પાંત્રીસ – યરવડા મંદિરથી હિંડળગાના ગીતા મંદિરમાં

મુક્તિસાધનાનો સાચો રસ્તો ઐક્યસાધનાનો છે એમ જોઈ ગાંધીજીએ ઉપવાસ પૂરા થતાંની સાથે જેલમાં રહ્યા રહ્યા જ એ સાધના સારુ શક્ય તેટલી શક્તિ લગાડવા માંડી. અસ્પૃશ્યતાનિવારણના કામને તેમણે સૌથી વધુ પ્રાધાન્ય આપવા માંડ્યું.

પેલી બાજુ ગાંધીજીના માત્ર છ દિવસના અનશનવ્રતથી દેશમાં જે જાગૃતિ આવેલી તે જોઈ અંગ્રેજ શાસકોને ચેન શી રીતે પડે? એણે તરતોતરત પોતાની ઢબે પગલાં ભરવા માંડ્યાં. ઉપવાસના દિવસો દરમિયાન તો યરવડા જેલના દરવાજા ઘણા ખુલ્લા થઈ ગયા હતા. છેલ્લે દિવસે પારણાં વખતે સેંકડો લોકોએ ત્યાં હાજરી આપી હતી. તેમાં દેશનેતાઓથી માંડીને સેવકો સુધી હતા, જેલની બહાર દેશને ખૂણે ખૂણેથી આવેલા લોકો હતા, અને યરવડા જેલમાં બંદી હોય એવા સત્યાગ્રહી સૈનિકો પણ હતા. સૌની સાથે, ગુનાઇત કૃત્યો કરીને પકડાયેલા કેદીઓ, જેલના અધિકારીઓ અને તેમના પરિવારના લોકો પણ હતા.

ગાંધીજી હજીયે કેદી હતા, એ વાતનું જાણે કે ભાન કરાવવા છવ્વીસમીએ પૂના-કરાર થયો અને ઉપવાસ છૂટ્યા, અને ઓગણત્રીસમીએ તો મેજર ભંડારીને સરકાર બહાદુરનો હુકમ મળ્યો કે આજથી મુલાકાતો વગેરે બધું બંધ! આનાથી ગાંધીજીને ચીડ ચડી. તરત તેમણે આ બંધીની વિરુદ્ધ કડક કાગળ લખાવ્યો. અસ્પૃશ્યતાનિવારણના કામ અંગે જો કરાર થયા હતા તો એને અંગે તો લોકોને મળવા દેવાની કે લખવાકરવાની છૂટ રહેવા દેવી જોઈતી હતી એવો તેમનો મત હતો. માલવિયાજી આવીને ગયા. પાછા મળવા આવવાના હતા, તે ન આવી શક્યા. સરૂપરાણી નેહરુ અને ઊર્મિલાદેવી સેન દરવાજે આવેલાં પાછાં ગયાં. જયકર વગેરે ભવિષ્યમાં કાંઈ આંદોલન અંગે સમાધાન થઈ શકે એમ છે કે કેમ એ તપાસી જોવા માગતા હતા, પણ એમની આડે પણ જેલનાં બારણાં ધડમ કરતાંક બંધ થયાં. ગાંધીજીને દુષ્ટ વાણિયો માનનાર વિલિંગ્ડન પોતાની સત્તાનો રુઆબ દેખાડવા માગતો હતો. ગાંધીજીએ કહ્યું: ‘સિમલા ન પલટાય, ત્યાંના માણસો જઈને બીજા ન આવે ત્યાં સુધી પરિસ્થિતિમાં કશા ફેરફારની આશા રાખવી મિથ્યા છે.’

સાંજે કસ્તૂરબાનો જવાનો વારો આવ્યો. મહાદેવભાઈ કહે છે: ‘સાંજે બાને જવું પડ્યું એ ભારે વસમી વાત હતી.’ બાપુ કહે: ‘હવે જેલરને ન રોકો, તુરત જાઓ, તુરત જાઓ.’

બાના દિલમાં એમ હતું કે બાપુનું છેલ્લું ખાણું તૈયાર કરીને જાઉં. આખરે તૈયાર થયાં. બાપુને કહ્યું, ‘લો ત્યારે આવજે, હું જાઉં છું.’ કહેતાં કહેતાં આંખ ભીની થઈ ગઈ.

બાપુએ એમના ગાલમાં જરાક સરખી ટપલી મારીને કહ્યું:

‘હું આવીશ કે તું આવશે. ચિંતા કરવાની હોય જ નહીં. આટલા દિવસ રહેવાનું મળ્યું એ ઓછું છે?’

ગાંધીજીના ઉપવાસને લીધે આખા દેશમાં અસ્પૃશ્યતાનિવારણના કામને ચેતના મળી હતી.

મહારાષ્ટ્રની એક જેલમાં સાધુચરિત અપ્પાસાહેબ પટવર્ધને સ્વેચ્છાએ ભંગીકામ શરૂ કર્યું હતું. કેરળમાં ત્યાંના આગેવાન કાર્યકર શ્રી કે. કેલપ્પને અસ્પૃશ્યો સારુ ગુરુવાયુરનું મંદિર ખુલ્લું મુકાવવા ઉપવાસ શરૂ કર્યા હતા.

ગાંધીજીએ શ્રી કેલપ્પનને તાર કર્યો કે ‘ઉપવાસ છોડો અને ત્રણ મહિનાની નોટિસ આપો.’ ત્રણ મહિનામાં પણ જો કાંઈ સમાધાન ન થાય તો ગાંધીજી તેમને સાથ આપવા તૈયાર હતા. મહાદેવભાઈએ આ બાબતમાં શંકા ઉઠાવી કે કેલપ્પનજીનો આ અંતરાત્માનો પ્રશ્ન કેમ ન હોઈ શકે? ગાંધીજીએ જવાબ આપ્યો:

એ મને પૂછે છે, મારા આશીર્વાદ માગે છે, એ જ બતાવે છે કે એને અંતરાત્માનો સવાલ નથી, પણ મારા અભિપ્રાયથી એ ચાલે (છે.) … કેલપ્પન તો શિસ્ત સ્વીકારનારો રહ્યો. કામને કશો ધક્કો પહોંચવાનો નથી. ત્રણ માસ પછી કેલપ્પનમાં શક્તિ હશે તો એ પાછો કરવાનો જ છે. ધારો કે એ ન કરી શકે તો હું બેઠો જ છું.

નાજુકલાલ (ચોક્સી)ને લખ્યું: ‘પ્રભુએ નવો અવતાર આપ્યો છે. હવે એની ઇચ્છા પ્રમાણે દોરશે.’

ક્રેસવેલને: ‘હા; ઈશ્વરની મારી ઉપર દયા છે; તેના મારી ઉપર ચારે હાથ છે.’

અબદુલ રહીમને લખ્યું: ‘તમારી સાથે હું પૂરેપૂરો સંમત થાઉં છું કે બીજા કોમી પ્રશ્નો પણ પરસ્પર આપલેની ભાવનાથી ઉકેલાવા જોઈએ. હું આશા રાખું છું કે એ દિશામાં પ્રયત્નો થશે.’

કરાંચીના જમશેદજી મહેતાએ લખ્યું હતું કે પ્રાયોપવેશન કોણે કરવું, ક્યારે કરવું, વિશે તમે કંઈ નિયમો નક્કી કરો તો સારું. તેમને લખ્યું:

ઈશ્વરના નામનો કેટલો દુરુપયોગ થાય છે એ વિચારી જાઓ. આ દુરુપયોગને તે સાંખે છે તો પછી મહાન શક્તિઓનો ઉપયોગ કરવા જતાં તેનો દુરુપયોગ પણ થઈ જાય છે તે સાંખવા યોગ્ય છે. છતાં તમે કહો છો તેમ એને ખાળવા સારુ બને એટલા પ્રયત્ન કરવા જ જોઈએ. તે કરવા ચૂકીશ નહીં.

ઉમા નેહરુને મંદિરોમાં હરિજનોના પ્રવેશ સારુ સત્યાગ્રહ કરવાની ગાંધીજીએ જે રીત સમજાવી તે મહાદેવભાઈએ એક જ વાક્યમાં રજૂ કરી છે:

‘મંદિરો ખોલાવવાં અથવા તેનો ત્યાગ કરાવવો; કોઈ જ ત્યાં જાય નહીં

એટલે થાકે.’

આંબેડકરને ગમે ત્યારે ગાંધીજીને મળવાની અને ઇચ્છા થાય તે વિશે છૂટથી ચર્ચા કરવાની સરકાર તરફથી રજા આપવામાં આવી હતી. મૂળમાં આંબેડકરે ‘કશાય અંતરાય વિનાની’ મુલાકાત માગી હતી. અને તેમને ‘તમારા તારમાં લખ્યા પ્રમાણે’ની રજા મળી હતી. પણ મળવા આવ્યા ત્યારે ગાંધીજી અને આંબેડકર બંનેને કહેવામાં આવ્યું કે માત્ર અસ્પૃશ્યતાના વિષયની જ ચર્ચા કરવાની છે. એમને કહેવામાં આવ્યું કે લૉર્ડ વિલિંગ્ડન સાથેની ચર્ચાને અંતે આ હુકમ નીકળ્યો છે. આંબેડકરે લાચારીથી કબૂલ કર્યું, પણ કહી દીધું કે, ‘હું તો અસ્પૃશ્યતા વિશે નહીં, પણ રાજદ્વારી પરિસ્થિતિ વિશે વાત કરવા આવેલ, પણ હવે તો થયું.’

બાપુ કહે: ‘સાચી વાત. મારાથી એ વિશે તમારી સાથે વાત ન થઈ શકે, તમે કરો તોયે હું અભિપ્રાય ન આપી શકું, મારું મન જ એ દિશામાં કામ ન કરે.’

