અગિયાર – રચનાકાર્યનો પ્રથમ અનુભવ: ચંપારણ

ગોધરાથી ઉત્તર બિહારના ચંપારણ તરફ યાત્રા આરંભાઈ ૬–૧૧–૧૯૧૭ને દિને. બરાબર એક અઠવાડિયા પછી, એટલે કે, ૧૩–૧૧–૧૯૧૭ને દિને મહાદેવની હવે તો પ્રસિદ્ધ થયેલી ડાયરીમાં પહેલી નોંધ ટપકાવાય છે. કોઈએ એમને નોંધ કરવા કહ્યું હોય એમ લાગતું નથી. અંત:પ્રેરણાથી જ એ લખાઈ હતી. પણ એ પ્રેરણા કેટલી ઊંડી, કેટલી પ્રબળ! ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૨ને દિને સવારે મહાદેવભાઈ શાંત થયા. ૧૪મી ઑગસ્ટ સુધી એમણે ડાયરી લખી છે!

પણ એ ડાયરી મહાદેવભાઈની નહીં, ગાંધીજીની ડાયરી છે. જ્યારે જ્યારે મહાદેવભાઈ ગાંધીજીથી વિખૂટા પડ્યા છે, ત્યારે ત્યારે ડાયરી નથી લખાઈ. શૂન્યવત્ બનવાની એમની જીવનકળાનો સ્થૂળ નમૂનો આ હકીકતમાં જેવા મળે છે. લગભગ દરેક ડાયરીની શરૂઆતમાં મહાદેવભાઈ એક અથવા વધારે સુવાક્ય ટાંકીને પછી નવે પાનેથી લખવાની શરૂઆત કરે છે. તે તે કાળના એમનાં ચિંતનની પ્રસાદીરૂપ બની રહે એવાં એ વાક્યો છે.

પ્રથમ ડાયરીને પહેલે પાને ટાંક્યું છે તુકારામનું એક પદ અને ડીન ચર્ચનું એક વાક્ય. બંને સૂચક છે:

जळो ते जाणीव, जळो ते शहाणीव ।
राहो माझा भाव विठ्ठलपायीं ।
जळो ते आचार, जळो ते विचार ।
राहो मनास्थिर विठ्ठलपायीं ।।

— તુકારામ

પૂળો મૂકાઓ તે જ્ઞાનમાં, પૂળો મૂકાઓ તે ડહાપણમાં,
મારી ભક્તિ વિઠ્ઠલના ચરણમાં (દૃઢ) રહો.

પૂળો મૂકાઓ તે આચારમાં, પૂળો મૂકાઓ તે વિચારમાં,
મારું ચિત્ત વિઠ્ઠલના ચરણમાં સ્થિર રહો.

— તુકારામ.

અને

Like most human things, discipleship has its good and its evil, its strong and its poor and dangerous side, but it really has a good and strong side, its manly and reasonable humility, the enthusiasm of having and recognizing a great master and doing what he wanted done.

— Dean Church

ઘણી માનવવસ્તુઓની માફક, શિષ્યભાવની સારી તેમ જ નરસી બાજુ, મજબૂત તેમ જ નબળી બાજુ અને ભયાનક બાજુ રહેલી છે; છતાં ખરેખર તેમાં સારું અને મજબૂત તત્ત્વ જ (વધારે) છે. તેની મર્દાઈભરી અને વાજબી નમ્રતા, (પોતાને) એક મહાન ગુરુ હોવાનો અને તેને માનવાનો ઉત્સાહ તથા તે જે ઇચ્છે તે કરવાનો (આગ્રહ, એ તેની સારી બાજુ છે). — ડીન ચર્ચ

આ બંને ઉદાહરણો મહાદેવભાઈની માત્ર તે કાળની વૃત્તિનાં જ નહીં; પણ તેમના શેષ જીવનના સ્થાયીભાવનાં ઘોતક છે.

ગાંધીને ચરણે આવ્યા ત્યારે મહાદેવભાઈની અંજલિ સાવ ખાલી હાથની નહોતી. એ કરસંપુટમાં ઉત્તમ ભાષાજ્ઞાન, ઉત્તમ અનુવાદકળા, વિશાળ વાચન, આંખે ઊડીને વળગે એવા સુંદર અક્ષર, અને એ અક્ષરે પણ અતિ ઝડપથી લખવાની કુશળતા, પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનાં ઉત્તમ અંગોનું અધ્યયન, ઊંડું ચિંતન કરવાની શક્તિ અને સૌથી વધુ તો એ અંજલિમાં નમ્રતા, શાલીનતા અને સમર્પણબુદ્ધિ જેવા ગુણોનો સાગરભર્યો અર્ઘ્ય હતો. છતાં આ બધાં કરતાં તેમણે ભક્તિને શ્રેષ્ઠ માની હતી. તેથી જ તેમને પોતાની તે કાળની મૂડી વિશે એમ લાગ્યું કે, ‘કેવળ ગાંધીજી પ્રત્યેની ભક્તિ ઉપરાંત કશી જ લાયકાત મારામાં નહોતી.’

‘કેવળ એ ભક્તિ’ને લીધે તો તેઓ પોતાના અવાંતર જ્ઞાન, ડહાપણ, આચાર કે વિચારમાં પૂળો મૂકીને ગાંધીનાં ચરણોમાં પોતાના ભાવોને સ્થિર કરી શક્યા અને શિષ્યભાવની ઘણી ઘણી નરસી, નબળી કે ભયાનક બાજુઓ અનુભવ્યા છતાં ગૌરવપૂર્વક પોતાના મહાન ગુરુને ઓળખી શક્યા હતા અને એમની ઇચ્છા મુજબ જીવી તેમ જ મરી શક્યા હતા.

ગાંધીજીની પ્રવૃત્તિ તે જ મહાદેવની પ્રવૃત્તિ, એનાથી શરૂઆત થઈ. ગાંધીજીની પ્રવૃત્તિને દેશ ને દુનિયા આગળ રજૂ કરવી, ગાંધીજીનું ચિંતન તે જ મહાદેવનું ચિંતન; અને ગાંધીજી વતી એમનાથી દૂર જઈને પણ એમની જ પ્રવૃત્તિ આચરવી; એવી અવસ્થાઓ પાછળથી આવવાની હતી. શરૂઆત થઈ ગાંધીજીએ ચીંધેલાં કામ ઉપાડી લેવાથી.

