વીસ – સત્યાગ્રહીનું સાધના-સ્થળ: કારાવાસ

પોલીસવાન આવીને ઊભી. મહાદેવે હસતે મોંએ અને દુર્ગાએ સહેજ ગંભીર વદને એકબીજાની વિદાય લીધી. અલાહાબાદથી નૈની જેલની વાટ કાંઈ લાંબી નથી. શહેર વટાવતાં જ જમનાજીનો પુલ આવે છે. કાલિંદી ગંગાને આશ્લેષ લેતાં પહેલાં ધીરગંભીર મંદ મંથર ગતિ થઈ જાય છે. પુલ ઉપરથી સહેજ ઉત્તર ભણી નજર કરતાં ગંગાજીના પ્રવાહની કલ્પના આવે છે. તીર્થરાજ પ્રયાગના સંગમથી પુલ ઝાઝો દૂર નથી. જમના-પાર લીલાંછમ ખેતરો છે અને લગભગ તરત શરૂ થાય છે અલાહાબાદ જિલ્લાના કેન્દ્રીય કારાગારની સીમા. એની ઊંચી ઊંચી દીવાલો આસપાસની હરિયાળીને જાણે કે આડે આવીને થંભાવી દે છે. એના જાડા લાકડાના રાક્ષસી દ્વાર પર કાળનેમિના મુખ-શા કમાડ પર કાળયવનના દાંત જેવા કરાળ સળિયા દૂરથી દેખા દે છે. નવા આવનારને ડરાવવા સારુ જ એની રચના થયેલી છે, પણ મહાદેવનું મોં મલકાય છે. એમની ઘણા વખતની હોંશ આજે પૂરી થાય છે. એટલે સ્તો એમણે પં. મોતીલાલજીને લખ્યું હતું કે આખરે એ રળિયામણી ઘડી આવી પહોંચી. મહાદેવને इन्डिपेन्डन्ट છાપા સારુ ગાંધીજીએ અલાહાબાદ મોકલ્યા અને તેમણે તેના તંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યાર બાદ તેઓ ગિરફતાર થયા તે કાળની આખી પરિસ્થિતિનું વર્ણન ખુદ મહાદેવભાઈની જ કલમે:

‘સારું થયું તારી કાયા કાચી-પાકી હોત તો ક્યાં પડતે?’

અર્જુન ભગત

‘સને ૧૯૨૧ના નવેમ્બર મહિનામાં વડી તેમ જ બધી પ્રાંતિક સરકારોને આફરો ચડ્યો હતો. બાદશાહના શાહજાદા દેશમાં આવેલા, તેને પ્રજા ક્યાંયે આવકાર આપે નહીં એ તેમનાથી સાંખ્યું જતું નહોતું. શાહજાદાને બોલાવવા સામે, દેશના સખત વિરોધ છતાં, બ્રિટિશ સરકારને અહીંની સરકારે ખાતરી આપી હતી કે શાહજાદાને સુંદર સ્વાગત મળશે. સ્વાગત ન મળશે એમ સાફ કહેવામાં પોતાની કમજોરી બહાર પડે એ કારણે ઉપર પ્રમાણે ખાતરી અપાઈ હતી. શાહજાદા હિંદુસ્તાનના કિનારા ઉપર ઊતર્યા કે તરત જ તેમને ખબર પડી ગઈ કે મારી-બાંધીને સ્વાગત અપાવવાની તેમણે રાખેલી આશા નિષ્ફળ [નીવડી] હતી.

આ નિષ્ફળતાને પરિણામે સરકારને એક પ્રકારનો હડકવા લાગ્યો હતો એમ કહીએ તો ચાલે, ઘણાખરા પ્રાંતોમાં સ્વયંસેવકમંડળોને બેકાયદા ઠરાવનારા કાયદાઓ થયા. પ્રજાની સેવા કરનારા સ્વયંસેવકો બનવા-બનાવવામાં અગાઉના કાયદાનું કોઈ બંધન નહોતું તે આમ એકાએક કેમ નખાયું તે વિશે પ્રજા વિચારમાં પડી, અને એ કાયદા તો તોડીને જ તેનો પ્રતિકાર કરવો એમ આપોઆપ કૉંગ્રેસ કમિટીના ઠરાવ વિના લોકોએ નિશ્ચય કર્યો. કેવળ આ કાયદાનો વિરોધ કરવા માટે સ્થળે સ્થળે સેંકડો-હજારો સ્વયંસેવકો ઊભા થવા માંડ્યા. આથી સરકાર વધારે છંછેડાઈ. તમામ અગ્રણીઓને પકડવાની નીતિ ગ્રહણ કરી. તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે પંડિત મોતીલાલ નેહરુ, પંડિત જવાહરલાલ નેહરુ, મિ. જોસેફ, પુરુષોત્તમદાસ ટંડન વગેરે અગિયાર નેતાઓને પકડવામાં આવ્યા. બીજે દિવસે વળી વધારે પકડાયા. મને, ચાર મહિના ઉપર મિ. જોસેફની પકડાવાની ખબર સંભળાઈ ત્યારે ગાંધીજીએ તેમની જગ્યા લેવાને અલાહાબાદ મોકલ્યો હતો.

મિ. જોસેફ તે વેળા ન પકડાયા પણ આ વેળા પકડાયા એટલે इन्डिपेन्डन्ट પત્રના સંપાદક તરીકે જાહેર થવાની, આખરે, મારી વારી આવી. ગાંધીજી અહોરાત્ર તે વેળા ઉમેદ રાખતા હતા કે તેમને સરકાર ઉપાડી લે, પણ તે નહોતું બનતું; એટલે કાંઈ નહીં તો પોતાના અતિપ્રિય એવા સેવકો જેલમાં ચાલ્યા જાય એમ ઇચ્છતા હતા. જેટલાં શુદ્ધ બલિદાન અપાયાં તેટલાં સારાં એ જ તેઓ બધાને કહ્યા કરતા. નેહરુ કુટુંબ પકડાયું એટલે એમણે તેમને ધન્યવાદનો તાર કર્યો, અને તે જ વેળા મારા ઉપર પત્ર લખ્યો કે, ‘મોતીલાલજીનાં પત્ની પાસે એક સુંદર સંદેશો પ્રગટ કરાવ; અને તુંયે જલદી જેલ જા.’ જાણે જેલ આપણું ઘર હોય ને! આ પછી પણ એકાંતરે ગાંધીજીના કાગળો આવતા તેમાં કામ કરવાની સૂચના, મારા લેખોની પ્રશંસા કે ટીકા, ઉપરાંત છેલ્લું વાક્ય તો એમ જ હોય કે ‘હજી તમે કેમ છૂટા છો?’ ‘મારા લેખો, જેલ જવાથી બચી જવાય એવા ઉદ્દેશથી તો લખાતા નથી, હું પોતે સ્વયંસેવક પણ થયો છું’, એટલી હું ગાંધીજીને ખાતરી આપી ચૂક્યો હતો. આ પછી મને મદદ કરવાને દેવદાસ આવ્યા. એટલે અમને બંનેને સંદેશા આવવા લાગ્યા કે ‘જેલમાં કેમ હજી ગયા નથી?’

આ પછી ‘તમારી બરોબર ખબર લઈશું’ એવું એક વચન સર હારકોર્ટ બટલરે પોતાના એક ભાષણમાં ઉચ્ચાર્યું: તેના જવાબમાં મોટા કાળા અક્ષરે ‘અમે પણ તમારી બરોબર ખબર લઈશું’ એમ છાપી તેની નીચે સેંકડો સ્વયંસેવકોની પ્રતિજ્ઞા મેં છાપી. એટલે સરકાર ચેતી. તા. ૨૧મીએ જ શ્રીમતી સરૂપરાણી નેહરુના સંદેશા અને આ પ્રતિજ્ઞાવાળા લેખને માટે इन्डिपेन्डन्टની જામીનગીરી જપ્ત કરવામાં આવી. ગાંધીજીને એમાં આશાનાં કિરણો જણાયાં, તરત જ ‘શાબાશી’નો તાર આવ્યો, અને હાથે લખીને પત્ર કાઢવાની સૂચના આવી. તેનો તરત જ અમલ થયો. બીજે દિવસે હસ્તલિખિત પત્ર નીકળ્યું. તેની બધી નકલો ખપી ગઈ, એટલું જ નહીં, લોકોની માગણીને પહોંચી વળવા જેટલાં સાધનો અમારી પાસે ન હતાં. ઈશ્વર જાણે, ક્યાં સુધી સાચું હશે, પણ મને ઠેકઠેકાણેથી કહેવામાં આવ્યું કે મારું નાનકડું પત્ર લખનૌ, જ્યાં સર હારકોર્ટનો મુકામ હતો ત્યાં અલાહાબાદથી ટેલિફોનમાં તેમને વાંચી સંભળાવવામાં આવ્યું. મને એમ પણ કહેવામાં આવ્યું કે હવે મારે છૂટા રહેવાનો સંભવ નથી. અને તેમ જ થયું, બીજે જ દિવસે મને મૅજિસ્ટ્રેટ આગળ હાજર રહેવાનો સમન્સ મળ્યો. મારી સેવાની આટલી જલદી કદર થશે એવી આશા મને નહોતી. મારી હકીકત તે જ દિવસે પ્રભાતમાં ઊઠીને મેં લખી કાઢી હતી. તે ટૂંકી હકીકતમાં જણાવેલી સ્થિતિ ઘણાખરા અસહકારીઓની તે વેળા હતી અને હજી આજે છે એમ હું માનું છું. તેમાંનો એક પણ અક્ષર ખેંચી લેવાને આજે પણ કશું કારણ જણાતું નથી.

મહાદેવભાઈએ જેલમાં પ્રવેશ કરતાં જ જોયું કે આખું આયોજન ચેતનને જડ બનાવે તેવું હતું. માણસ ભય, ત્રાસ અને ઉત્પીડનથી જ સુધરી શકે એવી જડ માન્યતાને આધારે એનું તંત્ર ખડું કરવામાં આવ્યું હતું.

દુર્ગાબહેન લગભગ પોલીસવાનની પાછળ પાછળ જ જેલ પર ગયેલાં. સાથે હતા નાના દિયેર-શા દેવદાસ ગાંધી. પાછળથી દેવદાસનો પત્ર ગાંધીજીએ પત્રલેખકનું નામ છાપ્યા વિના પ્રસિદ્ધ કર્યો:

‘ગઈ કાલે અમે જેલ ઉપર ગયેલા. પણ અમને મળવાની રજા ન મળી. ખાવાનું, ઓઢવાનું અને ચોપડીઓ પણ લઈ ગયેલા પણ તે જેલરે પાછાં વાળ્યાં. આજે સવારે અમે મહાદેવભાઈને મળી શક્યા. એમને સામાન્ય ગુનેગારની પંક્તિમાં રાખવામાં આવ્યા છે અને જેલના બધા નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. કપડાં જેલનાં પહેરાવ્યાં છે. એક કોણી સુધીની બાંયનું કાળું પહેરણ અને ચડ્ડી. આ કપડાં અતિશય મેલાં, વાસ મારતાં અને જૂઓથી ભરેલાં છે. બે કામળો આપવામાં આવી છે, જેને મહિનાઓ સુધી પાણીનો સ્પર્શ પણ નહીં લાગ્યો હોય તે પણ જૂઓથી ભરપૂર. …

પાણી માટે એક કટાઈ ગયેલું લોઢાનું વાસણ આપવામાં આવ્યું છે. દરેક વખત અંદરથી કાટ ઉતારીને થોડી જ વારમાં પાણીને ઝેરી કરી મૂકે છે. રાત્રે પીવા માટે તે પાત્રમાં પાણી રાખી શકાય જ નહીં. સવારે તે પીળું થયેલું હોય છે.

નાહવાનો એક મેલો કુંડ છે. તેનું જ પાણી પીવામાં પણ વપરાય છે. નાહતી વખતને માટે એક લંગોટ હોય છે, પણ શરીર લૂછવાને માટે કાંઈ નહીં. તડકામાં શરીર સુકાયા પછી એનાં એ જ ઉતારેલાં કપડાં પાછાં પહેરવાનાં. અહીંની ટાઢમાં મહાદેવભાઈ જેવી તબિયતવાળા ભીને બદને કપડાં ધુએ અને તે સુકાય ત્યાં સુધી કેવળ લંગોટ પહેરી રાખે એ તો અશક્ય જ છે.

ખાવાનું જેલનું જ. ગઈ કાલે ઘેરથી ખાઈને ગયેલા અને સાંજે ત્યાં કંઈ પણ ખાધું ન હતું. આજે સવારે કંઈક રાબ જેવો પદાર્થ આપવામાં આવેલો તે લીધેલો, તેમાંના કાંકરા અને કચરાની તો શી વાત?

પાયખાને દિવસના બહાર ખુલ્લામાં જવાય છે. પાણી લેવા માટે વાસણ પેલું જ. એ ખુલ્લું જ રહે છે. હજી બેડીઓ નાખવાની બાકી છે.’

આ વાંચીને હરિભાઈ ખૂબ રડી પડેલા અને બોલેલા, ‘જિંદગીમાં કોઈ દિવસ દુ:ખ વેઠ્યું નથી. કઠણાઈ જોયેલી જ નથી. આવી જેલ એક વરસ શી રીતે કાઢશે?’

ગાંધીજીએ હરિભાઈને આશ્વાસનનો કાગળ લખ્યો કે:

‘મહાદેવને સજા મળવાથી સારું જ થયું છે. એને આરામની જરૂર હતી.જેલમાં અત્યારે તો કષ્ટ છે, પણ મારી ખાતરી છે કે થોડા વખતમાં બધું સુધરી જશે. મહાદેવ તો જ્યાં જાય ત્યાં લોકોને પોતાના કરી લે એવા સ્વભાવના છે. મીઠાશથી અને વિનયશીલ વર્તનથી જેલનાં અયોગ્ય દુ:ખોનું એ નિવારણ કરી જ શકશે એની મને ખાતરી છે. એટલે ધીરજ ખોશો નહીં ને કશી ચિંતા કરશો નહીં.’

નૈની જેલમાંથી મહાદેવભાઈએ એક બીજો પત્ર ગેરકાયદેસર રીતે લખેલો, તેમાં કેટલાક કેદીઓની સ્થિતિ વર્ણવેલી તેણે ખૂબ ઊહાપોહ જગાવેલો. નીચે એના કેટલાક ભાગ આપ્યા છે:

‘તા. ૨૪મીની બપોરે નૈની જેલમાં લાવવામાં આવ્યો. સુપરિન્ટેન્ડેન્ટની સામે તુરત ઊભો કરવામાં આવતાં તેણે ગુસ્સાથી કહ્યું, “જુઓ, તમે અસહકારી હો કે ગમે તે હો, અહીં તો બીજા કેદીઓ જેવા કેદી છો, એટલે તમને બીજા કેદીની માફક રાખવામાં આવશે…”

‘…મેં તો અગાઉથી નિશ્ચય કર્યો હતો કે બેડીઓ વગેરે જે નાખવામાં આવે તે બધું આનંદથી સ્વીકારવું, કપડાં પણ કેદીનાં પહેરી લેવાં; એટલે મને કેદીનાં કપડાં આપવામાં આવ્યાં કે તુરત મેં પહેરી લીધાં. … પોશાકમાં એક સારી પેઠે પહોળાઈવાળો ચીંથરિયા બનેલો ‘કંબલકોટ’, એક મારા કરતાં બેવડા બાંધાના કેદીએ પહેરીફાડેલું અને કોહેલી મલિન દુર્ગંધ મારતું પહેરણ, તેટલો જ મેલો તંગિયો અને લંગોટ અને બિછાના માટે બે કામળા આપવામાં આવ્યા હતા. થોડીક મિનિટમાં તો મારે શરીરે ખજવાળ આવવા લાગી. બે ઠેકાણે તપાસીને જોતાં ખાસી મોટી જૂ મળી આવી. આ પહેરણમાં હતી કે કામળામાં તે કહેવું મુશ્કેલ હતું, પણ ટાઢ સારી પેઠે વાતી હોવાને લીધે મારે જૂ અને દુર્ગંધ એ બેમાંથી એકની પસંદગી કર્યે જ છૂટકો હતો. દુર્ગંધને ફેંકી, એટલે કોટનું ઓશીકું કર્યું, કુડતું અને તંગિયો દૂર મેલ્યાં અને કેવળ તંગિયાભેર કામળો ઓઢીને રાત વિતાડવાનો નિશ્ચય કર્યો. મેં માન્યું હતું કે હું થાકેલોપાકેલો જેલમાં જઈને તો ઘસઘસાટ ઊંઘીશ, પણ કામળામાંથી જૂઓએ ચટકા ભરવાનું ચાલુ રાખ્યું હતું.

‘…સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી દર પા પા કલાકે આકાશ ફાડે એવી ત્રાડ પાડીને અમો કેદીઓની ગણતરી કરવામાં આવતી હતી તેથી નિદ્રા તો શેની આવે! પણ ‘ભૂખે ભરડો ભાવે ને ઊંઘ ઉકરડે આવે’ એ યાદ કરીને આજે નહીં તો કાલે ઊંઘ આવશે એની મને ખાતરી હતી.

‘સાંજે તો મેં કંઈ ન ખાધું, કારણ કે ભૂખ નહોતી. ખાવાપીવાને માટે લોખંડનો એક મોટો વાટકો આપવામાં આવ્યો હતો. તેને સારી પેઠે અજવાળ્યા છતાં સવારે તો કાટથી લાલચોળ પાણીએ ભરેલો હતો. પાણી પીવાને માટે અને હાજતો માટે દિવસના ત્રણ વાર અમને બહાર કાઢવામાં આવતા. પાણીને માટે એક છોની ચણેલી કૂડી હતી, જેમાંથી અમારે સૌને વાટકા બોળીને પાણી લઈ લેવાનું હતું. … નાહવાને માટે એ જ કૂંડીમાંથી નીકળતી છોની ચણેલી એક લાંબી નાળ, તેમાં સૌને ભેગા બેસીને નાહવાનું. ખાવાનું સવારે ‘દળિયા’ (ઘઉં વાટીને તેની બનાવેલી રાબ), બપોરે ઘઉં-ચણાના લોટની રોટલી ને દાળ, સાંજે તેવી જ રોટલી ને શાક. આ ખોરાકને વિશે હું મારા ભાવ-અભાવની દૃષ્ટિએ તો શું કહું? બીજા કેદીઓ બરાબર ખાતા હતા એટલે તે unfit for human consumption (માણસને ખાવા સારુ અયોગ્ય ખોરાક)ની આપની વ્યાખ્યામાં ન આવી શકે.

‘…બે દિવસ ખુલ્લે શરીરે બેસી રહીને પહેરણ વગેરેને માટી નાખીને મેં ધોયાં હતાં એટલે દુર્ગંધ મટી હતી. …

‘…એ અરસામાં મને પોલિટિકલ કેદી ગણવાનો સરકારનો હુકમ આવ્યો છે એવી ખબર આપવામાં આવી. જ્યારે મારા ભાઈઓ સખત મજૂરી કરતા હતા ત્યારે મારે સખત મજૂરીનો લહાવો — સખત પજવણીમાંથી દિનપ્રતિદિન વધારે પવિત્ર અને તેજસ્વી બનવાનો લહાવો — મારી પાસેથી છીનવી લેવામાં આવ્યો! મને મારાં કપડાં — જે હું પહેરીને આવ્યો હતો, અને દેવદાસ અને દુર્ગા મને મળવા આવ્યાં તે દિવસે દુર્ગા મારાં જેલનાં કપડાં જોઈને ભડકી ન જાય તે ખાતર જે કપડાંમાં મને એક વાર શણગારવામાં આવ્યો હતો તે કપડાં — મને પાછાં આપવામાં આવ્યાં. પણ ગાંધીટોપી કંઈ અપાય? સુપરિન્ટેન્ડેન્ટે પૂછ્યું, “ગાંધીટોપી એટલે શું?” તે સમજાવી તો ન શક્યો, પણ કહ્યું કે, “તું પહેરે છે તેવી.” “તેવી ટોપી તને નહીં પહેરવા દેવામાં આવે. તેનો આકાર બદલ, નહીં તો મિ. શેરવાનીના જેવી ફેઝ તું પહેર.” હું હસ્યો. મેં કહ્યું, “ન તો આકાર બદલું કે ન ફેઝ પહેરું.” “તો ઉઘાડે માથે ફરવું પડશે.” મેં કહ્યું, “તૈયાર છું.” મારા મનમાં થયું કે આગ્રહપૂર્વક બધાં કપડાં પહેરવાની ના પાડું, પણ ત્યાં પણ હુકમ માનવાની આજ્ઞાને હું તાબે થયો.

‘…નવા કેદીને દસ દિવસ કામકાજ વિના પૂરી રાખવાનો શિરસ્તો, એટલે પેલા પ્રાંતિક સમિતિવાળા ભાઈઓ અને હું દિવસના કામ વિના પડ્યા પડ્યા એકાદી ચોપડી અમને આપવામાં આવેલી તે વાંચતા. દર સવારે જેલર અને સુપરિન્ટેન્ડેન્ટનાં કડવાં વેણ સુણતા. … બીજે દિવસે મેં સુપરિન્ટેન્ડેન્ટને કહ્યું: “અમને રેંટિયો આપો અથવા ઘેરથી મગાવી દ્યો!” એટલે તેણે જવાબ આપ્યો, “રેંટિયો તો સ્ત્રીઓને આપવામાં આવે છે. તમારા ઉપર અમને દસ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે. તમારી મહેનતમાંથી દસ રૂપિયા અમારે ઉત્પન્ન કરવા જ જોઈએ, તે તો ઘંટી દળવા જેવા કામમાંથી જ ઉત્પન્ન થાય.” મેં કહ્યું, “તમારામાં અક્કલ હોય તો અમારા કામમાંથી પાંચસો રૂપિયા પણ ઉત્પન્ન કરી શકો.” એટલે ચિડાઈને કહે, “શું તમારી પાસે આર્ટિકલ (લેખો) લખાવું?”