આંબેડકર કહે: ‘હું તો માત્ર કહી દઉં કે આટલા માટે હું આવેલો. મારે તમને સવિનયભંગ છોડીને બહાર નીકળી ગોળમેજીમાં આવવાને વીનવવા હતા. વાત એ છે કે તમે ન આવો તો વિલાયતમાં કશું મળવાનું નથી, ઊલટું બધું બગડશે. ઇકબાલ જેવા માણસો તો દેશના વેરીઓ છે, એ બગાડી આવશે, અને અમારે તો ગમે તેવું બંધારણ હોય તેના ઉપર કામ કરવાનું છે. એટલે હું નાનો માણસ છતાં તમને વીનવું છું કે તમે ચાલો.’

બાપુ કહે: ‘તમે આખી દલીલનો વિસ્તાર કરો તો હું એના પર વિચાર કરું મારી સૂચના છે કે તમે બહાર જઈ છાપામાં એ વસ્તુ લંબાણથી લખો. હું એના ઉપર વિચાર કરીશ.’

આંબેડકર: ‘એ વસ્તુ આખી લખાય એવી નથી. એમાં તો મુસલમાનોને બહુ દુ:ખ લાગે એવું મારે કહેવું પડે અને એ હું જાહેરમાં ન કહી શકું. પણ હવે તો નામ વિના જુદી રીતે હું લખીશ કે લખાવીશ તે તમે જોજો અને મારું છે એમ સમજીને એના ઉપર વિચાર કરજો.’

બાપુ કહે: ‘તમે તમારા નામથી જ લખો એ સારું છે. પછી તો તમારી મરજી.’

શ્રીમતી નાયડુ એ અભિપ્રાયમાં સંમત થયાં.

પછી અસ્પૃશ્યતા વિશે વાત નીકળી. આંબેડકર કહે:

‘મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે આ મંદિરો ખૂલે છે, સહભોજન થાય છે, એમાં મને રસ નથી. કારણ, એમાં તો અમારો મરો છે. મારા માણસોને માર ખાવો પડે છે, કડવાશ વધે છે, વિલેપારલેમાં સહભોજન થયા પછી મરાઠા કામ કરનારાઓએ હડતાળ પાડી. જો ઊંચ વર્ણના હિંદુઓમાં તાકાત હોય તો અસ્પૃશ્યોને નોકર તરીકે રાખત. પણ એ તો થાય એમ નહોતું. એટલે આમાં મને રસ નથી આવતો. મારે તો સામાજિક અને આર્થિક હાડમારીઓ મટે એ જોઈએ છે.’

બાપુ કહે: ‘તમે દાખલા આપો.’

એણે કહ્યું: ‘અસ્પૃશ્યોને રહેવાનાં ઘર નથી મળતાં; એના ઉપર અન્યાય અને અત્યાચારો થયા કરે છે. એક કેસમાં એક અસ્પૃશ્ય ઉપર મરાઠાના ખૂનકેસનો આરોપ હતો. કેસ સેશનમાં લઈ જઈને હું એને છોડાવી શકત, પણ મૅજિસ્ટ્રેટે એના ઉપરથી ખૂનનો ચાર્જ ફેરવીને ગંભીર વ્યથાનો ચાર્જ કર્યો. હવે તેને અમુક સજા થશે. મારા પોતાના ઉપર પણ કેવી વીતે છે તે તમે નહીં જાણતા હો. મને મુંબઈમાં પૉર્ટ ટ્રસ્ટની ચાલ સિવાય બીજે ક્યાંય રહેવાનું મળતું નથી. મારા ગામમાં તો મહારોનાં ઘોલકામાં મારે રહેવું પડે છે. પૂનામાં બીજા બધા પોતાના મિત્રોને ત્યાં ઊતરે. મારે નૅશનલ હોટલમાં ઊતરવું પડે છે અને સાત રૂપિયા અને ગાડીભાડું ખર્ચવું પડે છે.’

બાપુ કહે: ‘સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા?’

આંબેડકર: ‘હા, ત્યાં કદાચ રહી શકાય. પણ તે પણ કદાચ. વઝેને પૂછો તો ખબર પડે. વઝેના દેખતાં એના નોકરે મારું એક વાર અપમાન કર્યું હતું. મારે તો આ બધી હાડમારીઓ કાઢવી છે.’

બાપુ કહે: ‘હું તમારી સાથે સંમત છું. તમારે જાણવું જોઈએ કે મારો ઉપવાસ પૂરો થયો નથી, હજી ઊભો જ છે. કરાર સુધરાવવો એ ગૌણ વાત હતી. મુખ્ય વાત તો હજી બાકી રહેલી છે. એને માટે હું પ્રાણ આપવા તૈયાર છું. તમે કહો છો એ બધા અન્યાયો મટવા જ જોઈએ.’

આંબેડકરે કહ્યું: ‘મને બિરલાએ અસ્પૃશ્યતાનિવારણ સભાના બોર્ડમાં લેવાનું કહ્યું. મેં ના પાડી. કારણ, હું એકલો શું કરું? મારે તમે જે ઇચ્છો તે રીતે અસ્પૃશ્યતાનિવારણના કામમાં સંમતિ આપવી રહી. અમે જો ઘણા હોઈએ તો અમે ઇચ્છીએ એ રીતે સુધારા કરાવી શકીએ. તમે ઇચ્છતા હો કે મંદિર બાંધવું કે કૂવા ખોદાવવા. અમને લાગતું હોય કે આ પૈસા નકામા જાય છે, એને માટે બીજો રસ્તો જોઈએ.’

બાપુ કહે: ‘તમારું દૃષ્ટિબિંદુ સમજું છું, અને હું એ ધ્યાનમાં રાખીશ અને શું કરી શકાય તે જોઈશ.’

પછી બાપુ અમને કહે: ‘વાત એણે બહુ મીઠી કરી. એનામાં સિદ્ધાંત તો નથી, પણ આ બધી વાત બહુ સીધી રીતે કરી. એણે એમ પણ કહ્યું કે મારે રાજદ્વારી સત્તા જોઈતી હતી તે મળી ગઈ. હવે મારે તો રાષ્ટ્રીય કામ કરવાનું રહ્યું. તમને હવે તમારા કામમાં હું વિઘ્નકર્તા નથી થવાનો. એમ. સી. રાજા ઑર્ડિનન્સ બિલને અહીંથી જઈને ટેકો આપે તેમ મારાથી ન અપાય. મેં તો મારા માણસોને કહ્યું: ‘હવે તમે મારી પાસેથી આ કામમાં બહુ આશા ન રાખતા. મારે દેશના કામને માટે મારી શક્તિ ખર્ચ કરવી જોઈશે.’ પણ તમે બહાર નીકળીને દેશકાર્ય ઉપાડો તો થાય. એમ ને એમ કશું નથી વળવાનું.

પોતે પોતા વિશે કહ્યું: ‘સરકાર મને પૈસા આપે છે એમ કહેવાય છે. મારા જેવો ભિખારી કોઈ નથી. ત્રણ વરસ થયાં મારી કમાણી કાંઈ જ નથી. આ કામ કરતાં મારે મારો પોતાનો પૈસો ખરચવો પડે છે. અને મારા કેસોનું કાર્ય ઓછું થાય છે. જાહેર કામને લીધે વખત પણ જાય અને પૈસાનો પણ ખરચ થાય. થોડા થોડા કેસો મળે તેમાંથી મારો નિર્વાહ કરું છું. આજે પણ સાવંતવાડી એક કેસ છે ત્યાં જતાં અહીં રસ્તામાં ઊતર્યો છું.’

ઑક્ટોબર માસમાં સાક્ષર શ્રી નરસિંહરાવની પુત્રી લવંગિકાની મૃત્યુનોંધ છાપામાં જોઈ મહાદેવભાઈએ ગાંધીજીનું ધ્યાન તે તરફ દોર્યું. ગાંધીજીએ તરત એ આશયનો પત્ર લખ્યો કે,

‘તમારી દીકરીના અવસાનના ખબર વાંચી અમે સૌ દિલગીર થયા. મહાદેવે કહ્યું, આટલી એક જ દીકરી રહી હતી. તમને ખરખરો કરવાનો ન હોય. તમે બંને જ્ઞાની છો. પ્રભુ તમને શાંતિ બક્ષો.’

આટલાં વાક્યોની નરસિંહરાવ ઉપર અદ્ભુત અસર થઈ. એમણે લખ્યું:

આમ હમારું હાવા પ્રસંગમાં સ્મરણ રાખ્યું એ વિચારથી હૃદય આર્દ્ર થયું. પ્રભુ કૃપાળુ આમ અણધાર્યાં આશ્વાસનોનાં અમૃત સીંચે છે એ ઓછી ધન્યતા છે? ‘પરંતુ આનું દુ:ખ તમને ન હોય’ એ પાંચ શબ્દોમાં જે અમૂલ્ય સદ્ભાવ આપે પૂર્યો તે બીજે કહીંથી — એ રૂપમાં તો — હમને મળ્યો નથી. આપે જે ઊંચી કક્ષામાં — જ્ઞાન, તપશ્ચર્યા વગેરે સંપત્તિને સંબંધે-મૂક્યાં તે યોગ્યતા પ્રાપ્ત કરવાને પ્રભુ હમને સામર્થ્ય આપો. હમે હજી રંક માનવની ભૂમિકામાં ભમીએ છીએ. માત્ર હાવી કસોટીને પ્રસંગે ઉચ્ચતર ભૂમિકામાં ચઢવાને પ્રભુ દયાળુ આપ જેવા સ્નેહાળ સજ્જનની દ્વારા પાંખો આપે છે એ લાભ ઓછો નથી.

કસોટી તો બાકી ભારે જ છે. પ્રથમ બે સંતાન ચાલ્યાં ગયાં તે ત્રણ અઠવાડિયાં માંદગી ભોગવીને. હાણે તો ચાર કલાકમાં જ એકાએક બેભાન થઈને દેહ છોડી દીધો. શાંતિદાતા શાંતિ આપે છે અને આપશે. આપના પત્ર માટે આભાર નહીં માનું, પરંતુ કહીશ કે એ પત્રને અમૂલ્ય ધન તરીકે સંઘરી રાખીશ.