ચંપારણનું કામ તો પહેલે તબક્કે માત્ર એક અઠવાડિયું જ થયું. મહાદેવભાઈનું કામ સમજવા આપણે આ કથામાં અત્યારથી માંડીને છેવટ સુધી વારંવાર ગાંધીજીનું કામ સમજવું પડશે. અને ગાંધીજી એ પચીસ વર્ષના ગાળામાં મોટે ભાગે દેશનાં વિવેકબુદ્ધિ અને અંતરાત્મારૂપે કામ કરી રહ્યા હતા. તેથી આપણે ઠેર ઠેર દેશના વાતાવરણને પણ સમજવું પડશે. તે વિના મહાદેવની અંતરકથા છતી નહીં થાય. જ્યાં મહાદેવની જીવનધારા એટલે ગાંધીજીના તીર્થરાજ પ્રયાગમાં મળી ગયેલી સરસ્વતી, અને ગાંધીજીની પોતાની ગંગા જ્યાં આ ભારતના માનવના મહાસાગરમાં મળી જતો ગંગાસાગર સંગમ હોય, ત્યાં નોખાં નોખાં તીર્થમાં સ્નાન કે નોખાં નોખાં જળનું પાન શક્ય પણ નથી અને ઇષ્ટ પણ નથી.

દક્ષિણ આફ્રિકાથી સત્યાગ્રહનું સફળ સાધન લઈને આવેલ ગાંધી, ગોખલેની સલાહથી, એક વર્ષ ભારતભ્રમણ કરીને, થર્ડ ક્લાસની મુસાફરી કરી, કુંભમેળામાં સેવા આપી, અનેક પ્રાંતોમાં ફરી વળી, જાહેરમાં ન બોલવાનો સંયમ પાળી, છતાં અનેક પ્રકારના લોકો સાથે હળીમળી, ચર્ચાવિચારણાઓ કરી, દેશના અંતરંગને પિછાણવા લાગ્યા હતા. વરસ પૂરું થયું ત્યાર પછી સામાન્યપણે એ કૉંગ્રેસ, જુદા જુદા પ્રદેશોની રાજકીય પરિષદો, ભિન્ન ભિન્ન જાતિઓનાં સંગઠનોની સભાઓ, કે જુદાં જુદાં પ્રકારનાં મંડળોમાં ફરી ચૂક્યા છે. બીજા નેતાઓથી ભિન્ન એવો (પશ્ચિમી કોટપાટલૂનને બદલે) કાઠિયાવાડી પાઘડી અને કાઠિયાવાડી કેડિયાનો પહેરવેશ, જ્યાં શક્ય હોય ત્યાં ગુજરાતીમાં અને નહીં તો ભાંગીતૂટી ઉડઝૂડિયા હિન્દીમાં બોલવાનો આગ્રહ. સાદું જીવન અને સાદી રહેણીકરણી અને ખોરાક વગેરે જોઈને દેશના લોકોના મનમાં એમને વિશે કુતૂહલ અને જિજ્ઞાસા પેદા થયાં છે. નવા વછેરાને જોઈને સારો અશ્વપારખુ એની પીઠ થાબડે તેમ પીઠ થાબડે છે. મહાદેવ ગાંધી પ્રત્યેની કુતૂહલવૃત્તિમાંથી દોઢેક વરસ પહેલાં જ પસાર થઈ ચૂક્યા છે. એમની જિજ્ઞાસા જાગી ચૂકી છે, જે જોયું છે તેનાથી એ અભિભૂત થયા છે, પણ હજી એમને ગાંધીજી વિશે વિસ્મય લાગ્યા કરે છે. શ્રદ્ધા જાગી છે, સ્નેહમાં તરબોળ થવાની અને ભક્તિમાં નિમજ્જન કરવા માટેની સર્વ સજ્જતા અંદરથી સધાઈ ગઈ છે, આંતરબાહ્ય એક થવાનાં હજી બાકી છે. દેશે ગાંધીજીને સન્માન આપ્યું છે, હૃદયમાં સ્થાન આપવાનું હજી બાકી છે.

દેશ? આખા દેશનું ‘એક’ એવું ત્યારે ચિંતન જ નહોતું, તો આખા દેશનો ‘એક’ એવો અવાજ તો ક્યાંથી હોય? થોડા માસ પછી ગાંધીજીએ ઉચ્ચારેલા અને મહાદેવભાઈએ ઝીલેલા શબ્દો મુજબ:

‘આજે આપણે એક સંધિકાળમાંથી ગુજરી રહ્યા છીએ. એ સંધિકાળ સંધ્યાનો છે કે ઉપ:કાળનો છે તે આપણને ખબર નથી. એક પછી તરત રાત આવે છે અને બીજા પછી પ્રભાત ઊગે છે.’

તે કાળના નરમ દળ અને ગરમ દળના નેતાઓ વચ્ચે પડેલા મતભેદના ઘા હજી રુઝાયા નહોતા. નરમ દળવાળા ધારાસભાઓ કે બીજી સરકારી-અર્ધસરકારી સંસ્થાઓમાં જઈને ચાલુ પરિસ્થિતિ અંગે અસંતોષ વ્યક્ત કરીને એને સુધારવા અંગેનાં સૂચનો કરતા હતા. ગરમ દળવાળાઓ સભાઓ અને લેખો દ્વારા ચાલુ પરિસ્થિતિ અંગે કડક ટીકાઓ કરતા અને સરકારની વિરુદ્ધ ગરમાગરમ ભાષણો કરતા. પણ બંનેની પાસે કોઈ નક્કર કાર્યક્રમ નહોતો.

ગાંધી એક નક્કર કાર્યક્રમનો અનુભવ દક્ષિણ આફ્રિકાથી લઈ આવ્યા હતા. પણ એ કાર્યક્રમને એમણે ભારતમાં અજમાવી જોયો નહોતો. સત્યાગ્રહને કાર્યક્રમ તરીકે અજમાવવાની તેમની વૃત્તિ પણ નહોતી. દક્ષિણ આફ્રિકામાં અન્યાયી પરિસ્થિતિઓનો સામનો કરતાં… તેમને તે સહજ સૂઝ્યો હતો. હિંદમાં તો તેઓ હજી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને એટલું સમજાઈ ગયું હતું કે દેશને હજી કોઈ દિશા સ્પષ્ટપણે સૂઝી નહોતી. ધ્યેય ઝાંખું ઝાંખું દેખાતું હતું, પરંતુ ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ દેશ નક્કી કરી નહોતો શક્યો.

