એકવીસ – नवजीवन

સહુને સાદર પ્રણામ, છેવટે બહાર આવ્યો છું. કેદખાનાના દરવાજામાં દાખલ થયો ત્યારથી સ્વરાજ્યની અને પરમાત્માની વધારે નજીક આવ્યો છું કે નહીં તે જુદી વાત. પણ તે વખત કરતાં આજે હું વિશેષ નમ્ર અને પાવન થયેલો છું, અને મારામાં શાંતિથી દુ:ખ સહન કરવાની વિશેષ શક્તિ આવેલી છે. કારાવાસમાં રહેવું એ એક સુખ હતું, પણ ત્યાંથી નીકળીને આલીશાન કારાવાસમાં ગુલામીની બેડીઓ તોડવાના દૃઢ સંકલ્પની સાથે દાખલ થવું એ પણ ઓછું સુખ નથી.

તેર માસનો કારાવાસ ભોગવી લખનૌ જેલમાંથી છૂટીને આવેલ સત્યાગ્રહી મહાદેવભાઈનું છૂટ્યા પછી બે દિવસે ૨૮–૧–’૨૩ના नवजीवन સારુ લખેલું આ નિવેદન અત્યંત સંક્ષેપમાં તેમની તે વખતની ભૂમિકા સ્પષ્ટ કરે છે. જીવનનું અંતિમ લક્ષ્ય સ્વરાજ્ય અને પરમાત્માની પ્રાપ્તિ. કારાવાસમાં મેળવેલી મૂડી: વધુ નમ્રતા, પાવનપણું અને શાંતિથી કષ્ટ સહન કરવાની શક્તિ. સ્વાધીનતાના યજ્ઞમાં હોમાવાનો દૃઢ સંકલ્પ.

એ વખતે ગાંધીજી જેલમાં હતા. તેમના પછી नवजीवन ચલાવતા સ્વામી આનંદ પણ જેલમાં. नवजीवन ચલાવવાની જવાબદારી કાકાસાહેબ કાલેલકરની હતી. ‘नवजीवनને ખુશખબર’ એ શીર્ષક હેઠળ તેમણે લખ્યું:

શ્રી મહાદેવ દેસાઈ ગયા મંગળવારે લખનૌ જેલમાંથી છૂટ્યા હશે. આ મહિનાની આખર સુધીમાં તેઓ અહીં આવી પહોંચશે. હું જાણું છું કે नवजीवनના વાચકો મહાદેવભાઈના સંસ્કારી અને તેજસ્વી લેખોને માટે તલસી રહ્યા છે. ગાંધીજી, મહાદેવભાઈ અને સ્વામી આનંદાનંદ नवजीवनના પ્રાણ ગણાતા આવ્યા છે. ત્રણે જણા જેલ દ્વારા દેશસેવા કરતા હોવાથી नवजीवनનો બાહ્ય પ્રવાહ મંદ ચાલે એ અપરિહાર્ય હતું. છતાં જો नवजीवनને પોતાની ટેક જાળવી રાખી હોય તો તે આ ત્રણેની અમીદૃષ્ટિની જ અસર છે. તેમની ગેરહાજરી દરમિયાન नवजीवनની ભાષા જે ક્લિષ્ટ અને જડબાંતોડ થઈ હોય તો તેનું કારણ नवजीवनની ભાષા અઘરી કરવામાં મારો આગ્રહ એ નથી, પણ પ્રાસાદિક ગુજરાતી લખવાની મારી અશક્તિ એ છે. બીજા કોઈ પણ પ્રાંતમાં नवजीवन જેવાં મહત્ત્વનાં છાપાંઓમાં મારા જેવા ભાષાદુર્બળને ભાગ્યે જ સ્થાન મળત. ગુજરાતના અસાધારણ પ્રેમ અને ઉદારતાને લીધે જ नवजीवनની કલમ મારા જેવાના હાથમાં આવી શકી. આટલા દિવસ સુધી મારી અનેક ખામીઓ દરગુજર કરી મને ઉત્સાહ આપવામાં આવ્યો તે માટે હું કઈ રીતે પૂરતો કૃતજ્ઞ રહું એ મારી આગળ સવાલ છે. હવે પછી રાષ્ટ્રીય વિદ્યામંદિરનું કામ સાચવી नवजीवनની મારાથી બનતી સેવા તો કરીશ જ, પણ લોકોએ હવે મહાદેવભાઈ તરફ જ જોવાનું છે. મહાત્માજીના દિવ્ય સંદેશના યોગ્ય વાહક તો તેઓ જ છે. ગુર્જરીમાતાની તેમની આજ સુધીની સેવાને કારાવાસનો ઓપ ચડ્યો છે. नवजीवनના વાચકો તેમના તેજસ્વી વિચારો ઝીલવાને તૈયાર થાઓ.

કાકાસાહેબને તો ઉમેદ હતી કે नवजीवनનો ભાર મહાદેવભાઈ પર સોંપીને પોતે રાષ્ટ્રીય શાળાની પ્રવૃત્તિ તરફ વધુ ધ્યાન આપશે, પણ પોતાના સંપાદનકાળ દરમિયાન તેમણે લખેલા લેખો સરકાર જીરવી શકી નહીં, તેથી તેમની પાસે ‘સારી ચાલચલગત’ની બાંયધરી માગી. સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળાના ચારિત્ર્યવાન આચાર્ય પાસે ‘સારી ચાલચલગત’ની જામીન માગે એ સરકારની ધૃષ્ટતા સિવાય બીજું કંઈ નહોતું. नवजीवनના તંત્રી તરીકે અને એના પ્રકાશક તરીકે શ્રી રામદાસ ગાંધી પર કાકાસાહેબના બે લેખો અંગે ખટલો ચાલ્યો અને તેમાં આવી બાંયધરી માગવામાં આવી. અલબત્ત, બંનેએ એવી બાંયધરી આપવાનો ઇન્કાર કર્યો. કાકાસાહેબને એક વરસની સાદી કેદની સજા અને રામદાસભાઈને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા.

આમ લખનૌથી છૂટીને ગુજરાત આવતાં જ મહાદેવભાઈ પર नवजीवन ચલાવવાની જવાબદારી આવી ગઈ.

नवजीवनના કામની મહાદેવભાઈને મન નવાઈ નહોતી. કાકાસાહેબે વર્ણવ્યું તેમ ગાંધીજી, સ્વામી આનંદ અને મહાદેવભાઈ તો नवजीवनના પ્રાણ ગણાતા હતા. नवजीवनના ઠેઠ ૧૯૧૯માં પ્રગટ થયેલ પહેલા અંકથી મહાદેવભાઈ એમાં ઓતપ્રોત હતા. તેથી જ તેમને એ બાબતમાં પૂરું ભાન હતું કે તેઓ કેવી જવાબદારી અને શાનો વારસો સંભાળી રહ્યા હતા.

એમ તો नवजीवनयंग इन्डियाનું અનુગામી છાપું હતું. તેની જવાબદારી લેતાં ગાંધીજીએ કહ્યું હતું કે સત્યાગ્રહનું રહસ્ય સમજાવવાની હોંશને લીધે તેમણે તે છાપાની જવાબદારી લીધી. એ જ ઉદ્દેશ नवजीवनનો પણ હતો, ‘ગુજરાત મારા કાર્યનું મુખ્ય ક્ષેત્ર હતું. ભાઈ ઇન્દુલાલ તે જ ટોળીમાં હતા. તેમના હાથમાં માસિક नवजीवन હતું. તેનું ખર્ચ પેલા મિત્રો પૂરું પાડતા. આ છાપું ભાઈ ઇન્દુલાલે અને તે મિત્રોએ મને સોંપ્યું, ને ભાઈ ઇન્દુલાલે તેમાં કામ કરવાનું માથે લીધું. આ માસિકને સાપ્તાહિક કર્યું.’

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં બે ભાષામાં इन्डियन ओपीनियन ચલાવ્યાં હતાં. પણ તેના તંત્રી તરીકેની જવાબદારી તેમણે ઉપાડી નહોતી. नवजीवनના તંત્રી તરીકેની જવાબદારી સંભાળતાં ખુદ ગાંધીજીને પણ સંકોચ થયેલો એ મહાદેવભાઈ ક્યાં નહોતા જાણતા? ગાંધીજીએ તે વખતે લખ્યું હતું:

તંત્રી તરીકે જાહેરમાં ઓળખાવાનો આ પહેલો પ્રસંગ આવ્યો છે. તેને મેં વધાવી લીધો છે. પણ હું ધ્રૂજી રહ્યો છું. મારી જવાબદારીનું મને પૂરું ભાન છે. આ દક્ષિણ આફ્રિકા નથી. ત્યાં તો મારું ગાડું ગમે તેમ ચાલતું, પણ અહીં? વર્તમાનપત્રોની ખોટ નથી. લેખકો ઘણા છે. મારું ભાષાજ્ઞાન ઘણું ઓછું છે. ત્રીસ વર્ષ સુધી બહાર રહેલા મને હિંદુસ્તાનના પ્રશ્નોની ઓછી જ માહિતી હોય. આ વિવેકની ભાષા નથી, પણ મારી દશાનો તાદશ ચિતાર છે, પરંતુ આવી અપૂર્ણતા છતાં મારે હિંદને કંઈક આપવાનું છે. તે બીજાની પાસે તેટલા જ પ્રમાણમાં નથી, એમ હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. વળી ઘણા પ્રયત્નને મેં કેટલાક સિદ્ધાંતો મારા જીવનમાં ગોઠવ્યા છે ને તેને અમલમાં મૂક્યા છે. તેથી મને જે સુખ મળ્યું છે તે મેં બીજામાં નથી જોયું, એમ મને ભાસ્યું છે. આ સિદ્ધાંતો હિંદને આપી, મારા સુખનો અનુભવ હિંદને કરાવવાની મને ભારે અભિલાપા છે. એનું એક સાધન વર્તમાનપત્ર છે.

ગાંધીજી જેલમાં હોવાથી તેમના આવા ઉદાત્ત વિચારોને જનતા સુધી પહોંચાડવાનું કામ મહાદેવભાઈ પર આવી પડ્યું. ચાર વર્ષ ગાંધીજી સાથે અહર્નિશ ગાળી અને એક વરસ જેલમાં ગાંધીજીના બોધનું જ સતત ચિંતનમનન કરી મહાદેવભાઈ આવી મોટી જવાબદારી ઉપાડવાને યોગ્ય બન્યા હતા એમ કહી શકાય. એમ તો અલાહાબાદ ગયા તે પહેલાં પણ नवजीवनના લગભગ દરેક અંકમાં મહાદેવભાઈનો સાપ્તાહિક પત્ર આવતો હતો. અને જેલમાંથી છૂટ્યા પછી તંત્રી તરીકે એમનું નામ ઠેઠ ૨૦–૧૦–’૨૩ના અંકમાં પ્રસિદ્ધ થયું, પણ ત્યાર પહેલાં પણ એમના લેખો તો नवजीवनમાં આવવા જ માંડ્યા હતા. એમ જોઈએ તો ઠેઠ ૧૯૧૯થી ૧૯૪૨ સુધી પત્રકારત્વની આ ફરજ સહિયારી જ બજાવવામાં આવી હતી. यंग इन्डियाમાં પ્રારંભમાં પ્રકાશક તરીકે મહાદેવભાઈનું નામ હતું. આ સર્વ છાપાંઓને પ્રગટ કરવા અને એનો ફેલાવો કરવાની જવાબદારી તે તે વખતે છાપાં સાથે સંકળાયેલા સૌ લોકોની સંયુક્ત જ હતી એમ કહી શકાય.

પ્રકાશક અને પ્રકાશનની જેમ સહિયારી જવાબદારી હતી, તેમ એણે પ્રસ્થાપિત કરેલાં મૂલ્યો જાળવી રાખવાની પણ સહિયારી જવાબદારી હતી. ગાંધીજી તો આમાં नवजीवनના વાચકોનેય જવાબદાર ગણતા: ‘नवजीवन એક પણ અયોગ્ય કે નીચી ભાવનાનું, અસત્ય ખબરનું કે અવિવેકી ભાષાનું વાહન નહીં થાય એવો પ્રયત્ન અમે નિરંતર કર્યા જ કરશું. અને એમાં ભૂલ ન કરીએ તેની ચોકી અમારા વાચકવર્ગને અમે સોંપીએ છીએ. વાચકવર્ગનો અમારી સાથેનો સંબંધ વ્યાપારી નથી પણ ઘણો નિકટ અને નીતિમય છે એમ અમે ધારીએ છીએ.’

नवजीवनના લેખકોને ગાંધીજીએ અગાઉથી જ સૂચના આપી દીધી હતી ને મહાદેવે ચાલુ રાખવાની હતી:

‘લેખો જેમ બને એમ ટૂંકમાં લખવા. તેમાં માત્ર હકીકત જ આપવી. દલીલની કે વિશેષણની મુદ્દલ જરૂર નથી. લખાણમાં ક્યાંયે અતિશયોક્તિ ન જ હોવી જોઈએ. સાંભળેલી વાત કદી ન લખવી.’

જાહેરખબરો વિશે પણ એવી જ કડક ગાંધીનીતિ હતી. જાહેરખબર છાપાંના પવિત્ર મિશનને દૂપિત કરે છે, તથા તેની સ્વતંત્રતાને હણે છે એમ તેઓ માનતા.

મહાદેવભાઈ તથા ગાંધીજીના ગિરફતાર થયા બાદ नवजीवनના ઉપતંત્રી તરીકે તેમના જિગરી દોસ્ત સ્વામી આનંદ नवजीवनના વાચકોને આપેલા કોલથી વાકેફ હતા:

नवजीवनનું શું થશે? नवजीवन ચાલશે કે બંધ પડશે? સરકાર ચાલવા દેશે?

ગાંધીજીને સરકારે કેદ કર્યા તે नवजीवनને કેમ ચાલવા દેશે?

આવા પ્રશ્નો સ્વાભાવિકપણે જ લોકોમાં પુછાય છે. ખુલાસા પણ આપસમાં અપાય છે. અમારે પણ યથાશક્તિ ખુલાસો આપવો રહ્યો.

नवजीवन ચાલ્યાં કરશે. ધાતુનાં બીબાંથી છપાતું બંધ કરવું તો સરકારને સારુ સહેલ વાત છે. પ્રજા પાસેથી नवजीवन ખૂંચવી લેવું સહેલ છે કે જીવસટોસટનું છે, તે હવે જોવાનું છે.

જે ઘડીએ સરકાર नवजीवन પાસેથી જામીનગીરી માગે તે ઘડીએ नवजीवनને છાપવું બંધ કરવું એ કલામ છે. नवजीवनના ચલાવનારા પ્રજાના સેવકના સેવક છે, પ્રજાને જ તેઓ પિછાનશે. પ્રજા જ્યાં સુધી नवजीवनની સેવા માગશે ત્યાં સુધી नवजीवन ચાલ્યાં જ કરશે, અને ગુજરાતને હૈયે नवजीवनની સેવા વસી હશે તો હાથે લખાઈને પણ नवजीवन ગામેગામ પહોંચશે, ઘેર ઘેર એની શુદ્ધ નકલો થશે, નકલ ઉતારી વહેંચવી એ તેનું લવાજમ થઈ પડશે અને ત્રીસને બદલે કદાચ સાઠ હજાર નકલો ગુજરાતમાં વહેંચાશે. नवजीवनની સેવાને કોઈ જ અટકાવી શકનાર નથી.

नवजीवन ચાલુ રાખવા માટેનો આવો અડગ નિરધાર જાહેર કર્યા પછી સ્વામી આનંદ ગાંધીજીએ પાડેલી સત્ય, અહિંસા અને નિર્ભયતાની પરંપરાને વળગી રહેવાનો તેમ જ અધર્મી તંત્ર વિશે અપ્રીતિ ફેલાવવાનું ગાંધીજીનું કાર્ય ચાલુ રાખવાનો પણ એટલો જ અડગ નિશ્ચય દર્શાવી વધુમાં જણાવે છે:

‘ગાંધીજીની વાણી नवजीवनમાં દર આઠચાર દિવસે આવતી બંધ પડે એ नवजीवनને સારુ, અલબત્ત, આપત્કાળ છે, તથાપિ આ આપત્કાળ દરમિયાન અમે આટલા દિવસ ગાંધીજીએ પાડેલી સત્ય, અહિંસા અને નિર્ભયતાની પરંપરાને જ અનન્ય ભાવે વળગી રહી જેમના તેમ પ્રજાની સેવામાં મચ્યા રહેવા યત્ન કરીશું. તે જ પ્રમાણે જે રાજતંત્રની સામે અખંડ ઝુંબેશ ચલાવવામાં ગાંધીજીએ રાત કે દિવસ જોયાં નહીં, જે અધર્મી રાજ્યને ધર્મી બનાવવાને નહીં તો મિટાવવાને તેમણે અથાક પરિશ્રમ ઉઠાવ્યો અને જે અધર્મી તંત્ર સામે અપ્રીતિ ફેલાવવાના કાર્યને તેમણે સર્વોપરી સદ્ગુણ માન્યો એ રાજતંત્ર જ્યાં સુધી નાશ પામે નહીં યા તો પ્રજાના શુદ્ધ બલિદાન દ્વારા પલટાય નહીં ત્યાં સુધી એને વિશે અપ્રીતિ ફેલાવવાનું અને એવા અધર્મી રાજ્યતંત્રને જેર કરી ધર્મરાજ્ય સ્થાપવાને જરૂરી એવા સદ્ગુણ પ્રજામાં કેળવવાનું ચાલુ રાખવું એને અમે અમારો પરમ ધર્મ સમજીશું.

છેલ્લે, પોતાની ત્રુટીઓ અને અપાર મર્યાદાઓનો નિર્દેશ કરીને ગાંધીજીની વિચારસરણીને છાજે એવા વિચારોથી પ્રજાની સેવા કરવાનો પોતાનો સંકલ્પ જાહેર કરીને ઉપતંત્રી પોતાનું પ્રાણવાન અને ઓજસ્વી વક્તવ્ય સમાપ્ત કરે છે:

અમારી ત્રુટીઓનું અમને પૂરેપૂરું ભાન છે. ગાંધીજીના અને અમારા અધિકાર વચ્ચે જે અંતર છે તેનું માપ પણ અમને છે. તેથી જ તંત્રીની ગાદી પર બેસવાનો અવિવેક અમે કર્યો નથી. ગાંધીજીના જેવી નિર્વૈર વૃત્તિથી વિરોધીઓના દોષ તપાસવાની અગર તો તે પર ટીકા કરવાની શક્તિ કેટલી અઘરી છે તે પણ અમે જાણીએ છીએ. અને તેથી જ્યારે જ્યારે અમારી વૃત્તિમાં અમને વેગ ભાસશે, સૂક્ષ્મમભાવે પણ અહિંસાધર્મ ઉથાપ્યાનો દોષ થતો જણાશે ત્યારે ત્યારે મૌનનું જોખમ ખેડીને પણ અમે એ અહિંસાધર્મને વફાદાર રહીશું.

તે જ પ્રમાણે ગાંધીજી જતાં તેમની અલૌકિક પ્રતિભામાંથી હરઘડી જન્મ પામતા અનેક જીવનદાયી વિચારો દર અઠવાડિયે પ્રજાને પીરસવાનું ભાગ્ય અમને ન રહ્યું હોય તોપણ, એમણે સ્થાપેલી વિચારસરણીને છાજે એવા જ વિચારોથી પ્રજાની સેવા કરવાના સંકલ્પમાં દૃઢ રહીશું. અમારું ભંડોળ ખૂટશે તો તેટલી જગ્યા કોરી મૂકીશું પણ રૂઢિ કે મુલાયજાને વશ થઈને નબળાં લખાણોથી नवजीवनની જગ્યા પૂરવાનું પાપ કદાપિ નહીં કરીએ.

છેલ્લાં ત્રણ વર્ષના પોતાના અથાગ પરિશ્રમ દરમિયાન ગાંધીજીએ પ્રજાના ઘડતરને લગતા જે અસંખ્ય ઉદ્ગારો આપણે સારુ મૂક્યા છે એને આપણે આપણા અંતરમાં વારંવાર દુહરાવીએ, એને અમલમાં મૂકવા મથીએ અને સૌ પોતપોતાનો ધર્મ સમજી જઈએ તોપણ સહેજે સ્વરાજ લઈને બેસી જઈએ.

સ્વામી આનંદના નિવેદનનો ઉતારો આટલા વિસ્તારથી અમે એટલા સારુ આપ્યો કે મહાદેવભાઈ ત્યારે જેલમાં ન હોત તો તેમણે પણ એની નીચે સહી કરી હોત તેની અમને ખાતરી છે. મહાદેવભાઈએ તંત્રી તરીકે नवजीवनનો કાર્યભાર સંભાળ્યો તે ઉપર જણાવેલી ભાવનાથી જ.

માત્ર ગાંધીજી બહાર હતા ત્યાં સુધી नवजीवन એમણે ચલાવ્યું તેમની અને મહાદેવભાઈએ જવાબદારી લીધી તે વખતની જવાબદારીમાં એક આભ-જમીનનો ફરક હતો એ આપણે વીસરવું ન જોઈએ.

૧૯૧૯થી ૧૯૨૨ સુધીનો કાળ એ અસહકાર આંદોલનનો, ભરતીનો કાળ હતો. ગાંધીજીની ગિરફતારી પછીનો કાળ એ આંદોલનનો ઓટનો કાળ હતો. સરકારે ઠેઠ ૧૯૨૨ સુધી ગાંધીજીને જેલમાં નહોતા પૂર્યા એનું એક કારણ એ પણ હતું કે તેમને જેલમાં પૂરવાથી પરિસ્થિતિ કેટલી વણસશે તેનો તેને અંદાજ નહોતો. તેથી ત્યાર સુધી નેતાઓને અલગ પાડી ગાંધીજીના સૌ સાથીઓને પકડી એમની પાંખો કાપી નાખવાની હતી, પણ ચૌરીચૌરાની ઘટના એ એક રીતે જોઈએ તો અસહકાર આંદોલનના વળતા પાણીની બિના હતી. તે પછી ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખ્યું તેને લીધે દેશના નેતૃત્વમાં કમોબેશ પ્રમાણમાં અસંતોષ જાગ્યો હતો. બલકે નેતાઓ તો ઘણાખરા જેલમાં જ હતા. અને સ્વયંસેવકો આવા ધડાકાથી ડઘાઈ ગયા હતા. સરકારે આ તક જોઈને પોતાનું નિશાન સાધ્યું હતું. ગાંધીજીને ગિરફતાર કરી એણે તત્કાળ પૂરતું તો આંદોલન જ મંદ કરી દીધું હતું.