દીકરીના દશાહ પ્રસંગે ગાંધીજીએ લખ્યું:

સવારની ચાર વાગ્યાની પ્રાર્થના અમે કરી રહ્યા અને આ લખવા બેઠો છું. અમે ત્રણે આજે ૮–૩૦ વાગ્યે તમારી સાથે દશમાનું શ્રાદ્ધ ઊજવતાં હોઈશું. મૂક પ્રાર્થનાને બદલે ‘લીડ કાઇન્ડલી લાઇટ’નો તમારો અનુવાદ ગાઈશું. તેમાં તમને બંનેને જોઈએ તેટલી શાંતિ ક્યાં ભરી નથી? તમારાં બાળકો તો ચિરશાંતિ ભોગવે છે. પણ આ જગતમાં જેટલાં બાળકો છે તેટલાં તમારાં ક્યાં નથી? તમે તો એવું જ્ઞાન ઘણુંય આપ્યું છે. તે અત્યારે તમને સહાય કરો.

‘પ્રેમળ જ્યોતિ’ની એક વાત તમને ગમશે. જતાં જતાં ફાધર એલ્વિને ધાર્યું કે જો ખ્રિસ્તીઓનો મિત્રવર્ગ દર અઠવાડિયે મારી સાથે માનસિક સંબંધમાં આવે તો સારું. તેમ કરવા સારુ તેણે મારી પાસેથી એક ભજન માગ્યું, કે જે બધાએ ધારેલે વખતે દરેક અઠવાડિયે ગાવું. મેં પેલું ન્યૂમૅનનું ભજન પસંદ કર્યું. તે આજે યુરોપ, અમેરિકા, અહીં ને બીજા દેશોમાં મિત્રમંડળ દર શુક્રવારે ૭–૩૦ વાગ્યે સાંજે ગાય છે. અમે અહીં ને આશ્રમવાસીઓ સાબરમતી ઇત્યાદિમાં ‘પ્રેમળ જ્યોતિ’ દર શુક્રવારે સાંજની પ્રાર્થનામાં ગાઈએ છીએ. એમ એ ભજનમાં તમે જે પ્રાણ રેડ્યો છે તેમાં વૃદ્ધિ થતી જાય છે. આવી આ તમારી ભેટ તમને પણ ફળો.૧૦

૧૯૩૨થી ૧૯૩૪ના ગાળામાં ગાંધીજીને અનેક વાર ઉપવાસનો વિચાર કરવો પડ્યો તેથી એ ગાળાની મહાદેવભાઈની બે ડાયરીઓ (ભાગ–ર અને ૩) ઉપર ઉપવાસના વાતાવરણની ઘેરી છાયા વર્તાય છે. સપ્ટેમ્બર, ૧૯૩૨ના ઉપવાસ પૂરા થયા ત્યાર બાદ જેલમાં રહીને પણ અસ્પૃશ્યતાનિવારણનું કામ કરવા ગાંધીજીએ કેટલીક વિશેષ સવલતો સરકાર પાસેથી મેળવી હતી. તેમાં આ વિષય અંગેનો પત્રવ્યવહાર તથા છાપાંજોગાં નિવેદનો બહાર પાડવાની છૂટ આવતી હતી. અસ્પૃશ્યતાનિવારણના હેતુને જ પાર પાડવા તેમણે ૧૯૩૩ના ફેબ્રુઆરી-માર્ચ માસમાં અંગ્રેજીમાં हरिजन, ગુજરાતીમાં हरिजनबंधु અને હિન્દીમાં हरिजन सेवक નામનાં સાપ્તાહિકો શરૂ કર્યાં. ૧૯૩૨ના સપ્ટેમ્બરમાં અસ્પૃશ્યતાનિવારણનું કામ કરવાની દૃષ્ટિએ ‘ઍન્ટી અનટચેબિલિટી લીગ’ નામની સંસ્થા સ્થાપી હતી જેનું પાછળથી ‘હરિજન સેવક સંઘ’ નામ રાખવામાં આવ્યું હતું. શ્રી ઘનશ્યામદાસ બિરલાને તેના પ્રમુખ બનાવ્યા હતા.

આ ગાળામાં બીજી બે વાર ગાંધીજીએ પોતાના શરીર પર ગંભીર પરિણામ આવે એવા ઉપવાસ કર્યા. મે ૧૯૩૩માં કાર્યકર્તાઓની કેટલીક કમજોરીઓની વાત સાંભળી. કાર્યકર્તાઓનો દોષ એ પોતાનો જ દોષ માની તેમણે એકવીસ દિવસના આત્મશુદ્ધિ અર્થેના ઉપવાસ કર્યા હતા. આ ઉપવાસ વખતે ગાંધીજીને તરત જ છોડી દેવામાં આવ્યા હતા. પૂનાનાં લેડી પ્રેમલીલા ઠાકરસીના બંગલા ‘પર્ણકુટી’માં ગાંધીજીએ આ ઉપવાસ પૂરા કર્યા હતા. ત્યાર બાદ સાબરમતીથી રાસ સુધી કૂચ કરવાની તેમણે જાહેરાત કરી ત્યારે કૂચની આગલી રાતે તેમને તેમના તેત્રીસ સાથીઓ સાથે ગિરફતાર કરવામાં આવ્યા હતા. ગાંધીજી તથા મહાદેવભાઈને થોડા કલાક સાબરમતી જેલમાં રાખી યરવડા લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને યરવડાની હદમાં પ્રવેશ કરવાની નિષેધાજ્ઞા સાથે છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ નિષેધાજ્ઞાનો ભંગ કરતાંની સાથે બંને જણને ફરી પકડવામાં આવ્યા હતા. અને તત્કાળ કેસ ચલાવી એક વર્ષની સજા કરવામાં આવી હતી. આ વખતે અસ્પૃશ્યતાનિવારણનાં કામો અંગેની છૂટછાટો પહેલાંની માફક જ મળે એવી ગાંધીજીએ અપેક્ષા રાખી હતી. પરંતુ તેમને તે છૂટ પૂરેપૂરી ન મળતાં જેલમાં ૧૬મી ઑગસ્ટ, ૧૯૩૩ના રોજથી બિનમુદતી ઉપવાસ શરૂ કર્યા હતા. આ વખતે સરકારનું વલણ વધુ કડક હતું અને કદાચ તેમને બળજબરીથી ખોરાક આપવાના પણ પ્રયોગ કરે એવાં લક્ષણો જણાતાં હતાં. ગાંધીજીને જેલમાંથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોતે કદાચ વધુ જીવી નહીં શકે એમ માનીને ગાંધીજીએ પોતાના અંગત વપરાશની તમામ ચીજો હૉસ્પિટલની પરિચારિકાઓને આપી દીધી હતી.

ગાંધીજીના જીવ લગ મિત્ર ચાર્લી ઍન્ડ્રૂઝના તનતોડ પ્રયત્નથી આ તબક્કે ગાંધીજીને છોડી મૂકવામાં આવ્યા હતા. તે જ દિવસે તેમણે પૂનાની ‘પર્ણકુટી’માં પારણાં કર્યાં હતાં.

૧૯૩૩ના મે માસના ઉપવાસના શરૂઆતના દિવસોમાં મહાદેવભાઈ ગાંધીજીથી છૂટા પડીને જેલમાં જ રહી ગયા હતા. પણ સદ્ભાગ્યે એમની સજાની મુદત પૂરી થઈ એટલે તેઓ છૂટીને તરત ગાંધીજી પાસે આવ્યા હતા. બે દિવસ પછી ગાંધીજીએ તેમને સાબરમતી આશ્રમમાં મોકલ્યા. ત્યાં બે દિવસ રોકાઈને તેઓ પાછા ગાંધીજી પાસે આવી પહોંચ્યા. આ ઉપવાસ અંગે મહાદેવભાઈએ દસ લેખો લખ્યા. મહાદેવભાઈનું ભક્તહૃદય આ ઉપવાસથી કેવું પ્રભાવિત થયું હતું તેની આ લેખો સાખ પૂરે છે.

અસ્પૃશ્યો સારુ અલગ મતદારમંડળની વિરુદ્ધ કરેલા ઉપવાસ વખતે સરદાર ગાંધીજીની સાથે જ જેલમાં હતા. ઉપવાસ કરતાં પહેલાં તે અંગે તૈયાર કરેલું નિવેદન ગાંધીજીએ તેમને વાંચવા આપ્યું હતું. પણ તત્કાલ એને કોઈ અભિપ્રાય ન આપવા જણાવ્યું હતું. આ નિવેદન બે વાર વાંચ્યા પછી આશરે અડધા કલાક પછી તેમણે મહાદેવભાઈને કહ્યું:

‘એમના કરતાં પવિત્ર કોઈને જાણ્યો છે? એમને ઈશ્વરે રાખવા હોય કે લઈ જવા હોય એ કોને ખબર છે? પણ એમના મન અને આત્માનો પ્રવાહ જે દિશામાં વહેતો હોય તેને મન, વચન અને કાયાના મૌનથી અનુકૂળ થવું.’૧૧ એક વાર શ્રી શાસ્ત્રીએ ગાંધીજીને ઉપવાસ વિશે શાસ્ત્રાર્થ કરતો કાગળ લખ્યો.