ખુદ ગાંધીજી પણ આગલું પગલું કયું લેવું તે અંગે સ્પષ્ટ નહોતા. એમ તો ઠેઠ ૫૯૦૯માં જ તેઓ હિંદ સ્વરાજની પોતાની કલ્પના દુનિયા આગળ રજૂ કરી ચૂક્યા હતા અને એ દૂરગામી કલ્પનાને ચરિતાર્થ કરવા પોતાનું જીવન અર્પણ કરી ચૂક્યા હતા. લાંબી યોજનાઓ બનાવવાને બદલે પોતે જે કંઈ વિચારે તેને તરત અમલમાં મૂકવાનો તેઓ આગ્રહ રાખતા. ફિનિક્સ આશ્રમની સ્થાપના એમણે એ રીતે જ કરી હતી. તેઓ પોતે મોક્ષને જીવનનું અંતિમ ધ્યેય માનતા હતા. અને તેને પ્રાપ્ત કરવા પોતાની જાતને ‘મોટું મીંડું’ બનાવવા સતત પ્રયત્નશીલ રહેતા. આમ પોતાના અહંને ખોતરી કાઢી પોલી બનાવેલી બંસરીમાંથી હરિનો સૂર જ નીકળે તેને સારુ સતત પ્રાર્થના કરતા. કાર્યક્રમ તેઓ શોધતા નહીં, તે તેમની આગળ આવીને ઊભતા. મહાદેવભાઈ તેમની સાથે જોડાયા તેના એક વર્ષની અંદર જ તેમની આગળ એક પછી એક એવા ત્રણ કાર્યક્રમો આવી પડ્યા. એ ત્રણ કાર્યક્રમો એટલે બિહારના ચંપારણના ગળીની ખેતી કરનાર કિસાનોના, અમદાવાદના મિલમજૂરોના અને ખેડાના મહેસૂલ ભરનાર ખેડૂતોના. ‘મોક્ષ મારા જીવનનું ધ્યેય છે’થી માંડીને મહાદેવભાઈ એમની સાથે જોડાયા ત્યાર પછીનાં ચાર વર્ષના ગાળામાં તો ગાંધીજી (જે ત્યાર સુધી બ્રિટિશ સરકાર વિશે ઠીક ઠીક પ્રમાણમાં વફાદારી ધરાવતા હતા), સરકારને ‘શેતાની’ વિશેષણ વડે નવાજવા સુધી પહોંચી ગયા હતા.

હકીકતમાં ગાંધીજીને મન મોક્ષપ્રાપ્તિનો માર્ગ અને શેતાની સરકારની શેતાનિયત સામે ઝઝૂમવાનો માર્ગ અભિન્ન હતા.

ગાંધીજીને સદ્ભાગ્યે, એમને શિષ્યો પણ એવા મળતા જતા હતા જેમના મનમાં મોક્ષ અથવા ચિત્તશુદ્ધિનો માર્ગ અને સ્વતંત્રતા કે રાષ્ટ્રમુક્તિનો માર્ગ બે સામસામી દિશામાં જનારા માર્ગ નહોતા. મહાદેવ તેમાંના એક હતા.

ગોધરાથી પટણા ને પટણાથી મોતીહારી જતાં સુધીમાં તો મહાદેવભાઈએ ગાંધીજી પાસેથી ચંપારણના કિસાનોના પ્રશ્નો અને એમણે ચલાવેલી લડતનો ઇતિહાસ જાણી લીધો હતો. મહાદેવભાઈ અને દુર્ગાબહેન ચંપારણ પહોંચ્યાં તે પહેલાં, આગલે મહિને જ ‘તિન કઠિયા’ વ્યવસ્થાના શિકાર બનેલા કિસાનોની પરિસ્થિતિની તપાસ કરનાર સરકારી સમિતિના અહેવાલ પર, કિસાનોના પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ સહી કરી હતી. ગોરા નીલવરો’ (ગળીનાં કારખાનાંના માલિકો)એ કરેલા અત્યાચારોના સંખ્યાબંધ પુરાવાઓ ગાંધીજી અને તેમના સાથીઓએ એકઠાં કરેલાં પચીસેક હજાર જેટલાં ‘બયાનો’માં મોજૂદ હતા. પણ ગાંધીજીએ એવો આગ્રહ રાખ્યો નહીં કે એ લોકોના ગુનાઓ પુરવાર થાય અને એમને કાંઈક સજા કરવામાં આવે. નીલવરોને એનાથી સાનંદાશ્ચર્ય થયું હતું. પણ ગાંધીજીએ કિસાનો પાસે ફરજિયાત બધી જમીનમાંથી વીંઘે ત્રણ ગૂંઠા (૩/૨૦) જમીન પર ગળીની ખેતી કરાવવાની પ્રથાને નાબૂદ કરવાનો આગ્રહ રાખ્યો હતો. જે નીલવરો અને સરકારના પ્રતિનિધિઓએ માન્ય રાખ્યો હતો. પરિણામે સો વરસ કરતાં વધારે લાંબા ગાળાથી ચાલી આવેલી એક અન્યાયી વ્યવસ્થા નાબૂદ થઈ હતી. હિંદમાં ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલ આ અહિંસક ચળવળમાં એમને ન ધારેલી સફળતા મળી હતી. ખરું જોતાં ચંપારણમાં ગાંધીજીને પ્રત્યક્ષ અહિંસક પ્રતિકારનો કોઈ કાર્યક્રમ ઉઠાવવો જ નહોતો પડ્યો. હજારો કિસાનોની વીતકકથાની નોંધમાત્રથી જ સરકારને તપાસસમિતિ આપવી પડી હતી અને ગાંધીજીના આગ્રહને લીધે જ સમિતિએ પોતાનો નિર્ણય સર્વાનુમતિથી આપ્યો હતો. આ ચળવળને પરિણામે ચંપારણના કિસાનો નિર્ભયતાનો પાઠ શીખ્યા હતા. બિહારના કાર્યકર્તાઓ નોકરચાકરની મદદ વિના જાતે પરિશ્રમ કરીને સાદું જીવન જીવતા, ગરીબો વચ્ચે, ગરીબ થઈને કામ કરતા અને કોઈ અહેવાલમાં અતિશયોક્તિ કરવાનું નહોતા શીખ્યા. હિંદની પ્રજાએ સત્યાગ્રહની સફળતાનો સ્વાદ માણ્યો હતો.

સત્યાગ્રહની સાથે રચનાત્મક કામ શરૂ થાય જ. ગાંધીજીએ બતાવેલા અવનવા રસ્તાની આ રીત હતી. ખુદ ગાંધીજીએ પણ હિંદનાં ગામડાંઓનાં ભયંકર દારિદ્ય, અજ્ઞાન, ગંદકી અને વહેમનાં દર્શન આ તપાસ દરમિયાન પહેલવહેલાં કર્યાં હતાં. આ લોકોની કાંઈક તો સેવા કરવી જ જોઈએ એ ખ્યાલથી કેટલાંક ગામડાંઓમાં શિક્ષણ, આરોગ્ય અને સફાઈની પ્રવૃત્તિઓ શરૂ કરવાનું નક્કી થયું હતું. મહાદેવ અને દુર્ગાને આ નવા કામની દીક્ષા મળવાની હતી. પણ પિતાશ્રીની રજા લીધા સિવાય મહાદેવભાઈથી ગાંધીજી પાસે અવાય શી રીતે? અને ગાંધીજીથી મહાદેવભાઈને સ્વીકારાય શી રીતે? એટલે મોતીહારી આવ્યા પછી અઠવાડિયા પછી જ દુર્ગાબહેનની સાથે મહાદેવભાઈ દિહેણ જાય છે. રજા માગવા આવેલ લાડકા પાટવી કુંવરને સ્વીકૃતિ આપતાં હરિભાઈએ શું મનોમંથન અનુભવ્યું તે આપણે આગળ ઉપર જોઈ ગયા છીએ.

