ‘નહીં, અંગ્રેજ અને હિંદીઓના, અને હિંદુઓ અને મુસલમાનોના સંબંધ જુદી રીતના છે. અંગ્રેજ પોતાને ઊંચો સમજે છે. હિંદુઓ અને મુસલમાનોની વચ્ચે એ જાતની લાગણી નથી. … અંગ્રેજોનાં હૃદય જીતવાને માટે વધારે પરિશ્રમ જોઈએ.૧૧

અંગ્રેજો વિશે ગાંધીજીની મુખ્ય ફરિયાદ એ હતી કે તેમણે આ દેશને એના ધંધાઓ ભાંગી નાખીને, ભૂખે મારી શારીરિક રીતે, આ દેશને સારુ વિપરીત એવા શિક્ષણ દ્વારા માનસિક દૃષ્ટિએ અને એને બળજબરીથી નિ:શસ્ત્ર બનાવીને આધ્યાત્મિક દૃષ્ટિએ નામર્દ બનાવ્યો. આ વાત એમ તો એમણે બીજરૂપે हिंद स्वराजમાં કહી છે, પણ છેવટ સુધી આ વાત તેઓ કહેતા રહ્યા. અને પોતે હયાત હતા ત્યાં સુધી મહાદેવભાઈ વિવિધ રીતે આ વાતની સમજૂતી આપતા રહ્યા. ભારતની પ્રાચીન સંસ્કૃતિ અંગેનું જ્ઞાન અને દુનિયાના સાહિત્ય જોડે એમનો સંપર્ક મહાદેવભાઈની કલમને એક તરફથી વધુ શાલીન અને બીજી તરફથી વધુ ધારદાર બનાવતો. મહાદેવભાઈનાં ભાષ્યોને લીધે ગાંધીજીની વાત વધારે સરળ અને વધુ સચોટ બનતી. અંગ્રેજ વિદ્વાન વેરિયર એલ્વિન મહાદેવભાઈ વિશે કહે છે:

‘મહાદેવનું કામ કરોડોને ગાંધી પ્રત્યક્ષ કરી આપવાનું હતું. એમણે ગાંધીજીને જગતની કદાચ સૌથી પરિચિત અને નિ:શંક રીતે સર્વપ્રિય વ્યક્તિ બનાવ્યા. મહાદેવ વિના હીરા કરતાંયે વધુ મૂલ્યવાન હજારો રત્નો જગતના ધ્યાન બહાર જ રહેત.’૧૨

વેરિયર એલ્વિને કહ્યું છે તેમ મહાદેવભાઈને કારણે સમજ અને ઓળખાણ બંને પક્ષે વધી છે. એક તરફ મહાદેવભાઈએ પોતાનાં સાપ્તાહિક પત્રો દ્વારા ગાંધીજીને કરોડો લોકો આગળ મૂર્ત કર્યા, ભક્તિપાત્ર કર્યા, તો બીજી તરફ એ જ પત્રો અને ડાયરીઓ દ્વારા તેમણે હજારો છૂપાં રત્નોને જગત આગળ છતાં કર્યાં. એ રત્નો તમને મહાદેવભાઈની ડાયરીઓમાં ઠેર ઠેર આકાશગંગાના તારાની જેમ વેરાયેલાં જડશે.

કલકત્તાની આ જ મુલાકાત દરમિયાન:

એક રાત્રે મોડો મોડો એક ગામડિયો પોતાનાં બે બાળકોને લઈને આવ્યો. તેને બિચારાને ઉપર કોણ આવવા દે? બહાર તો એ વખતે પણ સેંકડો માણસો હોય. એમાંથી કોને આવવા દેવા અને કોને ન આવવા દેવા? એટલે તે બિચારાએ પોતાના સૂતરની પોટલી દરવાજા ઉપર આપી અને કહ્યું કે આટલું સૂતર પહોંચાડો! ગાંધીજીએ પોટલી જોઈને તુરત જ તેને બોલાવવા કહ્યું. બાળકોના અને તેના બાપના આનંદનો પાર રહ્યો નહીં.૧૩

એ જ દિવસોમાં મહાદેવભાઈ પોતાના વાચકોને રોમાં રોલાં અને હર્મન હેસની ઓળખાણ કરાવે છે. રોમાં રોલાંની ઓળખાણ ઘણા હિંદીઓને ૧૯૩૧માં ગાંધીજી સાથે એમની મુલાકાત વખતે થવાની હતી અને હર્મન હેસ એમની નવલકથા सिद्धार्थ દ્વારા અનેક દાયકાઓ પછી જગતને જાણીતા થવાના હતા. પણ મહાદેવભાઈ ૧૯૨૪માં એ લોકોની જોડે આપણને ઓળખાણ કરાવી દે છે, મહાદેવભાઈ જ્યાં એક બાજુ કોઈક દૃશ્યને આંખ આગળ જીવતુંજાગતું ખડું કરવા પોતાની રસાળ કલમને પૂરપાટ મોકળાશ આપે છે, ત્યાં બીજી બાજુ જરૂર પડે ત્યારે તેઓ કેટલાક ગંભીર વિચારો કે મોટાં મોટાં ભાષણો કે ચર્ચાઓનો સાર અત્યંત ટૂંકમાં છતાં સંપૂર્ણ ન્યાય કરે તેવી રીતે આપી દે છે. વિસ્તાર અને લાઘવની આવી યુતિ કોઈ બે વિરલ ગ્રહોની યુતિ-શી લાગે છે.

નવેમ્બરની ૨૧મી અને ૨૨મીએ મુંબઈમાં મળેલી ‘સમસ્તપક્ષ પરિપદ’ની વિસ્તૃત મુલાકાત આપતાં પહેલાં માત્ર બે વાક્યોમાં મહાદેવભાઈ ગાંધીજીની તે કાળની પ્રવૃત્તિનું હાર્દ આપી દે છે, અને તે પણ પાછું ગાંધીજીની જ ભાષામાં:

હું સૌ નાફેરવાદીઓની સાથે દરેક પગલે ક્યાં મસલત કરવા જઈ શકું? તેમને અહિંસા પ્રિય છે, તેઓ અહિંસાના તત્ત્વને પૂજનારા છે, એટલે મારો અહિંસાધર્મ અને તેની અંતર્ગત મને નિત્ય જણાતી નવી વસ્તુઓ તેઓ સાનમાં સમજી જશે એવી મને હમેશાં આશા રહે છે.૧૪

અથવા બેલગામ કૉંગ્રેસની બેઠકમાં લાલા લજપતરાયે મનમાં અત્યંત ક્ષોભ હતો અને તે પાછો કોહાટનાં રમખાણોની વાત કરતાં વધુ તીવ્ર બનતો હતો, તે છતાં, પોતાની જાત પર સંપૂર્ણ કાબૂ રાખીને જે વાક્ય ઉચ્ચાર્યું તેને મહાદેવભાઈની કલમ આખા ભાષણમાંથી નીરક્ષીરવિવેક કરી ઝીલી લઈને ડાયરીમાં ઉતારે છે:

‘પાપની સામે પાપ થાય જ નહીં. વેર માત્ર રાષ્ટ્રીય ઉન્નતિનું બાધક છે. એક પણ હિંદુ કે મુસલમાન સામે કરેલો ક્રોધ, ઘા અથવા પ્રતિકાર જન્મભૂમિની છાતી ઉપર કરેલા વજ્રાઘાત સમાન છે.’૧૫

લાઘવના ગુણ બાબતમાં મહાદેવભાઈને સૌથી વધારે મદદ મળે છે ગાંધીજી તરફથી. ગાંધીજી પોતે પોતાના લખાણમાં લાઘવના સ્વામી હતા. તેને લીધે મહાદેવભાઈને માટે ઘણી ભારે વાતો અતિશય સંક્ષેપમાં કહી દેવાનું સુકર થઈ પડતું. ન્યૂયૉર્કના धी वर्ल्ड टुमोरो નામના સામયિક સારુ ગાંધીજીએ મહાદેવભાઈને લખાવેલ સંદેશો એક અતિગંભીર વિષયનાં અનેક પાસાંઓને નાનકડા ફકરામાં છણી લે તેવો છે:

અહિંસાનો મેં જે અભ્યાસ કર્યો છે અને મને જે અનુભવ થયો છે તે ઉપરથી મારી પ્રતીતિ થઈ છે કે દુનિયામાં એ સર્વશ્રેષ્ઠ શક્તિ છે, સત્યને પામવા માટે સૌથી નિશ્ચિત પદ્ધતિ એ જ છે અને એ પદ્ધતિ સૌથી શીઘ્ર પણ છે. કારણ, એ સિવાય બીજી પદ્ધતિ જ નથી. એ શાંત રીતે, લગભગ ન દેખાય એવી રીતે, કામ કરે છે. છતાં ઓછી નિશ્ચિતતાથી એ કામ કરતી નથી. આપણી આસપાસ અવિરત વિનાશ ચાલી રહ્યો છે તેની વચ્ચે એ જ એક, પ્રકૃતિની રચનાત્મક ક્રિયા છે. વૈયક્તિક જીવનમાં જ તે કારગત થઈ શકે એમ માનવું એના જેવો બીજો કોઈ વહેમ નથી. સાર્વજનિક કે વૈયક્તિક જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં એ શક્તિનો પ્રયોગ ન થઈ શકે, પરંતુ અહિંસા સંપૂર્ણ આત્મવિલોપન સિવાય શક્ય નથી.૧૬

આ અરસામાં ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા, ખાદી અને અસ્પૃશ્યતાનિવારણના રચનાત્મક કાર્યક્રમ પર ભાર દીધો હતો. આગળ ઉપર રચનાત્મક કાર્યક્રમ ગાંધીજીને બીજા અનેક ક્રાંતિકારી નેતાઓ કરતાં કાંઈક વિશિષ્ટ સ્થાન અપાવે તેવો થઈ પડવાનો હતો. રચનાત્મક કાર્યક્રમને સત્યાગ્રહના વિધાયક (પૉઝિટિવ) સ્વરૂપ તરીકે વર્ણવતાં ગાંધીજી કદી થાકતા નહોતા.