તે જોઈ વલ્લભભાઈએ કહ્યું:

શાસ્ત્રીનો કાગળ વાંચીને તો એમ થાય છે કે આ ઉપવાસ થયો તે સારું થયું. આવા શાસ્ત્રી જેવા કોઈ દહાડો થોડા જ ધર્મમાં સુધારો કરી શકવાના છે? એ તો બાપુના જેવા કોઈ સમર્થ ઉપવાસ જેવું શસ્ત્ર ઉઠાવે ત્યારે જ આ ભયંકર અંધકારનાં વાદળ વીખરાય.૧૨

છાપાંઓ મારફત, પત્રવ્યવહાર મારફત અને મુલાકાતીઓ મારફત જેલ બહારના સમાચારો અંગે માહિતી રાખવાનું કામ મુખ્યત્વે વલ્લભભાઈનું હતું. વચ્ચે વચ્ચે પોતાની તેજસ્વી અને ગણેલા શબ્દોવાળી શૈલીમાં એ સમાચારો ઉપર માર્મિક કટાક્ષ કરવાનું કામ પણ તેમનું જ. જપ્ત કરેલ બારડોલીના આશ્રમનાં મકાનો સરકારે વેચવા કાઢ્યાં એ સમાચાર વાંચી સરદાર કહે:

‘સારું છે વેચાઈ જાય તો. આપણા હાથમાં સત્તા આવશે ત્યારે એ બધાં પાછાં આપ્યે જ છૂટકો છે. સત્તા ન આવે તો આ બધાં એમનાં મકાનો (જેલો)નો કબજો આપણી પાસે પડેલો જ છે ના?’૧૩

આ દિવસોમાં ગાંધીજી, સરદાર અને મહાદેવભાઈ ત્રણેયે પોતાનો મોટા ભાગનો સમય તો અસ્પૃશ્યતાનિવારણના પ્રશ્ન અંગે ચિંતનમનન, મુલાકાતો અને પત્રલેખનમાં જ ગાળ્યો હતો. વચ્ચે વચ્ચે, સહજ રીતે, બીજા પ્રશ્નો પણ છેડાઈ જતા. પત્રવ્યવહાર અંગે ગાંધીજીની ધીરજ અખૂટ હતી. એક વાર શ્રી રણછોડદાસ પટવારીએ પોતાના પત્રમાં ૮૮ પ્રશ્નો પૂછ્યા. ગાંધીજીએ ખંતપૂર્વક એ દરેકેદરેક પ્રશ્નનો જવાબ મહાદેવને લખાવ્યો. મહાદેવભાઈને ગાંધીજીની માફક મુક્તપણે પત્રવ્યવહારની છૂટ નહોતી, એટલે ગાંધીજી ઘણી વાર મહાદેવના ઓળખીતાને લખાવતા કે, ‘મહાદેવના તો માત્ર અક્ષર જ જોવા મળશે, પત્ર નહીં.’

ગાંધીજીના ભાણેજ મથુરાદાસ ત્રિકમજી વચ્ચે મળવા આવી ગયા. એમણે એ ખબર આપ્યા કે દેવદાસભાઈ દિલ્હીમાં ન પેસવાના હુકમનો અનાદર કરવા સારુ છ માસની કેદમાં ગયા. જવાહરલાલને વિશે વાત થઈ. એમને હરિજન કામનો કેમ વિરોધ હશે? એ તો કહે છે કે બાપુ આ કામ કરવાથી કેદી જ મટી જાય છે… એમ કેમ હશે? ગાંધીજી કહે:

એનું કારણ એ છે કે એ આ કામનું રહસ્ય નથી સમજેલ, સત્યાગ્રહનું પણ નહીં… આજે આપણે સત્યાગ્રહ સત્તા મેળવવાને માટે કરી રહ્યા છીએ, જ્યારે સત્યાગ્રહ તો સત્તાને સાફ કરવાને માટે હોય. સત્તા એટલે જ હિંસા, સત્તાને નભાવવા લશ્કર જોઈએ. સત્તાનો ત્યાગ એ સત્યાગ્રહના મૂળમાં છે. કાઉન્સિલો વગેરેમાંથી સત્યાગ્રહીઓ દૂર રહેશે તો જ તેને સ્વચ્છ કરી શકશે. મારા અગિયાર મુદ્દા મોતીલાલજીને નહોતા ગમ્યા અને જવાહરલાલને પણ નહોતા ગમ્યા. પણ હું એના ઉપર હજી કાયમ છું.

મહાદેવભાઈએ પૂછ્યું: ‘ત્યારે તમે સ્વરાજની અવેજીમાં સુરાજ્ય ચાલે એમ સ્વીકારો છો, એમ કહેવાય.’ ગાંધીજી કહે: ‘ના, કેમ્પબેલ બેનરમૅનનું સુરાજ્ય એ તો મુરબ્બીપણાના નાતાથી ભલું કરનારું રાજ્ય છે. એ સ્વરાજ્યનું અવેજી ન થઈ શકે. પણ આપણું અગિયાર મુદ્દાનું તો સાચું સુરાજ્ય છે અને એ જ સ્વરાજ્ય છે… હજીયે વધારે એ વસ્તુ સમજાવું એમ છું. પણ આજે તો ક્યાં એ પ્રસંગ છે? પ્રસંગ આવે તો પાછો દેશને એ અગિયાર મુદ્દા ઉપર વાળું…’

બીજે દિવસે મહાદેવભાઈએ ચર્ચા આગળ ચલાવી. ગાંધીજીએ સ્પષ્ટીકરણ કર્યું:

સત્યાગ્રહ સત્તા મેળવવાને માટે હોય જ નહીં, સત્તાને શુદ્ધ રાખવાને માટે, સત્તાનો સદુપયોગ કરાવવા માટે હોય… અહિંસાનો ઉપયોગ હિંસાને માટે ન જ હોય.

સત્યાગ્રહ અમુક વસ્તુ ઉપર કેન્દ્રિત કરવો જોઈએ એટલે સત્તા મેળવવા ઉપર નહીં, પણ તે તે વસ્તુ સિદ્ધ કરવા માટે હોય… એની સામે નબળું તંત્ર ટકી ન શકે, એ તૂટી જ પડે, એટલે તંત્રનો આપોઆપ સુધારો થાય. છતાં તંત્રમાં સત્તાની વાત આવે ત્યારે આપણે આઘા રહીએ. तेन त्यक्तेन भुंजीथा: । આપણે મત આપીએ, મત આપવા જેટલી સત્તા ભલે વાપરીએ, પણ તે પણ રામ અને રાવણની ચૂંટણીમાં રામની ચૂંટણી કરવા માટે. જોકે રામ પણ જેટલે અંશે સત્તા ચલાવશે તેટલે અંશે હિંસા તો કરશે જ. આપણું તો સત્યાગ્રહદળ હોય જે સત્તાને સરખી કરવાને માટે જ જીવતું હોય.૧૪

એકવીસ દિવસના ઉપવાસ વખતે સાબરમતીથી મહાદેવભાઈ સાથે થોડા દિવસ રહેવા સારુ નારાયણ પણ આવ્યો હતો. પૂના આવ્યા પછી, દુર્ભાગ્યે તે તરત મલેરિયામાં પટકાઈ ગયો. મહાદેવભાઈના માથા પર ગાંધીજીના ઉપવાસની ચિંતા હતી જ તેમાં બાબલા (નારાયણ)ની માંદગીની વધારાની ચિંતા આવી પડી. તાવ ૧૦૬ સુધી પહોંચી ગયો હતો અને ૩૬ કલાક સુધી ઊતર્યો નહોતો. મહાદેવભાઈએ પોતાની ઑફિસ ગાંધીજીના ખાટલા પાસેથી ખસેડીને બાબલાના ખાટલા પાસે ગોઠવી. એક હાથે ગાંધીજી ઉપર આવેલા અસંખ્ય પત્રો કે તારના જવાબ લખતા જાય અને બીજે હાથે બાબલાના માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂકતા જાય. બાબલો સંનિપાતમાં પણ ‘બા આવી? બા આવી?’ એમ પૂછતો હતો. એકાદ દિવસમાં તાવ ઊતરી જશે, દુર્ગાબહેનને બોલાવવાની જરૂર નથી, એમ માનીને મહાદેવભાઈએ એમને બોલાવ્યાં નહોતાં. પણ બાબલાનું કષ્ટ એમનાથી જોયું જતું નહોતું. તેથી એમનું હૈયું અવારનવાર ભરાઈ આવતું. હરિલાલનાં પુત્રી મનુબહેન મહાદેવભાઈને આંસુ લૂછતા જોઈ ગયાં. તેમણે કસ્તૂરબાને કહ્યું અને કસ્તૂરબાએ ગાંધીજીને વાત કરી. ગાંધીજીએ તરત મહાદેવભાઈને પોતાની પાસે બોલાવ્યા. તેઓ જેવા ગાંધીજી પાસે પહોંચ્યા તેવા જ ગાંધીજી દુર્ગાબહેનને બોલાવવા સારુ તાર લખાવવા માંડ્યા. મહાદેવભાઈ એમની જોડે દલીલ કરવા લાગ્યા કે ટાઢિયો તાવ છે. એકાદ દિવસમાં તો ઊતરી જશે. દુર્ગાને બોલાવવાની શી… પણ ગાંધીજીએ એમને વચમાં કહ્યું: ‘મેં તમને સલાહ લેવા બોલાવ્યા નથી, તાર લખાવવા બોલાવ્યા છે.’ દુર્ગાબહેનના પહોંચતા સુધીમાં બાબલાનો તાવ તો સાચે જ ઊતરી ગયો હતો, પણ તેમના આવવાથી મહાદેવભાઈની ચિંતા પણ ઘણી ઓછી થઈ ગઈ, એ દેખીતું હતું.

ગાંધીજીના ઉપવાસ સુખરૂપ પૂરા થયા તેથી આખા દેશે રાહત અનુભવી. યરવડા મંદિરથી વલ્લભભાઈએ મહાદેવભાઈને પત્ર લખ્યો: ‘આખરે પ્રભુએ લાજ રાખી. આ દેશનાં પાપ ઘણાં છે, છતાં કાંઈક પાપ કરતાં પાછું જોયું હશે એટલે સૌનાં મોં ઊજળાં રહ્યાં.’ પ્રેમલીલાબહેન (ઠાકરસી)ની અપાર સેવાનો બદલો ઈશ્વરે આપ્યો. એમને તો યશ મળ્યો. ખરેખર ઈશ્વરની અપાર દયા છે. બાકી આપણે લાયક તો નથી જ. આજે સૌને હર્ષનાં આંસુ આવે છે. પ્રભુનો પાડ માનીએ છીએ.’૧૫

ઉપવાસ પૂરા થયા ત્યાર પછી થોડા દિવસે જ, જૂન માસમાં શ્રી દેવદાસ ગાંધીનાં લગ્ન લક્ષ્મી રાજગોપાલાચારી જોડે થયાં. રાજાજી અને ગાંધીજી બંને વેવાઈ બન્યા. લક્ષ્મી અને દેવદાસે લગ્નનો વિચાર કર્યો પછી, વર્ષો સુધી દૂર રહેવાનો સંયમ જાળવ્યા બાદ થયેલ આ લગ્નથી કોને હર્ષ ન થાય? મહાદેવભાઈનો હરખ એમના ચહેરા પર વરતાઈ આવતો હતો. એમને મન તો જાણે સગા નાના ભાઈનાં લગન હતાં. અને તેય પાછા એવા પુરુષની દીકરી સાથે જેમની શોધ ગાંધીજીને ચૌદ વરસ પહેલાં મહાદેવભાઈએ જ કરી આપી હતી.