એક વાર સ્ટેશને જઈને નિરાશ થયેલા નરહરિભાઈ ફરી વાર મહાદેવભાઈને લેવા જતા હતા ત્યારે ગાંધીજી સહજ વિનોદ કરી લે છે, ‘નરહરિ, ફરી પાછો તાર આવે કે નથી આવતો તો કેવી મજા થાય?’ પણ નરહરિને પોતાના મિત્ર વિશે પૂરી શ્રદ્ધા હતી. એમણે કહ્યું, ‘ના, આજે તો મહાદેવ જરૂર આવશે.’

શાળા, સ્વચ્છતા, આરોગ્ય વગેરેનાં કામ સારુ ગાંધીજીએ બિહાર બહારના અનેક કાર્યકર્તાઓને બોલાવ્યા હતા. બિહારના લોકોમાં ચંપારણના કામ અંગે ગાંધીજીને જેમણે મદદ કરી હતી તેમાંના મોટા ભાગના લોકો વકીલો હતા. એમાં વ્રજકિશોરપ્રસાદ, મઝહર-ઉલ-હક, રાજેન્દ્રપ્રસાદ, ધરણીધરબાબુ જેવા મોટા મોટા વકીલો ગાંધીજી ખાતર પોતાનું રોજનું કામકાજ મૂકીને આવ્યા હતા. એ લોકો ગાંધીજી ઇચ્છતા હતા એવાં રચનાત્મક કામોમાં પડે એવી શક્યતા ઓછી હતી. અલબત્ત, થોડાક માસના કામ દરમિયાન ગાંધીજીનું કામ એટલે શું એનો એમને બરાબર પરચો મળી ગયો હતો. સૌ પોતપોતાની સાથે એક એક નોકર લઈને આવ્યા હતા. ગાંધીજીએ એ લોકો સાથે વાતચીત કરી, અને પોતે હાથેથી કામ કરીને એ લોકોને પોતાનાં કપડાં હાથે ધોતા, સૌ મળીને રસોઈ બનાવતા અને વાસણ માંજતા, ચટાઈ પર બેસીને કિસાનોના રિપોર્ટ લખતા કર્યા હતા. ‘રચનાત્મક કાર્ય’ શબ્દ ત્યાં સુધીમાં રૂઢ નહોતો થયો. આ લોકો રચનાત્મક કાર્યને ટેકો આપે તેવા હતા, પણ સીધા રચનાત્મક કામમાં કોઈ પડી શકે તેમ નહોતું. એ કામ સારુ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકથી આવેલા તરુણ કાર્યકર્તાઓ જ કામ લાગે એમ હતા. આ લોકોમાં કેટલીક બહેનો પણ હતી. એ એક વધારાનો ફાયદો હતો. બિહારના કોઈ કાર્યકર્તાની સ્ત્રી બહાર આવીને સામાજિક ક્ષેત્રમાં પડે તેવી તો કલ્પના સુધ્ધાં તે વખતે આવી શકે એમ નહોતી. એ કામ તો, વરસો પછી, વ્રજકિશોરબાબુની દીકરી અને જયપ્રકાશ નારાયણનાં પત્ની પ્રભાવતીએ કર્યું. મહાદેવભાઈ પહેલાં નરહરિભાઈ ચંપારણ પહોંચ્યા હતા. એમની સાથે મણિબહેન પણ હતાં. મહાદેવભાઈ જોડે દુર્ગાબહેન ગયાં. તે ઉપરાંત મહારાષ્ટ્રનાં આનંદીબહેન અને અવંતિકાબહેન હતાં. કિશોરલાલ મશરૂવાળા પણ ગાંધીજીને ચંપારણમાં મળેલા. પણ એમની નાજુક તબિયત જોતાં એમને ગાંધીજીએ સીધા રાષ્ટ્રીય શાળાના કામ સારુ, સાબરમતી આશ્રમમાં મોકલાવી દીધા હતા. મહાદેવભાઈ વિશે ગાંધીજીનો પહેલેથી અભિપ્રાય એવો હતો કે તે એમના અંગત મંત્રીનું કામ કરે, એટલે ચંપારણમાં થોડા દિવસ દુર્ગાબહેન અને એમણે સાથે કામ કર્યું. ત્યાર પછી થોડા દિવસ પૂરતા બહાર જવાનું થાય છે એમ સમજીને, મહાદેવભાઈ ગાંધીજીની સાથે પ્રવાસે ગયા અને દુર્ગાબહેન ચંપારણમાં રહ્યાં. નરહરિભાઈ મૂળ સાબરમતી આશ્રમની રાષ્ટ્રીય શાળામાં જોડાયેલા. પણ એમનેય ગાંધીજીએ ચંપારણમાં રાખી લીધા એ જોઈને સાબરમતીથી રાષ્ટ્રીય શાળાના આચાર્ય શ્રી સાંકળચંદભાઈ શાહનો પત્ર આવ્યો કે અમારા કાર્યકર્તાને ત્યાં કેમ રાખો છો? ગાંધીજી રાષ્ટ્રીય શાળાના કામને પણ ખૂબ મહત્ત્વ આપતા હતા, તેથી નરહરિભાઈને તેમણે પાછા સાબરમતી મોકલ્યા. મહાદેવ અને નરહરિ બંને પ્રગાઢ મિત્રો હતા. એકબીજાને પ્રેરણા આપીને ગાંધીજી સાથે જોડાયા હતા અને એકબીજાને હૂંફ આપીને તેમણે ગાંધીજી સાથે તપોમય જીવન ગુજાર્યું. પણ અલગ અલગ પ્રકારનાં કામોની પસંદગી તેમણે અને ગાંધીજીએ મળીને કરી, એનું પરિણામ એ આવ્યું કે નરહરિભાઈને ભાગે મોટે ભાગ્યે સ્થિર રહેવાનું આવ્યું અને મહાદેવભાઈના ભાગ્યે ગાંધીજી સાથે નિરંતર ફરવાનું આવ્યું. પરિણામે નરહરિભાઈ અને મણિબહેન જીવનનાં અનેક વર્ષો સાથે રહી શક્યાં. દુર્ગાબહેન અખંડ વિજોગણ જેવાં રહ્યાં.