આખા દેશમાં અસહકાર આંદોલનને લીધે જે ત્યાગ અને બલિદાનની ભાવનાનો જુવાળ આવી રહ્યો હતો તે ગાંધીજીની ગિરફતારી પછી ઓસરવા લાગ્યો. પં. જવાહરલાલ નેહરુએ પાછળથી નોંધ્યું છે તેમ ગાંધીજી બહાર હતા તે દરમિયાન જ આંદોલનમાં આંતરિક સંગઠનની તાકાત તો બહુ નહોતી દેખાતી. ગાંધીજીના જેલ જવાથી આખા આંદોલનને બાંધનાર એક સૂત્ર ગયું.

આંદોલનનો વેગ જ્યારે મંદ પડે છે ત્યારે કાર્યકર્તાઓના મતભેદ માથાં ઊંચકે છે. ગાંધીજીના ગયા પછી પણ તેમ થયું. ગાંધીજીએ જે નેતાઓને પોતાના કરિશ્માને જોરે અસહકાર તરફ વાળ્યા હતા, તે લોકો હવે ફરી પાછા ધારાસભા અને કેન્દ્રીય સભા તરફ નજર દોડાવવા લાગ્યા. એ લોકો એમ ઇશારો કરવા લાગ્યા કે કૉંગ્રેસે પોતાના અસહકારના કાર્યક્રમ પર ફેરવિચારણા કરવી જોઈએ અને ધારાસભાનો બહિષ્કાર છોડી ફરી ધારાસભા વગેરેમાં જવાની યોજના વિચારવી જોઈએ. અસહકાર આંદોલનમાં જોડાયેલા જુવાનિયાઓ સામાન્યપણે આ વિચારથી વિરુદ્ધ હતા. તેઓ અસહકાર આંદોલનના આખા કાર્યક્રમને બરાબર વળગી રહેવું જોઈએ એમ માનતા હતા. આમ કૉંગ્રેસની આગેવાનીમાં ‘સ્વરાજિસ્ટો’ એટલે કે, ધારાસભામાં જવામાં માનનારાઓ એક તરફ અને અસહકારીઓ એટલે કે, ધારાસભાઓ, વકીલાત વગેરેના બહિષ્કારમાં માનનારા બીજી તરફ થઈ ગયા. સામાન્ય લોકભાષામાં આ બે જૂથોને ફેરવાદી અને નાફેરવાદીઓ તરીકે ઓળખવામાં આવતા. સામાન્યપણે એમ પણ બન્યું કે વૃદ્ધ નેતૃત્વ ફેરવાદી અને તરુણ નેતૃત્વ નાફેરવાદી વલણ ધરાવતું હતું. તેને લીધે કેટલાક દાખલાઓમાં તો એક જ કુટુંબમાં સામસામા વિચારના લોકો થઈ ગયા. પં. મોતીલાલજી ફેરવાદી અને પં. જવાહરલાલજી નાફેરવાદી, મોટા ભાઈ વિઠ્ઠલભાઈ ફેરવાદી અને નાના ભાઈ વલ્લભભાઈ નાફેરવાદી હતા.

આ સંજોગોમાં नवजीवनનું સુકાન મહાદેવભાઈને લેવાનું આવ્યું. મહાદેવભાઈ પોતે નાફેરવાદી હતા. તેઓ અસહકારની બધી પ્રવૃત્તિઓ ચાલુ રાખી તેની સાથે સાથે રચનાત્મક કામ ચાલે એમ ઇચ્છતા હતા. તે કાળના નાફેરવાદીઓમાં વલ્લભભાઈ, જવાહરલાલ, રાજાજી અને મહાદેવભાઈ આ ચારને મુખ્ય ગણાવી શકાય. કૉંગ્રેસ આગેવાનોમાંથી સિંધના જયરામદાસ દોલતરામ અને વર્ધાના જમનાલાલ બજાજ તથા મૂળ સિંધના પણ પછી બિહાર ઉત્તર પ્રદેશમાં કામ કરનાર આચાર્ય કૃપાલાની પણ આ માંહ્યલા જ ગણાય. ઠેર ઠેર આ લોકોને કૉંગ્રેસના જુવાનિયાઓનો ટેકો હતો અને મોટી પેઢીના આગેવાનો સાથે આ લોકોને સીધો કે આડકતરો વિવાદ ચાલતો હતો. નાફેરવાદીઓમાં ખાદી, અસ્પૃશ્યતાનિવારણ અને કોમી એકતા પર ભાર મૂકનાર રાજાજી, મહાદેવભાઈ અને જમનાલાલજી મુખ્ય હતા.

એમ તો કૉંગ્રેસની આગેવાની કાં જેલમાં હતી, કાં જેલ ભોગવીને તુરતમાં જ બહાર આવી રહી હતી. તે પૈકી ચિત્તરંજન દાસ અને મોતીલાલ નેહરુ જેવાઓએ ખુલ્લંખુલ્લા ધારાસભામાં જઈને ‘અંદરથી’ અંગ્રેજ સરકારનો વિરોધ કરવાની વાત કરવા માંડી હતી. કૉંગ્રેસના ઠરાવો કરતાં આ લોકોની વાત બિલકુલ વિપરીત હતી. પરંતુ આ લોકોએ જરૂર પડ્યે કૉંગ્રેસથી સ્વતંત્ર રહીને પણ ‘સ્વરાજ પક્ષ’ સ્થાપવાની વાત હવામાં વહેતી મૂકી હતી.

નાફેરવાદીઓની ખરી શક્તિ અસહકારની લડતમાં રહેલી હતી. અને એ લડત ધીરે ધીરે મોળી પડવા લાગી હતી. જ્યાં લોકો સવિનય કાનૂનભંગ કરી જેલમાં જતા હતા ત્યાં તેની ગતિ પણ મંદ પડી હતી અને એ સવિનયભંગમાં ગાંધીજી ઇચ્છતા હતા એટલી શુદ્ધતાયે રહી નહોતી.

અસહકારના રાષ્ટ્રીય આંદોલને દેશભરમાં સૂતેલી અંગ્રેજાના વિરોધની લાગણીને જગાડી હતી. એ જાગૃતિને લીધે જ આંદોલનમાં જુવાળ પણ આવ્યો હતો. દેશ તમોગુણમાંથી રજોગુણમાં ચોક્કસ આવ્યો હતો. પરંતુ ગાંધીજીની કલ્પના એ રજોગુણ પર સત્ત્વગુણનો ઓપ ચડાવવાની હતી. સાચા સત્યાગ્રહીનું એ જ કામ હતું, પરંતુ એ કામ પ્રમાણમાં ઓછું થયું હતું અને આખા આંદોલનને દિશા આપનાર સારથિને આ જ ટાંકણે લાગ જોઈને સરકારે બંદી બનાવી છ વરસની સજા ઠોકી દીધી હતી.

આવા વિપરીત સંયોગોમાં મહાદેવભાઈને માથે नवजीवनનું તંત્રીપદ આવી પડ્યું હતું. નાફેરવાદીઓએ આંદોલનની શુદ્ધતા જાળવવાની હતી. એની તીવ્રતા ઓછી ન થાય એ જોવાનું હતું અને સાથે સાથે કૉંગ્રેસમાં ભાગલા ન પડી જાય એવી નમ્રતા બતાવવાની હતી. મહાદેવભાઈને માથે એકલે હાથે આ ત્રિવિધ મૂલ્યો જાળવવાનું કામ नवजीवनના તંત્રી તરીકે આવી પડ્યું. ખરું જોતાં इन्डिपेन्डन्टના તંત્રી બન્યા અને એની હરસ્તલિખિત પ્રત કાઢ્યા પછી તેમણે બાયરનની માફક રાતોરાત જગપ્રસિદ્ધિ મેળવી હતી પણ એ પ્રસિદ્ધિને યોગ્ય વ્યક્તિત્વને ખીલવવાનું કામ હવે એમની ઉપર આવી પડ્યું. ‘એકલે હાથે’ એટલા સારુ કહ્યું કે આ બાબતમાં કદાચ એમને સૌથી વધારે મદદ કરી શકે એવા સ્વામી આનંદ અને કંઈક અંશે કાકાસાહેબ પણ તે વખતે ओतराती दीवालोની પછવાડે હતા,

‘વધુ નમ્ર અને વધુ પાવન’ થયેલા મહાદેવે તેર માસના જેલવાસમાંથી છૂટ્યા બાદ એક ક્ષણના પણ વિલંબ વિના આ ભગીરથ કામ માથે ઉપાડ્યું. नवजीवनના તંત્રી તરીકે નામ તો હજુ નવ માસ પછી છપાવાનું હતું. પણ દેશની કથળતી પરિસ્થિતિનું પૃથક્કરણ કરવાનું કામ તો તેમણે અમદાવાદ પહોંચતાં પહેલાં જ શરૂ કરી દીધું હતું.

જેલમાંથી છૂટીને પટણાથી લખેલા એમના પેલા નિવેદનમાં જ મહાદેવભાઈએ તે કાળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય પ્રશ્નોનો ઉલ્લેખ કરી દીધો હતો: ‘આપણી છાવણીમાં સંપ તૂટ્યો, એ એક ભારે અફસોસની વાત.’ ને ‘જે દર્દ દિલને બાળી મૂકે છે’ તે શું છે? તે તો લોકોમાં હું જે ઉદાસીન વૃત્તિ જોઈ રહ્યો છું તેનું છે. ત્રીજી વાત લોકોએ ખાદીને વિસારી દીધી એ છે. લખનૌ અને અલાહાબાદના ખૂણેખૂણાઓમાં હું નજર દોડાવી આવ્યો, બધાનાં જ શરીર પર વરવું ઝેર ‘પરદેશી કપડું’. પછી આખા આંદોલન અંગે કહે છે: ‘બહારનું જગત એક અસહ્ય થઈ પડેલા રાજ્યતંત્રની સાથે એક અદ્ભુત યુદ્ધ આપણે આદર્યું છે તે જોઈ જોઈને આશ્ચર્યચકિત થાય છે. ત્યારે આપણે તો લડાઈથી થાકી ગયેલા જેવા બની ગયા છીએ.’૧૦

લખનૌથી છૂટ્યા બાદ મહાદેવભાઈ અલાહાબાદ જઈને પં. મોતીલાલજીને મળ્યા હતા. પંડિતજીના વિચાર તે વખતે સ્પષ્ટપણે ફેરવાદી હતા. એમને વિશે લખવામાં મહાદેવ પોતાની સર્વ નમ્રતા એમને ચરણે ધરે છે, અને છતાં વાત તો યરવડા જેલમાંથી રાજાજીએ પાઠવેલો સંદેશો સાચો છે એ જ કરે છે. તેઓ લખે છે:

આ બે દિવસ મને માનનીય પંડિત મોતીલાલજીના ચરણમાં બેસવાનું પરમ ભાગ્ય પ્રાપ્ત થયું. એમનાં પુત્રી ગંભીર બીમારીમાં છે તેથી પંડિતજીના મન ઉપર ફિકરનો ભારે બોજો છે, છતાં એઓ ચિત્તની શાંતિ જાળવી રહ્યા છે અને મારી સાથે એકબે પ્રસંગે હૃદય ખોલીને વાતચીત કરવાની કૃપા કરી. પરંતુ હું દિલગીર છું કે એમના કહેવાના પરિણામે મારા વિચાર બદલાઈ નથી શક્યા. બધી દલીલોનો વિચાર કર્યા પછી પણ દિલ એ જ સાક્ષી પૂરે છે કે ધારાસભામાં નથી જતા એ કાંઈ પાપ નથી, પણ આપણા રચનાત્મક કાર્યક્રમને ઢીલો પડવા દેવો એમાં તો જરૂર પાપ છે.

હું જેલમાં હતો ને જ્યારે જેલમાં અમને છાપાં આપવામાં આવતાં તે વખતે

लीडर પત્રમાં શ્રી રાજગોપાલાચારીનો યરવડાથી મોકલેલો સંદેશો મારા વાંચવામાં આવ્યો હતો. એ વખતે જ મને કુદરતી રીતે એમ લાગી ગયું હતું અને આજે પણ તે જ ખરું લાગે છે કે એઓ એમના ગુરુના ખરા શિષ્ય છે. એક શિષ્યને વિશે એમ કહેવાયેલું છે કે તેને ગુરુની વાણીનું રહસ્ય એવું સમજાઈ ગયું હતું કે તેના કાન ગુરુના મૌનને પણ સાંભળી શકતા. શ્રી રાજગોપાલાચારીને આ વચન બરાબર લાગુ પડે છે. મને બહાર આવ્યાને હજુ ત્રણ જ દિવસ થયા છે. એટલા વખતમાંયે હું જોઈ શક્યો છું કે એમના તરફ ઘણાની ખફામરજી ઊતરી છે, કદાચ ગુસ્સો પણ હોય, છતાં એની કાંઈ ફિકર નથી, કારણ, એમનું અંતર કેવું વિશાળ છે તે હું જાણું છું. એમના ઘેરા હૃદયસરમાંથી જે પ્રેમના ફુવારા નીકળે છે તે એમની સામે મંડાયેલા ક્રોધને શમાવી દેશે એવી મારી ખાતરી છે. મને લાગે છે કે આપણા નેતાઓ આપણને છોડી ગયા તેનું કારણ એ જ છે કે આપણે એમને નિરુત્સાહ, ઉદાસીનતા ને ઘોર અંધકાર બતાવી બતાવીને એમનો ઉત્સાહ મારી નાખ્યો. જે ઘડીએ આપણે તે ખંખેરી નાખીશું તે જ ઘડીએ તેઓ આપણો પુન: સ્વીકાર કરી લેશે.૧૧

नवजीवनમાં લેખોની પરંપરા શરૂ કરતાં પહેલાં સ્વાભાવિક રીતે જ મહાદેવભાઈને એક શૂળ સાલે છે. અત્યાર સુધી તો તેઓ ગાંધીજીના પ્રવાસનાં વર્ણનો લખતા, હવે પોતાની મુસાફરીનું વર્ણન લખવાનો વારો આવ્યો:

‘મને જેલમાંથી નીકળતાં અનેક વાર થઈ ગયું છે કે હું મૌનવ્રત લઈને બેસી જાઉં તો શું ખોટું? ગાંધીજીના સંદેશ સિવાય બીજો સંદેશ મારે આપવાનો શો હોય? અને એમના સંદેશ તો એમની વાણીમાં શાશ્વત સંઘરાયેલા છે.’૧૨

છતાં ગાંધીજીના સિપાઈ તરીકે તેમણે नवजीवनમાં લખવા માંડ્યું. પોતાની દીકરીની ગંભીર માંદગી છતાં મહાદેવ સાથે રાજીખુશીથી વાતો કરતા અને ઠઠ્ઠામશ્કરી કરનાર મોતીલાલજી વિશે મહાદેવભાઈએ લખ્યું, ‘આવા આરોગ્યયુક્ત લોકનાયક આપણાથી આજે રિસાઈને બેઠા છે, એ આપણા દેશનું કેવું દુર્ભાગ્ય છે!’ મોતીલાલજી સાથેની વાતચીતમાં મહાદેવભાઈએ મુખ્યત્વે બે દલીલો કરી: ધારાસભામાં જવામાં ‘શહેનશાહને વફાદાર છું’ એમ કહેવું પડે છે અને કાઉન્સિલમાં જવામાં અંગ્રેજ સરકારની સત્તાના સર્વોપરીપણાનો સ્વીકાર કરવામાં આવે છે. પંડિતજીએ પહેલી દલીલને લાગણીથી પ્રેરાયેલી અને બીજીને અતિશય તાર્કિકતાથી પ્રેરાયેલી કહીને હસી કાઢી. મહાદેવભાઈએ એને વિશે બે જ વાક્યો લખ્યાં છે: ‘હસી જ કાઢે ને? હું તો એમની આગળ બાળક જેવો રહ્યો.’૧૩

ગુરુની ગેરહાજરીનું શૂળ અંતરમાં સતત સાલતું હતું તે છતાં, રોજેરોજ જેમની સાથે ચર્ચાવિચારણા કે મસલત કરી શકાય તેવા સાથીઓ પણ જ્યારે બંદીખાનામાં પહોંચી ગયા હતા ત્યારે नवजीवन મારફત અઠવાડિયે અઠવાડિયે એ ઓસરતા આંદોલનની તાકાતને ટકાવી રાખવાની જવાબદારી મહાદેવભાઈ પર આવી પડી. તેમણે તે જવાબદારી અખૂટ ધીરજ, અસાધારણ હિંમત અને છતાં પોતાની સ્વાભાવિક મધુરતાને જરાયે આંચ લાગવા દીધા વિના સંભાળી લીધી. આ કાળે શ્રી રાજગોપાલાચારી यंग इन्डियाના તંત્રી હતા. તેમના લેખોથી મહાદેવભાઈને ઘણી મદદ મળતી. લગભગ આ જ અરસામાં જમનાલાલજી તથા વલ્લભભાઈ નાગપુરના ‘ઝંડા સત્યાગ્રહ’માં પ્રત્યક્ષ કાનૂનભંગના કાર્યક્રમમાં રોકાયેલા હતા. આ સત્યાગ્રહની તક સરકારે જાતે જ પૂરી પાડી હતી, ૧૩મી એપ્રિલ, ૧૯૨૩ને દિને લોકોનું એક સરઘસ તિરંગા ઝંડા સાથે નાગપુર શહેરની સિવિલ લાઇન્સ તરફ જતું સી. પી. (મધ્ય પ્રાન્ત) અને બરાર (વરાડ)ની સરકારે અટકાવ્યું હતું અને એ આખા ક્ષેત્રમાં ૧૪૪મી કલમ ઘોષિત કરીને ચાર કે તેથી વધુ લોકોને ભેગા થવાની સરકારે મનાઈ ફરમાવી હતી. સ્વયંસેવકો ઝંડો લઈને ગમે ત્યાં ફરવાનો પોતાનો અધિકાર જાહેર કરી તેઓ આગળ જવા લાગ્યા. તેથી તેઓ પકડાયા અને તેમને સજા થઈ. આ પ્રવૃત્તિએ ઝડપથી આંદોલનનું સ્વરૂપ પકડ્યું. કૉંગ્રેસ કારોબારી અને મહાસમિતિના એને આશીર્વાદ સાંપડ્યા. સરઘસની આગેવાની કરતા શેઠ જમનાલાલ બજાજને રૂ. ૩,૦૦૦નો દંડ થયો, એ વસૂલ કરવા એમની કાર જપ્ત થઈ. પણ નાગપુરમાં એ કોઈ ખરીદવા તૈયાર થયું નહીં. તેથી તેને કાઠિયાવાડ લઈ જવી પડી. કૉંગ્રેસે વલ્લભભાઈ પટેલને ઝંડા સત્યાગ્રહની આગેવાની સોંપી. આખા દેશમાંથી સ્વયંસેવકોની ટુકડીઓ આવી. સત્યાગ્રહ થયા. સ્વયંસેવકો પકડાઈને જેલમાં ગયા. ત્યાં તેમણે ઘણી હાડમારીઓ હસતે મોંએ ઝીલી. વલ્લભભાઈ મહાદેવભાઈને નિયમિત રીતે નાગપુર સત્યાગ્રહની સઘળી ગતિવિધિઓથી વાકેફ રાખતા. ખેડા સત્યાગ્રહ વખતે મહાદેવ અને વલ્લભભાઈ વચ્ચે જે મૈત્રીનો સંબંધ બંધાયો હતો તે આ વખતે વધુ ગાઢ બન્યો અને આંદોલનની વ્યૂહરચનાની ઝીણામાં ઝીણી વિગતો પણ એકબીજાની જોડે ચર્ચી શકે, એકબીજાને – ગુજરાત અને નાગપુરને બે છેડે – જુદા જુદા કામની ભાળવણી કરી શકે તેવો પરસ્પર દૃઢ વિશ્વાસનો બન્યો હતો. વલ્લભભાઈને નાગપુર સત્યાગ્રહ બાબત મોટા ભાઈ વિઠ્ઠલભાઈનો એટલો સહકાર મળતો નહીં, પણ મહાદેવભાઈ સાથે તેઓ રણક્ષેત્રની દરેક ચાલ ચર્ચી શકતા. નમૂના પૂરતો એમનો એક પત્ર જોઈએ:

ઑગસ્ટ, ૧૯૨૩
પ્રિય ભાઈ મહાદેવ,

…લડત બહુ જ સુંદર છે. જે પ્રજા એકમત થઈ શકે તો એક અઠવાડિયામાં જ સરકારના નાકમાં દમ લાવી શકાય. પણ હમણાં તો છત્રીસ રાગનું વાજું વાગે છે.૧૪ ત્યાં નાગપુરનો અવાજ કોણ સાંભળવા દે? તમામ અંગ્રેજી છાપાં તો વિરુદ્ધ અગર બેપરવા થઈ બેઠેલાં છે. આગેવાનો પોતપોતાના વિચારના મમતે ચડેલા છે.

આ પ્રાંતમાં સરકારની ખૂબ કડકાઈ છે. બધા સ્થાનિક કાર્યવાહકો પકડાઈ ગયા છે. અહીંની પ્રાંતિક સમિતિ૧૫ તો પ્રથમથી જ અલગ રહેલી છે. આ સંજેગોમાં લડત લડવાની છે.

દાસબાબુ૧૧ વિરુદ્ધ થઈ બેઠા છે. કૉંગ્રેસ વર્કિગ કમિટી તા. અઠ્ઠાવીસમીએ રાખેલી — તે મુંબઈથી વિઝાગાપટ્ટનમ્ ઘસડી ગયો. તારીખ પણ ફેરવી નાખી. વળી પાછી ‘ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી’ (કૉંગ્રેસ મહાસમિતિ) રાખી. બધાને ત્યાં બોલાવવાનું નક્કી કર્યું. આટલી બધી મુશ્કેલીઓ છતાં નાગપુર તરફ સૌનું લક્ષ્ય ખેંચાય તેમ કરવાનું રહ્યું.

સરકારને ખબર પડી ગઈ છે કે પાછું સળગ્યું છે.૧૭ માણસો ગોઠવણ પ્રમાણે ખૂબ આવવા લાગ્યા છે.

ત્રીજી તારીખે સી. પી. સરકારની ‘એકિઝક્યુટિવ કાઉન્સિલ’ની મિટિંગ છે અને છઠ્ઠીએ ધારાસભા છે. ધારાસભામાં આ સવાલ ચર્ચવાનો તો છે જ. પણ કાંઈ ઉકાળી શકે એમ નથી. માત્ર સરકારને આપણી સામે બખાળા કાઢવાની તક મળશે. છતાં આપણને તે વખતે સરકારનો ઇરાદો જાણવાની તક મળે. ધારાસભાની બેઠક પહેલાં લડત ખતમ કરવાની ઉમેદ જે રાખતા હતા તેમાં તો ફાવ્યા નથી. આ બધું છપાવવાનું નથી. …

આવતી અઢારમી૧૮ માટે એક સારી ટુકડી તૈયાર કરવાની છે. (ગુજરાતથી) કેટલા મોકલવા એ પછી લખીશ. સુરતથી (ચીમનલાલ ) ચિનાઈ તો તૈયાર જ છે. એ આગેવાન થઈ શકે છે. સુરતમાં બીજા ૨૦-૨૫ સૈનિકો પણ છે. બીજા મેળવવા તજવીજ કરવાની છે.