‘મારી પાસે બીજું સાધન નથી. સત્યાગ્રહ એ જ એક સાધન છે. અત્યાર સુધી મેં સત્યાગ્રહનું ભીષણ સ્વરૂપ દેશ આગળ મૂક્યું છે. હવે શાંત, મધુર, ગંભીર સ્વરૂપ જ મૂકવા ધારું છું. તેનું અનુકરણ થાય તો જય જ છે.’૧૭

ગાંધીજીને લોકો પ્રશ્ન પૂછે છે કે રચનાત્મક કાર્યોમાં પડવાથી કૉંગ્રેસ રાજકીય સંસ્થા તરીકે મટી તો નહીં જાય. ગાંધીજીના જવાબમાં આદર્શ અને વહેવારનો સમન્વય છે:

‘ના, નહીં મટી જાય. હું સાધુ નથી. હું રાજદ્વારી માણસ છું. માત્ર જરા સૌમ્ય પ્રકારનો રાજદ્વારી છું. … મારે લડવું છે. પણ ભાઈ, મને હથિયાર [તો] સજ્જ કરવા દો,’?૧૮

‘સૂતરને તાંતણે સ્વરાજ’નું સૂત્ર જ્યારે ગાંધીજીએ આપ્યું ત્યારે તેઓ ખાદીના વ્યાપક પ્રયોગની વાત કરતા હતા:

તમે જ, કાંતશો તેથી સ્વરાજ મળશે એમ [હું] નથી કહેતો. બધાં કાંતે તો મળે એમ અવશ્ય કહું છું. … પણ એ વાત પણ છોડી દઉં. તમારા કાંતવાથી સ્વરાજ આવે યા ના આવે, તમને ભિખારીને માટે દયા હોય, અને તે દયાભાવથી તમે તેને માટે કાંતો એટલું તમારી પાસેથી માગી લઉં. ભિખારીની સાથે તમે એકતાર થાઓ, તેની સાથે તમારું અનુસંધાન થઈ જાઓ. …

‘સૂતરને તાંતણે મને હરજીએ બાંધી,
જેમ તાણે તેમ તેમની રે,
મને લાગી કટારી પ્રેમની.’

આપણો એવો પ્રેમ જો આપણાં કરોડો ભાઈબહેનો પ્રત્યે હોય તો આપણે તેઓને અને તેઓ આપણને સૂતરને તાંતણે બાંધે. હું તો એ જ અર્થશાસ્ત્ર જાણું છું. બીજું નથી જાણતો.૧૯

બીજરૂપે રચનાત્મક કાર્યક્રમમાં સત્યાગ્રહનું સૌમ્ય, વિધાયક સ્વરૂપ અને દરિદ્રનારાયણ જોડે ભાવાત્મક એકતા સાધવાની વાત ગાંધીજી અતિ સંક્ષેપમાં પણ વિશદ રીતે કહી દે છે. મહાદેવભાઈની કલમ એને એટલી જ સુસ્પષ્ટ રીતે રજૂ કરે છે.

જેમને સારુ ક્રાંતિ કરવાની હતી તેની સાથે તાદાત્મ્ય એ ગાંધીજીનો સૌથી મોટો ક્રાંતિકારી ગુણ હતો. અસ્પૃશ્યતાનિવારણ વિશે સમજાવતાં તેઓ પોતાના વિશે કહે છે તે જાણે કે એક મહાવાક્ય જ છે:

‘હું ભંગીની સાથે ભંગી થઈ શકું છું, ઢેડ સાથે ઢેડ થઈ તેનું કામ કરી શકું છું. જો આ જન્મે અસ્પૃશ્યતા ન જાય ને મારે બીજો જન્મ લેવાનો હોય તો ભંગી જ જન્મવા ઇચ્છું છું.’૨૦

વળી તેઓ અસ્પૃશ્યતાને માત્ર કહેવાતા અસ્પૃશ્યો પૂરતી મર્યાદિત નથી ગણતા:

હિંદુ થઈને કોઈ પણ મનુષ્યને તેના જન્મને કે ધર્મને લઈને અસ્પૃશ્ય માનવું એ પાપ છે. તો મુસલમાનોને અસ્પૃશ્ય કેમ ગણીએ? મુસલમાન, ખ્રિસ્તી ઇત્યાદિ વિધર્મીઓને અસ્પૃશ્ય ગણવામાં હિંદુ ધર્મ હોય, તો તેવા હિંદુ ધર્મનો નાશ થશે.’૨૧

હિંદુ-મુસલમાન એકતા એ તો ગાંધીજીનો નિત્યજાપનો વિષય હતો. અહીં તો માત્ર એક જ ઉદ્ધરણ આપીશું:

તમે મારીને મૂર્તિની રક્ષા ન કરી શકો. મુસલમાન હિંદુઓને મારીને ઇસ્લામની રક્ષા નથી કરી શકવાના. મારીને રક્ષા કરવા માગતા હોય તો ઇસ્લામ નાબૂદ થવાનો છે એ વિશે શંકા નથી. દુનિયામાં એકે ધર્મ મારીને બચવાનો નથી. જે ધર્મ અને મુલકને બચાવવા ઇચ્છે તેને માટે શાંતિ સિવાય બીજો ઉપાય નથી એમ હું ત્રીસ વર્ષના ચિંતન અને અનુભવને પરિણામે જણાવું છું. તલવાર ઉઠાવનારનું મોત તલવારથી જ છે. કોઈ પણ ધર્મ તલવારથી નથી ચાલી શક્યો, નથી ચાલી શકવાનો. ઇસ્લામ ફકીરોને લીધે, હિંદુ ધર્મ તપસ્વીઓને લીધે ટકી રહ્યો છે. … તમારાં શાસ્ત્ર સમજીને વાંચજો.૨૨

એ દિવસોમાં ઠેર ઠેર થયેલાં કોમી રમખાણોથી ગાંધીજી અત્યંત ઉદ્ધિગ્ન હતા. કોહાટનાં રમખાણોને લીધે ત્યાંથી રાવલપિંડી નાસી આવેલા હિંદુ શરણાર્થીઓને તેમણે સલાહ આપી હતી કે જ્યાં સુધી ત્યાંના મુસ્લિમો તમને બાંયધરી ન આપે ત્યાં સુધી માત્ર સરકારના કહેવાથી તમે પાછા ન જશો. ગાંધીજીએ પોતે જાતતપાસ સારુ કોહાટ જવાની પરવાનગી માગતો પત્ર વાઇસરૉયને લખ્યો હતો, પણ તેમને પરવાનગી મળી નહોતી. તેમણે મહાદેવભાઈને સલાહ આપી હતી કે ‘ભક્તિ શીશ તણું સાટું, આગળ વસમી છે વાટું.’ — એમ સમજીને ચાલજો. એ વસમી વાટ લઈને જ તેમણે જાતે દિલ્હીમાં એકવીસ દિવસનું વ્રત આદર્યું હતું તે આપણે જોઈ ગયા.

એક વાર नवजीवनના અને कॉमरेड છાપાંઓના કામ સારુ ગાંધીજીએ સ્વામી આનંદને મૌલાના મહમદઅલી પાસે દિલ્હી મોકલેલા તે વખતે ગાંધીજીએ મૌલાનાને લખ્યું:

હું હમેશાં કહેતો આવ્યો છું કે મારા તદ્દન નજીકના સાથીઓ જે કસોટીઓમાંથી પસાર થાય તે ઉપરથી મારી કિંમત આંકવી જોઈએ. તમે, સ્વામી, મહાદેવ, હયાત,૨૩ મોઆઝમ૨૩, દેવદાસ, કૃષ્ણદાસ, શ્વેબ૨૪ એ બધાંને હું આમાં ગણું છું. હું તમારી સાથે સરસ રીતે ચલાવી શકું એટલું પૂરતું નથી; સ્વામી, મહાદેવ, દેવદાસ વગેરેએ પણ ચલાવી શકવું જોઈએ. જો તેઓ ન ચલાવી શકે તો તેમણે મારા જાહેર જીવનમાંથી નીકળી જવું જોઈએ. એ બધાં હથિયારો છે, જેમની મારફત હું કામ કરું છું. જેમ હયાત, મોઆઝમ વગેરેની મારફત તમે કામ કરો છો. એટલે હું સ્વામીને તમારી પાસે મોકલું છું, જેથી કરીને તમે બંને એકબીજાની વધુ નજીક આવો અને એકબીજાને વધારે સારી રીતે ઓળખો મારે માટે તો આવા અંગત સંબંધો ચાલે એ હજાર જાહેર કરારો કરતાં સ્વરાજ અને એકતા માટે વધારે મહત્ત્વની વસ્તુ છે. …’૨૫

હિંદુ અને મુસલમાનો, ખાસ કરીને એમના નેતાઓ અને તેનાથીયે વિશેષ ગાંધીજીના વિશ્વાસપાત્ર કાર્યકર્તાઓ એકબીજાનો પરિચય વધારે અને એમનો વિરોધ ઘટે એ ગાંધીજીની ઝંખના હતી. મહાદેવભાઈ નોંધે છે કે:

‘જ્યારે ગાઢાં ધુમ્મસ આભ વિશે વીખરાશે જો
પરિચય સાચો થાશે હો અમતમ તણો.’