‘…પેલાઓની મુદત પૂરી થઈ એટલે તેમને ગળે લોખંડની હાંસડી, ગુનાની કલમવાળું લાકડાનું માદળિયું પહેરાવવામાં આવ્યું. પગમાં લોખંડનું કલ્લું તો પહેલેથી જ હતું…

‘…એક સત્તર-અઢાર વરસની ઉંમરનો કૈલાસનાથ નામનો કાનપુરના સુપ્રસિદ્ધ વકીલનો બાળક છે તે રાજદ્વારી કેદી છે, ધર્મનિષ્ઠ હોઈ સ્નાનસંધ્યા, ચંદનાદિનું લેપન કપાળે કર્યા પછી જ ખાનારો છે. એની ચંદનાદિની સામગ્રી તો જેલરે આવવા દીધી હતી, છતાં એક દિવસ ચંદન કરેલું જોયું એટલે હુકમ કર્યો: “કપાળ ઉપર આ શું કર્યું છે? ભૂસી નાખ.” પેલાએ ભૂસી તો નાખ્યું, પણ ખાધું પણ નહીં, એટલે પાછી જેલરની સવારી આવી. પેલાને ખાવાની ધમકી આપવામાં આવી પણ તેણે ન માન્યું એટલે તેને લાકડાના દંડાથી સખત માર મારવામાં આવ્યો, બૂટથી લાતો મારવામાં આવી… અને ગાળોનો વરસાદ વરસાવવામાં આવ્યો.

‘…પંદર મિત્રોમાંના એકને પકડવામાં આવ્યા. તેમના ઉપર દરોગો વરુની માફક તૂટી પડ્યો, તેને બીભત્સ ગાળો, લે, “ગાંધીજીની જે પોકારતો જા!” એ અવાજ સાથે લાઠી અને દંડાનો માર પડ્યો. દોઢ ઇંચના વ્યાસની દસ લાઠી પડી એટલે પેલા ભાઈનું વજ્ર જેવું શરીર પણ તૂટી પડ્યું. તેના ઉપર જમીન ઉપર પડીને પણ મુક્કી વગેરેનો માર મારવામાં આવ્યો…

‘…બીજા કેદીઓ ચિડાયેલા એટલે “ગાંધીજીની જય” પોકારતા રહ્યા એટલે તેમાંનાં અનેક (લગભગ પચાસ-સાઠ) જણને બેસુમાર માર મારવામાં આવ્યો. જાણે આટલી સજા સંપૂર્ણ ન હોય તેમ બીજે દિવસે સવારે સૌ કેદીઓને બહાર કાઢવામાં આવ્યા અને …જે બે કેદીઓ ઉપર શક હતો તેમના હાથ લાકડે બાંધી તેમના ઉપર નેતરના ફટકા પડ્યા. આ નેતરના ફટકા તો એટલા ત્રાસદાયક રીતે મારવામાં આવતા હતા કે ચીસો લગભગ બે-ત્રણ ફલાંગ દૂર મારી કોટડીમાં સંભળાતી હતી. થોડે ફટકે માણસ બેભાન થયો એટલે તેને આરામ આપી શુદ્ધિ આવતાં ફરી ફટકા પડ્યા. આમ બે જણને તેવીસ ફટકા પડ્યા. નોંધવા જેવી વાત એ છે કે ફટકા પડતા હતા ત્યારે દરેક ફટકે તેઓ “મહાત્મા ગાંધીજીની જય” પોકારતા હતા. જેમને મારવામાં આવ્યા તેમણે સૌએ સુપરિન્ટેન્ડેન્ટ, જેલર અને બીજા સૌના દેખતાં છતાં “જે” પોકારવાનું ચાલુ રાખેલું. આખરે પેલાને મારતાં ધરાયા ત્યારે જ બંધ રહેલા. આ પછી બીજા ત્રણ-ચારને નેતરથી નહીં પણ લાકડી-મુક્કાથી મારવામાં આવ્યા. એક જણને તો એટલો માર પડ્યો કે તેનાથી ઝાડા-પેશાબ પણ થઈ ગયા હતા!’

ઉપર વર્ણવેલા ભયંકર મારના પ્રસંગ પછી જેલર જ્યારે મળવા આવ્યો ત્યારે મહાદેવભાઈ કહે:

‘…આજે મારે માટે ઉપવાસ અને પ્રાર્થનાનો દિવસ છે… હું મારા બંધુઓ માટે પ્રાર્થના કરીશ, કેમ કે આરંભમાં તેમની ભૂલ (જેલના સામાન્ય નિયમપાલન અંગેની) થયેલી છે, પણ વધુ પ્રાર્થના તો તેને માટે કરીશ, જેમણે તેમને દ્વેષપૂર્વક માર્યા છે.’

મહાદેવભાઈ પ્રત્યેના હીણા વહેવારથી સંયુક્ત પ્રાંતમાં ખૂબ ઊહાપોહ થયો હતો. સર લલ્લુભાઈએ એ અંગે વાઇસરૉયને કાગળ લખ્યો, એને પરિણામે એમને ખાસ કેદી ગણી બધી સગવડો આપવામાં આવી. આશરે દસેક દિવસ મહાદેવભાઈને પેલી અમાનુષી હાડમારી વેઠવી પડી હશે.

થોડા દિવસ પછી મહાદેવભાઈની બદલી આગ્રા જેલમાં થઈ હતી. ત્યાં તેમને રાજનૈતિક કેદી તરીકે ગણવામાં આવ્યા એટલે પ્રમાણમાં ઠીક છૂટછાટ મળી.

મહાદેવભાઈને ગુજરાતીમાં પત્ર લખવાની છૂટ હતી, પરંતુ જેલ અધિકારીઓ એ ભાષા જાણતા નહોતા, જો તેઓ ગુજરાતીમાં પત્ર લખત તો તે છૂપી પોલીસને હવાલે થાત. ગાંધીજીને અંગ્રેજીમાં પત્ર લખતાં જીવ ચાલતો નહોતો. ઘણી માનસિક મથામણને અંતે તેમણે અંગ્રેજીમાં જ નીચે મુજબ પત્ર લખ્યો:

૯–૧–’૨૨
મારા પરમ પ્રિય અને અતિ આદરણીય બાપુજી,

મારા મન સાથે ખૂબ જ ઝઘડ્યા પછી, આપને લખવા જેટલી હિંમત કરું છું. આપને અંગ્રેજીમાં લખવું બહુ કઢંગું લાગતું હતું — આજે પણ લાગે છે. પણ છેવટે, અનેક અનિષ્ટોમાંથી જે ઓછામાં ઓછું અનિષ્ટ હોય તે મેં પસંદ કર્યું છે. એ સાચું છે કે ઉર્દૂમાં લખવાની મને છૂટ હતી; પણ ઉર્દૂ મને આવડતું નહોતું; હિંદીમાં લખવાની છૂટ હતી પણ જે માણસની નિર્ણયશક્તિ વિશે મને કોઈ અભિપ્રાય નથી તેમના હાથમાંથી પત્ર પસાર થાય એ તો મને ન ગમે; ગુજરાતીમાં લખવાની છૂટ હતી પણ એમ કરું તો પત્ર છૂપી પોલીસના હાથમાં જાય અને એ લોકો અઠવાડિયાંઓ સુધી આપને ન મોકલે. એટલે અંગ્રેજીમાં લખવું અને પત્ર સુપરિન્ટેન્ડેન્ટને સુપરત કરવો એ ઓછામાં ઓછું અનિષ્ટ હતું. આ અધિકારી હવે મને સમજે છે, અને એમને સુપરત કરવામાં મને કાંઈ વાંધો દેખાતો નથી. આટલા લાંબા ખુલાસા પછી પણ મને ડર તો છે જ કે આપને હું, અંગ્રેજીમાં લખું છું એ આપને જરાય ગમશે નહીં. પણ હું ઇચ્છું છું કે, આ હું કેટલું બધું મારી ઇચ્છાવિરુદ્ધ કરું છું એ હું આપને કહી શકું. આપ તો જાણો છો કે આપની હાજરીમાં, બીજાઓ સાથે પણ અંગ્રેજીમાં વાત કરતાં હું હંમેશ એક પ્રકારની મૂંઝવણ અનુભવું છું. એ મૂંઝવણ, આપને અંગ્રેજીમાં લખવું પડે છે ત્યારે ખાસ વધી જાય છે, પણ જે અનિવાર્ય છે તે આપ સહી લેશો એવી હું આશા રાખું છું. સરકાર એવું ઘણુંય કઢંગું કરવાની આપણને ફરજ પાડશે અને જ્યાં સુધી આપણને એમાં કાંઈ અનૈતિક જેવું ન લાગે ત્યાં સુધી એ કરીને આપણે સંતોષ માનીશું. આપણા દેશબાંધવોને, અરે આપણાં સગાંવહાલાંને પણ, અંગ્રેજીમાં લખવું એ, પરદેશી વસ્ત્રો ન પહેરવાનું વ્રત લીધા પછી એ પહેરવામાં ઘોર પાપ છે તેટલું ઘોર પાપ હોય એમ હું માનતો નથી. પણ મારે હવે આ લાંબી પ્રસ્તાવના બંધ કરવી જોઈએ.

હું અહીં મજામાં છું. હું ખરેખર એમ માનું છું કે મારું જેલ જવાનું વખતસર જ આવ્યું છે. આપ તો જાણો છો કે મને કેટલી દોડાદોડ હતી અને મને આરામની ખાસ આવશ્યકતા હતી. આરામ મને અહીં પુષ્કળ પ્રમાણમાં મળે છે. અહીં હરવાફરવા માટે પણ ખૂબ જગ્યા છે — કાંઈ નહીં તો એક છેડેથી બીજે છેડે જઈ મારા રોજના દસ માઈલ પૂરા કરવા જેટલી જગ્યા તો છે જ. ચોપડીઓ પણ પુષ્કળ છે; પણ તે ફક્ત ધાર્મિક જ. (રાજકારણ તો અલબત્ત, નિષિદ્ધ છે, પણ સુપરિન્ટેન્ડેન્ટને મારા રસ-વૈવિધ્યની ખબર નથી.) અહીં પુષ્કળ ખાવાનું અને ચોખ્ખી હવા મળે છે અને કોઈ લમણાફોડ નથી એટલે ઊંઘ પણ પુષ્કળ મળે છે. આમ એકધાર્યો સમય જતો હતો તેની મજામાં અણગમતા અનુભવોનો વિક્ષેપ નહોતો એમ નહીં, પણ હવે એ બધા વેઠી લેવા જેટલી તાકાત મારામાં આવી છે.

પણ અહીંના જીવનનો ખ્યાલ હું આપને આપી શકું નહીં. તેનાં ઘણાં કારણો છે. એક તો, સાચા ખયાલને સેન્સર કરવામાં આવે, વળી ગુજરાતીમાં હું જેટલું લખ્યે રાખું તેટલું એક પરદેશી ભાષામાં ન કરી શકું. મશ્કરો થવાના પ્રલોભનને હું ભાગ્યે જ રોકી શકું અને કોઈનેય સપાટામાં લીધા વિના અગર કોઈને ખોટું લગાડ્યા વિના મશ્કરી કરવાની કળા મેં હજી સિદ્ધ કરી નથી. અને દેવદાસ મને ત્રણ વખત મળી ગયા છે એટલે હું ધારું છું કે એમણે આપને મારા વિશે ઘણું લખ્યું હશે. એક અઠવાડિયા સુધી હું એક સામાન્ય કેદી હતો; કેદીના સામાન્ય વેશમાં હતો — મને ખાતરી છે દેવદાસે આપને એનું વર્ણન કર્યું હશે. પણ મારે માથે કેદીનું કાંઈ કામ નહોતું. ભારે કે હળવું કાંઈ કામ મારા ઉપર નાખવામાં આવ્યું નહોતું. બીજા અઠવાડિયે રાજકીય કેદીઓના વૉર્ડમાં મારી બદલી કરવામાં આવી અને મને મારી ચોપડીઓ, પથારી અને કપડાં આપવામાં આવ્યાં. અલબત્ત, એક અપવાદ હતો — ‘ગાંધીટોપી’નો. એ પહેરવા સામે સુપરિન્ટેન્ડેન્ટે વાંધો લીધો, કારણ કે ‘ગાંધીટોપી’ એટલે શું એની એની પાસે કોઈ વ્યાખ્યા નહોતી.

મને રોજના ૫૦૦ પરબીડિયાં બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કામ ખૂબ હળવું હતું. જોકે ગમે એવું જરાય નહોતું. પણ આ પણ લાંબો વખત ન ચાલ્યું. જ્યાં મને ખબર પડી કે એમ કરવાથી મને થોડોક વધુ ખોરાક મળશે ત્યાં તો મેં એ કંટાળાભરેલું કામ છોડી દીધું. વધુ ખોરાક મારા માટે વધુ પડતો હતો, કારણ, નક્કી કરેલા પ્રમાણમાં મને જે ખોરાક મળે છે તે મારા માટે પૂરતો છે. પણ બદલામાં, કાંતવા દેવાની મેં પરવાનગી માગી. જે દિવસે મને અહીં લાવવામાં આવ્યો તે જ દિવસે મેં એની માગણી કરી હતી પણ ‘એમાંથી પૂરતી કમાણી ન થઈ શકે’ એમ કહી એ નકારવામાં આવી. દરેક કેદી પાસે દસ રૂપિયા પેદા થાય એટલું કામ કરાવવાની અપેક્ષા હોય છે, કારણ, કેદી દીઠ જેલને એટલું ખરચ આવે છે. હું તો રાજદ્વારી કેદી રહ્યો એટલે ‘ઊંચા પ્રકારનું મોભાદાર’ કામ મને સોંપવામાં આવ્યું હતું. મેં મારી માગણી ફરીથી રજૂ કરી. આ વખતે કાંઈક સમજી શકાય એવા કારણે તે નામંજૂર કરવામાં આવી. કહે, ‘ચરખાનું રાજકીય મહત્ત્વ છે એ તો તમે જાણો જ છો.’

એટલે બધા દિવસો મારે કાંઈ કામ નહોતું. મને લાગે છે કે મેં એનો ઠીક ઠીક સદુપયોગ કર્યો છે. મેં ખૂબ વાંચ્યું છે, મેં ગ્લેવોરનું जिसस ऑफ हिस्टरी વાંચ્યું છે. એમાં મને ખૂબ રસ પડ્યો; અને એની દૃષ્ટિએ બાઇબલ પણ પૂરતા પ્રમાણમાં વાંચ્યું છે. તુલસીકૃત રામાયણ પણ મેં ગંભીરતાપૂર્વક વાંચવું શરૂ કર્યું છે અને મારા સવારસાંજના ફરવા ટાણે, કબીરનાં ભજનો અને ભગવદ્ગીતાના શ્લોકો ગોખવાથી મારી યાદશક્તિને કસવાનું શક્ય બને છે. આપ કલ્પના કરી શકશો કે હું નિયમિત પ્રાર્થના કરું છું. આપે નિશ્ચિત કરેલા સમયે સૂઈ જાઉં છું અને નાનક કહે છે તેવા ‘જ્યારે સ્વર્ગમાંથી અમૃત વરસે છે’ તેવા પવિત્ર સમયે હું ઊઠું છું. મને તદ્દન મનગમતું જીવન મળ્યું છે — નિયમસરનું પથ્ય, ખાનપાનનું, ધાર્મિક અધ્યયનનું અને ધ્યાનનું, અને છતાં અહીંના જીવનમાં, મારો ખોરાક મેળવવા માટે કરવો પડે એવો શારીરિક શ્રમ નથી — સિવાય કે હું મારાં કપડાં ધોઉં છું અને વાસણ માંજું છું. હાથે રાંધવા દેવાની મને છૂટ આપવામાં આવી નથી. મહાત્મા ગાંધી જેવા મહાન માણસ પાસેથી પણ રાંધણકળા માટે મને એક વખત પ્રમાણપત્ર મળ્યું હતું એટલે હું કેવો પાવરધો રસોઇયો છું એ સુપરિન્ટેન્ડેન્ટ જાણતા હોત તો કેવું સારું? અહીંના બધા જ રાજદ્વારી કેદીઓનો ખોરાક પકવવા માટે હું તદ્દન તૈયાર હતો. પણ ‘આગ ચાંપનારાઓને’ (incendiaries) અગ્નિ કેવી રીતે સોંપાય! જોકે ગોવિંદ અને કૃષ્ણકાંત જેઓ પેલે દિવસે આવ્યા તેમને જાતે રાંધી લેવાની છૂટ આપવામાં આવી છે. પણ એ તો એઓ રૂઢિચુસ્ત હિંદુઓ છે માટે. એટલે મારે તો મોજ છે અને કામ કાંઈ નથી. અને આને માટે કોઈને દોષ દેવા જેવું નથી. અમારે, ખાસ કરીને દુનિયાના બીજા બધામાં કેદીઓએ તો, કાલની શું ફિકર કરવી? અને મને ચરખો ન આપ્યો તે માટે મારે ફરિયાદ ન કરવી જોઈએ. જેલ અધિકારીઓને ખબર હતી કે હું બાઇબલ વાંચું છું અને હું ધારું છું, એ લોકો એવી આશા રાખતા હશે કે મારે તો ‘વગડાના પોયણાને નિહાળવાં, તે કેવાં ખીલે છે! નથી મહેનત કરતાં કે નથી એ કાંતતાં’ હું જરૂર એવી આશા રાખું છું કે એ સુખી ફૂલોની માફક હું પણ વિકાસ પામું છું.

પણ એમ લાગે છે કે આ આરામની રાહત અને શાંતિ મને વધુ ન મળે એવું કોઈ કાવતરું મારા નસીબે ઘડ્યું છે. મને અહીં ગોઠતું જતું હતું; મારી અને જેલ અધિકારીઓ વચ્ચે હું પૂરી સમજૂતી સાધી શક્યો હતો, એમ પણ કહેવાની હિંમત કરી શકું કે એમના તરફથી સહાનુભૂતિ અને આદર મેળવવાની શરૂઆત થઈ હતી. મારું દૃષ્ટિબિન્દુ અને મારા જીવનનો ક્રમ એમને સમજાવવાનો અને એની કદર કરાવવાનો પ્રયત્ન હું કરી રહ્યો હતો, પણ ત્યાં તો એકદમ વાદળમાંથી વજ્ર પડે છે! સુપરિન્ટેન્ડેન્ટે આજે સવારે અમને કહ્યું કે આવતી કાલે બધા જ રાજદ્વારી કેદીઓને — જેમાં મારો અને કૃષ્ણકાંત તથા ગોવિંદનો પણ સમાવેશ થાય છે તેમને — આગ્રાની જેલમાં મોકલી દેવાના છે, (અહીં કહી દઉં કે કૃષ્ણકાંત અને ગોવિંદની સજા ઘટાડીને છ માસની કરીને સરકારે એમને શરમિંદા બનાવ્યા છે.)૧૦ મેં આને ‘વજ્રનો ધડાકો’ કહ્યું છે. ત્યાં, અમારે માટે કેવું જીવન હશે એની મને ખબર નથી. મને કહેવામાં આવ્યું હતું કે બધા જ રાજદ્વારી કેદીઓને એક જ સ્થળે ભેગા કરવામાં આવે છે. મને લાગે છે એ હેતુ હશે કે અમને જેટલાં કાવતરાં રચવાં હોય તેટલાં પેટ ભરીને રચવા દેવાં, પણ આમ એમને છૂટા પાડીને, સામાન્ય કેદીઓને એઓ ન બગાડે એટલા દૂર તો રાખવા જ. સંસ્થાનોમાં,૧૧ આપણને છૂટા પાડવામાં થતી આપણી માનહાનિ અને શિક્ષા કરતાં આ છૂટા પાડવામાં મને એ [માનહાનિ અને શિક્ષા] જરાય ઓછી લાગતી નથી. આ કિસ્સાની, આ એક બાજુ છે, અને એ વધુ ઉચ્ચ કક્ષાની છે, ઐહિક બાજુ એ છે કે એ મારી અંગત સુખસગવડને સ્પર્શે છે. અહીં મારો બધો સમય મારા માટે ફાજલ હતો; એ, ત્યાં મળશે એવી આશા હું રાખતો નથી. અહીં દુર્ગા અને દેવદાસ મને અવારનવાર મળવા આવી શકતાં હતાં, હવે એ લોકો એમ કરી શકશે નહીં. દુર્ગાને એટલું આશ્વાસન હતું કે હું મળી શકું એટલા અંતરે છું, પણ હવે એટલો નજીક નહીં હોઉં.