પૈસાને માટે नवजीवनના એકબે અંકમાં હજી અપીલ કરવાની છે. સરસ અપીલ છાપી મૂકજે. સૈનિકોની માગણી કર્યા કરજો.

મને હજી પકડે એમ લાગતું નથી. પહેલાં તો ખાસ કારણ નહોતું પણ હવે જાગતું થયું છે એટલે વિચાર કરશે. પણ ધારાસભા પૂરી થતાં સુધી તો કાંઈ કરશે નહીં એમ માનું છું. …

દેવદાસને૧૯ કેવળ છાપખાનામાં પૂરી ન મૂકશો. થોડો થોડો બહાર પણ ફેરવજો. હજી ગુજરાતને એની ઓળખાણ થઈ નથી. તક જ મળતી નથી.

જેલમાં ચંદુભાઈ૨૦ અને પંડ્યાને૨૧ મળ્યો. બંનેને સામાન્ય કેદીની માફક જ રાખ્યા છે. તેમની પાસે છાપખાનાનું કામ લે છે, આનંદમાં છે, અમલદારોની પ્રીતિ સંપાદન કરી છે, તબિયત મજામાં છે.

દેવદાસ અને તમે ઘેર જતા રહેજો. છોકરાંઓને૨૨ સૂનું ન લાગે તે જોશો. મણિબહેન કેમ રડી એ હું સમજતો નથી. હવે રોવાનું તો હોય જ નહીં. એનામાં તો ખૂબ હિંમત છે. મધ્ય પ્રાંતમાં લોકોને જેલમાં જવાની એણે સલાહ આપી. તો પછી કેમ રોવાય?

પૂ. બાને કહેજો કે જેલની તૈયારી કરે. ગુજરાતની બહેનોને આવતી અઢારમીએ નાગપુર આવવાની એક અપીલ બહાર પાડી શકાય તો બાની સહીથી બહાર પાડજે.

સત્તરમીએ૨૩ હુકમની મુદત પૂરી થાય છે. એ જે પાછો લંબાવે તો અઢારમીએ સ્ત્રીઓનું બલિદાન શરૂ કરવું જોઈએ. દેશને જાગ્રત કરવાનો એ સરસ રસ્તો છે. આપણે તો સરકાર હુકમ લંબાવશે એમ જ માનવું જોઈએ. ન લંબાવે તો કેદીઓને શું મોઢું લઈ જેલમાં રાખી શકે?

આશ્રમમાં સૌને યાદ કરજો. પૂ. બાને પ્રણામ કહેશો.

વલ્લભભાઈનાં૨૪
વંદે માતરમ્

ગુજરાતને છેડે મહાદેવભાઈ नवजीवन તથા છૂટી પત્રિકાઓ મારફત પણ સત્યાગ્રહીઓની ભરતી માટે તથા આંદોલન ચલાવવા આર્થિક સહાયતા સારુ અપીલ બહાર પાડતા. એક પ્રત્યક્ષ સીધી કાર્યવાહીનો આધાર લઈને नवजीवनની કટારો પણ વધુ ધારદાર બનતી.

ઔપચારિક રીતે नवजीवनના તંત્રીનો ભાર મહાદેવભાઈએ ૨૨મી ઑક્ટોબર, ૧૯૨૩થી સંભાળ્યો. પરંતુ તે પહેલાં મહિનાઓથી તેમણે એની કટારો દ્વારા રાષ્ટ્રીય આંદોલન પર પોતાની કલમની અસર પાડવા માંડી હતી. આ કામની સરખામણી કોઈ તાજો તરતાં શીખેલો તરવૈયો અફાટ સમુદ્રમાં ઝંપલાવે તેની સાથે અથવા કોઈ કુશળ સૈનિકને માથે અચાનક સેનાપતિત્વની જવાબદારી આવી પડે તેની સાથે થઈ શકે છે. એક રાષ્ટ્રીય સાપ્તાહિક સાથે સંકળાયેલા હોવાને લીધે દરેક અઠવાડિયે ચાલુ ઘટનાઓ અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવાની જવાબદારી મહાદેવભાઈ ઉપર આવતી. એ સાપ્તાહિક એક આંદોલન સાથે સંકળાયેલું હતું તેથી તે આંદોલનને યોગ્ય દિશામાં વાળતા રહેવું એ તેમની બીજી જવાબદારી થતી. અને એ સાપ્તાહિક ગાંધીજીનું હતું તેથી નિત્ય નવી ઘટતી ઘટનાઓમાં ગાંધીજીએ કેવું માર્ગદર્શન આપ્યું હોત તેનો વિચાર કરી પોતાની પ્રતિક્રિયા કે પ્રતિભાવ વ્યક્ત કરવા એ મહાદેવભાઈની ત્રીજી જવાબદારી થઈ જતી. છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન રાષ્ટ્રને ખૂણે ખૂણે ફરવાનું અને રાષ્ટ્રીય નેતૃત્વ ધરાવતી ઘણીખરી વ્યક્તિઓ સાથે ઘનિષ્ઠ સંબંધમાં આવ્યા હોવાથી મહાદેવ ઉપર વર્ણવી તેમાંથી પહેલી જવાબદારી ઉપાડી શકતા હતા. અસહકાર આંદોલનના જનકની સાથે રહી આંદોલનની વ્યૂહરચનાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરેલું તેને લીધે અને વલ્લભભાઈ તેમ જ રાજગોપાલાચારી જેવા કુશળ સેનાપતિઓનું પીઠબળ હોવાને લીધે મહાદેવ બીજી જવાબદારી ઉઠાવી શકતા અને ગાંધીજી સાથે ત્યાર સુધીમાં સાધેલા તાદાત્મ્યને કારણે ત્રીજી જવાબદારી ઉપાડવી તેમને સહજ થઈ પડતી. અલબત્ત, આખા કામ બાબત એમનો પોતાનો અભિગમ તો નમ્રતાપૂર્ણ જ હતો તેને લીધે તેઓ અનેક લોકો સાથે મતભેદોને કારણે ઉત્પન્ન થઈ શકે એવા મતભેદમાંથી ઊગરી જતા.

જેલમાંથી આવતાંની સાથે જ મહાદેવભાઈએ नवजीवन સારુ નિયમિત રીતે કાંઈક ને કાંઈક લખવાનો પોતાનો જૂનો ક્રમ ચાલુ કરી દીધેલો. ગાંધીજીના વિચારોના બોધામૃતનું પાન અને ગાંધીજી સાથે સેવેલી સત્સંગતિ એ મહાદેવભાઈની મૂડી હતી જે લઈને તેઓ આ કઠણ કામ સંભાળી શક્યા. મહાદેવભાઈને એ વાતનું સતત ભાન હતું કે ગાંધીજીના પત્રોનું કામ સંભાળતાં તેમની ઉપર કેવો અને કેવડો મોટો વારસો સંભાળવાની જવાબદારી આવતી હતી.

મુંબઈમાં यंग इन्डियाની જવાબદારી પોતાના હાથમાં લેતાં ગાંધીજીએ લખ્યું હતું: ‘સત્યાગ્રહનું રહસ્ય સમજાવવાની મને હોંશ હતી.’ ગાંધીજીનો માતૃભાષા પ્રત્યેનો તેમનો પ્રેમ અને વફાદારી, यंग इन्डियाની જવાબદારી સાથે સાથે नवजीवनની નવી જવાબદારી લેવડાવવામાં કારણરૂપ બન્યાં હતાં. ‘હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો.’૧૫

ગાંધીજીના હાથમાં સંચાલન આવ્યું પછી नवजीवनની થયેલી પ્રગતિના પણ મહાદેવભાઈ સાક્ષી અને પ્રશંસક હતા. नवजीवन अने सत्य નામે મૂળ ચાલતું માસિક જ્યારે ગાંધીજીના હાથમાં આવ્યું ત્યારે મૂળ માસિકના ગ્રાહકો ૬૦૦ હતા તેને બદલે હવે ગાંધીજીના વહીવટ હેઠે ચાલતા नवजीवनને ૫,૦૦૦ નકલો એના પ્રથમ અંક વખતે જ છાપવી પડેલી અને પછી એકબે માસમાં એની ૧૫,૦૦૦ નકલો છપાતી થઈ ગયેલી. જે ‘નટવર પ્રિન્ટિંગ પ્રેસ’માં नवजीवन છપાતું તે નાનું પડવા લાગ્યું તેથી नवजीवनને છેવટે પોતાના સ્વતંત્ર પ્રેસ સુધી પહોંચવું પડેલું. नवजीवनના પહેલા અંકના અગ્રલેખમાં ગાંધીજીએ આગળ જતાં જે ઉદ્દેશની સ્પષ્ટતા કરી હતી તે મહાદેવભાઈએ વારંવાર વાંચી હતી:

સત્યાગ્રહ એ મારે મન પોથી માંહેલું વેંગણ નથી. મારું તો એ જીવન છે. સત્ય વિના સર્વ મને તો શુષ્ક લાગે છે. અસત્યથી દેશને લાભ ન જ થાય એવી મને ખાતરી છે. પણ કદાચ અસત્યથી તાત્કાલિક લાભ જણાતો હોય તોપણ, સત્ય ત્યાગ ન જ કરાય એમ હું દૃઢતાપૂર્વક માનું છું… (સત્યની) શોધ કરતાં મને અનેક રત્નો મળ્યાં છે. તે મારે હિંદની પાસે મૂકવાં છે. એની જાહેર ખબરરૂપે આ नवजीवन છે.૨૬

આમ મહાદેવભાઈએ नवजीवनનું કામ સંભાળતાં જે મશાલ પોતાના હાથમાં લીધી હતી તે મશાલની જ્યોત સત્યાગ્રહની હતી તે તેઓ જાણતા હતા.

એ જ વખતે સત્યાગ્રહના સંઘર્ષની અપ્રતિમ લાક્ષણિકતા બતાવતાં ગાંધીજીએ કહેલું:

પ્રતિકૂળ વાતાવરણમાં ઘણી ભારે લડાઈ લડવા છતાં, બંને પક્ષ વચ્ચે માન અને મીઠાશ જાળવી શકાય છે. દાખલાઓ અને દલીલોથી नवजीवन બતાવશે કે હિંદમાં પણ આપણે અધિકારી વર્ગ સાથે મતભેદ હોય ત્યાં, લડતા હોઈએ છતાં, જ્યાં તેવું નથી ત્યાં, તેને મદદ દઈએ ને તેની મદદ લઈએ.૨૭

વળી સત્યાગ્રહની વ્યાપકતા વિશે ગાંધીજી કહે છે:

પણ સત્યાગ્રહની સીમા કંઈ સરકાર ને પ્રજા વચ્ચેના સંબંધમાં સમાપ્ત થતી નથી. સંસારી સુધારાને સારુ પણ એ જ અમૂલ્ય શસ્ત્ર છે. એમાં સ્ત્રીઓની સ્થિતિ, આપણા કેટલાક નઠારા રિવાજો, હિંદુ-મુસલમાનો વચ્ચે ઊભા થતા સવાલો, અંત્યજને લગતી અડચણો — આવા અનેક પ્રશ્નોનો નિવેડો આવી શકે છે.૨૮

મહાદેવભાઈને સત્યાગ્રહના આ સાધનને લોક-આંદોલનને ટકાવી રાખવા અને પોતાના જ પક્ષના અનુભવી મુરબ્બીઓનો મુકાબલો કરવામાં વાપરવાની જરૂર ઊભી થવાની હતી. પોતે જેને સત્ય સમજે છે તેને વળગી રહેવા છતાં સામા પક્ષને સમજવા સારુ હમેશાં ખુલ્લું મન રાખવું. પોતાની વાતને દૃઢતા તથા સ્પષ્ટતાથી કહેવા છતાં કદી નમ્રતા અને મધુરતા ન ગુમાવવાની સત્યાગ્રહી કાર્યશૈલી મહાદેવભાઈએ આ ચાર વર્ષોમાં સારી રીતે આત્મસાત્ કરી હતી.

नवजीवनના પહેલા અંકની તૈયારી સારુ મહાદેવભાઈ ખાસ મુંબઈથી અમદાવાદ આવીને થોડા દિવસ રહ્યા હતા. પ્રથમ અંકમાં ગુજરાતના સાક્ષરોના લેખો મેળવી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ગાંધીજીની ખાસ ઇચ્છા હતી. સાક્ષરોનો સંપર્ક કરી તેમની પાસેથી લેખો મેળવવામાં મહાદેવભાઈના સુંદર અક્ષર, એમનું મોહક વ્યક્તિત્વ અને એમની મધુર ભાષા જરૂર કામ લાગ્યાં હશે. આશ્રમની બહેનો પાસે પ્રયત્નપૂર્વક લેખ લખાવવામાં પણ મહાદેવભાઈએ સફળતા મેળવી હતી.

શ્રી આનંદશંકર ધ્રુવે ‘સત્યનિષ્ઠા’ એ મથાળા હેઠળના લેખમાં ‘શ્રીમાન સત્યનિષ્ઠ ગાંધીજી ભિક્ષા’ માગે ત્યારે એમના પાત્રમાં સત્ય સિવાય બીજું શું મૂકવું?’ એવા પ્રશ્નથી શરૂઆત કરી ‘શતપથ બ્રાહ્મણ’માંથી ‘અગ્ન્યાધ્યેય’ની આખ્યાયિકા આપી પછી તેમણે લખ્યું:

અત્યારે સમસ્ત જગતની પુનર્ઘટના કરનાર જે મહાન અગ્નિ ભડભડી રહ્યો છે એને બાળવામાં, સળગાવવામાં ઉપયોગ કરવો, એના ઉપર આપણા સ્વાર્થનાં હાંલ્લાં ચઢાવવાં એ આસુરી વૃત્તિ છે; એ અગ્નિને આપણા આત્માના અંતરમાં ઉતારવો, સ્થાપવો એમાં સ્વાર્થની આહુતિ આપવી, એને અંગે સત્કર્મ કરવાં — એ દૈવી વૃત્તિ છે. જે દૈવી વૃત્તિને અવલંબે છે તે આત્માને પામે છે. એ આત્મલાભને પ્રાચીન જીવન કહો કે નવજીવન કહો. હું એને સર્વવિશેષણરહિત કેવળ જીવન જ કહીશ. એ જીવનની ખરી સેવા તે સત્યનિષ્ઠા છે.૨૯

મહાદેવભાઈનો પ્રયાસ સદા સત્યને પોતાના આત્મામાં ઉતારવાનો તથા તેમાં સ્વાર્થની આહુતિ આપવાનો જ હતો. એટલે તેઓ પોતાની રીતે શ્રી આનંદશંકરભાઈની એ મંગલ કામનાને યોગ્ય બની શક્યા અને नवजीवनને તેવું છાપું બનાવી શક્યા.

नवजीवनે ગાંધીજીની દોરવણી હેઠળ કેટલીક સ્વસ્થ પરંપરાઓ પણ પાડી દીધી હતી. नवजीवनમાં જાહેરખબર ન લેવાનો તેમનો આગ્રહ હતો. नवजीवने આરંભથી જ એ અપેક્ષા રાખી હતી કે ‘વાચકવર્ગનો અમારી સાથેનો સંબંધ વ્યાપારી નહીં પણ ઘણો નિકટ અને નીતિમય હશે.’ મહાદેવભાઈને સારુ આ સૂચના આચારસંહિતા જેવી થઈ ગઈ હતી.

यंग इन्डिया અને नवजीवनમાં અવારનવાર આવતાં ભાષાંતરો અંગે ગાંધીજી જે ખાસ આગ્રહ સેવતા તેને મહાદેવભાઈ ખુશીથી પહોંચી વળે એમ હતા. ગાંધીજી કહેતા:

‘એક ભાષામાંથી બીજી ભાષામાં તરજુમો કરવો એ ધારવા કરતાં હમેશાં અઘરું હોય છે. તેને સારુ બંને ભાષા પર સરખો કાબૂ અને વિષયની માહિતી હોય તો જ અસલ અર્થ કંઈક સચવાય.’૩૦

ગાંધીજીનાં લખાણોનું ભાષાંતર કરવાનું હોત તો તો મહાદેવભાઈ સારુ કાંઈ પ્રશ્ન જ નહોતો — કારણ, એમના વિચારો અને ભાષા બંને અંગે મહાદેવભાઈની પકડ સારી હતી. ગાંધીજીની ગેરહાજરીમાં यंग इन्डियाના સંપાદનનું કામ શ્રી રાજગોપાલાચારી સંભાળતા. તેમની ભાષા ગાંધીજી કરતાં શૈલીમાં જુદી હતી. પણ એમના વિચારો અંગેય, મહાદેવભાઈને પૂરતી સમજ હતી. વચગાળામાં यंग इन्डियाમાં શ્રી શ્વેબ કુરેશી તંત્રી હતા. તેમની ભાષા અને શૈલી અંગે મહાદેવભાઈને એવી આત્મીયતા હતી એમ ન કહી શકાય. પણ મૂળમાં જ મહાદેવભાઈની ભાષાંતર કરવાની આવડત એવી સરસ હતી કે તેમને ભાષાંતર અંગેના કાંઈ પ્રશ્નો નડ્યા જ નહીં હોય એમ અનુમાન કરી શકાય.

કાકાસાહેબની ધરપકડ પછી ૨૮મી ઑક્ટોબર, ૧૯૨૩થી મહાદેવભાઈનું નામ વિધિપૂર્વક नवजीवनના તંત્રી તરીકે છપાવા લાગ્યું.

૫ ફેબ્રુ. ૧૯૨૪ને દિવસે જેલમાંથી છૂટીને આવ્યા બાદ ગાંધીજીએ જાતે नवजीवनના સંપાદનનું કામ માથે લીધું. મહાદેવભાઈએ ‘મધુરા સંજેગોમાં’ તંત્રી તરીકે વાચકોની વિદાય લીધી. ત્યાર બાદ પણ नवजीवन સંસ્થાના ઇતિહાસલેખક શ્રી મણિભાઈ ભ. દેસાઈના શબ્દોમાં, ‘ગાંધીજીની પ્રવૃત્તિના તાદૃશ વિવરણકાર તરીકે તથા તેમના વિચારો અને સિદ્ધાંતોના નિરૂપક અને વિવેચક તરીકે પોતાની અતિશય રોચક, હૃદયંગમ અને સચોટ શૈલીમાં नवजीवनના વાચકોને તેઓ છેવટ સુધી પોતાની સેવા આપતા રહ્યા.’૩૧ પણ ગાંધીજીએ કાર્યભાર સંભાળી લીધો એટલે તંત્રી તરીકેની મોટી જવાબદારીમાંથી મુક્ત થતાં તો મહાદેવભાઈએ રાહત જ અનુભવી હશે.

नवजीवन જે દિવસોમાં મહાદેવભાઈની મુખ્ય પ્રવૃત્તિ હતી તે દિવસોમાં તેમણે એ પત્ર દ્વારા અસહકાર આંદોલન અને દેશને જે રીતે નેતૃત્વ પૂરું પાડ્યું હતું તેની કિંમત ઓછી નહોતી. આપણે નમૂના ખાતર થોડાંક ઉદાહરણો લઈએ.

સામાન્ય રીતે ગાંધીજીની સાથે પ્રવાસમાં હોય ત્યારે મહાદેવભાઈ પોતાના સાપ્તાહિક પત્રોમાં ગાંધીજીને મળનાર લોકોનો પરિચય પણ વાચકોને આપી દેતા. વાચકોનું એ રીતે ઉત્તમ પ્ર-શિક્ષણ થતું. બીજી બાજુ આ પરિચયો ગુજરાતી ભાષાને ઉત્તમ ચરિત્રચિત્રણો પણ પૂરા પાડતા. ગાંધીજી જેલમાં હતા ત્યારે પોતાને ‘મારી મુસાફરી’ નામે લેખ લખવો પડ્યો એને અંગે મહાદેવભાઈ ઘણો સંકોચ અનુભવે છે. પણ આ કાળ દરમિયાન પણ જે અનેક નાનામોટા, જાણીતા અને અજાણ્યા એવા કાર્યકર્તાઓનો પરિચય नवजीवनના વાચકોને એટલી જ કુશળતાથી કરાવ્યો હતો એ સૌનાં માત્ર નામ જ લેવા જઈએ તો આ કથાનાં પાનાંનાં પાનાં ભરાય એમ છે. પણ રસ ધરાવતા વાચકોને એટલું જરૂર જણાવીએ કે ડૉ. પી. સી. રોય, રાજાજી, દીનબંધુ ઍન્ડ્રૂઝ, રવીન્દ્રનાથ ઠાકુરના મોટા ભાઈ ‘બડો દાદા’, એક અજ્ઞાત અંત્યજ સેવક, શંકરલાલ બૅંકર, મિયાંગામના ડૉ. ત્રિભુવનદાસ ધરમદાસ, મંચેરશા અવારી, કલ્યાણજીભાઈ, દયાળજીભાઈ, મોહનલાલ પંડ્યા, રવિશંકર (મહારાજ), જમનાલાલજી, કાકાસાહેબ, વિનોબા વગેરેના ખૂબ થોડા શબ્દોમાં આપેલ ચરિત્રચિત્રણો વાચકોને ભરપૂર માહિતી આપવા ઉપરાંત ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે.