ગાંધીજી આ ઉપવાસ દરમિયાન પોતાના આશ્રમને બીજી એક તાવણીમાંથી પસાર કરવાનું વિચારી રહ્યા હતા. જેલમાંથી છૂટીને આવેલા મહાદેવભાઈને તેમણે એટલા સારુ જ તરત આશ્રમમાં મોકલ્યા હતા. ગાંધીજીની એક કલ્પના એવી હતી કે એક પછી એક ઉપવાસની મશાલ જલતી રહે. આશ્રમમાંથી કેટલા લોકો આવી તપશ્ચર્યા માટે તૈયાર થાય છે, તે પણ તેમને જાણવું હતું. એમ તો આખા આશ્રમને પણ થોડી વધારે આકરી કસોટીમાંથી પસાર કરવાની એમની ઇચ્છા હતી.

આશ્રમનાં બાળકોમાં તરત વાત ફેલાઈ ગઈ. હવે માત્ર આપણા પિતાઓ જ નહીં, પણ માતાઓ પણ જેલમાં જશે! બાબલાથી નાનાં આશ્રમનાં બાળકોમાં તે વખતે માત્ર ગુલામ રસૂલ કુરેશીનાં ત્રણ બાળકો હતાં. બીજાં કેટલાંક એના સમવયસ્ક અથવા થોડાં મોટાં. આશ્રમનાં દસ બાળકોને અનસૂયાબહેન સારાભાઈના સંચાલન હેઠળ ચાલતા હરિજન કન્યા છાત્રાલયમાં રાખવાનું નક્કી થયું. બાળકોને મિરઝાપુર રોડ પર આવેલ છાત્રાલયમાં મૂકી આવવાનું કામ મહાદેવભાઈ પર આવ્યું. આ આખા પ્રસંગનું થોડું વધારે વર્ણન આ લેખકે संत सेवतां सुकृत वाघेમાં કર્યું છે.૧૬ આ પ્રસંગનું વર્ણન કરતાં મહાદેવભાઈએ લખ્યું છે: ‘બાળકોને અનસૂયાબહેનને સોંપી આવ્યો. પાછા નીકળતાં મારી આંખો ભીની થઈ, અનસૂયાબહેન પણ ખૂબ રોઈ પડ્યાં અને પગે પડ્યાં.’ આ બાળકો પૈકી બહેન વનમાળા દેસાઈએ આ પ્રસંગનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે:

અમને મૂકવા જવાનું કામ બાપુએ મહાદેવકાકાને સોંપ્યું હતું. આશ્રમની રસ્તા પરની સૌની માનીતી ઘટાદાર આમલી નીચે સૌ ભેગાં થયાં હતાં. ભવિષ્યની કાંઈ ખબર નહોતી. પાછાં ક્યારે મળીશું એનો જરાય અંદાજ નહોતો. અમારાં માબાપ રડતાં હતાં. અમે રડતાં હતાં, પણ મહાદેવકાકા તો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. નાનાં બાળકોને માબાપથી વિખૂટાં પડવાનું બહુ કરુણ હતું. પોચા અને કોમળ દિલના મહાદેવકાકા માટે તો અસહ્ય જ હતું. અમે બધાં મોટરમાં ચડ્યાં અને આક્રંદ કરતી મોટર ઊપડી.

અનસૂયાબહેનને ત્યાં પહોંચ્યા પછી છૂટાં પડતી વખતે અમે મહાદેવકાકાને એવાં વળગ્યાં કે છોડીએ જ નહીં. હૈયા ઉપર પથ્થર મૂકી અમને છોડી એ પાછા ગયા. બીજે દિવસે સવારે તો બાપુજી સહિત બીજાં બધાં આશ્રમવાસીઓને પકડી લીધાં. એટલે અમારે પછી મળવાનું થયું જ નહીં.૧૭

સરકારની યોજના સૌ આશ્રમવાસીઓને ગિરફતાર કરવાની હતી અને ગાંધીજીની યોજના એક પણ આશ્રમવાસી બહાર રહી જાય તો તેણે રાસ ગામ ભણી કૂચ કરવી એવી હતી. બીજે દિવસે, એટલે કે પહેલી ઑગસ્ટે તો આખું આશ્રમ વેરાન થઈ ગયું.

આગલી રાતે ૧–૨૦ વાગ્યે પોલીસટોળું આવ્યું. ગાંધીજી, કસ્તૂરબા અને મહાદેવભાઈની ધરપકડ કરી. શેઠ રણછોડદાસના બંગલાનાં પગથિયાં ઊતરતાં મહાદેવભાઈએ કાકાસાહેબના બાળને કહ્યું: ‘તને નથી પકડ્યો એટલે કાલે તારે કૂચ શરૂ કરવી.’ પણ પછીથી પોલીસ પાસેથી જાણ્યું કે આશ્રમમાં પણ ધાડ પડી હતી એટલે ગાંધીજીએ એમને કહ્યું કે જો બધા કૂંચવાળાને પકડવાના હો તો બાળ અહીં રહી જાય છે. એટલે પોલીસે બાળને પણ લીધો.

જેલને દરવાજે પહોંચતાં કલેક્ટરે નિવેદનો લીધાં. ગાંધીજીએ કહ્યું, ‘હું શાંતિ તોડનારો નહીં, પણ સ્થાપનારો છું, અને સવિનયભંગનો ઉદ્દેશ પણ આખરે શાંતિ સ્થાપવાનો છે.’ મહાદેવભાઈએ લખાવ્યું: ‘દેશમાં ડરનો રોગ ફાટી નીકળ્યો છે. તેને પહોંચી વળવા માટે અને સ્વરાજ મેળવવા માટે સવિનયભંગ આચરવાની અને તેનો પ્રચાર કરવાની મારી પ્રતિજ્ઞા છે.’

રાતે બે-અઢી વાગ્યે સાબરમતી જેલના એક યાર્ડમાં બંને સૂતા. જેલની તૈયારીમાં માત્ર બે ખાટલા જ ઢાળેલા હતા.

ગાંધીજીએ કહ્યું: ‘ટિળક મહારાજની પુણ્યતિથિ આજે કેવી રૂડી રીતે ઊજવાઈ? ગાંધીજીએ પહેલું કામ હરિજન કામ માટેની છૂટ માગવાનું કર્યું. જેલ સુપરિન્ટેન્ડેન્ટ અડવાણીએ ખબર આપી કે કસ્તૂરબા અને મીરાંબહેનને સાથે મૂક્યાં છે.

સવારે બાફેલી દૂધી આવી હતી તેમાંથી મહાદેવભાઈએ સૂપ બનાવ્યું. સાંજે કસ્તૂરબાને દૂધી મોકલી. તેમણે ગાંધીજી માટે સૂપ કરીને મોકલ્યું. કસ્તૂરબાના હાથનું સૂપ લેવાનો આ લાંબા સમય સુધી છેલ્લો પ્રસંગ હતો. કારણ, સાંજે જ અડવાણીએ આવીને કહ્યું: ‘આપણી મિત્રાચારી ટૂંકી છે, તમે પોટલાં બાંધો.’

દરવાજે બોલાવવા આવે તે પહેલાં ગાંધીજીએ થોડી ઊંઘ કાઢી લીધી.

આગલે દિવસે કોઈક કારણસર મહાદેવભાઈએ દુર્ગાબહેન પર ગુસ્સો કર્યો હશે. તેનો વસવસો એમને ત્યારથી જ હતો. ગાંધીજી ઊંઘતા હતા તે ગાળામાં મહાદેવભાઈએ પત્ર લખીને દુર્ગાબહેનની માફી માગી અને ઈશ્વરે સૌની લાજ રાખી તેનો પાડ માન્યો.

સાબરમતી સ્ટેશનના સાઇડિંગમાં એક સલૂન તૈયાર જ ઊભું હતું. ગાંધીજી અને મહાદેવભાઈના બેસતાંની સાથે જ તે ઊપડ્યું.

સવારે સાન્તાક્રુઝ સ્ટેશને ઉતારી તેમને કારમાં પૂના લઈ ગયા. યરવડા જેલ આગળ જાણીતા જેલકર્મચારીઓ દેખાયા. એ લોકોના આવવાની અગાઉથી કોઈને જાણ કરવામાં નહોતી આવી. યાર્ડમાં પેસીને વલ્લભભાઈને જોવા ઝંખતા હતા. ત્યાં ન મળે વલ્લભભાઈ કે ન મળે છગનલાલ જોષી. બારણે સીલ મારેલાં હતાં. માળો જેમનો તેમ હતો, પણ પંખી ઊડી ગયાં હતાં. પાછળથી ખબર પડી કે વલ્લભભાઈને ઑપરેશનનું બહાનું કાઢીને લઈ જઈને નાશિક ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને જોષીને સેપરેટમાં મૂકવામાં આવ્યા હતા.