પણ આવા વિચારો મનમાં આણીને હું પાપમાં પડું છું. આપણે અહીં લહેર કરવા આવ્યા નથી. આપણે સઘળાં દુ:ખો સહન કરવાનું માથે લીધું છે અને અહીં તો કાંઈ દુ:ખ નથી. (કેટલાક નસીબવંતાઓને એનો લાભ અહીં મળ્યો હતો અને તેથી એમનો ત્યાગ એટલા ઊંચા પ્રકારનો અને શુદ્ધ હતો.) મારા મનમાં એમ થઈ આવે છે કે લડતમાં હજી પણ વધુ સાચા અને ઉમદા ત્યાગની જરૂર છે. મારો ત્યાગ તો — જો એને ‘ત્યાગ’નું મોટું નામ આપી શકાય તો — બહુ સહેલો હતો. આ અંગે હું આપને કહી દઉં કે મારી ધરપકડ પછી આપને કરેલા તારમાં મેં પેલું વાક્ય બેદરકારીથી લખી કાઢ્યું તેનાથી મને બહુ દુ:ખ થયું છે અને મેં ઉજાગરા વેઠ્યા છે, ‘હું આશા રાખું છું, હવે હું આપને લાયક ઠર્યો’ એ શેખીખોર વાક્ય મારી છાતીમાં હજી સાલ્યા કરે છે. મને એમ નથી થતું કે આપે એ માફ કર્યું હોય. એ વાક્યમાં જ મારી બિનલાયકાતનો પુરાવો છે. તાર મેં ફરીથી વાંચ્યો હોત તો મને લાગે છે કે વધુમાં વધુ હું એટલું જ લખત કે, ‘માનું છું કે આપને લાયક બનવા તરફ હું ઠીક ઠીક વધ્યો છું.’ એ બાલિશ શેખીની યાદ કેમ કરીને ભૂંસાય? પણ મને ખબર છે કે એ ન બની શકે. ઉમર ખયામે કહ્યું છે કે, ‘હાથની આંગળી લખે છે, અને એક વખત લખ્યા પછી એ લખતી જ રહે છે. તારી બધી ધાર્મિકતામાં, ઇચ્છામાં અને તારાં બધાં અશ્રુમાં એમાંની એક લીટીને રદ કરવાની કે એક શબ્દ ભૂંસવાની શક્તિ નથી.’ આપને લાયક થવા માટે મારે ઘણા જન્મો નહીં તો છેવટે ઘણાં વર્ષો વિતાવવાં પડશે. તોયે હું એટલો તો આશાવાદી છું કે મને લાગે છે કે હું ઠીક ઠીક આગળ વધું છું. એની ક્રિયા શરૂ થઈ ગઈ છે. મેલું સાફ કરવાની જે શરૂઆત આપે કરી હતી તે મેં ચાલુ રાખી છે. રોજ મને એવું લાગે છે તે હું પ્રગતિ — ભલે થોડી પણ — કરી રહ્યો છું. પ્રેમભાવની મારી શક્તિમાં હું રોજ કાંઈક ઉમેરો કરી રહ્યો છું. મને આશા છે કે મારા ધાર્મિક શિક્ષણમાં રહેલી ક્ષતિઓ(નું ભાન) જે ચાલુ રહેશે તો વિકાસની આ પ્રક્રિયામાં એનાથી ઘણી મદદ થશે.

કૃપા કરીને આપ સરલાદેવીને કહેશો કે હવે, હું એમનો ભાઈ થાઉં એવો ભાવ એટલો બધો અનુભવું છું કે, એમની સમક્ષ હું એક વિનંતી કરી શકું — બ્રાઉનિંગની કૃતિઓનો એમની પાસે જે સરસ સેટ છે તે જો એમને કાંઈ મુશ્કેલી ન હોય તો થોડા વખત માટે આગ્રાની ડિસ્ટ્રિક્ટ જેલના સુપરિન્ટેન્ડેન્ટના સરનામે મોકલે. આપને પણ વિનંતી કરું છું કે फ्रॉम अॅन अननॉन डिसाइपल નામનું પુસ્તક જે આપ આપની પાસે રાખો છો તે, અને પ્રોફેસર મેકેન્ઝીએ लाइफ ऑफ सेंट फ्रांसिस નામનું જે પુસ્તક આપને ભેટ આપ્યું હતું તે, મને મોકલી આપો. હું આશા રાખું છું કે આગ્રામાં પણ મને ચોપડીઓ વધુ પ્રમાણમાં રાખવા દેવામાં આવશે. આજકાલ તો મારા દિવસો ભક્તચરિત્રો વાંચવામાં જાય છે અને બની શકે એટલા પ્રમાણમાં બાઇબલ, ભક્તો (અલબત્ત, ખિસ્તી ભક્તો સુધ્ધાં) રામાયણ અને મહાભારત (અલબત્ત, ભગવદ્ગીતા સુધ્ધાં) વિશેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું મને ગમશે. મારી પાસે કેટલુંક ધર્મેતર સાહિત્ય તો છે જ પણ સાચું પૂછો તો એનું સ્થાન ગૌણ છે. ભજનો અને શ્લોકો મોઢે કરવા એ એક મહાન બાબત છે જ. એથી એ મહાન યુગોનું સમરણ થાય છે કે જેમાં આપણાં સ્ત્રીપુરુષો જીવતાં હતાં અને (ખરાં) સ્ત્રીપુરુષો તરીકે જીવન ગાળતાં હતાં અને તેમની સ્મૃતિઓના અભેદ્ય દુર્ગોમાં ધાર્મિક અને તાત્ત્વિક જ્ઞાનના ખજાના ધારણ કરતાં હતાં. આ વખતે વિનોબા અને એમના જુવાનિયાનું જૂથ મને યાદ આવે છે, અને મને થાય છે કે મને પણ એવા વાતાવરણમાં ઊછરવાનો અને મોટા થવાનો લાભ મળ્યો હોત તો કેવું સારું? આવા આવા યાદ કરેલા ખજાના જો અમને એકાંતવાસમાં ગોંધવામાં આવે તો કેટલા મદદગાર થઈ પડે એ આપને કહેવાની જરૂર નથી.

પણ મારે હવે આ બંધ કરવું જોઈએ. આવી ઢંગધડા વિનાની વાતો વાંચવામાંથી સુપરિન્ટેન્ડેન્ટને મારે બચાવવા જોઈએ. અત્યારે પણ એ માને છે કે અમે એકલા નહીં, બધા જ રાજદ્વારી કેદીઓ, એમને બહુ પજવીએ છીએ, અને અમારી જેલ-બદલીના સમાચારથી એમને કેટલો આનંદ થયો હશે એનો ખ્યાલ હું કરી શકું છું. એના પરિણામે એમના માથેથી મોટો બોજો જરૂર ઊતરશે. અને એ આનંદદાયક બનાવથી રાજી રાજી થઈને એમણે મને એકીસાથે બે કાગળો લખવાની પરવાનગી આપવાનું ઔદાર્ય દાખવ્યું છે. શિસ્તમાં છૂટ મૂકવાનું પહેલી અને છેલ્લી વખતનું પગલું લેતાં એમને વાંધો નહીં લાગે.

અને હું તો ઇચ્છું છું કે એકલા જેલ અધિકારીઓના જ નહીં પણ ગજા ઉપરાંતનું કામ કરનાર આખી સરકારના માથેથી ચિંતાનો બોજો આપણે ઘટાડીએ. અહીંના કલેક્ટર મિ. નોક્સ, જેઓ મને ઓળખે છે તેઓ, પેલે દિવસ મુલાકાતે આવ્યા હતા ત્યારે એમણે આશા દર્શાવી, અને મેં પણ એમ જ પ્રત્યુત્તર વાળ્યો કે અમે ટૂંક સમયમાં મિત્રો તરીકે મળીશું. મેં જ્યારે એવી આશાનો પ્રત્યુત્તર વાળ્યો ત્યારે એમણે કહ્યું, ‘એ બધું તમારા ઉપર આધાર રાખે છે.’ મેં કહ્યું, ‘હું તો એક કેદી છું. એનો મારા ઉપર આધાર હોઈ શકે નહીં.’ એમણે હસતાં હસતાં કહ્યું, ‘વારુ, એનો મિ. ગાંધી ઉપર આધાર રાખે છે.’ અને એનો હું જે જવાબ આપત તે સાંભળવા ઊભા ન રહ્યા. (હું કહેત) ‘ગાંધી કહે છે કે બધું સરકારના ઉપર આધાર રાખે છે, સરકાર કહે છે કે બધું ગાંધી ઉપર આધાર રાખે છે. આનો નિવેડો કોણ લાવે?’

પણ હું વળી પાછો વાતે ચડ્યો. આગ્રામાં શું સ્થિતિ હશે એનો મને ખ્યાલ નથી પણ હું આશા રાખું છું કે એ ઠીક ઠીક પ્રમાણમાં ગમે તેવી હશે. મારું જીવન સમગ્રપણે ઠીક ઠીક પ્રમાણમાં આનંદમાં ગયું છે. રાજદ્વારી કેદીઓ માટે તાજમહાલને જેલમાં ન ફેરવી શકાય? પણ વધુ, હવે હું આપને લખું ત્યારે. હાલ તો:

આપના મહાદેવના ઊંડા ભાવભર્યા પ્રણામ૧૨

હવે તો લાગે છે કે હું તો જેટલું ગુજરાતીમાં લખવું હોય તેટલું લખી શકું એમ છું — કારણ, આ કાગળ નાખનાર આદમી મળી ગયો છે. ઉપરના કાગળની નકલ તો એટલા માટે રાખેલી કે તમને મારો કાગળ જેલમાંથી ન મોકલવામાં આવે તો નકલ ક્યાંકથી બીડી દેવી.૧૩ અને આપ કહી શકો કે આવો કાગળ પણ ન મોકલવો. અહીંના સુપરિન્ટેન્ડેન્ટ તો અસહકારીઓ એટલે તેમના દુશ્મન એટલું સમજે છે. કેવળ વિનોદથી એને ઠીક કર્યો છે અને હવે તો એનું વર્તન મારા તરફ તો બહુ જ સરસ કહેવાય. જો મને ગાડીમાંથી લખવાની તક મળે તો એક સુંદર કાગળ ગુજરાતીમાં લખીને મોકલીશ. અહીં તો એક અક્ષર વધારે લખવાનો વખત નથી રહ્યો.

આપનો એક કાગળ તો જોઈએ. પંદર દિવસ થયા આપનો એક કાગળ જોવાનો નથી મળ્યો.

લિ. સેવક,
મહાદેવના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ.૧૪

આ પત્ર લખાયો એને બીજે જ દિવસે નૈનીથી આગ્રા જતાં ટ્રેનમાં મહાદેવભાઈએ ગાંધીજીને બીજો પત્ર લખ્યો, જેમાં જેલમાં કેદીઓ પર ગુજારવામાં આવેલા અત્યાચારોનું તાદૃશ વર્ણન હતું. એમાંથી કેટલાક અગત્યના ભાગ આ રહ્યા:

ઈટાવાની નજીક,
આગ્રા જતાં: તા. ૧૦મીની સવારે

અંધારી, અજવાળા વિનાની કોટડીમાં અકળાઈ-ગૂંગળાઈ રહેલો આદમી ખુલ્લી હવામાં આવીને જે લાગણી અનુભવે તે લાગણી હું અનુભવી રહ્યો છું. આપને લગભગ દરરોજ કાગળ લખનારો, અને એમ કરીને મનની અનેક મૂંઝવણ ભાંગનારો હું, આપને લખવા માટે કેટલો તલપી રહ્યો હોઈશ તેની કલ્પના આપને આવી શકશે. પંદર દિવસમાં એક કાગળ લખવાની રજા, તેયે અંગ્રેજીમાં લખવાની, અને તેયે સુપરિન્ટેન્ડેન્ટની મારફત મોકલવાની શરતે એટલે અંધારી કોટડીમાં જે બનતું હતું તે આપને લખવાની તો આશા જ શેની કરવાની? પણ કાલે રાત્રે અમારો છુટકારો થયો — છુટકારો આગ્રા પહોંચીએ ત્યાં સુધી તો ખરો જ — અને આજે સવારે અમે આગ્રાને રસ્તે છીએ.

રાત્રે અમને ૩૯ જણાને ત્રણ હાથ પહોળી અને પાંચ હાથ લાંબી, અંદરથી સળિયાઓથી બંધ કરેલી ચાર કોટડીવાળી કેદગાડી — ‘પ્રિઝન વાન’માં પૂરીને નૈનીથી હંકારવામાં આવ્યા. એ ચાર કોટડીઓને અંદરથી સળિયાઓ વડે સુરક્ષિત કરવામાં આવી હતી. એટલું કેમ જાણે બસ ન હોય તેમ તેને વધુ સુરક્ષિત બનાવવા માટે ‘પ્રિઝન વાન’ને બારીબારણાં કશું રાખવામાં નહોતું આવ્યું. માત્ર હવા આવવાને માટે ગાડીની બાજુમાં એક ઇંચ પહોળાં તિરકસ બાકાંઓ રાખવામાં આવેલાં હતાં. જે સાર્જન્ટ અમને લઈ જઈ રહ્યો છે તેને મેં કહ્યું: ‘મોપલાકાંડ તો ફરી કરવો નથી ને?’૧૫ એણે બિચારાએ ભોળપણથી જવાબ આપ્યો, ‘ઉનાળો નથી એટલે કશો ભય નથી. ઉનાળો હોત તો આ અસહ્ય થાત.’ અમારી ચાર કોટડી ઉપરાંત એ જ ગાડીમાં એક પાંચમી કોટડી હતી. તે બારીબારણાંવાળી સામાન્ય ત્રીજા વર્ગના ડબ્બા જેવી હતી. તેમાં આપણા પોલીસબંધુઓ હતા. અમને ગૂંગળાવેલા રાખવા માટે તેમને હવા-અજવાળાની પૂરતી મોકળાશ મળવી જોઈએ ના?

દેવદાસ-દુર્ગા અલાહાબાદ સ્ટેશન ઉપર મળવા આવ્યાં હતાં. એઓ અમને જોઈ તો શેનાં શકે? પણ હું જ્યાં હતો ત્યાં દેવદાસ-દુર્ગા બહારની બાજુએ આવીને ઊભાં, અને અમે ધરાઈને વાતો કરી શક્યાં. જે કાળાં કૃત્યોની ખબર હું જેલમાંથી દેવદાસને નહોતો આપી શક્યો, તે અંધારી પ્રિઝન વાનમાંથી આપી શક્યો, કારણ, જે પોલીસ અમારી સાથે આવી રહ્યા છે તે જેલરનું કામ નથી કરતા. એટલે આ કાગળ આપને મળશે તે પહેલાં દેવદાસના इन्डिपेन्डन्टમાં તો આમાંની ઘણીક હકીકત આવી ગઈ હશે.

ભાગ્યે જ એકબે વાગ્યે અમારી આંખ મળવા પામી હશે, ત્યાં તો સવારે ચાર વાગ્યે અમને કાનપુર જગાડવામાં આવ્યા. સાર્જન્ટે કહ્યું, ‘દેસાઈ, ગોવિંદ અને કૃષ્ણકાંત માલવિયા, શાહસાહેબ અને બીજા બે જણ અહીંથી ચાલો, બીજે ઠેકાણે તમને બેસાડીએ એટલે અહીં જગ્યા થાય.’ અમને સાત જણને કેમ વીણી કાઢવામાં આવ્યા છે તે હું ન સમજ્યો, પણ મને એમાં segregation — અળગા કરવા — જેવું લાગ્યું, એટલે મેં કહ્યું કે, ‘અમારામાંથી ગમે તે સાત આવીએ; તમે કહો છો તે સાત ન આવીએ.’ એટલે સાર્જન્ટે કહ્યું કે, ‘હું કહું છું એણે જ આવવું પડશે. હું જેને ઓળખું તેને જ હું વિશ્વાસપૂર્વક સામાન્ય ડબામાં બેસાડી શકું. તમારે નીકળવું જ પડશે.’ ‘પોલિટિકલ કેદીઓ’ એટલે અમારાં કપડાં અમે પહેરેલાં હતાં. અમે ત્રણચાર જણ સિવાય બીજા બધા તો જેલનાં કપડાં, ગળામાં લોખંડની હાંસડીઓ અને પગમાં લોખંડનાં કડાં સાથે હતા. એટલે અમારી શરમનો પાર નહોતો. ત્યાં વળી અમોને ‘વધારે વિશ્વાસપાત્ર’ ગણવાનું રહી ગયેલું અપમાન આપવામાં આવ્યું. અમારા સાતમાં ત્રણ સામાન્ય કેદીઓ પણ છે એમ મેં જાણ્યું, અને અજવાળામાં આપને કાગળ લખવાની તક તો મળશે — જે બીજે ક્યાંય ન મળે — એમ નિશ્ચય કરી લીધો ત્યારે અમે નીકળ્યા. આ એક સામાન્ય થર્ડ ક્લાસના ડબામાં બેસીને લખી રહ્યો છું. અમારા સાત જણ ઉપર સાત સિપાહીઓ તો બેઠા જ છે!

પણ હવે આને વધારે નહીં લંબાવું, કારણ, રાત થોડી ને વેશ ઘણા છે. જેલના બધા કાનૂનો માન્ય રાખવા જોઈએ એ આપના કાનૂનથી અમને મૂંઝવણ પડી છે તેનો આપને શી રીતે ખ્યાલ આપું? જ્યાં દરરોજ નવા નવા અનુભવોથી દહાડો આથમે, વિધવિધ પજવણીઓ થયાં જ કરતી હોય, ત્યાં શું માનવું અને શું ન માનવું એનો પ્રશ્ન ઘડીએ ઘડીએ ઊભો થયા જ કરે. એટલે કાનૂનો માન્ય રાખવાના આગ્રહને લીધે મેં દરેક પ્રસંગે યોગ્ય વર્તન જ કર્યું છે કે કેમ એ વિશે મને શંકા રહે છે.’૧૬

મુદત પૂરી થઈ, એટલે અમને ગળે લોખંડની હાંસડી — ગુનાની કલમવાળું અને સજાની મુદતની તારીખ બતાવનારું લાકડાનું માદળિયું — પહેરાવવામાં આવ્યું. પગમાં લોખંડનું કલ્લું તો પહેલેથી જ હતું. તે દિવસે એમનાં જૂવાળાં કપડાં ગયાં, અને નવાં કપડાં મળ્યાં. મારાં કપડાં તો તેનાં તે જ રહ્યાં હતાં. પણ બે દિવસ ખુલ્લે શરીરે બેસી રહીને પહેરણ વગેરેને માટી નાખીને મેં ધોયાં હતાં એટલે દુર્ગંધ મટી હતી, અને મારા મિત્રોએ એકબે દિવસ ભેગા મળીને મારા કામળાઓમાંથી તડકે બેસીને જૂઓ વીણી કાઢી હતી.

પણ પેલાઓ ગયા એટલે હું એકલો પડ્યો. જોકે બીજા ધાડપાડુ વગેરે કેદીઓની મારી સાથે ઘાડી મૈત્રી થવા લાગી. એક સાત વર્ષની સજાવાળો ડોસો મારી પાસે સાંજે ઓરડીની બહાર આવીને બેસતો. હું રામાયણ વાંચતો અને તે વિવેચન કરતો. તેની સમજ અને જ્ઞાનનો પાર ન હતો. રામાયણ તો એને મોઢે હતું! પછી તો ભજનો પણ ચાલવા લાગ્યાં, અને મારી કોટડી આસપાસ ઘણા કેદીઓ બેસવા લાગ્યા. અહીં કેદીઓના બે સુંદર વિભાગ પાડવામાં આવે છે, ‘હિંદુસ્તાનના કેદીઓ’ (એટલે સામાન્ય ગુનેગારો) અને ‘સરકારના કેદીઓ’ એટલે અમારા જેવા. સરકારના કેદીઓને તો બિચારા બીજા ગુનેગારો, ભારે પૂજનારા, એટલે સેવા કરનારા.

જ્યારે મારી મૈત્રી આમ ઘાડી થતી જતી હતી ત્યારે પેલા ભાઈબંધોને સખત મજૂરી અપાયાના ખબર મને મળી ગયા હતા. અગિયાર જણને દરરોજ પોણોમણ દળવાનું સોંપવામાં આવ્યું હતું. અને ડેપ્યુટી જેલરે ‘કન્વિક્ટ વૉર્ડર’ને હુકમ આપ્યો હતો કે એ લોકોને જેટલા પજવાય તેટલા પજવો, કે જેથી તેઓ કંટાળીને માફી માગે! આમાંથી એકબે જણ તો બિચારા બે દિવસમાં માંદા પડ્યા. બધાને ફોલ્લા તો હથેળીમાં પડ્યા જ હતા પણ ત્રણચાર દિવસમાં સૌ સત્તર-અઢાર શેર સુધી પહોંચ્યા હતા. એ અરસામાં મને ‘પોલિટિકલ કેદી’ ગણવાના સરકારના હુકમ આવ્યા છે, એવી ખબર મને આપવામાં આવી. હું દિલગીર થયો. જ્યારે મારા ભાઈઓ સખત મજૂરી કરતા હતા ત્યારે (મારે) — સખત પજવણીમાંથી દિનપ્રતિદિન વધારે પવિત્ર અને તેજસ્વી બનવાનો લહાવો — મારી પાસેથી છીનવી લેવામાં આવ્યો!૧૭

આખો પત્ર ૧૫–૧–’૨૨ના नवजीवनના અંકમાં છાપતા પહેલાં ગાંધીજીએ નીચેની નોંધ લખી:

શ્રી મહાદેવભાઈ દેસાઈનો કાગળ મથાળું ને સહી છોડી અક્ષરશ: છાપું છું. એ કાગળ જેલના કાયદાથી વિરુદ્ધ મોકલાયેલો ગણું છું. દક્ષિણ આફ્રિકામાં આવા કાગળોનો પણ ઉપયોગ કરવાની મેં ના પાડેલી; પણ અહીં જોઉં છું કે મહાદેવ દેસાઈએ કરેલા નિર્દોષ કાનૂનભંગને ક્ષંતવ્ય ગણવો જોઈએ. જેલમાં ચાલતી ડાયરશાહી વખતસર ઉઘાડી પાડવાનો બીજો ઇલાજ જ નથી. એ ભંગને સારુ જો દુ:ખ ભોગવવું પડે તો મહાદેવને જ પડે એમ છે. ભલે એને પણ લક્ષ્મીનારાયણની જેમ નેતરની સોટીની સોળો વાંસામાં ઊઠે. એવું જોખમ ખેડીને પણ મહાદેવે લખવું જોઈતું જ હતું. જો સરકાર કેદીઓને જરા પણ છૂટ આપવા ઇચ્છતી હોય તો તેનો આ કાગળમાં થયો છે તેવો સદુપયોગ તેઓ જરૂર કરે. આ કાગળમાં આપેલી બિનાઓ વિશે હું આ વખત વધારે લખવા ઇચ્છતો નથી. તો હિંદુસ્તાનની ધીરજ અને શાંતિ જોઈ સાનંદાશ્ચર્યના સમુદ્રમાં નાહી રહ્યો છું. આટલી આત્મશુદ્ધિની મેં આશા નહોતી રાખી. કેદીઓએ જયઘોષ પોકાર્યા તે પણ ઉદ્ધતાઈથી નહીં પણ તે તો તેમનો હક છે એમ માનીને. અને જ્યારે મહાદેવે લક્ષ્મીનારાયણનું ધ્યાન એ ગફલત તરફ ખેંચ્યું ત્યારે તેણે કેટલી સરળતાથી તત્ક્ષણ ભૂલ કબૂલ કરી! ખરેખર ઈશ્વરનો હાથ જ આ લડતમાં છે.’૧૮

મહાદેવભાઈએ પ્રથમ કારાવાસના તેર માસને સત્યાગ્રહી તરીકે પોતાની સાધના માટેનું સ્થળ બનાવી દીધું. સત્યાગ્રહી અન્યાયી કાયદો તોડે છે, પણ એમ કરતાં જે કાંઈ કષ્ટ આવે તે સહર્ષ સાંખવા તૈયાર રહે છે. એ કષ્ટ આપવામાં હાથો બનનાર અન્યાયી વ્યવસ્થાનાં કરણ-ઉપકરણ પ્રત્યે તે દ્વેષ, ક્રોધ કે વૈરભાવ રાખતો નથી. બલકે તે તેમને વિશે કાંઈક દયાભાવ ને ઝાઝો પ્રેમભાવ રાખે છે કે જેથી તેમને પણ વ્યવસ્થામાં નિહિત અન્યાયનું ભાન કરાવી શકાય. એ વ્યવસ્થાના સામાન્ય નિયમોનું એ કાળજીપૂર્વક પાલન કરે છે. માત્ર એ નિયમો અન્યાયપૂર્ણ કે દમનકારી અથવા અમાનુષી હોય તો તેનો છડેચોક ભંગ કરી પોતાને માથે ફટકારાય તે સજા ભોગવી લેવા તૈયાર હોય છે. સાથી કેદીઓ — રાજનૈતિક કે ગુનાહિત કેદીઓ જોડેનો એમનો વહેવાર પ્રેમ અને સંપભર્યો હોય છે. જેલને પરસ્પરના માનવીય સંબંધો — જેલ અધિકારીઓ સાથેના — પણ વિધાયક દિશામાં વાળવાની પ્રયોગશાળા ગણે છે. અને સૌથી વધુ તો તે જેલવાસને પોતાની શુદ્ધિની સાધના કરવાની એક તક સમજે છે. તેથી એ દિવસનો સમય જરાય એળે જવા દેતો નથી, પોતાના દરેક કૃત્યને સત્ય-અહિંસાની કસોટીએ કસતો રહે છે અને અહર્નિશ પોતાની જાતને ઘસી ઘસીને ઊજળી કરે છે. મહાદેવભાઈએ ઉપર વર્ણવેલી દરેક બાબતમાં પ્રયત્ન કરવામાં કશી કચાશ ન રાખી. ઉપરાંત પોતાના ‘व्यसनम् श्रुतौ’ના૧૯ સ્વભાવ મુજબ એમણે જેલના કામકાજમાંથી પરવારીને બાકીનો સમય અનેક વિષયોના અધ્યયનમાં ગાળ્યો — અલબત્ત, જેલમાં જેટલાં અને જેવાં પુસ્તકો ઉપલબ્ધ થાય તેટલાં અને તેવાં પુસ્તકોની મદદથી.