પરંતુ આ કાળમાં મહાદેવભાઈનું મુખ્ય મિશન તો લોક-આંદોલનના યજ્ઞના વહ્નિને પ્રજ્વલિત રાખવાનું જ હતું. તેને અંગે લખવામાં મહાદેવભાઈની કલમ આ કાળમાં વધુ તેજસ્વી બને છે. એક બાજુ મોતીલાલજી, ચિત્તરંજન દાસ જેવા ફેરવાદીઓની દલીલોને પહોંચી વળવામાં મહાદેવભાઈની વકીલ તરીકેની બધી શક્તિ ખીલી ઊઠે છે. બીજી તરફથી કવિવર રવીન્દ્રનાથ ઠાકુરને જે અસહકાર આંદોલન કે જલિયાંવાલા બાગ અંગે સહેજ વાંકુંવચકું બોલતા સાંભળે છે તો તેમને પણ જવાબ આપતાં મહાદેવભાઈ ચૂકતા નથી. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ પણ મહાદેવભાઈના સપાટામાંથી બચવા પામ્યા નથી. દેશવિદેશનાં લોક-આંદોલનમાંથી ઉદાહરણો લઈ લઈને તેઓ તે કાળના અસહકાર આંદોલનને પુષ્ટ કરે છે. કોઈ વાર આયર્લેન્ડના કવિના આંદોલન પ્રત્યેના અભિગમની તુલના આપણે ત્યાંના કવિ (રવીન્દ્રનાથ) સાથે કરે છે; કોઈ વાર જર્મનીના ઝંડાગીતનો પાઠ આપીને નાગપુરમાં ઝંડા સત્યાગ્રહ સારુ જનાર સત્યાગ્રહીઓને પ્રેરણા આપે છે. ‘કોણ થાકે છે?’ નામના મથાળા હેઠળના એક લેખનો થોડોક ભાગ જુઓ:

નાગપુર સત્યાગ્રહ પાખંડ છે, લુચ્ચા-લફંગાઓએ અને ધુતારાઓએ ઊભી કરેલી, યુરોપિયનોને સતાવવાની અને રાજસત્તાને ઊંધી વાળવાની હિલચાલ છે, એવી ગાળ દઈ टाइम्स પત્ર સરકારને ભલામણ કરે છે કે ‘દારૂગોળાના ઝપાટામાં આવ્યા વિના સરકારની સાથે લડી શકાય છે એવી આ લોકોની ભ્રમણા ભાંગવી જોઈએ.’ જ્યાં સુધી શાંત રીતે લડાઈ ચાલતી હતી ત્યાં સુધી સરકારની દૃઢતા સામે જ આપણે ઊભા રહેવાનું હતું. હવે, એમાં દારૂગોળો વધ્યો છે. દારૂગોળાની તો હિતૈષીની સૂચના; એ સૂચના ઉપાડી લેવાનો વખત સરકાર શોધતી હશે. દરમિયાન કેટલાક બીજા ઉપાયો પણ તેણે યોજવા માંડ્યા છે. कॉनिकल પત્રે સેવની૩૨ના ડેપ્યુટી કમિશનરના તરફથી ફેરવવામાં આવતો પરિપત્ર છાપ્યો છે, તે સરકારના નવા ઉપાયો સરસ રીતે પ્રગટ કરે છે. પરિપત્ર લોકોને ચેતવણીરૂપે છે:

લોકોને જાહેર થાય જે ખોટી ઉશ્કેરણીથી તમને નાગપુર મોકલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે — જ્યાં જઈને તમારે ‘સભ્ય’ વસ્તીમાંના કેટલાક ભાગોમાં ‘રાષ્ટ્રીય વાવટો’ નામનો વાવટો લઈને પેસવું પડશે, અને પકડાઈ જવું પડશે. તમને આવું કહેનારાઓ તમને સમજાવે છે કે આ તમારા દેશનો વાવટો છે, અને તમારા દેશનું માન જાળવવા ખાતર તમારે એટલો ભોગ આપવો જોઈએ. પણ સાચી વાત શી છે તે જાણો. આ વાવટો નથી તમારા દેશનો કે નથી તમારા બાપદાદાનો. તેમણે કદી એવા વાવટા હોવાનું સાંભળ્યું નહોતું. આ વાવટા અને તમારા દેશના માનની વચ્ચે કશો સંબંધ નથી. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કેટલાક ‘બાબુ’ઓએ કૉંગ્રેસની સાથે સંબંધ દર્શાવવાને માટે આ રાજકીય વાવટો પેદા કર્યો છે. અસહકારી નેતાઓ તમે જેલમાં જાઓ એમ ઇચ્છે છે. એ ઇચ્છામાં તમારા દેશના માનની લાગણી રહેલી છે એમ રખે માનશો. તેમનો એક જ હેતુ, એમાં પોતાનો સ્વાર્થ સાધવાનો છે, — તે હેતુ એ જ કે સરકાર જુલમી છે એમ લોકોને બતાવવાની તક સાધવી … ૩૩

તમારે જાણવું જોઈએ કે અત્યાર સુધીમાં જે લોકો જેલમાં ગયા છે તેઓ ભોળા ખેડૂતના છોકરા છે. વેપારીઓ, દુકાનદારો અથવા વકીલો અને બીજા સાક્ષરોના છોકરાઓ તો આ સરઘસમાં શામિલ થતા નથી. આનું કાંઈ કારણ? કારણ એ જ કે એ લોકો વાંચીલખી જાણતા હોઈ, આ તો બધી બેવકૂફી છે એમ સમજે છે. ગરીબ બિચારા ભોળા નિરક્ષર લોકો નેતાઓનાં જૂઠાણાંથી ફસાયા છે.

જૂઠાણાંના આ નમૂનામાંથી એક વાત તો સાફ નીકળે છે. જે અભણ અને નિરક્ષરને લઈ જવામાં આવે છે તેઓ, સરકાર તરફથી અત્યાર સુધી કહેવામાં આવતું હતું તેમ, ભાડૂતી નથી હોતા — કારણ, નેતાઓ તેમને કોઈ પણ જાતની મદદ નથી આપતા એવી તો ફરિયાદ છે — કેવળ રાષ્ટ્રીય વાવટા જેવી વસ્તુની ગેરસમજથી જ તેઓ જાય છે. બીજી વસ્તુ એ રહેલી છે કે ડેપ્યુટી કમિશનર મિ. હોઈલની બધી દલીલો, નેતાઓ કશો ભોગ આપવા નથી માગતા એ દલીલની ઉપર અવલંબેલી છે; એટલે જૂઠાણાં ઉપર અવલંબેલી છે. આજે મધ્ય પ્રાંતનો ગામડિયો પણ જમનાલાલજી, ભગવાનદીનજી, નીલકંઠરાવજી, વિનોબાજી જેલમાં જઈને બેઠા છે એમ નહીં જાણતો હોય એવું તો ભાગ્યે જ બને. અભણ ગામડિયા પણ મિ. હોઈલ જેવા બેવકૂફ હોય છે એમ માનવાનું કશું કારણ નથી. જો તેઓમાં મિ. પ્રેટને૩૪ જવાબ આપવાની જે શક્તિ ખેડાના ખેડૂતોમાં હતી તેવી શક્તિ હોય, તો મિ. હોઈલને પણ તેઓ જરૂર કહે કે ‘તમારા બાપદાદા કેટલાક યુનિયન જૅકને સમજતા હતા?’

પણ ખરી વાત તો એ છે કે એવાં જૂઠાણાંને જવાબ આપવાની આજે જરૂર રહી નથી. આખા દેશની ગંગાઓ જ્યાં નાગપુરના મહાસાગરમાં જઈને મળી રહી છે ત્યાં મિ. હોઈલ જેવા રેતીના રણની વાતો કરીને કોની આંખમાં ધૂળ નાખી શકશે?૩૫

દારૂગોળાનો જવાબ બરાબર આપવાનો રહેશે. નાગપુરના નેતાઓ જેલમાં બેઠા છે, ખેડાના ચુનંદા વીરો ગયા છે, દૂર તામિલ પ્રાંતમાંથી વિદ્વાન વીરો ગયા છે, અને કાલે જ આપણે ડૉ. ચંદુલાલ અને તેમની બહાદુર સેનાને મોકલી ચૂક્યા. ડૉ. હાર્ડિકર તો જઈને બેઠા છે જ, ત્યાં વળી તેમને તેમના જેવા બીજા ડૉ. જઈ મળવાના. પણ એટલામાં જ આપણો ફાળો પૂરો નથી થતો. હજી આપણે ત્યાંથી તો આપણે મોકલ્યા છે તેના કરતાંયે ભડવીરો મોકલવાના છે. ગુરુવારે ભરૂચના સૈનિકોનું સંમાન કરવાને માટે મળેલી સભામાં શ્રી વલ્લભભાઈએ જણાવ્યું કે, ‘શ્રી જીવણલાલ દીવાન અને બલુભાઈ ઠાકોર રાતદિન માગણી કરી રહ્યા છે કે અમને નાગપુર જવા દો.’ ડૉ. કાનૂગા પણ જવાને ઉત્સુક છે, અને એ બધાને વિદાય દઈ શ્રી વલ્લભભાઈ પોતે નીકળશે. અનેક બહેનો પાંત્રીસ વર્ષના નિયમની સામે વાતો કરી રહી છે. સરકાર દારૂગોળની તૈયારી કરે તે પહલાં તેણે૩૬ નિશ્ચય કરી લેવો જોઈએ કે તેણે કેટલે ઠેકાણે લડાઈ લડવી? નાગપુરમાં લડવી? ગુજરાતમાં લડવી? તામિલ પ્રાંતમાં લડવી? કે સંયુક્ત પ્રાંતમાં લડવી? જમનાલાલજીની ઉપર ગુનામાં મદદ કરવાનો આરોપ હતો. ગુનામાં કોણ નથી મદદ કરતું? ખરી રીતે સરકારે તો મહાસમિતિના બધાયે સભ્યોને પકડવા જોઈતા હતા, કારણ, લડતનું વિરાટ સ્વરૂપ મહાસમિતિના ઠરાવ પછી થયું છે. જેઓ સૈનિકોને મોકલી રહ્યા છે તેમને પકડવા જોઈએ, જે વર્તમાનપત્રો નાગપુર સત્યાગ્રહને ટેકો આપી રહ્યા છે, તેના અધિપતિઓને પકડવા જોઈએ. આ બધાયે આજે પકડાવાને તલપાપડ થઈ રહ્યા છે, પણ સરકારનામાં સૌને પકડી દાવાનળ ઊભો કરવાની તાકાત નથી. આપણે જે આપભોગનાં પર્વ પાળી રહ્યા છીએ તે ચાલુ રાખીએ તો સરકારના દારૂગોળાને આપણે જવાબ આપવો પડશે? કે આપણા ભોગનો સરકારને જવાબ આપવો પડશે, તે વિચારવું મુશ્કેલ નહીં રહે. એક વાર લડત લડ્યા, લડીને થાક્યા. ઈશ્વરે પાછી લડતની સંધિ આપી છે. આ વેળાની લડતનો ઢંગ જ એવો છે કે આપણે થાકી શકીએ જ નહીં…૩૭

૩ અને ૧૭ જૂન ૧૯૨૩માં नवजीवनના બે અંકોમાં મહાદેવભાઈ રવીન્દ્રનાથનાં પેલાં બે પ્રસિદ્ધ ગીતોના અનુવાદો (‘એકલો જાને રે’ અને ‘ચિંતા કર્યે ચાલશે ના’) અંકને પહેલે પાને છાપે છે. ત્યારથી આ ગીતો ગુજરાતમાં, કદાચ મૂળ બંગાળમાં સ્વદેશી આંદોલન વખતે પ્રસિદ્ધ થયાં હતાં ત્યારે તે હતાં એના કરતાંયે વધુ લોકપ્રિય બન્યાં અને ખુદ કવિને જ્યારે ગુજરાતી ભાષાંતર સંભળાવવામાં આવ્યાં ત્યારે તેઓ ભાષાંતર સાંભળી મુગ્ધ થઈ ગયા હતા.

नवजीवनના તંત્રીપદના આ કાળ દરમિયાન મહાદેવભાઈને ખાદી, દારૂબંધી તેમ જ કોમી એકતાના પ્રશ્નો વિશે પણ વારંવાર લખવાનો વારો આવતો. મહાદેવભાઈ જેટલો સવિનયભંગ અંગે ઉત્સાહ ધરાવતા હતા, એનાથી જરાય ઓછો આ રચનાત્મક કાર્યો સારુ નહોતા ધરાવતા. તેથી આ રચનાત્મક કાર્યક્રમને ટેકો આપતા તેમના લેખોમાં ગાંધીજીના લેખો જેટલી જ તાલાવેલી જોવામાં આવતી હતી.

સરકારને પ્રિય બનવા ઇચ્છનાર સર અબદુલ રહીમે એક ભાષણમાં બાળકોને એવું ઠસાવવાનો પ્રયાસ કર્યો કે ખાદીકામ એ ઇસ્લામની વિરુદ્ધ છે. તેનો જવાબ મહાદેવભાઈએ यंग इन्डिया ૨૨–૩–’૨૩ના અંકમાં આપ્યો. તેના કેટલાક ભાગ નીચે આપ્યા છે:

સર અબદુલ રહીમને૩૮ બહુ વિચિત્ર રીતે, એકદમ — પણ અમને ડર છે — બહુ મોડેથી, ઇસ્લામના હાર્દનું ભાન થયું છે. કલકત્તાની મદરેસાના ઇનામવિતરણ સમારંભના પ્રમુખસ્થાનેથી કુમળી વયનાં બાળકો સમક્ષ ઇસ્લામના હાર્દ વિશે એ આ પ્રમાણે બોલ્યા:

‘આ અંગે અત્યારે એક ખાસ બાબત મારી નજરે ચઢે છે – ચરખા અને ખાદીનો નવો સંપ્રદાય એ અસહકારનું પ્રતીક છે; એમાં દુનિયાથી જુદા પડવાપણું છે, એમાં વિકસતી માનવજાતની નિત્ય વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાના ખરા દિલના પ્રયત્નોનો ત્યાગ છે; અને એ ઇસ્લામના સમગ્ર હાર્દને અને ઇસ્લામી સંસ્કૃતિને પ્રતિકૂળ છે. સાચું પૂછો તો, રાજકીય સંઘર્ષ અને મનોવિકારથી આંધળો બનીને ગમે એટલા આગ્રહપૂર્વક અને ખરા દિલથી પણ, આ ઉપાય સૂચવનાર કોઈ મુસ્લિમ, અને ઇસ્લામિક સંસ્કૃતિના આદર્શને અનુરૂપ માને, એવું માનવાની હું ના પાડું છું. એ, મુસ્લિમ હૃદયમાં કદી સાચો ઉત્સાહ પ્રગટાવશે નહીં. ઇસ્લામમાં, અપનાવવાની અને એકરસ થવાની અજોડ શક્તિ રહેલી છે એ એની વિશેષતા છે; અને ઇસ્લામિક પદ્ધતિની આ ખાસિયત દુનિયાના કાર્યપ્રવાહોથી અલગ પાડવાના ઉપદેશની તદ્દન વિરોધી છે. ઇસ્લામમાં સંન્યાસવૃત્તિને સ્થાન નથી.’

આ ઉપરથી એવું અનુમાન કર્યા વિના રહેવાતું નથી કે મુસ્લિમ બાળકો ચરખા અને ખાદીને ઝડપભેર અપનાવી રહ્યાં છે; અગર છેવટે, એમના શિક્ષકો એનો પ્રચાર તો કરતા જ હશે. સર અબદુર રહીમ આવી ચેતવણી આપવા ઉશ્કેરાયા તેનું આવું કાંઈક કારણ હોવું જોઈએ. કાંઈ પણ કારણ વિના એ આવી તાકીદ આપે એ અમે માનતા નથી. પણ અમે એમને ખાતરી આપી શકીએ તેમ છીએ કે એ, બહેરા કાનો ઉપર પડ્યું છે; કારણ, બાળકો, સર અબદુર રહીમ કરતાં વધુ જાણે છે. તેમને ખાતરી છે કે તેમની માતાઓ સર અબદુર રહીમ જેટલી શ્રદ્ધાળુ મુસલમાન છે; અલીભાઈઓ અને બીજાઓ જેઓ વિશે તેમને પ્રેમ છે તેઓ પણ એટલા જ પાક મુસલમાન છે, અને તેમનામાંથી જેઓ ગરીબ છે તે તો સર અબદુર રહીમ કરતાં વધુ સારી રીતે સમજે છે કે ચરખો તો તેમને રોટી મેળવી આપે છે, અને ખાદી, તેમના ગરીબ કુટુંબના હાથમાં થોડા પણ પૈસા મૂકે છે.

પણ સંભવ છે, સર અબદુર રહીમ વળતો જવાબ આપશે કે એ બધા ગેરરસ્તે દોરવાયેલા ઝનૂનીઓ છે. અમે એમને ભૂતકાળમાં ડોકિયું કરવા સૂચવીએ? — ભૂતકાળ, સૈકાઓ પહેલાંનો નહીં, પણ ગરીબ કાંતનાર અને વણકરનો રોટલો છીનવી લેનાર ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી તે સમયનો. એ બધા એકાંતવાદના સિદ્ધાંતોને વરેલા સંન્યાસીઓ હતા? અમને તો ખાતરી છે કે એઓ ઘણા પ્રાણવાન હતા અને રોજિંદા જીવનના અને માનવજાતના સંપર્કમાં, સર અબદુર રહીમ છે તેના કરતાં વધુ હતા. ઇસ્લામના હાર્દ વિશેના એમના વિચિત્ર ખ્યાલનો ઊભરો ઠાલવીને, એમણે ઇસ્લામના હાર્દનું અજ્ઞાન જ પ્રકટ કર્યું છે — ઇસ્લામ, કે જે, ઊંચનીચના ભેદ વિનાનો મોટામાં મોટો પ્રજાકીય સંપ્રદાય છે. જાતમહેનતથી, નીતિથી રોટલો કમાવાના સિદ્ધાંતને સ્વીકારનારો સંપ્રદાય બીજું ગમે તે હોય, પણ પ્રજાકીય ધર્મને કોઈ પણ રીતે પ્રતિકૂળ તો ન હોય.

સર અબદુર રહીમ જે એમના ધર્મ વિશે બહુ ન જાણતા હોય તો એમના દેશ વિશે તો એનાથીય ઓછું જાણે છે. મુસ્લિમ કાંતનારની વસાહતો ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં જ હતી — સંયુક્ત પ્રાંતમાં લાખો કાંતનાર હતા એમ જ નહીં, પણ આજે પણ એવા અનેક પ્રદેશો છે જ્યાં સેંકડો અને હજારો મુસ્લિમ સ્ત્રીઓ મુખમાં અલ્લાનું નામ રટતી અને ચરખો કાંતતી પોતાની રોજની રોટી કમાય છે. એઓ જાણે છે કે પેગંબરે જ કહ્યું હતું કે જીવતીજાગતી સ્ત્રી માટે ઉત્તમમાં ઉત્તમ ધંધો ચરખો છે, અને તેથી એમ પણ જાણે છે કે, નીતિની રોટી માટે કરેલી જાતમહેનત કરતાં અલ્લાને બીજું કશું વધુ પ્રિય નથી.૩૯

એ કાળે તબલિધને તથા શુદ્ધિને નામે મુસ્લિમ નેતાઓ અને આર્યસમાજીઓ તરફથી ધર્મપરિવર્તનના કાર્યક્રમો ચાલતા. તેને લક્ષમાં રાખીને ‘શ્રદ્ધાનંદજીને પ્રાર્થના’ શીર્ષકથી લખાયેલ લેખ આજે પણ વિચારણીય છે:

વાયવ્ય૪૦ (સંયુક્ત) પ્રાંતના આગ્રા વિભાગમાં ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ ભારે ચિંતા ઉપજાવનારી છે. એક તરફથી તાર આવે છે, ‘હજારો મલકાના રજપૂતોને શુદ્ધ વિધિ પ્રમાણે આર્ય બનાવવામાં આવ્યા, મૂળ હિંદુઓ અને નવા આર્યોએ સહભોજન કર્યું,’ ઇ. બીજી તરફથી ‘ખિલાફત’ જેવા પત્રમાં ખબર આવે છે કે ‘અલીગઢ, આગ્રા, મથુરા, મેનપુરી વગેરે જિલ્લાઓમાં હજારો મલકાના રજપૂતોની છવ્વીસ કલાક થયા સભા મળી રહી છે, હજી ચાલશે. આ સભામાં એ રજપૂતોએ પોતે મુસલમાન હતા, અને મુસલમાન જ રહેશે એવું જાહેર કર્યું, અને ઘડીક વાર પણ ઇસ્લામને છોડવા માટે દિલગીરી જાહેર કરી છે. પૈસા અને માણસો જોઈએ છે.’ એક તરફ શ્રદ્ધાનંદજી પૈસા અને માણસો માગે છે; બીજી તરફ મોલવીસાહેબો પૈસા અને માણસ માગે છે. જાણે કાંઈ યુદ્ધની તૈયારીમાં પડ્યા હોય ને!

ધર્મની માન્યતા તે અંતરની વાત છે. અંત:કરણને જે શુદ્ધમાં શુદ્ધ અને પ્રાણપ્રદ ધર્મવ્યવસ્થા લાગે તે ગ્રહણ કરવાની સૌને સંપૂર્ણ સ્વતંત્રતા છે. અનેકમાંથી કઈ ધર્મમાન્યતા વધારે શુદ્ધ છે એ સમજાવવાનો, અને ન સમજતા હોય તેમને દોરવાનો જાણકારને અધિકાર છે. આ તો ધર્મમાન્યતા વિશે સામાન્ય નિયમો કહ્યા; પણ જુદા જુદા ધર્મોએ પ્રચારના જુદા જુદા માર્ગ લીધા છે. સફર કરનારી, વહાણવટી પ્રજાઓના ધર્મ, પ્રચારક ધર્મો છે; જ્યારે આર્યાવર્તમાં જ પોતાનું સર્વસ્વ છે એમ માનનારી આર્યપ્રજાએ પોતાના ધર્મને પ્રચારક નથી બનાવ્યો. મુસલમાન અને ખ્રિસ્તી ધર્મની અમુક સંસ્કારવિધિ સ્વીકારી કે ગમે તે ધર્મમાં જન્મેલો માણસ તે ધર્મનો થઈ શકે છે; પણ હિંદુ ધર્મમાં ન જન્મેલો માણસ હિંદુ ધર્મના રીતરિવાજો અને સંસ્કારો પાળતો છતાં હિંદુ તરીકે નથી સ્વીકારાઈ શકાતો. (આર્ય સમાજના સિદ્ધાંતનો હું આ ઘડી વિચાર નથી કરતો.) ઇતિહાસ જોઈશું તો જણાશે કે હિંદુ ધર્મના વાડામાં આજે જેટલી પ્રજા છે તેમાંની અમુક પ્રજા કોઈ કાળે અહિંદુ હશે જ. એ અહિંદુઓને હિંદુ કોણે બનાવ્યા, ક્યારે બનાવ્યા, તેનો કશો પુરાવો નથી. પણ એમને હિંદુ ધર્મે સ્વીકારી લીધા એ ચોખ્ખું છે. એટલે હિંદુ ધર્મની પૂર્વની ઉદારતા આજે સજીવન થાય એમાં કશું અવાસ્તવિક નથી, બલકે અમુક સંજોગોમાં એ કર્તવ્ય થઈ પડે છે. મલબારમાં મોપલા-ઉત્પાત વખતે જે હિંદુઓને બળજોરીથી મુસલમાન કરવામાં આવ્યા તેઓ — અનેક મુસલમાન નેતાઓએ કબૂલ કર્યું હતું તેમ — મુસલમાન થયા જ ન હતા, અને તેમને હિંદુ તરીકે સ્વીકારી લેવા એ હિંદુ સમાજની ચોખ્ખી ફરજ હતી.