– એ ભાવનું અંગ્રેજી ભજન ગાંધીજીને અતિશય પ્રિય છે અને ધુમ્મસ આભ વિખેરીને એકબીજાના વધારે ગાઢ પરિચયમાં આવવામાં જ ગાંધીજી ગૂંથાયેલા છે.૨૬

ધુમ્મસ આભ વિખેરવાની આ કસોટી મુજબ કદાચ કસ્તૂરબા કે દેવદાસ કરતાં પણ મહાદેવભાઈ ગાંધીજીની કસોટીમાંથી ઊંચા ક્રમે પાસ થઈ શકે એમ હતા. એનાં મુખ્ય કારણો હતાં મહાદેવભાઈએ ગાંધીજી સાથે સાધેલી એકાત્મતા અને એમનો નમ્ર-મધુર સ્વભાવ.

ગાંધીજી અનેક પ્રકારના વિદ્વાનો અને ચારિત્ર્યવાન લોકો તેમ જ જનતાના કરોડોને શી રીતે પ્રભાવિત કરી શકતા હશે, એ પ્રશ્ન કોઈના પણ મનમાં ઊઠવા સંભવ છે. મહાદેવભાઈ એના જવાબમાં ઈટાલી વિશે તાજેતરમાં પ્રગટ થયેલા કોઈ પુસ્તકમાંથી અવતરણ આપે છે:

આસિસિના સાધુ ફ્રાન્સિસે બીજા બધા ધર્મસ્થાપકોની જેમ મનુષ્યસ્વભાવને વિશે ઘણો ઊંચો અભિપ્રાય બાંધેલો હતો. ગાંધીજીને વિશે પણ એ જ કહી શકાય. લગભગ અશક્ય જેવી વસ્તુની તેણે પોતાના દેશબંધુઓની પાસે આશા રાખી. તેમનું રાજકીય ધ્યેય આત્મસંયમને અને શાંતિને માર્ગે જ સાધવાની તેમણે તેમની પાસે આશા રાખી. એ બહુ આકરી માગણી હતી. પણ તેનો જવાબ પણ જગતમાં બીજે ક્યાંક મળ્યો હોય તેના કરતાં ઘણા મોટા પ્રમાણમાં મળ્યો.૨૭

ગાંધીજી અંગે મહાદેવભાઈએ કોઈ વિદેશી લેખકને ટાંકીને આપેલું વચન ખુદ મહાદેવભાઈને પણ એટલું જ લાગુ પડી શકે એમ છે. ગાંધીજીની અપેક્ષા હતી કે મહાદેવ જેવા તેમના સાથીઓ મારફત તેઓ જાતે દુનિયા આગળ ઓળખાય. એમની અપેક્ષા મહાદેવભાઈને પણ તેવા સ્થાનને પાત્ર બનાવવામાં મદદ કરતી નહીં હોય? ગાંધીજી આખું જીવન મહાદેવ પાસે ઊંચી ને ઊંચી અપેક્ષા રાખતા ગયા અને અપેક્ષા મહાદેવભાઈને ઉત્તરોત્તર વધુ ને વધુ ઊંચે લેતી ગઈ. એમ જણાય છે કે इन्डिपेन्डन्टમાં કામ કરતા ત્યારે મહાદેવભાઈને કાંઈક વધારે મહેનતાણું મળતું હશે. તેમાંથી અમુક રકમ તેમણે સાબરમતી આશ્રમ સારુ મોકલી. એને અંગે ગાંધીજીએ તેમને લખ્યું:

‘તમને મોટા પગારદાર કરી તમારી પાસેથી આશ્રમને સારુ પૈસા લઉં ને તમને સોંઘામાં વટાવું એવો પચ્છમબુદ્ધિ વાણિયો હું ક્યાં છું? એટલા તો પૈસા તમે ભીખ માગીને લાવી દો એમ છો.’૨૮

ભાષા અંગેની અપેક્ષા તો ગાંધીજીએ મહાદેવ પાસેથી તેઓ એમની પાસે આવ્યા ત્યારથી જ રાખી હતી. એમ તો ગાંધીજી પોતાના ભાષાશાસ્ત્રી મિત્રો પાસે અપેક્ષા રાખતા હતા કે ‘જેમ કેટલાક મિત્રો મારી નીતિના ચોકીદાર છે તેમ (આ મિત્રો) મારી ભાષાના ચોકીદાર બનો ને મને કૃતાર્થ કરો.’૨૯ પરંતુ આ બાબતે પણ મહાદેવભાઈ પાસે ગાંધીજી કાંઈક વિશેષ અપેક્ષા રાખતા હતા. જેમ મહાદેવભાઈ પોતાના બધા લેખો ગાંધીજીને બતાવ્યા પછી જ नवजीवन કે પાછળથી हरिजन પત્રોના પ્રેસ સારુ રવાના કરતા, તેમ ગાંધીજી પણ પોતાના સર્વ લેખો મહાદેવભાઈને બતાવ્યા પછી જ પ્રેસને મોકલતા. બંને પક્ષે માત્ર ભાષા અંગે જ નહીં પણ શૈલી, ભાવ અને વસ્તુ અંગે પણ ઘણી વાર ચર્ચાઓ થતી અને જરૂર જણાય ત્યાં સુધારાવધારા પણ થતા.

ગાંધીજી સહિત બીજાઓની ભાષા અંગે આશ્રમવાસી શ્રી વાલજીભાઈ ગો. દેસાઈ અનેક વાર વિગતવાર સુધારાઓ સૂચવતા. नवजीवनના ‘મારી ભાષા’ નામના લેખમાં ગાંધીજીએ તેમને વિશે ‘હિમાલયના શિખરે બિરાજમાન’ એવો ઉલ્લેખ કરેલો. કારણ તે વખતે શ્રી વાલજીભાઈ આરોગ્યની દૃષ્ટિએ સિમલા કે એવે કોઈ સ્થળે ગયા હતા. એ લેખનો ઉલ્લેખ કરી ગાંધીજી મહાદેવભાઈને લખે છે:

શિખરનિવાસી કોણ તે તો જાણો જ છો. કેટલો શ્રમ લઈ વાલજીએ नवजीवन વાંચ્યું છે? તેના ઘણા સુધારા આપણને બધાને શરમાવનારા છે. જો नवजीवनના લેખો તમે પ્રથમ વાંચી જતા હો તો તમને આ દોષો વિશે તો જરૂર ઠપકો આપું, પણ મને કંઈક ખ્યાલ છે કે તમે નથી વાંચ્યા. તમે તો છપાયા પછી જોયા. … હું પોતે મારું બધું લખાણ જોઈતી ચીવટપૂર્વક ને તે પણ ભાષાની દૃષ્ટિએ તપાસી જવા અખત્યાર નથી થયો અને જો તમે અથવા સ્વામી૩૦ પૂરી રીતે તપાસી જવાની જવાબદારી માથે ન લો તો नवजीवन બંધ કરતાં પણ મને આંચકો ન લાગે. જે માણસ પોતાનું કાર્ય પોતાને સંતોપ પૂરતું ન કરે તેણે તો તે છોડવું એ તેનો ધર્મ છે.૩૨

આમ ગાંધીજીનું ધોરણ અનેક બાબતોમાં ઊંચું અને કડક હતું. મહાદેવે એને યોગ્ય બનીને રહેવાનું હતું. મહાદેવ સદા બાપુની કસોટીએ ચડવા તૈયાર રહેતા. ઉપરોક્ત પત્રની નીચે ગાંધીજી મહાદેવભાઈને બીજું કામ પણ સોંપે છે — તાજાકલમમાં તેઓ લખે છે:

‘Creed’ — વિચારમાન્યતા એમ મેં વાપર્યું છે તેનાથી સારો શબ્દ મળે તો તે મૂકજો.’૩૧

પણ વિચાર કે ભાવની દૃષ્ટિએ ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચે એકાત્મતા ભલે સધાતી હોય, મહાદેવભાઈનો મૂળ ભાવ તો ભક્તિનો જ. તેથી ગાંધીજીના આખા ભાષણનો સાર કોઈ વાર બે લીટીમાં આપી દઈ શકે એમ હોય, છતાં એમનો ગાંધીજી પ્રત્યેનો અહોભાવ ઓછો થતો નથી. તુલસીદાસજી रामचरितमानसમાં રામનું નામ આવે ત્યાં એકાદ ભક્તિપૂર્ણ વિશેષણ કે એકાદ પ્રશંસાપૂર્ણ ઉદ્ગાર લખ્યા વિના રહી નથી શકતા, તેવું જ મહાદેવભાઈનું પણ ગાંધીજી વિશે છે. એક જગાએ તેઓ ગાંધીજીના ભાષણનો લાંબો અહેવાલ આપ્યા પછી છેવટે કહે છે: ‘આ ભાષણ આટલું સવિસ્તર. … આપ્યું છે તે એટલા જ ખાતર કે ગાંધીજીનું ઘવાયેલું અંતર સૌ કોઈ જોઈ શકે. … લાંબા જાહેર વ્યાખ્યાનમાં આવેશ કે ભાષાની અતિશયતા વિના આટલી લાગણી ઠાલવી શકાય છે એનો મુંબઈની પ્રજાને છેલ્લા ત્રણચાર દિવસમાં ઠીક ઠીક અનુભવ મળ્યો.’૩૨ પણ એક્સેલસેર થિયેટરમાં થયેલ સભા વિશે મહાદેવભાઈ કહે છે, ‘એ સભાનું સંપૂર્ણ વર્ણન આપ્યું જાય એમ નથી. વર્ણન આપનાર તટસ્થ રહે તો વર્ણવવાની વસ્તુઓ તાદશ ચિતાર આપી શકે, પણ વર્ણન કરનાર પણ વર્ણવવાની વસ્તુમાં તણાઈ જાય તો કોણ કોને વર્ણવે? નરસામાંથી સારું પરિણામ નીપજવાનું અપૂર્વ દષ્ટાંત તે સભામાં જોયું. કૃત્રિમને એકાએક અચાનક, સ્વાભાવિકમાં બદલાઈ જતું એ સભામાં જોયું. અપરંપાર, માયાનાં ગાઢાં અભ્ર ભેદી સોંસરી નીકળી સતની વીજળી ચમકતી અહીં જોઈ.’૩૩

તુલસીદાસ રામલક્ષ્મણની જોડીનું અપૂર્વ રૂપ જોઈ એ શોભાનું વર્ણન કરવામાં મૂંઝવણ અનુભવે છે:

गिरा अनयन नयनबिन बानी.’ એવી જ કંઈક મૂંઝવણ મહાદેવભાઈની ગાંધીની વિચાર-શોભા જોઈને થઈ હોય એમ નથી લાગતું?

પોતાની આવી ભક્તિનો એકરાર એક વાર મહાદેવભાઈએ ગુજરાત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ આગળ કરી દીધો હતો:

… મહાત્માજીનું જીવન કલામય, પળે પળે ને દિવસે દિવસે નવપલ્લવતાને પામે છે. એક વખત હું, મહાત્માજી અને પાંચ-સાત મિત્રો તથા શ્રીમતી સરલાદેવી ચોધરાણી સિંહગઢ હતાં. શ્રીમતી સરલાદેવી તો વીજળી ઝબકે તેમ ઝબૂકીને સવાલો પૂછી સૌને આશ્ચર્યમાં નાખતાં હતાં. એમણે મને એક વખત પૂછ્યું, ‘અલ્યા તું ગાંધીની પાછળ કેમ પડ્યો છે? તારે દેશસેવા નથી કરવી?’ મેં પણ એમને જે જવાબ આપ્યો તેથી એ પણ આશ્ચર્યમાં પડી ગયાં. મેં કહ્યું, ‘ના, મારે દેશસેવા નથી કરવી. મારે તો ગાંધીસેવા કરવી છે. તમે કહો છો તેમ હું ગાંધીની પાછળ જ પડ્યો છું. જેટલે દરજ્જે મહાત્માજીનું જીવન મને ઉત્તેજિત કરી શકે છે ને ઉત્સાહ આપી શકે છે તેટલે દરજ્જે દેશ નહીં કરી શકે. દેશસેવા મારે માટે નથી અને એ વાતની સત્યતામાં હજુ પણ હું માનું છું. રસ્કિને એક જગ્યાએ ઘણા જ સુંદર શબ્દો વાપર્યા છે. ‘Manufacture of Souls’ — આત્માઓનું ઘડતર — હું ધારું છું કે મહાત્માજીને આપણે આવી રીતે આત્માઓના ઘડનારા — આત્માને જગાડનારા — કહી શકીએ. એ વાતની સાક્ષી પૂરવાને હું અહીં ઊભો છું, અને એને વાસ્તે જેમના આત્માઓ જાગ્યા છે, (જેઓ) પુનર્જન્મને પામ્યા છે તેવાને તમે પૂછી શકો છો.’

એ પ્રમાણે, મારો પુનર્જન્મ શી રીતે થયો તે હું તમને કહી સંભળાવું છું. બેતિયામાં હું ૧૯૧૭માં મહાત્માજીની સાથે હતો. એ વખતે એઓ મારી પાસે ખાસ કાંઈ કામ કરાવતા નહોતા. પણ એક દિવસ — કે જે દિવસે મારો પુનર્જન્મ થયો તે દિવસે — મને એમણે રોટલી બનાવવાનું કહ્યું. મને તો રાંધતાં આવડતું હતું નહીં એટલે મેં સવાલ કર્યો કે, ‘હું શી રીતે રોટલી બનાવું? મને નથી આવડતી.’ ત્યારે મહાત્માજીએ કહ્યું, ‘આ લોટ છે, વેલણ છે, આડણી છે અને આ પાણી છે. કરીશ એટલે જરૂર આવડશે.’ એ હુકમ મેં માથે ચડાવ્યો અને જેમતેમ લોટ બાંધ્યો તો ખરો, પણ બીજા માણસને મેં વણવાનું કહ્યું અને મેં રોટલી તવા ઉપર શેકવા માંડી. એક રોટલી તૈયાર થઈ એટલે મહાત્માજી પોતે, ત્યાં નાહીને આવ્યા. અને ઉપર પ્રમાણેનો તાલ જોઈને મને કહે છે, ‘જે બીજાના હાથની જ રોટલી મારે ખાવી હોત તો તને કહેત શું કરવા?’ એટલું કહીને પોતે વણવા ને શેકવા મંડી ગયા. મારી કેળવણી આટલેથી જ અટકી નહીં, પણ આગળ ચાલતાં, લૂગડાં ધોવાનું, પાયખાનાં સાફ કરવાનું કામ પણ જાતે મને કરી બતલાવ્યું, ત્યારથી મારો પુનર્જન્મ થયો એમ મને લાગ્યું.૩૪

કોમી એકતા અંગેના ઉપવાસ પછી બેલગામની કૉંગ્રેસ સુધીના દિવસોમાં મહાદેવભાઈએ ગાંધીજીના ‘પીર, બબર્ચી, ભિસ્તી, ખર’ તરીકેની પોતાની જવાબદારી પાછી સંભાળી લીધી. સચિવ તરીકેની જવાબદારી કેટલી મોટી અને કષ્ટસાધ્ય હતી એની વાત તો આપણે આગળ ઉપર એક સ્વતંત્ર પ્રકરણમાં કરીશું. અહીં તો કામના એક ભાગ તરીકે એમણે કરેલી પ્રકીર્ણ નોંધોમાંથી કેટલીક નોંધપાત્ર જોઈ લઈએ:

અમેરિકાના યુવકોને સંદેશો:

બાળપણથી જ અમને આત્મસંયમની શિસ્ત શીખવવામાં આવે છે. એ પ્રમાણે જીવન ગાળવામાં અમે પડીએઆખડીએ છીએ ખરા, પરંતુ પૂર્વના દેશોમાં અમે એટલું તો જાણીએ છીએ કે જીવન ભોગવિલાસ માટે નથી, પણ મુખ્યત્વે આત્મસંયમ માટે છે. અમેરિકાના વિદ્યાર્થીઓ આટલો એક પાઠ જીવનમાં ઉતારે એમ ઇચ્છું છું.૩૫

વિનોબાજીએ અખિલ ભારત શાંતિસેના મંડળની સ્થાપના ઠેઠ ૧૯૫૭માં કરી. ૧૯૬૨ પછી જયપ્રકાશજીએ તેને સંગઠિત સ્વરૂપ આપ્યું. ગાંધીજીએ ૧૨–૧૧–’૨૪ના રોજ જવાહરલાલજીને એક પત્રમાં સૂચવ્યું હતું:

કાર્યકર્તાઓની ઊડીને જઈ શકે એવી ટુકડીની આવશ્યકતા મને જણાય છે. તેમાં હિંદુઓ અને મુસલમાનો બંને હોય. એક ક્ષણની નોટિસથી તેઓ દેશના કોઈ પણ સંકટગ્રસ્ત ભાગમાં તપાસ કરવા તૈયાર હોય. નામાંકિત માણસો ત્યાં જાય તેની હમેશાં આપણે રાહ જોઈ શકીએ નહીં.૩૬

દિલ્હીમાં ગાંધીજી ઉપવાસના પાછલા દિવસોમાં કાશ્મીરી ગેટ આગળ રઘુવીરસિંહ સુલતાનસિંહના ઘરે રહ્યા હતા. દિલ્હીની મૉડર્ન સ્કૂલના તેઓ સ્થાપક. તેમની શાળાની મુલાકાત પછી, મુલાકાતપોથીમાં આનંદ વ્યક્ત કર્યા છતાં ગાંધીજીએ તેમને ચેતવ્યા કે —

‘અર્વાચીનત્વના પૂરમાં જો પ્રાચીનત્વનો નાશ થઈ જશે તો ભારતવર્ષના યુવકોને ઘણું નુકસાન થશે.’