બીજે દિવસે टाइम्सમાં લખેલું હતું કે ગાંધીને પૂના લાવીને પછી તુરત જ છોડીને, જો હુકમનો ભંગ કરશે તો પાછા પકડવામાં આવશે. આગલી સાંજે જ ગાંધીજીએ ગૃહમંત્રીને પત્ર દ્વારા જણાવ્યું હતું, હુકમ કાઢીને શા સારુ જાહેર અનાદર કરાવી તમને અગવડમાં મૂકવાની અમને તક આપો છો?! તે કાગળ ગાંધીજીએ તરત જ જેલ અધિકારીને સુપરત કર્યો. અધિકારીએ જતાં જતાં કહ્યું: અહીં પાછા આવતાં તમને આનંદ થયો લાગે છે. આ તો તમારું બીજું ઘર. ગાંધીજીએ કહ્યું: ‘બીજું નહીં, આ એક જ ઘર છે.’ સાથે લઈ જવા માત્ર કપડાંની ગાંસડી બાંધી. નવ વાગ્યામાં દસ મિનિટે એક અધિકારીએ આવીને હુકમો બતાવ્યા. પછી કહ્યું કે સામાન ભલે જેલમાં પડ્યો. ‘પર્ણકુટી’માં જજો, મિત્રોને મળજો અને ‘પર્ણકુટી’ નહીં જાઓ તો હુકમનો અનાદર કરેલો ગણાશે. આ હુકમો પર સહી મૅજિસ્ટ્રેટની નહીં, પણ મૅક્સવેલની હતી. ખાનગી ટૅક્સીમાં બેસાડી પૂછ્યું: ‘પર્ણકુટી’માં જવું છે? ગાંધીજીએ કહ્યું કે અહીં જ ફરતા રહીશું, ક્યાંક શાંત સ્થળે લઈ જાઓ. એમને પાસેના એક બંગલા આગળ લઈ ગયા. ત્યાં મૂકીને ટૅક્સી આઘે ગઈ. મહાદેવભાઈએ ટપાલ ખોલીને વાંચી એટલામાં તો પાછા પકડવા આવી પહોંચ્યા. દસ વાગ્યે જેલમાં પાછા દાખલ થતાં ગાંધીજીએ કહ્યું: ‘મોટરની સહેલ સારી થઈ!’

જેલમાં જતાંની સાથે ગાંધીજીએ માગણી કરી હતી કે હરિજન કામ કરવાની તેમને રજા મળવી જોઈએ. કારણ, એ કામ તેમને પ્રાણ સમાન હતું.

બંને જણને એક એક વર્ષની સાદી જેલની સજા થઈ. મહાદેવભાઈએ કહ્યું, ‘આપની સાથે આવવામાં આટલો લાભ. આસાન જેલ અને દંડ નહીં.’

કસ્તૂરબા અને બીજી પંદર બહેનો અને સોળ ભાઈઓને છ-છ માસની સજા થઈ. દુર્ગાબહેન અને પ્રેમાબહેન કંટકને ‘બ’ વર્ગ મળ્યો. ગાંધીજીએ ખડખડાટ હસીને કહ્યું કે ‘બ’ વર્ગ મેળવવા માટે સેક્રેટરીની વહુ થવું પડે!

આ વખતે યરવડા જેલમાં ગાંધીજી અને મહાદેવભાઈને વલ્લભભાઈનો વિયોગ સાલતો હતો. ગાંધીજી એક કરતાં વધારે વાર ભર્તૃહરિ નાટકના ગીતની એક પંક્તિ યાદ કરતા હતા: ‘એરે જખમ જોગે નહીં મટે!’

હરિજન કામ અંગે લોકોને મળવા દેવાની, નવાં નીકળેલાં हरिजन સાપ્તાહિકો સારુ લેખો લખવા તથા તેના વ્યવસ્થાપકો કે સંપાદકોને મળવા દેવાની, આ પ્રશ્નને બરાબર સમજવા છાપાં વગેરે મેળવવાની જે છૂટછાટ ગાંધીજીએ માગી હતી, તે ન મળે તો ઉપવાસ પર ઊતરવાનો ગાંધીજીનો વિચાર પાકો થતો હતો. સરકારે જે જવાબ આપ્યો તેમાં જાણે કે ગાંધીજી નિયમો પોતાની મેળે પાળવા માગતા હતા તેને વિશે અવિશ્વાસ હોય એમ લાગતું હતું. આમ તો ગાંધીજી ઉપવાસ ન કરવાનો વિચાર કરતા હતા, તે નિર્ણય તેમણે બદલ્યો. તેમણે પોતાનું ધ્યાન આ બાબત ખેંચવા સારુ મહાદેવભાઈનો પાડ માન્યો અને એમ પણ કહ્યું કે, ‘આવી જ રીતે મને મારી નબળાઈઓમાંથી બચાવતા રહેજો.’૧૮

टाइम्स છાપું પણ ગાંધીજીને વચ્ચે વચ્ચેથી કપાયેલું મળતું હતું. ગાંધીજીએ એને અંગે ફરિયાદ કરી હતી. કર્નલ માર્ટિન નામના જેલ અધિકારીએ કહ્યું કે એ તો બીજા કેદીઓ સારુ કેટલાક ભાગ કાપી નાખવામાં આવે છે, પણ ગાંધીજીને તેઓ તે જોવા આપશે. પણ ઉપલા અધિકારીઓએ તેમ કરવાની મનાઈ કરી. તેથી તેઓ એ કાપલી ન લાવી શક્યા. વળી તેમણે જેલના દાક્તર જોડે ડૉ. ગિલ્ડરને પણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું. પણ તેમને તેમ પણ ન કરવા દેવામાં આવ્યું. આ બધાં લક્ષણો એમ સ્પષ્ટ કરતાં હતાં કે સરકારે આ વખતે ગાંધીજીને કોઈ પણ પ્રકારની છૂટછાટ ન આપવાનો નિશ્ચય કરી લીધો હતો.

ઉપવાસના પાંચમા દિવસે કસ્તૂરબા મળવા આવ્યાં. એ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈના જ શબ્દોમાં જોઈએ:

એનાં એ જ બા. એમના દિલમાં દુ:ખના દરિયા હશે પણ મુખમુદ્રા ઉપર અપાર શાંતિ. બાપુ એનિમાનું પાણી લઈને પાટ ઉપર સૂતેલા હતા. એમને પ્રણામ કરીને બાપુની છાતી ઉપર માથું મૂક્યું. મારી આંખમાં પાણી આવ્યાં, પણ એમની આંખમાં એકે આંસુ નહીં. હસમુખે મોઢે કહ્યું: ફરી પાછું ઉપાડ્યું! મને તો જેલર અને સુપરિન્ટેન્ડેન્ટે આવવાનું કહ્યું ત્યારે મને થયું કે ના કહું, પણ ના કહેવાની ન હોય એમ ધારીને મેં ના ન કહી. અહીં આવીને સ્નાન કર્યું, અને મળવાને તૈયાર થઈ. સુપરિન્ટેન્ડન્ટે સંભળાવ્યું કે તમને સાથે રાખવાના ઑર્ડર નથી આવ્યા. કારણ, ગાંધી તો યુરોપિયન યાર્ડમાં છે, પણ પંદર મિનિટ તમને મળવા લઈ જાઉં. મેં કહ્યું: ત્યારે મને અહીં લાવવી નહોતી. મેં ક્યાં માગણી કરી હતી કે લઈ જાઓ? બાપુ ખુશ થઈ ગયા. અને પોતાની સંમતિ માથું હલાવીને દર્શાવતા ગયા.

બીજી બહેનોની બાપુએ ખબર પૂછી. બાએ બધીના ખબર આપ્યા. દુર્ગા અને પ્રેમાને કેમ સાથે રાખવામાં આવ્યાં, પ્રેમાએ કેમ પાછો ‘સી’ ક્લાસ માગ્યો, એમને કેમ ‘સી’માં લઈ ગયા અને પાછા ‘બી’માં લાવ્યા વગેરે વાતો કરી. બીજે દિવસે બધાંને છોડ્યાં ત્યારે ભાઈબહેનો બધાં મળ્યાં હતાં.

બા કહે: અમને હુકમ આપ્યો ત્યારે ઘડીક વાર વિચાર થયો કે અમદાવાદ જઈને હુકમ તોડીએ. અમને કહેવામાં આવ્યું હતું કે રસ્તામાં જ તમને પકડશું. તો મેં કહ્યું: ત્યારે લો, આ બેઠાં, પકડવાં હોય તો પકડો. કેટલીક બહેનોને એ ન ગમ્યું. પોતાનાં છોકરાંઓને મળવું હતું. મેં એમને કહ્યું: મારી ભૂલ થઈ, પણ હવે શું થાય?

અમતુલની તબિયત નરમ છે, દૂધ લેવાની ના પાડે છે, એની પણ વાત કરી. પ્રથમ દિવસે લીલાવતી ખૂબ રોઈ. આ બધું બતાવે છે કે બહેનોમાં મેળ કેટલો ઓછો છે. આધ્યાત્મિક ઉત્કૃષ્ટતા મેળવવામાં પણ કેટલી અતિશયતા થાય છે, કેટલા ખાડા નડે છે?

બાપુએ મુલાકાતને અંતે પોતાનાં વચન લખ્યાં: ‘તું બહાદુર રહેજે. પંદર મિનિટ માટે ન આવજે. હવે તને લઈ જવી હોય તો ભલે લઈ જાય. બધી બહેનોને આશીર્વાદ દેજે. મારી રક્ષા ઈશ્વર કરશે.’

બા કહે: કરશે જ, પણ તમે હવે ઉપવાસ ઝટ ઝટ છોડો…

જાણે બાએ આવીને બાપુના પ્રાણમાં પ્રાણ રેડ્યા, નવા લોહીનો સંચાર કર્યો, નવી આશા અને વિશ્વાસ પૂર્યો. આવી બહાદુરી આગળ કોણ હિંમત હારી શકે?૧૯

તે જ દિવસે થોડી વાર પછી ગાંધીજીને હૉસ્પિટલમાં ખસેડવાનો આદેશ આવ્યો. ત્યાર પછીનું વર્ણન મહાદેવભાઈના શબ્દોમાં:

કટેલી આવ્યા અને બાપુને ઇસ્પિતાલમાં લઈ જવાને ઍમ્બુલન્સ આવે છે એવી ખબર આપી. સામાન બધો અડધા કલાકમાં પૅક કર્યો.

‘અહીંનો સોડા તો એક વાર પી લેવા દો!’ એમ લખી આપ્યું, અને મેં પ્યાલો ભરીને આપ્યો.