મુસલમાન ધર્મ એ પ્રચારક ધર્મ છે, પણ બળજોરીથી કોઈ પણ જણને ઇસ્લામમાં લઈ શકાય એવું ક્યાંયે નથી જણાતું. કુરાનેશરીફની આયતોમાં એ વિશે સાફ અને સીધું ફરમાન છે. એક આયત કહે છે, ‘દીનના મામલામાં જબરદસ્તી બિલકુલ વાજબી નથી.’ બીજી આયત કહે છે, ‘ખુદાના રસ્તા ઉપર કાંઈ પણ પ્રપંચ વિના અને સાદીસીધી વાતચીત અને પ્રવચન કરીને કામ લે; અતિશય નમ્ર અને મીઠી રીતે ગુફ્તગૂ અને દલીલ કરીને કામ લે.’ ત્રીજી કહે છે, ‘લોકોની સાથે અતિશય કોમળ રીતે અને કોમળ શબ્દો વાપરી વાત કરો, કામ લો.’ આમ સાફ આાયતો છતાં કોઈને જબરદસ્તીથી ઇસ્લામમાં લઈ શકાય એવો કોઈ દાવો કરે તો તે ખોટો છે, અને એટલા માટે જ મોપલાઓએ કરેલી જબરદસ્તીને આખા દેશના મુસલમાન નેતાઓએ અને આલિમોએ નિંદી કાઢી હતી. જે ધર્મની મૂળ માન્યતા ઈશ્વરના ઐક્ય ઉપર રહેલી છે તે ધર્મમાં ઈમાનની ઉપર પણ ખૂબ ભાર મૂકવામાં આવેલો છે — જેઓ મોંએ ‘લાઇલાહ ઇલ્લલ્લાહ’ બોલે છતાં અંતરમાં, એક અલ્લાહને ન માનતા હોય તેઓને ઇસ્લામ, મુસલમાન તરીકે ન સ્વીકારી શકે. એ માન્યતા જ એટલી ગંભીર છે કે બળજોરીનો ટકોરો લાગતાની સાથે તેના ચૂરેચૂરા થઈ જાય છે. આમ હજારો અને લાખોનાં ટોળાંઓને ‘લાઇલાહ ઇલ્લલ્લાહ’ — નો પુણ્યમંત્ર સમજાવી સ્વીકારાવવામાં ભારે મુશ્કેલીઓ રહેલી છે. જેઓ એ પુણ્યમંત્રને નથી સ્વીકારતા એમ કહે, તેમને મારી બાંધીને મુસલમાન કરવામાં તો કશું જ રહસ્ય રહેલું નથી.

એટલે મુસલમાનો જે આજે ઠેકઠેકાણે માંચડા ઊભા કરી ઝપાટાબંધ બધાને મુસલમાન બનાવવા જાય તો તેમની પ્રવૃત્તિમાં કશું રહસ્ય ન જણાય, એટલું જ નહીં, પણ કોઈ પણ તેમને ન સાંખી શકે.

પણ આજે સવાલ જુદો છે, જે મલકાના રજપૂતોને સ્વામી શ્રદ્ધાનંદજી ‘શુદ્ધ’ કરી રહ્યા છે તેઓ જમાનાઓ થયા મુસલમાન ગણાતા આવ્યા છે. તેઓ જે હિંદુ રહેણીકરણીના હોય, તેઓ ઇસ્લામની ચાર ફરજો કદી અદા ન કરતા હોય તો તો તે કારણે હિંદુઓએ તેમને કાંઈ પણ ‘શુદ્ધિ’ની ક્રિયા કરાવ્યા વિના અપનાવવા જોઈએ. સમાજે હડહડતા અન્યાય ન સાંખવા જોઈએ એ વાત સાચી છે. અંત્યજોની સામે આપણે ભારેમાં ભારે અન્યાય કરતા આવ્યા છીએ. અંત્યજો એ અન્યાયની સામે કેટલો કાળ થયા પોકાર કરે છે, એટલે તે અન્યાયને આપણે જેટલો જલદી દુરસ્ત કરીએ તેટલું સારુ, પણ મલકાના રજપૂતોની સામે થયેલો અન્યાય આ પ્રકારનો અન્યાય નથી. જેઓ મુસલમાનની ફરજો અદા કરતા બંધ થયા હોય, જેઓ ‘લાઇલાહ ઇલ્લલ્લાહ’ પોકારવા તૈયાર ન હોય તેમને ઇસ્લામ જ સ્વીકારતો અટકશે; એટલે તેમને વિશે કશો સવાલ નથી. પણ આજે જે થઈ રહ્યું છે તે તો રૂઝેલા ઘાવ પાછા ખોલવા જેવું થાય છે; તેમાં મુસલમાન કોમની છંછેડણી રહેલી છે, અને તિરસ્કાર અને શત્રુતાને પોષણ મળે એવો ભય રહેલો છે. મસ્જિદમાં જઈને, જે, ઇબાદત કરવાને રાજી ન હોય તે ઘરમાં બેસીને ઈશ્વરની પૂજા કરી શકે એમ છે, પણ ટોળેટોળાંને ઘરમાં બેસીને પૂજા ન કરવાનું કહેતાં મંદિરમાં ખેંચી લઈ જવાં — જેમાંના કેટલાંયે, જે ‘ખિલાફત’ના તાર સાચા હોય તો, ‘શુદ્ધિ’ને માટે પાછા પશ્ચાત્તાપ જાહેર કરે — તે તો નાહકની લડાઈનાં બીજ રોપવા જેવું છે. આમ ઐક્યને એથી પહોંચનારો ધક્કો ચાલુ લડતને માટે કેટલો બધો ભયંકર થઈ પડશે એ કહેવાની જરૂર નથી. આપણા એક પણ અવિવેકના કાર્યથી આજે તોફાન સળગે તો ગાંધીજીનું મહા કષ્ટ અને મહા તપ વડે સાધેલું થોડુંઘણું કાર્ય પણ પાણીમાં મળે એમ છે. એટલે હું તો સ્વામી શ્રદ્ધાનંદજીને પ્રાર્થના કરું કે એઓ પોતાની પ્રવૃત્તિ મૂકી દે અથવા મોકૂફ રાખે. સ્વરાજ્ય મેળવતાં સુધી આપણે એને મોકૂફ રાખી શકીએ એમ છીએ, અને તે પછી એ બધા ઝઘડાઓનો સમજૂતીથી તોડ કાઢી શકીએ એમ છીએ. કૉંગ્રેસની કાર્યકારિણી સમિતિની અને ખિલાફત કમિટીની ફરજ છે કે શ્રદ્ધાનંદજીને એઓ મળે, તથા શ્રદ્ધાનંદજીની સામે ઝૂઝી રહેલા મોલવીસાહેબોને પણ એઓ મળે, અને તેમને લોકોની મરજી ઉપર એ પ્રશ્ન છોડવાનું સમજાવે.૪૧

સામાન્ય રીતે અત્યંત મધુર ભાષામાં બોલનાર અને લખનાર મહાદેવભાઈ ગાંધીજીની વિરુદ્ધ દલીલ થાય અથવા એમણે પુરસ્કારેલા કોઈ વિષયની ટીકા આવે તો એનો જડબાતોડ જવાબ આપવામાં પાછી પાની કરતા નથી. કેટલાક નમૂનાઓ જોઈએ:

‘…ભાઈએ ઇતિહાસ બરાબર વાંચ્યો હોય તો એમને કહેવાની જરૂર નહીં રહે કે ઇતર રાજાઓએ નિ:શસ્ત્ર પ્રજાનું લોહી વહેવડાવ્યું નહોતું; તેમની લૂંટો અને કતલો એક પ્લેગ સમાન હતી, જેનો યોગ્ય ઉપાય લેવામાં આવતાં પ્લેગની ગાંઠની જેમ તે બેસી જતી, પણ અંગ્રેજ સરકારને હાથે તો પ્રથમ પ્રજાને નિ:શસ્ત્ર, નિર્વીર્ય બનાવવાનું કાર્ય બન્યું છે, અને તે પછી તે નિ:શસ્ત્ર પ્રજા ઉપર મનમાન્યા અત્યાચાર થાય છે. ઇતર સત્તાઓ પ્લેગરૂપી હતી તો આ સત્તા એક કૅન્સરરૂપે છે, જેની ગંભીરતાઓનો પાર નથી, ભયંકરતાનો પાર નથી. પ્લેગ કાં તો તરત મરણ ઉપજાવે, અથવા સાવ મટી જાય. કૅન્સર શરીરને અતિશય દુ:ખદાયક રીતે ખાઈ જઈને અંત આણે છે.૪૨

અથવા

‘પ્રશ્ન એ જ છે કે સરકાર તો દેવાળિયાં થતાં લજવાય એમ નથી; દેશ પણ દેવાળું કાઢશે? દરિદ્રીનેયે નીતિની પૂંજી હોય. આપણો દરિદ્ર દેશ નીતિનું દેવાળું કાઢીને બેસવાની અણી ઉપર છે.’૪૩

અગર

‘મૅજિસ્ટ્રેટો આજે ન્યાયના સેવક નથી રહ્યા. સરકારના સેવકો છે.’૪૪

કે

‘બીજા પ્રાંતોમાં રાજદ્વારી કેદીઓને છોડી દેવાને માટે ધારાસભાના સભ્યો બખાળા પાડે, પણ મુંબઈ સરકારનાં કૃત્યોમાં જ એવી કુશળતા રહેલી કે એના ધારાસભાના સભ્યો પાળેલા હોય તેમ એનાં બધાં કાર્યોમાં “હા જી હા” ભણે.’૪૫

યા તો

બંગાળની ધારાસભામાં હમણાં જ મ્યુનિસિપલ કાયદાની એવી એક કલમ સર સુરેન્દ્રનાથ બેનરજીએ પસાર કરાવી છે, કે જેથી સર સુરેન્દ્રનાથના પક્ષના લોકોને શરમાવાનું હોય કે ન હોય, દેશને તો કાચલીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું થયું છે. સર સુરેન્દ્રે એવો કાયદો કરાવ્યો છે કે મ્યુનિસિપલ સભામાં બેસનારા લોકોએ શહેનશાહ પ્રત્યે વફાદારીની પ્રતિજ્ઞા લેવી જોઈએ. એટલું જ નહીં, પણ કોઈ પણ સભ્યે એ પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે એમ સરકાર જાહેર કરે કે તરત જ એને રુખસત આપી શકાય.૪૬

મૂળશી પેટાના સત્યાગ્રહીઓ પર જેલમાં ફટકા પડ્યા તે ઘટના અંગે મહાદેવભાઈએ લખ્યું: ‘શુદ્ધ સેવા કરીને જેલ જનારા અને જેલમાં પણ નિયમોનું બરાબર પાલન કરનારા આવા ભાઈઓ ઉપર જેટલા ફટકા પડે, તે દેશની પીઠ ઉપર પડે છે એવું આપણે ક્યારે અનુભવતા થઈશું?૪૭

અને ગાંધીજીની ધરપકડના સમાચાર સાંભળીને મહાદેવભાઈ મહાભારતનું આદિપર્વ યાદ કરે છે:

આદિપર્વના [ઉદ્યોગપર્વના?] આરંભમાં, ધૃતરાષ્ટ્ર પોતાના પક્ષનો વિજય નહીં થશે એમ શી રીતે કળી ગયો હતો તે, સંજયને કહી બતાવતાં વર્ણવ્યો છે. ‘અનેક ઘટનાઓ એવી બની કે જેથી આપણું સત્યાનાશ વળેલું છે, એ વિશે મને કાંઈ સંશય રહેતો નથી’ એમ સંજયને વારંવાર કહેતા ધ્રૃતરાષ્ટ્રના મુખમાં મૂકેલાં વચનો જેટલાં કરુણ છે તેટલાં સ્મરણીય છે. એક વચન એવું છે કે ‘જ્યારે મેં સાંભળ્યું કે પાંડવ ધર્માત્માઓ અમુક રીતે વનમાં સિધાવ્યા અને હજારો સ્નાતકો, બ્રાહ્મણો અને મહાત્માઓનાં વૃંદ એમની પાછળ પાછળ ગયાં ત્યારે મને ખાતરી થઈ ગઈ કે અમારો વિજય થનાર નથી. ‘तदा नाशंसे विजयाय संजय ।’ એ જ પ્રમાણે ગાંધીજીના કારાવાસને દિવસે ઘણા અંગ્રેજોના મોંમાંથી, ‘આ રાજ્યનું હવે આવી બન્યું છે’ એવાં વચન આપોઆપ નીકળ્યાં હોય તો નવાઈ નથી — ખાસ કરીને જ્યારે તેમણે હજારો અને લાખોને અશ્રુ વરસાવતાં સાંભળ્યાં હશે, જ્યારે શાંતિની એમની આજ્ઞાને આખા દેશે સંપૂર્ણ રીતે પાળી એમ સાંભળ્યું હશે. તેવા જ અંગ્રેજો આ હડતાળનું સાંભળીને પણ ફરી એવાં વચન ઉચ્ચારે તો કશી નવાઈ નથી. માત્ર આવી આગાહીઓ આંખે ઊડીને વળગે એવી હોય, કાનના પડદા ચીરી નાખે એવી હોય એમ આપણે ઇચ્છીએ.૪૬

નાગપુરના ઝંડા સત્યાગ્રહનો તો મહાદેવભાઈએ ગુજરાતમાં રહીને જાણે કે બીજો મોરચો જ ખોલ્યો હતો. નાગપુરથી વલ્લભભાઈ આખી હિલચાલની ઝીણામાં ઝીણી વિગતો લખે અને મહાદેવભાઈ એમાંથી ગુજરાતની પ્રજા સારુ લેખો તૈયાર કરીને એ ચળવળ ચલાવવા સારુ સ્વયંસેવકો અને ફાળો ઊભો કરે. વચ્ચે મહાદેવભાઈ જાતે પણ નાગપુર જઈ આવ્યા અને ત્યાં ચાલી રહેલા સત્યાગ્રહનો તથા સત્યાગ્રહીઓના ઉત્સાહપૂર્ણ મિજાજનો તેમ જ તપસ્યાનો ચિતાર તેમણે ગુજરાતના વાચકો સારુ રજૂ કર્યો. આમ નાગપુર સત્યાગ્રહને આખા દેશમાંથી જેટલી મદદ મળી તેમાં ગુજરાત કદાચ સૌથી મોખરે હશે એમ જણાય છે. આનું એક અગત્યનું કારણ વલ્લભભાઈ અને મહાદેવભાઈની નાગપુર-અમદાવાદની જુગલબંધી હતું.

આ જ દિવસોમાં પંજાબમાં ગુરુ કા બાગનો સત્યાગ્રહ થયો હતો. એ સત્યાગ્રહ જોવા મહાદેવભાઈ નહોતા ગયા. એ સત્યાગ્રહમાં શીખ બંધુઓએ જેટલી યાતના હસતે મોંએ અને સામી છાતીએ ઝીલી એટલી ભાગ્યે જ બીજા કોઈએ ઝીલી હશે. ગુરુ કા બાગ સત્યાગ્રહની વિગતોમાં ઊતરવું તો અહીં શક્ય નથી, પણ જિજ્ઞાસુ વાચકો સારુ આપણે એટલું કહી દઈએ કે મૂળમાં એ પ્રસંગ શિરોમણિ અકાલી પ્રબંધક સમિતિના પ્રગતિશીલ અકાલીઓ અને ઉદાસીન નામના જુનવાણી વિચારના શીખો વચ્ચે ગુરુ કા બાગ નામના એક ધાર્મિક (ગુરુદ્વારા) સ્થળની જમીન પરનાં વૃક્ષોના કબજા સારુ ઉત્પન્ન થયો હતો. અકાલીઓ એ બાગનો કબજો લેવા માગતા હતા, ઉદાસીઓના મહંતે એમને રોકવા સારુ પોલીસની મદદ માગી હતી. અકાલીઓ આ આખી હિલચાલ ખુલ્લંખુલ્લા અને સંપૂર્ણપણે અહિંસક રીતે ચલાવવા પ્રતિજ્ઞાબદ્ધ હતા. પોલીસે શીખોના નિયમિત રીતે આવતા ૨૫, ૨૫ના શિસ્તબદ્ધ જથ્થાઓ પર લાઠીઓ વડે પ્રહાર કરવામાં હદ કરી નાખી હતી, પરંતુ અકાલીઓ આમ રોજ માર પડે છે એમ જાણ્યા છતાં, શાંતિપૂર્ણ રીતે ઠરાવેલા સમયે અને દિને ગુરુ કા બાગની પોલીસચોકી આગળથી જતા અને લાઠીમારો વહોરી લેતા. સરકાર પણ અકાલીઓએ આ બાબતમાં પૂરેપૂરો આત્મસંયમ દેખાડ્યો હતો એમ સ્વીકારતી હતી. એની ફરિયાદ માત્ર એટલી જ હતી કે આવી અપ્રિય ફરજ બજાવતાં પોલીસને કેટલો સંયમ જાળવવો પડે છે તેની છાપાંવાળા નોંધ નથી લેતા! અકાલીઓના સત્યાગ્રહે એક બહાદુર પ્રજા અહિંસાની શક્તિ કેટલી હદ સુધી પુરવાર કરી શકે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહાદેવભાઈથી नवजीवनની જવાબદારીને લીધે ઑગસ્ટથી સપ્ટેમ્બર ૧૯૨૩ સુધી ચાલેલા આ સત્યાગ્રહના પ્રત્યક્ષ સાક્ષી થવા પંજાબ જઈ તો નહોતું શકાયું, પણ नवजीवनમાં તેમની નોંધો અકાલીઓની ગિરફતારી પછી મહિનાઓ સુધી આવતી રહી. અકાલીઓ તેમના પ્રતિનિધિઓ પર જેલમાં ગુજારવામાં આવતા જુલમો અંગે નિયમિત રીતે પત્રિકા કાઢતા. મહાદેવભાઈ એને नवजीवनમાં એમ ને એમ છાપતા. એકથી વધુ વાર મહાદેવભાઈએ એની ઉપર ટિપ્પણી કરી હતી કે આ સમાચારોમાં જો જરાય અસત્ય હોય તો સરકાર એનો પ્રતિવાદ કેમ નથી કરતી?

આ સત્યાગ્રહને કૉંગ્રેસના ઇતિહાસકાર ડૉક્ટર પટ્ટાભી સીતારામૈયાએ ‘ભારતની એક શૂરવીર લડાયક પ્રજા દ્વારા અપાયેલ અહિંસાનો એક પદાર્થપાઠ તરીકે વર્ણવ્યો હતો.૪૭ મહાદેવભાઈએ એનું વર્ણન નીચે મુજબ કર્યું હતું:

આ લડતનું બીજી કેટલીક લડતના કરતાં વિશેષ મહત્ત્વ છે. અકાલીઓનો અપ્રતિમ સત્યાગ્રહ એક ધાર્મિક હકના પ્રતિપાદન માટે હતો. તે વેળા તે સત્યાગ્રહમાં ભાગ લેવાને બીજી કોમોના સ્વયંસેવકોએ માગણી કરી હતી, પણ અકાલીઓએ તે સ્વીકારી ન હતી, અને તે બરાબર હતું.૪૮

ગાંધીજીના અંગ્રેજ મિત્ર સી. એફ. ઍન્ડ્રૂઝ ગુરુ કા બાગ સત્યાગ્રહ જોવા ગયેલા. તેમણે તેનું હૈયાં હચમચાવે તેવું વર્ણન કર્યું છે: ‘મેં મારા જીવનમાં જોયેલાં દૃશ્યોમાં તે વધુમાં વધુ અસરકારક અને કરુણ પૈકી એક હતું. અહિંસાની જીત સંપૂર્ણપણે પૂરેપૂરી છે. સત્યાગ્રહીઓ સારુ તો એ ખરેખર શહાદત છે.’ શાંત જથ્થાઓ પર પોલીસના ઠંડે કલેજે કરવામાં આવેલા લાઠીમાર અંગે અંગ્રેજ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મૅકક્રેસન लाठीनी कसरतो પુસ્તકમાં ગુરુ કા બાગની ઘટનામાં થયેલી ઈજાઓ અંગે નીચેના આંકડાઓ આપે છે: ‘ફ્રૅક્ચર જેવી ઈજાઓ પહોંચી હોય એવો સાવ સંભવ છે. જથ્થાઓએ પોલીસનો સામનો કર્યો નહોતો, કારણ, તેઓ પૂરા અહિંસક હતા. એ પણ સંભવ છે કે ઈજા પામેલા કેટલાક બેભાન થઈ ગયા હોય. ૯૫૩ જેટલા જે ઘાયલ થયા હતા એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તેમાં ૨૬૯ને ધડથી ઉપર, ૩૦૦ને શરીરના સામેના ભાગમાં ને માથા પર ઘા થયા હતા, ૬૦ને જનનેદ્રિયો પર, ૧૯ને નીચેની ગુહ્યેન્દ્રિય પર, ૭ને દાંત પર ઈજાઓ થઈ હતી. ૧૫૮ના ઘા પર લોહી થીજી ગયું હતું, ૮ને કાપા પડ્યા હતા, ૨ને ઊંડા ઘા થયા હતા, ૪૦ને પેશાબની તકલીફ થઈ હતી, ૯નાં હાડકાં ભાંગ્યાં હતાં, રનાં હાડકાં ઊતરી ગયાં હતાં.’૪૯

મહાદેવભાઈએ ૧૮–૪–’૨૩ના नवजीवनના વધારામાં અકાલીઓના ગુરુ કા બાગ સત્યાગ્રહ વિશે જે લખ્યું છે તે ખૂબ મહત્ત્વનું છે:

શૂરવીર અકાલીઓ ઉપર અમાનુષી અત્યાચારો થયા. છતાં તેઓ સત્યાગ્રહ વિશે નિશ્ચલ રહ્યા. ગાંધીજીએ પણ ન કલ્પેલાં એવાં દૃશ્યો તે વેળા ઇતિહાસને પાને લખાયાં. મારું નમ્ર માનવું છે કે તે વેળા ગાંધીજી બહાર હોત તો એમણે પંજાબમાં પોતાનો પડાવ નાખ્યો હોત. એમણે સત્યાગ્રહની તે પુણ્યભૂમિને વિશેષ સત્યાગ્રહથી — શુદ્ધ સવિનયભંગથી — ફળદ્રુપ કરી હોત. પણ આપણા મહાન નેતાઓને તે અમર દષ્ટાંતોમાં કાંઈ ભારે રહસ્ય ન જણાયું અને જે અમૂલખ અવસરને માટે ગાંધીજી ઝંખતા હતા, જે અમૂલખ અવસરનો ગાંધીજી તત્કાળ લાભ લેત તેને આપણે એળે જવા દીધો.૫૦

એ જ પ્રમાણે બીજે વર્ષે જ્યારે અકાલીઓ પર મુક્તસરમાં અત્યાચાર ગુજારવામાં આવ્યો ત્યારે પોલીસમાંથી એક મુસ્લિમ ભાઈએ નોકરીમાંથી રાજીનામું આપ્યું. તે જાણી મહાદેવભાઈએ લખ્યું:

હસનખાન નામના એક પોલીસે, મુક્તસરના દરબારસાહેબ આગળ અકાલીઓ ઉપર થતા અત્યાચાર ન ખમી શકવાને લીધે રાજીનામું આપ્યું. પાછા, ગયા નવેમ્બરના દહાડાઓ આવી લાગ્યા છે. ગયે વર્ષે અકાલીઓ ઉપરના અત્યાચારને પરિણામે કેટલાક ગુરખાઓ રાજીનામું આપનારા નીકળી પડ્યા હતા.૫૧

આમ, દેશમાં ક્યાંય પણ અહિંસાનો પ્રયોગ ચાલતો હોય તો તેને વધાવી લઈને મહાદેવભાઈ રાષ્ટ્રીય અહિંસક આંદોલનને પુષ્ટ કરવા પ્રયાસ કરતા.