પણ આપણે ચંપારણના રચનાત્મક કામની વાત કરતા હતા. ચંપારણના એ કામનું વર્ણન મણિબહેનની દીકરી વનમાળા દેસાઈએ લખેલ નરહરિભાઈના જીવનચરિત્રના પુસ્તકને પાછલે ભાગે ‘મણિબહેનનું કથાનક’ એ મથાળાથી છપાયેલું છે. આ ટૂંકું કથાનક, એના વર્ણનનો વિષય ગાંધીજી સાથેનો સહવાસ છે તેથી, અને તેના કરતાં પણ સવિશેષ તે અનુભવને આધારે નિરાડંબર રીતે લખાયેલું છે તેથી, ગુજરાતી સાહિત્યમાં એક અમૂલ્ય કૃતિનું સ્થાન પામે એમ છે. ચંપારણનું રચનાત્મક કાર્ય આપણી કથાના નાયક મહાદેવભાઈ સારુ તો પ્રમાણમાં ગૌણ કામ સિદ્ધ થયું, પણ એમનાં સહધર્મચારિણી દુર્ગાબહેનની તપશ્ચર્યાનો એ આરંભ હતો. આ કાળનું જીવતું-જાગતું ચિત્રણ મણિબહેનના કથાનકમાં આવે છે. તેમાંથી કેટલાક પ્રસ્તુત હિસ્સાઓ નીચે ટાંક્યા છે:

મોતીહારીની એક વાડીમાં અમારે રહેવાનું હતું. એક રસોડું ચાલતું હતું તેમાં જમનારા અમે આટલાં હતાં: બા, બાપુ, મહાદેવભાઈ, દુર્ગાબહેન, રાજેન્દ્રબાબુ, ધરણીધરબાબુ, વ્રજકિશોરબાબુ, નરહરિભાઈ અને હું. રાજેન્દ્રબાબુ નોકર લાવેલા તે બીજું બધું કામ કરે અને દુર્ગાબહેન અને હું રસોઈ કરીએ. સ્વામી સત્યદેવજી પણ અમારી સાથે જમતા હતા. એ વખતસર ન આવે અને એમને જમતી વખતે ગરમાગરમ રોટલી જોઈએ. એક દિવસ ફરવા જવાના વખત સુધી એ આવ્યા નહીં એટલે દુર્ગાબહેન ને હું લોટ લઈ એમની રાહ જોતાં બેસી રહ્યાં. ફરવા ન ગયાં એટલે બાપુને આની ખબર પડી ગઈ. એમને આ ન ગમ્યું. એમણે સ્વામીજીને કહ્યું કે: ‘કાં તો વખતસર આવો, નહીં તો બીજે તમારી વ્યવસ્થા કરી લો.’ સ્વામીજી બીજે વ્યવસ્થા કરીને ત્યાં ગયા.

  • એક દિવસ ફરવા જવાને વખતે બાની ચૂડીની ખીલી પડી ગઈ ને ખોવાઈ ગઈ. અમે શોધવામાં મદદ કરવા લાગ્યાં પણ જડી નહીં. બાપુ કહે: ‘કેમ મોડું કરો છો? ચાલો ને.’ મેં કહ્યું: ‘બાની ચૂડીની ખીલી જડતી નથી.’ બાપુ કહે: ‘બાને કહો કે હું બેઠો છું, વગર ચૂડીએ ચાલ.’ પણ બા શેનાં આવે? છેવટે લીમડાની સળીની ખીલી કરીને નાખી ને અમે ફરવા ગયાં. સાંજના જમ્યા પછી બાપુ સાથે જ અમારે ફરવા જવાનું. મને ને દુર્ગાબહેનને રસોડામાં મોડું થાય તો એ આવીને અમારી સામે ઊભા રહે. અમે શરમાઈએ, પણ અમને મૂકીને જાય નહીં. ફરવામાં બાપુની ચાલ ઉતાવળી અને દુર્ગાબહેન ને હું ધીમાં ચાલીએ એટલે પાછળ પડી જઈએ. બાપુ, મહાદેવભાઈ અથવા નરહરિભાઈને અમારો સંગાથ કરવા પાછળ મોકલે. જેને અમારો સંગાથ કરવા પાછળ આવવું પડે તે અમારા બે ઉપર બહુ ખિજાય અને અમને બંનેને દોડાવે ને બાપુની સાથે કરી દે. મહાદેવભાઈ તો કહે: ‘તમે બંને ભેંશો જેવી છો, જલદી ચાલતી જ નથી.’ જેને પાછળ આવવું પડે એને બાપુની વાતો સાંભળવાની ન મળે. એટલે એ લોકોને ન ગમે. પણ બાપુ કહે એટલે આવ્યા વિના પણ ન ચાલે. ફરવા જતાં ત્યાં થોડો રસ્તો સાવ જંગલ જેવો અંધારો ને બીક લાગે એવો આવતો હતો એટલે અમને એકલાં છોડે નહીં.

  • એક દિવસ બધાં જમવા બેઠાં હતાં. મહાદેવભાઈ ને નરહરિભાઈને દાળ બહુ ભાવે એટલે બંને જણ આંગળાંમાં દાળ ભરીને સબડકા મારવા મંડ્યા. બાપુએ જોયું ને અવાજ સાંભળ્યો એટલે કહે: ‘આવા અવાજ કરીને સબડકા મારો છો તે તમને બંનેને વિલાયતમાંથી કાઢી જ મૂકે.’ બંને કહે: ‘વિલાયતના લોકોને દાળના સ્વાદની શી ગમ પડે? સબડકાથી દાળનો જે રસ્વાદ આવે છે તે કાંઈ ચમચાથી ન આવે!’ આમ ખાતાં ખાતાં વિનોદ પણ ચાલે.

  • તે વખતે બાપુનો ખોરાક પણ સારો. બે વાટકી લોટની રોટલી, એક વાટકી દાળ અને એક વાટકી ચોખા એટલું સીધું એમને જોઈએ. એ ચાર ચીજ ખાય એટલે ચોથું શાક. બે વાટકીમાંથી અમે બાપુ માટે ચાળીસ રોટલી બનાવીએ. કોક વાર વધારે થાય તો બાપુ પૂછે: ‘આજે કેટલું કહાડ્યું હતું?’ અમે તો કહીએ કે, ‘બાએ કાઢી આપ્યું હતું.’ એટલે કહે: ‘બાને એમ કે હું વધારે ખાઉં તો સારું એટલે એ તો વધારે કાઢવાની તરફેણમાં જ હોય.’

  • બિહારમાં દહીં બહુ જ સરસ મળે. પડિયામાં બજારમાંથી લઈ આવવાનું. જરાય પાણી ન છૂટે, રીંગણ પણ કાળાં ને મોટાં સરસ મળે. બાપુ કહે: ‘આવું સરસ દહીં ને રીંગણ મળે છે ને તમને ભરત કરવાનું મન નથી થતું?’ (ભરત એટલે રીંગણને રાખમાં ભૂંજવાનું ને ઉપરની છાલ કાઢી નાખી અંદરના ગલને છૂંદી એમાં દહીં, મીઠું ને જીરું નાખવાનું.) ચટણી તો રોજ જ કરાવે. બે આને ડઝન કેળાં મળે તે પણ રોજ મગાવે. બાપુ ખાવાના ખૂબ શોખીન.