જેલવાસનો આરંભ આકરા તપથી થયો હતો તે આપણે જોઈ ગયા. ગેરકાયદેસર રીતે લખાયેલ પત્રને ૫–૧–૨૨ના यंग इन्डियाમાં યથાતથ છાપ્યા પછી નોંધમાં ગાંધીજીએ લખ્યું, ‘લॅટિમરે જ્યારે પોતાનો હાથ ગૌરવભેર સીધેસીધાં આગમાં ઝીંકી દીધો ત્યારે તેણે એનું કષ્ટ કદાપિ નહીં અનુભવ્યું હોય.’ લॅટિમર ઇંગ્લંડનો એક સુધારક પ્રૉટેસ્ટંટ હતો. સનાતની વિચારના લોકોએ એને થાંભલા સાથે બાંધીને જીવતો સળગાવી દીધો હતો. આ ઉલ્લેખ વિશે મહાદેવભાઈએ ગાંધીજીને શિકોહાબાદથી એક પત્રમાં (પ્રવાસ દરમિયાન) લખ્યું, ‘લૅટિમરનો દાખલો ટાંકીને મારે વિશે પ્રગટ કરેલી આપની શુભેચ્છા મને કાલે પ્યારેલાલે (પોલીસવાનના) પેલા ઍરહોલ્સમાંથી કહી. લેટિમરના જેવી તાવણીમાંથી તવાવાની તક મને પ્રભુ આપે એવા આશીર્વાદ આપો.’ સત્યાગ્રહી આશીર્વાદ માગે છે તો વધુ તવાઈને પાવન થવાનો.

બીજા કોઈને લખેલ પત્રમાંથી ‘બાપુના આશીર્વાદ’ એટલાથી મહાદેવ પરમ સંતોષ અનુભવે છે. પણ સદ્ભાગ્યે આગ્રાની જેલમાંથી પત્રો લખવા તથા મેળવવાની વધુ છૂટ મળી ગઈ હતી. જાન્યુઆરી ૧૯૨૨માં જ મહાદેવભાઈએ લખેલ પત્ર ગાંધીજીએ ૨૯–૧–’૨૨ના नवजीवनના અંકમાં છાપ્યો:

અમે અહીં શાંતિ અને આરામ ભોગવી રહ્યા છીએ. મેં આપને છેલ્લો પત્ર લખ્યો ત્યાર પછી સ્થિતિ સુધરી છે. શાંતિ અને વ્યવસ્થા બધે પથરાઈ રહી છે.

અબઘડી એક બૅરેકમાં મથુરાના સ્વયંસેવકો હવન કરી રહ્યા છે. અને વેદમંત્રોના ઉચ્ચાર મારા કાને અથડાઈ રહ્યા છે. સવારે મેં શરૂ કરેલી પ્રાર્થનામાં હવે મંડળ વધવા લાગ્યું છે, જોસેફ પણ અંદર ભળવા મંડ્યા છે. આશ્રમની પ્રાર્થના ઉપરાંત ‘વૈષ્ણવ જન’ અથવા ‘तू दयाळ दीन हौं’ ગવાયા પછી કોઈક દેશગીત ગવાય છે. આજથી તો જોસેફे આવવું શરૂ કર્યું છે એટલે બાઇબલમાંથી તેઓ કાંઈક વાંચે છે, અને એકાદ હિમ (સ્તોત્ર) બોલે છે અને બોલાવે છે. ‘વૈષ્ણવ જન’ સૌને બહુ જ પસંદ પડ્યું, અને સૌ કોઈને કંઠે થઈ જશે.’

પોતાનો દૈનિક ક્રમ વર્ણવતાં મહાદેવભાઈ લખે છે: ‘પ્રાત:કાળે હું રામનરેશ ત્રિપાઠી૨૦ની સાથે રામાયણ નિયમિત વાંચું છું. ત્યાર પછી ભગવદ્ગીતા.’ સાથીઓ વિશે તેઓ કહે છે, ‘જોસેફ દિવસના તો બહુ કામમાં ગૂંથાયા નથી રહેતા, પણ રાત્રે અર્થશાસ્ત્રનો ખાસ અભ્યાસ કરે છે. સ્વરાજમાં અર્થમંત્રી બનવાની તેઓ સહેજે ખ્વાહેશ રાખી શકે.’ જામિયા મિલિયા ઇસ્લામિયાના આચાર્ય ખ્વાજા અબદુલ મજીદ પણ એ જ જેલમાં હતા. તેમને વિશે મહાદેવભાઈ લખે છે, ‘ખ્વાજાએ તો અહીં ઘર વસાવ્યું છે. એમના આનંદી સ્વભાવથી હું મુગ્ધ થયો છું. એમના સ્વદેશી ધર્મના પાલનથી તો આપ પણ ચકિત થાઓ. બ્રેડ તો અલીગઢની જ હોય, માખણ તો અલીગઢનું જ, ખાદી તો ઘરની કાંતેલી અને ઘરની વણેલી, શાહી તો ખ્વાજા બ્રધર્સ અલીગઢવાળાની જ, ચૂલો સુધ્ધાં મિસિસ ખ્વાજાએ શોધેલી પૅટર્નનો અલીગઢના લુહારે બનાવેલો, અને રેંટિયો તો અલીગઢનો બનાવેલો હોય જ! એમના અક્ષર તો તાજમહાલની ઉપર જે અરબી હરફમાં કોતરકામ છે તેની સફાઈ અને રમણીયતાની યાદ આપે છે. અનેક રંગોથી શણગારેલા તે નયનમોહક અક્ષરે કુરાનમાંથી ઉત્તમ ઉદ્ગારો કાઢીને નાના કાર્ડબોર્ડ પર લખી તે વડે પોતાની બૅરેકની દીવાલો તેમણે શણગારેલી છે. એક નાનકડા સરખા ખૂણામાં ગાદી કરીને એકબે તકિયા ગોઠવી ઘરની મસ્જિદ એમણે જેલમાં ઉત્પન્ન કરી છે. અગરબત્તીથી કદી કદી ધૂપ કરતાં પણ ચૂકતા નથી. અને પોતે ભારે કલારસિક હોઈ, અને વાયવ્ય (સંયુક્ત પ્રાન્તોની વાયવ્ય દિશા) પ્રાંતમાં કવિઓની ખોટ ન હોવાને લીધે કેટલીક વાર કાવ્યનું એકાદ ચરણ ઉત્પન્ન કરી, બીજાઓને પાદપૂર્તિ કરવા નોતરે છે. આ મુશાયરા કહેવાય છે. અને ખ્વાજાસાહેબના મુશાયરામાં કેવળ મુસલમાન ભાઈઓ જ નહીં પણ પં. કૃષ્ણકાંત માલવિયા અને રામનરેશ ત્રિપાઠી જેવા હિંદુ કાવ્યરસિકો પણ ભળે છે.’

પછી મહાદેવભાઈ પં. મદનમોહન માલવિયાજીના પુત્ર તરફ વળે છે: ‘કૃષ્ણકાંતજીને પાનનું વ્યસન ભારે છે. જેલમાં જતાં પહેલાં કોઈએ કહેલું કે પાન જેલમાં નહીં મળે તો શું કરશો? તેમણે કહેલું કે જેલ જ કદાચ એ વ્યસન ભુલાવશે. પણ દુ:ખની વાત એ છે કે જેલે એમનું એ વ્યસન નથી ભુલાવ્યું. અલાહાબાદમાં તો એમને બે દિવસ પાન ન મળ્યાં, પણ અહીં તો એમને રોજનાં બસો પાન મળી રહે છે. ગોવિંદ૨૧ અને હું છોડાવવાનો પ્રયત્ન તો જરૂર કરીએ છીએ.’

સાથી કેદીઓમાં એટાના રાજબહાદુર પણ હતા. તેમને વિશે: ‘રાજબહાદુર સાહેબને મારે ન ભૂલવા જોઈએ. એઓની તો અમને સૌને છાયા છે એમ કહેવાય. એમને આપ ઓળખો છો કે નહીં તે મને ખબર નથી. આપણે એટા ગયેલા ત્યારે તો તેમણે અસહકાર નહોતો કર્યો. પણ અમને ભોજન તો એમને ત્યાં જ મળેલું. એઓ ડઝનબંધ સરકારી સંસ્થાના ચાલક અને ડઝનબંધ ખિતાબો ધરાવતા હતા. એમના અસહકારી થવાથી સરકારમાં ખળભળાટ મચ્યો હતો, કારણ, આખો એટા જિલ્લો એમના હાથમાં છે. એઓ અહીં સૌમાં વૃદ્ધ છે. અમારી ખાવાની, પીવાની, તબિયત વગેરેની માતાની જેમ એઓ બરદાસ રાખે છે — એટલું કહું તો તેટલામાં એમના ગુણ આવી જાય.’૨૨

જેલમાં મહાદેવભાઈએ રેંટિયા પર હાથ અજમાવવા માંડ્યો હતો. પણ પોતાની પ્રગતિ વિશે તેમને સંતોષ નહોતો. ખ્વાજાસાહેબે અલીગઢથી બે રેંટિયા મગાવેલા પણ બંને સારા ન ચાલ્યા. ત્રીજો એક રેંટિયો હતો તે કાંઈક કામ આપતો હતો. મહાદેવભાઈએ સાબરમતી આશ્રમથી એક રેંટિયો મગાવ્યો હતો.

જેલમાં મુલાકાતે આવેલાં દુર્ગાબહેન પાસે મહાદેવભાઈએ કાંતણ અંગે જવાહરલાલજીએ ઠીક પ્રગતિ સાધી છે એમ સાંભળ્યું. તેથી મહાદેવભાઈએ તેમને લખ્યું, ‘હું તમને પૂછવા માગતો હતો કે તમે મારે સારુ એક સરસ ત્રાક મોકલાવી શકશો? દુર્ગાએ મને જ્યારે કહ્યું કે તમે જેલમાં થોડાક રતલ સૂતર કાંત્યું ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલી. મારી વાત કહું તો જિંદગીમાં મને રેંટિયાએ જ સૌપ્રથમ મૂંઝવણમાં મૂક્યો છે. એમ તો હું છેલ્લા બે માસથી ઠીક ઠીક નિયમિત રીતે એની પાછળ મંડ્યો રહું છું, છતાં હું “મથામણની અવસ્થા”ને ઓળંગી શક્યો નથી. ઘણી વાર પૂણી ખરાબ હોય છે, સૂતર ઘણી વાર તૂટે છે, એક વાર ત્રાક ખૂબ થરડાઈ ગયેલી. અને મારી ઉપાધિઓનો પાર નથી. નાચવું નહીં ને આંગણું વાંકુંવાળા આ ઘાટ નથી એમ હું નથી કહી શકતો. પણ તમે મને મારી મથામણમાં મદદ કરવા કે માર્ગદર્શન આપવા અહીં હોત તો કેવું રૂડું થાત!’

મેની બીજી (૧૯૨૨)એ લખાયેલો આ પત્ર એમ તો ‘ગપાટા મારવા’ લખાયો છે. જવાહરલાલજીએ આગ્રા આવ્યા ત્યારે મહાદેવભાઈની મુલાકાત માગેલી પણ એમને તે મળી નહોતી, તે અંગે પત્રમાં મહાદેવભાઈએ અફસોસ પ્રગટ કર્યો છે. ગાંધીજીના પત્ર નહોતા મળતા તેથી મહાદેવભાઈએ અનુમાન કર્યું હતું કે જેલના નિયમમાં પોતાને સારુ અપવાદ થવા દેવા ન ઇચ્છી તેમણે પત્રો લખવાનું ટાળ્યું હશે. એમનો વિચાર કરતાં, જવાહરલાલજીને આ રીતે વધારાની છૂટ લઈને લખતાં મહાદેવભાઈને કમકમાટી આવે છે. મહાદેવભાઈ પોતે પત્રો લખવા અંગે ઘણા નિયમો તોડ્યા છે તે કબૂલ કરે છે અને કહે છે કે ઘણી વાર જેલ અધિકારીઓએ જ તેમાં તેમને મદદ કરી છે. પણ કહે છે કે, ‘બાકી મેં મારી જાત પર ઠીક ઠીક સંયમ રાખ્યો છે. મારા સમયનો પણ સદુપયોગ કર્યો છે અને મારી જાતને અનેક પ્રકારની શિસ્ત હેઠળ રાખી છે.’

આગ્રા જેલના દરવાજા આગળ લીધેલી એક તસવીરમાં મહાદેવભાઈ, ખ્વાજાસાહેબ, રાજાબહાદુર અને જોસેફ સાથે ઊભેલા જણાય છે. આખી જિંદગી લાંબું ધોતિયું અને કફની પહેરનાર મહાદેવભાઈ આ તસવીરમાં ટૂંકી પોતડી પહેરી અને ચાદર ઓઢીને ઊભેલા જણાય છે. આ પહેરવેશનું રહસ્ય તેમણે જેલ જતાં પહેલાં અલાહાબાદથી ગાંધીજીને લખેલા એક પત્રમાં જોવા મળે છે. ગાંધીજીએ ૩૦મી ઑક્ટોબર, ૧૯૨૧ને દિવસે એવો નિયમ લીધો હતો કે રોજ ઓછામાં ઓછું અર્ધો કલાક કાંતણ કર્યા વિના પોતે ભોજન નહીં લે. તેને અંગે મહાદેવભાઈ કહે છે:

આપે રેંટિયાનું વ્રત લીધું એમાં ભારે અસર થઈ શકે એવું તત્ત્વ રહેલું છે. એટલે એ વ્રતને હું વધાવી લઉં છું, જોકે આપ એથી કેટલાનું પરિવર્તન કરી શકશો તે આપ જાણો. રેંટિયાની બાબતમાં હવે conversion (મતપલટો) — grace (દયાદૃષ્ટિ)નો કાળ ગયો એમ મારું શ્રદ્ધાવંત ચિત્ત પણ કબૂલ કરતાં અચકાતું નથી. અને હું એવું વ્રત પ્રસિદ્ધ રીતે ન જ લઉં, કારણ, આપ ગુલામીને ઉત્તેજન આપો છો એવું હું મારા તરફથી તો નહીં જ જણાવા દઉં. આપની છાયા તળે જે છોડ મોટા થઈ રહ્યા છે, તેમાંના કોઈએ, તે છોડ આપના પરોપજીવી છોડ (પેરેસાઇટ) તરીકે, ગુલામ તરીકે ઊછરે છે એમ જગતને પોતાના કાર્યથી માનવાનું કારણ ન આપવું જોઈએ. છતાં ઘણી ચીજો કરવા જેવી છે. હું (અલાહાબાદમાં) માંદો પડ્યો ત્યારથી પથારીમાં મેં loin-cloth (પોતડી), ઘૂંટણ ઉપર લટકી રહેતી ધોતી, પહેરવા માંડી. પ્રોફેસર૨૩ આવ્યો અને તેને મારાથી કહેવાઈ ગયું કે હવે હું આ જ પહેરવાનો, કાયમ રાખવાનો; જવાહરલાલને પણ કહ્યું. તેઓ હસ્યા અને કહ્યું, ‘તારા જેવા જ ગુલામીના ઉત્તેજનનો આરોપ બાપુ માટે મેળવે છે.’ હું સામે થયો. મારામાં બોલવાનું બળ નહોતું, પણ બોલ્યો: કહ્યું કે, ‘બાપુના દિલમાં બહુ લાગણી છે તેથી હું આ કપડું નથી પહેરતો એ વાત સાચી; એને માટે બળતું હૃદય જોઈએ; પણ બાપુ અમુક પહેરે તેમાં જે કરુણા રહેલી છે તે કરુણાથી હું અસ્પૃષ્ટ ન રહી શકું — જો હું મનુષ્ય હોઉં તો. માટે હું પણ પોશાકમાં ફેરફાર કરું; અને તેમાં હું આગ્રહ નથી રાખવાનો: મને લાગે છે કે લાંબી ધોતી પહેરવાની જરૂર છે — ટાઢને લીધે — તો તે પહેરીશ. પણ અ. સૌ. કમળાબહેન scandalize થાય (તેમને આઘાત લાગે) તેથી નહીં જ પહેરું. બાપુનું વ્રત ઑક્ટોબર સુધીનું છે. આ સાચું કે નહીં! પણ મારું તો સદાકાળ પણ રહે; અને બિલકુલ ન પણ રહે. તે તો મને show (દેખાડો) લાગે અથવા પાયા વિનાનું કોઈ વાર લાગે તો!’૨૪

એમ જણાય છે કે જેલમાંથી છૂટીને આવ્યા બાદ મહાદેવભાઈએ કદી ટૂંકી પોતડી અને ચાદર ધારણ કર્યાં નહોતાં. તે વખતે બાપુના વ્રતને લીધે એમનું ભક્તહૃદય હાલી ઊઠ્યું હશે તે, સદ્ભાગ્યે જેલવાસના બે શિયાળા જોઈને જ પાછું સાધારણ થઈ ગયું હશે. ‘સદ્ભાગ્યે’ એટલા સારુ કહ્યું કે મહાદેવભાઈનું મહાદેવભાઈપણું એમના સાધારણ સદ્ગૃહસ્થ રહેવામાં હતું — મહાત્મા જેવી વેશભૂષા ધારણ કરવામાં નહીં.