મુલાકાતપોથીમાં કરેલી નાની સરખી નોંધ પણ મહાદેવભાઈની ડાયરીમાં તરત ઊતરી ગઈ!૩૭

આ દિવસો દરમિયાન પૂર્વ આફ્રિકાની હિંદી કૉંગ્રેસે પોતાને ત્યાં ચાલતી લડત બાબતમાં ગાંધીજીને એમ તાર કર્યો કે: ‘ના-કરની લડત ચાલી રહી છે. સરકાર નિષ્ઠુર બનીને ધરપકડો કરી રહી છે અને મિલકતો જપ્ત કરે છે. ચાર કાર્યકર્તાઓ મોકલવા વિનંતી છે. ઍન્ડ્રૂઝ, વલ્લભભાઈ, મહાદેવભાઈ, દેવદાસ આવે તો સારું. તબિયત સુધર્યા પછી આપ કેનિયા આવો.’ ગાંધીજીએ કૅબલથી જવાબ આપ્યો: ‘કોમ કષ્ટસહનના કાર્યક્રમ સાથે આગળ વધી રહી છે તે જાણી ખુશી થઈ. જે એ ચાલુ જ રાખશો તો તમે જીતશો જ. દિલગીર છું કે કોઈને મોકલી શકતો નથી. …’

એ જ રીતે વાયકોમ સત્યાગ્રહ સારુ પણ માર્ગદર્શન આપવા મહાદેવભાઈની માગણી જૉર્જ જોસેફે કરી હતી, તેનો પણ ગાંધીજીએ ઇન્કાર કર્યો હતો. અલબત્ત, વાયકોમ સત્યાગ્રહ પર ગાંધીજીનું ધ્યાન બરાબર હતું. એ લોકોને દૂર રહ્યા રહ્યા તેઓ દોરવણી પણ આપતા. ખાસ તો એમણે એ લોકોને મંદિરપ્રવેશની છૂટ મેળવવા સારુ ઉપવાસ કરવાનો વિચાર પડતો મૂકી, જે સ્થળથી આગળ હરિજનોને ન જવા દેતા હોય તે સ્થળે જ જઈને શાંત ચિત્તે ઊભા રહેવા કે ભજન ગાવાની સલાહ આપી હતી. કેરળના સત્યાગ્રહીઓએ ગાંધીજીની સૂચનાનું પાલન કર્યું હતું. અને લગભગ ચૌદ માસની તપસ્યા બાદ ત્રાવણકોરના એ અતિપ્રસિદ્ધ મંદિરનાં દ્વાર હરિજનો સારુ ખૂલ્યાં હતાં.૩૯ ૧૯૨૫માં ગાંધીજીએ વાયકોમ સત્યાગ્રહનું નિકટથી નિરીક્ષણ કરવા વિનોબાજીને કેરળ મોકલ્યા હતા. સત્યાગ્રહના અંતિમ દિવસોમાં ગાંધીજીની કેરળમાં હાજરી સત્યાગ્રહનો સુખદ અંત લાવવામાં મદદરૂપ થઈ હતી.

આપણે લગભગ વર્ષાન્ત સુધી આવી પહોંચ્યા. વર્ષો સુધી રાષ્ટ્રીય મહાસભાને સક્રિય દોરવણી આપવા છતાંય ગાંધીજી માત્ર બેલગામની ૧૯૨૪ની કૉંગ્રેસમાં એના પ્રમુખ થયેલા. તેમણે પ્રમુખપણું કેમ સ્વીકાર્યું અને પ્રત્યક્ષ અધિવેશનના દિવસોમાં તેમણે અધ્યક્ષતા કેવી કુશળતાથી કરી એનું વર્ણન મહાદેવભાઈ જેવા ભાવુક ભક્ત અહોભાવથી કરે એ સ્વાભાવિક છે. એ અહોભાવ સતત અંતસ્તલમાં હોવા છતાં પરિસ્થિતિની સર્વ ગલીકૂંચીઓ નિહાળવાનું અને એમાંથી માપીજોખીને વર્ણવવાનું તેઓ ચૂક્યા નથી. તેઓ ભક્ત છે ખરા; પણ સત્યના પૂજારીના ભક્ત છે. એટલે સત્યનો ધ્રુવતારક તેમના દૃષ્ટિપથથી કદી ખસતો નથી. ભક્તિની રસાળતા અને સત્યનિષ્ઠાનો સંયમ મહાદેવભાઈની લેખિનીને એક ઉત્તમ પત્રકાર બનાવે છે. વેરિયર એલ્વિને કહ્યું છે તેમ,

મહાદેવ પત્રકાર હતા. એ વાત સાચી છે કે એમનામાં બહુ મોટા પત્રકાર થવાનાં લક્ષણો હતાં. … પણ સઘળા શ્રેષ્ઠ પત્રકારોની માફક એમનામાં માત્ર સમાચાર પામી જવાની આવડત જ નહોતી, પણ સત્યની રુચિ અને તેને વ્યક્ત કરવાની ક્ષમતા પણ હતી. મને એ ખાતરી છે કે એમણે દુનિયા આગળ ગાંધીજીની જે તસવીર ખડી કરી હતી તે દરેક અર્થમાં સાચી હતી.૪૦

ઠેઠ ૧૯૧૧માં ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની કામગીરી જોઈને તેમને હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ બનાવવા એવું સૂચન આવ્યું હતું. આ સૂચન પાછળ ખાસ કરીને ગોખલેજીની પ્રેરણા હતી. તે વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકાના કામમાં રોકાયેલા હતા. એટલે અધિવેશન પછી તરત જ તેમને પાછા જવાની છૂટ મળતી હોય તો પ્રમુખ બનવાની તેમણે તૈયારી બતાવેલી. પણ પાછળથી એ પદ ખાતર કૉંગ્રેસની અંદર ખેંચાતાણી જોઈ એટલે એમણે તેમાંથી હાથ ધોઈ નાખેલા.

આ વર્ષે ગાંધીજીએ પ્રમુખ બનવાનું સ્વીકાર્યું તેનું મુખ્ય કારણ એ હતું કે તેમણે જોયું કે કૉંગ્રેસ બે વિભાગમાં વહેંચાઈ ગયેલી છે, અને જો બધાને સાથે રાખવા હશે તો પ્રમુખ તરીકે તેમની જરૂર પડશે. વર્ષ દરમિયાન જુદે જુદે સમયે ગાંધીજીની આ અંગે બીજા નેતાઓ જોડે ચર્ચા કે પત્રવ્યવહાર થયેલો, રાજગોપાલાચારી, ગંગાધરરાવ, રાજેન્દ્રબાબુ અને શૌકતઅલીનો આગ્રહ હતો કે ગાંધીજીએ પ્રમુખ બનવું જોઈએ. પ્રમુખપદ ન સ્વીકારવાના ગાંધીજીના વિચારને વલ્લભભાઈ અને શંકરલાલ બૅંકરનો ટેકો હતો. કૉંગ્રેસનું તંત્ર મોતીલાલજીના હાથમાં આવે એની સરળતા કરી આપવા ગાંધીજી તૈયાર હતા. અને માત્ર સ્વરાજપક્ષના બીજા સાથીઓની સલાહ લઈને મોતીલાલજી ગાંધીજીને કહે તો જ તેઓ પ્રમુખપણું સ્વીકારવા તૈયાર હતા.

જૂન માસની આખરે અમદાવાદમાં મહાસમિતિની બેઠકમાં જે રીતે બહુ ટૂંકી બહુમતીએ અથવા પરાણે ઠરાવો પસાર થયા તેનાથી ગાંધીજીને ખૂબ આઘાત લાગ્યો હતો. ખાસ કરીને ગોપીનાથ સહાય નામના એક ત્રાસવાદીએ કરેલા અંગ્રેજના ખૂનને બિરદાવવાનો જે રીતે પ્રયાસ થયો હતો તેનાથી તેઓ ખૂબ ઘવાયા હતા. તેથી તેમણે રાજાજી વગેરે નાફેરવાદીઓને કૉંગ્રેસના હોદ્દાઓ પરથી પણ ખસી જઈને ફેરવાદીઓને સારુ રસ્તો મોકળો કરી આપવાની સલાહ આપી હતી. તેમણે પોતાને બેલગામમાં પ્રમુખ થવાનો આગ્રહ કરતા મૌલાના શૌકતઅલીને તા. ૨૭–૭–’૨૪ના રોજ લખેલા એક પત્રમાં પૂછ્યું:

‘કૉંગ્રેસના પ્રમુખ મારે થવું એમ શા માટે કહો છો?. … દેશ પાસે જો હું, રાષ્ટ્રના શ્રદ્ધેય સિદ્ધાંતો તરીકે, હિંદુ-મુસ્લિમ એકતાનો અને ચરખાનો સ્વીકાર ન કરાવી શકું તો મારી ઉપયોગિતા કશી જ નથી. …’૪૧

૧૫મી ઑગસ્ટે ગાંધીજીએ મોતીલાલજીને એક પત્રમાં લખ્યું:

‘જેમ જેમ એ વાતનો હું વધારે વિચાર કરું છું તેમ તેમ બેલગામમાં સત્તા માટેની લડત થાય એની સામે મારો આત્મા કકળી ઊઠે છે.’૪૨