  • મોતીહારીમાં વાડીમાંના બંગલે અમે રહેતાં હતાં ત્યાં બાપુ દેહાતી ખેડૂતોને બોલાવે. તે વખતે ગળીની ખેતી પરના કર વિશે કેસ ચાલતો હતો. કોરટમાં કેસ ચાલે તે પહેલાં બધી હકીકત ને માહિતી એ લોકો પાસેથી મેળવી લેતા. મહાદેવભાઈ અને નરહરિભાઈ એકેએકને મળે, બધું પૂછે, બધું લખી લે ને પછી બાપુને આપે. આમ રોજ ચારસો-પાંચસો ખેડૂતો વાડી બહાર આવે ને સવારમાં ચાર-પાંચ કલાકના ધામા નાખે. બહાર બેઠાં બેઠાં ગાય:

    ગાંધીજી કા બબુઆ જીવે હો રામ,
    મેરા મુકદ્દમા દેખો હો રામ.

    એટલું જોરથી ગાય કે અમને અંદર સંભળાય. કોક વાર બાપુજી બંધ કરવાનું કહે. આ એક જ લીટી યાદ છે. બીજી ભૂલી ગઈ છું.

  • આ કેસનું કામ પૂરું થયું પછી અમને બંનેને મધુબની ગામમાં શાળા ચલાવવા માટે બાપુ મૂકી ગયા. મધુબનીનું અમારું ઘર ડાંગરના પરાળ ને વાંસનું બનાવેલું હતું, છાપરું પણ ઘાસનું જ. ઘરમાં હવા માટે એક જાળિયું મૂક્યું હતું. એને ત્યાંના લોકો ‘જંગલા’ કહેતા હતા.

  • બાપુએ ગામમાં મોટી સભા ભરીને બધા લોકોને ભેગા કર્યા. સભામાં બાપુ કહે કે, ‘આ ભાઈને ને આ બહેનને તમારી વચ્ચે કામ કરવા મૂકી જાઉં છું. તમારામાં જેટલી આવડત હશે ને લેતાં આવડશે એટલું તમે આ લોકો પાસેથી લઈ શકશો.’ પછી મને કહે: ‘આપણે તો અપરિગ્રહ અને અસ્તેયનું વ્રત છે છતાં તને કહું છું કે લોકોનાં ઘરમાં જજે, બહેનોને મળજે ને એ લોકોનું દિલ અને પ્રેમ ચોરી લેજે. જેટલું કામ તારાથી થઈ શકે એટલું કરજે.’ બાપુ તો મૂકીને ગયા પણ મને તો હિંદીનો શબ્દેય ન આવડે. આ લોકોની ભાષા પણ પાછી ગામઠી એટલે જરાય ન સમજાય. કેમ છો કહેવું હોય તો ‘કે… બા’ એમ બોલે. પછી રોજ રાત્રે નરહરિભાઈ પાસે દસ શબ્દો હિંદીના શીખું. પણ એટલાથી કાંઈ શાળા ન ચલાવી શકાય એટલે જે છોકરીઓ આવે એમને કૂવા પર લઈ જાઉં. નવડાવું, કપડાં ધોઉં, માથું ચોળું ને પાંચ વાગ્યે એમને ઘરે મોકલું.

    છોકરીઓની માને ભારે આશ્ચર્ય થાય કે આવી તે કેવી બહેન આવી છે કે છોકરીઓને આવી સ્વચ્છ કરે છે? ત્યાં ગામડામાં એવો રિવાજ કે આઠ-પંદર દિવસે માથું ધુએ અને પછી ગુંદરનું પાણી નાખી વાળને દબાવી દે તે પાછું ધોવાનું હોય ત્યારે જ છોડે. રોજ માથું ઓળવાનું જ નહીં, છોડવાનું પણ નહીં, કપડાં પણ ખૂબ જ ગંદાં. ઘરે તો કોઈ ધુએ જ નહીં. ધોબીને આપે. ધોબી સાડીનો આનો ને નાના કપડાનો પૈસો લે. ધોબી અઠવાડિયે કપડાં પાછાં આપે ત્યારે જ બદલે. એ લોકો પાસે કપડાં પણ વધારે નહીં ને આળસુ એટલે આવો રિવાજ પડ્યો હશે. ખાવામાં પણ આ લોકો સાથવો ખાય. (સાથવો એટલે ચણા, જુવાર, ઘઉંને શેકીને એને દળી નાખે.) આ લોટ બજારમાં તૈયાર મળે, એમાં જરા મીઠું નાખીને વાસણ હોય તો તેમાં, નહીં તો કપડામાં થોડું પાણી નાખીને એનાં મૂઠિયાં વાળે, એક મૂઠિયું મોંમાં મૂકે ને ઉપરથી મૂળા, કાકડી, ટમેટાં — જે કાચું શાક મળે તે મીઠું લઈને ખાય. આ જ એમનો ખોરાક.

    સાવ ગરીબ પ્રજા. આખો દિવસ મજૂરી કરે ત્યારે ચાર આના મળે. ઘાસની નાની સરખી ઝૂંપડી બનાવીને એમાં રહે, કૂવા પણ જમીનની સપાટીએ જ. જરાય થાળું કે ઊંચો કઠેડો નહીં એટલે નહાય, વાસણ માંજે એ બધું પાણી પાછું કૂવામાં પડે. ખૂબ જ ગંદકી. કૂવા પાસે તો આપણાથી ઊભા પણ ન રહેવાય એવો કાળો કાળો ગંધ મારતો સડેલો કાદવ જામેલો હોય. આ કૂવો સાફ કરવાનો અમે વિચાર કર્યો. સાંજના ચાર વાગ્યે એક ગામમાં જઈએ. ખભે કોદાળી ને પાવડો લઈને જઈએ ને કૂવાની ચારે બાજુ ગંધાતો કાળો કાદવ કાઢી ત્યાં બીજી ચોખ્ખી માટી નાખી દઈએ. જંતુનાશક ગુલાબી દવા છાંટીએ. એક દિવસમાં મુશ્કેલીથી એક કૂવો સાફ થાય. ગામલોક અમને જોઈને કહે કે, ‘તમે ન કરશો, અમે કરીશું.’ અમે પૂછીએ, ‘ક્યારે કરશો?’ તો કહે, ‘બિહાન’ એટલે કે, આવતી કાલે! ભારે આળસુ લોકો ને ખૂબ જ ગંદા, કાંઈ કામ કરવાનું એમને ગમે જ નહીં.

    સવારે વહેલી ઊઠીને ઘરનું બધું કામ કરી રસોઈ કરી સાડા દસ વાગ્યે પરવારી જાઉં. સાડા દસથી પાંચ વાગ્યા સુધી નિશાળ ચલાવવાની. પાંચ વાગ્યે પૂરું થાય પછી ગામડે કૂવો સાફ કરવા જઈએ. ત્યાંથી રાત્રે દસ વાગ્યે ઘેર આવીએ. પછી જમીએ. પાસે એક ભાઈની ભઠ્ઠી હતી તે શક્કરિયાં શેકી આપે ને દૂધ ગરમ કરી આપે એટલે રાત્રે શેકેલાં શક્કરિયાં, દૂધ અને પપૈયું ખાઈએ. આમ અમારું સારું ચાલતું હતું. ચાળીસ છોકરીઓ નિશાળમાં આવતી થઈ હતી. દર રવિવારે છોકરીઓને ઘેર એમનાં માબાપને મળવા જાઉં. હું વાતો કરું એથી એ લોકો બહુ ખુશ થાય. હું હાથે રાંધું તે એમને ન ગમે. કહે કે, ‘અમે રસોઇયો આપીએ.’ મેં કહ્યું, ‘અમે તો હાથે રાંધેલું જ ખાઈએ છીએ.’ ત્યાં છૂઆછૂત બહુ જ. કોઈ કોઈને અડે નહીં.