છેવટે મેં કહ્યું: પહેલા ઉપવાસે વલ્લભભાઈને છૂટા પાડ્યા અને બીજાએ મને છૂટો પાડો છો.

એટલે લખ્યું: ‘ઈશ્વર બધી રીતે આપણને તાવી રહ્યો છે. આજના ભજનમાં એ જ હતું ના? “મહાકષ્ટ પામ્યા વિના”. ગમગીન થવું જ નહીં. જે સમયે જે આવે તે સુખેથી સહી લેવું. આવતી ક્ષણનો વિચાર ન કરવો.’

મેં કહ્યું: ગમગીનીની વાત નથી. મારે તો વિયોગ સહન કરવાનો રહ્યો, પણ આપનું તો કુશળ જ છે. જે દિવસે સાથે પકડાયા તે દિવસે ક્યાં સ્વપ્નેય ખ્યાલ હતો કે સાથે રાખશે?

એટલે લખ્યું: ‘આજનો લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે, — એ ચાર્વાક પણ કહે અને ભક્ત પણ કહે.’

મને ગઈ કાલે રાત્રે ‘મહાકષ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મળ્યા’ એ યાદ આવ્યું. એનું રટણ ચાલ્યા કીધું અને આજે પ્રભાતે એ સરસ રીતે ગાયું. જતાં જતાં બાપુએ યાદ કર્યું કે એ પણ લહાવો જ છે ના?

આમ ઘડીક વારમાં હું એકલો થઈ ગયો. ઈશ્વરની ગતિ અકળ છે, તેમ સરકારની પણ. સરકારનું યંત્ર ચાલે છે તેમાંનો કોઈ ભાગ એકદમ અટકે છે અને ગતિ બદલાય છે ત્યારે પણ જે ભાગ એકદમ અટકે છે તે થોડા વખતમાં આપોઆપ પૂર્વની ગતિને બળે ચાલતો જ રહે છે. તેની સ્પષ્ટ નિશાની તરીકે હું આજે બહાર સૂવાની મજા ભોગવું છું એટલું જ નહીં પણ બાપુની સેવા માટે ત્રણ કેદીઓ જે બહાર સૂવા માટે આવેલા તેમને પણ આજે બહાર સૂવાનું મળ્યું. હજી બાપુને માટે આવેલા બરફના ઢગલા પડ્યા છે. કદાચ બાપુને માટે સવારે ચાર વાગ્યે કેદીઓને જગાડવા સિપાઈ આવે છે, તેયે આવશે.૨૦

ત્યાર બાદનું વર્ણન શ્રી નરહરિભાઈ પરીખના શબ્દોમાં:

બાપુને યરવડા જેલમાંથી સાસૂન હૉસ્પિટલમાં લઈ ગયા અને મહાદેવભાઈની બેલગામ જેલમાં બદલી કરવામાં આવી. સાસૂન હૉસ્પિટલમાં બાપુની તબિયત ઝપાટાબંધ બગડવા માંડી. એકવીસ દિવસના ઉપવાસ ૨૯મી મેએ પૂરા થયા અને ૧૬મી ઑગસ્ટે છેલ્લા [એટલે કે ત્રીજી વખતના] ઉપવાસ શરૂ થયા. આમ એકવીસ ઉપવાસને ત્રણ મહિના પૂરા નહોતા થયા ત્યાં પાછા આ ઉપવાસ આવ્યા. એટલે આ વેળા શરીરને કષ્ટ બહુ જ પડ્યું. એમાંય ૨૪મી પહેલાંના બેત્રણ દિવસની શારીરિક વેદના બહુ જ વિષમ હતી. બાપુએ પોતે જ છૂટ્યા પછી લખેલા એક કાગળમાં પોતાની સ્થિતિનું વર્ણન કર્યું છે: ‘હું તો આશા છોડીને બેઠો હતો. ૨૩મીએ રાત્રે જ્યારે ઊલટી થઈ ત્યારે મને થયું હવે વધારે નહીં ટકી શકાય. મૃત્યુ સામે બાથ નહીં ભીડી શકાય. ૨૪મીએ બપોરે તો મારી પાસેની વસ્તુઓનું દાન પણ કરી દીધું.

નર્સો તથા બરદાસીઓને વરસ્તુઓ પણ આપી દીધા પછી કહી દીધું કે હવે મને કોઈ બોલાવશો નહીં અને મને પાણી પણ આપશો નહીં. બા પાસે હતાં તેમને પણ જવાનું કહ્યું. અને આંખો મીંચી રામનામ લેવા માંડ્યું. બા તો બિચારાં સ્તબ્ધ થઈને ઊભાં રહ્યાં.

આ જ વખતે મિ. ઍન્ડ્રૂઝ, જેઓ મુંબઈના ગવર્નરને ત્રણ દિવસથી બાપુને છોડી મૂકવાનું સમજાવી રહ્યા હતા તેઓ પોતાના પ્રયત્નમાં સફળ થયા અને બાપુને છોડાવવાનો હુકમ લઈને મારતી મોટરે હૉસ્પિટલમાં આવ્યા. અને ત્યાંથી બાપુને તથા બાને પોતાની સાથે લઈને ‘પર્ણકુટી’માં ગયા.

તબિયત જરા સારી થઈ એટલે બાપુએ જાહેર કર્યું કે જોકે રારકારે એમને છોડી મૂક્યા હતા, છતાં એક વરસની સજાની મુદત પૂરી થાય ત્યાં સુધી એટલે કે ૧૯૩૪ના ઑગસ્ટની ત્રીજી સુધી પોતે સીધી રીતે સવિનયભંગ લડતમાં ભાગ નહીં લે અને બધો વખત મુખ્યત્વે હરિજનકાર્યમાં ગાળશે. ત્યાર પછી તેમણે ઐતિહાસિક હરિજનપ્રવાસ શરૂ કર્યો અને અસ્પૃશ્યતાનિવારણ માટે તથા તેને અંગે ફાળો એકઠો કરવા આખા દેશમાં ભ્રમણ કર્યું.૨૧

એ યાત્રા ૧૯૩૩ના નવેમ્બરથી શરૂ થઈને ૧૯૩૪ના જૂન માસ સુધી ચાલી.

છૂટ્યા પછી ૩જી સપ્ટેમ્બરે એક પત્રમાં ગાંધીજી જવાહરલાલજીને લખે છે:

‘બિચારો મહાદેવ બેલગામ છે. આવી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું સારું છે.’૨૨

બાહ્ય દૃષ્ટિએ બેલગામની હિંડળગા જેલ મહાદેવભાઈ સારુ અગ્નિપરીક્ષા જ નીવડી. ત્યાંના જેલ અધિકારીઓ ગુજરાતી ભાષા ન જાણતા હોવાને લીધે એમને ગુજરાતીમાં પત્ર લખવાની મનાઈ કરવામાં આવી. દુર્ગાબહેન કે નારાયણ બંને અંગ્રેજી ભાષા સમજતાં નહોતાં. તેથી પરિવાર જોડેનો મહાદેવભાઈનો પત્રવ્યવહાર મહિનાઓ સુધી બંધ રહ્યો. એમને જે ખોલીમાં રાખવામાં આવ્યા હતા તે એક રીતે જુઓ તો એકાંતવાસની સજા સમાન જ હતી. કારણ, એમને એક ગુનાઇત કેદીનો સાથ મળ્યો હતો, પણ તે કન્નડ સિવાય બીજી ભાષા જાણતો નહોતો તેથી તેની સાથે વાતચીત થઈ શકે એમ નહોતું. અલબત્ત, એ કેદી સાથે પણ મહાદેવભાઈએ મધુર સંબંધ બાંધી દીધા હતા, પણ ખાસ વાર્તાલાપ થઈ શકતો નહોતો. સગાંવહાલાંને આ જેલમાં મુલાકાતની છૂટ તો હતી, પણ બેલગામ સાબરમતીથી એટલું દૂર પડતું હતું કે આખી મુદત દરમિયાન દુર્ગાબહેન અને નારાયણ માત્ર બે વાર એમને મળવા જઈ શક્યાં હતાં. આ જેલમાંથી ૧૯૩૪ના મે માસમાં જ્યારે મહાદેવભાઈ છૂટીને આવ્યા ત્યારે તેઓ એમ તો માત્ર બેંતાળીસ વરસના હતા, પણ એમનો ચહેરો સાવ બદલાઈ ગયો હતો. એની ઉપર વાર્ધક્યનાં ચિહ્નો સ્પષ્ટપણે દેખાવા લાગ્યાં હતાં. એમના માથા પર જે વાળ બચ્યા હતા તે સફેદ થઈ ગયા હતા. કેટલાક દાંત પડી જવાને કારણે જડબું બેસી ગયેલું લાગતું હતું. એમના કપાળ પરની કરચલીઓ વધી ગઈ હતી.