ગાંધીજીનો મુખ્ય હેતુ આ તબક્કે કૉંગ્રેસના ભાગલા ન પડવા દેવાનો હતો. ૧૯૨૧માં અસહકારના આંદોલને દેશમાં એક જાગૃતિ આણી હતી અને તેને લીધે એ આંદોલન ચલાવનાર સંસ્થા, કૉંગ્રેસનું, પણ અગાઉ કદી ન પ્રગટ્યું હતું તેટલું તેજ પ્રગટયું હતું. પણ ૧૯૨૪ની વાત જુદી હતી. આંદોલન નબળું પડી ગયું હતું. કેટલીક છૂટીછવાઈ વ્યક્તિઓએ પોતપોતાની રીતે અસહકાર ચાલુ રાખ્યો હતો એ સાચું, પણ સામૂહિક રીતે કોઈ આંદોલન નહોતું ચાલતું, ગાંધીજીએ ૧૯૨૨માં ચૌરીચૌરા નિમિત્તે આંદોલન મોકૂફ રાખ્યું ત્યાર સુધીમાં જ આંદોલનમાં ઠીક ઠીક શિથિલતા આવી ચૂકી હતી. કેટલાક તો એમ પણ માનતા હતા કે ગાંધીજીએ વેળાસર આંદોલન સમેટીને એની લાજ જાળવી લીધી હતી. સરકારે એ જ વખતે ગાંધીજીને જેલમાં પૂર્યા અને છ વરસની સજા ઠોકી. બરાબર એ જ કાળમાં દેશમાં ઠેર ઠેર કોમી રમખાણો થયાં. ખિલાફત આંદોલન વખતે જે એકતાનાં દૃશ્યો દેખાતાં હતાં તે દેખાવાં દુર્લભ થયાં. કેટલાક નાફેરવાદીઓ, અલબત્ત, ગાંધી પ્રત્યેની ભક્તિ અને કાર્યક્રમ પ્રત્યેની નિષ્ઠાથી રચનાત્મક કાર્યક્રમને ખંતપૂર્વક વળગી રહ્યા હતા. પણ ૧૯૨૨-’૨૩માં બંને પક્ષના આગેવાનો કારાવાસમાં હતા. એ લોકો પાછા આવ્યા ત્યાં સુધીમાં જંગ અંગ્રેજ સરકાર અને હિંદની પ્રજા વચ્ચેનો મટીને કૉંગ્રેસના બે મુખ્ય ભાગલાઓ વચ્ચેનો બની ગયો હતો.

જ્યારે આંદોલન નબળું પડે છે ત્યારે જ પ્રતિપક્ષીને તેમાં ભાગલા પાડવાનું ફાવે છે. કાં તો એ આંદોલન બંધારણની ગલીકૂંચીઓમાં અટવાઈ જાય છે, અથવા કાર્યકર્તાઓ પરસ્પર દોષ દેતા થઈ જાય છે. પરિણામે જનતામાં નિરાશા જાગે છે. ગાંધીજીએ જેલમાંથી બહાર આવતાંની સાથે જ આ પરિસ્થિતિ જોઈ લીધી હતી. જે દેશે એક વર્ષમાં અપૂર્વ ઉત્સાહપૂર્વક ત્યાગનું આંદોલન ચલાવી બતાવ્યું હતું તે દેશ એટલી જ ઝડપથી નિરાશા અને વૈફલ્યવૃત્તિના વમળમાં ન ફસાઈ જાય એટલા સારુ ગાંધીજીએ માર્ગ કાઢ્યો — વેળા છતાં તડ પડેલાં હૈયાંને સાંધવાનો અને નમીને જીતવાનો. તેમને વિશ્વાસ હતો કે નાફેરવાદીઓને તો સહેલાઈથી મનાવી-સમજાવી શકાશે. એ લોકો પ્રમાણમાં નાના, ઓછા જાણીતા અને ગાંધીજી પ્રત્યે વ્યક્તિગત વફાદારી ધરાવનારા હતા. જ્યારે સામી બાજુએ ફેરવાદીઓમાં મોટા મોટા દિગ્ગજો હતા, પોતપોતાની રીતે તેમણે પોતાનો અલગ પંથ કાપવા માંડ્યો હતો. અને પ્રજામાં પણ એવો ઘણો હિસ્સો હતો કે જેમને આવા પ્રતિનિધિઓ દ્વારા સરકાર સાથેના પોતાનાં નાનાંમોટાં રોજેરોજનાં કામો પતાવવાં હતાં. તેથી ગાંધીજીએ પોતાના આદર્શાગ્નિને પોતાના હૈયામાં ભારેલો રાખીને બને એટલું નમતું જોખીને સ્વરાજી નેતાઓને કૉંગ્રેસના છત્ર નીચે જાળવી રાખવાનું વિચાર્યું. બંને પક્ષોને એકસાથે રાખી શકે એવા નેતા એકલા ગાંધીજી જ હતા, તેથી તેમણે કૉંગ્રેસના પ્રમુખ થવું ઘણી રીતે કાંટાળો તાજ પહેરવા જેવું લાગતું હતું, છતાં તેમ કરવા સંમતિ આપી. દેશના ઇતિહાસમાં આ એક નાજુક તબક્કો હતો. એ તબક્કાની સઘળી નાજુકાઈને સમજીને એને અત્યંત કોમળતાથી દેશ આગળ વ્યક્ત કરી દેશને વિધાયક દિશામાં લઈ જઈ એને લપસતો બચાવવા મહાદેવભાઈની સર્વ શક્તિઓ લાગી ગઈ.

એ સ્પષ્ટ હતું કે ગાંધીજીએ કૉંગ્રેસ-પ્રમુખ થવાની ઘડીને લગભગ સ્થિતપ્રજ્ઞની તટસ્થતા અને ધીરજથી આવકારી હતી. પરંતુ પોતાના સ્વામીને દેશની સૌથી મોટી સંસ્થાના અધ્યક્ષ બનતા જોઈને મહાદેવભાઈનું હૈયું જરૂર અંદરથી ફુલાતું હશે. આવા આનંદોલ્લાસ — ખાસ કરીને ગાંધીજીની સફળતાને લીધે નિષ્પન્ન આનંદોલ્લાસથી, અસ્પૃષ્ટ રહે તેવા મહાદેવભાઈ જડ કે અનાસક્ત નહોતા. પણ સાથે તેઓ એ બાબતે પણ સજગ હતા કે ગાંધીજીએ આ કામ એક નિશ્ચિત સમજપૂર્વક સંભાળ્યું છે. તેથી મહાદેવભાઈએ તોફાની સાગરનાં મોજાં કે વહાણની નબળી અવસ્થાને બદલે નાખુદાની કરતબની ખૂબીઓ વર્ણવવામાં જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અલબત્ત, એમ કરતાં તેઓ પરિસ્થિતિની ગંભીરતાનું વર્ણન કરતાં પણ ચૂકતા નથી. તેમ જ, બીજી બાજુ, આ પરિસ્થિતિમાં જે જે તત્ત્વો ગાંધીજીને પુષ્ટ કરી શકે તેવાં હતાં તેને આગળ લાવવાનું પણ ચૂકતા નથી. બેલગામ કૉંગ્રેસના મહાદેવભાઈનાં વર્ણનો કોઈ પણ આંતરરાષ્ટ્રીય પત્રકારના અહેવાલોની હરોળમાં બેસે તેવાં હતાં. અલબત્ત, એમની તેમ કરવાની શૈલી ભારતીય સંસ્કૃતિથી રસેલી હતી. એ નાટ્યાત્મક વર્ણનની નાંદી આવી છે:

બેલગામનો પુણ્યતીર્થ તરીકે જ વિચાર થાય છે, ગંગાધરરાવ દેશપાંડેના પુણ્ય પ્રેમથી ભરેલું આખું વાતાવરણ, — તાલીમ અને આજ્ઞાપાલનનું હાર્દ સમજનારા સ્વયંસેવકોની ભક્તિથી ભરેલું વાતાવરણ, — પદે પદે અહિંસાની યાદ આપતા ગાંધીજીથી વ્યાપેલું આ વાતાવરણ અને અહિંસાની પરાકાષ્ઠા પ્રગટ કરવાના જ ઉદ્દેશથી ભેગા થયેલા મહામેળાનું વાતાવરણ — પુણ્યતીર્થનું ન કહેવાય તો બીજું શેનું કહેવાય?૪૩

મહાદેવભાઈનું વર્ણન પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જાય છે, સ્થૂળથી સૂક્ષ્મ તરફ જાય છે. ગંગાધરરાવને ઘોડેસવાર થઈને આખા નગરની વ્યવસ્થા જોતા અને સ્વયંસેવકોને યથાયોગ્ય આદેશો આપતા જોઈને મહાદેવ કહે છે:

એમને તો જાણે ‘अद्य-मे सफलं जन्म‘નો અનુભવ થઈ રહ્યો લાગે છે. ગાંધીજી માટે એક સુંદર મહેલ રાખવાનો વિચાર પડતો મૂકી એક સુંદર ખાદીકુટિર રચી છે; રાજાજી નબળા છે એટલે એમને માટે સ્વતંત્ર ઘર છે; સરોજિની, ઍની બેસંટ, પંડિત નેહરુ અને ચિત્તરંજન દાસ સારુ આલેશાન બંગલા ફાળવ્યા છે. મૌલાનાઓની ખિલાફત કમિટીએ વ્યવસ્થા કરી છે. કાકાસાહબ કાલેલકરે સફાઈ વિભાગ અને ગાંધીજી આગળ ભજનો ગાનારા ગોઠવવાની જવાબદારી પોતાને માથે લીધી છે.૪૩