૧૯૨૩ સુધીમાં મહાદેવભાઈના વ્યક્તિત્વનો એટલો વિકાસ થઈ ચૂક્યો હતો કે તેમને માત્ર नवजीवनનું તંત્રીપણું લઈને બેસી જવું પાલવે એમ નહોતું તેઓ ઇચ્છે તોપણ લોકો તેમને તેમ કરવા દે તેમ નહોતા. તેથી ગુજરાતમાં ભરાતી અનેક નાનીમોટી પરિષદોમાં તેમને નિમંત્રવામાં આવતા. આવા પ્રસંગોએ મહાદેવભાઈ દેશમાં રેંટિયા ચાલુ કરવાનો સંકલ્પ બાકી હતો તેની યાદ અપાવતા. અસ્પૃશ્યતાનિવારણ અને દારૂતાડી છોડવાની વાત કરતા. રચનાત્મક કામ અંગે દેશનું ધ્યાન ખેંચવામાંથી તેઓ કદી ચૂકતા નહીં. વસ્તીના ત્રણ કે ચાર હજાર માણસો દીઠ એક એક સત્યાગ્રહી ઊભો થવો જોઈએ એવો ઠરાવ કૉંગ્રેસમાં થઈ ગયો હતો, તેની પણ મહાદેવભાઈ વારંવાર યાદ દેવડાવતા રહેતા. એમનું મુખ્ય કામ જુદ્ધે ચડેલા દેશનો જુસ્સો ટકાવી રાખવાનું હતું.

સુરત જિલ્લામાં એક સન્માન સમારંભના જવાબમાં આપેલાં તેમનાં વચનો જુઓ:

ઉત્તર હિંદુસ્તાનમાં થયેલી અમારી નિરાશા પછી અમને આ તરફ આવી ભારે આશા બંધાઈ છે. ખાસ કરીને આ જિલ્લામાં થયેલો ખાદીનો પ્રચાર આશા આપે છે. જ્યાં સુધી દયાળજીભાઈનાં પૂજ્ય માતુશ્રી આપણી વચ્ચે ઘૂમી રહ્યાં છે ત્યાં સુધી બહેનો વિશે નિરાશ થવાનું કશું કારણ નથી. જ્યાં સુધી અનેક નિરાશાથી પાછા ન હઠનારા દયાળજીભાઈ — ચાર મહિનામાં આપણી પાસે (જેલમાંથી પાછા) હિસાબ લેવા તેઓ હાજર થશે. કલ્યાણજીભાઈ અને એમની ટોળી કાયમ છે ત્યાં સુધી યુવાનોને માટે નિરાશ થવાનું કારણ નથી. જ્યાં સુધી અબ્બાસસાહેબ જેવા પોતાનાં કાર્ય કરવામાં ઉત્સાહથી યુવાનોને શરમાવતા ધુરંધરો આપણી વચ્ચે છે ત્યાં સુધી આપણે કેમ નિરાશ થઈએ? આપણે કેમ થાક અને કાયરતાનાં વચનો ઉચ્ચારીએ? બીજો કયો ત્રીસ કરોડની વસ્તીનો દેશ આવા ધર્મયુદ્ધ ઉપર અગાઉ ચડ્યો હતો? કે એનો આપણે દાખલો લઈએ? હિંસક શસ્ત્રો વડે સ્વતંત્રતાની લડત લડનાર દેશોને પણ વર્ષોનાં વર્ષો ગયાં છે; તો આપણી તો અહિંસા અને અસહકારનાં કઠણ શસ્ત્રો વડે લડવાની લડાઈ રહી. આપણે કેમ અધીરા થઈએ? આપણી અધૂરી લડતથી પણ આપણે જર્મની જેવી શૂરી પ્રજાનું ધ્યાન ખેંચ્યું છે, અને અનુકરણ મેળવ્યું છે. આપણે કેમ નિરુત્સાહી થઈએ? જગતમાં કદી ન વપરાયેલી એવી શાંત યુદ્ધનીતિ આપણે જગતને ભેટ કરવાની છે. એ ભેટ કેવળ રચનાત્મક કાર્યક્રમના નિશ્ચલ પાયા ઉપર રચાયેલા અસહકારથી જ થઈ શકે.૫૨

અલબત્ત, જ્યારે મહાદેવભાઈએ પોતાના સૌથી પ્રિય એવા વિષય, ગાંધીજી ઉપર બોલવાનું આવે ત્યારે તેઓ માણેકઠારી પૂનમના ચાંદાની જેમ સોળે કળાએ ખીલી ઊઠતા. અમદાવાદની એક જાહેરસભામાં ૧૯૨૩ની ગાંધીજયંતીને દિવસે આપેલ તેમનું પ્રવચન મોટી વિદ્વત્સભામાં શોભે તેવું હતું. એક પ્રવચનમાં ગાંધીવિચારનો સાર એ જ આપી શકે જેણે એ ‘સિંહણ કેરું દૂધ’ જીરવ્યું હોય. આખા પ્રવચન સારુ તો અમે વાચકોને महादेवभाईनी डायरी ભાગ-૧૮, પૃષ્ઠ ૧૬૧થી ૧૬૭ જેવા ભલામણ કરીશું. અહીં તો આપણે રસનાં થોડાં છાંટણાં જ સમાવી શકીશું:

ગીતાના બારમા અધ્યાયના પંદરમા શ્લોકમાંથી: यस्मानोध्विजते लोको, लोकान्नो ध्विजते च य: (‘જેથી દુભાય ના લોકો, લોકોથી જે દુભાય ના’) ટાંકીને મહાદેવભાઈ કહે છે કે તેમાં ગાંધીજીના જીવનનું રહસ્ય આવી જાય છે. ભક્ત વિશેનું એ વચન સિદ્ધ કરવા જ એમણે સત્ય અને અહિંસા એ બે મહાવ્રતોથી પોતાના જીવનને બાંધ્યું. મહાદેવભાઈ ઉપર લખેલ એક પત્રમાં ગાંધીજીએ કહેલું વચન ટાંકે છે. એનું છેલ્લું વાક્ય આમ છે: ‘મારી તપશ્ચર્યાની તો મારી પાસે કશી કિંમત જ નથી… મારું સત્ય તો મારું જ છે… મારી અહિંસા ઘણી ઉગ્ર છે. અને તે બેના સંગમથી જે સત્યાગ્રહ ઉત્પન્ન થયો છે તે ખરેખર અવર્ણનીય છે.’૫૩

૧૯૧૯થી પહેલાંના અને તે પછીના દેશના રાજપ્રકરણની તુલના કરી મહાદેવભાઈ સત્ય ને અહિંસાનું રહસ્ય સમજાવે છે. તે સમજાવવામાં તેઓ પતંજલિના अहिंसाप्रतिष्ठायां तत्संनिद्यौ वैरत्याग: (અહિંસામાં પ્રતિષ્ઠિત થયે યોગીની સંનિધિમાં વેરનો ત્યાગ થાય છે) અને सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् (સત્યનિષ્ઠ માણસ વાક્સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એની વાણી અમોઘ થાય છે. ) એ બે સૂત્રો ટાંકે છે.૫૪

તે કાળે દેશમાં ઠેકઠેકાણે પ્રગટ થતાં હિંસક છમકલાંની તરફ આંગળી કરી મહાદેવભાઈ કહે છે:

સરકારે ગાંધીજીને જેલમાં પૂરીને પોતાને જ નુકસાન કર્યું છે. ‘અહિંસા અને સત્યરૂપી અમૃત લોકો આગળથી ખસેડી લેવામાં આવ્યાને લીધે વિવિધ પ્રકારનું વિષ ઊભરાઈ રહ્યું છે.’ છેવટે મહાદેવભાઈ આશા વ્યક્ત કરે છે કે ‘કાળે કરી આપણે આપણા અમોલા ધનને પૂરું ન પારખવાની ભૂલ સમજશું. કાળે કરીને આપણામાં સાચી ધર્મનિષ્ઠાનો ઉદય થશે. અને કાળે કરીને સત્તાથી છકેલી સરકાર પણ પોતાનું હિત શેમાં રહેલું છે તે સમજશે.’૫૫

પરંતુ ગાંધીજી વિશે ‘સત્ય અને અહિંસાના અલૌકિક અવતારપુરુષ’ એમ કહેવા અને માનવા છતાંયે એમની જોડેના મતભેદો પણ પ્રગટ કરવાનું મહાદેવભાઈ ચૂકતા નથી. ગાંધીજી એમ માને છે કે ‘આ જમાનામાં રાજદ્વારી સંન્યાસી જ સંન્યાસને દીપાવી શકવાનો છે. બીજા, ભગવું લજવનારા જ હશે.’૫૬ મહાદેવભાઈ આ વાક્યને વધારે પડતું માને છે. તેથી ગોખલેજીનાં ભાષણોનાં ભાષાંતરની પ્રસ્તાવના લખતા હતા ત્યારે ગાંધીજી સાથે તેમને ચર્ચા થયેલી. શંકરાચાર્ય, દયાનંદ, પરમહંસ જેવા પણ રાજદ્વારી સંન્યાસીઓમાં જ આવી જાય એવાં ગાંધીજીએ આગ્રહ ધર્યો ત્યારે મહાદેવભાઈએ દલીલ કરી હતી, ‘ત્યારે તમે અવધૂતોને બાતલ કરો છો, કેમ? “તત્ત્વચીનેલા” એવા આત્માઓને આપ ભગવું લજવનારા કહો?’ ત્યારે ગાંધીજી કહે છે કે, ‘ના, તેમને તો નહીં જ કહું. તત્ત્વ જાણ્યા વિનાનો સંન્યાસ જૂઠો છે એટલું જ મારું કહેવું છે.’ એટલું સ્વીકાર કરી અંતે ‘બીજા પ્રાય: ભગવું લજવનારા હશે’ એટલો સુધારો કરે છે. તેની ઉપર ટીકા કરતાં મહાદેવભાઈ કહે છે, ‘પ્રાય: શબ્દ ઉમેરીને એમણે કેટલાક અવધૂત સાધુસંન્યાસીઓને પોતાના આક્ષેપોમાંથી બચાવ્યા; પણ એવા એવા અવધૂત વિશેનો એમનો અવિશ્વાસ એમના મનમાંથી કેવળ દૂર થયો એમ હું નથી માનતો.’ ગાંધીજીની આટલીક ટીકા કરતાં જ પાછો મહાદેવભાઈનો માંહ્યલો ભક્ત જાગે છે. એટલે તેઓ ચોખવટ કરે છે, ‘આનું કારણ સ્પષ્ટ છે. એમણે પાખંડ એટલું બધું જોયેલું હતું કે કાંઈ નહીં તો તે પાખંડને દૂર કરવાને માટે પણ એમણે કર્મયોગ જ સાધ્યો. સંસારથી વિરક્ત થઈ મુક્તિ મેળવવાની આશા છોડી સંસારીઓમાં રહી તેમનાં દુ:ખ અને આધિવ્યાધિ પોતાનાં કરી પોતાની મુક્તિ સાધવાનો મંત્ર એમણે પોતાનો કર્યો.’૫૭

ગાંધીજીએ સત્ય-અહિંસાનાં મૂલ્યો દ્વારા દેશના રાજકારણને એક નવો આયામ આપ્યો એમ મહાદેવભાઈ માને છે. ૧૯૧૯ પહેલાંના રાજકારણમાં અંગ્રેજો પ્રત્યે વેરભાવ હતો. તે વખતના રાજકારણી લોકોના મહાદેવભાઈ ત્રણ પ્રકાર જણાવે છે: એક સરકાર પાસે અરજી-પ્રાર્થના કરનારા — જે લોકોનું બળ સમજતા નથી. બીજા પોતે સરકાર પ્રત્યે ખીજ દેખાડીને સરકારની ખીજ વહોરનારા અને ત્રીજા છળપ્રપંચમાં સરકાર જોડે હરીફાઈ કરનાર. ગાંધીજીનાં સત્ય-અહિંસાએ આ ત્રણે પ્રકારની ભૂમિકાને જ બદલી નાખી. તેને લીધે હસતાં હસતાં જેલ જનાર હજારો લોકોએ વૈરત્યાગ કર્યો, મોટા ભાગની જનતા નિર્ભીક બની. અરજી ગુજારવાનો વખત વહી ગયો અને ગાંધીજીના શબ્દોમાં કહીએ તો માત્ર ‘સત્યની મુત્સદ્દીગીરી’ જ બાકી રહી. આમ સત્ય-અહિંસાના પ્રવેશથી ભારતના રાજકારણમાં નવું પરિમાણ ઊપસ્યું. પણ સત્ય-અહિંસાથી હજારો ગાઉ દૂર રહેનાર સરકારે ગાંધીજીને જેલમાં પૂરીને લોકોથી હજારો ગાઉ દૂર મૂકીને પોતાના પગ પર જ કુહાડો માર્યો છે એમ મહાદેવભાઈ જણાવે છે. આમ મહાદેવભાઈ પોતાનાં પ્રવચનોમાં ગાંધીદૃષ્ટિએ ભારતનાં ઇતિહાસ અને રાજકારણનું પૃથક્કરણ કરતા.

સરકારી વકીલે કાકાસાહેબના લેખોને વાંધાભરેલા તરીકે વર્ણવ્યા. એ લેખોમાં રાજ્યદ્રોહ થાય છે એવો સરકારી વકીલનો મત હતો. એને ધ્યાનમાં રાખીને મહાદેવભાઈ કહે છે:

સરકારની સાથે અથડામણમાં આવવાની જરૂર વિશેનાં વાક્યો તમને બહુ આકરાં લાગ્યાં. જેવી સરકારને રાજ્યદ્રોહ જેવી વસ્તુ ખૂંચે, તેવી પ્રજાને પ્રજાદ્રોહ જેવી વસ્તુ ખૂંચે છે. સરકારે અનેક કાર્યોથી પ્રજાદ્રોહ કર્યો. તે કાર્યો ગણાવતાં ગણાવતાં ગાંધીજીનું ગળું બેસી ગયું. તેમનું ગળું બંધ કરવા માટે સરકારે તેમને જેલમાં પૂર્યા, છતાં પ્રજાદ્રોહનાં કૃત્યો કરવામાં તો પાછી પાની ન જ કરી. સરકારી વકીલ પણ એમ ન કહી શક્યા કે અહિંસક લોકોને મારવાના અને તેમનું અપમાન કરવાના આરોપમાંથી સરકાર મુક્ત છે… સરકારને એ કૃત્યો આપણને લાગે છે તેવાં હીન નથી લાગતાં એ આપણે સૌ જાણીએ છીએ. પોતાને હીન લાગતાં હોય છતાં, તેવાં કૃત્યો સરકાર કર્યે જાય એટલી બધી સરકાર નષ્ટ નથી થઈ ગઈ એવી આપણી શ્રદ્ધા છે; એટલે જ એમને વારંવાર એમનાં પાપોનો ખ્યાલ કરાવી એમની પાસે પ્રાયશ્ચિત્ત કરાવવાની અહિંસક અસહકારની હિલચાલ પ્રજાએ ઉપાડેલી છે.૫૮

આંદોલન ઓસરતું હતું ત્યારે મહાદેવભાઈ વિવેક કરવાની સલાહ આપે છે:

સ્થળેસ્થળ આભ ફાટ્યાં છે ત્યાં હાથ ક્યાં દઈએ? — એ એક વૃત્તિ છે. એનું પરિણામ સહકારમાં સરી જવામાં જ આવી શકે. આભ ફાટ્યાં જ નથી એમ માનીને ધસ્યા જવું એ બીજી વૃત્તિ છે. એમાં વિનાશ છે. આભ ફાટ્યું છે, જ્યાં હાથ દેવાય ત્યાં દઈને બેસી રહેવું એ ત્રીજી વૃત્તિ છે. એમાં વિવેક રહેલો છે, પાછા બેઠા થવાની આશા રહેલી છે. કોઈ એક કાર્યક્ષેત્ર પકડીને બેસો, ને કાર્યક્ષેત્રમાં સિદ્ધાંતોનાં મૂળ મજબૂત કરો, ત્યાં લોકોમાં રહી, લોકોના થઈ, તેમને તમારી કૃતિથી કલ્યાણનો માર્ગ બતાવો. આ સલાહ એ ત્રીજી વૃત્તિમાંથી ઉદ્દભવેલી છે.૫૯

અવારનવાર પ્રવાસ દરમિયાન બનતા પ્રસંગોને વર્ણવીને મહાદેવભાઈ એની ઉપરથી પોતાના વિચારને સમજાવતા તેથી એમની વાત વધુ અસરકારક બનતી. એક ઉદાહરણ જુઓ:

જબલપુરના સ્ટેશન ઉપર એક ફળવાળો અમારામાંના એકનાં કપડાં ઉપર હાથ લગાડી, કંઈક શરમ અને કંઈક આનંદ સાથે કહેવા લાગ્યો, ‘સાહેબ આ ખાદી કે?’ ‘હા ખાદી, તે ખાદી કેમ નથી પહેરી?’ એના મોં ઉપર વિષાદની છાયા પથરાઈ ગઈ. એણે ગાળના શબ્દો વાપરેલા તે બાદ કરીને એનો જવાબ આપી દઉં: ‘આ તો કસાઈખાનું છે, આ સ્ટેશન નથી. અહીં ખાદી પહેરું તો મને કોઈ ઊભો ન રહેવા દે. અહીંથી જઈ બહાર બજારમાં ખાદી જ પહેરું છું.

કેવી ભયંકર દશા છે! જે માણસો રેંટિયા બળાવતાં આંચકો ખાય નહીં, જેઓ ખાદીની ટોપી બાળતાં આંચકો ખાય નહીં, તેઓ સ્ટેશનના નોકરોને પણ આવી રીતે નાનકડો ધંધો કરીને રોજી કમાનારા ઉપર જુલમ કરવાની ફરજ પાડે એમાં નવાઈ શી? સ્ટેશનો ઉપર કામ કરનારાઓ શેના ઓશિયાળા છે એની સમજણ પડતી નથી. બધા ભેગા મળી ખાદી જ પહેરવાનો નિશ્ચય કરે તો કંપનીઓ૬૦ તેમને એક દિવસ પણ રજા આપી શકે એવી સ્થિતિમાં નથી. એ ફળ વેચનારાનું ‘આ તો કસાઈખાનું છે’ એ વાક્ય મારી છાતીમાં પેસી ગયું. તેનો પૂરો અર્થ કદાચ એના ખ્યાલમાં નહીં હોય; પણ મને તો એ વાક્ય આખા દેશને લાગુ પડતું લાગે છે. જ્યાં આપણા જ લોકો આપણી સ્વતંત્રતાનો ધ્વંસ કરવાને પ્રવૃત્ત હોય, આપણા જ લોકો અહર્નિશ પોતાના આત્માના નાદને સાંભળ્યા વિના ક્ષુલ્લક સ્વાર્થથી જ દોરાયેલા રહે, જ્યાં પોતે કર્તવ્ય ન કરનાર.૬૧ બીજાને પણ કર્તવ્ય કરતાં રોકે, ત્યાં તે પ્રત્યેક આત્મા હણાઈ રહ્યો નથી તો શું? અને જ્યાં એ ખૂન હરઘડી થઈ રહ્યાં છે તેને ‘કસાઈખાનું’ નહીં તો બીજું શું ઇનામ આપી શકાય?૬૨

આવા પ્રસંગોમાં પ્રત્યક્ષ સત્યાગ્રહીઓ કે તેમના આપ્તજનોના પ્રસંગ કાર્યકર્તાઓ સારુ વધુ અસરકારક પુરવાર થાય એવા છે. નાગપુરમાં દરબાર સાહેબ ગોપાળદાસને છ માસની સખત અને એક માસની સાદી સજા થઈ જોઈ ભક્તિબા એમ કહે છે કે, ‘આ તો છ ખાંડના લાડુ અને એક ગોળનો લાડુ મળ્યો.’૬૩ તો એની નોંધ नवजीवन૬૪માં લીધા વિના મહાદેવભાઈ શાના ચૂકે? મધ્ય પ્રદેશના નરસિંગપુરનો નીચે આપેલો પ્રસંગ ખરેખર કરુણ હોવાની સાથે પ્રેરક બની જાય છે:

નરસિંગપુરના ભાઈ શંકરલાલને પકડ્યા પછી એમનાં પત્ની બેહોશ થઈ ગયાં, અને થોડા કલાકમાં તેમનું મૃત્યુ થયું. મૃત્યુ પહેલાં સગાંવહાલાંઓએ જઈને ખબર આપેલા, અને જામીન આપીને સ્ત્રીને જોવા પૂરતી છૂટી મેળવવાની સૂચના કરેલી. એઓ એમ કરી શકતા હતા, પણ એમણે ચોખ્ખી ના જ પાડી. જામીન આપીને છૂટવાની સૂચનાથી એમને ભારે દુ:ખ થયું. મૃત્યુની ખબર મળતાં એમણે માત્ર એટલું જ કહ્યું, ‘ખાદીનું કફન પહેરાવજો અને ઉત્તરક્રિયા કરજો. ઉત્તરક્રિયા કરવા માટે બહાર પૂરતાં સગાંવહાલાં છે.’ શંકરલાલ શૂરા હતા, કાયર ન હતા.૬૫

ડાકોરના અણકોટ લૂંટવાના પ્રસંગ અંગે ત્યાંની ગરીબ પ્રજાએ શાંત સત્યાગ્રહનો નમૂનો પેશ કરીને સરકારને ચકિત કરી દીધેલી તેનું વર્ણન મહાદેવભાઈ તા. ૧૮–૧૧–’૨૩ના नवजीवनના અંકમાં ખૂબ રસપૂર્વક આપે છે.