  • એક ઘરમાં હું ગઈ ત્યાં બધી બહેનો તૈયાર થઈ મારી રાહ જોતી બેઠી હતી. ત્યાંનાં ઘર સળંગ લાંબાં લાંબાં. બેચાર ઓરડા પસાર કરીએ ત્યારે બહેનોનાં દર્શન થાય. મને કહે: ‘તું તો ગાંધીજીની દીકરી છે.’ એમ કહીને પૂજાનો મોટો થાળ લાવ્યાં અને મારો અંગૂઠો પકડી ઉપર દૂધ ને કંકુ નાખ્યાં. મને કાંઈ સમજ ન પડી. પણ મેં તરત પગ લઈ લીધો. એ લોકો કહે: ‘અમારે તારી પૂજા કરવી છે.’ મેં કહ્યું, ‘પૂજા નથી કરવી. તમે મારી સાથે વાતો કરો.’ એ લોકો તો મોટી લાજ કાઢે. બધાયની લાજ કાઢવાનો જ રિવાજ. હું લાજ ઉઘડાવું ને સમજાવું કે, ‘હું તો તમારા જેવી જ છું. તમે જો આવું કરશો તો હું તમારે ત્યાં નહીં આવું.’ પછી માની જાય ને હું જાઉં એટલે વાતો કરે. પણ એમની ભાષા મને બહુ સમજાય નહીં ને મને હિંદી બોલતાં આવડે નહીં એટલે વધારે વાતો તો ઇશારાથી જ થાય. બંને પક્ષે ખુશ થઈને છૂટાં પડીએ.

    અમે મોતીહારી ગયાં ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી. અમારી પાસે ઓઢવા-પાથરવાનું કાંઈ જ સાધન નહોતું. એક શેતરંજી ને ઓશીકું હતું તે નરહરિભાઈને આપ્યું. બિહારથી એક રૂપિયાનો એક ધાબળો લીધો. કપડાનું ઓશીકું કરીએ. ખૂબ જ ઠંડી એટલે હું અને દુર્ગાબહેન સાથે સૂઈ જઈએ તોય હૂંફ જ ન મળે. મહાદેવભાઈ ને નરહરિભાઈ બહાર પાટ પર ભેગી પથારી કરીને સૂઈ જાય. બાપુ પાસે પણ એક જ ધાબળો તે અરધો નીચે પાથરે અને અરધો ઓઢે. મહાદેવભાઈ ને નરહરિભાઈ સૂવા જાય ત્યારે બાપુ કહે કે, ‘આ બધાં છાપાં છે તે મારી ઉપર નાખો.’ બાનું પણ આમ જ ચાલે. અમને બધાંને ઠંડીનો સરસ અનુભવ થાય.

  • ગુજરાતી છઠ્ઠી સુધી ભણેલાં દુર્ગાબહેને શિક્ષિકા તરીકેનું કામ ઝડપથી ઉપાડી લીધું હતું, વાચનનો એમનો શોખ આ કાળે ખૂબ વધ્યો હતો. મહાદેવભાઈ ગાંધીજી પાસેથી ચંપારણ આવી જતા. ઘણી વાર ગાંધીજી પોતે જ ચંપારણ આવતા ત્યારે તેમની સાથે તો આવવાનું થાય જ. એ દિવસો દુર્ગાબહેનને મન ઉત્સવ સમા થઈ રહેતા. પોતે દુર્ગાબહેનને એકલાં રાખ્યાં છે એનું મહાદેવભાઈને મનમાં સદા કષ્ટ રહેતું, તેથી આવે ત્યારે ‘ઢગલેઢગલો’ પ્રેમ આપતા. ગાંધીજી પણ આ બાબતમાં સભાન હતા. તેથી બંને સાથે હોય ત્યારે તેમને એકલાં રહેવાની તકો પૂરી પાડતા. એમને એકલાં મૂકીને જતાં પાછા કહેતા જાય: ‘કાલે તમે બંને જણાં ફાવે તેમ મહાલજો, રાત્રે ગમે ત્યારે જમવું હોય ત્યારે જમજો, ટમેટાંનું શાક ખાવું હોય તો તે પણ બનાવીને ખાજો.’

    ગાંધીજીએ આપેલી આવડી મોટી (!) છૂટ જોઈને આપણને કદાચ હસવું આવે, પણ મહાદેવ-દુર્ગાની જોડી જેટલી જુવાન હતી એના કરતાં ભક્ત જરાયે ઓછી નહોતી. તેથી ‘બાપુના અપાર પ્રેમ’ પર વારી વારી જતી!

    માત્ર, મિલન જેટલું મધુર હતું એટલો જ વિરહ આકરો હતો. વિખૂટાં પડતી વખતે દુર્ગાબહેન ઢીલાં થઈ જતાં. અને મહાદેવ તો એમેય મીણ કરતાં પોચા હૃદયના માણસ હતા. પત્નીનાં આંસુ એમનાથી જીરવાતાં નહીં. દુર્ગાબહેન ‘મારું નસીબ એવું હશે’ એમ કહી આંસુ સૂકવી નાખતાં. મહાદેવભાઈ ભારે હૃદયે કહેતા, ‘પ્રત્યેક વખતે તારું રડવું જોવાનું, અને તને પજવવાનું — મારું એ નસીબ છે.’

    ગાંધીજીએ મહાદેવભાઈ પહેલી વાર ચંપારણ પહોંચ્યા ત્યાર પછી અઠવાડિયે એટલે કે ૨૦–૧૧–’૧૭ને દિને ત્યાંની પહેલી શાળા ખોલી. પછી ૧૭–૧–’૧૮ને દિને બીજી શાળા ખોલી. પહેલી શાળા બરહરવા ખાસમાં અને બીજી શાળા મધુવનમાં ખોલવામાં આવી હતી.