આટલું વર્ણન કર્યા પછી મહાદેવભાઈ બેલગામ કૉંગ્રેસની ‘આંતર પુણ્યતાની વાત’માં ઊતરે છે. અને સૌ પ્રથમ તો એમને ગાંધીજીની કાર્યક્ષમતા જ સાંભરે ને? ‘આજે ચાર દિવસ થયા, પણ ચાર દિવસમાં એકે કલાક કોઈનો વ્યર્થ ગયો હોય એમ ભાગ્યે જ કહી શકાય. અગાઉની કોઈ પણ કૉંગ્રેસ વખતે એવું બન્યું હતું એમ ભાગ્યે જ કહેવાય. આવતા વર્ષમાં અથાગ કામ અને અતૂટ આજ્ઞાપાલનની આશા રાખનાર ગાંધીજી એ પ્રમાણે કામ લઈને મંગળારંભ કરે તેમાં શી નવાઈ?૪૪ કૉંગ્રેસના ઇતિહાસલેખક પટ્ટાભી સીતારામૈયા પણ બેલગામ કૉંગ્રેસને ‘ઇન ધ હિસ્ટ્રી ઑફ નૉન-કૉઑપરેશન લગામ ઇઝ એ લૅન્ડમાર્ક’ — ‘અસહકારના ઇતિહાસમાં બેલગામ એક સીમાચિહ્ન છે.’ એમ કહે છે. પણ મહાદેવભાઈએ આ અધિવેશનનું જેવું સજીવ વર્ણન આપ્યું છે, તેવું તેમણે નથી આપ્યું. બીજા કોઈએ પણ આપ્યું હોય તો તે આ લેખકની જાણમાં નથી. એક ફકરામાં મહાદેવભાઈ કૉંગ્રેસ અધિવેશનના ચારેય દિવસોની રોજનીશી આપી દે છે. પછી ગાંધીજીનાં ત્રણ મુખ્ય પ્રવચનો વિશે ટિપ્પણ કરે છે:

કૉંગ્રેસના પ્રમુખ તરીકેનું ભાષણ વાંચીએ અને ૨૦મી અને ૨૧મીના ઉદ્ગારો સાંભળીએ તો જાણે બંને વચ્ચે વિચિત્ર વિરોધ લાગે; પણ બંનેમાં જરાયે વિરોધ નહોતો. બંને એકબીજાની પૂર્તિરૂપ હતા. ભાષણની ભાષામાં કાંઈક અપૂર્વ, અસાધારણ બલકે વધારે પડતો સંયમ દેખાય છે. અપાર તેજ છે, પણ ઉષ્ણતા નથી, અપાર યુક્તિ છે, પણ આવેશ નથી. ૨૦મી અને ૨૧મીના ઉદ્ગારોમાં આ બધી રોકી રાખેલી વિભૂતિઓ બાવાની ઝોળીમાંથી જાણે નીકળી પડી.૪૫

આ ટીકામાં આપણને મહાદેવભાઈની ભક્તિની સાથે એમની સ્વતંત્ર વિવેચનશક્તિ રસાયેલી લાગે છે.

બેલગામ કૉંગ્રેસના રસભર અહેવાલમાં ઊતરવાનું આ સ્થાન નથી. માત્ર આખા અધિવેશન અંગેનો છેલ્લો ફકરો જોઈએ. તેમાં મહાદેવભાઈની ઇતિહાસ માપવાની શક્તિ, મોટા પ્રસંગોને ગણેલા શબ્દોમાં આંખ આગળ ખડા કરી દેવાની આવડત હતી. પણ તે મૂલ્યાંકનમાંયે સૌથી વધુ છાપ તો મહાદેવભાઈની ગાંધીભક્તિ અંગે જ પડે છે:

ઘણી કૉંગ્રેસો… કરતાં આ કૉંગ્રેસે જુદી જ અસર કરી. મારા મન પર તો જુદી જ કરી. કલકત્તા અને નાગપુર પછી હરખઘેલા થઈને આવેલા. અમદાવાદમાં હાજર રહેવાનું ભાગ્યમાં નહોતું પણ તે વેળા તો નાગપુરના કરતાં વધારે અંશે ‘पीत्वा मोहमयीं प्रमादमदिरां उन्मत्तभूतं जगत्’ એ સ્થિતિ હતી. ગયામાં એક વર્ગ ક્રોધથી ઊછળતો હતો અને બીજો વિજયાભિમાનથી. કોકોનાડામાં ઐક્ય કર્યાનું અભિમાન હતું, અને ભવિષ્યની ભારે આશા હતી. એ આશામાંથી આપણા પ્રયત્ન વિના કેવળ ઈશ્વરેચ્છાએ, ગાંધીજીનું છત્ર જોવાની આપણી આશા તૃપ્ત થઈ. ઐક્ય અણસધાયેલું જ રહ્યું. એ બધા અનુભવોથી કંઈક ગંભીર બનેલાં આપણાં મન બેલગામની મહાસભાના સફળ કાર્યથી પણ હરખાવાની ના પાડે છે. જેમણે મહાસભાના બીજા દિવસનું લગભગ દિવ્ય દૃશ્ય જોયું, — ‘તમારા ભેદો અને વિખવાદોને અહીં દફનાવી જાઓ, તમારા વિરોધીઓને પણ ભેટો.’ — એ ભાવની દેવવાણી સાંભળી તેમને હરખ ન થયો હોય? હરખ થયો પણ એ વચનોમાં રહેલો પ્રેમ તો એ બોલનાર અનુભવી રહ્યો છે, આપણે તો એ અનુભવવાનો છે — આપણાં હૃદય તો હજી શુષ્ક પડ્યાં છે એવી લાગણી પણ ઘણાને થઈ હશે. ‘બરી ધ હેચેટ’ (કુહાડીને દાટી દો.) એ અંગ્રેજી પ્રયોગ કેટલો સાર્થ છે? ભૂતકાળના વિખવાદો દાટી દો, પૂર્વ દુખદ સ્મરણો દાટી દો એટલું જ નહીં, પણ એ વિખવાદનું સાધન કુહાડી — આપણી સ્મૃતિ, ઝેરીલું મન — સુધ્ધાં દાટી દો. એ સંદેશો આપીને ગાંધીજીએ કાર્યનો ઉપસંહાર કર્યો. એ ઉપદેશથી નાફેરવાદી કે સ્વરાજવાદી બંનેને વિનમ્ર બનવાનું હતું. બંનેને ભવિષ્યને માટે ભારે તૈયારી કરવાની હતી.૪૬

બેલગામ કૉંગ્રેસમાં સભાઓમાં તેમ જ ખાનગી વાતોમાં થયેલી કામગીરીની ઘણી વિગતોમાં આપણે નહીં જઈએ. મહાદેવભાઈ તો આ વર્ણન કરતાં પણ થાકતા નથી. એમનું ભક્તિસ્વરૂપ કહેવાયેલા એક વચનમાં ટપકે છે:

ઔચિત્યના તીવ્ર ભાનમાં ભળેલું અપાર ચાતુર્ય અને પદે પદે તેમાં ભળતા વિનોદમાં અણધાર્યા પ્રસંગે તેમાં પુરાતા કરુણાના સૂર — પંડિત જવાહરલાલને માટેના પોતાના અપાર પ્રેમનો ઉલ્લેખ કુમારી ગુલનારની સાથેની પોતાની મહોબત — એ બધું વિચારતાં બાપુનું ‘सकलमेव चरित्रमन्यत्‘ એટલો ઉદ્ગાર સહજ નીકળી! જાય છે.૪૭

બેલગામના ‘પુણ્યતીર્થ’માં ગાંધીજી સારુ બનેલી ખાદીકુટિરમાં બેઠા ગાંધીજીના એક એક વચનને પોતાની નોંધપોથીમાં ટપકાવતાં, કુટિરના આંગણામાંથી, ઘોડો પલાણીને ત્યાંની રાતીચોળ ધૂળ ઉડાડતા જતા ગંગાધરરાવને નીરખતા, વચ્ચે વચ્ચે મહાદેવભાઈનું મન દૂર ગુજરાત ભણી દોડી જતું હતું. વલ્લભભાઈ કે જીવતરામ૪૮ સાથે કોક વાર આટલા કામમાંથીયે નવરાશની બેચાર ક્ષણ શોધી કાઢી મહાદેવ કાંઈક ટોળટપ્પા કરી લેતા. વલ્લભભાઈને સારુ કૉંગ્રેસમાં આવેલા અનેક રથી-મહારથીઓ ટીખળની પૂરી સામગ્રી પૂરી પાડતા. મહાદેવ એ સાંભળી ખડખડાટ હસતા, પણ પોતે તો ગાંધીજીએ કેવો સાત્ત્વિક વિનોદ કર્યો તેનું જ સ્મરણ કરાવતા. રાજાજી, વળી નાજુક તબિયતે પણ આ હાસ્ય-વિનોદને કાંઈક નવું બૌદ્ધિક પરિમાણ આપતા, પણ આ વિનોદની વચ્ચે કોઈક તારવાળો તાર લઈને ગાંધીજીની ખાદીકુટિર તરફ આવતો જુએ ત્યારે મહાદેવની છાતી એકાદ ધબકારો ચૂકી જતી.