આ જ કાળમાં બોરસદની પ્રજાએ હૈડિયાવેરા સામેના સત્યાગ્રહમાં પૂરી જીત મેળવી હતી. વલ્લભભાઈની સાથે મહાદેવભાઈએ પણ બોરસદનાં ગામડાંઓ ખૂંદ્યાં હતાં. તે ચળવળનું રસાળ વર્ણન नवजीवन૬૬ના પાનાંનાં પાનાં ભરે તેમાં નવાઈ પામવા જેવું નહોતું. બોરસદની જીત પછી વલ્લભભાઈએ આપેલું ધીરગંભીર ભાષણ પણ મહાદેવભાઈ नवजीवनમાં લગભગ શબ્દેશબ્દ છાપે છે. એ પ્રવચનમાં તેમને ગાંધીજીના શબ્દોના જ પડઘા સંભળાતા હતા.

મહાદેવભાઈએ કોકનાડાની કૉંગ્રેસનું વર્ણન પણ એટલું જ રસપૂર્વક આપ્યું છે. આવાં વર્ણનો દ્વારા તેઓ આખા દેશના આંદોલનને જીવતું રાખતા હતા.

મહાદેવભાઈની વિદ્ધત્તા અને એમના વિશાળ વાચનને લીધે કોઈ પણ વિચાર સમજાવવા માટે એમને દેશવિદેશના સાહિત્યમાંથી આબાદ દાખલાઓ મળી રહેતા. રોમન સામ્રાજયના ઇતિહાસમાંથી એક સચોટ ઉદાહરણ જુઓ:

એક જૂની રોમન કથા યાદ આવે છે. એક વાર રોમની જાહોજલાલીનો પાર નહોતો. બાદશાહ આરસના અથવા સોનાના મહેલમાં રહેતો, અને કૉલિઝિયમના આલીશાન નાટ્યગૃહમાં અનેક ખેલો થતા. પ્રથમ જ્યારે ખ્રિસ્તીઓ ઉપર ભારે ત્રાસ ગુજરતો હતો ત્યારે ખ્રિસ્તીઓ બિચારા ભોંયરામાં ભરાઈને પોતાનો બચાવ કરી લેતા. આ દિવસોમાં કૉલિઝિયમમાં તરેહતરેહના રંગ થતા. ગૅલરીઓ ચાળીસ-પચાસ હજાર માણસથી ભરાઈ જતી, અને સૌ જંગલી પ્રાણીઓની લડાઈ જોવા, સિંહોથી ખ્રિસ્તીઓને ગળાઈ જતા જોવા, એક ખેલાડીને બીજા ખેલાડીને હરાવી મારી નાખતો જોવા ત્યાં આંખ માંડીને બેસતા. જ્યાં મનુષ્યો મનુષ્યો લડતા ત્યાં લડનારાઓ કાં તો ગુનેગારોમાંથી અથવા ગુલામોમાંથી પસંદ કરવામાં આવતા. લડવા ભેગા થાય તે વેળા લડવાથી ડરી જનારને ફટકા અથવા તાતા સળિયાથી ઉશ્કેરવામાં આવતા. આમાંથી જ્યારે એક ઘાયલ થતો ત્યારે તમાશબીનો હર્ષનાદ કરતા, જીતનાર માણસ અમુક નિશાની કરીને એમને પૂછતો કે હારેલાને મારી નાખવો કે જિવાડવો. તમાશબીનો પોતાની ઇચ્છા પ્રમાણે હારેલા લડવૈયાને મરવા અથવા જીવવા દેવા.

વર્ષોનાં વર્ષો સુધી આ ઘાતકી-જંગલી તમાશાઓ ચાલ્યા. લોકોનાં મન પણ એ હંમેશાનાં દૃશ્ય જોઈને ઘાતકી થઈ ગયાં હતાં. ખ્રિસ્તીઓની જેમ જેમ અસર પડવા માંડી તેમ તેમ એના તરફ કાંઈક ઘૃણા ઉત્પન્ન થવા લાગી. છતાં ખરી ધૃણા ખ્રિસ્તીઓને પણ નહોતી ઉત્પન્ન થતી. સંત ઑગસ્ટિનના अेकरारोમાં એક કિસ્સો આપ્યો છે. તેના એક મિત્રને પરાણે કૉલિઝિયમમાં લઈ જવામાં આવ્યો હતો. તેનાથી પેલાં દૃશ્યો નહીં ખમી શકાયાં એટલે તેણે આંખો બંધ કરી. એવામાં એક ભારે અણીનો પ્રસંગ આવ્યો ત્યારે સૌ બૂમો પાડી ઊઠ્યા. બૂમોથી તેની આંખ ઊઘડી ગઈ. લોહીની છાંટ ઊડતી જોઈને તેને પણ તે દૃશ્ય જોવાની લાલસા ઉત્પન્ન થઈ; મન ડંખતું હતું, છતાં આંખ દોડતી હતી.

ઈશુનાં ૪૦૦ વર્ષ સુધી આ દશા રહી. પછી એક ભારે કિસ્સો બન્યો. ગોથ લોકો રોમ ઉપર ચડી આવ્યા. રોમમાં તે વેળા એક ગાંડોગબલો રાજા હતો. રોમ પડવાની તૈયારી ઉપર હતું, પણ આખરે એક શૂરવીર સરદાર જાગ્યો. એણે ગોથ લોકોને ભગાડ્યા. તે દિવસે આનંદનો પાર ન હતો. લોકો હરખઘેલા થઈને સ્વાભાવિક રીતે જ કૉલિઝિયમમાં તણાયા. પશુઓના ખેલ તો હતા જ, અનેક પશુઓ મરાયાં. ત્યાર પછી પ્રથમના લડવૈયા જેવા લડવૈયાઓ ભાલાં અને તલવાર લઈને નીકળી પડ્યા. લોકો હરખભેર જેવા લાગ્યા. લડાઈ જામી. તેવામાં એક અદ્ભુત બનાવ બન્યો. સમરાંગણમાં એક વૃદ્ધ આવીને ઊભો રહ્યો. માથે ટોપી ન હતી, પગે જોડા ન હતા. તે, લોકોને લડતા અને લોહીલુહાણ કરતા અટકાવવા લાગ્યો. ટોળાંએ બૂમો પાડી તેને પોતાનો બકબકાટ ઓછો કરવા અને ત્યાંથી ભાગવા કહ્યું. પણ પેલો તો ચોંટી જ રહ્યો. લડવૈયાઓ પણ આગળ પડ્યા, અને તેને ધક્કો માર્યો. પણ પેલો પાછો ઘસી તેમની વચ્ચે આવીને ઊભો રહ્યો. એટલે ક્રોધે ભરાયેલાં ટોળાંઓમાંથી પથ્થરનો વરસાદ પડ્યો, અને લડવૈયાઓએ તેના ચૂરેચૂરા કરી નાખતાં વાર ન લગાડી. ડોસો રોમના પ્રેક્ષકોની આંખ આગળ મરણ પામ્યો.

આ વૃદ્ધ ટેલિમેક્સ નામનો સાધુ હતો. દુનિયાની દુષ્ટતાઓથી કંટાળી આ સાધુ જંગલમાં જઈ પહાડો ઉપર જ રહેતો હતો. રોમમાં મંદિરે આવ્યો હતો, ત્યાં એણે કૉલિઝિયમ તરફ લોકો ઊભરાતા જોયા, અને તેમની પામરતા તરફ દયા લાવી, તેમની નિર્દયતાને અટકાવવા અથવા મૃત્યુમુખે હોમાવા તે નીકળી પડ્યો હતો. તે મરણ પામ્યો, પણ તેના મરણનું પરિણામ આવ્યા વિના ન રહ્યું. રોમનાં કરુણ અંતરો તેના મરણની વાત સાંભળી ચિરાયાં, અને નગરની નિર્દયતાની સામે ભારે બળવો ઊઠ્યો. તેને પરિણામે કૉલિઝિયમની લડાઈઓ સદાને માટે બંધ થઈ. ટેલિમેક્સે મરીને હજારોને મરતા અટકાવ્યા.

હિંદુ-મુસલમાનોના ઝઘડા આજે રોમના ગ્લેડિયેટરો૬૭ની લડાઈ જેવા થવા બેઠા છે. બંને કોમોમાંથી કોઈ ટેલિમેક્સ નીકળશે?૬૮ તે જ પ્રમાણે આધુનિક કાળમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી રૂહર નામના જર્મનીના ફ્રાન્સે કબજે કરેલા ભાગમાં શાંતિમય અસહકારનો કિસ્સો બન્યો તેનું જીવતુંજાગતું ચિત્ર ખડું કરીને મહાદેવભાઈએ ભારતમાં અસહકારની લડાઈએ ચઢેલા લોકો આગળ ધર્યું હતું.

પણ મહાદેવભાઈ પોતાના વિશાળ વાચનનો ઉપયોગ કેવળ અન્ય દેશોના અસહકારના દાખલા આપવામાં જ કરતા એમ નહીં. દેશવિદેશનાં પત્ર-પત્રિકાઓમાં કાંઈક અવનવું વાંચવા મળે તો તે પણ नवजीवनના વાચકો સુધી પહોંચાડવા તેઓ ઉત્સુક રહેતા. स्ट्रेन्ड નામના સામયિકે જગતના કેટલાક મોટા લોકોને એમની દૃષ્ટિએ સાત સાત ચમત્કૃતિઓ વર્ણવવા વિનંતી કરી. મજૂરોના પ્રતિનિધિ મિ. કલાઇન્સ ઇંગ્લંડની ઝોંપડપટ્ટીઓને પ્રથમ ચમત્કૃતિ તરીકે વર્ણવી કહે છે કે ધન્ય છે એ ચમત્કૃતિ ઉત્પન્ન કરનાર સંજોગો સાંખી લેનાર ખ્રિસ્તી પ્રજાને!

આવી થોડી ચમત્કૃતિઓ વર્ણવ્યા પછી મહાવેદભાઈ કહે છે, ‘આપણી ભુવનમનમોહિની ભૂમિ આજે ખોબા જેટલા અંગ્રેજોને અધીન થઈ બેઠી છે તેયે એક મહાચમત્કૃતિ જ ગણાવી જોઈએ.’૬૯

મહાદેવભાઈ नवजीवनના તંત્રી હતા તે કાળ દરમિયાન नवजीवन મુદ્રણાલયમાં પુસ્તકો છાપવાનું પણ શરૂ થઈ ગયું હતું. પાછળથી તેણે વ્યવસ્થિત ‘नवजीवन પ્રકાશન મંદિર’નું સ્વરૂપ લીધું. મહાદેવભાઈએ પોતાની જવાબદારી ઉપર એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છપાવ્યું. તે હતું ગાંધીજીના हिंद स्वराजની ગાંધીજીના હસ્તાક્ષરની આવૃત્તિ. આ પુસ્તક અંગે ‘ઘેર ઘેર ગાંધીજીના હસ્તાક્ષર’ એવા શીર્ષક હેઠળની નોંધમાં તેઓ પોતે જ લખે છે:

ગાંધીજીના હસ્તાક્ષરે લખેલી એક કાપલી પણ હેતથી સાચવનારા મેં ઘણા જોયા છે — મેં તો સાચવવાનો પ્રયત્ન કર્યો છે. ગાંધીજીને પોતાને હાથે લખેલા લખાણ વિશે ભારે મોહ છે. અગત્યના પત્રો, ખાસ સ્નેહીને લખવાના પત્રો, તેઓ પોતાની બરુની કલમ વતી હાથે જ લખવાનો આગ્રહ રાખતા, એટલું જ નહીં પણ જે પત્રો મારી પાસે લખાવતા તે પણ મારે હાથે લખેલા જ જાય, ટાઇપ થઈને ન જાય – એવો તેમનો આગ્રહ હતો. આનું કારણ ઘણી વાર તેઓ એ કહેતા કે, છાપેલું લખાણ નિર્જીવ છે, હાથે લખેલું સજીવ છે. બધાંનાં લખાણ સજીવ હોય કે નહીં તે તો કેમ કહેવાય, પણ દરેક લેખકનું વ્યક્તિત્વ તેના અક્ષરમાં ઊતરે છે. ગાંધીજીની જાદુઈ શક્તિ તેમના અક્ષરેઅક્ષરમાં ઓપતી લાગે છે. કવિતાને કવિએ ‘આત્માની કળા’ કહી છે, હસ્તાક્ષર પણ એક રીતે આત્માની કળા છે. ગાંધીજીના नवजीवन અને यंग इन्डियाમાં આવતા લેખ તેમના હસ્તાક્ષરમાં જ અપાય તો કેવું સારું, એમ મને વારંવાર થયા કરતું. એ વાત કોરે રહી, પણ આપણા આ યુગની ગીતા — हिंद स्वराज — ગાંધીજીના અક્ષરે જ લખેલું ઈશ્વરકૃપાએ ગુજરાતને આપવાનું બની શકે છે. એ પુસ્તક ગાંધીજી જ્યારે કિલ્ડોનન કેસલ આગબોટ ઉપર ઇંગ્લંડથી દક્ષિણ આફ્રિકા આવતા હતા ત્યારે આગબોટ કંપનીના નોટપેપર ઉપર જ લખાયેલું હતું. એટલે લખાણ આખું એકધારું છે – માત્ર જ્યાં જ્યાં જમણે હાથે લખીને થાક્યા ત્યાં ત્યાં થોડો સમય જમણાને આરામ આપવામાં ડાબા હાથનો ઉપયોગ થયેલો છે. આ નોટપેપરો જેવા ને તેવા અત્યાર સુધી સચવાઈ રહ્યા છે એમાં પણ કાંઈ ઈશ્વરી સંકેત જ હશે ને? એના ‘બ્લૉક’ કરાવી એ ગુજરાતી આલમને ગાંધીજીના જન્મદિને જ આપવામાં આવશે. આશા છે કે વાચકો એ હસ્તાક્ષરવાળી પ્રત મેળવી તેનું પારાયણ કરશે અને એ ગીતાના મોંઘા મંત્ર નવીન ભાવથી પોતાના હૃદયમાં ઉતારશે.૭૦

વલ્લભભાઈ સાથે મહાદેવભાઈ હોય ત્યારે તેમના વિનોદને તો મહાદેવભાઈ લોકો આગળ યથાતથરૂપે આપ્યા વિના રહે જ શાના? કોકનાડા કૉંગ્રેસ વખતનો તેવો એક કિસ્સો:

કોકનાડા જવા માટે સામલકોટ ગાડી બદલવી પડે છે. સામલકોટથી કોકનાડાનો માત્ર દસ-પંદર મિનિટનો રસ્તો છે. પણ અમે જે ગાડીમાં ગયા તેનું એન્જિન રસ્તામાં માંદું થયું, અને કોકનાડા પહોંચતાં બેક કલાક લાગ્યા. ટ્રેનનો એન્જિનની પાસેનો ડબ્બો ગુજરાતીઓનો હતો. ત્યાર પછીનામાં અલીભાઈઓ હતા. એટલે કોકનાડા પહોંચીને મૌ. મહમદઅલી શ્રી વલ્લભભાઈને કહે, ‘ગુજરાતની આગેવાની નિષ્ફળ ગઈ.’ શ્રી વલ્લભભાઈએ તરત જ જવાબ આપ્યો, ‘અલીભાઈઓની બ્રેક બહુ ભારે થઈ પડી.૭૧

મહાદેવભાઈ આ અરસામાં મૌલાના મહમદઅલી અને શૌકતઅલી પર ફિદા હતા. મહમદઅલી અમદાવાદ આવ્યા ત્યારે તેમની એક લાંબી મુલાકાત મહાદેવભાઈ ૪–૧૧–’૨૩ના नवजीवनમાં છાપે છે. તેમના જેલના અનુભવોમાં ‘મ્હાવા’ નામના એક ગુનેગાર કેદીનું ચિત્રણ તો ભલભલા પથરાને પીગળાવે તેવું છે:

એક ‘મ્હાવો’ કરીને ભંગી ફાંસીની સજા ખાઈને આવ્યો હતો. તેનો કિસ્સો કહેતાં કહેતાં મૌલાના અપાર આવેશમાં આવી જાય છે અને સામાની ઉપર પણ અજબ અસર પાડે છે. મ્હાવો બિચારો એક વાર નશામાં ચકચૂર થઈ પોતાની ગર્ભવતી સ્ત્રીનું ખૂન કરીને આવ્યો હતો. સજા પછી અપીલ વગેરે થયા પછી, ફાંસીનો દિવસ નક્કી થઈ ચૂક્યો હતો. અને આ ફાની દુનિયા ઉપર રહેવા વિશે તેણે હાથ ધોઈ નાખ્યા હતા. મૌલાનાની પાસે પાસે જ તેની ખોલી હતી. તેનો મૌલાના સાથે પ્રસંગ પડતાં મૌલાનાએ આખી વાત તેને પૂછી. મૌલાના કહે છે કે સાચા પશ્ચાત્તાપથી તેણે બધી વાત મારી આગળ કરીને જણાવ્યું કે, ‘મને સજા થઈ છે તે વાજબી થઈ છે, હવે તો જેટલી ઘડી રહી છે તેટલી ઘડી કિરતારનું ભજન કરવામાં મજા છે.’ એક દિવસ રાત્રે પાસેથી નાચવાનો અને ગાવાનો અવાજ આવ્યો. પેલા ભાઈ કિરતારના ભજનમાં ગુલતાન થઈ નાચતાં નાચતાં ગાતા હતા:

‘કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજન કે ઘર જાના હોગા;
માટી બિછાના, માટી ઓઢાના,
માટી કા સિરહાના’72 હોગા.’

આ પ્રસંગ કહેતાં મૌલાનાની આંખમાં પાણી આવી ગયાં. આ રાત પેલાની ફાંસીએ જવાની આગલી રાત હતી. ફાંસીનો હુકમ મળ્યો કે બહાદુરની માફક નીકળ્યો, જે માંચડા ઉપર જઈને ફાંસી લેવી પડે છે તેના ઉપર દોડતો દોડતો હસતો હસતો ચડ્યો. માથા ઉપર ફાંસી ખાનારની ટોપી પહેરાવવામાં આવતાં જ પોકાર કર્યો, ‘મહાત્મા ગાંધી કી જે,’ — આખી જેલમાં કેદીઓએ પડઘો આપ્યો: ‘મહાત્મા ગાંધી કી જે.’ — બીજે પોકાર કર્યો ‘શૌકતઅલી બાપુ કી જે’ — મૌલાના રાજકોટમાં શૌકતઅલી બાપુ કહેવાતા. પછી ‘રામ’, ‘રામ’, ‘રામ’; ચોથે રામે તેનું ધડ મસ્તકથી જુદું થઈ ગયું હતું.૭૩ બધા કેદીઓએ આવીને આ ઘટનાનું વર્ણન આપતાં મૌલાનાને કહ્યું, ‘છેલ્લાં પંદર-વીસ વર્ષમાં આવું મરણ જોયું નથી.’ સુપરિન્ટેન્ડેન્ટે પણ કહ્યું, ‘આવું બહાદુર મરણ કદી નથી જોયુ.’ સુપરિન્ટેન્ડેન્ટે આશ્ચર્યથી પૂછ્યું, — ‘આવા ભંગીને પણ મહાત્મા ગાંધી સાથે શું લેવાદેવા છે?’ મૌલાનાએ જવાબ આપ્યો, ‘કારણ, આવતો અવતાર આપે તો ઈશ્વર મને ઢેડભંગીનો અવતાર આપજે’ એમ કહેનાર દુનિયામાં મહાત્મા ગાંધી એકલા છે.’