આ જ પત્રમાં એઓ રેંટિયા વિશે પોતાનો અભિગમ સ્પષ્ટ કરે છે:

પણ સાર એ છે કે રેંટિયાનું વ્રત આપની માફક લેતાં હું શરમાઉં છું. કારણ, એક એ કે મને લાગતું નથી કે એ વ્રત લઈને હું કાંઈ ભારે ઉત્પન્ન કરી શકું. ત્યારે ઉત્પન્ન કરવા મારે દસ કલાક કાંતવું જોઈએ — જે આજે શારીરિક રીતે અશક્ય છે. બીજું કારણ આપ જે moral (નૈતિક) અસર કરો તેનો હજારમો ભાગ મારા વ્રત લેવાથી ન થાય. ત્યારે એ ખોટો ઢોંગ — મારા માટે — શા માટે કરવો? અને મોટું, ત્રીજું કારણ એ છે કે — આપ shock ન થતા! (આાંચકો ન અનુભવતા) કે રેંટિયો sacramental rite — આધ્યાત્મિક વિધિ છે એમ હજી મને પ્રતીત નથી થયું!૨૫

આ પત્રને नवजीवनમાં છાપવા સારુ આપતાં પહेલાં મહાદેવભાઈ એક ટૂંકી પણ સૂચક નોંધ કૌંસમાં ઉમેરવાનું ચૂકતા નથી:

‘અહીં જિંદગીભર સ્વદેશીનો જ ઉપયોગ, આગ્રહ યથાશક્તિ પ્રચાર — એને માટે તો ખાદી પહેરવા માંડી તે દિવસથી હું વ્રતબદ્ધ જ છું એ ભુલાવું ન જોઈએ.’૨૬

આગ્રા જેલમાં મહાદેવભાઈને પ્રમાણમાં ઠીક સગવડ મળી હતી. બીજા કેદીઓને એવી સગવડ નહોતી મળતી તેથી મહાદેવભાઈ દુ:ખ કરતા. એ અંગે ગાંધીજીએ એક લેખમાં લખ્યું:

જેને વિવેક છે ને વિચાર છે તેને એકાએક શરીરસુખ નથી મળી શકતું. બીજાના દુ:ખથી તે તપ્યા કરે છે ને સુકાય છે. તેનાથી સમીપમાં રહેલું દુ:ખ ન જોઈ શકાય. આવી દયામણી સ્થિતિ મહાદેવ દેસાઈની થઈ પડી છે, કેમ કે તે પોતાના દરેક કાર્યનો કસ કાઢવા મથે છે. જ્યાં લગી શરીરદુ:ખ હતું ત્યાં લગી તેને સુખ હતું, કેમ કે દુ:ખ ભોગવવા ખાતર જેલમાં જવા તે તલપી રહેલ, પણ હવે જ્યારે જેલમાં પોતે સુખ ભોગવી શકે છે, ત્યારે અંતર્દુ:ખ ઊભું થયું છે. … જ્યારે હવે જેલમાં… સ્વતંત્રતા મળી છે, ત્યારે જેમ લૂંટારાઓ લૂંટના ભાગને સારુ લડે તેમ સ્વરાજના લૂંટારા લડી રહ્યા છે… (મહાદેવના) કાગળમાંથી આપણને ઘણું શીખવાનું મળી આવે છે. જે સભ્યતા, જે મર્યાદા આપણે લડાઈ સમયે જાળવી રહ્યા છીએ તે મર્યાદા આપણે સત્તા મળ્યે નથી જાળવી શકવાના… સત્તા ને સ્વરાજમાં બહુ તફાવત છે એ આપણે ઓળખી લઈએ. અત્યારે આપણામાંના ઘણા કેવળ સત્તાને સારુ જ ફાંફાં મારી રહ્યા છે. સત્તાની લૂંટમાં હું વિક્ષેપો અને વિઘ્નો જોઉં છું. તેમાં હું મારામારી જોઉં છું. … સ્વરાજ એટલે પોતાનું — પોતાની ઉપર રાજ. એ યુદ્ધમાં તો જે નમે — જે ખમે — તે પહેલો. એમાં તો ભારે મર્યાદાને અવકાશ. સત્તાની લૂંટમાં તો સૌ પહેલા આવવા માગે એટલે સહુ લડે. સત્તાના રાજમાં વહેલો એ જ પહેલો. સ્વરાજમાં છેલ્લો એ પહેલો. આમ બંને વચ્ચે હાથીઘોડા જેટલો — અરે પૂર્વપશ્ચિમ જેટલો ભેદ છે. …’૨૭

ગાંધીજીના આ લેખથી આગ્રા જેલના કેદીઓની ચર્ચા શમી ગઈ હતી. અને એમનું સમૂહજીવન ઘણું સૂતરું બન્યું હતું એમ મહાદેવભાઈના એક પત્ર પરથી જણાય છે.

પણ મહાદેવભાઈને જેલ ગયે હજી તો માંડ સવા મહિનો થયો હતો ત્યાં એમના હૈયાને વલોવી નાખે એવા સમાચાર આવ્યા. દેશભરમાં અસહકાર આંદોલનની પૂરપાટ તૈયારી ચાલતી હતી; બારડોલીમાં ના-કર આંદોલન દ્વારા રાષ્ટ્રીય હિલચાલનાં મંગલાચરણ થશે એવી યોજના હતી; આખા દેશની મીટ બારડોલી તરફ મંડાઈ હતી. તે સમયે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામે કેટલાક ભાનભૂલેલા લોકો દ્વારા એક એવો હિંસાકાંડ થઈ ગયો કે જેણે આખા આંદોલનને એક તદ્દન નવો જ વળાંક આપી દીધો. ત્યાં લોકોનાં ઉશ્કેરાયેલાં ટોળાંએ પોલીસોનો પીછો કરી, તેમને પોલીસચોકીમાં ગોંધીને એ થાણાને આગ ચાંપી દીધી. તેને પરિણામે એકવીસ સિપાઈ અને એક સબ-ઇન્સ્પેક્ટર બળી મૂઆ. ગાંધીજીને આ સમાચારથી ભારે આઘાત લાગ્યો. આખા આંદોલનની વ્યૂહરચના ગોઠવવા મળેલી કૉંગ્રેસની કારોબારી પાસે તેમણે ઠરાવ કરીને અહિંસક આંદોલનને મોકૂફ કરાવ્યું. કારોબારીનો આ ઠરાવ કાંઈ આસાનીથી થયો નહોતો. એ બાબતમાં અનેક નેતાઓનો મત ગાંધીજીથી વેગળો હતો. પણ અસહકાર આંદોલનના આખરે મૂળ કલ્પક તો ગાંધીજી હતા. તેમના નેતૃત્વનો સામનો કરીને યોજાયેલી ચળવળને ચાલુ રાખી શકે એવી નૈતિક હિંમત કોઈ આગેવાન પાસે નહોતી અને કોઈની કને સત્યાગ્રહ અંગે ગાંધીજી જેવો અનુભવ પણ નહોતો.

પહેલાં ચૌરીચૌરાના કાંડથી અને પછી અસહકાર આંદોલન સ્થગિત રાખવાના કૉંગ્રેસ કારોબારીના ઠરાવથી આગ્રાની જેલમાં બેઠેલા મહાદેવભાઈને ઉપરાછાપરી આંચકા લાગ્યા.

ચૌરીચૌરાનો કાંડ ૧૯૨૨ના ફેબ્રુઆરીની ૪થી તારીખે થયો. બારડોલીની કૉંગ્રેસ કારોબારીનો ઠરાવ એ જ માસમાં ૧૧મી તારીખે થયો. તેમાં સત્યાગ્રહ મોકૂફ રાખવાના ગાંધીજીના નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. ત્રણ દિવસ પછી આગ્રાની ડિસ્ટ્રિક્ટ જેલમાંથી ગાંધીજીને નામે લખેલ એક લાંબા પત્રમાં મહાદેવભાઈએ આખા પ્રકરણ અંગે પોતાની વ્યથા અને વ્યાકુળતા વ્યક્ત કરી છે. આ પત્રમાં મહાદેવભાઈનું વ્યક્તિત્વ પણ સ્ફટિક સમું સ્પષ્ટ દેખાય છે.

ડિસ્ટ્રિક્ટ જેલ, આગ્રા,
૧૫–૨–૧૯૨૨
મારા પરમ પ્રિય બાપુજી,

મેં ધાર્યું હતું કે, બારડોલીમાં સમય કાઢીને આપે જે બે પત્રો લખ્યા હતા તેનો આભાર હું એક જ રીતે વ્યક્ત કરીશ — વધુ પત્રો લખી આપને તસ્દી ન આપવાનો નિશ્ચય કરીને. પણ મને લાગે છે કે મને શાંતિ રહેશે નહીં. છેલ્લું એક અઠવાડિયું અમારામાંથી ઘણા માટે ભયંકર આંચકા અને ઉજાગરાભર્યું ગયું છે. હું જાણું છું કે આપની પણ એ જ સ્થિતિ હશે. અને આજે હું જે લખી રહ્યો છું તે, આપની અનેકવિધ ચિંતાઓમાં ઉમેરો કરવા માટે નહીં પણ પ્રકાશ અને દોરવણી માટે; જોકે આ પણ આપના માટે એક આંચકા સમાન નહીં હોય એની મને ખાસ ખાતરી નથી.

આ મહિનાની શરૂઆત અમે બહુ આશાઓથી કરી. પહેલી ફેબ્રુઆરી, જેને અમે શુકનિયાળ ધારતા હતા તે દિવસે, સૌએ ઉપવાસ કરવા એવી સૂચના જોસેફે કરી અને સૌ જેલવાસીઓએ એ ઉપાડી લીધી; અને સાંજે, એ દિવસે સ્વાતંત્ર્યની લડત બારડોલીમાં શરૂ થવાની હતી તેની સફળતા માટે સામૂહિક પ્રાર્થના રાખી હતી. ત્યાં તો પહેલો આંચકો આવ્યો — આપે વાઇસરૉયને પત્ર લખ્યો.૨૮ સ્પષ્ટપણે હું કહું, મને તો એ આંચકારૂપ લાગ્યું હતું. નટરાજન જેવા મિત્રોના અભિપ્રાયને માટે માન હોવા છતાં મને લાગ્યું કે એ પત્ર લખીને, વહેલું સમાધાન થાય એવી આપની આતુરતાને આપે ઉઘાડી પાડી. नवजीवनમાંના ‘અંગદવિષ્ટિ’ નામના આપના તેજસ્વી લેખથી અને બારડોલીથી લખેલા આપના પત્રથી મારી શંકાઓનું નિવારણ થયું અને ભય દૂર થયો. હું લગભગ સ્વસ્થ થતો હતો અને જોસેફे અને મેં ૧૧મીએ ફરીથી ઉપવાસ કરવાનો નિશ્ચય કર્યો. કારણ, આપે કહ્યું હતું કે એ દિવસે આપ કોઈ નિર્ણયાત્મક પગલું ભરશો.

પણ ત્યાં તો પહેલાના કરતાં પણ વધુ ભયાનક આંચકો આવ્યો. હું ચૌરીચૌરાના હત્યાકાંડનો નિર્દેશ કરું છું. એ વીજળીનો કડાકો હતો. ગોરખપુરના વિંધ્યવાસિનીપ્રસાદને તો એમ જ થયું કે શરમનો માર્યો ભોંયમાં સમાઈ જાઉં. મેં ઉપવાસની સૂચના કરી અને એનાથી પાપનું નહીં જેવું જ પ્રાયશ્ચિત્ત થાય છે એ જાણતાં છતાં અમે બધાએ ઉપવાસ કર્યો. પણ એનાથી ભવિષ્ય વિશે અમને શાંતિ થાય એવું તો નહોતું જ. એનાથી આપને શું થયું હશે એ હું જાણતો હતો. મેં કલ્પ્યું કે પ્રાચીન કાળના પેગંબર હબાકુક૨૯ માફક આપ પણ બોલી ઊઠશો: ‘ઓ ઈશ્વર, હું કેટલી વખત પોકાર પાડું; અને તું નહીં સાંભળે? હિંસા થાય છે એવો પોકાર પાડું અને તું ન બચાવે! શા માટે હડહડતા અન્યાયોનો મને સાક્ષી બનાવે છે? અને દુ:ખો જોવા મને ફરજ પાડે છે? કારણ, લૂંટફાટ અને હિંસા મારી સમક્ષ ચાલી રહ્યાં છે અને એમાંથી ક્લેશ અને કજિયા પેદા થાય છે.’ પ્રાર્થના કરવાની જે કાંઈ નમ્ર શક્તિ મારામાં છે તે વડે મેં પ્રાર્થના કરી કે ચારે બાજુ ફેલાયેલા આ ઘોર અંધકારમાંથી પ્રેમળ જ્યોતિ આપનો પંથ ઉજાળે. હરઘડી આપના તરફથી પત્ર માટે હું ઝૂરતો હતો, જોકે હું જાણતો હતો કે જ્યારે આપનું કાળજું લગભગ ચિરાઈ જતું હતું ત્યારે આપના પત્રની આશા રાખવી એ મૂર્ખાઈ હતી. અને છતાં મેં આશા સેવી અને પ્રાર્થના કરી.

પ્રાર્થનાનો છેવટે જવાબ મળ્યો — આપના પત્રથી નહીં, પણ બારડોલીમાં મળેલી કારોબારીના ઠરાવથી. એનાથી ત્રીજો આંચકો લાગ્યો. અને એ, બધા આંચકાથી સૌથી વધુ ભયંકર હતો. આપને સમજવા માટે મેં પ્રયત્ન કર્યો છે અને આ એક વખતે હું સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છું. ‘અંગદવિષ્ટિ’ જેવો લેખ લખ્યા પછી, અને મુક્ત વાચા, મુક્ત છાપાં અને મુક્ત સોબત ઉપર લોકોનું ધ્યાન નવેસરથી કેન્દ્રિત કર્યા પછી આપ આવા ઠરાવોમાં ભાગ ભરી શકો એ તો મારી કલ્પનામાં જ આવતું નથી. ગઈ સાલ છેક માર્ચ માસમાં બેઝવાડામાં આપણે સ્વીકાર્યું હતું કે સવિનયભંગના અંગત કિસ્સાઓને લાગેવળગે છે ત્યાં સુધી કૉંગ્રેસને એની સામે વાંધો નથી. આ આખી સાલ આપણે ઢસરડો કર્યો તે શું એવી ચેતવણી માટે કે સવિનયભંગનાં અંગત કૃત્યો પણ કૉંગ્રેસના આદેશની વિરુદ્ધનાં ગણાશે? અને આ તે કેવા ઠરાવો? टाइम्स ऑफ इन्डियाએ વખાણવાલાયક સદ્ભાવભર્યા લેખમાં આ બધા (ઠરાવો) સાથે મળતા થવા પોતાની તૈયારી બતાવી છે. એ (ઠરાવો) અસહકારીઓની આગવી મિલકત છે એ હું સમજી શક્યો નથી. એ ખરું કે એ ઠરાવોના પાઠમાં ‘અસહકાર’ શબ્દ છે પણ જો એ ન વાપર્યો હોત તો એ વધુ સાચા બનત. આટલા આવેશથી લખ્યા વિના મારાથી રહેવાતું નથી, કારણ કે મને એમ લાગે છે કે આ ઠરાવોમાં ફક્ત એ જ કબૂલાત છે કે એક ભીંત સાથે આપણાં માથાં અફાળીને ભાંગી નાખ્યાં છે, અને જે કાંઈ ટુકડા રહ્યા હોય તે ભાંગવાની એક નવી વાત આપણે લોકો આગળ ધરી છે.

ફેબ્રુ. ૧૯

આપ જોશો કે આ, મારી પાસે ચાર દિવસથી પડી રહ્યું છે. છેલ્લું વાક્ય લખ્યા પછી હું અટક્યો, કારણ, એવા ઠપકાભર્યા આવેશમાં વધુ ગુસ્સો અગર ધૃષ્ટતા ઠાલવવાનું મારા માટે શક્ય નહોતું. મેં ઉપવાસ કર્યો અને પ્રાર્થના કરી. એટલામાં बॉम्बे क्रॉनिकलમાં ઉતારવામાં આવેલો यंग इन्डियाમાંનો આપનો લેખ વાંચ્યો. એમાં નૈતિકતાને કરેલી અપીલથી મારાં રોમાંચ ખડાં થઈ ગયાં; પણ એનાં નક્કર પરિણામોનો વિચાર આવતાં હું ફરીથી ઠંડો પડી ગયો. કાલે यंग इन्डिया આવ્યું.૩૦ અને એ હું ફરીથી વાંચી ગયો.૩૧

મહાદેવભાઈની આગલી દલીલો સમજવા સારુ ‘ઘરનો ઘા’ નામના ગાંધીજીના લાંબા લેખના કેટલાક ભાગો જોવા જરૂરી છે:

ઈશ્વરની દયાનો પાર નથી… તેણે મને ત્રીજી વેળા ચેતવણી આપી છે કે જેને યથાર્થ રીતે સવિનયભંગ કહી શકાય, એટલે કે, જે ભંગમાં વિનય, સત્યપરાયણતા, નમ્રતા અને જ્ઞાન રહેલાં છે, જેમાં આગ્રહ છતાં વિરોધી પ્રત્યે નિર્મળ નિખાલસ પ્રેમની જ લાગણી રહેલી છે અને જેમાં દુ:ખ કે વેરઝેરનો લેશમાત્ર અવકાશ નથી. એવા… ભંગને સારુ જે વાતાવરણ જરૂરી છે તેવું વાતાવરણ હજુ પણ હિંદુસ્તાનમાં નથી.૩૨

પછી ગાંધીજી એ ત્રણ ચેતવણીઓ કઈ તેનો નિર્દેશ કરે છે: પહેલી ચેતવણી ૧૯૧૯માં અમદાવાદ, ખેડા, વીરમગામ અને પંજાબમાં થયેલી હિંસા, બીજી મુંબઈનાં રમખાણો અને ત્રીજી ચેતવણી મદ્રાસની ટોળાશાહીની — તેઓ આગળ કહે છે:

અંતે ઈશ્વરે ચૌરીચૌરા મારફતે પાકે પાયે મારા કાન ઉઘાડ્યા. જે હકીકતો મળી છે તે પરથી જણાય છે કે જે પોલીસના માણસોને ચૌરીચૌરામાં વિકરાળપણે ફાડીચૂંથી નાખવામાં આવ્યા તેમણે લોકોની ઘણી પજવણી કરેલી, તેમના ફોજદારે પોતાના માણસો લોકોને હેરાન નહીં કરે એવું વચન આપેલું તેનો તેમણે ભંગ કર્યો, સરઘસ પાછળ રહેલા લોકોને તેમણે હેરાન કર્યા અને ગાળો દીધી. લોકોએ બૂમો પાડી અને આગળ નીકળી ગયેલું ટોળું પાછું ફર્યું. પોલીસોએ ગોળી ચલાવી, થોડી વારમાં તેમની પાસેની કારતૂસો ખૂટી અને સલામતીને ખાતર પાછા વળી થાણામાં ભરાયા. મારો ખબરપત્રી જણાવે છે કે આથી ટોળાએ થાણું સળગાવ્યું. અંદર ભરાયેલા પોલીસ સિપાઈઓ જાન બચાવવા ખાતર બહાર આવ્યા અને બહાર આવતાંવેંત જ વિકરાળ ટોળાએ તેમને ફાડીપીંખી નાખ્યા અને તેમની છિન્નભિન્ન લાશોને ભભૂકતી આગમાં હોમી દીધી!

એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વિકરાળ પશુતામાં કાંઈ અસહકારી સ્વયંસેવકોનો હાથ ન હતો. વળી ટોળાની માત્ર તે ઘડીએ પજવણી થઈ હતી એટલું જ નહીં પણ એ જિલ્લામાં પોલીસનો જે જુલમ અને ત્રાસ ચાલુ હતો તેની જાણથી લોકો ધૂંધવાયેલા હતા. પણ ચાહે તેવી પજવણી થઈ હોય તોપણ નિરાધાર થઈ પડેલા અને લોકોના ટોળાની કેવળ દયા ઉપર જ પડેલા પોલીસ સિપાઈઓની આવી વિકરાળ હત્યાઓનો કોઈ પણ રીતે બચાવ કરી શકાય જ નહીં. તેમાંય જ્યારે હિંદુસ્તાન અહિંસાપરાયણ હોવાનો દાવો કરતું હોય અને કેવળ નિર્મળ સાધનો વડે જ સ્વતંત્રતાના સિંહાસન ઉપર આરૂઢ થવાનું ઉમેદવાર હોય ત્યારે તો ચાહે તેટલી ગંભીર પજવણીની સામે પણ ટોળાશાહી ચલાવીને ખૂનામરકી કરવી એ ખરેખર અશુભ જ આરંભ કહેવાય.

…અહિંસાને માર્ગે સ્વરાજ સ્થાપવાની વાતમાં દેશમાંનાં તોફાની તત્ત્વો ઉપર અહિંસામય કાબૂ રાખી શકવાની વાત આવી જ જાય છે… “મોટા ડોળા કરીને સરકારને… ધમકીઓ આપી, બારડોલીના લોકોને …આશાઓ આપી અને બીજે દિવસે આમ પાછી પાની! કેવડી ભારે મર્દાનગી?” આમ શેતાન મારી પાસે સત્યનો ઇન્કાર કરાવવા મથી રહ્યો હતો, મેં મારી શંકાઓ અને મારું દુ:ખ કારોબારી આગળ… રજૂ કર્યું. પરિણામ… સમિતિના ઠરાવરૂપે મોજૂદ છે. તીવ્રભંગના આખા કાર્યક્રમને આમ સદંતર ઊંધો વાળી દેવો એ રાજદ્વારી દૃષ્ટિએ ભલે અનુચિત હોય, પણ ધાર્મિક દૃષ્ટિએ તો તે સંગીન જ છે… મારી ભોંઠપથી અને મારી ભૂલ કબૂલ કરી લેવાથી દેશને તો લાભ જ થવાનો છે.

હું માત્ર એક જ ગુણનો દાવો કરવા ઇચ્છું છું — સત્ય અને અહિંસાનો. દૈવીશક્તિ ધરાવવાનો મારો દાવો નથી. તેવી શક્તિ મારે જોઈતી પણ નથી… મારી સેવામાં પુષ્કળ ત્રુટીઓ છે પણ એ બધી અપૂર્ણતા છતાં પરમેશ્વરે આટલા દિવસ મારી સેવાને અમીદૃષ્ટિએ જ નિહાળેલી છે.

કારણ કે ભૂલ કબૂલવી એ સાવરણી જેવું છે. સાવરણીની પેઠે… કચરો કાઢી મેલી જમીન સાફ કરે છે. ભૂલના એકરારથી મારું બળ વધ્યું હોય એવો હું અનુભવ કરું છું…

…આખા હિંદુસ્તાનની વસ્તી સામું જોતાં બારડોલી તો ‘દરિયામાં ખસખસ’ સમાન છે, એના પ્રયત્નને બાકીના બધા હિંદુસ્તાન તરફથી સંપૂર્ણ પીઠબળ ન મળે તો એ પ્રયત્નને કશું જ ફળ ન આવે. …જેમ ભરી દૂધની કઢાઈમાં સોમલનું એક બુંદ પડે તોપણ બધું દૂધ ઝેર બને (છે) તે જ પ્રમાણે ચૌરીચૌરાના ઝેરથી બારડોલીનો વિનય પણ બેકાર બની જાય છે. કારણ જેટલે દરજ્જે બારડોલી હિંદુસ્તાનનું પ્રતિનિધિ છે તેટલે જ દરજ્જે ચૌરીચૌરા પણ છે, અને ચૌરીચૌરા… પણ રોગના એક ફાટી આવેલા ચિહ્નરૂપે જ નથી શું?… અત્યારની ઝુંબેશ તો દેખીતી રીતે જ વિરુદ્ધ પરિસ્થિતિ વચ્ચે એક જોખમી અખતરો છે.