આ જેલમાં એમને પુષ્ટ કરનાર કોઈ તત્ત્વ હોય તો તે ગીતારૂપી અમૃત જ હતું. તેમણે હિંડળગામાં ગાંધીજીના अनासक्तियोगનું અંગ્રેજી ભાષાંતર શરૂ કર્યું પણ તેમ કરતાં તેમને એને અંગે પોતાની નોંધો ઉમેરવાની જરૂર લાગી. અનુવાદની સાથે સાથે તો તેમણે સ્વતંત્ર નોંધો કરી જ પણ આખા પુસ્તકની પ્રસ્તાવના સમાન ‘માઈ સબમિશન’ (નૈવેદ્ય) નામનું એક પ્રકરણ તેમણે ઉમેર્યું જે મૂળ ગ્રંથ કરતાં મોટું હતું. આ ગ્રંથમાં તેમણે સંખ્યાબંધ વિદ્વાનોના વિચારો જોડે સરખામણી કરી. દરેક વિદ્વાનનાં પુસ્તકો તેમને જેલમાં મળી નહોતાં શક્યાં. તેથી ત્યાં તો એમના અભિપ્રાયોને સ્મરણથી જ ટાંક્યા. છૂટ્યા પછી એની સરખામણી મૂળ ગ્રંથોનાં વચનોની જોડે કરવામાં આવી તો બહુ થોડી જગાએ એ ઉતારાઓમાં સહેજસાજ ફેરફાર કરવા પડ્યા હતા. જેલમાંથી નીકળ્યા પછી પોતાની હસ્તપ્રત તેમણે ગાંધીજીને જોવા આપી. એમની સંમતિ મેળવ્યા બાદ જ તેઓ એ ગ્રંથને પ્રકાશકો પાસે મોકલવા માગતા હતા. પરંતુ ગાંધીજી પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓને કારણે લાંબા ગાળા સુધી હસ્તપ્રત તપાસી શક્યા નહીં. અંતે એ કામ તેમણે મહાદેવભાઈના મૃત્યુ પછી લગભગ ચાર વર્ષ ૧૯૪૬ના ઑગસ્ટ માસમાં પાર પાડ્યું. એ પુસ્તકમાં પોતાની લાક્ષણિક ટૂંકી પ્રસ્તાવનામાં ગાંધીજી આ બધો ઇતિહાસ આપીને કહે છે:

૧૯૩૩–’૩૪ના કારાવાસ દરમિયાન (મહાદેવભાઈએ) કરેલ અવિરત પ્રયાસનું આ ફળ છે. એનું પાનેપાનું એમની વિદ્વત્તા અને જેલમાં તેઓ ભગવદ્ગીતા અંગે જે કાંઈ મેળવી શક્યા તેના બહોળા અધ્યયનની સાખ પૂરે છે. એનું નિમિત્ત તો બન્યું એ દિવ્ય ગ્રંથના મારી સમજ મુજબનું ગુજરાતી ભાષાંતર ગીતાના મારા અર્થઘટનનું ભાષાંતર કરવા જતાં એમને પોતાને જ મૌલિક ભાષ્ય લખવું પડ્યું છે… ખરું કહું તો મારામાં કશી વિદ્ધત્તા નથી. તેથી મેં તો મહાદેવના પુસ્તકનો ઇતિહાસ વર્ણવીને સંતોષ માન્યો છે. ભાષાંતરની બાબતમાં તે ચોક્કસ થયું છે એની હું ખાતરી આપી શકું એમ છું. એમણે મૂળ ભાષાંતરનો અર્થ બરાબર ઝીલ્યો છે…૨૩

ગાંધીજીને માંદગીને લીધે જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા પછી તેમણે હરિજનસેવાના કામ સારું યાત્રા કરી ત્યારે હિંડળગા જેલમાંથી अनासक्तियोगનું અંગ્રેજી ભાષાંતર કરતાં પોતાને પડતી કોઈ મુશ્કેલીનું વર્ણન કરીને મહાદેવભાઈએ ગાંધીજીને પત્ર લખ્યો હશે. હરિજન-યાત્રામાંથી નવેમ્બર ૧૯૩૩ની ૨૩મીએ ગાંધીજીએ એનો જે જવાબ લખ્યો તે પોતાના ગુજરાતી ભાષાંતર અને મહાદેવભાઈએ જે અંગ્રેજી ભાષાંતર કરી રહ્યા હતા તેને અંગે ગાંધીજીનું વલણ કેવું હતું તે સ્પષ્ટ કરે છે. નીચે તે પત્રનો કેટલોક ભાગ આપ્યો છે. મહાદેવભાઈએ જે શ્લોકના ભાષાંતર અંગે પ્રશ્ન ઉઠાવેલો તેને વાંચતાં, મૂળ વાંચતાં અને બધું સ્પષ્ટ કરતાં જે વખત લાગે તેટલો કાઢવો ગાંધીજી માટે શક્ય નહોતો એમ જણાવી તેઓ કહે છે:

અત્યારે તો હું એટલો સમય આપી શકું એમ નથી. પછી એક પ્રશ્ન ઊઠે છે — હું તમને વધારે મદદ કરી શકીશ? મને ડર છે કે નહીં કરી શકું. કારણ, તમે કહો છો તે સાવ સાચું છે. સ્વામીએ૨૪ મારા પોતાના અનુવાદની કરેલી માગણીને મારે વશ થવું જોઈતું નહોતું; … અનુવાદના કામમાં આગળ વધતો ગયો તેમ એ કામ માટેની મારી અયોગ્યતાનું મને ભાન થવા માંડ્યું. છતાં મેં એ કામ ચાલુ રાખ્યું. તમે જોયેલી ક્ષતિઓ એમાં છે જ… મારામાં જે નથી તે વિદ્વત્તા હું કેવી રીતે આપી શકું? સંસ્કૃતના સારા જ્ઞાનનો અભાવ એ મોટી ખામી હતી. એનો ઉપાય સ્પષ્ટ છે. તમે તમારું ભાષાંતર કર્યે જાઓ. મારો વિચાર સ્પષ્ટ થાય એટલા પૂરતી તમે મારા ભાષાંતરની મદદ લેજો, પણ હંમેશ એને અનુસરશો નહીં. તમને સ્વીકાર્ય હોય તે ભાષાંતર તમે આપજો. ખામી હોય ત્યાં ભાષાંતર સુધારજો અને મઠેરવા જેવું લાગે ત્યાં ભાષા પણ મઠેરજો. બધું ફરીથી લખજો. અને જરૂર હોય ત્યાં નોંધ ઉમેરજો. એમ તમારું કામ પૂરું થશે. પછી જ્યારે કરેલું બધું મારા હાથમાં આવશે ત્યારે હું મારો હાથ અજમાવીશ અને એમાં મારો ઘટાવેલો અર્થ બહાર આણવા પૂરતા ફેરફાર કરી લઈશ. એ તો હું સહેલાઈથી કરી શકું. પછી આપણે ગુજરાતીમાં સુધારેલી આવૃત્તિ બહાર પાડીશું અને તમારું અંગ્રેજી ભાષાંતર પ્રસિદ્ધ કરીશું. એમ કરવાથી તમારી ટીકાના મારા વિગતવાર જવાબને અભાવે તમારે તમારું કામ રોકી રાખવું નહીં પડે. હું તમારી ટીકાઓ મિત્રોને બતાવીશ, તેમનો અભિપ્રાય લઈશ અને બધું તમને જણાવીશ.૨૫

ગાંધીજીને મહાદેવભાઈની ટીકાઓ જોઈને એને વિશે લખવાનો તો પછી કદીય સમય મળ્યો જ નહીં. જેલમાંથી છૂટ્યા પછી મહાદેવભાઈએ ગાંધીજી સાથે બેસીને આખા પુસ્તકની હસ્તપ્રત જોઈ જવાની આકાંક્ષા રાખેલી. પણ તેયે પૂરી થઈ શકી નહીં. મહાદેવભાઈની ડાયરીઓની માફક ध गॉस्पेल ऑव सेल्फलेस एक्शन ओर गीता अॅकोर्डिंग टु गांधी પણ મહાદેવભાઈના મરણ પછી પ્રસિદ્ધિ પામ્યું.

અનેક દેશીવિદેશી વિદ્વાનોના મત મુજબ મહાદેવભાઈનો આ ગ્રંથ કદાચ એમની ડાયરીઓ પછીનો સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથ હતો. વૉર રેઝિસ્ટર્સ ઇન્ટર નૅશનલના વર્તમાન અધ્યક્ષ નૉર્વેના શ્રી યોર્ગન યોહાનસન કહે છે: ‘મારે ગાંધીનું મૂળ સમજવું હતું. એ મૂળ મને મહાદેવે આપેલી ગીતામાંથી મળ્યું. મેં એ પુસ્તક નવ વાર વાંચ્યું છે અને દર વાચન વખતે મને એમાંથી નવા નવા રસના ઘૂંટડા મળ્યે જ જાય છે.’૨૬

નોંધ:

૧.   महादेवभाईनी डायरी – ૨ : પૃ. ૮૮.

ર.   એજન, પૃ. ૮૯.

૩.   એજન, પૃ. ૯૭.

૪.   એજન, પૃ. ૯૬.

પ.   એજન, પૃ. ૯૬.

૬.   એજન, પૃ. ૯૬.

૭.   એજન, પૃ. ૯૬.

૮.   એજન, પૃ. ૮૮.

૯.   એજન, પૃ. ૧૪૪થી ૧૪૬.

૧૦.   એજન, પૃ. ૧૪૬-૧૪૭.

૧૧.   महादेवभाईनी डायरी – ૩ : પૃ. ૪૧૭.

૧૨.   महादेवभाईनी डायरी – ૨ : પૃ. ૨૫૭.

૧૩.   એજન, પૃ. ૩૭૧.

૧૪.   महादेवभाईनी डायरी – ૩ : પૃ. ૩૪૨–૩૪૩માંથી સારવીને.

૧૫.   ગ. મા.નાંદુરકર: सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૨૨૭, તા. ૨૯–૫–૧૯૩૩.

૧૬.   નારાયણ દેસાઈ: संत सेवतां सुकृत वाघे: પ્રકરણ-૬, બાલગોવિંદ પ્રકાશન.

૧૭.   शुक्रतारक समा महादेवभाई : પૃ. ૧૨૯-૧૩૦.

૧૮.   महादेवभाईनी डायरी – ૩ : પૃ. ૩૫૦.

૧૯.   એજન, પૃ. ૩૬૨–૩૬૩.

૨૦.   એજન, પૃ. ૩૬૩–૩૬૪.

૨૧.   એજન, પૃ. ૩૬૫. સંપાદકની નોંધ.

૨૨.   गांधीजीनो अक्षरदेह – ૫૫ : પૃ. ૩૯૯.

૨૩.   મહાદેવ દેસાઈ: ध गीता अेकोर्डिंग टु गांधी: પ્રસ્તાવનામાંથી કેટલોક અંશ, અનુ. નારાયણ દેસાઈ.

૨૪.   સ્વામી આનંદ.

૨૫.   गांधीजीनो अक्षरदेह – ૫૬ : પૃ. ૨૭૬–૨૭૭.

૨૬.   લેખક સાથે મુલાકાતમાં: ૧૯૯૧.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.