એક દિવસમાં ત્રણ વાર આ કિસ્સો મૌલાનાએ કહી સંભળાવ્યો અને કહ્યું, ‘મહાત્મા ગાંધીને પ્રથમ મારું શિર ઝૂકે છે, તે પછી મારું શિર પેલા બહાદુર મ્હાવાને પણ ઝૂકે છે. આવી રીતે હથેળીમાં માથું લઈને ફરતાં આવડવું જોઈએ. થોડા માણસો આવા નીકળે તો આપણો ઉદ્ધાર ચોક્કસ છે. મ્હાવામાં પોતાના અપરાધ માટે શુદ્ધ ખરખરો હતો, ખુદાનો બરોબર ડર હતો અને મરતાં ખુદાની આંખ તેણે જોઈ હતી. એટલે જ તે ગાતો હતો અને નાચતો હતો, એટલે જ તેને મરણ મીઠી નિદ્રામાં પડવા જેવું લાગ્યું.૭૪

મહાદેવભાઈ, नवजीवनના તંત્રી હતા તે દરમિયાન એના ગ્રાહકોની સંખ્યા ઘટી ગઈ હતી. એક કાળે नवजीवनની ૪૦,૦૦૦ જેટલી નકલો છપાતી તેને બદલે તે ઘટીને ૬,૦૦૦ની આસપાસ પહોંચી ગઈ. સ્વાભાવિક રીતે જ મહાદેવભાઈ એમાં દોષનો ટોપલો પોતાને માથે ઓઢે છે. ગાંધીજી તંત્રી હોય તેને બદલે મહાદેવભાઈ એ પદ સંભાળે અને ગાંધીજી જેલમાં હોય તેથી મહાદેવભાઈ ગાંધીજીનાં પ્રવાસવર્ણનો લખીને વાચકોને ગાંધીજીની સાથે દેશપ્રદક્ષિણા કરાવે નહીં તો ગ્રાહકો ઘટે એ વાત સાચી છે, પણ તે પૂરી સાચી નથી. नवजीवनની ગ્રાહકસંખ્યા ઘટવામાં એક મોટું કારણ તો એ હતું કે ૧૯૨૦-‘૨૧માં જેવું જોરદાર રાષ્ટ્રીય આંદોલન હતું તેવું ‘૨૩-’૨૪માં રહ્યું નહોતું. नवजीवन જેવા વિચારપત્રોની ગ્રાહકસંખ્યા આંદોલનના ચડાવઉતાર સાથે ચઢતી-ઊતરતી હોય છે. આ હકીકત વર્ષો પછી ગાંધીજીના हरिजन પત્રો વિશે પણ જોવામાં આવેલી. हरिजनबंधुની ગ્રાહકસંખ્યા ચાલુ દિવસોમાં જેટલી હતી એના કરતાં ‘ભારત છોડો’ આંદોલન સારુ હવા બનવા માંડી ત્યારે અનેકગણી વધી ગયેલી. પણ આપણે ઇતિહાસમાં ખૂબ આગળ ચાલ્યા ગયા. આ જ ગાળામાં જેલમાંથી છૂટ્યા પછી જ્યારે ગાંધીજીએ પોતે नवजीवनની જવાબદારી સંભાળી લીધી ત્યારે પણ ગ્રાહકોની સંખ્યા એટલી જ કંગાળ રહી હતી. ‘ગાંધીજીની જગાએ હું હોઉં તો ગ્રાહકસંખ્યા ઘટે જ ને?’ એવા મહાદેવભાઈના સ્વદોષદર્શી વિચાર કરતાં ગાંધીજીએ ગ્રાહકસંખ્યા ઘટવાનું જે કારણ તે કાળે આપ્યું હતું તે વધુ વાજબી લાગે છે અને એ જ મહાદેવભાઈના તંત્રીકાળને પણ લાગુ પડે છે:

હકીકત એ છે કે, અત્યારે જે વસ્તુ હું પ્રજાની પાસે મૂકી રહ્યો છું તેમાં

કેફ કે ગરમી નથી. વળી સ્વરાજ તુરત મળવાની આશા નથી. नवजीवन સ્વરાજનાં નવાં સાધનો આપતું નથી, પણ તેનાં તે જ સાધનો નવી રીતે પ્રજા આગળ મૂકવા મથ્યા કરે છે. नवजीवनનો રસ જ તેની નીરસતામાં છે. તે સ્વરાજનું પોષક હોઈ, રેંટિયા આદિ સાધનોને માનનારા તે ખરીદે છે ને તેથી મને સંતોષ છે. જ્યાં સુધી અમુક સંખ્યા સુધીના ગ્રાહકોને સંતોષ છે ત્યાં સુધી તે ચાલ્યા કરશે. જેઓ રેંટિયાને સ્વરાજનું એક સબળ સાધન માને છે, જેઓ તેને હિંદુસ્તાનની કંગાળિયત દૂર કરવાની રામબાણ દવા તરીકે માને છે તેઓ नवजीवनથી નહીં કંટાળે. ધીરજવાન ને શ્રદ્ધાવાન એ શાસ્ત્રની શક્તિને આજ નહીં તો કાલ પણ જોશે એ વિશે મને શંકા નથી. ને नवजीवन વાંચનારને તે કદી ન હો.૭૫

પછી नवजीवन અંગે મહાદેવભાઈ:

આ વખતે પણ બાપુનું મૅટર બહુ કઢંગી રીતે આવી પડ્યું. કઢંગી એટલે છાપનારને માટે અને તે કોઈના વાંકને લીધે નહીં પણ ગવર્નર અને સુપરિન્ટેન્ડેન્ટના વાંકને લીધે — કે તેમણે બાપુને આટલા પજવ્યા અને લાંબો પત્રવ્યવહાર કરાવ્યો. એ લખાણ સવા બાર કૉલમ થાય છે. એટલે બીજું શું મૂકવું તે છોકરાઓને કાંઈ સમજ પડે? અને આખો દિવસ તો હું પ્રેસમાં હોઉં નહીં. વળી મારે માટે રોકાય તો બીજે દિવસે સવારે પેપર ન નીકળે, એટલે આજે તો છોકરાઓએ ચિડાઈને પાનાં પણ હું આવું તે પહેલાં બંધાવી દીધાં! એટલે હું ઇચ્છું એવી સારી રીતે નથી છાપી શકાયું. ઘણા સુધારા તો કરવા જોઈએ તે પણ નથી કીધા – કારણ પાનાં બંધાયાં પછી માણસોને ભારે ત્રાસ પડે. તોપણ હું આખું, બરાબર વાંચી ગયો છું. અને મારું એક વખતનું છેવટનું વાંચી જવું મને જેટલી ખાતરી આપી શકે તેટલા ઉપરથી કહું કે છપાઈની અથવા જોડણી વગેરેની ભૂલ’ ન રહી હોય. દરેક પાનનાં મથાળાં બાંધવાની મારી ઇચ્છા હતી – પણ પાનાં બંધાયાં પછી તો તે ના બને.

બે ઠેકાણે મેં ફેરફારો કર્યા છે. તે બરોબર છે કે નહીં, એ તો બાપુ જાણે. એક ઠેકાણે મૂળશી પેટાવાળા ઉપવાસીઓને મળવા બાપુને રજા મળી ત્યારે તેમની સાથે ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ હતા એમ બાપુએ લખેલું છે. તેને સુધારી મેં પ્રિઝન્સ કરાવ્યું છે. એ મારું ડહાપણ કે દોઢડહાપણ તે તો તમે બાપુને પૂછીને જણાવો ત્યારે સમજાય. બીજો એક ફેરફાર, ગવર્નર ઉપરની નોંધમાં બાપુએ ડ્રૉ આઉટ રેગ્યુલેશન એ ફ્રૅઝ વાપર્યું છે. ‘ડ્રૉ આઉટ’નો અર્થ વ્યવસ્થાસર મૂકવું — અથવા ગોઠવવું થાય છે. ડ્રૉ અપને બદલે સ્લિપ તો ન હોય? એમ સમજીને મેં ડ્રૉ અપ કર્યું, અને ડ્રૉ અપ ખોટું તો નથી જ એમ મને લાગે છે.

… હજી કાંઈ પત્રવ્યવહાર આવવાનો છે ખરો? — કે કાંઈ આવી આવી વાનગી આવ્યા કરશે કે નહીં? આવે તો સારું નહીં તો લોકો નિરુત્સાહ થશે. જોકે લોકો એટલા બધા ઠંડા પડી ચૂકેલા છે કે તેમને ઉત્સાહવાળા કરતાં છ મહિનાથી ઓછા ન જાય. બાપુનું મૅટર આવવા લાગ્યું એટલે यंग इन्डिया ઉપર લોકોનો દરોડો પડ્યો છે. પણ ‘દરોડો’ એટલે ૧૯૨૧નો નહીં હો! માત્ર ગયા મહિનામાં ૫૦૦ ગ્રાહકો વધ્યા. नवजीवनના તો બસો જ. અને ૧૯૨૧નો આંકડો જોઈએ તો તો હજી કેટલી મજલ કાપવાની બાકી રહી છે!

છેવટે મહાદેવભાઈ પાપછૂટી વાત કરે છે:

મને ઘણી વાર એમ થાય છે કે હું બાપુ પાસે હોઉં તો બંને પેપરો, બાપુની સૂચનાથી, ઠીક ચલાવ્યા કરી શકું. પણ એ કદાચ અતિ લોભ હોય, અથવા તમારી સૌની અદેખાઈ હોય. કાગળ ઉપર લખું છું તો માત્ર મારા મનનો ભાર હળવો કરવાને માટે. એ બંને અઠવાડિક હવે ચલાવવાં એ તો કંઠે પ્રાણ આવે એવી વાત છે. હા, જ્યારે બાપુના પત્રવ્યવહાર જેવાં બાર કૉલમ આવે ત્યારે જુદી વાત.

ગઈ વેળા મેં ‘અમર અકાલીઓ’ કરીને લખ્યું તે બાપુને ગમ્યું હોય કે ન હોય. મેં તો યોગ્ય માનીને જ લખેલું. પણ મારા કોઈ પણ લખાણથી બાપુજીને દુ:ખ થાય, શરમ આવે એ તો મારે માટે મરવા જેવું જ થાય ના! અને એકલી ખાદીની ખબરોથી नवजीवन કે यंग इन्डिया ન ભરાય એમ મને લાગે છે. એ તો હકીમજીના પત્રમાં કાંતવાને વિશે જે અમર ઉદ્ગારો હોય તો ગમે ત્યારે આવી શકે, બાકી હમેશની જેમ વાતો કરો તે લોકો હવે વાંચતા પણ નથી એમ મને લાગે છે.

અને આ ખિલાફતનું શું છે? टाइम्स પત્રે બહુ ઉદાર નોંધ કરી કહેવાય. બાપુ કાંઈ ઓચરવાના છે ખરા? જો કાંઈ હોય તો તમારે તાર કરીને જણાવવું જોઈએ. જ્યારે તમને લાગે કે તાર કરવો જોઈએ ત્યારે તાર કરતાં ન ચૂકશો એમ માની લઈશ.

શ્રદ્ધાનંદજીના ભાષણમાં કાલે ગયો હતો. આખું ભાષણ નિર્દોષ હતું — બ્રહ્મચર્ય ઉપર, વર્ણાશ્રમ ઉપર, અને એવી બાબતો ઉપર સ્વામીજી નિસ્તેજ થયા છે. બ્રહ્મચર્ય ઉપર પણ તેમનું અગાઉનું તેજસ્વી ભાષણ ક્યાં? મને લાગે છે કે કાકા અને વિનોબા અને આગળ જઈને કહું તો તમે પણ — હિંદીમાં જ – વધારે સારું બોલો. સરકારે પ્રેમાભાઈ હૉલની નીચે પોલીસ બેસાડી હતી અને મુસલમાનોને હૉલમાં જવાની મનાઈ હતી. પોલીસ દરેક મુસલમાનને અટકાવતી હતી. (કારણ એ હશે કે સુરત જેવી જગ્યામાં મુસલમાનોએ સ્વામીજીને બહુ ઉપદ્રવ કર્યો હતો.)

પણ આજનું ભાષણ અગત્યનું છે. આજે તો પ્રતિપાદન કરવાના છે કે હિંદુત્વનો ધ્વંસ થયો છે તેનો પુનરુદ્ધાર સંગઠન હિંદુસભા દ્વારા જ થઈ શકે. હું જવાનો હતો, પણ હમણાં જ આઠ વાગ્યા છે, અને यं. इ.નું છેલ્લું પાનું આ કાગળ લખવા માંડ્યો એની પહેલાં જ ગયું! ભાષણ સાડા છ વાગ્યે હતું. હરિભાઉ૭૬ અને રામદાસ૭૭ ગયા છે, એટલે રિપોર્ટ તો તેમની પાસેથી મળશે.

કાગળ લાંબો થયો અને ઘેર દુર્ગા ગાળો દેતી હશે. કારણ દરરોજ જ ઘેર જતાં મોડું થાય છે. અને દુર્ગાની માંદગીને લીધે તેનો સ્વભાવ વધારે ચીડિયો થતો જાય છે. એટલે બંધ કરું છું. તમને લખ્યાં જ કરું તો તો આઠ નહીં પણ એંશી પાનાં લખું, અને એંશી લખીને પણ આઠ તમારી પાસે મેળવવાનાં ફાંફાં મારું. પણ શું કરીએ? મારાથી એંશી લખાય એમ નથી અને તમારાથી આઠ લખાય તેમ નથી.

કાંઈ નહીં તો પેલા અકાલીઓ આવ્યા તે શું કરી ગયા, તે તો મને લખો. પ્યારો શું કરે છે? એ કાંઈ ન લખી શકે? બાપુને એને વિશે ફરિયાદ કરું? એકાદે દિવસ બાપુને કાગળ લખી શકાય ખરો કે? તમારી રજા હોય તો લખું.

લિ. સ્નેહાધીન,
મહાદેવ

તા. ક. ગુજરાત મહાવિદ્યાલયમાં બર્થ કંટ્રોલ ઉપર ડિબેટ ચાલે છે. હું પ્રમુખ છું; બોલનારા પ્રો. કૃપાલાની, કાકા અને બીજા પ્રોફેસરો! તમે હોત તો મજા આવત!૭૮

આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં આપણે એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે नवजीवनના તંત્રીપદના કાળ દરમિયાન મહાદેવભાઈના હૃદયમાં સ્થાયીભાવ તો વિરહનો જ હતો. પાણી વિનાની માછલીની જેમ મહાદેવભાઈનું હૈયું ત્યારે ગાંધીજી વિના તડપતું હતું. ગાંધીજીને છ વર્ષની સજા થયે જ્યારે એક વર્ષ પૂરું થયું ત્યારે મહાદેવભાઈએ એ નિમિત્તે ‘વિયોગદુ:ખ’ નામે લખેલ લેખ તેમની આ ઉત્કટ વિરહની લાગણીની આબેહૂબ કલ્પના આપે છે. તેમને સહેજે ભરતના દુ:ખની યાદ આવે છે. ખરું જોતાં મહાદેવભાઈની પોતાની અવસ્થા ત્યારે રામ વિનાના ભરત જેવી, રામની આજ્ઞાથી એનું કામ સંભાળતા, અંતરતાપથી તપતા તપસ્વી જેવી હતી. તેઓ આંદોલન વિશે લખે છે અને ખૂબ મક્કમતાથી લખે છે. પણ તેમની બધી દલીલોની પછવાડે એક વ્યક્તિગત લાગણી પણ ડોકાયા કરે છે: આપણે આંદોલનને આપણા તપ દ્વારા સફળ બનાવીને ગાંધીજીને એમની સજા પૂરી થાય તે પહેલાં જ જેલમાંથી છોડાવવા જોઈએ એવી સ્નેહાતુર લાગણી.

કોઈ કોઈ વાર આંદોલનને મંદ પડતું જોઈને મહાદેવભાઈ અકળાઈ ઊઠે છે. ભરતની ભક્તિને સ્મરી મહાદેવભાઈ પૂછે છે: ‘આવી પરાકાષ્ઠાની ભક્તિ અને વિયોગદુ:ખ પછી કરેલાં આવાં પરાકાષ્ઠાનાં તપ જે દેશે જાણ્યાં છે તે દેશમાં ધર્મનો શું એટલો બધો લોપ થયો છે કે તે પોતાનું વિયોગદુ:ખ ભૂલી જાય અને પ્રથમની કર્તવ્યવિમુખ વિલાસપ્રિય દશામાં ઊતરી પડે?’૭૦

પોતે વિરહાગ્નિમાં સતત બળતા હતા તે છતાં તેમને એક સમાધાન હતું કે તેઓ પોતાની શક્તિમતિ મુજબ ગાંધીજીના કામમાં જ દિવસરાત એક કરી રહ્યા હતા. એ સમાધાનને લીધે જ તેઓ દેશની પરિસ્થિતિનું સ્વસ્થતાથી આકલન કરી શકતા, કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકોને નવો ઉત્સાહ આપી શકતા, માનવીય સંબંધો વિશે અનુભૂત સત્ય ઉચ્ચારી શકતા અને આ બધાંને પરિણામે અનેક વાર नवजीवनની કટારો દ્વારા વાચકોને સર્વ રીતે જીવનોપયોગી થાય એવું સાહિત્ય પૂરું પાડી શકતા.

૧૯૨૧ના અંતમાં ગાંધીજીએ જ્યારે આગ્રહપૂર્વક મહાદેવભાઈને પંડિત મોતીલાલ નેહરુ પાસે અલાહાબાદ મોકલ્યા ત્યારે તેમણે એક આશા એવી વ્યક્ત કરી હતી કે પોતાનાથી અલગ રહેવાથી મહાદેવભાઈનું ‘શહૂર વધશે.’ ૧૯૨૪ના આરંભમાં જ્યારે તેઓ બંને પાછા મળ્યા ત્યારે ગાંધીજીએ અવશ્ય જોયું હશે કે મહાદેવનું શહૂર વધ્યું હતું.

નોંધ:

૧.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૩.

૨.   મણિભાઈ ભ. દેસાઈ: नवजीवनની विकास वार्ता, ૧૦૮-૧૦૯.

૩.   ઇન્દુલાલ યાજ્ઞિક.

૪.   બૅંકર, ઉમર સોબાની વગેરેની ટોળી.

૫.   મો. ક. ગાંધી: सत्यना प्रयोगो, પૃ. ૬૩૯.

૬.   મણિભાઈ ભ. દેસાઈ: नवजीवननी विकास वार्ता પૃ. ૫૫ અને

   गांधीजीनो अक्षरदेह – ૧૬ : પૃ. ૯૧, લેખ નં. ૬૧.

૭.   મણિભાઈ ભ. દેસાઈ: नवजीवननी विकास वार्ता, પૃ. ૬૨.

૮.   એજન, પૃ. ૬૩.

૯.   એજન, પૃ. ૧૦૨થી ૧૦૪માંથી સારવીને.

૧૦.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૩-૪માંથી સારવીને.

૧૧.   એજન, પૃ. ૪-૫.

૧૨.   એજન, પૃ. ૭.

૧૩.   એજન, પૃ. ૯.

૧૪.   ત્યારની પરિસ્થિતિમાં આ કટાક્ષ સરદારશ્રીએ મહાસભાના આગેવાનો માટે કર્યો હતો. અસહકાર કે ધારાસભા-પ્રવેશ આ મુદ્દા પર ત્યારે મહાસભાના આગેવાનોમાં પક્ષાપક્ષી ચાલી રહી હતી.

૧૫.   નાગપુર પ્રાંતિક સમિતિ.

૧૬.   દેશબંધુ ચિત્તરંજન દાસ ત્યારે સ્વરાજપક્ષના મુખ્ય આગેવાન. અસહકારને બદલે ધારાસભા-પ્રવેશ માટે તેઓ હિમાયત કરી રહ્યા હતા.

૧૭.   નાગપુર સત્યાગ્રહે ફરીથી જોર પકડ્યું એ અર્થમાં.

૧૮.   સામૂહિક સત્યાગ્રહ માટે.

૧૯.   દેવદાસ ગાંધી.

૨૦.   ડૉ. ચંદુલાલ દેસાઈ અને શ્રી મોહનલાલ પંડ્યા. બંનેને નાગપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.

૨૧.   મણિબહેન પટેલ અને ડાહ્યાભાઈ.

૨૨.   સરઘસબંધીના હુકમની.

૨૩.   पटेल शताब्दी ग्रंथमाळा – ૪ : પૃ. ૨૧૧થી ૨૧૩.

૨૪.   મો. ક. ગાંધી: सत्यना प्रयोगो, પૃ. ૫૩૯.

૨૫.   गांधीजीनो अक्षरदेह – ૧૬ : પૃ. ૯૧-૯૨, લેખ નં. ૬૧.

૨૬.   એજન, પૃ. ૯૨.

૨૭.   મણિભાઈ ભ. દેસાઈ: नवजीवननी विकास वार्ता, પૃ. ૬૧.

૨૮.   એજન, પૃ. ૮૧.

૨૯.   એજન, પૃ. ૧૨૬-૧૨૭.

૩૦.   નાગપુરથી આશરે પચીસ માઈલ દૂર આવેલું એક ગામ – સિવની.

૩૧.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૩૨૮.

૩૨.   ખેડા સત્યાગ્રહ વખતે ઉત્તર વિભાગના કમિશનર.

૩૩.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૩૨૯.

૩૪.   મૂળમાં પણ આ પ્રમાણે કૌંસમાં છે.

૩૫,   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૩૩૦.

૩૬   બંગાળના ગવર્નરની કારોબારી સમિતિના એક સભ્ય.

૩૭.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૮૫થી ૮૭.

૩૮.   સંયુક્ત પ્રાંતના વાયવ્ય ખૂણામાં.

૩૯.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૯૪થી ૯૭.

૪૦.   એજન, પૃ. ૬૫.

૪૧.   એજન, પૃ. ૬૦.

૪૨.   એજન, પૃ. ૨૫.

૪૩.   એજન, પૃ. ૨૭.

૪૪.   એજન, પૃ. ૪૫.

૪૫.   એજન, પૃ. ૪૭.

૪૬.   એજન, પૃ ૮૭-૮૮.

૪૭.   પંજાબમાં ગુરુ કા બાગના સત્યાગ્રહની વધારે વિગતો માટે જુઓ, ध हिस्टरी ऑफ ध कॉंग्रेस: પટ્ટાભી સીતારામૈયા: પૃ. ૪૧૩થી ૪૧૬.

૪૮.   महादेवभाईनी डायरी – ૧૯ : પૃ. ૨૩૩.

૪૯.   પટ્ટાભી સીતારામૈયા: ध हिस्ट्री ऑफ: कॉंग्रेस: પૃ. ૪૪૭-૪૪૮.

૫૦.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૧૬૫.

૫૧.   महादेवभाईनी डायरी – ૧૮ : પૃ. ૨૪૦.

૫૨.   महादेवभाईनी डायरी – ૧૯ : પૃ. ૨૦-૨૧

૫૩.   महादेवभाईनी डायरी – ૧૮ : પૃ. ૧૬૩ પાદટીપ.

૫૪.   એજન, પૃ. ૧૬૪માંથી સારવીને.

૫૫.   એજન, પૃ. ૧૬૫માંથી સારવીને.

૫૬.   એજન, પૃ. ૧૬૭.

૫૭.   એજન, પૃ. ૧૬૮.

૫૮.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૨૩.

૫૯.   महादेवभाईनी डायरी – ૧૮ : પૃ. ૧૭૯.

૬૦.   એ જમાનામાં રેલવે પરદેશી કંપનીઓની માલિકીની હતી.

૬૧.   મતલબ કે ‘જ્યાં પોતે જ કર્તવ્ય કરતા ન હોય અને.’

૬૨.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૬૧-૬૨.

૬૩.   એજન, પૃ. ૩૩૪.

૬૪.   नवजीवन – ૧–૭–’૨૩.

૬૫.   महादेवभाईनी डायरी — ૧૭, પૃ. ૩૪૦.

૬૬.   नवजीवन, તા. ૨–૧૨–’૨૩ ને ૨૫–૧૧–’૨૫.

૬૭.   કૉલિઝિયમમાં ઉપર વર્ણવ્યા મુજબના લડનારાઓ.

૬૮.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૩૫૦-૩૫૧.

૬૯.   महादेवभाईनी डायरी – ૧૮ : પૃ. ૨૫૯-૨૬૦.

૭૦.   મણિભાઈ ભ. દેસાઈ : नवजीवननी विकास वार्ता, પૃ. ૧૧૨-૧૧૩.

૭૧.   महादेवभाईनी डायरी – ૧૮ : પૃ. ૩૨૭.

૭૨.   ઉશીકું.

૭૩.   માથું ધડ પર લટકી પડ્યું એના અર્થમાં.

૭૪.   महादेवभाईनी डायरी – ૧૮, પૃ. ૨૩૩-૨૩૪.

૭૫.   મણિભાઈ ભ. દેસાઈ: नवजीवननी विकास वार्ता, પૃ. ૧૪૬-૧૪૭.

૭૬.   હરિભાઉ ઉપાધ્યાય, હિંદી नवजीवनમાં મદદ કરતા. પાછળથી રાજસ્થાન સરકારના મંત્રી.

૭૭.   રામદાસ ગાંધી.

૭૮.   ગાંધી સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી: દેવદાસ ગાંધીને, ૫–૩–’૧૯ને રોજ લખાયેલ પત્ર.

૭૯.   महादेवभाईनी डायरी – ૧૭ : પૃ. ૮૩.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.