ચૌરીચૌરા… આપણે માટે દીવાદાંડીરૂપ છે, જો આપણે અહિંસાના સંઘમાંથી હિંસાને કાઢી ન શકીએ તો સામુદાયિક સવિનયભંગનો વિચાર સરખો છોડી દીધે જ આપણો આરો છે…

શત્રુ ભલે આપણી ભોંઠપ નીરખી નીરખીને હરખના કૂદકા ભરે… કરેલી પ્રતિજ્ઞાના ભંગ કર્યાનું અને ઈશ્વરને બેવફા બન્યાનું પાપ માથે લેવા કરતાં ડરપોક અને નબળા નીવડવાનું તહોમત માથે લેવું હજાર દરજ્જે બહેતર છે. આપણા અંતરાત્મા આગળ જૂઠા નીવડવા કરતાં દુનિયા આગળ જૂઠા દેખાવું એ કરોડગણું સારું છે…

હું તો ચૌરીચૌરાનો અનિચ્છુક છતાં નિમિત્ત રહ્યો. મારે તો અંગત પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું… મારી પ્રાર્થનામાં ઘણું વધારે સત્ય અને નમ્રતા મારે સાધવાં રહ્યાં… વધુ સંપૂર્ણતાભર્યા આત્મકથનને માટે પાર્થિવ શરીર ઉપર આત્માની આણ સ્થાપવા માટે કરેલો ઉપવાસ એ માણસની ઉન્નતિમાં જબરો સહાયક છે. તેથી ઊંડો વિચાર કરીને પાંચ દિવસનો ઉપવાસ કરવાનો મેં નિર્ણય કર્યો છે. … સાથીઓને નમ્ર વિનંતી કે તેમણે મારી નકલ કરી ઉપવાસ કરવા નહીં. … હું જ શસ્ત્રવેદ્યની સ્થિતિમાં છું અને દેખીતા જ જોખમભર્યા દરદીને શસ્ત્રક્રિયા કરવાના કામમાં નાપાસ નીવડ્યો છું. મારે જ કાં તો ધંધો છોડી દેવો રહ્યો, નહીં તો તેમાં વધુ પ્રવીણતા મેળવવી રહી…

ઉપવાસ, પ્રાયશ્ચિત્ત વગેરે બનતા લગી એકાંતે કરવાની વસ્તુઓ છે, પણ મારો ઉપવાસ તો પ્રાયશ્ચિત્ત તેમ જ સજા બંને છે. અને સજા તો જાહેરપણે જ ભોગવવી જોઈએ. મારે સારુ પ્રાયશ્ચિત્ત છે; અને સજા તેમને સારુ છે જેમની હું સેવા કરવા ઇચ્છું છું, જેમને માટે મને જીવવામાં રસ છે, અને જેમને માટે મરવામાં પણ તેટલો જ રસ છે, …પ્રેમ કઈ રીતે સજા કરે? જાતે જ દુ:ખ ખમીને…

ચૌરીચૌરાના દોષથી સરકાર વધુ અક્કડ બનશે, પોલીસ વધુ પાપી બનશે અને વેર વાળવા તેમ જ વલે કરવાના હેતુથી રાજકર્મચારીઓ જે જે જુલમો ગુજારશે તેને પરિણામે લોકો વધારે પતિત અને નીતિભ્રષ્ટ બનશે. સવિનયભંગ મુલતવી રાખીને અને પ્રાયશ્ચિત્ત કરીને આપણે આ હત્યાકાંડની અગાઉ જ્યાં હતા ત્યાં જઈએ છીએ…

જો આપણે આ હત્યાકાંડમાંથી પૂરેપૂરો ધડો લઈએ તો જે શાપ સમાન છે તેને જ આશીર્વાદના રૂપમાં ફેરવી નાખી શકીએ…૩૩

મહાદેવભાઈના ચૌરીચૌરા વિશેના ગાંધીજીની ઉપરના પત્રમાં તર્ક તો બધા રાજનીતિ અને વ્યૂહરચનાની દૃષ્ટિએ કરવામાં આવ્યા છે. ગાંધીજીના પરમ ભક્ત હોવા છતાં અને એમની જોડે તાદાત્મ્ય સાધવાનો પૂરો યત્ન કરવા છતાં મહાદેવભાઈ કેવું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવી શકતા હતા તેનો આ પત્રમાંથી નીચે આપેલી દલીલો નમૂનો પૂરો પાડે એમ છે:

મારી વિચારમાળાનાં પરિણામો હું અહીં સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરું છું:

(૧)     સઘળા પ્રકારની — બચાવ માટેની પણ — સવિનયભંગની લડત બંધ રહે છે એવો ઠરાવ કરવામાં આવ્યો છે તે, અહિંસાના વાતાવરણ સિવાય સવિનયભંગ કરવામાં આવશે નહીં, એવા પ્રકારનું તાર્કિક પરિણામ છે. પણ હું આપને કહું, અહિંસાના વાતાવરણનો આપ જે અર્થ કરો છો તેમાં પણ ફેરફારો થયા કર્યા છે. જો આપ માલેગાંવના બનાવોને૩૪ અલગ પાડી શકો તો ચૌરીચૌરાના બનાવોને કેમ અલગ ન પાડી શકો? ચૌરીચૌરા અંગેના ઠરાવનો શું એ અર્થ થાય છે કે (અત્યારે) હિંસા સમગ્ર વાતાવરણમાં ભરેલી છે?

(૨)     હિંદમાં, સવિનયભંગની અગર સામનો કરવાના પ્રકારની સઘળી પ્રવૃત્તિઓને બંધ કરવાનો ઠરાવ કર્યો છે. આમ કરીને, પ્રજામાં અહિંસાની શક્તિ રહેલી છે એમાં શંકા જ નથી એ પ્રકારની કસોટીને અવકાશ આપવાનું આપે બંધ નથી કર્યું? હિંસાના અભાવ પછી કુદરતી રીતે જ સામાન્ય પ્રકારની શાંતિનું વાતાવરણ સર્જાશે. પણ એ કૃત્રિમ નહીં હોય? (જુઓને) વર્ષની આખરે આપ બળવાખોર પ્રવૃત્તિ આદરો છો, લોકો ઉશ્કેરાય એવી તક સરકારને મળે એ રીતે આપ સરકારને ઉશ્કેરો છો, અને વધુમાં, ચૌરીચૌરામાં થયાં તેવાં છૂટાંછવાયાં છમકલાં માટે શક્યતાઓ ઊભી કરો છો. આવી શક્યતાઓને જો કોઈ રોકી શકે તો તે અહિંસક સવિનયભંગ કરનાર ગુજરાત અગર બંગાળ અગર બિહારના દાખલાઓ જ કરી શકે, અને નહીં કે ઉત્તેજનામાં તરવરતો આખો દેશ.

(૩)     સને ૧૯૨૦માં આપે બેતિયામાં કરેલું ભાષણ આપને યાદ છે? આપે કહ્યું હતું કે જેઓ હિંસા આદરી જ ન શકે તેવાને અહિંસાનો મંત્ર આપી શકાય નહીં. આપે કહેલું કે એ લોકોએ પ્રથમ તો હિંસા આદરવાની શક્તિ પ્રાપ્ત કરવાના તબક્કામાંથી પસાર થવું જોઈએ. અલબત્ત, ચૌરીચૌરામાં જે બન્યું તે યોગ્ય હતું એમ કોઈ હિસાબે કહી શકાય નહીં. પણ ધારો કે બેતિયામાં આપે જે સંજોગો વર્ણવ્યા હતા તેવા સંજોગોમાં કોઈ પણ સ્થળે લોકોએ, ભાગી જવાને બદલે હિંસા આચરી હોત તો, દેશના બીજા ભાગોમાં ચાલતી સવિનયભંગની લડતની ઉપર કેવી રીતે અસર પડત?

(૪)     હું જોઉં છું કે નવી યોજનામાં “ફોતરાં, ભૂસું અને વધેલાં ઠૂંઠાંઓને એકઠાં કરી બળતા તળાવમાં હોમવાની” વાત છે.૩૫ નમ્રપણે હું વિચારું છું કે આપણાં સાધનોની અંતર્ગત ત્રુટીઓને કારણે જ આપણા માટે કોઈ આશા નથી. એક સમય હતો જ્યારે સ્વયંસેવકોની ભરતી કરતી વખતે આપણે ગુણદોષનો વિચાર જ ન કર્યો અને કેવળ સંખ્યા વધારવામાં સઘળી શક્તિઓ ખરચી. એક કરોડ સભ્ય બનાવવાનો આપનો આગ્રહ જ, અહિંસાને વરેલા માણસોને એકઠા કરવાના કાર્યમાં વિઘ્નકર્તા નીવડશે. બન્યનનું રૂપક ચાલુ રાખું તો કહી શકાય કે એકલા ઘઉં એકઠા કરવા એ તો એક વિરલ શક્તિ છે.

(૫)     કોઈ પણ પ્રકારની અહિંસા ભભૂકી ઊઠે તેમાંથી ચળવળ અલિપ્ત રહે એ વિશે આપે નિશ્ચિત બનવું હોય તો જેઓને મન અહિંસા, એક કાર્યપદ્ધતિ નહીં, પણ એક સિદ્ધાંત છે તેમના પૂરતી જ ચળવળ મર્યાદિત કરવી જોઈએ. હું જાણું છું કે આવા માણસો બહુ થોડા હોય છે અને લડતના લંબાણને પણ મર્યાદા ન હોય. પણ જેણે અહિંસાને જીવનકર્તવ્ય માન્યું છે તેવા આપના જેવા માટે મને બીજો કોઈ વિકલ્પ સૂઝતો નથી.૩૬

પણ અહિંસક રણનીતિ અંગેના આ બધા તર્કોને અંતે મહાદેવભાઈએ મુખ્ય વાત તો એ જ કહેવાની છે કે તેમને ગાંધીજીનું આકર્ષણ એક ઉત્તમ રણનીતિજ્ઞ કુશળ સેનાપતિ તરીકે નહીં, પણ આત્માને ઘડનાર એક સાધક ઘડવૈયા તરીકેનું જ છે. તેઓ આ જ પત્રમાં છેવટે કહે છે:

મારે કહેવાનું હતું તે મેં કહી દીધું. મેં મારા મનને આપની આગળ ખુલ્લું કરીને મૂક્યું છે. મને લાગે છે કે વર્કિંગ કમિટીના ઠરાવોથી સામાન્યપણે નિરાશા પેદા થઈ છે. કાર્યક્રમમાં ફેરફાર કરવા માટે મારે લખવું એવું સૂચવનાર એક મિત્રને મેં ગૂઢાર્થમાં કહ્યું, ‘જુઓ, એ તો ગાંધી છે. કાં તો એની બધી અતિશયતાઓ સાથે એને સ્વીકારો અગર એને પડતો મૂકો. દેશે પોતાની પસંદગી કરવાની છે.’ મને લાગે છે કે કદાચ દેશે પોતાની પસંદગી કરી લેવી પડશે. આગાહી કરવાની મારામાં હિંમત નથી. મારી જાત માટે કહું તો મેં તો પાંચ વર્ષ પહેલાં ગોધરામાં આપની સાથે મારાં પાનાં પાડ્યાં ત્યારે જ પસંદગી કરી લીધી હતી. એ પસંદગીમાં, હું રાજકારણમાંથી હાથ ધોઈ નાખું અને ‘આત્મા ઘડવાની’ આપની અદ્ભુત શક્તિ વિશે મારા મનમાં શંકા પેદા થાય, ત્યારે જ ફેરફાર થઈ શકે. હું જેલમાં છું, કારણ કે એક અનીતિમાન સરકારને અને એના કાયદાને હું માન આપી શકું નહીં એમ હૃદયપૂર્વક માનું છું. અને કાર્યક્રમમાં ગમે તે ફેરફારો થાય તોપણ જ્યાં સુધી એ સરકાર મોટે ભાગે એવી ને એવી જ રહેશે ત્યાં સુધી હું એમ જ કરીશ.૪૭

જેને ગાંધીજીમાં આધ્યાત્મિક દૃષ્ટિએ નહીં, પણ રાજનૈતિક દૃષ્ટિએ રસ હોય તેને ચૌરીચૌરાને લીધે આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય કેવો લાગતો હશે એ સમજવું હોય તો આ બાબતમાં જવાહરલાલજીના વિચારો જોડે મહાદેવભાઈના વિચારની સરખામણી કરવી જોઈએ. નીચે ચૌરીચૌરાકાંડ પછી બાર વર્ષે લખાયેલ मारी जीवनकथाમાંથી કેટલાક પ્રસ્તુત મુદ્દાઓ ટાંકીએ છીએ તે આવા તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિએ:

જેલમાં બેઠેલા અમને એમ જાણીને સરોષ આશ્ચર્ય થયું કે ગાંધીજીએ સવિનયભંગની લડતને મોકૂફ રાખી છે… જે ઘડીએ અમારી સ્થિતિ ખૂબ મજબૂત થતી જતી હતી અને યુદ્ધના પ્રત્યેક રણાંગણ ઉપર અમે આગળ ધપતા જતા હતા, તે ઘડીએ આમ લડતને એકાએક બંધ થયેલી સાંભળીને અમે ખૂબ ચિડાયા. પણ અમારી નિરાશા અને ક્રોધ જેલમાં કોઈને કશા ખપમાં આવે એમ ન હતાં. સવિનયભંગ તો બંધ થઈ ચૂક્યો હતો. અને અસહકાર હવામાં ઊડી ગયો. અનેક મહિનાઓના ત્રાસ અને ચિંતા પછી સરકારે સુખે સાસ લીધો અને પહેલી વાર એના હાથમાં બાજી આવી… લડત મુલતવી રાખવામાં આવી, તેથી હું ધારું છું કે, ગાંધીજી સિવાયના લગભગ બધા જાણીતા મહાસભાના નેતાઓ ચિડાયા.

મારા પિતા જેઓ તે વેળા જેલમાં હતા, તેમને એથી સખત આઘાત પહોંચ્યો… અમને વધારે મૂંઝવનાર તો લડતને મુલતવી રાખવાને ગાંધીજીએ આપેલ કારણ હતાં. ચૌરીચૌરાની ઘટના એ ભલે ખેદજનક અને અહિંસક લડતને સાવ ન છાજે એવી હોય, ને હતી; પણ એક દૂરનું ગામડું અને એક ખૂણેખાંચરે આવેલી જગ્યાના આવેશમાં આવેલા ખોબા જેટલા ખેડૂતો તે શું અમારું સ્વરાજ્યયુદ્ધ કંઈ નહીં તો થોડા કાળ સુધી પણ બંધ કરી શકે ખરા? જો અચાનક બનેલા હિંસાના એક કૃત્યથી આવું પરિણામ અનિવાર્ય હોય તો અહિંસક લડતના શાસ્ત્ર અને કળામાં જરૂર કંઈક ઊણપ હોવી જોઈએ… શું એક પણ પગલું ભરતાં પહેલાં હિંદુસ્તાનના ત્રીસ કરોડ લોકોને અહિંસાના શાસ્ત્ર અને કળાની તાલીમ આપવી આવશ્યક ગણાય ખરી કે? અને ધારો કે આપણે શાંતિ જાળવી રાખી શક્યા, તોપણ આપણી લડતમાં ચોરીછૂપીથી ઘૂસી ગયેલા છૂપા હિંસા કરાવનારાઓ, પોતે હિંસા કરે અને બીજાની પાસે કરાવે તો શું થાય? જો અહિંસક લડતની આ અનિવાર્ય શરત હોય તો એ લડત કદી સફળ થઈ જ ન શકે. જો થોડા ગણ્યાગાંઠ્યા માણસો — ભલેને મિત્રોનો સ્વાંગ રચીને આવેલા આપણા શત્રુઓ — પોતાના અવિચારી વર્તનથી આપણી લડતને ઊંધી વાળી શકે અથવા ખતમ કરી શકે?૩૮

આ પ્રશ્ન અંગે આગળ વિચાર કરતાં જવાહરલાલજી કહે છે કે:

સાચી હકીકત તો એ છે કે ૧૯૨૨ના ફેબ્રુઆરીમાં સવિનયભંગની લડત બંધ રહી તે કેવળ ચૌરીચૌરાના કારણે તો નહીં જ… એ તો છેવટ એક નિમિત્ત થઈ પડ્યું. ગાંધીજી ઘણી વાર પોતાની અંત:પ્રેરણાથી જ કામ લે છે… એ વખતે જોકે લડત દેખીતી રીતે બહુ જોશમાં હતી… તોપણ ખરી રીતે લડતના ટુકડેટુકડા થઈ ગયા હતા. વ્યવસ્થા અને નિયમપાલનનાં નામનિશાન રહ્યાં ન હતાં. આપણા ઘણાખરા સારા માણસો જેલમાં હતા અને આમવર્ગને આજ સુધીમાં સ્વતંત્ર રીતે કામ લેવાની કશી જ તાલીમ મળી ન હતી… ગાંધીજીના મનમાં આ પ્રકારનાં કારણો અને વિચારોએ કામ કીધું હશે… અને તેમણે ગૃહીત ધરેલી વાતો સ્વીકારીએ અને અહિંસાની રીતે લડત લડવાની ઇષ્ટતા સ્વીકારીએ તો તેમનો નિર્ણય સાચો હતો. સડો અટકાવવાનું અને નવી રચના કરવાનું તેમનું કામ હતું.૩૯

દેશબંધુ દાસને પણ ગાંધીજીનો (લડત મોકૂફ રાખવાનો) નિર્ણય વાજબી નહોતો લાગ્યો. જેલમાંથી છૂટ્યા બાદ તેમણે એ નિર્ણયની ખૂબ આકરી ટીકા કરી હતી. જોકે ત્યાર બાદ તેમનું ગાંધીજી વિશેનું વલણ બદલાયું હતું. અને પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં તો ગાંધીજી અને તેમની વચ્ચે ગાઢ પ્રેમ-આદરનો સંબંધ બંધાયો હતો.

ગાંધીજીના यंग इन्डियाના લેખો અને તેમનો મહાદેવભાઈ ઉપર આવેલો એક પત્ર જોઈને મહાદેવભાઈને તો ચૌરીચૌરાના નિર્ણય બાબતમાં મોટે ભાગે સમાધાન થઈ ગયું હતું એમ જણાય છે. અજમેરથી ગાંધીજી મહાદેવભાઈને લખે છે:

તમને બધાને જેવા છો તેવા હું જોવા માગું છું. તમે જેવા થવા ઇચ્છો છો તેવા નહીં, કેમ કે હું પણ તમારી બધાની પાસે જેવો છું તેવો દેખાવા ઇચ્છું છું. તેથી વધારે થવાની મને ઘણીયે હોંશ થાય પણ છું તેવો ન દેખાઉં તો થવા માગું છું તેવો ન થાઉં.

એટલે તમારે ક્ષમા માગવા જેવું કંઈ જ હતું નહીં.

ચૌરીચૌરાએ આપણને દાવાનળમાંથી ઉગાર્યા છે ને સ્વરાજ કેટલાયે યોજન નજીક આાણી મૂક્યું છે એ તમે નિશ્ચયપૂર્વક જાણજો. પેલું તો ઝાંઝવાંના પાણી સમાન હતું. સાધન અને સાધ્યની વચ્ચે એટલો નિકટ સંબંધ છે કે કયું વધારે અગત્યનું છે એ કહેવું મુશ્કેલ છે. અથવા સાધન શરીર છે, સાધ્ય આત્મા છે. સાધ્ય અદૃશ્ય છે. સાધન દૃશ્ય છે. એ પરમ સત્ય બતાવવાની લહેર તો હવે જ આવવાની છે. સુધન્વા જેમ ઊકળતા તેલના પેણામાં નાચી રહ્યો હતો તેમ હું મારી આસપાસ સળગી રહેલ અગ્નિમાં અત્યાનંદ ભોગવી રહ્યો છું. અહિંસાનું સ્વરૂપ હવે જ પ્રગટ થઈ શકશે. તમારે જે લખવું હોય તે લખ્યા કરવું. જરા પણ ક્ષોભ ન રાખવો. તમારા વાતાવરણને શુદ્ધ કર્યા કરજો. ઉર્દૂ કલમ તમારી પૂરી તેજસ્વી થાઓ એ ઇચ્છું છું. તમારો બહાર ખપ છે, છતાં તમારી જેલ પૂરી કરી શકો એ ઇચ્છું છું. બહારની દુનિયામાં શું થાય છે તેને વિશે તમારે વાળ સરખો ઊભો ન થવા દેવો. અમેરિકામાં ઘણા દુ:ખી છે તેનું આપણે શું કરીએ? તેમ જ તમારે જેલની બહાર.૪૦

૧૯–૨–’૨૨ના મહાદેવભાઈ પોતાના પત્રમાં ગાંધીજીને લખે છે:

મારા પરમ પ્રિય બાપુજી,

આપનો પત્ર એટલો આશીર્વાદરૂપ છે! વર્કિંગ કમિટીના ઠરાવોએ મને એટલો બધો દુખિત કરી મૂક્યો હતો! આપની નિકટ હોવાની જો મેં કોઈ દિવસ ઝંખના કરી હોય તો તે આ ચિંતાભર્યા દિવસોમાં. એક પછી એક આવતા આંચકાઓએ મને અને બીજા ઘણાને તદ્દન અસ્વસ્થ કરી મૂક્યા. મારા રોજિંદા કાર્યક્રમને ખલેલ પહોંચાડી અને મારી સઘળી શાંતિ હરી લીધી. ચૌરીચૌરા અંગેના આપના લેખથી થોડી શાંતિ મળવાનું શક્ય બન્યું પણ મારી બધી શંકાઓનું હજી નિવારણ થયું નથી. મારા માટે આપ પ્રાર્થના કરો એમ માગું છું.