    બાળકોની વ્યક્તિગત સફાઈ, એમને નવડાવવાં, ધોવડાવવાં, માથું ઓળવું, નખ કાપવા, ગામની સફાઈ, ખાસ કરીને કૂવાની આસપાસ સફાઈ કરવી, ગામની બહેનો જોડે એમના સામાજિક રિવાજો અને આર્થિક પરિસ્થિતિ વિશે વાતો કરવી, એમને રામાયણમાંથી કે બીજા સંતસાહિત્યમાંથી ઉતારાઓ વાંચી સંભળાવવા એ આ શાળાઓનો મુખ્ય પાઠ્યક્રમ હતો. આ શાળા જોડે અથવા ગ્રામસેવિકાઓ જોડે સંકળાયેલી ‘ડિસપેન્સરી’માં દિવેલ, સોડાબાઈકાર્બ અને ક્વિનાઈન એવી ત્રણ દવાઓ હતી. સર્વ રોગો ઉપર આ દવાઓ જ કામ આવતી! પણ મુખ્ય ઓસડ તો આ સેવિકાઓનો પ્રેમ જ હતું જે જોતાંની સાથે દર્દીનો અરધો રોગ મટી જતો.

    ઉત્તર બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં શિક્ષકને ‘પંડિત’ કહેવાય છે. એમ જણાય છે કે બેતિયા મોતીહારી તરફના આ નાનામોટા (શાળા બાળકો તથા પ્રૌઢો બંનેને માટે સમાનરૂપે સેવા આપતી.) નવશિક્ષિતોને મન ‘પંડિત અને પંડિતાઈન’માં કાંઈ ભેદ નહોતો. તેથી એ લોકો દુર્ગાબહેનને ‘પંડિત’ કહેતાં. મહાદેવભાઈને આ નામ ગમી ગયું. પોતાના અંગત જીવનની દરેક વાત પ્રગાઢ મિત્ર નરહરિ સાથે તો વહેંચવી જ પડે ને? રવીન્દ્રનાથનો અનુવાદ અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સાથે બેસીને કરતા ત્યારે દુર્ગાબહેન અને મણિબહેન ‘ગિન્ની’ (ગૃહિણી) કહેવાતાં. ચંપારણમાં તેઓ ‘મોટા પંડિત’ અને ‘નાના પંડિત’ બન્યાં! કાળક્રમે નાના પંડિતનું નામ છૂટી ગયું, અને મોટા પંડિતમાંથી મોટા વિશેષણ નીકળી ગયું. મૃત્યુ પામ્યા ત્યાં સુધી પ્રકાંડ કહી શકાય તેવા પંડિત મહાદેવભાઈ છઠ્ઠી ચોપડી ભણેલાં દુર્ગાબહેનને ‘પંડિત’ કહીને જ સંબોધતા!

    ચંપારણના આંદોલને ગાંધીજીને દેશ અને વિશ્વમાં મહાત્મા બનાવ્યા, તો ચંપારણના આંદોલને દુર્ગાબહેનને એમના ઘરમાં ‘પંડિત’ બનાવ્યાં!

    દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી કરેલાં કામોમાં ગાંધીજી સારુ ચંપારણનું કામ એ ખૂબ મહત્ત્વનું હતું. એની મારફત એમણે હિંદના લોકહૃદયમાં પ્રવેશ કર્યો. ચંપારણનો સત્યાગ્રહ એ આગળ ઉપર ચાલનાર સત્યાગ્રહો માટેનો જાણે નાનો સરખો પ્રયોગશાળામાંનો અખતરો હતો.

    સ્વાભાવિક રીતે જ આ પ્રયોગ વિશે પોતાના દક્ષિણ આફ્રિકાના મિત્રોને લખવાનું ગાંધીજીને મન થાય. તેમણે મિસ્ટર વેસ્ટને ચંપારણ વિશે સવિસ્તર પત્ર લખ્યો છે, તેમાંથી ખાસ કરીને દુર્ગા-મહાદેવ અને મણિ-નરહરિનાં કામને સ્પર્શે તેવો હિસ્સો નીચે ટાંક્યો છે:

    ‘હું આટલું કામ કરું છું તેની બધાંને નવાઈ લાગે છે, પણ એકે કામ હું શોધવા ગયો નથી. પ્રવૃત્તિઓ જેમ મારા પર આવી પડી તેમ મેં ઉપાડી છે. બિહારમાં ધારાસભામાં કાયદો ઘડવાનું કામ ચાલે છે તેના ઉપર નજર રાખવા ઉપરાંત ત્યાં મેં કેટલીક શાળાઓ ખોલી છે તેની વ્યવસ્થા જોવાની હોય છે. શિક્ષકો સામાન્ય રીતે પરિણીત છે. પતિ અને પત્ની બંને કામ કરે છે. ગામડાંનાં બાળકોને ભણાવીએ છીએ. પુરુષોને આરોગ્ય અને સ્વચ્છતા શીખવીએ છીએ. ગામડાંની સ્ત્રીઓને પણ મળીએ છીએ. તેમને પડદો છોડી દેવાનું અને તેમની છોકરીઓને અમારી નિશાળે મોકલવાનું સમજાવીએ છીએ. દવા અમે મફત આપીએ છીએ. દરદો જાણીતાં હોય છે અને તેના ઉપાય પણ જાણીતા અને સાદા હોય છે. એટલે એ કામ તાલીમ પામ્યા વિનાનાં સ્ત્રી અને પુરુષોને, જે તેઓ બીજી રીતે વિશ્વાસપાત્ર હોય તો સોંપતાં મને કાંઈ વાંધો લાગતો નથી. દાખલા તરીકે, કસ્તૂરબાઈ એક નિશાળમાં કામ કરે છે અને છૂટથી દવાઓ આપે છે. અત્યાર સુધી અમે મલેરિયાનાં ત્રણ હજાર દરદીઓને રાહત આપી શક્યા છીએ. ગામડાંના કૂવા અને ગામડાંના રસ્તા અમે સાફ કરીએ છીએ અને તેમાં ગ્રામવાસીઓનો સક્રિય સહકાર મેળવીએ છીએ. અત્યાર સુધીમાં અમે ત્રણ શાળાઓ ખોલી છે. તેમાં છોકરાઓ અને બાર વરસ નીચેની છોકરીઓ મળીને ૨૫૦ ઉપર વિદ્યાર્થીઓ છે. બધા શિક્ષકો સ્વયંસેવકો છે. … આ બધાં કામોમાં સદ્ભાગ્યે મને સારા સાથીઓ મળી ગયા છે.’

    નોંધ:

    ૧   બન્ને ભાષાંતરો નરહરિ પરીખનાં.

    ૨   રાજમોહન ગાંધી: Patel – A Life પૃ. ૭૩.

    ૩.   વનમાળા દેસાઈ: नरहरिभाई: પૃ. ૨૧૬થી ૨૨૩.

    ૪   ગાંધીજીને સૌથી પહેલાં ‘મહાત્મા’ કોણે કહેલા એ અંગે જુદા જુદા મતો પ્રવર્તે છે એમ જણાય છે કે તેમને પ્રથમ વાર ગોંડળના એક માનપત્રમાં મહાત્મા કહેવામાં આવ્યા પછી શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ઠાકુરે કહ્યા. પણ લોકહૃદયના મહાત્મા તો તેઓ ચંપારણમાં જ બન્યા.

    ૫.   महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૨૮-૨૯.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.