છેવટે જે ક્ષણની મહાદેવ મહિનાઓથી વાટ જોતા હતા તે ધન્ય ક્ષણ આવી પહોંચી. કૉંગ્રેસના ખુલ્લા અધિવેશનમાં ગાંધીજી કૉંગ્રેસ-પ્રમુખ તરીકેનું પોતાનું અધ્યક્ષીય પ્રવચન આપવા વ્યાસપીઠ પર જવા ઊભા થયા. મહાદેવ ભલે ગાંધીજીની સંયમી અને સ્થિતપ્રજ્ઞ પ્રકૃતિની પ્રશંસા કરતા, પણ પોતે તો આ ઘડીને ધન્ય માનતા જ હતા અને એમના મુખ પરનું આછું સ્મિત એ વાતની ચાડી ખાતું હતું કે અંદરથી તો મહાદેવનું હૈયું હરખની હેલીએ ચડ્યું હતું.

બરાબર એ જ ઘડીએ એક સ્વયંસેવક દોડતો તાર લઈને આવ્યો, ને મહાદેવ ફરી એક વાર ધબકારો ચૂક્યા. લગભગ કાંપતી આંગળીએ એમણે સ્લિપ પર સહી કરી અને એક આંખ વ્યાસપીઠ પર ચડતા ગાંધીજી પર માંડી, બીજી તારના ફરફરિયા તરફ વાળી. ગાંધીજીનું ભાષણ પૂરું થાય પછી નિરાંતે તાર ખોલવા જેટલી તે દિવસે મહાદેવને ધીરજ નહોતી.

એક હરખ હતો ગાંધીજીના કૉંગ્રેસના અધ્યક્ષસ્થાને બિરાજવાનો; બીજો હરખ સ્વયંસેવક લાવ્યો તે તારમાં હતો. સુદૂર ગુજરાતમાં, વલસાડ ગામે, નાની મહેતવાડથી મહાદેવના સાઢુભાઈ ડૉ. પરાગજીએ તાર કર્યો હતો કે માતા વિજયાબહેન અને મોટી બહેન મણિબહેનની જતનભરી દેખરેખ નીચે ૨૪મી ડિસેમ્બરની સવારે છ વાગ્યે દુર્ગાબહેને પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રનું વજન જન્મ વખતે સાડા છ રતલ હતું અને માતા તથા સંતાન બંનેની તબિયત સારી હતી.

મહાદેવનો હરખ છુપાવ્યો જાય એમ નહોતો. બાપુના શબ્દોની નોંધની શાહી જોડે મહાદેવનાં હપાશ્રુનાં થોડાં બિંદુ પણ ભળ્યાં હશે. એમને હર્ષ આપનારું સૌથી મોટું કારણ પેલા તારના છેલ્લા વાક્યમાં હતું. આ ઘટનાથી ત્રણેક વર્ષ પહેલાં દુર્ગાબહેનને પહેલી સુવાવડ આવી હતી ત્યારે તેમને મરેલી બાળકી જન્મી હતી. એ બાળકીના શાંત મૃત શરીરને એના મામા ઊંચકી ગયા તે પહેલાં, દુર્ગાબહેને માત્ર એક જ વાર જોયું હતું, પણ ખીલ્યા પહેલાં જ કરમાયેલી એ પોયણી-શી પુત્રીને દુર્ગાબહેને પોતે મર્યાં ત્યાં સુધી યાદ કર્યા કરી હતી: ‘અસલ તારા કાકા જેવી રૂપાળી ને લાંબી.’ મહાદેવે તે વખતે બંગાળીમા ઊર્મિલા દેવી સેનને શેક્સપિયરના નાટકને યાદ કરીને માત્ર એક જ વાક્ય લખ્યું હતું: Love’s Labour Lost (પ્રેમનો પરિશ્રમ પરવારી ગયો) પણ એને લીધે આ વખતે મહિનાઓ પહેલાંથી મહાદેવના મનમાં ચિંતા હતી, પણ એટલી નહીં કે બાપુ પાસેથી રજા લઈને વલસાડ જાય. મહાદેવ-દુર્ગાનો પ્રેમ એક નદીને બે કિનારે મીટ માંડીને બેઠેલાં ચકવા-ચકવી જેવો હતો.

આ ઘટના પછી બરાબર છાસઠ વર્ષે, તે દિવસના તારના મુખ્ય પાત્રે કાંઈક કુતૂહલવશ, કાંઈક જિજ્ઞાસાથી, ચોવીસમી ડિસેમ્બર, ૧૯૨૪ અને એની આસપાસના બેચાર દિવસોની મહાદેવભાઈની ડાયરીનાં પાનાં વારંવાર ઉથલાવી જોયાં. પુત્રજન્મનો તેમાં ઉલ્લેખ સરખોય નહોતો!

મહાદેવભાઈની ડાયરી ગાંધીજીની ડાયરીમાં વિલીન થઈ ગઈ હતી.

નોંધ:

૧   महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૨૫૭.

૨   यंग इन्डिया ૧૧–૯–૧૯૨૪, महादेवभाईनी डायरी – ૬ પરિશિષ્ટ–૩, પૃ. ૪૦૬થી ૪૧૨ પરથી ટૂંકાવીને.

૩.   महादेवभाईनी डायरी – ૬ પૃ. ૨૫૫-૨૫૬માંથી સારવીને.

૪.   એજન, પૃ. ૨૬૮.

૫.   એજન, પૃ. ૨૭૧થી ૨૭૪માંથી સારવીને.

૬.   એજન, પૃ. ૨૭૪-૨૭૫.

૭.   એજન, પૃ. ૨૭૫-૨૭૬.

૮.   એજન, પૃ. ૨૭૬.

૯.   એજન, પૃ. ૨૭૭-૨૭૮.

૧૦.   એજન, પૃ. ૨૭૮.

૧૧.   એજન, પૃ. ૨૮૨.

૧૨.   ડી. જી. તેંડુલકર વગેરે દ્વારા સંપાદિત गांधीजीમાંથી: વેરિયર એલ્વિનનો લેખ, ‘મહાદેવ’, પૃ. ૧૫.

૧૩.   महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૨૮૭.

૧૪.   એજન, પૃ. ૩૦૧.

૧૫.   એજન, પૃ. ૩૫૭.

૧૬.   એજન, પૃ. ૨૯૫.

૧૭.   એજન, પૃ. ૧૬૩.

૧૮.   એજન, પૃ. ૧૭૫.

૧૯.   એજન, પૃ. ૧૬૫-૧૬૬.

૨૦.   એજન, પૃ. ૧૬૪.

૨૧.   એજન, પૃ. ૧૬૮.

૨૨.   એજન, પૃ. ૧૭૩.

૨૩.   મૌલાના મહમદઅલીના સાથીઓ.

૨૪.   શ્વેબ કુરેશી.

૨૫.   महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૮૪

૨૬.   એજન, પૃ. ૨૩૮.

૨૭.   महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૬૮-૬૯. મહાદેવભાઈએ કથિત પુસ્તકનું નામ નોંધ્યું નથી.

૨૮.   गांधीजीनो अक्षरदेह – ૨૪ : પૃ. ૮૦.

૨૯.   गांधीजीनो अक्षरदेह – ૨૩ : પૃ. ૪૭૭.

૩૦.   સ્વામી આનંદ.

૩૧.   गांधीजीनो अक्षरदेह – ૨૩ : પૃ. ૪૫૫.

૩૨.   महादेवभाईनी डायरी – ૬ : પૃ ૧૬૭-૧૬૮.

૩૩.   એજન, પૃ. ૧૫૮.

૩૪.   महादेवभाईनी डायरी – ૧૮ : પૃ. ૧૮૧-૧૮૨.

૩૫.   महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૩૫.

૩૬.   એજન, પૃ. ૨૮૯-૨૯૦.

૩૭.   એજન, પૃ. ૨૯૫.

૩૮.   गांधीजीनो अक्षरदेह – ૨૩ : પૃ. ૨૫૦ અને પાદટીપ નંબર ૧.

૩૯.   વાયકોમ સત્યાગ્રહનું વૈજ્ઞાનિક પૃથક્કરણ: જેન વી. બોન્ડયુરાના कॉन्कवेस्ट ऑफ वायोलन्सમાં જોવા મળી શકે.

૪૦.   ડી. જી. તેંડુલકર દ્વારા સંપાદિત गांधीजीમાં વેરિયર એલ્વિનનો. લેખ, ‘મહાદેવ’ પૃ. ૧૫.

૪૧.   महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૦૪-૧૦૫

૪૨.   એજન, પૃ. ૧૩૯.

૪૩.   એજન, પૃ. ૩૩૨.

૪૪.   એજન, પૃ. ૩૩૩.

૪૫.   એજન, પૃ. ૩૩૪.

૪૬.   એજન, પૃ. ૩૫૮-૩૫૯.

૪૭.   એજન, પૃ. ૩૫૩.

૪૮.   કૃપાલાની.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.