અમે બધા હંમેશ માફક સુખમાં છીએ. પણ અમારી માફક હકથી લાભ ન મળવાને કારણે જેઓ દુ:ખો સહન કરી રહ્યા છે તેમના તરફ અમારું હૃદય ખેંચાય છે. રાજગોપાલાચાર્ય, અલીભાઈઓ અને જયરામદાસ વિશે આપે જે લખ્યું છે તે વાંચીને મને કંપારી છૂટી. જેમની કસોટી કપરી થાય છે તેઓ જ સૌથી વધુ નસીબદાર છે, અને છેવટે સૌથી વધુ ધન્યતા અનુભવે છે. બીજાને બદલે સહન કરવાનો કોઈ પ્રકાર આપ સૂચવી શકો છો? જોકે હું જાણું છું કે એ કોઈ સૂચવવા જેવી બાબત નથી, એ તો એની મેળે કરવાનું હોય છે.

આ જ પત્રમાં મહાદેવભાઈ ખ્વાજાસાહેબ પાસે પોતે ઉર્દૂ શીખતા હતા તેમાં પ્રગતિનો અહેવાલ આપે છે:

મેં ઉર્દૂ શીખવાનું શરૂ કર્યું છે અને ઠીક પ્રમાણમાં પ્રગતિ કરી છે. ખ્વાજા પાસે ઉર્દૂ શીખવું એ એક અનેરો લાભ છે. પણ હું તો આપવખાણ કરું છું કે ચેલાને યોગ્ય ગુરુ મળ્યા છે તેટલા જ પ્રમાણમાં ગુરુને યોગ્ય ચેલો મળ્યો છે. મારા સુંદર ઉર્દૂ અક્ષરનો નમૂનો મોકલું છું. એ એવી તો ભવ્ય લિપિ છે! જાણે મુસલમાનોની પ્રાચીન જાહોજલાલીનું પ્રતીક! હું ઉર્દૂના અભ્યાસ પાછળ રોજના લગભગ બે કલાક ગાળું છું અને એકાદ મહિનામાં ઠીક ઠીક ઝડપે ઉર્દૂ વાંચી શકીશ એવી આશા રાખું છું. અમારે અહીં તો જાણે ભાષા વિદ્યાભવન છે. ઉર્દૂ શીખવવા ઉપરાંત ખ્વાજા ઉર્દૂ શાયરીમાંથી રોજ થોડી બેતો, અને કુરાનમાંથી મહત્ત્વની કલામો મને આપે છે. મારા પક્ષે હું ખ્વાજાને ઉપનિષદમાંથી થોડુંક આપું છું, અને ગીતામાંથી કાંઈક આપવા વિચારું છું. એમની સાથે થોડું હિંદી પણ વાંચું છું.

પોતાના અભ્યાસનું વિવરણ આપતાં મહાદેવભાઈ લખે છે:

રામનરેશજી સાથે મેં બાલકાંડ અને અયોધ્યાકાંડ પૂરા કર્યા છે અને નૈનીમાં મેં સુંદરકાંડ પૂરો કર્યો હતો. એટલે બાકીનું વીસેક દિવસમાં પૂરું કરવાની આશા રાખું છું, કારણ, બાકીનું તો પ્રમાણમાં સહેલું છે. રોજ સવારે રામાયણ વાંચવામાં બહુ આનંદ આવે છે. એના વાચન માટે જ્યારે વહેલી પરોઢનો શાંત સમય પસંદ કરવામાં આવે છે ત્યારે વાચક તુલસીના સ્વચ્છ સલિલમાં જાણે ઓગળી જાય છે. રામાયણ, રામનો કાવ્યમય ઇતિહાસ કરતાં વધુ તો આધ્યાત્મિક કથા છે.

પત્રને પૂરો કરતાં તેઓ કહે છે:

આપને જાણીને આનંદ થશે કે હું નિયમિત કસરત કરું છું અને નવ રતલ વજન મેળવ્યું છે. નૈનીમાં એ ૧૧૯ હતું, અહીં ૧૨૮ છે.

આ હું લખી રહ્યો છું ત્યારે ખ્વાજાની આસપાસ ટોળે વળેલા હિંદુ અને મુસલમાન મિત્રોના શ્રોતાગણ આગળ, હમણાં શીખેલા, નીચે જણાવેલા શ્લોકો એ દમામભેર ગાઈ રહ્યા છે:

अग्निर्यथैको भुवनं प्रविष्टो
रूपंरूपं प्रतिरूपो बभूव ।
अेकस्तथा सर्वभूतान्तरात्मा
रूपंरूपं प्रतिरूपो बहिश्च ।

આમ જીવન કાવ્યની માફક વહી રહ્યું છે. બીજે કઠોર દુ:ખ ન હોત તો કેવી સારી વાત હોત!

અગાધ પ્રેમ અને પ્રણામ સાથે

હમેશ આપનો મહાદેવ૪૧

ત્યાર બાદ ઉર્દૂમાં સુંદર અક્ષરે લખ્યું છે: ‘મહાત્મા ગાંધી’

આ પછી એટલે કે ૨૨મી ફેબ્રુઆરીએ મહાદેવભાઈ ચૌરીચૌરા પ્રકરણ આગળ ચલાવે છે. અલબત્ત, તે પત્રમાં આગલા પત્ર જેવી ઉગ્ર મૂંઝવણ નથી, પણ ચૌરીચૌરાની ઘટના પાછળનાં કારણો જોતાં એ પ્રસંગને પણ માલેગાંવના કિસ્સાની માફક અલગ ગણી શકાય એવો વર્ણવવા પ્રયત્ન કર્યો છે. આગલો પત્ર લખતી વખતે જે મન:સ્થિતિ હતી તે સમજાવતાં આગ્રાથી ૨૨ ફેબ્રુ. ૧૯૨૨ના પત્રમાં મહાદેવભાઈ લખે છે:

રંગા આયરના પત્રમાંના આપના ઉદ્ગાર વાંચી મારા પત્રના સંબંધમાં આપ શું ધારશો તેનો હું ઉચાટ કર્યા જ કરી રહ્યો છું. આપે પણ આપના પત્રમાં પૂછ્યું છે કે, ‘ઠરાવો જોયા હશે અને તમને ગમ્યા હશે.’ મેં જે ધાર્યું હતું તે લખવાની મારી ફરજ સમજી મેં લખ્યું. ચાર દહાડા એ પત્ર રાખી મૂક્યો; એમાં રહેલા ક્રોધ માટે એક ઉપવાસ કર્યો; પછી શાંતિ મેળવી બાકીનો ભાગ લખ્યો છતાં, (એ પત્રમાંનો) ઉપરનો ભાગ મોકલ્યો તે તો એટલા જ કારણે કે આપ મારા મનની યા તો બુદ્ધિની મલિનતા જોઈ લો. પણ રંગા અને મારી સ્થિતિ જુદી છે. મેં તો કેવળ સ્થિતિ વધારે સમજવાને માટે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. જેલમાં રહ્યા રહ્યા બહારની સ્થિતિ અમે શું સમજીએ? એ ઠીક વાત છે; પણ હિંસા-અહિંસાનો academic (કેવળ તાર્કિક રીતે) વિચાર તો જરૂર કરી શકીએ.૪૧

આ પત્રને અંતે જેલમાં પડેલા કેદીઓએ બહારની પરિસ્થિતિને પ્રત્યક્ષપણે સમજ્યા વિના તેમાં માથાં ન મારવાનો સત્યાગ્રહી નિયમ યાદ કરીને મહાદેવભાઈ માનસિક નિવૃત્તિ અને નિશ્ચિંતતા અનુભવી રહે છે:

જેલીઓની સ્થિતિ વિશે બે બોલ લખી દઉં. હું જેમ જેમ વિચાર કરતો જાઉં છું તેમ તેમ વર્કિંગ કમિટીએ કરેલા નિશ્ચયની યોગ્યતા વધારે ને વધારે સમજતો જાઉં છું. પણ મારું માનવું તો એવું છે કે એ ઠરાવમાં કાંઈ ભૂલ હોય તોપણ જેલીઓને શું? — જ્યાં સુધી આપણી ત્રણ માગણીઓ છે તે છોડી દેવામાં ન આવે — compromise કરવામાં [છૂટછાટ મૂકવામાં] ન આવે ત્યાં સુધી. વર્કિંગ કમિટીના ઠરાવથી આપણી ત્રણ માગણીઓ છોડી દેવામાં તો નથી જ આવી એટલું સૌએ સમજવું જોઈએ, અને શાંત થવું જોઈએ. એટલું સૌના લક્ષમાં રહે તો પછી બાહ્ય સંજોગો જોઈને દેશના નેતાઓ જે યોગ્ય ધારે તે કરે તેમાં જેલીઓને શી પરવા હોવી જોઈએ?

तुका म्हणे उगी रहा जे जे होईल ते ते पहा ।

તટસ્થ રહીને. જે થાય તે જોયા કરવું.

મારા પત્રોના ઉત્તરની હું હમેશાં આશા રાખું છું એમ ન સમજશો. હું ખુશ છું.’૪૩

હવે આપણે મહાદેવભાઈના પરિવાર તરફ સહेજ દૃષ્ટિ કરીએ.

ગાંધીજીના અસહકારના આંદોલને હિંદના સેંકડો પરિવારોને જેલનો પહેલવહેલો પરિચય કરાવ્યો. પરિવારના ઉછેર અને પરિસ્થિતિ મુજબ જુદા જુદા લોકોએ આ અવનવા અનુભવને જુદી જુદી રીતે મૂલવ્યો હશે. પણ એકંદરે આખા દેશને તો એ કાર્યક્રમે અભયનો પાઠ જ શીખવ્યો.

મહાદેવભાઈને કોર્ટમાં પુષ્પહાર અને કુમકુમ તિલક વડે દુર્ગાબહેને વળાવેલા એ આપણે જોઈ ગયા. ૧૯૧૯ના છેવટના દિવસોની એક પછી એક થતી ઘટનાએ દુર્ગાબહેનના વ્યક્તિત્વમાં કાંઈ અજબ ઓજસ પ્રગટાવ્યું હતું. મહાદેવભાઈના જેલવાસ પછી દુર્ગાબહેને દેવદાસભાઈને હસ્તલિખિત દૈનિક इन्डिपेन्डन्ट કાઢવામાં મદદ કરવા માંડી હતી. નિયમિત રીતે તેઓ છાપાની ગડી વાળવામાં, એની પર ટિકિટ ચોડવામાં, એને ટપાલમાં રવાના કરવામાં અમુક સમય આપતાં. નૈની જેલમાં મહાદેવભાઈ સાથે જે અમાનુષી વહેવાર કરવામાં આવ્યો હતો તે જોઈ-સાંભળીને પણ દુર્ગાબહેન દીન નહોતાં બન્યાં, બલકે તેથી તેમનો પુણ્યપ્રકોપ જ પ્રગટ્યો હતો. મનમાં મનમાં તેઓ મોતીલાલજી અને જવાહરલાલજી સાથે જેલ અધિકારીઓ જે વહેવાર રાખતા તેની સાથે મહાદેવભાઈ સાથે રાખવામાં આવતા વહેવારની સરખામણી પણ કરી લેતાં. પણ એમની પોતાની ભૂમિકા કંથને રણાંગણમાં વળાવી આવેલ ગૌરવંતી રજપૂતાણી જેવી હતી. મિત્ર નરહરિભાઈએ મહાદેવના જેલવાસના સમાચાર સાંભળી દુર્ગાબહેનને કાંઈક આશ્વાસન આપતો પત્ર લખ્યો હશે એના જવાબમાં અલાહાબાદથી દુર્ગાબહેને જે કાગળ લખ્યો તે સત્યાગ્રહના સાહિત્યમાં અવિચળ સ્થાન પામે તેવો છે:

તમને તે પ્રિય ભાઈ લખું કે બાઘાભાઈ!

‘બાઘા’ એટલા માટે કે તમે તો જાણો છો કે મને કેટલી કેળવણી મળી છે ને મારું જ્ઞાન કેટલું છે છતાં તમે લખો છો કે હવે તમે ઍડિટર થાઓ. તોપણ એટલું તો અભિમાન મને છે કે હું એવા વીરની પત્ની છું કે જેની લેખનીનો તાપ સરકાર જીરવી ન શકી.

તમે લખો છો કે મોજ કરો. હું તો મોજ જ કરું છું, કારણ, અમે શરીરથી જુદાં પડ્યાં છીએ પણ અમારાં હૃદયને કોણ જુદાં પાડી શકે એમ છે? જ્યારથી તેઓ જેલમાં ગયા ત્યારથી દિવસના અને રાત્રે સ્વપ્નમાં પણ એમનો ‘પંડિત’ ‘પંડિત’નો ધ્વનિ મારા આગળ ગુંજ્યા કરે છે. અને એ ધ્વનિની સાથે હું મારા હૃદયને રમાડી રહી છું.

માત્ર તેઓને મળવા ગઈ ને ત્યાં એમની સાથે જે વર્તન રાખવામાં આવ્યું છે અને પંડિત મોતીલાલજી અને જવાહરલાલજીની સાથેના વર્તનને સરખાવું છું ત્યારે કંઈક દુ:ખ થાય છે. પણ મોતીલાલજી તો સિંહ છે. એમનાથી સૌ ડરે છે પણ એ લોકોને ખબર નથી કે એ પણ સિંહના જ બચ્ચા છે. સિંહના બચ્ચાને પાંજરામાં પૂરીને સતાવે તેમાં શું? બહાર રાખીને સામે બાથ ભીડે ત્યારે ખરી મરદાની.

એમનું કામ દેવદાસભાઈએ ઉઠાવી લીધું છે. અને એમને પકડે તો બીજા પણ નિભાવી લેશે. એની એ લોકોને ક્યાં ખબર છે? એ લોકોની બુદ્ધિ બગડી છે. એ તો વિનાશકાળે વિપરીત બુદ્ધિ.

મને જરાયે દુ:ખ થતું નથી, કારણ, હું તો એમને કોર્ટમાં મૂકીને આવી ત્યારે ઈશ્વરને સોંપીને આવી હતી. મને વિશ્વાસ છે કે જેની ઈશ્વર રક્ષા કરે તેની ઉપર ગમે તેટલી મુસીબતો સહન કરવાની (આવે) પણ એના આત્માને કોણ હાનિ પહોંચાડી શકે એમ છે? મને ધીરા ભક્તના ભજનનાં વાક્યો પર પૂર્ણ વિશ્વાસ છે:

જેને રામ રાખે રે તેને કોણ મારી શકે?
અવર ના દેખું રે, બીજો મારા પ્રભુ પખે.

હવે દેવદાસભાઈના પકડાવાની રાહ જોઈ રહી છું. ત્યાર પછીથી આશ્રમમાં આવીશ. છોટુભાઈને કહેજો કે મારી બાને કહે કે મને ઈશ્વરે પૂર્ણ હિંમત આપી છે. મારી ચિંતા ન કરે.

લિ. દુર્ગાના પ્રણામ૪૪

મહાદેવભાઈની બદલી જ્યારે નૈનીથી આગ્રા જેલમાં થઈ ત્યારે દુર્ગાબહેન એમની જોડે મુલાકાત લેવા આગ્રા ગયેલાં અને છેવટે મહાદેવભાઈને લખનૌ લઈ ગયા ત્યારે ત્યાં પણ બનતાં સુધી ગયેલાં.

મહાદેવભાઈના પિતાશ્રી હરિભાઈની મન:સ્થિતિ દુર્ગાબહેન જેટલી દૃઢ નહોતી. નૈની જેલની કુત્સિત અવસ્થાનું વર્ણન વાંચી હરિભાઈ ભાંગી પડ્યા હતા. ડિસેમ્બર ૧૯૨૧ની આખરે અમદાવાદમાં ભરાયેલી કૉંગ્રેસમાં હાજરી આપવાનો એમનો ઇરાદો હતો, તે મહાદેવના સમાચાર સાંભળીને તેમણે માંડી વાળ્યો હતો. અમદાવાદ જવાને બદલે તેમણે જેલમાં મહાદેવની મુલાકાત લેવાનો વિચાર કર્યો. જેલમાં મુલાકાત મેળવવા સારુ તો પહેલેથી પત્રવ્યવહાર કરીને પરવાનગી માગવી પડે. એમાં થોડો વખત ગયો. પણ છેવટે ૧૬મી જાન્યુઆરીની મુલાકાત ગોઠવાઈ. મહાદેવભાઈના પિતરાઈ ભાઈ છોટુભાઈ જોડે મુલાકાત સારુ જવાનું ઠર્યું. મુલાકાતના એક દિવસ અગાઉ જ મહાદેવભાઈએ ગાંધીજીને લખ્યું હતું, ‘મારા પિતા મને કાલે મળવા સારુ આવી રહ્યા છે. કદાચ આંસુ પણ પાડશે. મને દયા આવે છે. મેં લખ્યું છે કે હું બહુ જ મજામાં છું. આવવાની જરૂર નથી. પણ એ આટલે નાહકનો ખરચ કરીને આવવાના. શું થાય?’

દુર્ગાબહેન મુલાકાતે ગયાં ત્યારે તેમણે મહાદેવભાઈને સમાચાર આપ્યા કે એમની બહેન શાંતાબહેનની સગાઈ વેસમા ગામના એક યુવક અંબેલાલ જોડે થઈ છે. મહાદેવભાઈએ પિતાને આ સાંભળીને તરત લખ્યું:

‘હું જેલમાં બેઠો તો બીજું શું ઇચ્છું? ઇચ્છું છું કે એ બિચારીનું સૌભાગ્ય અખંડ અને સુખી રહે. છોકરાના ભણવાની મને આશા નથી. પણ ભણેલા ક્યાં શોધવા? કલ્યાણજીકાકા૪૫ સામે છે એટલે સારું છે.’૪૬

અનાવિલ કોમમાં દીકરીનાં લગ્નનું તો મોટું ખરચ થાય. વળી કાંઈક વાંકડો પણ આપવો પડે. પિતાની આર્થિક સ્થિતિ તો સામાન્ય હતી. તેથી એ અંગે મહાદેવભાઈને ચિંતા થઈ. તેમણે હરિભાઈને લખ્યું:

મારી પાસે બૅંકમાં ફિક્સ્ડ ડિપૉઝિમાં ૨,૬૦૦ રૂપિયા છે. તેમાંથી ઉપાડાય તેમ તો નથી. પણ તમને જેટલાની જરૂર હોય તેટલાનું મને લખશો તો હું મથુરાદાસ૪૭ યા વૈકુંઠ૪૮ યા બીજા ગમે તે મિત્ર પાસે લઈને મોકલી આપીશ. ભીડ ન ભોગવશો. હું જેલની બહાર હોત તો કાંઈક ઉપયોગી થાત. હવે તો તમારે ભાર વહેવાનો રહેવાનો. નાના૪૯ ત્યાં છે તેથી જરા આશ્વાસન છે. છોટુ૫૦ તો સાત-આઠ દહાડાની રજા લઈને આવશે.

આ કાગળમાં મહાદેવભાઈએ હરિભાઈને એમ પણ જણાવ્યું કે છોટુભાઈ મુલાકાતે આવવાના છે તે ભલે આવે. એમની જોડે દુર્ગાને દિહેણ મોકલાવીશું. ‘તમને તો હું નકામા ખરચ અને તકલીફમાં નથી નાખવા માગતો. માટે આવો નહીં.’ એ સાથે જ મહાદેવભાઈએ છોટુભાઈને પણ કાગળ લખીને જણાવ્યું કે, ‘મને મળી જજો. બાપુજીને સમજાવીને લાવશો નહીં. કહેજો જરૂર જણાશે તો ફરીથી જઈશું. હમણાં ઠંડી વધારે છે.’૫૧

આ પત્રો હરિભાઈ તથા છોટુભાઈને દિહેણથી નીકળતાં પહેલાં મળી ગયા. મૂળે તો હરિભાઈનું મન જ ભાંગી પડ્યું હતું, તેમાં મહાદેવની ના આવી અને છોટુભાઈએ પણ પોતાની રીતે સમજાવ્યા હશે. એટલે તેમણે આગ્રા જવાનો વિચાર પડતો મૂક્યો.

જેલની મુલાકાતનું વર્ણન છોટુભાઈએ કર્યું:

મને જોતાં જ મહાદેવ ભેટી પડ્યા. બધા સાગરીતોને કહે, ‘ચાલો હવે સેલમાં જઈએ. ઘેરથી મારા ભાઈ મળવા આવ્યા છે.’ ત્યાં બધા સાથે ખૂબ ખૂબ વાતો કરી. પછી બિસ્કિટ અને ચા ખવડાવ્યાં. મહાદેવ પોતે જ ચાના ‘ભક્ત’ હતા. કહે: ‘અહીં એક નહીં, બે કપ ચા પીવાની. વધુ પણ પિવાય — પણ બેથી ઓછી તો નહીં જ.’ બીજાઓને મીઠાઈ કાઢી ઘેરથી આવેલી છે એમ કહેવા લાગ્યા. મહાદેવભાઈએ કહ્યું, ‘જોયું? આ જેલ! ખાવાનું ઘરના કરતાં વધુ મળે છે — અપચો થાય ત્યાં સુધી. તમે ઘેર જઈને બાપુજીને બધું કહેજો.’૫૨

શાંતાબહેનના લગ્નના ખર્ચ અંગે પણ મહાદેવભાઈએ વાત કાઢી. છોટુભાઈ જોડે પણ કહેવડાવ્યું કે પોતાની પાસેના પૈસા પોતે આપશે, પિતા ચિંતા ન કરે.

દુર્ગાબહેન આ જ અરસામાં અલાહાબાદથી આગ્રા આવ્યાં. એવી જ ગોઠવણ થઈ હતી. તેઓ છોટુભાઈ જોડે દિહેણ ગયાં.

મહાદેવભાઈએ આગ્રાની જેલમાંથી નરહરિભાઈને પત્ર લખીને જણાવેલું કે તમે લગ્ન વખતે દિહેણ જવાનું ચૂકશો નહીં. અને મારા બાપુજીને કહેશો કે જરાય ભીડ ન વેઠે. હરિભાઈએ પણ નરહરિભાઈને લખ્યું કે, ‘મહાદેવ જેલમાં છે તે વખતે લગ્ન કરવાં પડે છે તેનું મને બહુ દુ:ખ થાય છે, પણ છૂટકો નથી. તમે આવશો તો મને એટલો સંતોષ થશે.’૫૩ લગ્નપ્રસંગે નરહરિભાઈ અને મણિબહેન બસની સગવડ નહોતી છતાં સરભોણથી દિહેણ ગયાં. સાબરમતી આશ્રમથી પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. આ પ્રસંગે નરહરિભાઈએ હરિભાઈને પૈસા અંગે મહાદેવે લખેલ સંદેશો કહી સંભળાવ્યો. પણ હરિભાઈએ એ વાત કાને ન ધરી. એમણે કહ્યું, ‘ખરચની બધી જોગવાઈ મેં કરી રાખી છે. પણ મહાદેવની ગેરહાજરીમાં મારે આ પ્રસંગ ઉકેલવાનો આવ્યો છે એનું મને દુ:ખ છે, પણ શું થાય?’૫૩

દિહેણ ગયા પછી દુર્ગાબહેનને વિરહની વ્યથા વધુ સાલી હશે. તેથી અલાહાબાદની કોર્ટમાં તો ગૌરવભેર વિદાય આપી હતી પણ હવે કોઈ કોઈ કાગળમાં તેમના દિલની કમજોરી પણ પ્રગટ થવા માંડી.

મહાદેવભાઈ જેલમાં ગયા એને લીધે એમના સાબરમતી આશ્રમના સાથીઓ ગૌરવ અનુભવતા હતા. મહાદેવભાઈએ નરહરિભાઈને લખ્યું:

તમે બધા મારા જેલમાં જવા ઉપર આટલા ફિદા શા ઉપર થઈ ગયા તે નથી સમજતો… માણસ મરી જાય ત્યાર પછી એની ભારે કદર થાય છે એ જાણ્યું છે, પણ જેલમાં જવાથી તેને મરણ પામ્યા પછીના અધિકાર મળી જાય છે એ તો મેં મારા વિશે જ જાણ્યું. ‘ઘડીક વાર એવું થઈ જાય છે કે આટલી પ્રશંસા પછી મરી જઈએ તો સારું, કે હવે પછી કાંઈ બૂરો વખત આવે તો એ વખાણને અપાત્ર ઠરાવી શરમાવું ન પડે.૫૪

ચૌરીચૌરાના કાંડ અને એને લીધે ગાંધીજી તથા કૉંગ્રેસની કારોબારીએ લીધેલા નિર્ણય અંગે મહાદેવભાઈએ મનોમંથન તો ખૂબ અનુભવ્યું હતું. પણ પછી વિચાર્યું કે જેલના કેદીએ બહારની પરિસ્થિતિ અંગે નાહકનો વલોપાત ન કરવો જોઈએ. એટલે એમણે લેખનકાર્યમાં પોતાનું મન પરોવવાનો નિશ્ચય કર્યો. એમ તો લૉર્ડ મોર્લીના ऑन कॉम्प्रोमाइझ પુસ્તકનું ભાષાંતર એમણે લગભગ આખું કરી રાખેલું પણ એને છેવટનું સુધારીને પ્રસિદ્ધ કરવા લાયક કરવા સારુ મૂળ હસ્તપ્રત નરહરિભાઈ પાસે મગાવી. પણ એમની પેટીની ચાવી ન મળવાથી નરહરિભાઈ તે લખાણ મોકલાવી ન શક્યા. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની विराजवहु અને ત્રણ વાર્તાઓનો અનુવાદ મહાદેવભાઈએ જેલવાસ દરમિયાન કર્યો. ઉત્તમ ભાષાંતર તરીકે આજે પણ આ અનુવાદો ગુજરાતમાં વખણાય છે.

સાત માસ આગ્રામાં વિતાવ્યા પછી મહાદેવભાઈ અને બીજા કેટલાક સાથીઓની બદલી લખનૌ જેલમાં થઈ. એ જેલમાં જવાહરલાલજી પણ હતા. ૧૧મી જુલાઈ, ૧૯૨૨ને દિન જવાહરલાલજીએ પોતાની નોંધપોથીમાં ટપકાવ્યું છે: ‘આજે મહાદેવ, રામનરેશ ત્રિપાઠી અને બીજા કેટલાકને આગ્રા જેલમાંથી અહીં લાવવામાં આવ્યા.’

મહાદેવ અને જવાહર બંને હતા તો એક જેલમાં પણ તેમને બૅરેક જુદી જુદી મળી હતી. ૧૫મી ઑક્ટોબરે બંનેને એક બૅરેકમાં લાવવામાં આવ્યા, એની પણ જવાહરલાલ ખાસ નોંધ કરે છે. ૨૧મી ડિસેમ્બરે જેલમાં સૌ સાથીઓએ મળીને મહાદેવનો જન્મદિવસ ઊજવ્યો, તે મહાદેવની હિન્દુ તિથિ મુજબની વરસગાંઠને દિવસે હશે. જેલવાસના સહવાસ દરમિયાન જવાહર અને મહાદેવ બેય વાચનપ્રેમીઓએ જેલમાં મેળવી શકાય એવાં અનેક પુસ્તકો ઉથલાવ્યાં હતાં એટલું જ નહીં પણ અનેક વિશે ચર્ચાઓ પણ કરી હતી. કમનસીબી એ છે કે જ્યારે ગાંધીજી સાથે નથી હોતા ત્યારે મહાદેવ ડાયરી નહોતા લખતા અને જવાહરની નોંધપોથીમાં તો માત્ર એક એક બબ્બે વાક્યોનું ટાંચણ જ છે. નહીં તો જેલવાસ દરમિયાન ચાલેલા સ્વાધ્યાયની આપણને સારી નોંધ મળી હોત.

૧લી સપ્ટેમ્બરને દિવસે ખાસ મહાદેવને મળવા કલકત્તાથી ઊર્મિલાદેવી આવ્યાં હતાં. ઊર્મિલાદેવી એટલે દેશબંધુ ચિત્તરંજન દાસનાં બહેન. ગાંધીજીનો એક વાર કલકત્તામાં એમને ત્યાં મુકામ થયેલો ત્યારથી મહાદેવ પર મુગ્ધ થઈ ગયેલાં અને મહાદેવને પોતાનો પુત્ર માનેલો. આ માતાપુત્રનો સંબંધ મહાદેવની આખી જિંદગી લગી અને મહાદેવના ગયા પછી દુર્ગાબહેન અને નારાયણ જોડે ઊર્મિલાદેવીના છેવટના દિવસ સુધી એવો ને એવો મધુર રહેલો. મહાદેવના મરણ પછી એમને અંજલિ આપતો એક લેખ ઊર્મિલાદેવીએ લખ્યો હતો. મહાદેવભાઈને અંજલિ આપતા લેખોમાં એ લેખ વિશેષ ધ્યાન ખેંચે તેવો છે.૫૪અ

ઑક્ટોબરની ૧૭મી તારીખે જવાહરલાલજી નોંધે છે કે હવે અમે અમારી બૅરેકમાં માત્ર સાત જણ જ છીએ. પુરુષોત્તમદાસ ટંડન, મહાદેવ, દેવદાસ, વેંકટરામન અને બે બીજા.

મહાદેવ માટે ગુજરાતથી આવેલું સૂરણ તેઓ સૌને આગ્રહ કરીને ખવડાવે છે એવી વાત પણ જવાહરલાલજીને નોંધવાલાયક લાગી છે!

જ્યૉર્જ જોસેફ તો મહાદેવભાઈ પહેલાં इन्डिपेन्डन्टના તંત્રી હતા. બંને જણ એકસરખા આરોપસર જ પકડાયા હતા. અને બંનેને એક એક વર્ષની સજા થઈ હતી. જ્યૉર્જ મહાદેવભાઈથી પાંચ વર્ષ મોટા હતા. ઉત્તમ લેખક ઉપરાંત પ્રભાવશાળી વક્તા પણ હતા. હજી હાલમાં તેમની પુત્રીએ તેમની ટૂંકી જીવનકથા લખી છે. એ જીવનકથામાં તેઓ આ જેલવાસ દરમિયાન તેમના પિતાએ તેમની માતાના નામે લખેલ એક પત્રનો ઉલ્લેખ કરે છે. એ પત્રમાં શ્રી જોસેફ પોતાનાં પત્નીને કહે છે કે મહાદેવ જેવી કક્ષાના માણસના નિકટના સાથી બનીને રહेવાનો મોકો મળ્યો એ એમનું અહોભાગ્ય કહેવાય.

એમ તો આગ્રાની જેલમાં મહાદેવભાઈને કશી તકલીફ નહોતી. એમનું વજન પણ જેલવાસ દરમિયાન પંદરસોળ રતલ વધ્યું હતું! પણ એટલામાં સમાચાર આવ્યા કે ગાંધીજીને તેમના કેટલાક લેખોને સારુ ગિરફતાર કરવામાં આવ્યા. હજી તો ખટલોયે નહોતો ચાલ્યો ત્યાં ગાંધીજીએ મહાદેવને પત્ર લખ્યો, જેમાં જેલજીવન અંગે સત્યાગ્રહીની મનોવૃત્તિ સ્પષ્ટ થાય છે:

સાબરમતી જેલ,
મૌનવાર (૧૭–૩–’૨૨)
ચિ. મહાદેવ,

તમને કદાચ ઘણા વખત સુધીનો (આ) છેલ્લો કાગળ હશે. તમે ત્યાં સેવા કરો છો એમ માનજો. મારી સેવા અહીં શરૂ થાય છે, મનથી, વાચાથી ને કાયાથી જેલના નિયમો પાળવાનો આગ્રહ રાખીશ. રાગદ્વેષાદિ કહાડવાનો ભારે પ્રયત્ન કરીશ. ને જો હું જેલમાં ખરેખર વધારે સ્વચ્છ થતો જઈશ તો તેની અસર બહાર પણ પડશે જ. મારી શાંતિનો તો આજે જ પાર નથી. પણ જ્યારે સજા મળશે ને લોકોનું આવવું પણ બંધ થશે ત્યારે શાંતિ વધશે.

એક સવાલ થઈ શકે છે. જો એમ જ વધારે સેવા થતી હોય તો કાં જંગલમાં જઈને [ન] વસવું? એનો જવાબ સીધો છે. જંગલમાં જઈને વસવું એ તો મોહ થયો, કેમ કે એમાં ઇચ્છા આવે છે. ક્ષત્રીને તો સહેજે પ્રાપ્ત થાય એ ધર્મ. જેલ સહેજે પ્રાપ્ત થાય, તેની શાંતિ ફાયદો કરે. ઈશ્વરની શી ખૂબી? બારડોલીમાં પૂરી શુદ્ધિ કરી. દિલ્હીમાં કંઈ મેલ ન ચડાવ્યો. પણ તે જ વાતને લોકોને રુચે તેવી ભાષામાં મૂકી મેં વધારે શુદ્ધિ કરી, કેમ કે મારી દૃઢતાની સાથે રહેલી કોમળતા બતાવી. ત્યાર પછી પણ यंग इन्डिया, नवजीवन દ્વારા કેવળ શુદ્ધિ જ કરી. અહિંસાનો લેખ લખ્યો, પતંગનો નાચ પણ લખ્યો. એમ વધારેમાં વધારે શુદ્ધિને સમયે ‘વૈષ્ણવ જન’ ગાતાં ગાતાં પકડાવા ચાલ્યા જવું, આમાં કુશળ ન હોય તો બીજું શું હોઈ શકે?

બાપુના આશીર્વાદ૫૫

ગાંધીજી પર અમદાવાદના સર્કિટહાઉસમાં ચાલેલો ખટલો પાછળથી The Great Trial (મહાન ખટલો) નામે ઓળખાયો. ખટલાની વિગતો ભારતની આઝાદીના ઇતિહાસમાં અભ્યાસુઓ સારુ રોમાંચકારી છે. પરંતુ આપણી કથા સારુ તે અપ્રસ્તુત વિષય હોઈ આપણે માત્ર એટલો જ ઉલ્લેખ કરીશું કે ખટલાને અંતે તેમને છ વરસની સજા થઈ.

આ સમાચાર આવ્યા ત્યાર પછી થોડા જ દિવસોમાં એક એવી અફવા ઊડી કે ગાંધીજીને જેલમાં ફટકા મારવામાં આવ્યા છે! આ અફવાથી મહાદેવભાઈનું દિલ વલોવાય નહીં તો જ નવાઈ કહેવાય. સરકારે આ અફવાનું ખંડન કર્યું તોપણ મહાદેવભાઈના જીવને એટલાથી શાંતિ ન વળી. તેમણે પોતાના બે અનન્ય મિત્રો — વૈકુંઠભાઈ મહેતા અને સૈયદ અબદુલ્લા બ્રેલ્વીને — પત્રો લખીને સાચી માહિતી મગાવી. આ વખતે વૈકુંઠભાઈના પિતાશ્રી લલ્લુભાઈ શામળદાસ મહેતા સરકારી કાઉન્સિલ ઑફ સ્ટેટના એક સભ્ય હતા. મહાદેવભાઈને અને સર લલ્લુભાઈને કુટુંબીજન જેવો નાતો હતો. પણ તેમનું સરકારમાં જે સ્થાન હતું તે જોતાં એમને નામે સીધો પત્ર લખીને એમને કાંઈક મૂંઝવણમાં ન મૂકવાની દૃષ્ટિએ જ મહાદેવભાઈએ પોતાના બે યુવામિત્રોને પત્ર લખીને આ અફવા અંગે પૂછપરછ કરી. સર લલ્લુભાઈએ જાતે જ મહાદેવભાઈને પત્ર લખીને આ બાબતમાં નિશ્ચિંત કરી દીધા.૫૬

છ માસ લખનૌ જેલમાં વિતાવ્યા બાદ, ૨૩મી જાન્યુઆરી, ૧૯૨૩ને રોજ પ્રથમ કારાવાસમાંથી મુક્ત થયા ત્યારે તેઓ એક અર્થમાં સત્યાગ્રહના શાસ્ત્રમાં સ્નાતક થઈ ગયા હતા. તેમણે આનંદપૂર્વક કષ્ટ વેઠ્યું હતું, બીજાનાં કષ્ટોમાં પોતાની જાતને ભાગીદાર ગણી હતી, પોતાના સમયનો ક્ષણેક્ષણનો ઉપયોગ કર્યો હતો, શરીર સુધાર્યું હતું, કુટુંબ સાથેની પ્રીતિ દૃઢ કરી હતી, અપ્રમાદથી સ્વાધ્યાયપ્રવચન ચાલુ રાખ્યાં હતાં, સત્યાગ્રહના શાસ્ત્ર, એની રણનીતિ અને એનાં દર્શન વિશે ઊંડું ચિંતન-મનન-મંથન કર્યું હતું અને સૌથી વધુ તો, તેમણે પોતાની આધ્યાત્મિક સાધનાની યાત્રામાં નવાં તીર્થાટનો કર્યાં હતાં. જોકે ગાંધીજીના પત્રો વિના એમની સ્થિતિ ચંદ્રની રાહ જોતા ચકોર જેવી થતી. તેથી એક પત્રમાં તેઓ લખે છે: ‘આપના પત્ર વિના તલસી સુકાઈ રહ્યો છું.’

નોંધ:

૧.   ૧૭–૧૧–૧૯૨૧ના રોજ પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈ બંદરે ઊતર્યા હતા.

૨.   આ સંદેશો नवजीवनના તા. ૧૫–૧૨–’૨૧ના વધારામાં છપાયો હતો.

૩.   ખરી તા. ૨૦ હતી.

૪.   તા. ૨૨મીએ.

પ.   महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૬૧થી ૧૬૩.

૬.   નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित, પૃ. ૯૩.

૭.   એજન, પૃ. ૯૪.

૮.   વજુભાઈ શાહ: महादेवभाई: પૃ. ૪૬થી ૫૧.

૯.   नवो करार: મૅથ્યુની વાર્તા: પ્રકરણ ૬, છંદ ૨૮.

Consider the lilies of the field, how they grow;
They toil nor, neither do they spin;
And yet I say unto you, That even Solomon
In all his glory was not arrayed like one of these.

૧૦.   અસલમાં પણ આ પ્રમાણે કૌંસમાં છે.

૧૧.   બ્રિટિશ સામ્રાજ્યનાં સંસ્થાનોમાં.

૧૨.   અંગ્રેજીમાં લખેલો પત્ર અહીં પૂરો થાય છે.

૧૩.   ઉપર આપેલો કાગળ અસલ કાગળ હતો અને એ સુપરિન્ટેન્ડેન્ટની મારફત મોકલવાનો હતો. એટલે એની ભાષા પણ પ્રમાણમાં અણગમતી ન બને એની કાળજી રાખી હશે. બાકી, જેલ અધિકારીઓ વિશે મહાદેવભાઈના ઉપર જે છાપ પડી હતી તેનું સાચું સ્વરૂપ તો હવે પછી આવતા તા. ૧૦–૧–’૨૨ના આગ્રા જતાં લખેલા કાગળ પરથી માલૂમ પડે છે.

૧૪.   महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૦૯થી ૧૧૬.

૧૫.   મોપલાઓએ મચાવેલા દંગલનો ઉલ્લેખ છે. તેઓને પકડવામાં આવ્યા હતા તેમાંથી કેટલાકને ૧૯–૧૧–’૨૧ના રોજ રેલવેના માલ લઈ જવાના એક બંધ ડબામાં ઠાંસી ઠાંસીને ભરી લઈ જવામાં આવ્યા હતા. બીજે દિવસે ડબો ખોલતાં માલૂમ પડ્યું કે તેમાંથી ૫૬ ગૂંગળાઈને મરી ગયા હતા. અને એ જ કારણે બીજા છ અને વળી બીજા આઠ મરી ગયા હતા.

૧૬.   महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૧૭થી ૧૧૯.

૧૭.   એજન, પૃ. ૧૨૨-૧૨૩.

૧૮.   એજન, પૃ. ૧૧૭ પાદટીપ.

૧૯.   શ્રુતિના અભ્યાસનું વ્યસન.

૨૦.   હિંદીના સુપ્રસિદ્ધ કવિ.

૨૧.   માલવિયાજીના બીજા ચિરંજીવી.

૨૨.   महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૨૯થી ૧૩૧.

૨૩.   આચાર્ય જે. બી. કૃપાલાની.

૨૪.   महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૩૧-૩૨.

૨૫.   એજન, પૃ. ૩૨-૩૩.

૨૬.   એજન, પૃ. ૩૩.

૨૭.   गांधीजीनो अक्षरदेह – ૨૨ : પૃ. ૨૧૭.

૨૮.   महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૩૨ની પાદટીપ.

   સવિનયભંગની ચળવળ શરૂ કરવાનું નક્કી થયું હતું અને એ તા. ૧–૨–’૨૨ના રોજ શરૂ કરવાની હતી પણ એ પહેલાં વાઇસરૉયને ખબર આપવી એ જરૂરી લાગવાથી એ દિવસે ચળવળ શરૂ ન કરતાં ગાંધીજીએ વાઇસરૉયને પત્ર લખ્યો હતો. એનો નિર્દેશ છે.

૨૯.   બાઇબલના जूना करारના આઠમા પુસ્તકમાં ઉલ્લેખ છે.

૩૦.   એનો અનુવાદ नवजीवनના તા. ૧૬–૨–’૨૨ના વધારામાં ‘ઘરનો ઘા’ના મથાળા નીચે છપાયો હતો.

૩૧.   महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૩૨થી ૧૩૪.

૩૨.   गांधीजीनो अक्षरदेह – ૨૨ : પૃ. ૩૭૫.

૩૩.   એજન, પૃ. ૩૭૬થી ૩૮૧માંથી સારવીને.

૩૪.   સને ૧૯૨૧ના એપ્રિલ માસમાં આ સ્થળે હુલ્લડ થયું હતું.

૩૫.   જ્હૉન બન્યનના पिल्ग्रीम्स प्रोग्रेसનું પૃ. ૪૪. Gather to-gether the tares, the chaff and stubble and cast them into the burning lake.

૩૬.   महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૩૪થી ૧૩૬.

૩૭.   એજન, પૃ. ૧૩૬-૧૩૭.

૩૮.   જવાહરલાલ નેહરુ: मारी आत्मकथा, પૃ. ૮૩–૮૪.

૩૯.   એજન, પૃ. ૮૭–૮૮માંથી સારવીને.

૪૦.   गांधीजीनो अक्षरदेह – ૨૩ : પૃ. ૬૫.

૪૧.   महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૩૭થી ૧૪૦.

૪૨.   એજન, પૃ. ૧૪૨.

૪૩.   એજન, પૃ. ૧૪૪.

૪૪.   નારાયણ દેસાઈ: मने केम वीसरे रे? પૃ. ૧૪૮–૧૪૯.

૪૫.   બંને પરિવારોના મિત્ર એવા શ્રી કલ્યાણજી શંકરજી દેસાઈ, વેસ્મા.

૪૬.   ચંદુલાલ ભ. દલાલ: स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो, પૃ. ૯૩.

૪૭.   મથુરાદાસ ત્રિકમજી.

૪૮.   વૈકુંઠભાઈ લ. મહેતા.

૪૯.   મહાદેવભાઈના કાકા બાપુભાઈ.

૫૦.   પિતરાઈ શ્રી છોટુભાઈ રેલવેમાં નોકરી કરતા હતા.

૫૧.   ચંદુલાલ ભ. દલાલ: स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो, પૃ. ૯૪.

૫૨.   એજન, પૃ. ૯૫.

૫૩.   નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित, પૃ. ૯૫.

૫૪.   ચંદુલાલ ભ. દલાલ: स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो, પૃ. ૯૬.

૫૪અ.   આખા લેખ માટે જુઓ शुक्रतारक समा महादेवभाई: પૃ. ૯૯.

૫૫.   गांधीजीनो अक्षरदेह – ૨૩ : પૃ. ૯૩–૯૪.

૫૬.   ચંદુલાલ ભ. દલાલ: स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो, પૃ. ૯૮–૯૯.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.